Nadi ferve vhen - 8 books and stories free download online pdf in Gujarati

નદી ફેરવે વહેણ્ - 8

નદી ફેરવે વહેણ્

વિજય શાહ

પ્રકરણ - ૮

સંભવ રમકડુ નથી કે જે ખોવાઇ ગયુ હતુ

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું

મારું ગજું નથી કે તને છેતરી શકું

- કૈલાસ પંડિત

છ મહીના બાદ સેંટ લુઇ થી ઇ મેલ આવ્યો. સંભવ નો બે લીટી નો સંદેશો.. તેને સેંટ લુઇમાં જોબ મળી ગઈ છે.. વાર્ષિક પગાર ૪ લાખ છે. હવે તે સોનીને લેવા આવી રહ્યો છે. રીટા અને સંવાદ તો આ ઇ મેલ જોઇને ખડખડાટ હસ્યા..જીઆને જોકે પપ્પા મમ્મી કેમ હસે છે તે ના સમજાયુ એટલે પુછ્યુ “ કેમ આટલુ બધુ હસવુ આવ્યુ?” ત્યારે રીટા કહે “કૌઆ ચલા હંસ બનકે”

“ મમ્મી જરા સમજાય તેવું તો બોલ!”

“ જો બેટા! હવે શીલા ને બદલે સંભવ ખેલમાં ઉતર્યો છે.”

“ એટલે?”

“જો તું એક દુઝણી ગાય છે એની પાસેથી તે ખુંચવાઇ ગઈ છે.”

પપ્પા એ વાતને ઉપાડતા કહ્યું “ શીલાને મેં કહ્યું હતુ ને કે તમારા ખોટા સીક્કાને ખરો થવા દો. એટલે આ સીક્કાને ખરો કરી રહ્યા છે. કૌઆ ને હંસની ખાલ પહેરાવીને તારી પાસે મોકલે છે.”

જીઆ થોડુંક વિચાર્યા બાદ બોલે છે “હા એ જ્યારે કામે લાગે છે ત્યારે પૈસા તો સારા લાવે છે.”

“બેટા, જિંદગી તારી છે પણ એક વાત સમજી લે. જે માણસો જુઠા સાબિત થયેલા હોય તેમને તક આપવી એટલે આપણી મુર્ખતા..”

“ પણ પપ્પા ક્યારેક માણસને પોતાની ભુલ પણ સમજાય કે નહીં?”

“હા. પણ તે માણસ હોય તો.. આતો એકલુ ઝેર છે તેના પારખા કરવા જવામાં જાન જાય.” સંભવ બોલ્યો “અને તેણે બીજી પણ વાત કરી સોનીને લેવા આવે છે. જીઆને નહીં કે તારો ઉલ્લેખ સુધ્ધા નહીં. આ પુરુષ મગજ હું જ વાંચી શકીશ હવે તો તેના ફુંફાડા વધશે તને સાચી રીતે ગુલામ બનાવશે. પહેલા તો તે સાપોલીયુ હતુ હવે નોકરીનાં ઘમંડમાં ફુંફાડા મારતો નાગ બની જશે.”

“ પપ્પા!.. એ કમાતો થયો હોય તો મારે તો આમેય નોકરી ક્યાં કરવી છે?”

રીટા કહે “એટલે એને નોકરી મળી એટલે તેણે કરેલા તારા અન્યાયો તારે ભુલી જવાનાં?”

“ હા મમ્મી તમારા સમાધાનો ટુંકા ગાળાનાં હતા..મારા કદાચ લાંબા ગાળાના.. પણ મને તો આ થોડોક સમય દુઃસ્વપ્ન ગણીને ભુલી જઇશ. મને તો તેના ચહેરામાં પડતા ખંજન બહુ યાદ આવે છે.”

રીટા દીકરીની સામે કરુણાથી જોઇ રહી..શીલા તેનો કુટીલ દાવ ચાલી રહી હતી..તે જોઇ શકતી હતી ૪ લાખના પગારની વાત જીઆને ઝણઝણાવી રહી હતી. રીટા જીઆની આંખમાં કોળતી આશાની કળીઓ જોઇ રહી હતી..બીચારી આખું લગ્ન જીવન ખોટી આશામાં જીવી હતી..અને હવે એ દિવસો આવી રહ્યા હતા.જ્યાં તેને આશા બંધાતી હતી..

રીટાએ જીઆને ઝંઝોટતા કહ્યુ..”સંભવ રમકડુ નથી કે જે ખોવાઇ ગયુ હતુ અને તને પાછુ મળે છે. હજી તેલ જુઓ..તેલની ધાર જુઓ જીઆ મને સૌથી ખોટી વાત દેખાય છે તે છે સોની ને લઇ જવાની વાત. સોની પહેલા તું છે.. તને લઇ જવા કેમ નથી આવતો?

જીઆ રીટાની વાત સમજતી હતી.તેથી તેણે વિચાર્યુ કે અગાઉની બધી વાતો મૌખીક હતી..આ વખતે તેને લેખીત બનાવીને રાખીશ.

તેના હ્રદયે ફરી એક વખત એજ કહ્યું જે મમ્મી કહેતી હતી..એના વચનોની શું કિંમત? ફરી ફરી નહીં જાય તેની કોઇ ખાતરી ખરી? લેખીત વાતોને તો એમ પણ કહીને ઉભો રહે કે .

તેં બળ જબરી કરી સોનીને બાનમાં રાખી ને કરાવ્યુ…પહેલી વખત એને એવું લાગ્યુ કે તેણે ઉતાવળ કરી..થોડુંક સહી લીધુ હોત તો સારુ હતુ.

એનું મન દ્વીધામાં તો હતું જ..સોની નાં ફોટા અને વીડીયો ચેટીંગ દરમ્યાન સોનીની વધતી ઉંમર જોઇને બાપનું હ્રદય પણ પીગળતું હોયને.. આખરે તો તે માણસ છે.

તેણે ડાયરીમાં લખ્યુ

સંભવ.

તેં મને અત્યાર સુધી ભલે કંઈ ના આપ્યુ.. અને ના સાંભળ્યુ પણ હું આટલુ તો જરુર જ કહીશ

મને વિના કારણ ગાળો નહીં દેવાની

નોકરી એ જતા પહેલા અને પાછા આવીને પ્રેમ થી વર્તવાનું ઘરવાળા ની જેમ..બૉસની જેમ ઘાંટા ઘુંટી નહીં કરવાની ખબર છે ને સોની ને આપણે કેળવવાની છે.

હું હવે નોકરી નહીં કરુ.. ઘરની બધી જવાબદારી સંભાળીશ..સોની હવે સ્કુલે જશે..તેને ઉછેરવાની.. ભણાવવાની અને જાળવણીનું કામ મારું.

તું શીલા મમ્મીને આપણી વચ્ચે વચ્ચે નહીં લાવે. અને ખાસ તો તેમના પૈસા ઉપર રમવાનું છોડ.. જો કે હવે તો તને એવો સમય મળવાનો જ નથી..ખરુંને?

તુ મને સામે પુછ કે આટલુ તને મળે તો મને તું શું આપીશ? મારું આખું જીવન તારું છે. મને તો આપણા બે વચ્ચે હવા પણ જોઇતી નહોંતી અને તું ક્યાં આ મમ્મીનો પલ્લુ પકડીને બેસી રહ્યો છે.ગ્રો અપ મેન..

આટલુ લખ્યા પછી પેન અટકી ગઇ વિચારોએ બીજી દિશા પકડી.. મારે આ બધું માંગવાનું હોય? આતો લગ્ન સાથે મળેલા અધિકારો છે સપ્તપદીનાં ફેરામાં આ બધુ ગોર મહારાજ બોલતા હતા.

તુ ખુબ ભોળી છે તેવું મમ્મી મને વારંવાર કહે છે.પણ હું દુરગામી જોઉં છું તેણે જે બધુ કર્યું તેમાં શક્ય છે હું ભુલો પણ કરતી હૌ અને તે સુધારવા મને તે ઘાંટા પાડી પાડી સમજાવતો કે શીલા મમ્મી પાસે મને ઠપકો આપી ને કરાવતો.

મનની વિચારધારાને અટકાવતા મક્કમતા થી તે બોલી

ના એ હરગીઝ નહીં ચાલે. આપણી વાતો આપણી કહાણીઓનો રીમોટ કંટ્રોલ પણ આપણી પાસે જ હોય. સમજ્યો.. જ્યારે કંઇક કહેવુ હોય , કરવુ હોય ત્યારે આપણે બંને સાથે બેસીને એકબીજાનાં વિચારો જાણીને સમજીને નિર્ણય લેવો જોઇએને? બે પુખ્ત માણસો ની જેમ…

અને હા સોનીને લઇ જવા આવી શકે પણ મારો તો ક્યાંય ઉલ્લેખ જ નહીં..પહેલા હું છું તેથી સોની છે…સગવડીયા ભરથાર આવોતો ખરા? મનમાં અને મનમાં મલકતી એ ક્યારે સુઇ ગઇ તેની તેને ખબર પણ નાપડી.

બીજા રુમ માં સંવાદ અને રીટા વિચારતા હતા આ નવો ગાળીયો જીઆ ના પહેરે તો સારુ.

સંવાદ કહેતો કે “ યુવાન લોહી છે જીઆનું એટલે તું શાંતિ થી વાત કરજે પણ મને તો આ નવું છટ્કું જ લાગે છે.”

રીટા કહે “ ફરીથી કોંટ્રાક્ટ જોયો? તે લોકોએ લખ્યુ છે તમારી કારકીર્દી તપાસ થૈ નથી. તેમાં કોઇ વિઘ્ન હશે તો તમને મુક્ત કરવામાં આવશે.”

સંવાદ કહે “ હા પણ તે તો કાનુની ભાષા છે દરેક કોંટ્રાક્ટમાં હોય જ છે.

રીટા કહે “ પણ તે થશે ત્યારે શું?”

“ જીઆને ફરી થી એકડો માંડવાનો”

“ એટલે તું એમ માને છે કે આપણે જીઆને ફરીથી તે નરકમાં મોકલવાની છે?”

“ના અને હા.”

એટલે મારું ચાલે તો ના અને જીઆ જીદ પકડે અને જવા ઇચ્છે તો હું સમજાવીશ અને ના સમજે તો “ કલ્યાણ થાવ” કહીને મોકલવાની

રીટા કહે “ સંવાદ ના અને ના જ. કાગડો ગમે તેટલો રીયાઝ કરે તે કોયલ કંઠ ના જ પામે…”

“રીટા આ વાતમાં આપણે નિર્ણાયક નથી આપણે સહાયક છીએ..આપણે તેને સમજાવી શકીયે..પણ તે સંભવનાં ગળાડુબ પ્રેમ માં છે..આપણું કહ્યુ ના માને તેવું પણ બને.”

“હા ત્યાં જતો આપણે માતા પિતા બનવાનું છે. અને ખાડામાં પડવા જતી દીકરીને ખાડામાં ના પડે તેવો રસ્તો કાઢવાનો છે.”

“ભલે માતા પિતા બનીશું પણ એટલા બધા ભાવનામાં ના વહી જઇએ કે શીલા જેમ કરે છે તેમ આપણે પણ કરવા લાગીયે..”

સંવાદની વાત લાલ બત્તી ની જેમ રીટાની સામે ઝબકવા લાગી. “ હા. સંવાદ તમે સાચા છો. આપણે તો ખાલી એટલું જ જોવાનું કે જીઆ દુઃખી નથીને? જો તેના પ્રશ્નો જો આમ ઉકેલાતા હોય તો આપણે તો રાજી રાજી..”

નિર્ધારીત દિવસે સંભવ આવ્યો…સોની માટે બાર્બી ડોલ અને બેગ ભરીને રમકડા લઇને આવ્યો હતો. થોડુંક વહાલ કરીને તેણે સંવાદ તરફ નજર રાખીને જીઆને પુછ્યું “ જીઆ હવે તો તું રાજીને?”

જીઆ ઓગળી રહી હતી તેની આંખોમાં થી શ્રાવણ ભાદરવો વહેતો હતો..તેણે ધાર્યુ નહોંતુ કે સંભવ તેને આમ વહાલથી જોશે અને વાત કરશે..તેના મનમાં પહેલી વખત થયું કે સંભવ તેને ચાહે છે.

બીજી જ ક્ષણે સંભવનો વિકૃત ચહેરો દેખાયો કે જે કહેતો હતો કે “ પાસ વર્ડ આપ નહીં તો રખડ્યા કર આખી રાત બહાર”

તરત તે ઉભી થઇ અને બાથરુમમાં જૈ તેણે આંખો સાફ કરી. મનને હુકમ કર્યો કે પોચકા મુકવાનો આ સમય નથી..પુખ્તતાથી ખોંખારો ખાઇને બહાર નીકળી..હર્ષનાં આ આંસુઓ ક્યારે દગો દૈ જાય તેની ખબર નહીં.

“સંભવ કઇ વાતે મારે રાજી થવાનું?”

“ મને નોકરી મળી ગઇ તે વાતે રાજી થવાનું.”

“ સંભવ આપણી વચ્ચે નોકરી ના હોવાને કારણે મન દુઃખ નથી થયુ..તારી મારી સાથેની વર્તણુંકનો મને વાંધો હતો..તને તો તે ખબર છે જ.”

“જીઆ! એ નઠારા વર્તન અને કડવી વાણીનો મને અફસોસ છે.ચાલ હવે આપણી જિંદગીને માટે ફરી એક વખત સપ્તપદીનાં ફેરા ફરીએ.. અને એક મેકને વહાલ કરીયે. રીટા જોઇ રહી હતી કે કાચીંડો રંગ બદલી રહ્યો છે.

ચા નાસ્તો કરતા કરતા બટરનાં અનેકાનેક ડબ્બા ઠલવાઇ ચુક્યા. એક રંગમંચનાં અનુભવી સંવેદનશીલ કલાકારની જેમ કેટલીયે વખત એની આંખમાં થી આંસુ પણ પાડ્યા અને સોનીનું બચપણ ગુમાવતો હોય તેવા વિલંબ નિઃસાસા પણ નાખ્યા.. સોગંદો ખાધી.

જીઆને તેની સાથે રડવું હતું પણ તે આંખમાંનાં દરિયાને સુકાવી બેઠી હતી.

અભિનયનો એક અંક પુરો થયો અને જીઆ એ પ્રશ્ન પુછ્યો” લગ્નની સપ્તપદી પર ગોર મહારાજ બોલ્યા હતા તે વચનો આપણે લેખીત કરીયે?

રીટા અને સંવાદ માટે આ એક બોંબ હતો

તેઓ સમજી ચુક્યા હતા કે જીઆ પલળી ચુકી છે અને સંભવ જેવો કુટીલ ખેલાડી હવે કોઇ વાતને ના કહે જ નહીં

જીઆ એ પેન અને પેપર સંભવને આપ્યા અને કહ્યુ લખો

આપણા લગ્નજીવનમાં, રસોડામાં, અને આપણા સહ્જીવનમાં આપણે એક બીજાનું માન રાખશું. સંભવે લખ્યુ અને જીઆ એ સહીં કરવાનું કહ્યું. સંભવે સહીં કરી

હું એટલુ કમાઇશ કે જીઆને કામ કરવું જ ના પડે. અને સંભવે સહી કરી

શીલા મમ્મી કે રીટા મમ્મી કોઇ જ આપણી મરજી વિરુધ્ધ આપણને કરવા કહે તો નહીં કરવાનું કારણ કે આપણી જિંદગી તે આપણી છે. આપણે સાથે બેસીને દરેક પ્રશ્ન નો હલ કાઢીશું સંભવે લખ્યુ અને સહીં કરી.

આપણ ને જ્યાં ગુંચવણ લાગે ત્યારે પપ્પા મમ્મીની સલાહ લેવાની..તેમનો રસ્તો માનવો કે નહીં તે બંને એકમત થઇ નક્કી કરવુ. સંભવે સહીં કરી.

ઘરમાં અને વનમાં..૨૪ કલાક્નાં સહયોગમાં કોઇને ઘાંટા કોઇએ પાડવા નહીં અને નીચે ઉતારી પાડવાનાં નહી.

દાંપત્ય જીવન ઉભ્યપક્ષની દૈહિક જરુરિયાતો પુરી પાડવા સાચા મનથી અને આનંદથી વર્તવુ. સંભવે સહી કરી.

પૈસાનો વહીવટ પહેલા બે વરસ સંભવે કર્યો હવેના બે વરસ જીઆ કરશે. સંભવે સહીં કરી..

તે દિવસે સાંજે જીઆ એ લાપશી રાંધી. રીટા અને સંવાદને જીઆ સાથે વાતો કરવાની તકના મળે એટલે સંભવ જીઆ ની આજુબાજુ જ રહેતો હતો. તેના દાવની પૂર્તિ માટ એ ખુબ જ જરૂરી હતુ.. તે જીઆનાં ભોળપણ ને સારી રીતે જાણતો હતો.

જીઆ માનતી હતીકે ભુલ આ રીતે સુધરી રહી છે…લેખીત કાગળીયા મમ્મીને આપીને બીજે દિવસે સવારે સેંટ લુઇ જવા નીકળવાની હતી ત્યારે પપ્પાએ એક જ વાક્ય કહ્યુ..” બેટા અમે તો અમારા અનુભવો કહ્યા..પણ તે તમને યોગ્ય ના લાગ્યા તે સમયે ફક્ત એટલું જ કહીશ. તુ સુખમાં હોઇશ તો અમને બમણું સુખ થશે અને દુઃખમાં હોઇશ તો અમર્યાદ દુઃખ થશે. આ ઘર અને આ મા બાપ તમારે માટે સદા સુખ આપવા બેઠા છે.

પ્લેનમાં સોની સંભવ સાથે સુઇ ગઈ હતી

સેંટ લુઇ આવીને કાચીંડો પાછો અસલી રંગમાં આવી ગયો.. જુઠુ બોલનારાઓને અને તેમનાજ જુઠાણામાં તેઓ તરત પકડાતા હોય છે. બરોબર જ એમ બન્યું. પંદરેક દિવસમાં શીલા મમ્મી સાથે વાતો શરુ કરી અને જીઆને ધમકાવતા શીલા મમ્મી બોલ્યા..”ડોલર દેખ્યાને પુંછડી પટ પટીને?”

જીઆ કહે “મમ્મી તમને ખબર છે ને હું પરાણે તમારા ઘરમાં ઘુસીને નથી આવી. તમે જાન કાઢીને આવ્યા હતા. વાજતે ગાજતે સપ્તપદીનાં ફેરા ફરીને આવી છું.”

શીલા મમ્મીને ખાલી ખખડાવતો હોય તેમ બોલ્યો “મમ્મી અમારી જિંદગીમાં માથુ મારશો નહીં.” અને કૂટીલ હસ્યો..

સામેથી તેજ પ્રકારનું હાસ્ય શીલાનું પણ સંભળાયુ. જીઆ ધણીને પોતાના વગો કરવા વર્ષો નાં વર્ષો જોઇએ..જે તમને તરત જોઇએ? કૂટીલ હાસ્ય ફોનમાં થી સ્ફુટતું રહ્યુ..

જીઆ નાં પેટમાં તેલ રેડાયુ..

“મારી છોકરીને લઇને તુ ભાગી ગઈ હતીને? હવે જો બહું ચું ચૂં કરીશને તો આ એસીડ થી તારી સોનીને દઝાડીશ સમજી? ચુપ ચાપ જેમ ગુલામડી થઇને આગળ રહેતી હતીને તેમ રહે સમજી?”

સંભવનાં બદલાયેલા વર્તનથી હેબતાઇ ગયેલી જીઆ તરત તો કશું ના બોલી પણ તેની આંખમાં મોટો પ્રશ્ન હતો..”સોની તારી પણ છોકરી છે ભૂંડા!”

જીઆ સમજી ચુકી હતી કે તે કેદ થઇ ગઇ છે.

તેને અફસોસ તો બહુ થયો મમ્મીની વાત ના માનીને.પણ હવે શું કરવાનું?

૯૧૧ ઉપર ફોન કરું? મમ્મીને ફોન કરુ? પછી અંદર એક મા જીઆ ઉભી થવા લાગી. મારી સોનીને બાનમાં રહેવા નહીં દઉં.

ગાડી લૈને વોલમાર્ટમાંથી એક નાનુ પણ પાવરફુલ ટેપ રેકોર્ડર લૈ આવી અને દરેક વાતો.. જોકે દરેક વાતો તો ઝઘડા અને ગાલી ગલોચ જ હોય અને ક્યારેક શીલા મમ્મી એ બહુ કાન ભર્યા હોય તો ગાલી ગલોચ અને ઘાંટા સાથે સાથે વાસ્ણો તોડવાનો પ્રોગ્રામ ચાલે. પૈસા તો સુર પટ્ટણીનાં જ ઘટતા હતા.

નોકરી શીકાગોથી અહી લૈ આવ મને પૈસા આપ..ની બ્રોકન રેકોર્ડ ચાલતી હતી.

અને એવો એક ઝઘડો થયો કે જેમાં બાજુનાં રુમમાં ઘાંટા પાડતા સંવાદનું આખું જુઠ રેકોર્ડ થઇ ગયુ..તેણે કેવી રીતે જુઠુ બોલીને તેને ફરીથી ફસાવી અને બહુ બબાલ કરશે તો સોની ઉપર તેજાબ નાખવાનો પ્રયોગ તારી ઉપર હું કરીશ.

જીઆ આની જ રાહ જોતી હતી.

ટેપ રેકોર્ડર, સોનીનાં કપડા, જીઆનાં કપડા બોક્ષમાં ભરીને શીકાગો પોષ્ટ કરી દીધા. વહેલી સવારે સોનીને લૈને ફરી શીકાગોની રાહ પકડી..૨૮ દિવસ તો જાણે ૨૮ વર્ષની જેલ કાપી હોય તેવા માનસિક જુલ્મો સહીને જીઆ શીકાગો પહોંચી.

પપ્પા અને મમ્મી એરર્પોર્ટ ઉપર હતા. સોની ખોળામાં ઉંઘતી હતી. તે વિચારતી હતી કે જો તેજાબ મારા ઉપર નાખવાની વાત કરી હોત તો તરત ત જેલ બેગો કર્યો હોત. પણ સોનીને ધાકમાં રાખી હતી તેથી જ જીઆ મજબુતાઇ સાથે નીકળી. આખરે મા હતીને? મમ્મીને જોઇને તે ફરી રડી..” મમ્મી મારું શું થશે?” ‘સૌ સારુ થશે બેટા”

***