Pranaynu Pragaty - 6 books and stories free download online pdf in Gujarati

પ્રણયનું પ્રાગટ્ય - 6



પ્રણયનું પ્રાગટ્ય
ભાગ- 6


બિપીન એન પટેલ
(વાલુડો)





અરમાન સમજતા ક્યાં આવડ્યું છે

અરે માનવી શું મીટ માંડી બેઠો એવા વાદળ સામે,
જેને ચોમાસે વરસતા પણ હજી ક્યાં આવડ્યું છે!
એને તો ફક્ત પવનની સાથે હરીફાઈમાં જીતવું છે,
એને બે ઘડી ઉભા રહી વાત કરતા ક્યાં આવડ્યું છે!
અરે હવે તો ભીંજાવાની આશા છોડી દે એની પાસે,
જેને નમ્ર બની વરસતા પણ હજી ક્યાં આવડ્યું છે!
જોને વનરાજીએ પણ આશા છોડી દીધી એનાથી,
એને તરસ છીપાવતા પણ હજી ક્યાં આવડ્યું છે!
અરે આપણા દુઃખોને પણ હવે શું દૂર કરવાનાં હતાં,
જેને આજીજી સમજતા પણ હજી ક્યાં આવડ્યું છે!
અરે 'વાલુડા' ખોટી આશ ન રાખ આ મૃગજળોથી,
જેને અરમાન સમજતા પણ હજી ક્યાં આવડ્યું છે!


અપેક્ષા
રે અપેક્ષાઓ તું વરસાદની જેમ હેલી નહી થા
બંજર ભૂમિ છે આ, ઊગવા માટે ઘેલી નહી થા
કંઈક પ્રયત્ન કરી જોયા હ્રદય પર છાપ છોડવા
મરુ ભૂમી છે આ, શાંત રેત પર મોહી નહી જા
અરીસામાં પ્રતિબિંબ જોઇ શકાય છે આપણું
આરસ છે આ, જાતને જોવા બહેકી નહી જા
ડુંગરના પથ્થરોમાં પણ ઉગી નીકરે છે ઝાડવા
કઠણ શીલા છે આ, ફણગવા હઠીલી નહી થા
લાગણીના વાદળ વરસતા હોય તો ભીંજાવાય
મ્રૃગજળ છે 'વાલુડા', સ્નેહ માટે મરી નહી જા



મુક્ત ગગનના પંખી

નથી હવે કોઈ અરમાન ને નથી કરવી ફરિયાદ
મુક્ત ગગનનાં પંખીને હવે નથી સંભળાતો સાદ

ઉરે પામ્યુ સ્થાન છતા અજાણ્યા જ રહી ગયા
પોતીકા બન્યા હુંફમાં ને ફરી પારકા થઇ ગયા

લાગણીઓ વ્યક્ત કરવા, નથી કોઈ મોકળાશ
અનુભવતા હોય બંધન તો બનું જીવતા લાશ

અખુટ મારી લાગણીઓ ભલેને હ્રદયમાં રહેતી
ભીંજાવું નથી એમને તો શા માટે કરવી વહેતી

નારાજ થઈ એમને અમી સ્વપ્નને સળગાવ્યુ છે
ઉડેલી એ ઝોળથી વાલુડાના અંતરને બાળ્યુ છે



લાગણી વરસાવ્યા નહી કર
આમ વારે વારે ફીકર કોઇની કર્યા નહી કર,
એમના શાંત રહેલા હ્રદયને છંછેડ્યા નહી કર
એમને તો માત્ર શબ્દોની જ હુંફ જોઇએ છે,
સ્પર્શ સુખનું તો સ્વપ્નમાંય વિચાર્યા નહી કર
ખોટા ઈરાદાઓ સમજી બેસે છે આ દુનિયા,
તારી મીઠી નજરના જામ છલકાવ્યા નહી કર
એમ પણ બધા પોતાની મરજીના માલીક છે
આવી રીતે કોઇના પર હક જતાવ્યા નહી કર
લાગણીઓ ઉપર શંકા થઇ રહી છે 'વાલુડા'
કોઇના પર આટલી બધી વરસાવ્યા નહી કર



લાગણીની ઉણપ
અે તો બોલીના પાક્કા હતા, આમ ફરે નહી
મારી લાગણીમાં જ કંઈક ઉણપ હશે, નહીતર આમ બને નહી
ચેતવ્યા મને વારે વારે એમને,ભૂલ એ કરે નહી
મારી જ આંખો પર પડોળ ચડ્યા હશે, નહીતર આમ બને નહી
દોસ્તી તો એમની અણમોલ છે, એ તોડે નહી
મારા જ વર્તનમાં કોઈ ખામી રહી હશે, નહીતર આમ બને નહી
ફીકર મારી કરતા ઘણી, એમા એ ચુકે નહી
વાલુડાના વાયદા જ ખોટા ઠર્યા હશે, નહીતર આમ બને નહી



નવી સવાર
આજ સવાર અનેરી ઉગી છે
દીલના ઉંબરે નવી ભાત પડી છે.
હૃદયના કોઈ ખાલીપાને ભરતી,
એક સ્વજનની જાત જડી છે.
સુખ દુઃખોની વહેચણી કરવા,
આજ ઉરને મોકળાશ મળી છે.
મુરજાતા એક ફુલને ખીલવવા,
બાગબાન કેરી સ્વ-જાત ઘડી છે.
એક સ્નેહી આજ સ્વજન બનતા,
'વાલુડા'ના ઉરને નવી હુંફ મળી છે.



પ્રેમનો અભાવ
લાગણીઓનો ભંડાર ને પ્રેમનો વહેતો પ્રવાહ
દીલ મારુ દરીયા જેવું ને તોય પ્રેમનો અભાવ
હ્રદયમાં તમને વસાવ્યાં, આપ્યું હુંફાળું વ્હાલ
પાંપણો ઉપર બેસાડ્યાં ને તોય પ્રેમનો અભાવ
રીસાયા તમે મારાથી તો મનાવ્યાં લઈ બાથમાં
ભીંજવીને તરબોળ કર્યા તોય પ્રેમનો અભાવ
આંટીઘૂંટી અસમજણની ઉકેલું પકડીને હાથ
વહાવ્યો હેતનો વરસાદ ને તોય પ્રેમનો અભાવ
વાલુડાએ સાથ આપ્યો ને શરતો સ્વીકારી સદાય
સમયનું સમર્પણ કર્યુ અને તોય પ્રેમનો અભાવ


મીઠી ફરીયાદ
ગમે છે તમારી ફરીયાદ કરવી,
ભલે પછી તે કાયદેસરની હોય,
કે પછી બિનકાયદેસર હોય.
બોલતી હોય કે ખામોશ હોય,
ગમે છે તમારી ફરીયાદ કરવી,
ભલે પછી નયનોથી કરો કે અધરોથી,
સ્મિતથી કરો કે ઈશારાથી કરો,
ગમે છે તમારી ફરીયાદ કરવી,
ભલે પછી ગુસ્સામાં કરો કે લાગણીથી,
દુરથી કરો કે પછી કરો નજીકથી,
ગમે છે તમારી ફરીયાદ કરવી.



લાગણીનું ઝરણું

સમય ઓછો અને કહેવાનું ઝાઝુ હતું
માત્ર શબ્દોથી ક્યાં પુરુ થાય તેમ હતું.
મુઠ્ઠીમાથી સમય પણ સરી રહ્યો હતો,
એટલે તો શરીરને કામે લગાડ્યું હતું.
હોઠ ભલેને ફરિયાદ કરતા રહ્યા, પણ
નયનોમાં લાગણીનું પુર ક્યાં ઓછું હતું.
તન તો મર્યાદા રાખી બેઠુ હતું દૂર, પણ
મળેલા મન વચ્ચે ક્યાં કોઈ અંતર હતું.
ઇશારાથી તો કંઈ કહ્યું છે જ ક્યાં, માત્ર
આછેરા સ્મિતનું ઝરણું વહ્યે જતું હતું.
યોગ્ય-અયોગ્ય તો તમારે નક્કી કરવાનું
ફરીયાદ ગમી એ જ 'વાલુડા'ને ઘણું હતું.


વરશી પડવું છે
વાદળો વરસવાની આશમાં દોડી રહ્યા છે,
કે મળે ક્યાંય મરૂ ભૂમિ તો વરશી પડવું છે.
હ્રદયમાં લાગણીઓ ભરી નીકળ્યો છું હું,
મળે સહારો પોતીકો તો વરશી પડવું છે.
દુનીયાદારીની રસમોમાં અટવાયેલો છું હું,
મળે સાથી રખડવા તો નીકળી પડવું છે.
પ્રણયના પતઝડથી છવાયેલો છે 'વાલુડો',
કરે તું અમી છાંટણા તો ફણગાઈ જવુ છે.