Muhurta - 12 books and stories free download online pdf in Gujarati

મુહૂર્ત (પ્રકરણ 12)

અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા. એસ.વી.પી.આઈ. એરપોર્ટ ભારતના ટોપ મોસ્ટ એરપોર્ટના લીસ્ટમાં હશે એમ મને લાગ્યું. અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરના લોકો મુસાફરી માટે એનો ઉપયોગ કરતા હતા એટલે અમે રાતના સમયે ઉતર્યા છતાં ટર્મિનસ વન અને ટર્મિનસ ટુ બંને પર લોકોનો ધસારો હતો.

એ કદાચ ગુજરાતનું મુખ્ય એવિએશન હબ હશે કેમકે ત્યાંથી ભારતના મુખ્ય મેટ્રોપોલીઅન સીટી મુંબઈ, નવી દિલ્હી, કલકત્તા, બેંગલોર, અને ચેન્નઈ ઉપરાંત બીજા પણ મહત્વના શહેરો ગુવાહાટી, દિબ્રુગઢ, ગોવા, અને સીલીગુરી માટેની ફ્લાઈટ લીસ્ટ પર હતી.

અમે ઉતર્યા ત્યારે એરપોર્ટ જેટ લાઈટ, ગો એર, અને ઈન્ડીગો જેવા ડોમેસ્ટિક એરલાઈનના વિમાનોથી ધમધમી રહ્યું હતું.

“આ કયો એરિયા છે?” મેં એરપોર્ટમાંથી બહાર આવીને વિવેકને પૂછ્યું.

“હનસોલ.”

અમદવાદ ગુજરાતનું એક ગતિશીલ અને ધમધમતું શહેર હશે એમ મને લાગ્યું. અમે જયારે ઉતર્યા ત્યારે રાતનો સમય હતો છતાં આખું શહેર જાગતું હતું. શહેર રોશનીથી જગારા મારતું હતું. પ્લેનમાંથી એ તસ્વીર લઇએ તો વિદેશનો ફોટો ગ્રાફ લાગે.

“હવે ક્યાં જઈશું? અને કદંબને કે નબર બેને કયા શોધીશું?”

“પપ્પાને ફોન કરી જોઈએ.. કદાચ અવકાશી કેલેન્ડર તેમના હાથ લાગ્યું હશે તો કોઈક માહિતી જરૂર મળી જશે.”

“હા, એ યોગ્ય રહેશે કમ-સે-કમ આપણને નબર ટુનું નામ તો ખબર પડશે.” મેં કહ્યું.

વિવેકે પોતાના મોબાઈલમાં નબર ડાયલ કર્યો.

“હા, પપ્પા, વિવેક”

“અવકાશી કેલેન્ડરનો પતો મળી ગયો છે. અમે એકથી નવ નંબરનો પતો લગાવ્યો છે. એમના નામ મળી ગયા છે.”

“ટુ નબરનું નામ શું છે?”

“તપન.”

“એ અમને ક્યાં મળશે?”

“તને વેઈટરે કહ્યું હતું ને કે આજે વાદળછાયું વાતાવરણ છે તો આવતી કાલે ઠંડી હશે અને તારે કોટ તારી સાથે રાખવો જોઈએ.. ઠંડી સામે કોઈનું કઈ ચાલતું નથી એ બધા માટે સરખી હોય છે પછી ભલે એ રાજા હોય કે રંક. તારે બહુ સાવચેતી રાખવાની જરૂર છે.” સામેથી જવાબ આવ્યો, “તમે અત્યારે ક્યાં છો?”

“અમદાવાદ.”

“તો તમારે બની શકે તેટલા ઝડપે ત્યાં જવું જોઈએ કેમકે કદંબ પણ ગુજરાત માટે નીકળી ગયો છે.”

“કોઈ એડ્રેસ?”

“એડ્રેસની ફોનમાં વાત કરવી યોગ્ય નથી તમે ત્યાં પહોચો ત્યાં તમને એડ્રેસ મળી જશે. બસ મેજીકની નજીક રહેજો.” સામેથી અવાજ આવ્યો.

મને નવાઈ લાગી એમણે કોઈ સ્થળનો નિર્દેશ કર્યો જ નથી તો અમે ક્યાં પહોચીએ? પણ હું કઈ ન બોલ્યો.

“હા, અને બાકીના નંબર વિશે કઈ જાણકારી મળી છે?”

“હા, નંબર ત્રણ પણ એ જ શહેરમાં છે અને નંબર ચાર આજે સવારે જ્યાં વાતાવરણ વાદળછાયું હતું ત્યાંથી વિરુધ્ધના સ્થળે છે.”

“નંબર પાંચ.”

“એ એક નાગિન છે. એનું નામ પ્રિયંકા છે જેને હું પોતે જ શોધવા નીકળી રહ્યો છું.”

“અને નંબર સિક્સ?”

“એ પણ નાગિન છે. એને ટ્રેસ કરી શકાતી નથી. એનું નામ પણ ખબર નથી પડી. કદાચ એની સાથે એનો રક્ષક હશે જેના લીધે એ તેને અવકાશી કેલેન્ડરની મદદથી ટ્રેસ નહિ થવા દેતો હોય.”

“અને બાકીના નંબર?”

“નબર સેવન પણ મળી ગયો છે એને પણ લેવા માટે દાદા નીકળી ગયા છે. અને બાકીના નંબરના માત્ર નામ મળ્યા છે પણ કોઈના વિશે તેમના લોકેશન જાણી શકાયા નથી.”

“કોઈ ખાસ નોધ?”

“હા, નંબર નાઈન.. એ જરાક અજીબ છે.”

“એના વિશે શું અજીબ છે?”

“એનું નામ ખબર નથી. એનું લોકેશન પણ નથી મળતું. કદાચ એની સાથે રક્ષક હોય તો એ શક્ય છે પણ એ મેલ છે કે ફીમેલ એ પણ ખ્યાલ નથી આવતો અશક્ય અને વિચિત્ર છે.”

“મતલબ?”

“મતલબ કે એક મુહુર્તમાં જન્મેલ એ નવ નાગને અવકાશી કેલેન્ડર દર્શાવે છે જે નાગ પુરુષ હોય તેમના માટે સૂર્યનું ચિહ્ન હોય છે અને જે નાગિન હોય એ માટે બીજના ચંદ્રનું ચિહ્ન અંકિત થયેલ હોય છે પણ નબર નાઈન વિશે એવી કોઈ જ ચીજ અવકાશી કેલેન્ડર બતાવતું નથી. એ જરાક વિચિત્ર છે.”

“હું કયા નંબરમાં છું એ પુછીલે?” મેં વચ્ચે ઇન્ટરફીયર કરતા કહ્યું.

“કપિલ કયા નંબરે છે?” વિવેકે પૂછ્યું.

“નંબર આઠ...”

વિવેકે કનેકશન કાપી નાખ્યું.

“આપણે કયા શહેર જવાનું છે?” મેં અધીરા બની પૂછ્યું. અમે ફોર્ટી બાય ફોર્ટીના રોડ પર હતા અને સ્ટ્રીટ લાઈટો રાતને દિવસમાં ફેરવી નાખવા ચારે તરફ પ્રકાશ ફેલાવતી હતી. ત્યાં રાત જેવું નહોતું. ત્યાં રાતે પણ જાણે દિવસ હતો.

“રાજકોટ.” વિવેકે એકદમ શાંત સ્વરે જવાબ આપ્યો.

“પણ ફોનમાં તો એવી કોઈ વાત નથી થઇ.. તારા પપ્પાએ કોઈ સ્થળનો ઉલ્લેખ કર્યો જ નથી.” હું હજુ જાદુગરોની કોડ લેંગવેજથી ટેવાયો નહોતો.

“પપ્પાએ સ્થળનો ઉલ્લેખ કર્યો છે. એમણે કહ્યું કે તને વેઈટરે કહ્યું હતું ને કે આજે વાદળછાયું વાતાવરણ છે તો આવતી કાલે ઠંડી હશે. તારે કોટ તારી સાથે રાખવો જોઈએ.. ઠંડી સામે કોઈનું ચાલતું નથી. એ બધા માટે સરખી હોય છે પછી ભલે એ રાજા હોય કે રંક. તારે બહુ સાવચેતી રાખવાની જરૂર છે. ત્યારે એમણે બે વાક્યોમાં એ શહેરના નામનો ઉલ્લેખ કરી નાખ્યો હતો કોટ અને રાજા એટલે કે રાજકોટ.” વિવેકે કહ્યું.

“માય ગોડ! તમે જાદુગરો બહુ ગજબના છો”

“કેમ નહિ? જીવનભર નાગ સાથે રહેવાનું હોય છે.”

“આપણને ડોમેસ્ટિક અરાઈવલ સેક્શનમાંથી ત્યાં જવા ટેક્ષી કેમ ન લીધી?” મેં પ્રશ્ન કર્યો.

“એ માટે પહેલેથી નોધાવવું પડે છે. એ લોકો માત્ર પ્રી-પેઇડ ટેક્ષીની સેવા જ આપે છે. આપણે પ્રાયવેટ હાયર કરીશું.”

“ઓકે.”

અમે સીટી સેન્ટર તરફ જવા લાગ્યા.

“આપણે ટેક્ષી લઈએ એના કરતા વિહિકલ હાયર કરી લઈએ તો..?” મેં સઝેશન કર્યું.

“પણ એ માટે આપણા રીયલ આઈ.ડી. આપવા પડે. આપણે કોઈ ટેક્ષી ડ્રાયવરને જ શોધવો પડશે.” વિવેકે કહ્યું અને જાણે જીવનમાં પહેલીવાર નશીબે અમારો સાથે આપ્યો હોય એમ દુરથી એક ટેક્ષી અમારી તરફ આવતી દેખાઈ. વિવકે હાથ કરી ટેક્ષીને રોકવા માટે સંકેત આપ્યો.

“ક્યાં જશો સર?” ડ્રાઈવરે અમારી નજીક પુલ ઓફ કરતા કહ્યું.

“રાજકોટ.” મેં કહ્યું,

“ઓકે, સર.”

અમે ટેક્ષીમાં બેક સીટ પર ગોઠવાયા અને ડ્રાઈવરે ટેક્ષી સ્ટાર્ટ કરી.

“એને આપણે કઈ રીતે શોધીશું? નંબર ટુ ને?”

“આપણી મદદ કરવા માટે ત્યાં કોઈ પહોચી જશે.” વિવેકે કહ્યું, “પપ્પાએ કોઈ બંદોબસ્ત કર્યો જ હશે. બસ ત્યાં આપણે જાદુગરો જે હોટલમાં રોકાય છે એ હોટલ શોધવી પડશે.”

“શું એ મુશ્કેલ કામ છે?”

“હા, જો તમારી સાથે એક જાદુગર ન હોય તો જાદુગરોની ગુપ્ત જગ્યા શોધવી બહુ મુશકેલ છે.”

ટેક્ષી પુરપાટ ઝડપે અમદાવાદને પાછળ છોડી રાજકોટ તરફ અંતર કાપવા લાગી.

*

બીજી સવારે અમે રાજકોટ પહોંચ્યા. વિવેકના કહ્યા મુજબ મારી સાથે એક જાદુગર હતો માટે મને એ સ્થળ શોધવામાં તકલીફ ન પડી - હોટલ ડિવાઈન ટચ.

ડિવાઈન ટચનો બહારનો દેખાવ જ કહેતો હતો કે એ સ્થળ તેના નામ સાથે બંધ બેસતું હતું. ત્યાં ફરતો દરેક વ્યક્તિ ડીવાઈન ટચ સાથે હોય એમ લાગતું હતું.

ડ્રાયવર બહાર ટેક્ષીમાં જ બેસી રહ્યો અને અમે હોટલમાં દાખલ થયા.

“જાદુની કોઈ નવી તરકીબ માર્કેટમાં આવી છે?” વિવેકે કાઉન્ટર પર બેઠેલ ભરાવદાર ચહેરા અને તેવી જ ભરાવદાર દાઢી-મુછવાળા વ્યક્તિને પૂછ્યું.

“ના, કોઈ નવી તરકીબ નથી પણ નવી સિગારેટ બજારમાં આવી છે. લોકો કહે છે એ જાદુઈ સિગારેટ ઘણા સવાલોના જવાબ આપી શકે છે.” એ વ્યક્તિએ પોતાના ઓવરકોટના પોકેટમાંથી સિગારેટનું એક પાકીટ નીકાળ્યું.

“શું હું એક લઇ શકું?” વિવેકે સિગારેટ ઉપર નજર કરી પૂછ્યું.

“કેમ નહિ?” એ જાદુગર જેવા વ્યક્તિએ વિવેકના હાથમાં સિગારેટનું પાકીટ આપ્યું, “એમાં એક જ સિગારેટ છે તું પાકીટ રાખી શકે છે. ફરી ક્યારેક ખરીદવી હશે તો નમુનો બતાવવા પેકેટ કામ લાગશે.”

“થેન્ક્સ.” વિવેકે કહ્યું, એણે સિગારેટનું પાકીટ ગજવામાં સરકાવ્યું અને અમે હોટલ બહાર નીકળી ગયા.

“વિવેક... આ શું હતું?” હોટલ બહાર નીકળી મેં પૂછ્યું, “આપણે આટલે દુર સુધી માત્ર એક નવી સિગારેટ ટેસ્ટ કરવા આવ્યા હતા.”

“ના.” વિવેકે કહ્યું. એના ચહેરા પર અજીબ સ્મિત હતું. તેણે એ સિગારેટનું પાકીટ બહાર નીકાળ્યું, પેકેટને સાચવીને ફાડયું, તેના અંદરના સફેદ કાગળમાં એક સરનામું દેખાયુ.

“યુ આર જીનીયસ.” મેં કહ્યું, ના. મારાથી કહેવાઈ ગયું. કદાચ કોઈ અમારો પીછો કરતું હોય તો પણ એને કઈ સમજાઈ શકે નહી કેમકે હું વિવેકની સાથે હતો છતાં મને સમજાયુ નહી કે એ શું કરતો હતો અને કઈ રીતે માહિતી મેળવતો હતો. કોઈ પીછો કરીને એ જાણી શકે તે અશક્ય હતું.

ટેક્ષી ડ્રાયવર સાથે વિવેકે ત્રણ હજારમાં એક આખા દિવસ માટે ટેક્ષી અમને સોપી દેવાનો સોદો કર્યો. દિવસભર અમારે ટેક્ષી ફેરવવાની અને સાંજે એ ડ્રાયવર એ જ હોટલથી ટેક્ષી પીક અપ કરી જશે એવું નક્કી થયું. ત્રણ હજારની રકમ વિવકે એને એડવાન્સમાં જ આપી દીધી હતી.

અમે ટેક્ષી હાયર કરી લીધી હતી.

*

અડધા કલાકમાં વિવેકે અમે સિગારેટના કાગળમાં જે કોલેજનું એડ્રેસ મેળવ્યું હતું એના કેમ્પસમાં ટેક્સી પાર્ક કરી. અમે કારમાંથી નીચે ઉતર્યા એ જ સમયે અમને બીજા માળે ધમાકો સંભળાયો.

મેં ઉપર તરફ નજર કરી. એક કાચની બારી તૂટવાનો એ અવાજ હતો. હું એ તરફ જોઈ રહ્યો.

“આઈ થીંક વી આર લેટ...” મેં વિવક તરફ જોયુ.

“લેટ્સ ગો.” વિવેક અંદર જવા દોડવા લાગ્યો. એની પાછળ હું પણ દોડયો. મને નવાઈ લાગી વિવેક એટલી સ્પીડથી કઈ રીતે દોડી શકે? હું કલાકના પચાસ માઈલની ઝડપે દોડતી તેજ કારની ગતિએ દોડતો હતો છતાં એ મારા કરતા ઝડપી હતો. અમને અંદર જવા સુધીનું અંતર કાપતા પાંચેક સેકંડ કરતા વધુ સમય ન લાગ્યો છતાં જાણે વિવેક બહુ ઉતાવળમાં હતો.

અમે કદાચ મોડા પડ્યા હતા. વિવેકને એ જ લાગતું હતું એટલે એ દરવાજો ખોલવાને બદલે સીધો જ દરવાજા સાથે અથડાયો અને એ કાચનો દરવાજો અમે પસાર થયા ત્યાં સુધીમાં હજારો ટુકડાઓમાં વહેચાઈ જમીન પર વેરાઈ ગયો. હવે ત્યાં કોઈ નિશાની પણ નહોતી કે થોડાક સમય પહેલા ત્યાં કોઈ દરવાજો હતો.

અમે સીડીઓ ચડી સીધા એ રૂમમાં ગયા જેની બારીનો કાચ અમે કેમ્પસમાંથી તૂટતા જોયો હતો.

“શું થયું છે અહી?” વિવેકે અંદર દાખલ થતા જ ત્યાં એકઠા છોકરા છોકરીઓ તરફ જોઈ સવાલ કર્યો.

કોઈએ કશું જવાબ ન આપ્યો. બધા ડરેલા હતા. તેમના ચહેરા પરથી લાગ્યું કે કઈક ઘટના એમની આંખો સામે એમણે જોઈ હતી જેના ભયનું પ્રતિબિંબ એમની આંખો હજુ સુધી દર્શાવતી હતી..

શું થયું હશે એ અંદાજ લગાવવા મેં હોલમાં આમતેમ નજર ફેરવી. એ લાયબ્રેરી રુમ હતો. ચારે તરફ માત્ર અને માત્ર બૂક સેલ્ફ દેખાઈ. રૂમમાં વચ્ચે ગોઠવાયેલા મોટા લાકડાના ટેબલ પર પુસ્તકો આમ તેમ પડ્યા હતા. એક બારીનો કાચ તૂટેલ હતો એ સિવાય કોઈ ચીજ સ્ટ્રેજ નહોતી.

“વોટ હેપન્ડ?” મેં એક છોકરા પાસે જઇ પૂછ્યું.

“તપન..” એ બોલ્યો.

“શું થયું તપનને..?” વિવેક એકદમ બેબાકળો બની ગયો.

“એ આ ટેબલ પર બેસી અમારી સાથે વાંચતો હતો અને એકાએક ઉભો થઈ વીજળી વેગે આ બારીમાંથી બહાર કુદી પડ્યો. એ જરાક વિચિત્ર તો છેકથી હતો પણ આમ કાચ ખોલ્યા વિના સીધો બારી તોડીને એ બહાર કુદી પડ્યો એટલો વિચિત્ર નહિ.” એ છોકરાએ કહ્યું, બોલતી વખતે પણ એના ચહેરા પરથી લાગ્યું કે એ ઘટનાથી જરાક ગભરાયો છે.

“એ કઈ તરફ ગયો છે?” વિવેકે પૂછ્યું.

“શું તમે એના પાછળ છો? તમે એના પાછળ હો તો એક વાત કહી દઉં કે એ વિચિત્ર છે પણ મારો દોસ્ત છે માટે હું તમને ક્યારેય નહિ કહું કે એ ક્યાં છે.” એનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પણ એની દોસ્તી મને ગમી.

“અમે તેના મિત્રો છીએ અમે મદદ કરવા આવ્યા છીએ જે એની પાછળ છે એ પણ આવી જ રહ્યા છે.” મેં કહ્યું.

એને હજુ વિશ્વાસ ન હોય એમ એ અમારી તરફ ફાટી આંખે જોઈ રહ્યો.

“જે એની પાછળ છે એ તારી સામે હોત તો તું અત્યાર સુધી જીવતો ન હોત.. કદાચ તને ખબર નહિ હોય કે તપનમાં કેટલી શક્તિ છે.” વિવેકે એ છોકરાના ખભા પકડી એને બરાબર હલાવી દીધો જેથી તે સ્વસ્થ થાય.

“મને ખબર છે એ અત્યંત તાકતવર છે... એણે મારી ઘણીવાર મદદ કરી છે. મને છોકરાઓની માર ખાતા બચાવ્યો છે.” એ છોકરાએ ડરતા ડરતા કહ્યું. વિવેક જે રીતે એની લાલ આંખોથી એ છોકરાને જોઈ રહ્યો હતો એટલે જ એ ડર્યો હતો.

“તારું નામ શું છે?” મેં પૂછ્યું.

“અવિનાશ.”

“લૂક અવિનાશ.. કોલેજમાં કેટલા સ્ટુડેન્ટસ છે.?”

“આજે નથી... માત્ર અમે દસ બાર જણ જ છીએ કેમકે આજે હોલી-ડે છે. અમે લાઈબ્રેરીમાં રોજ વાંચવા આવીએ છીએ. સંડેના દિવસે પણ અને હોલીડેના દિવસે પણ.”

“અને તપન પણ વાંચવા આવે છે?” મને અજુગતું લાગ્યું કેમકે એક નાગ એક્સ્ટ્રા કલાસ ભરવા જાય એ જરાક ન સમજાય તેવી વાત હતી, એને ક્યાં નોકરી લેવાની હોય છે.?

“ના, એ વાંચવા માટે નહિ મોનિકાને જોવા માટે આવે છે.” એ છોકરાએ કહ્યું.

“વોટ? એ કોઈના પ્રેમમાં છે?” વિવકે કહ્યું.

“હા, એ અમારી કોલેજની જ છોકરી છે.”

“ઓહ! નો. ફરી એક નાગ નાગિનની લવ સ્ટોરી.” વિવેકે જાણે રાડ પાડી.

“શું?”

“કાઈ નહિ. મને ફટાફટ કહે એ ક્યાં મળશે એ બંનેનું જીવન જોખમમાં છે.” વિવેકે કહ્યું.

“તો તમારે મારી જરૂર પડશે કેમકે હું આ કોલેજને જેટલી સારી રીતે જાણું છું એટલી સારી રીતે કોઈ નથી જાણતું.” અવિનાશે કહ્યું.

“ઓકે. લેટ્સ ગો.” વિવકે કહ્યું, “શો અસ ધ વે.”

અમે અવિનાશની પાછળ કોર્ટયાર્ડમાં થઈને કલાસરૂમને વટાવતા આગળ વધ્યા.

“સ્ટોપ તપન.” અવિનાશે બુમ પાડી એ સાથે જ અમારી નજર પણ ફૂટબોલના મેદાનમાં ઉભા તપન પર પડી.

“અવિનાશ.. તું અહી શું કરી રહ્યો છે? અને આ લોકો કોણ છે?” તપને કહ્યું. તેણે લાઈટ બ્લુ કલરનું જીન્સ અને રેડ કલરની હુડી ટી-શર્ટ પહેરેલ હતી. તેના પગમાં કેનવાસ સુજ પરથી હું સમજી ગયો કે તેને કાયમ અંદાજ હતો જ કે ક્યારેક કોઈક એની તલાસમાં આવશે જ અને તેથી જ તે ભાગવામાં સરળતા રહે એ માટે હમેશા પોતાના કેનવાસ સુજમાં સજ્જ રહેતો હશે.

તપન ત્યાજ ઉભો રહ્યો અને અમે તેની તરફ ધીમેથી આગળ વધ્યા.

“અવિનાશ આ લોકો કોણ છે? અને તું અહી શું કરી રહ્યો છે?” તપને ફરી એ જ સવાલ કર્યો.

“હું અહી શું કરી રહ્યો છું એ તું પૂછી રહ્યો છે. હું શું ચાલી રહ્યું છે એ અંદાજ મેળવી રહ્યો છું. તું મારો મિત્ર છે અને તે મને ક્યારેય કહ્યું પણ નહિ કે તું કોણ છે.” અવિનાશે ઠપકો આપતો હોય તેમ કહ્યું.

“હું તને બધું પછી સમજાવીશ અવિનાશ.. એ બધું તું ન જાણે એમાં જ તારો ફાયદો છે એટલે મેં તને નથી કહ્યું. તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને હું તારા જીવનને જોખમમાં ન મૂકી શકું.” તપને કહ્યું.

મને એના શબ્દો સાંભળી અશ્વિનીની યાદ આવી ગઈ. એ પણ રોહિતને હમેશા એમ જ કહેતી કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને હું તારું જીવન જોખમમાં ન મૂકી શકું. કદાચ આ અમારું બધાનું નશીબ હોય છે અમે મિત્રોથી જેને ચાહતા હોઈએ એ દરેકથી દુર રહેવા માટે જ બનેલા છીએ. કદાચ લોકોને લાગતું હશે કે અમારી પાસે અદભુત શક્તિઓ હોય છે પણ અમારા માટે એ બધું એક અભિશાપ કરતા વધુ કાંઈ જ નથી. મને સમજાયુ કેમ મમ્મી ઇચ્છતી કે અમે માનવ હોત તો સારું.

“આ લોકો કોણ છે?” તપને ફરી પૂછ્યું. એ હજુ અમને ઓળખી શક્યો ન હતો. મારું ધ્યાન એના હાથ પર ગયું. એના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. કદાચ બારી તોડીને નીકળતી વખતે એને ચોટ લાગી ગઈ હશે અને એનો અર્થ હું સમજતો હતો. એની સાથે એનો ગાર્ડિયન નથી. કદાચ એને તાલીમ નહિ મળેલ હોય એટલે જ એ બારીનો કાચ એને વાગવામાં સફળ થયો હશે.

“અમે મિત્ર છીએ.. મદદ કરવા આવ્યા છીએ. તારું જીવન જોખમમાં છે.” વિવક બે ડગલા આગળ વધ્યો.

“જાણું છું. મને ખબર છે મારું જીવન જોખમમાં છે.” તે બોલ્યો.

“અને છતાં તું અહી છે? એ લોકો તારા માટે આવી રહ્યા છે એની રાહ દેખે છે? તારે અમારી સાથે આવવું જોઈએ. અમે તને કોઈ સલામત સ્થળે લઇ જઈશું.” વિવેકે ફરી એક કદમ આગળ વધી એને સમજાવ્યો.

“હું મોનિકાને છોડીને ક્યાય નહિ જાઉં. એનું જીવન પણ જોખમમાં છે.”

“તારે આવવુ જ પડશે હું આટલે દુરથી આમ જ નથી આવ્યો. તારો ગાર્ડિયન ક્યા છે?” વિવેકે કહ્યું.

“મારો ગાર્ડિયન નથી. એ વરસો પહેલા મને આ દુનિયામાં અજાણ્યા લોકો વચ્ચે એકલો છોડી ગયો.”

“આઈ એમ નંબર એઈટ.” મેં પણ આગળ વધતા કહ્યું, “મારું નામ કપિલ છે.”

“અને હું કયો નબર છું?” એણે પૂછ્યું.

“નબર ટુ.” વિવેકે જવાબ આપ્યો, “કદાચ તને ખ્યાલ ન હોય તો કહું કે નંબર વન એક દિવસ પહેલા જ માર્યો ગયો છે અને હવે એ લોકો તને શોધવા આવી રહ્યા છે.”

“મને ખબર છે મારા ગાર્ડિયને કહ્યું હતું કે હું તારી રક્ષા કરવા વધુ સમય નથી રોકાઈ શકું તેમ મને માફ કરજે પણ યાદ રાખવું જોઈએ કે તારે લડતા શીખવું પડશે એક દિવસ એ લોકો તારા માટે આવશે. એ લોકો તારા માટે આવશે એ પહેલા તારા શરીર પર એક નાગમંડળની એક આકૃતિ ઉપસી આવશે જે તને કહેશે કે હવે સમય આવી ગયો છે. એ લોકો તારા માટે નીકળશે એની એ નિશાની હશે ત્યારબાદ તારી પાસે બહુ સમય નહિ હોય.” તપને કહ્યું. તે જરાક ઉદાસ થયો. ના દુશ્મનને લીધે નહિ કેમ કે નાગ મોતથી ડરતા નથી કદાચ એના ગાર્ડિયનની યાદો એને ઉદાસ કરી રહી હતી.

“હા, પણ આ સમય સેન્ટી બનવાનો નથી.. તારે તારા ગાર્ડિયને કહેલી વાતો યાદ રાખવી જોઈએ. તું નબર ટુ છે.” વિવેકે ફરી કહ્યું.

“અને તું કયો નબર છે?” તપને વિવેકને પૂછ્યું.

“હું વિવેક.. હું નાગ નથી... હું મદારી છું.. બસ એક મુહુર્તમાં જન્મેલા નવ નાગની રક્ષા માટે નીકળ્યો છું. આજથી હું તારો ગાર્ડિયન છું એમ સમજજે.” વિવેકે કહ્યું.

“સેન્ટી..? હું સેન્ટી નથી બની રહ્યો વિવેક, હું જાણું છું કે એ આવી રહ્યા છે. તેઓ હું નહિ મળું તો મોનિકાને લઇ જશે અને હું એવું ક્યારેય નહિ થવા દઉં.” તપને કહ્યું. એના એ વાક્ય સાથે જ મને લાગ્યું કે માત્ર હું જ નહિ બધા નાગ પ્રેમમાં પાગલ હોય છે. વફાદાર પણ...

“આપણે જવું જોઈએ તપન.” વિવેકે કહ્યું અને એની તરફ જવા લાગ્યો.

વિવેકે એની તરફ એકાદ ડગલું ભર્યું એ સાથે જ તેણે વિવેકને એ જ્યાં ઉભો હતો ત્યાં પોતાની શક્તિ વડે રોકી રાખ્યો. તેનામાં કોઈ અદ્રશ્ય શક્તિ હતી. વિવેક એની તરફ જવાનો પ્રયાસ કરતો રહ્યો પણ એણે વિવેકને પોતાના કોઈ અલૌકિક બળ વડે ત્યા જ રોકી રાખ્યો. વિવેક આગળ વધી શક્યો નહી. મને ત્યારે જ સમજાયું કે દરેક નાગમાં અલગ અલગ શક્તિઓ હોય છે!

“તો તારામાં આ હુનર છે. પણ આ કદંબ સામે કઈ કામ નહિ લાગે. તે જાદુગર છે એ તારી અલોક્કિક શક્તિઓને પહોચી વળશે.” વિવેકે કહ્યું. એને બોલવામાં તકલીફ પડતી હતી.

વિવેક એની સાથે વાત કરતો હતો પણ એ સમયે એ શું વિચારી રહ્યો છે એ મને સમજાયુ. એક મદારી અને એક નાગ એકબીજાથી જોડાઈ જાય એટલે તેઓ એકબીજાનું મન સમજી શકે છે.

“આઈ એમ સોરી.” તપને કહ્યું અને તે પાછળ ડગલા ભરતા ચાલવા લાગ્યો.

એ કઈ સમજી શકે એ પહેલા હું એની સાથે અથડાયો. મારી આંગળીમાં એ વીંટી હતી જે મને સુપર સ્પીડ આપતી હતી. હું કોઇ પણ સ્થળેથી બીજા સ્થળે એક પળમાં જઇ શકતો. અમે બંને એકબીજા સાથે અથડાયા. એ ટકરાવ એટલો ભારે હતો કે કદાચ અમારે બદલે કોઈ પથ્થર એટલી તીવ્રતાથી ટકરાયા હોત તો ભાંગીને ભુક્કો થઇ ગયા હોત પણ અમે નાગ હતા અમે પથ્થર કરતા પણ કોઈ મજબુત ચીજથી બનેલા હતા. અમે બંને જમીન પર પછડાયા અને બીજી જ પળે ઉભા થઇ ગયા અને કદાચ હું એના કરતા પહેલો ઉભો થયો હતો કેમકે એ નંબર ટુ હતો અને હું નબર એઈટ હતો. મારામાં એના કરતા વધુ શક્તિ હતી.

મારા પછી એ ઉભો થયો અને એણે મારી તરફ જોયું. ખાસ્સી ધૂળ હવામાં ઉછળી હતી અને તેની આરપાર તેની આંખોમાં ગુસ્સો મને દેખાયો. કોઈ પણ માણસ એ આંખો જોઈ ડરી જાય એવી હતી પણ હું એક નાગ હતો. મારામાં પણ એ જ ગુસ્સો હતો જે એનામાં હતો. અમે બંને એક પળ માટે એક બીજાને તાકી રહ્યા. કોઈ બે ભયાનક જાનવરોને તેમના માટે બહુ નાનું પડતું હોય એવા પાંજરામાં બંધ કરી દેવાયા હોય અને તેમના ચહેરા પર જે ગુસ્સાના ભાવ હોય એ જ ભાવ સાથે અમે એકબીજા સામે તાકી રહ્યા અને બીજી જ પળે અમે એકબીજા તરફ ત્રાટક્યા.

મારે એનો જીવ બચાવવા એની સાથે લડવુ પડ્યું. એની સાથે એનો ગાર્ડિયન ન હતો એટલે કદાચ એ જીવનભર સામાન્ય માણસો સાથે જ રહ્યો હતો અને સામાન્ય માણસો કરતા એક નાગમાં અનેક ગણી શક્તિઓ હોય છે માટે પોતાની જાતને એ શક્તિશાળી માનતો હતો અને માટે જ તેને ખબર ન હતી કે કદંબ અને એના સાથીઓ કેટલા શક્તિશાળી હતા નહિતર એ કોલેજના કેમ્પસમાં ઉભો રહી એમની રાહ જોવાની ભૂલ ન કરોત.

અમે બંને એકબીજા તરફ ધસ્યા અને એકબીજા સાથે જયારે અથડાયા ત્યારે જમીન કરતા એકાદ ફૂટ હવામાં અધ્ધર ઉછળ્યા. કોઈ બે કાર રસ્તા પર આકસ્મિક ભેગી થઇ ગઈ હોય તેવી એ અથડામણ હતી.

એ જમીન દોસ્ત થઇ ગયો. એ નંબર ટુ હતો એનામાં મારાથી ઓછી શક્તિઓ હતી હું એ જાણતો હતો એ મારા સામે લડી શકવા કાબીલ ન હતો. એને ચોટ લાગશે એ હું જાણતો હતો અને છતાં હું એની સામેં લડયો. મારે તેને ભાન કરાવવું હતું કે એ દુનિયામાં સૌથી શક્તિશાળી નથી અને જો એ મારા સામે ટકી ન શકતો હોય તો કદંબ અને તેના સાથીઓ સાથે એ ટકી શકે એ પ્રશ્ન જ નથી. એ કદંબ અને એના શિકારીઓ સામે લડવા કાબીલ ન હતો.

“તપન...” વિવેકે રાડ પાડી પણ એ અવાજ તપનને રોકી ન શક્યો. તપન મારા તરફ આગળ વધ્યો. એ મારાથી એકાદ બે ડગલા દુર હતો. મેં મારી આંગળીઓને મુઠ્ઠીમાં ભેગી કરી, હું લડવા માટે તૈયાર થયો પણ તપન અટકી ગયો. તેના ગળાને કોઈએ રસ્સી વીંટાળી કોઈ એને તાણી રહ્યું હોય એમ એ પાછળ ખેચાવા લાગ્યો.

મેં વિવેક તરફ જોયું. એના હાથમાં એક ગોલ્ડન યાર્ન હતો. મને ખબર હતી કોઈ જાદુગર ગોલ્ડન યાર્ન વડે શું કરી શકે છે.

તપન જમીન પર ફસડાઈ પડ્યો. તેના બંને હાથ તેની ગરદનને કોઈ અદ્રશ્ય રસ્સીથી બચાવવા મથવા લાગ્યા પણ જે રસ્સી અદ્રશ્ય હતી એનાથી બચવું અશક્ય હતું.

“વિવેક, એ મરી જશે.” મેં રાડ પાડી.

“હા, એ કદંબના હાથે મરે એના કરતા મારા હાથે મરે એ શું ખોટું છે? કમ-સે-કમ કદંબનું નવ નાગને મારવાનું સપનું તૂટી જશે અને એ જે કાઈ મેળવવા ઈચ્છે છે એ તો નહિ મેળવી શકે.” વિવેક બરાડ્યો તેને તે નાદાન નાગ ઉપર ગુસ્સો આવ્યો હતો.

મેં એની તરફ જોયું એના ચહેરા પર એક નાગ કરતા પણ વધુ ગુસ્સાના ભાવ હતા, એ જ તંગ જડબા, એ જ લાલ આંખો અને એમાં શિકારી જેવી ચમક.

“સ્ટોપ ઈટ વિવેક.. તું પાગલ થઇ ગયો છે.” મેં એના હાથમાંથી એ ગોલ્ડન યાર્ન ઝુંટવી લીધી.

અવિનાશ સ્તબ્ધ બની અમને બધાને જોઈ રહ્યો. એને કાઈ સમજાયુ નહી શું કરવું જોઈએ અને શું નહિ. તપન થોડીક વારે સ્વસ્થ થયો અને ઉભો થયો, “તમે શક્તિશાળી હશો તો મને મારી શકો છો પણ હું મોનિકાને લીધા વિના અહીંથી નથી જવાનો.”

“નાગ નાગિનની આ જ જીદ મને પસંદ છે. તેઓ પોતાના જોડા માટે મરવા પણ તૈયાર થઇ જાય છે.” વિવેકે કહ્યું. મને ખબર હતી એ મને સંભળાવી રહ્યો હતો.

“મોનિકા ક્યા છે..?” મેં મારા કપડા પરથી ધૂળ ખંખેરતા પૂછ્યું.

“એ કોલેજમાં ક્યાંક હશે. મારે એને શોધવી પડશે.” તપને કહ્યું, એના કપડા પણ ધૂળથી ખરડાયેલા હતા.

“એ કામ તું કેટલી વારમાં કરી શકે છે?” વિવેકે પુછ્યું.

“થોડીક જ વારમાં.” તપને પણ પોતાના શર્ટ અને પેન્ટ પરની ધૂળ અને સળ દુર કરતા જવાબ આપ્યો.

“ધેન લેટ્સ ગો ટુ ફાઈન્ડ હર.” વિવેકે તપનના ખભા પર હાથ મૂકી કહ્યું.

“કદાચ એ ઓડીટોરીયમ હોલમાં હશે.” અવિનાશ અત્યાર સુધી ચુપ હતો પણ અમને બધાને ફરી એક થતા જોઈ એ બોલ્યો.. અમે એ તરફ જવા લાગ્યા.

“તે મને કહ્યું કેમ નહિ?” તપને અવિનાશ તરફ જોઈ કહ્યું.

“તું મને પૂછવા જ ક્યાં રહ્યો હતો કે મોનિકા ક્યાં છે? તું સીધો જ બારીમાંથી કુદીને સુપર હીરો બની ગયો હતો.”

“તું કેટલા સમયથી આ કોલેજમાં છે?’ વિવેકે તપનને પૂછ્યું.

“બે વર્ષથી.” તેણે એ રીતે જવાબ આપ્યો જાણે તેનું મન ક્યાંક બીજે હોય, “શું તું મને ખરેખર મારી નાખવાનો હતો?”

“મારે જેને મારી નાખવો હોય એના ગળા પર મારી ગોલ્ડન યાર્ન નહિ પણ મારું કાર્ડ હોય છે. તું બહુ જલદી એ સમજી જઈશ.”

“મતલબ તું મને ડરાવી રહ્યો હતો?”

“હા, પણ બીજી વાર મને ગુસ્સો ન અપાવીશ કેમકે એ વખતે મારો મૂડ સારો ન હોય તો હું કાર્ડ પણ વાપરી શકું.”

“તું નહિ વાપરે. મને ખાતરી છે.” અમે ફરી કોર્ટયાર્ડમાં દાખલ થયા એ સમયે તપને કહ્યું.

“કેમ તને એ ખાતરી કઈ રીતે હોઈ શકે?” મેં પૂછ્યું.

“કેમકે મારો ગાર્ડિયન પણ મને આ જ રીતે ડરાવતો. જયારે હું ભૂલ કરતો એ મને કહેતો બીજી વાર આજ ભૂલ ન કરીશ નહીતર તને માફી નહિ મળે. પણ એ મને ક્યારેય સજા ન કરતો.”

“તારા ગાર્ડિયને તને સજા કરવી જોઈતી હતી તો તું સુધરત.” વિવેકે કહ્યું.

“તારા ગાર્ડિયન સાથે શું થયું હતું.” મેં પૂછ્યું.

“મારા મમ્મી પપ્પાને બચાવવાના નિષ્ફળ પ્રયાસમાં એ જીવ ગુમાવી બેઠો.”

“કાતિલ કોણ હતો?”

“મને ખબર નથી. હું નાનો હતો. બસ મને એનો ચહેરો યાદ છે.”

“શું એ કોઈ જાદુગર હતો?” વિવેકે પૂછ્યું.

“મને એ પણ ખબર નથી પણ એના કપડા પરથી એ જાદુગર લાગતો નહોતો.”

અમે કોર્ટયાર્ડ છોડી ઓડીટોરીયમ તરફ જવા લાગ્યા. પણ ત્યાં કઈક ભયાનક પરિણામ આવશે એનો મને અંદાજ ન હતો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky