નદી ફેરવે વહેણ્ - 11

નદી ફેરવે વહેણ્

વિજય શાહ

પ્રકરણ - ૧૧

સંભવને એન્ટી બાયોટીકની જરુર હતી વિટામીન ની નહી.

સંવાદ ને સમાચાર મળ્યા કે સુર પટ્ટણી ને હાર્ટ એટેક આવ્યો ત્યારે ખબર પુછવા ફોન કર્યો. શીલાએ ફોન લીધો અને આદત વશ તે બધુ બોલવા બેસી ગઇ..જીઆને કારણે તેમને એટેક આવ્યો અને ઠંડા અવાજે સંવાદે કહ્યું હજીયે જીઆને દોષ દો છો? તમારા સુપુત્રના કરતૂતને ક્યાં સુધી છાવર્યા કરશો?

અને શીલા એકદમ છુટ્ટા મોઢે રડી પડી.

થોડાંક ડુસકાં વહી ગયા પછી રીટાએ ફોન લીધો.” તમારે તો આ સમયે મજબુત થવાનુ છે.. તમે ઢીલા પડો તે ના ચાલે”.

અને શીલા બોલી” તેમણે ઓપરેશન પહેલા તેમનો સમગ્ર કમાણીનો વહીવટ ટ્રસ્ટને સોંપી દીધો તેને રડુ છુ. તે નહીં હોય ત્યારે હું અને સંભવ રોડ ઉપર હશે.”

રીટા એ મૌન રાખ્યુ..અને જીઆ ને ફોન આપ્યો.

જીઆ એ ફોન હાથમાં લીધો અને શીલા બોલી “ જીઆ મને માફ કરી દે બેટા..મેં તને બહુ દુભવી છે. મને મારી કરણીની સજા મળી રહી છે. જીઆ ને શું બોલવુ તે સમજાતુ નહોંતુ.

” મમ્મીજી તમે ચિંતા ના કરો ઓપરેશન સફળ થયુ છે એટલે પપ્પાજી નવજીવન પામ્યા છે”

ફોન મુકાયો.. રીટા શાંત હતી જ્યારે જીઆ બોલી “કશુંક સંવાદ અને પપ્પા વચ્ચે થયુ છે. પપ્પા આટલુ જલદ પગલુ ના લે.”

“ આ પગલુ તો સંવાદ જ્યારે સસ્પેંડ થયો ત્યારે લેવુ જોઇતુ હતુ.”

“ખૈર આપણે શું?”કહી રીટાએ ઠંડુ પાણી રેડ્યુ.

સંવાદ મુછોમાં મલક્યો એ જોઇને જીઆએ ફરી પુછ્યુ “ પપ્પા શું વિચારો છો?”

“ કશુ નહીં બેટા હવે તખ્તો બરોબર ગોઠવાયો છે “

“એટલે?”

“ ત્રણેય એક કડી થઇને વિચારતા હતા તેમાં હવે તડ પડી છે. અને સૌથી વધારે નુકસાન સંભવને થવાનું છે.”

“ મને સમજાયુ નહીં.”

“૭૨નાં સુર પટ્ટણીને ખબર છે કે દીકરો પૈસા ભાળી ગયો છે..તે સુર પટ્ટણીની નબળી કડીને સુર પટ્ટણી એ સબળ કરી નાખી છે. શીલા અને સંભવ જે ભેગા થઇને મન માન્યુ કરાવતા હતા તે બંધ થઇ જશે. શીલા આને તો રડતી હતી. બધા પૈસા ટ્રષ્ટમાં નાખી સંભવ અને શીલાનાં કાંડા કાપી નાખ્યા.”

“તમને આ બધુ કોણે કહ્યું?” રીટાએ પ્રશ્ન પુછ્યો.. અને એ જ પ્રશ્ન જીઆની આંખમાં પણ હતો.”

“ શીલા ફોન ઉપર રડતા રડતા પહેલી બે મીનીટમાં આ બધુ બોલી ગઇ કદાચ એને એમ હશે કે જીઆ તેમને સમજાવી શકે. પણ મારી પહેલી પ્રતિક્રિયા રીટા જેવીજ હતી હવે એમાં અમારે શું?”

“ તો પછી તેમની માઠી તબિયત માટે તમે ફોન કેમ કર્યો? જીઆ એ ધુંધવાઇને પુછ્યુ.

“ બેટા સોની હજી આપણી સાથે છે તેથી વહેવારમાંથી ના જવાય સમજી?”

***

બીજે દિવસે સવારે સંભવ શીલાનો પુછ્યા વીના હોસ્પીટલ પહોંચી ગયો. પપ્પા હજી સુતા હતા. તેની આંખો ભરાઇ આવી..કેટલા હેરાન કરતો હતો..અહી અમેરિકામાં તો આવા પપ્પા પાંચેય આંગળીએ ભગવાન ને પુજ્યા હોય તો ના મળે. બસ એક જ વાત..હું તો ઘણી લીલી સુકી વેઠીને ડોક્ટર થયો હતો પણ તારે તે નહીં વેઠવાની. સોળ વર્ષે જ્યારે તે તેની સ્કુલમાં ગ્રેજ્યુએશન વખતે શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે બોલતો હતો ત્યારે કેટલા ભાવાવેશમાં હતા.. મારો સંભવ તો દુનિયાની આઠમી અજાયબી છે.

બાપની આંખો કેટલાય સ્વપ્નો જોતી હતી..પછી શરુ થયુ કોલેજ ભણતર..તેને મેડીકલમાં નહોંતુ જવુ તેથી મરીન બાયોલોજી ભણવા ફ્લોરીડા ગયો. ત્યારે પણ ખીજવાયા એટલે તેમનું મન રાખવા મેડીકલનું પણ ભણ્યો..ખુબ ખીજવાતો જ્યારે ૩૬ કલાક્ની રેસીડન્સી કરતો..પણ બાપાને હતુકે.. આ બધુ પુરુ થઇ ગયા પછી એક સમજ પૂર્વક્ની સુખી જિંદગી વીતાવીશ.. એળે કે બેળે તેને ભણાવ્યો ઉંમર વધતી જતી હતી. સ્વભાવની અવળ ચંડાઇને કારણે એની જિંદગીમાં આવી અને જતી રહી. ત્યારે આજ બાપા તેના કરતા વધુ રડ્યા હતા..

રેસીડંસીમાં સસ્પેંડ થયો.સાવ નજીવા કારણે ઇન્ચાર્જ સાથે ઝઘડી બેઠો..ત્યારે પણ આ બાપા રડ્યા હતા..તેમનુ એક પણ સ્વપ્ન સંભવ પુરુ કરવાનું સમજ્યો જ નહોંતો.

તેને ડોક્ટરી તો કરવી જ નહોંતી. છોને બાપાએ તે ડીગ્રી પાછળ પાંચ લાખ ડોલર ખર્ચ્યા.

સ્વપ્નીલ સંભવ એમ જ કહેતો મારે મારી જિંદગી તમારી રીતે જીવવી જ નથી. હું તો મારું ફોડી લઇશ..ફ્લોરીડા થી સેંટ લુઇ આવ્યો.

ફ્લોરીડાનાં પહેલા મકાનનાં રોકાણમાં બે વર્ષે અઢીલાખ ડોલરનો નફો કર્યો ત્યારથી મગજમા રાઇ ભરાઇ ગઇ કે તે જ્યાં રોકાણ કરે તેને તેમાંથી પૈસા મળે જ છે બસ તે દિવસથી “ બાપા મને તમારી જેમ ૨૪ કલાકની જોબ નથી કરવી. હું મારી રીતે મારુ ફોડી લઇશ”

કેટલો ખોટો હતો હું?’તેની આંખ આંસુથી ભરાતી હતી.

સુર પાપા હજી સુતા હતા. તેના મગજમાં વિચારો ધાણીની જેમ ફુટતા હતા. હા. આ ઘડી હતી તેને તેના બધા ગુનાઓ સ્વિકારવાની કે મા બાપને શરણે થવાની..આમેય તેમના પ્રેમને જન્મ જાત જાગીર માની લીધી હતી. પણ આજે તેને લાગી રહ્યુ હતુ કે તેણે હવે તે મેળવવા મથવુ પડશે.

તેણે સુતેલા પપ્પાનાં પગ ધીમે ધીમે દબાવવાના શરુ કર્યા.સાચા હ્રદય્થી માફી માંગતો હોય તેમ તેની આંખમાંથી આંસુ સરતા હતા.શીલા આ દ્રશ્ય જોઇ રહી હતી તેને સમજાતુ નહોંતુ કે સંભવ સુર પાપાની તબિયતને રડે છે કે ટ્રસ્ટને..

સુરને માટે પણ આ દ્રશ્ય અકલ્પનીય હતુ. કાયમ રડાવતો દીકરો આજે રડી રહ્યો હતો. થોડીક ક્ષણો એમને એમ જ વીતી ગઈ. નર્સ દવા આપવા આવી ત્યારે સુરે આંખ ખોલી.

શીલાની સામે જોઇને કહ્યુ.. “આ નપાવટ અહીં કેમ છે?”

શીલા થોડીક ધ્રુજી ગઇ. પણ મૌન રહેવુ ઉચિત લાગ્યુ એટલે તે કંઇ ના બોલી.

“પપ્પા. આઇ એમ સોરી. “

“ શાને માટે સોરી?”

“બસ હવે તમે કહેશો તેમ જ થશે..”

“શીલા તેં એને કહ્યું કે હું રીટાયર થયો અને મારી પ્રેક્ટીસ વેચી નાખી.”

“ હેં” શીલા અને સંભવનાં મોં માંથી એક સાથે નીકળ્યુ.”

“ હું હવે જે છે તે સાચવીને બાકીની ઉંમર બચતો ઉપર કાઢવા માંગુ છુ. મેં કંઇ ઠેકો નથી લીધો કે ત્મને આખી જિંદગી વેંઢાર્યા કરુ.”

“…” બંને મૌન રહ્યા અને તેઓ જાણતા હતા કે જ્યારે સુર પપ્પા આવુ પગલુ લે ત્યારે કોઇ દલીલ નહીં.

“ફીનીક્ષનું ઘર વેચવા મુક્યુ છે. તે વેચાઇ જાય પછી હું તો ભારત પાછો જતો રહુ છુ.. કોઇક તીર્થમાં રહેવાનુ અને પ્રભુ ધ્યાનમાં દિવસો કાઢવાના..સાચવજે શીલાને તારી રીતે. તેને આમેય તારી બહુ લ્હાય છે..તે રોજ રસોઇ બનાવશે.”

“ પપ્પા. મેં કહ્યું ને મને માફ કરો.”

“હવે કશું થાય તેવું નથી..”

“પપ્પા! મારુ શું થશે?”

“તું તો તારુ ફોડી લેવાનો છે ને?તે ફોડી લે. મેં તો તારા નામનું નાહી નાખ્યુ છે.’

શીલા બાપ દીકરાનાં સંવાદો સાંભળતી હતી અને ચુપ ચાપ રડતી હતી.

સુરને આ પરિસ્થિતિ ગમતી હતી.. તેના બંને બે લગામ અશ્વો કાબુમાં આવતા હતા. પૈસા તેના અને બંને કાયમ દાદાગીરી કરીને રહેતા. આમેય સમય ઓછો અને માથુ ચઢાવવુ તેને ગમતુ નહીં. એની સમજણ ને આ માને દીકરો કાયમ તેમની ફેવરમાં ફેરવતા.

“ પણ પપ્પા મમ્મી મને કહેતી હતી કે હું કંઇ કામ નહીં કરું તો પણ આ બધુ તમે જે ભેગુ કર્યુ છે તે મારે માટે જ છે ને?”

“ તે તારી મમ્મીને પુછ. તારી જેમજ એણે પણ બહુ મારા ઉપર તાગડ ધીન્ના કર્યા.. હવે તો મારા મનમાં તમે બંને મારા ઉપર જીવતા પરોપજીવી છો..મેં તમને લોકોને પેલી જળોને ઉખેડી નાખે ને તેમ ઉખેડી નાખ્યા છે. હવે તો એક જ રસ્તો છે અને તે તુ તારુ ફોડી લે અને તારી માને પણ તારી સાથે લઇ જા. શું સમજ્યો નાલાયક!.”

સુરનો શ્વાસ ભારે થતો હતો એ જોઇને સંભવ સમજી ગયો કે હવે બહુ વાતો કરવાનો અર્થ નથી.. દુધમાં મોળવણ પડી ગયુ હતુ હવે દુધ સમય જશે તેમ દુધ રહેવાનું નહોંતુ બદલાયેલી પરિસ્થિતિમાં હવે વેકેશન નો અંત લાવવો જ રહ્યો. નોકરી શોધવી જ રહી.

સુર વિચારી રહ્યો હતો કે સંવાદે કહેલા શબ્દો સાચા પડી રહ્યા હતા સંભવને એન્ટી બાયોટીકની જરુર હતી વિટામીન ની નહી.

નર્સે આવીને શીલા અને સંભવને પેશંટને આરામ કરવા દો કહીને રુમની બહાર જવા ઇશારો કર્યો ત્યારે સંભવ વિચારી રહ્યો હતો..જીઆ મારો બીજો સહારો હતો.તેને મેં રોળવી નાખ્યો મમ્મીનાં કહેવાથી. તે તો બાઘી હતી..સહેજ પ્રેમથી અને વહાલથી રાખી હોત તો આખી જિંદગી મને રાખત.. આ મમ્મી મને પપ્પાનો વારસો બતાવીને ભરમાવી ગઇ..અને હવે એને પણ મારે સાચવવાની…

શીલા હજી હાર માને તેવી નહોંતી. તેથી તેણે સંભવને રુમમાંથી બહાર નીકળીને કહ્યું..આ બધુ થ્તા પહેલા આપણી પાસે સમય છે.ઘરે ચાલ શાંતિ થી વિચારીશું.

ઘરે પહોંચ્યા ત્યારે પહેલો ઝાટકો વાગ્યો..મકાન ઉપર સેલ નું પાટીયુ મુકાઇ ગયુ હતુ. માસીઓ ચિંતાતુર હતી. સંભવ અને શીલા નાં ઉતરેલા મોં જોઇ તેઓ તો રડવા જ લાગી.

સંભવ જરા આકરો થઇને બોલ્યો “ માસી તમે કેમ રડો છો હું હજી મમ્મીની સંભાળ રાખવા બેઠો છુ.”

“ પણ આ બધુ ધર્માદા કરીને દેશમાં પાછા જવાની વાત બીલકુલ સારી નથી.” મોટી માસી રડતા રડતા આગળ બોલી. “શીલાનું શું થશે એ ચિંતા મને મારી ખાય છે.”

“ એમને સારા થઇ ને ઘરે આવવા દો એટલે તેમને ફેર વિચાર કરવા કહીશુ.” સંભવ બોલ્યો.

નાની માસી બોલી “સુર પટ્ટણી..બહુ વિચારીને કામ કરે અને કર્યા પછી તે તેમનો નિર્ણય બદલે તે વાતમાં કોઇ માલ નહીં”

મોટી માસી કહે “ પણ શીલા તેં કોઇ કાગળીયા ઉપર સહી કરીને આપેલા? મકાન તો તમારી સહિયારી મિલકત તારી સહી વિના તે વેચી ના શકે.”

“ હા. હમણા જ મેં પાવર ઓફ એટોર્ની તેમને આપ્યો હતો..”

“ મમ્મી મને તો તેં કહ્યું જ નથી કે તેં પાવર ઓફ એટોર્ની પપ્પાને આપેલો છે.”

“ હવે મને ક્યાં તું બધુ કહેતો હતો કે હું તને કહું અને ૪૨ વર્ષનાં લગ્ન જીવન પછી આવા કેટલાયે કાગળીયા ઉપર મેં સહી કરી હોય..આટલો ઝડપથી આવો જલદ નિર્ણય લેશે તે તો મને ખબર જ નહોંતી.

સંભવ પગ પછાડતો તેના રુમમાં ગયો અને બંને બહેનો રડ્તી રડતી ન્યુ જર્સી ગઈ.

ગુગલ ઉપર સર્ચ કરીને અ પરિસ્થિતિનો કાય્દાકીય હલ શોધવા મથ્યો. મમ્મીએ કાંડા કાપી આપ્યા હતા..

“ મોમ મને સહેજ વાત કરી હોત તો કશુંક કરી શક્યો હોત..”

“જો સંભવ મને ખબર છે આ લઢવાનો સમય નથી પણ મને ખબર જ્યારે પડી કે તુ મને કહેતો હતો કે મોમ હું તારું કહ્યુ કરું છુ અને તુ તે પ્રમાણે જીઆને કહેતો નહોંતો…ડોક્ટર જે ડોઝ કહે તેમા દર્દી જો પોતાની રીત વધ ઘટ કરે તો રોગ કાબુમાં ના આવે. જીઆને તું બીલકુલ જ રાખતો નહોંતો..અરે ગલુડીયાને પાલતુ બનાવવા એક કે બે વખત પુચકારવુ પડે..તુ તો તેને હડે હડે જ કરતો હતો અને તે વાત જીઆ એ તારા પપ્પાને કરી હતી ત્યારે પણ તે બહુ ગુસ્સે થયા હતા.”

“ મમ્મી એટલે બધો મારો જ વાંક?”

“ હા જીઆ કમાતુ ધન હતુ “

“ હા પણ તેને દાબમાં રાખવાનું તો તુંજ કહેતીહતીને મમ્મી?”

“ હા પણ હું તો તેની સાથે એક આંખે હસાવે અને બીજી આંખે રડાવે તેવો કડપ રાખવાનું કહેતી હતી જ્યારે તુ તો બંને આંખે તેને રડાવતો જ હતો”

“ મોમ પ્લીઝ મને મારા વાંક એકલા ના દેખાડ. તેં કહ્યું ત્યારે સોની આવીને?”

“ ના રે સોની તો જીઆની જબર જસ્તી હતી.”

“ ના રે સંભવ, સુરનાં કેટલાક લક્ષણો તો તારામાં છે તેથી તો અત્યારે આઘા જઇને પાછુ આવવુ પડે છે.

“મોમ જીઆ ને સીધી કરવાનો તમારો આઇડીયા જ ખોટૉ હતો. તેમ કરવા જવામા હું સીધો થઇ ગયો છુ ખબર છે તને?’

“એટલે?”

“શીકાગોની તેની નોકરી છ આંકડાની છે. જેની ડીગ્રીની હું મજાક કરતો હતો તે તો સોના ની ખાણ નીકળી.”

“હવે તો તારાથી કશું થાય તેમ નથી..”

“નારે તે બાઘી હજી પણ મને કહે છે આપણે સોની ને લીધે મિત્રોની જેમ રહી શકીયે..”

“તેનાથી તને કોઇ લાભ ના થાય હવે તો તારે બીજી મોટી ઉંમર વાળી કોઇ બીજી છોકરી દેશમાંથી લાવવી પડે.”

“ મોમ હવે તે વાત જ જવાદે. એક જીઆએ જિંદગીનાં ચાર વર્ષ બગાડ્યા અને દેવાનાં ચક્કરમાં નાખી દીધો”

“પણ બેટા જિંદગી તો ઘણી લાંબી છે.”

“ મોમ તુ પપ્પા સાથે ભારત જઇને રહી શકેને?”

શીલાની આંખો પહોળી થઇ ગઇ “ એટલે?”

“ મોમ થોડોક સમયજ. ”

“ દીકરા હું સમજી ગઈ.. હવે હું ચુસાઇ ગયેલી કેરીનો ગોટલો ખરુંને?”.

“મમ્મી! આમ વાંકુ ના બોલ.”

“ તારે માટે હું આખી જિંદગી તેમની સાથે આખડી અને આજે તુ જ મને કહે છે તેમની સાથે જઇને રહે.”

“ બીજો આવક્નો સ્ત્રોત ઉભો થાય ત્યાં સુધીની વાત છે મમ્મી..”

“ મારું પેટ છે ને .તને જન્મથી જાણું છું.”

***

***

Rate & Review

Yakshita Patel 2 months ago

Prakash Bhatt 2 months ago

Nayna Modi 2 months ago

Rashmi Patel 3 months ago

Pravin shah 3 months ago