Budhvarni Bapore - 45 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 45

બુધવારની બપોરે

(45)

હવે ‘વૉટ્‌સઍપ’ના એક મૅસેજના રૂ.૨૫/- ચાર્જ થશે!

આ દિવાળી પહેલા મારા તમામ વૉટ્‌સઍપીયા સંબંધીઓને મૅસૅજ મોકલ્યો હતો (કમનસીબે....એ ય વૉટ્‌સઍપ પર...) કે મને તમારી દિવાળીની શુભેચ્છા કે મારૂં નવું વર્ષ સુંદર જાય, એવી કોઇ શુભેચ્છા મોકલશો નહિ. આ મૅસેજ મારા બધા દોસ્તોને મોકલ્યો છે, તો તમે ‘પર્સનલી’ લેશો નહિ.’

પરમેશ્વરની કૃપાથી સામો એકે ય નો જવાબ આવ્યો નહિ, એટલે મારો મૅસેજ કામ કરી ગયો છે, એવું ઈ.સ.૨૯૧૯ ના નવા વર્ષ સુધી તો માની લઉં છું. રામ જાણે, જાન્યુઆરીના નવા વર્ષ વખતે પાછા બધા મંડી પડશે.

‘વૉટ્‌સઍપ કરનારા એમ માને છે કે, આપણને બીજા તો કોઇ મૅસેજો કરતા ન હોય, એટલે દયાભાવનાથી પ્રેરાઇને મૅસેજોની વૉમિટ આપણા ઉપર કરે છે. રોજની આવી સરેરાશ ૧૦૦-૧૫૦ વૉમિટો આપણા ઉપર થાય, એ ‘ડીલીટ’ કરી કરીને તૂટી જવાય છે. આવે એટલે વાંચવો તો પડે, વાંચીને એને કે કોઇને ન સંભળાય એવી ગાળ દેવી પડે અને જવાબ જ ન આપીએ, તો સાલો એવું સમજે છે કે, આપણને નહિ મળ્યો હોય, એટલે એનો એ મૅસેજ બીજી વાર મોકલે. રોજના પચ્ચા મૅસેજો તો ધાર્મિક હોય. ભગવાનના ફોટા, મહાન માણસોના અવતરણો, જૉક્સ, અને જૉક્સ જેવા એના પોતાના ફોટા જોઇને આપણે મેળવવાનું શું? યસ. નવો રિવાજ શરૂ થાય ને એક મૅસેજ લેવાના આપણને પચ્ચા રૂપિયા ય મળતા હોય તો હું તો કહું છું, મિનીટે-મિનીટે મને મૅસેજ મોકલો. આમાં તો સાલું, કમાવાનો રૂપીયો ય નહિ ને ડીલીટ કરતા રહો...! ડીલીટ કરવાની ય મજૂરી કોઇ આપતું નથી.

કારણ સીધું છે. જેણે મને આવા ગ્રીટિંગ્સ મોકલ્યા, એ બધા ઉપર મારે પણ ‘થૅન્ક્સ’વાળી ગ્રીટિંગ્સથી ફરી વળવાનું! મેં આવો મૅસૅજ મારા બધા દોસ્તો-સંબંધીઓને મોકલ્યો હતો કે, એના જવાબમાં ૩૨૯-વૉટ્‌સઍપ મૅસેજો એવા આવ્યા કે, ‘કાંઇ નહિ...દિવાળીમાં નહિ મોકલીએ....અત્યારે અમારા તરફથી ‘શુભ દીપાવલી’ સ્વીકારશોજી.’ આવું લખ્યા પછી ય કેટલાકના નારાજ થતા મૅસેજો આવ્યા કે, ‘અમે તો તમને કોઇ વૉટ્‌સઍપ કર્યો નથી...કોઇ ભૂલ થતી લાગે છે...!’ એટલે મારે પાછા એ બધાને ‘સૉરી’ના મૅસેજો મોકલવાના! તારી થોડી ય ભલી ના થાય, ચમના...આખો દહાડો મૅસેજો લૂછ લૂછ કરીને તૂટી જઉં છું, મારા ફોનની બૅટરી, વાઈ-ફાઇ અને ભંડાર-શક્તિ (સ્ટોરેજ) બધું ખલાસ થતું જાય છે ને ડીલીટ કરી કરીને અંગૂઠા દુઃખી જાય છે, એની માલિશ જાતે કરવી પડે છે.

દરેક મોકલનારો એમ જ સમજે છે કે, આખા વિશ્વમાં એના સિવાય આપણને બીજા કોઇએ મૅસેજ મોકલ્યો નથી, એટલે આઠ દહાડા પછી રૂબરૂ મળે ત્યારે ખુશ થઇને પૂછે, ‘‘દાદુ....હૅપી ન્યૂ યરવાળો મારો મૅસેજ મળ્યો’તો..ને? તમારો કોઇ જવાબ ના આવ્યો, એટલે મેં બીજી વારે ય મોકલ્યો..’’

દાઝ તો ત્યાં ચઢે કે અસલી મીઠાઈનું પૅકૅટ આપણા ઘેર આવીને આપી જવાને બદલે મીઠાઈના પૅકેટનો બેહદ આકર્ષક રંગીન ફોટો એના મૅસેજ સાથે મોકલ્યો હોય. સાલું, આપણા ઘેર એ દિવસે વઘારેલો ભાત બનાવ્યો હોય તો એનો રંગીન ફોટો પાડીને મોકલી શકાતો નથી....એણે દિવાળીની આકર્ષક રંગોળીનો ફોટો મોકલાવ્યો હોય તો જવાબમાં આપણા દાદાજીની છાતીના બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ઍક્સ-રે નો ફોટો મોકલાવી શકાતો નથી. એના ‘નૂતન વર્ષાભિનંદન’ના જવાબમાં આપણા બાકી નીકળતા લેણાંના દસ હજાર પાછા માંગતો મૅસેજ મોકલી શકાતો નથી.....સાલી, એની બા ય ખીજાય!

આ મફતીયા-મૅન્ટાલિટીનો કોઇ ઉપાય નથી?

આમ તો મોબાઇલમાં મૅસેજ-બ્લૉક કરી શકાય છે, પણ કરી કરીને કેટલાને બ્લૉક કરો? અત્યારે આવી સગવડ છે, છતાં લોકો વાઈફ સિવાય કોઇનું નામ બ્લૉક કરતા નથી. (વાઈફ માટે સ્માર્ટ-ગોરધનો એક મોબાઇલ અલાયદો રાખતા હોય છે, જેની વાઇફને ખબર ન હોય!) વળી, જેના વૉટ્‌સઍપ બ્લૉક કર્યા હોય, એને ખોટું લાગે અને સંબંધ બગડે, એ જુદું.

બીજો ઉપાય છે, આપણે કોઇને ‘વૉટ્‌સઍપ’ કરવાનો જ નહિ. કોઇને કરીએ તો સામી ચોપડાવે ને?

પણ લોકોથી નથી રહેવાતું, તો નથી જ રહેવાતું. જન્મદિવસની શુભેચ્છા આપ્યા વિના ક્યા લાટા લેવાના રહી ગયા’તા! એમાં ય, ‘હૅપી બર્થ-ડે’ના મૅસેજમાં અત્યારે હજાર રૂપીયાનો માંડ મળે, એવા ફ્લાવરના બૂકેનો ફક્ત ફોટો મોકલવાનો! વધારે મારી નાંખે છે, એમાં લખેલા શુભેચ્છા સંદેશાઓ. ‘તુમ જીયો હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર...’

લો બોલો. આવા ૫૦-હજાર વેડફી નાંખવામાં એના અદાનું કાંઇ ગીયું? (મારા જામનગરની ભાષામાં ‘અદા’ એટલે અમદાવાદની ભાષામાં ‘ડોહા’..!) આપણે લેવા-દેવા વિનાના લેવાઇ જઇં ને? આંઇ અટાણે પચ્ચી હજાર પૂરા કરતા વાંકા વળી ગયા છીં ને તું કઇ કમાણી ઉપર બીજા પચ્ચી હજાર ઠોકસ? ડાયાબીટિસ કે બ્લડ-પ્રેશરૂંની દવાયુંના ખર્ચા...એની માં ને અધમૂવા કરી નાંખે છે, પગના ઘૂંટણની ઢાંકણીયું બદલાવાની થઇ છે, આંયખુંમાં મોતીયા ઉઇતરા છે ને કાને કોઇ બે-વાર બોલે તીયારે માંડ અડધી વાર હંભળાય છે ને તું શીધા પચાસ હજારની ચોંટાડશ? વૉટ્‌સઍપના એક મૅસેજમાં તારા ફાધરનું તો કાંઇ ગીયું નંઇ, પણ આંઇ હૉસ્પિટલુંના બિલું ભરી ભરીને મરી રિયા છંઇ. મારા કાઠીયાવાડની ભાષામાં કહું તો, ‘બહુ ડાયલી નો થા, મા...! તારે મોબાઇલના મૅસેજું મફતમાં પઈડાં છે...અમારે તો ઝીંકી ઝીંકીને બિલું ભરવા પડે છે...’

વળી મૅસૅજ કરતા પહેલા કે પછી આંખ મીચીને પ્રભુનું સ્મરણ કરીને ૩૦-સેકન્ડ માટે ય પ્રાર્થના કરીએ છીએ ખરા કે, ‘આજે બિમલ ૪૧-વર્ષનો થયો છે તો, હે ઈશ્વર....બીજા ૪૧-વર્ષ સુધી એને તંદુરસ્ત રાખજે. એને કે એની પડોસમાં ય કોઇને સ્વાઈન-ફ્લ્યૂ, ઝીકા વાયરસ, ચીકન-ગુનીયા કે ડૅન્ગ્યૂ-ફૅન્ગ્યૂ ના થાય, પ્રભો...એના આખા ઍરિયાની લાજ રાખજે, મારા ભૉળાનાથ બિમલીયાની બાજુની જ સૉસાયટીમાં મારી સગી સાળી રહે છે!’

મનથી તો કોઇને માટે કાચી સેકન્ડની ય પ્રાર્થના કરતા નથી પણ, આ તો મેં’કૂ....મફતમાં વૉટ્‌સઍપ થાય છે તો ઝીંકો એકાદો...!

માત્ર એક રૂપીયો.....ફક્ત એક રૂપીયો ‘વૉટ્‌સઍપ’ના એક મૅસેજનો એ લોકો ચાજર્ લેતા હોય તો જુઓ કેટલા ‘હૅપી દિવાલી’, ‘બર્થ-ડે’ કે ‘ન્યૂ-યર’ના મૅસેજો આવે છે! મફતની કોઇ કિંમત નથી. મૅસેજ મોકલારને એક પૈસો ચૂકવવો પડતો નથી, એની આ બધી જાહોજલાલી છે. મૅસેજ રીસિવ કરવાના મોબાઇલ કંપનીઓ દસ-દસ રૂપીયા ઠોકવા માડે, તો દેશભરમાં મારામારીના કલાકના હજારો કૅસ થાય. એક એક ‘જે શી ક્રસ્ણ’ પચ્ચા-પચ્ચા રૂપિયામાં પડે! કોઇને ‘હુવાડી દેવો’ હોય તો આ પધ્ધતિ બહુ અસરકારક રહે. મૅસેજની સાથે ફોટો મોકલાયો હોય તો રૂ.૨૫/- અને વીડિયો હોય તો રૂ.૧૦૦/-. જેનું બેસણું (નાગર હોય તો ઉઠમણું) કરાવવું હોય તો એક વૉટ્‌સઍપ કરવાના કે લેવાના રૂ.૨૫/- રાખો. અરે, કોઇ ઉકલી ગયું હશે તો, ‘બહુ ખોટું થયું. ઈશ્વરને ગમ્યું તે ખરૂં’વાળા મૅસેજો ય કોઇ નહિ મોકલે.

મારા મોબાઈલ ઉપર ગયા અઠવાડીયે નાના બાળકને પહેરવાના ઝભલાનો ફોટા સાથે ‘કૉન્ગ્રેચ્યૂલેશન્સ’નો મૅસેજ આવ્યો. આઠેક મહિનાના બાળકોના બે-ચાર હસતા ફોટા ય સાથે હતા. હું ચમકવા કરતા ગભરાયો વધારે. ઘેર પહોંચ્યા સુધીમાં તો મારા હોશ ઊડી ગયા. સાલું...અજાણતામાં તો ક્યાંક મારાથી....? હવે રહી રહીને આ ઉંમરે, આવું થવું તો ન જોઇએ પણ થઇ તો નહિ ગયું હોય ને, એવા ડરથી હકીને અમારા રૂમમાં લઇ જઇને ગભરાહટથી પૂછ્‌યું, ‘આ શું છે? આઇ મીન...આવું કંઇક છે...?’ તો એ મને ધક્કો મારીને આઘી ખસતા હસતા હસતા બોલી, ‘સુઉં તમે ય તે સાવ ગાન્ડા થઇ ગીયા છો? સરમાતા ય નથ્થીઇઇ? અને ઈ ય....આ ઉંમરે?’

સિક્સર

આગામી લોકસભાની ચૂંટણીમાં હું કૉંગ્રેસને વૉટ આપવા માંગુ છું...

બસ, કોઇ એટલું બતાવે કે, મોદી સિવાય કૉંગ્રેસ પાસે દેશ માટે બીજો કોઇ મુદ્દો છે?

--------