Operation Pukaar - 5 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન પુકાર - 5

ઓપરેશન પુકાર

વ્રજલાલ હિરજી જોષી

5 - ખતરનાક ખેલ

ધુડડડડ... ધડુમ... એકાએક જાણે આભ ફાટ્યું હોય તેવો આકાશમાં જોરદાર કડાકા થયાની બીજી જ સેકન્ડ સાપની જીભની જેમ લબકારા મારતી જોરદાર પ્રકાશપૂંજથી અંધકારના આવરણને તોડી વિજળીના પ્રકાશપૂંજ ચારે તરફ રેલાયો અને પછી મુશળધાર વરસાદ તૂટી પડ્યો.

ખામોશી... એકદમ ખામોશીભર્યા વાતાવરણમાં ગીચ જંગલની અંદર કેટલાય મોતના મરજીવા મક્કમ પગલે આગળ વધતા હતા.

વરસાદની ગતિ એકદમ તીવ્ર હતી. બારેમેઘ ખાંગા થઇને ધરતી પર વરસી રહ્યાં હતાં.

ખોફનાક જંગલ અને તેમાંય રાત્રિનો સમય અને બીજી તરફ ધોધમાર વરસાદ. ક્યાંય કશું જ દેખાતું ન હતું. થોડી થોડી વારે ગર્જનાના ધડાકા પછી વીજળી ધરતી પર એવી રીતે ત્રાટકતી હતી કે જંગલમાં ગીચ ઝાડીમાંથી રસ્તો કરતા આગળ જતા મેજર સોમદત્ત અને તેના સાથીઓને લાગતું હતું કે હમણાં જ વીજળી તેઓના પર ત્રાટકશે. ખોફ અને બિહામણાં જંગલમાં ક્યાંય કશો જ અવાજ ન હતો. ફક્ત ઝીંકાતા વરસાદનો અવાજ ભેંકાર સન્નાટામાં ડર પેદા કરતા હતો.

સૌએ શરીર પર રબર કોટેડવાળા શર્ટની નીચે તેવા જ રબર કોટેડ પેન્ટ પહેર્યા હતા. પગમાં ઘુંટણ સુધીના ચામડાના બુટ હતા. જંગલ ખોફનાક હતું કે ક્યારે સાપ, વીંછી જેવા ઝેરીલા જીવો પગમાં ડંખ મારે તે નક્કી ન હતું. ચારેકોર ખતરો મંડરાયેલો હતો તેથી ઘુંટણ સુધીના બુટ પહેરવા જરૂરી હતી.

સૌના હાથમાં એ.કે.56 મશીનગન હતી. સૌથી આગળ ચાલતા પ્રલયના હાથમાં લેઝરનો આછો પ્રકાશ વેરતી ટોર્ચ હતી જે જરૂર પડતાં જ ઉપયોગ કરતો હતો. તેની સાથે દિનતાંગ રસ્તો બતાવતો ચાલતો હતો. સૌ તેઓની પાછળ મકકમ પગલે આગળ વધતા હતા. વરસાદ અને કાદવ કિચડ ભર્યો રસ્તો ખરેખર એક-એક ઇંચ પર ખતરો મંડરાયેલો હતો.

“સર...! આપણે ક્યાં જઇ રહ્યાં છીએ તેની ખબર પડતી નથી અને...” કદમની વાત અધૂરી રહી ગઇ.

“સસસસ... ચૂપ...” એકદમ ધીમા અવાજ સાથે મેજર સોમદત્ત બોલ્યા. સૌ એકદમ ખામોશ થઇ પોતાની જગ્યાએ જરાય હલનચલન કર્યા વગર ઊભા રહ્યા. પ્રલયે પોતાના હાથમાંની લેઝર લાઇટ બંધ કરી દીધી.

“તમે સૌ અહીં જ ઊભા રહેજો. હું હમણાં જ આવું છું...” જવાબની વાટ જોયા વગર મેજર સોમદત્ત નીચે બેસી ગયા અને પછી વૃક્ષોના ઝૂડમાં ઘુસી ગયા. તેઓ જે જગ્યાએ હતા ત્યાંથી થોડે દૂર ખડખડ કરતી ટબાંગ સિયાંગ નદી ફુલ જોશમાં વહેતી હતી. તેના પર એક મોટો લાકડાનો પુલ બનાવેલો હતો અને તે પુલ પર કેટલાય સૈનિકો ભરી રાઇફલો સાથે પહેરો દઇ રહ્યાં હતાં. જે મેજર સોમદત્તની નજરે ચડતા તેઓએ સૌને તે જ જગ્યાએ થોભવાનું કહી, પોતે પુલ તરફ આગળ લાગ્યાં.

સરસ્વતી પર્વતના ખોળામાં નાચતી-ખેલતી નીકળતી ડિબાંગ સિયાંગ નદીમાં વરસાદને લીધે અત્યારે ઘોડાપુર આવેલા હતા. ધુમ્મમ... જોરદાર અવાજ સાથે તેના ઉછળતા પાણી એકદમ પુલને સ્પર્શતા-સ્પર્શતા આગળ વધી રહ્યાં હતાં.

નદીના પાણીના અવાજ સિવાય ત્યાં ખોફનાક સન્નાટો ફેલાયેલો હતો. હજુ વરસાદ પૂરઝડપે વરસી રહ્યો હતો.

જમીન પર મગરમચ્છની જેમ ચારે પગે સરકતા મેજર સોમદત્ત કિચડમાં રહીને આગળ વધતા હતા. અત્યારે તેઓ પૂરા કિચડમાં ગરકાવ થયેલા હતા. ફક્ત તેનું માથું જ બહાર દેખાતું હતું.

સરકતા-સરકતા તેઓ પુલ તરફ આગળ વધી રહ્યાં હતાં. પુલ પર ચોકી કરતાં સિપાઇઓ તેનાથી એકદમ અજાણ હતા.

પુલની એકદમ નજદીક પહોંચી મેજર સોમદત્ત ત્યાં જ ચીપકી રહી પુલ પર નિરીક્ષણ કરવા લાગ્યા.

થોડી-થોડી વારે થતાં વીજળીના પ્રકાશમાં પુલનુ ર્દશ્ય દેખાતું અને પછી ઘેરા અંધકારમાં ઓગળી જતુ હતું. મેજર સોમદત્તે જોયું તો પુલની તેની તરફ બે સિપાઇઓ હાથમાં રાઇફલો લઇને ઊભા હતા અને સામે છેડે પણ બે સિપાઇઓ ઊભા હતા. પુલની વચ્ચેના ભાગમાં એક લાકડાની કેબિન બનેલી દેખાતી હતી અને કેબિનના અંદરની આછો પ્રકાશ લાકડાની ધારોમાંથી બહાર દેખાતો હતો.

સામે જ બે સિપાઇઓ રાઇફલ લઇને ઊભા હતા અને તે આગળ વધે કે તરત વીજળીના થતા પ્રકાશમાં ચોક્કસ નજરે ચડી જાય તેમ હતા.

“હવે શું કરવું...?” મેજર સોમદત્ત વિચારમાં પડી ગયા. પણ પછી થોડી જ ક્ષણોમાં તેઓએ એક ખતરનાક નિર્ણય લઇ લીધો.

સિપાઇઓની સામે થઇને જવું એટલે મોતના મોંમાં માથું મૂકવા જેવું હતુ. મેજર સોમદત્ત કાદવમાં સરકતા પુલની એક તરફ આગળ વધ્યાં.

નદીનું પાણી એકદમ ઘુઘવાટ સાથે ધસમસી રહ્યું હતું. મેજર સોમદત્તે નક્કી કર્યું કે પાણીમાં ઘુસી જઇ પુલના વચ્ચેના ભાગમાં નીકળી ત્યાં બનેલી કેબિનમાં પહોંચી જવું. પણ તેઓ તે વિચાર એકદમ ખતરનાક હતું. પાણીના વહેણ એટલા ઝડપી હતા કે પાણીમાં પડી પુલની વચ્ચે જો તેઓ નીકળી ન શકે તો નદીના પાણીમાં જ વહી જાય.

મેજર સોમદત્તનો નિર્ણય આખરી હતો. એટલે મનને મક્કમ કરી એકાગ્રતા સાથે તેઓ કાદવમાં સરકતા નદીના વહેણ તરફ આગળ વધવા લાગ્યા.

પાણીના ધોધનો ઘુઘવાટ ખામોશ વાતાવરણમાં જોરદાર ધ્વનિ ઉત્પન્ન કરતો હતો. તેના ભીષણ અવાજ અને મેઘલી વરસતી કાળઝાળ અંધારી રાત ભલભલા મર્દના છાતીના પાટિયાને તોડી નાંખે તેમ હતા.

નદીના પુરપાટ વહેતા પાણીની એકદમ નજદીક પહોંચી મેજર સોમદત્ત પાણીની અંદર સરકી ગયા. બીજી જ ક્ષણે શોર મચાવતા પાણીના ધોધ સાથે તેનો દેહ ગુલાંટિયા ખાતો વધવા લાગ્યો. મેજર સોમદત્ત પોતાના દેહનું સમતોલન રાખવા અથાગ પ્રયાસ કરવા લાગ્યા, પણ પાણીનો વેગ એટલો બધો જોરદાર હતો કે તેને સફળતા મળતી ન હતી. ધીમે-ધીમે પાણીમાં તણાતો તેનો દેહ પુલની તરફ આગળ ધસી ગયો.

પાણીના ભયાનક શોર સિવાય કશું જ સંભળાતુ ન હતું. ક્ષણ માટે મેજર સોમદત્તનું મગજ સૂન થઇ ગયું. પણ પછીની બીજી જ ક્ષણે તેઓએ પોતાના મગજ પર કંટ્રોલ મેળવી લીધો.

પાણી સાથે ઉછળતો દેહ પુલની આગળ વધતો હતો. દેહને સ્થિર કરવા મેજર સોમદત્ત અથાગ પ્રયત્ન કરતા હતા. જો પુલની નીચેથી તેનો દેહ પસાર થઇને આગળ વધી ગયો તો પછી તેઓ પોતાનું રક્ષણ ક્યારેય કરી શકે તેમ ન હતા.

મેજર સોમદત્ત દાંત ભીંસ્યા. એક ઊંડો શ્વાસ લીધો અને પછી વહેતા પાણીમાં ગુલાંટ મારી તેનો દેહ લગભગ પુલની નજદીક પહોંચી ગયો હતો. પુલ અને મેજર સોમદત્ત વચ્ચે માત્ર એક જ ઇંચનું અંતર હતું. અચાનક ઉછળતા પાણી સાથે મેજર સોમદત્તનો દેહ પણ ઉપર ઉઠ્યો અને બીજી જ ક્ષણે મેજર સોમદત્તના જમણાં હાથનો પંજો પુલના લોખંડના સળીયામાં એકદમ સખતાઇ સાથે ચોંટી ગયો. મેજર સોમદત્તનો દેહ પાણીના વેગ સાથે આગળ ઢસડાયો અને ત્રાંસો થઇ પંજાના સહારે પુલની નીચે લટકી રહ્યો.

એક હાથના બળ પર લટકતા હાથે મેજર સોમદત્તે શરીરને બેલેન્સ રાખવાની કોશિશ કરતા હતા તો ધસમસતા પાણીના વહેણ તેને ઢસડી જવાની સતત કોશિશ કરતા હતા.

મેજર સોમદત્તે પોતાનો બીજો હાથ તે લોખંડના એંગલને પકડવાની કોશિશ કરતા હતા. પણ પાણીનો વેગ તેને તેમ કરવા દેતો ન હતો.

એક હાથના પંજા પર દેહની સાથે પાણીના વહેણનો સતત મારો આવતો હતો અને હાથમાંથી સળીયો છુટતાં-છુટતાં રહી જતો હતો.

મેજર સોમદત્તે દાંતને ભીંસ્યા. બાદ ઊંડો શ્વાસ લઇને રોક્યો અને પછી દુખતા હાથના પંજાને ધ્યાન આપ્ય વગર તેઓ હાથને ઉપર ઉઠાવવા લાગ્યા. ખૂબ જ મહેનત અને મુશ્કેલીઓ સામનો કરી તેઓ બીજા હાથથી સળીયાને પકડવા મથતા હતા.

અચાનક પાણીમાં વેગ આવ્યો અને ફરીથી તેઓને બીજો હાથ સળીયાથી દૂર થઇ ગયો. હવે તેનો સળીયો પકડેલો હાથ એકદમ કળજાઇ ગયો હતો અને સખ્ત દુખતો હતો. હવે બે-ચાર ક્ષણોમાં બીજા હાથમાં સળીયો નહીં આવે તો જે હાથમાં સળીયો પકડેલો હતો તે પણ છુટી જાય અને પોતે વહેણમાં તણાતા આગળ નીકળી જશે, વિચારી મેજર સોમદત્ત પકડેલા હાથને કોણીમાંથી વાળવા લાગ્યા. ‘જય મા ભવાની’ તેના મોંમાંથી માતાજીના નામનો પોકાર નીકળ્યો અને જાણે મા સમરથ ભવાની તેઓની મદદે આવ્યા હોય તેમ તેનો સળીયો પકડેલો હાથ વળી ગયો અને તેથી તેઓનો દેહ ઉપર ઊંચકાયો, અને પછી ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મેજર સોમદત્તે બીજા હાથને મજબૂતાઇથી સળીયા પર જકડી દીધો. હવે તેઓનો દેહ બંને હાથના સહારે પાણીમાં લટકતો હતો. તેઓ લટકતા લટકતા ઠંડા શ્વાસ લેવા લાગ્યા.

થોડી પળો બાદ બંને હાથની તાકાત વડે તેઓએ પોતાના શરીરને ઉપર ઉઠાવ્યુ અને પછી તેનો એક હાથ પુલની કિનારીના છેડા પર મજબૂતાઇ સાથે જકડાઇ ગયો. ત્યારબાદ ફરીથી શરીરને હાથની તાકાત વડે ઊંચું કરી બીજો હાથ પણ પુલની કિનારી પર જકડી દીધો. ત્યારબાદ તેઓ ધીરે-ધીરે પુલની રેલીંગ પકડી પુલની વચ્ચે બનેલી કેબિનના પાછળના ભાગમાં સરકી ગયા.

પાણીના જોરદાર ઘુઘવાટનો અવાજ જાણે કેટલાય પ્રેતો એકઠા થઇ ચીસો પાડી રહ્યાં હોય તેવો આવતો હતો.

મજેર સોમદત્તે ધીમે-ધીમે સરકતા કેબિનમાં બનેલી નાની બારી પાસે આવ્યા, અને પછી ડોક લંબાવી કેબિનની અંદર નજર કરી.

કેબિનની અંદર ત્રણ સિપાઇઓ બેઠા હતા અને તાસ ખેલી રહ્યાં હતા. તાસ ખેલતાં-ખેલતાં તેઓ શરાબના ઘુંટ ભરતા હતા. રમવામાં તેઓ એવા તલ્લીન હતા કે પુલ પર શું થઇ રહ્યું છે તેની પણ તેઓને દરકાર ન હતી. સામે પુલના બંને છેડા પર સિપાઇઓ તૈનાત હોવાથી તેઓ એકદમ નિર્ભય હતા.

લાકડાની તે કેબિનની દીવાલને ચીપકી મેજર સોમદત્ત ધીરે-ધીરે આગળની તરફ સરકી રહ્યાં હતા. અને પછી તેઓ કેબિનના દરવાજા પાસે આવી એકદમ સાવધાની સાથે ઊભા રહી ક્યાંય કોઇ હિલચાલ થતી નથી... તે શાંતિથી જોઇ રહ્યાં. ત્યારબાદ તેનો હાથ પોતાના ખિસ્સામાં સરક્યો. જ્યારે બહાર આવ્યો ત્યારે તેના હાથમાં રિવોલ્વર ચમકતી હતી.

તેઓના ચહેરાની ર્દઢતા જોઇ તેઓ કોઇ ખતરનાક વિચાર કરી રહ્યાં હોય તેવું દેખાતું હતું.

એક ઊંડો શ્વાસ લીધા પછી મેજર સોમદત્તે બુટ વડે દરવાજાને અંદરની તરફ ધીમેથી ધક્કો માર્યો. દરવાજો ફાઇબરનો બનેલો હોવાથી જરાય અવાજ કર્યા વગર ખુલી ગયો અને પછી મેજર સોમદત્ત સખ્ત ચહેરા સાથે દરવાજાની વચ્ચે ઊભા રહ્યાં. આછા પ્રકાશમાં તેઓનો ખૂનસ ભરેલો સખ્ત ચહેરો ખતરનાક લાગી રહ્યો હતો. તેઓના ચહેરા અને કપડાં પરથી હજુ પાણી નીતરી રહ્યું હતું.

કાળઝાળ ખોફભર્યા ચહેરા સાથે મોતના દૂત સમા ઊભેલા મેજર સોમદત્તને જોઇ ત્રણે સિપાઇ જાણે અચાનક ભોરીંગ નાગ ડંખ દઇ ગયો હોય તેમ ચમક્યા અને સ્તબ્ધ થઇ ગયા. તાસના પત્તા ખોલતાં હાથ એમને એમ રોકાઇ ગયા. એક સિપાઇ અચાનક જાણે સુનમુનમાંથી બહાર આવ્યો હોય તેમ ઝબક્યો અને પછી તેના હાથ થોડે દૂર દીવાલના ટેકે પડેલી રાઇફલ તરફ આગળ વધ્યા.

ફિસ...ના એકદમ ધીમા અવાજે સાથે મેજર સોમદત્તની રિવોલ્વરમાંથી ગોળી છૂટી અને રાઇફલ પકડવા આગળ વધેલા હાથના ફુરચા ઉડી ગયા.

પાણીના ઘુઘવાટમાં તેની ચીસનો અવાજ શમી ગયો.

“હું પૂછું તેનો સાચો જવાબ આપજો, નહીંતર મારા હાથમાંની રિવોલ્વર તમને હંમેશને માટે શાંત કરી દેશે.” કડક શબ્દોમાં બોલતાં મેજર સોમદત્તે કઠોર નજરે સિપાઇઓ સામે જોયું.

“પ... પ... પૂછો શું પૂછવા માંગો છો...?” ગભરાયેલો એક સૈનિક ધ્રુજતા અવાજે બોલી ઉઠ્યો.

“ઇન્ડિયન આર્મીના મેજરને અહીંથી પસાર થઇ આગળ જતા જોયા છે...?” મેજર સોમદત્તના અવાજમાં કઠોરતા હતી.

“અ... અમારી નાઇટ ડ્યુટી છે. રાત્રિના નવ વાગ્યા પછી અહીંથી કોઇ જ પસાર થયું નથી. પણ હા... દિવસમાં અહીં ચોકી પર રહેલા સિપાઇઓ દારૂ પીને નશામાં અર્ધબેહોશ ભરી હાલતમાં મળી આવ્યા હતા.”

મેજર સોમદત્ત સમજી ગયા કે પુલ પરના સિપાઇઓની આવી હાલત કરવા માટે મેજર કતારસિંગ અને તેની ટીમનો જ હાથ હશે.

“અત્યારે અહીં આસપાસ કેટલા સિપાઇઓ ચોકીપહેરો પર હાજર છે...?” તે ગભરાયેલા સિપાઇના કપાળ પર પોતાની રિવોલ્વર તાકી મેજર સોમદત્તે પૂછ્યું.

“અમે ત્રણ સિવાય પુલના બંને છેડે બે-બે સિપાઇઓ છે.”

“હું પુલનું નથી પૂછતો બેવકૂફ... હું તારા પુલની આસપાસની ચોકીઓની વાત કરું છું. સાચો જવાબ આપજે નહીંતર તું તો ગયો જહન્નમમાં.”

“અમારા સિવાય અહીંથી એક કિલોમીટરના અંતરે ચોકી આવેલી છે. અને ત્યાં લશ્કરનો પડાવ છે, ચોકીની આસપાસ...” તેના શબ્દ અધૂરા રહી ગયા.

“હરામખોર... તું આપણી સિક્રેટ બાતમી અજાણ્યા શખ્સને આપે છે... અને તે પણ આપણા દુશ્મનને...” ત્યાં ઊભેલા ત્રણ સિપાઇઓમાંથી એક જણ ચીલ્લાયો. તે ગુસ્સા સાથે મેજર સોમદત્તની સામે જોઇ રહ્યો.

મેજર સોમદત્તે તીખી નજરે તેની તરફ જોયું અને પછી રિવોલ્વરવાળો તેનો હાથ ઘુમ્યો.

ફિસ...અવાજ સાથે ગોળી છૂટી અને તીવ્ર ઝડપે આગના લિસોટા વેરતી ગોળી તે સિપાઇના છાતીમાં ઘુસી ગઇ.

તે સિપાઇ ચીસ પાડતો છાતી પર હાથ મૂકી નીચે પટકાયો. બે-ચાર ક્ષણ તડફડ્યો અને પછી તેનો દેહ શાંત થઇ ગયો.

પણ તેની ચીસનો અવાજ પાણીના ઘુઘવાટમાં પુલ પર ગુંજી ઉઠી.

અને પછી અચાનક ટપ... ટપ... ટપ... પુલ પર ચાલવાનો અવાજ આવવા લાગ્યો. કોઇ પુલ પરથી તે કેબિન તરફ આવી રહ્યું હતું.

ઠંડા પાણીમાં પલળેલા હોવા છતાં મેજર સોમદત્તના કઠોર ચહેરા પર પરસેવાનું બુંદ ટપકી રહ્યાં હતા.

દાંત કચકચાવી મેજર સોમદત્તે દાંત ભીંસ્યા અને પછી પોતાની રિવોલ્વરના ટ્રીગર પર ઝડપથી બે વખત આંગળી દબાઇ... “હવે સમય બગાડવો પાલવે તેમ નથી.” વિચારી મેજર સોમદત્તે બાકીના બંને સિપાઇની છાતીમાં ગોળી ધરબી દીધી.

બંને સિપાઇના ચહેરા પર ક્ષણ માટે આશ્ચર્યના ભાવ ફેલાયા જે બીજી જ ક્ષણે ગોળી લાગ્યાની પીડાઓ ચહેરા તરડાઇ ગયા અને ચીસ પાડતાં બને નીચે પટકાયા. તેઓ પણ તેના સાથીની પાછળ બીજી ટ્રેન પકડી ઉપર જવા માટે ખુદાગંજ એક્સપ્રેસમાં રવાના થઇ ગયા.

‘ટપ... ટપ... ટપ...’નો નિરંતર આવતો અવાજ કેબિનની નજદીક આવી રહ્યો હતો. મેજર સોમદત્ત હવે તેના અંદર આવવાનો ઇંતજાર કરી રહ્યાં હતાં.

એકાએક કેબિનના આથા અંધકારમાં સિપાઇનો ચહેરો ડોકાયો અને તે પૂરો અંદર આવી ગયો. અંદર સ્થિત પોતાના સાથીઓની લોહી ખરડાયેલી લાશો જોઇ તે ક્ષમ માટે સ્તબ્ધ થઇ ગયો તેના પગ આગળ વધતા અટકી ગયા. હબો-બકો થઇ તે ડોળા તાણી-તાણી લાશોને જોઇ રહ્યો હતો.

એ જ સમય હતો. તેના પર કાબુ મેળવવાનો.

મેજર સોમદત્ત ફર્શની છત પરથી જમ્પ મારી કુદ્યા. બીજી જ ક્ષણે તેનો દેહ તે સિપાઇની ઉપર આવીને પડ્યો. પડતાં મેજર સોમદત્તે પોતાના જમણા હાથ વડે તેની ગરદન પર નાગચુંડની જેમ ભીંસમાં લઇ લીધી.

તે સિપાઇ મેજર સોમદત્તનો ભાર ન ઝીલી શકતા ઊંધા મોંએ નીચે પટકાયો.

તે ચીસ પાડવા જાય તે પહેલા મેજર સોમદત્તના ડાબા હાથમાં પકડેલી રિવોલ્વરની નાળ તેના કપાળ પર સ્પર્શ કરતી સ્થિર થઇ અને બીજી ક્ષણે રિવોલ્વરનો ગોળો દબાયો.

ફિસ...ના અવાજ સાથે રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી તે સિપાઇના ભેજામાં સમાઇ ગઇ. મેજર સોમદત્તનના બીજા હાથનો ભરડો તેની ગરદન પર સખ્ત રીતે હોવાથી તેના મોંમાંથી ચીસ પણ ન નીકળી. તે સિપાઇ મેજર સોમદત્તના હાથમાં બે-ચાર ક્ષણો માટે તરફડ્યો. બીજી ક્ષણે તેની ગરદન નમી ગઇ અને આંખોમાંની રોશની બુઝાઇ ગઇ. તેનું ધબકતું હ્રદય બંધ પડી ગયું.

મેજર સોમદત્તે તેના દેહને નીચેની ફર્શ પર પડતો મૂક્યો પછી કેબિનની બહાર ગરદન ઘુમાવી બંને છેડે નજર કરી પણ પુલ પર એકદમ સન્નાટો પ્રસરેલો હતો. ક્યાંય કોઇ જ હિલચાલ ન હતી.

મેજર સોમદત્તે ધીરે ધીરે બહાર આવ્યા અને પછી સાવચેતીપૂર્વક નજર ઘુમાવતા-ઘુમાવતા કેબિનમાં પડેલી લાશોને બહાર ખેંચી કાઢી. ત્યારબાદ ઢસેડીને પુલની ધાર પાસે લાવી સિપાઇઓની લાશોને પાણીમાં પધરાવી દીધી. ત્યારબાદ તેઓ પુલ પર ચત્તા થઇને સૂઇ ગયા અને પછી છીપકલીની જેમ દીવાલ પર ચોંટીને ચાલે તેમ પુલ પર સરકતા તેઓ પુલના આગળના છેડા તરફ આગળ વધ્યા. તેઓના હાથમાં પકડેલી રિવોલ્વર ગમે ત્યારે આગ ઓકવા માટે તૈયાર હતી.

સરકતા સરકતા મેજર સોમદત્ત પુલના છેવાડે ઉભેલા બંને સિપાઇની એકદમ નજીક પહોંચી ગયા. પુલ પર ઓછો ઉજાસ ફેલાયેલો હતો પણ તે ઉજાસ પુલના ફર્શ પર પડતો ન હતો. જે મેજર સોમદત્તને માટે લાભકારી હતું.

ધીમે ધીમે મેજર સોમદત્ત પોતાનું શરીર સંકોરીને બેઠા થતા હતા, પણ તેઓની નજર સતત બે સિપાઇઓ તરફ હતી.

બેઠા થયા પછી ધીરેથી તેઓ ીને બેઠા થતા હતા, પણ તેઓની નજર સતત બે સિપાઇઓ તરફ હતી.

બેઠા થયા પછી ધીરેથી તેઓ ઊભા થઇ ગયા.

ત્યાં ઊભેલા સિપાઇઓમાંથી એકને પોતાની પાછળ થતી હિલચાલનો આભાસ થયો. સિપાઇએ ગરદન ઘુમાવી પાછળ જોયું.

તે જ વખતે મેજર સોમદત્તે છલાંગ મારી. તેના બંને હાથના પંજામાં તે બે સિપાઇની ગરદન સપડાઇ ગઇ.

બીજા સિપાઇને તો ખ્યાલ પણ ન આવ્યો કે અચાનક શું થઇ ગયું ? પણ પેલા સિપાઇને ખબર પડી ગઇ હતી કે કોઇ દુશ્મન તેના પાછળથી વાર કરે છે.

ગરદન ભાંગી જાય તે પહેલાં સિપાઇએ હાથમાંની રાઇફલ ઘુમાવી પાછળ ઊભેલા શખ્સના માથામાં ફટકારી દીધી.

મેજર સોમદત્તનું માથું પીડાથી ધણધણી ઉઠ્યું. માથામાં રાઇફલનો બટ લાગતા તે જગ્યાએથી લોહી ફૂટી નીકળ્યું.

ફટકાનો ઘા એટલો સખત હતો કે મેજર સોમદત્ત સિવાય બીજો કોઇ હોત તો ચોક્કસ ચક્કર ખાઇને નીચે પડ્યો હોત. ક્ષણ માટે મેજર સોમદત્તની આંખોમાં ચારે તરફનું ર્દશ્ય ઘુમવા લાગ્યું. પણ બીજી જ ક્ષણે તેઓએ પોતાના મગજ પર ગુમાવેલો કંટ્રોલ પાછો લઇ લીધો અને પછી બંને હાથના પંજાને શરીરના પૂરા જોશ સાથે દબાવતાં બંને સિપાઇઓને હાથના જોર પર ઊંચકી લીધા.

સિપાઇઓની પગ નીચેની ધરતી સરકી ગઇ. બંને હવામાં અધ્ધર લટકતાં લટકતાં પોતાના રુંધાતા શ્વાસને કંટ્રોલ કરવા લાગ્યા.

હા...આ...આ...આ... મેજર સોમદત્તના મોમાંથી જંગલના સિંહ જેવો ઘુરકાટનો અવાજ નીકળ્યો અને પછી બંને હાથના પંજા પર લટકતા તે બે સિપાઇઓને પોતાના બળ સાથે એકદમ ગોળ ગોળ ઘુમાવવા લાગ્યા અને પછી પૂરી તાકાત સાથે દબાંગ સિયાંગના પૂરજોશથી વહેતા પાણીમાં ઘા કરી દીધી. બંનેની ચીસોના અવાજ પાણીના ઘુઘવાટમાં સમાઇ ગયા.

બંને સિપાઇએ દબાંગ સિયાંગના વહેતા પાણીમાં ઘા કરી મેજર સોમદત્ત કાંઇપણ વિચારે તે પહેલાં આકાશમા વીજળીના ચમકારા થયા. ક્ષણના ઉજાસમાં પુલના છેવાડે ઊભેલા સિપાઇની નજરે મેજર સોમદત્ત ચડી ગયાં.

ધુડડડ...ધડામ...આકાશમાં જોરદાર કડાકો થયો. તેની સાથે જ તે સિપાઇએ જોરથી રાડ નાખી.

“હું...એ...એ...” ચીસ નાખતા સિપાઇએ મેજર સોમદત્ત સામે રાઇફલ તાકી અને પછી જોરદાર ધમાકાઓ સાથે આગ ઓકાતી કેટલીય ગોળીઓ મેજર સોમદત્તને મારવા ધસી આવી.

મેજર સોમદત્ત ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પુલ પર છલાંગ મારી ચત્તા સૂઇ ગયા. સુતા સુતા જ તેમણે પોતાની રિવોલ્વરને ખિસ્સામાંથી ઝડપથી કાઢી અને પછી સામે પ્રહાર કર્યો.

જરા પણ અવાજ કર્યા વગર છુટેલી ગોળીને સિપાઇના માથા પરના વાળને સ્પર્શ કરતી આગળ નીકળી ગઇ, અને બીજી ક્ષણે તે સિપાઇની રાઇફલ ફરીથી ધણધણી ઊઠી.

વાતાવરણમાં આગના ચમકારા સાથે ગોળીઓના ધમાકાના અવાજ ગુંજી ઉઠ્યા.

નીચે સૂતેલા મેજર સોમદત્તને ગરદન ફેરવીને તે સિપાઇની દિશા તરફ નજર ફેરવી અને પછી છીપકલીની જેમ સરકતા સરકતા પુલના ફર્શ પર તે સિપાઇ તરફ આગળ સરકવા લાગ્યા.

ધાંય...ધાંય...ધડામ...ફરીથી કેટલીય ગોળીઓ છુટીને મેજર સોમદત્ત પરથી પસાર થઇ ગઇ. વળતા જવામાં મેજર સોમદત્તે પણ ગોળીઓ છોડી. ત્યારબાદ ત્યાં ફરીથી સન્નાટો છવાઇ ગયો. ગાઢ અંધકારમાં કશું જ દેખાતું ન હતું. મેજર સોમદત્ત એકદમ સાવધાની સાથે ઊભેલા સિપાઇ તરફ આગળ સરકવા લાગ્યા.

ટપ...ટપ...ટપ...તે સિપાઇનો દોડવાનો અવાજ પુલ પર ગુંજી ઉઠ્યો. તે દોડતો મોતની પરવા કર્યા વગર મેજર સોમદત્ત તરફ ધસી આવ્યો હતો.

ગાઢ અંધકારમાં મેજર સોમદત્તે આંખો તાણી તાણીને તે દિશામાં જોયું પણ ટપ...ટપ...ટપ...ના અવાજ સિવાય અંધકારમાં કશું જ દેખાતું ન હતું.

ધાંય...ધાંય...ધાંય...ફરીથી મેજર સોમદત્ત જ્યાં ઊભા હતાં તે તરફ ગોળીઓ છૂટી.

મેજર સોમદત્તે દાંત કચકચાવી જડબાં ભીંસ્યા અને પછી પુલની કિનારી તરફ સરકી ગયાં.

તે ક્ષણ પછી બીજી જ ક્ષણે પગલાનો અવાજ એકદમ નજીક આવ્યો.

ટપ...ટપ...ટપ...નો અવાજ થોડીવાર પહેલા તેઓ સૂતા હતા ત્યાં આવ્યો. તે સિપાઇ તો જ્યાં થોડી વાર પહેલા સૂતા હતા ત્યાંથી આગળ નીકળી ગયો.

ચપળ ચિત્તાની જેમ છલાંગ મારતા મેજર સોમદત્ત જમ્પ મારી ઊભા થયા અને બીજી જ ક્ષણે દોડતા અવાજની દિશામાં જમ્પ મારી.

ધડામ...તેઓ તે સિપાઇની પીઠ સાથે અથડાયાં. તે સિપાઇ તેના વજનથી નમીને આગળ નીકળ્યો, અને બીજી જ ક્ષણે મેજર સોમદત્તે વીજળીના ઝબકારામાં તે સૈનિકને જોયો અને ફરીથી તેના પર છલાંગ લગાવી પાછળથી પકડી લીધો. સૈનિક ધડામ દેતા ઉછળીને આગળ પડ્યો. મેજર સોમદત્ત તેની પીઠ પર ઘોની જેમ ચોંટી ગયાં.

બીજી વખત છલાંગ મારતી વખતે મેજર સોમદત્તના હાથમાં પકડાયેલી રિવોલ્વર નીચે ફર્શ પર પડી ગઇ. રિવોલ્વરની પરવા કર્યા વગર મેજર સોમદત્તે પાછળથી તે સૈનિકની ગરદન દબાવવાનું શરૂ કર્યું. તે સૈનિક પણ તાકાતવાર હતો. તેણે બંને હાથને પાછળ પાડીને મેજર સોમદત્તના માથાના વાળ પકડી લીધા અને પછી એકદમ ઝાટકા સાથે ખેંચવાનું શરૂ કર્યું.

મેજર સોમદત્તને લાગ્યું કે તેના વાળ જડમૂળમાંથી ઉખડી જશે. પણ તેઓ પીડાની પરવા કર્યા વગર પોતાનું ધ્યાન તે સૈનિકની ગરદનને દબાવવામાં લગાડ્યું.

તે સૈનિક તાકાતવર નીકળ્યો. તેણે પૂરા બળ સાથે મેજર સોમદત્તને આગળની તરફ ઝુકાવી દીધા અને પછી તાકાત સાથે જોરથી આંચકો માર્યો. મેજર સોમદત્ત તેના આગળની તરફ ગબડી ગયા. તેના હાથમાંથી સૈનિકના ગરદનની પકડ છુટી ગઇ.

જેવા મેજર સોમદત્ત આગળ ગબડી પડ્યા કે સિપાઇ છલાંગ મારતા તેના ઉપર જમ્પ મારી. ત્યારબાદ મેજર સોમદત્તની ગરદન તેના લોખંડી હાથના પંજામાં સપડાઇ ગઇ. તે મેજર સોમદત્તની છાતી પર ચડી બેઠો.

ક્ષણ માટે મેજર સોમદત્તને લાગ્યું કે તેની ગરદનના હાડકાં તૂટી જશે, પણ પછી મેજર સોમદત્ત તે સિપાઇ તેની ગરદન તોડી નાખે તે પહેલા તેના પર ચડી બેઠેલા સિપાઇને ઉપરથી ઉથલાવવા માટે બંને પગને ઊંચા કરી વાળ્યા અને પગના પંજાને વાળી તેની ગરદનમાં ફસાવવાની કોશિશ શરૂ કરી. પણ તેની પગની પકડમાં તેની ગરદન આવતી ન હતી.

એક તો એંસી કિલોનો તે સિપાઇનો તેમની છાતી પર પડેલ વજન અને બીજી તરફ તેના લોખંડી પંજામાં પકડાયેલી તેની ગરદન જે કોઇપણ ક્ષણે તૂટી પડે તેમ હતી અને મેજર સોમદત્તના શ્વાસની દોરી તૂટી જાય તેમ હતી.

હવે મેજર સોમદત્ત મરણીયા બન્યાં. બે-ચાર ક્ષણોનો ખેલ હતો. જો પોતે તે સિપાઇની ગરદન પગ વડે પકડી ન શકે તો બે-ચાર ક્ષણોમાં જ તેઓનો શ્વાસ રુંધાઇ જવાનો હતો.

મેજર સોમદત્તે પોતાનું પૂરું ધ્યાન તે સિપાઇની ગરદન પર એકત્રિત કર્યું અને પછી ફરીથી પગને વાળી તેની ગરદનમાં ફસાવવાની ભરપૂર કોશિશ કરી અને નાગચુડની જેમ તેના બંને પગની આંટી સિપાઇની ગરદનમાં ફસાઇ ગઇ. પૂરું બળ વાપરી મેજર સોમદત્તે ઝાટકો આપ્યો તે સાથે તેના પર સવાર થયેલ સિપાઇ પાછળના ભાગમાં ઉથલી પડ્યો.

સિપાઇ જોરજોરથી ચીસો નાખતો હતો. પણ ત્યાં ચીસો સાંભળનાર કોઇ જ ન હતું.

અચાનક મેજર સોમદત્ત નીચે નમ્યા. અને પછી તેના હાથ સિપાઇના વાળમાં જકડાઇ ગયા. બીજી જ પળે મેજર સોમદત્તે હાથની તાકાત વડે પહેલવાન સિપાઇને ઊંચો ઉઠાવી લીધો. જે તેની અસીમ તાકાતનો પરિચય હતો.

ઊંચા ઉઠાવેલા સિપાઇના મોંમાંથી ચીસો નીકળી રહી હતી. તે પોતાના માથાના વાળ છોડાવવા ધમપછાડા કરતો હતો. ત્યારબાદ મેજર સોમદત્તે તેના માથાના વાળ વડે જ તે સિપાઇને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું. સિપાઇનું શરીર મેજર સોમદત્તના હાથમાં પકડાયેલા માથાના વાળના સહારે હવામાં અધ્ધર તરતું ગોળ ગોળ ફરવા લાગ્યું અને પછી મેજર સોમદત્તે તેના પકડેલા માથાના વાળને છોડી દીધા. સિપાઇનો હવામાં અધ્ધર તરતો દેહ તે પુલને પાર કરી આગળ નીકળી ગયો અને જોશભેર વહેતા દબાંગ સિયાંગ નદીના પાણીમાં કેટલીય ઊંચાઇએથી પછડાયો અને પાણીમાં ગરકાવ થઇ ગયો. એક વખત તે સિપાઇનો દેહ પાણી પર આવ્યો. પછી ગાંડીતુર બનેલી દબાંગ સિયાંગ નદીના પુરમાં તણાઇ ગયો.

મેજર સોમદત્ત પુલ પર ઊભા ઊભા પોતાના શ્વાસને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા હતા. પછી તેઓએ નીચા નમી પોતાની રિવોલ્વર શોધી કાઢી. ત્યારબાદ પુલ પરથી પોતાના સાથીઓ તરફ જવા આગળ વધી ગયાં.

જે સ્થળે પોતાની સાથીઓ છુપાયા હતા ત્યાં પહોંચી મેજર સોમદત્તે ભૈરવ પક્ષીની ચીસની કિલકિલાટી જેવો અવાજ કાઢ્યો કે તરત બીજી જ પળે તેઓની પાસે પ્રલય, આદિત્ય, કદમ અને વિજયસિંહા પહોંચી આવ્યા.

“રસ્તો સાફ છે, ચાલો આગળ...આપણી પાસે સમય એકદમ ઓછો છે...” એટલું કહેતાં જ તેઓ પુલ તરફ આગળ વધી ગયા.

***