pardarshi - 8 books and stories free download online pdf in Gujarati

પારદર્શી - 8

પારદર્શી-8
અદ્રશ્ય રહીને સમ્યકે કરેલા કાર્યો ખુબ સારા હતા.ઘણાં નાના મોટા ગુનાઓ થતા પહેલા જ એણે રોકયા.અને કોઇપણ જાતની પ્રસિદ્ધી વિના પણ એ કામ કર્યે જતો હતો.દુનિયાની નજરમાં આ બધા કાર્યોં કયાં તો ભુતપ્રેત કયાં તો ઇશ્વરીય શકિતઓ દ્વારા થતા જણાતા.સમ્યક જે જે ઘટનાઓનો હિસ્સો બનતો એ કિસ્સાઓને બીજા દિવસે સમાચારમાં કોઇ અલગ જ કારણ સાથે પ્રસિદ્ધ કરાતા.અને એ બરાબર જ હતું કારણકે કોઇ અદ્રશ્યની વ્યાખ્યા તો શું કરે? જે જોઇ નથી શકાતુ એનું વર્ણન માનવ મગજમાં નથી જ ઉતરતું.પણ સમ્યકનાં પરોપકારી સ્વભાવ મુજબ આ ઘટનાઓની ખોટી વ્યાખ્યાઓ એને કોઇ અસર કરતી ન હતી. ‘બીત ગઇ સો બાત ગઇ’ ની જેમ એને મન આ એક સામાન્ય કામ થઇ પડયું.પણ છેલ્લા અનુભવે એને થોડી ઉણપ વર્તાઇ.ઉણપ એ બાબતની કે કયાંક દિવાલો વચ્ચે, પદાર્થોની વચ્ચે ફસાયા પછી નીકળવું મુશ્કેલ હતુ.પણ એના પપ્પા તો એની નજર સામે દિવાલોને પણ પાર કરી જતા.આરપાર થવાની અભિલાષા સાથે સમ્યક આજે એના પપ્પાની સામે પ્રશ્નાર્થ ચહેરે હાજર હતો.

“બેટા સમ્યક, શું તકલીફ છે બોલ?”
એકદમ શાંત ચહેરે રમેશભાઇએ પુત્રનાં પ્રશ્નને ઉકેલવા માટે પ્રશ્ન પુંછયો.

“પપ્પા, ગઇકાલે હું એક સારું કામ કરવા ગયો પણ એક ઓફીસમાં ફસાઇ ગયો હતો.જો આપની જેમ હું પણ દરેક વસ્તુની આરપાર નીકળી શકું તો હું હજી વધારે સારા કામ કરી શકું.કેટલાય ગુનાઓ થતા રોકી શકું.” સમ્યક એકીશ્વાસે બોલી ગયો.પછી પપ્પાનાં ચહેરે નજર ધરી.પણ એ કંઇક ગહન વિચારમાં હોય એવું લાગ્યું.

થોડીવારે રમેશભાઇએ કહ્યું
“બેટા, આ માર્ગમાં બધુ મળશે.પણ ધીરજ રાખવી પડે.તારી તીવ્રતા તને અશાંત કરશે.અને અશાંતિ આ માર્ગમાં સૌથી મોટી બાધા છે.”

“નહિં પપ્પા, હું અશાંત જરા પણ નથી.પણ મારે જે કરવું છે એમાં કંઇક ખુટે છે.મારે હવે આ સિદ્ધીને પુરેપુરી જાણવી છે.આપ જે જગ્યા પર છો એ જગ્યા પર પહોચવું છે.”

“દિકરા, કોઇ સિદ્ધી એની કિંમત ચુકવ્યાં વગર નથી મળતી.તને જે પ્રાપ્ત છે એમાં સંતોષ માન.આગળ વધવામાં જોખમ છે.”

“શું જોખમ છે?”

“જો દિકરા, કોઇ દિવાલ કે વસ્તુની આરપાર નીકળવું એટલે કોઇપણનાં જીવનમાં ચંચુપાત કરવા બરાબર પણ છે.એનાથી તને જો કોઇનાં અંગત જીવનમાં ડોકીયું કરવાની આદત પડશે તો એ બંને માટે ખતરનાક હશે,તારા માટે અને એમના માટે.....”

આ સાંભળીને સમ્યકનાં મનમાં એક ક્ષણમાં અનેક વિચારો આવીને ગયા.પણ પછી એ વિચારોની પાછળ સમ્યક મકકમ થઇને ઉભો હતો.એટલે આખરે એણે કહ્યું
“ના પપ્પા, એવું કશું હું નહિં કરુ.કોઇ કારણ વિના, ફકત ઉત્સુકતા વશ કે મનોરંજન માટે હું કોઇનાં ઘરમાં કે ચાર દિવાલો વચ્ચે હું ચંચુપાત નહિં કરુ.અને જો આપને કે આપના ગુરુઓને મારા પર એવી શંકા જાય તો મને ફરી સામાન્ય માનવીની હરોળમાં મુકી દેજો.”

“અરે દિકરા, હું કે મારા ગુરુઓ નથી ઇચ્છતા કે તું ફરી સામાન્ય માનવી થઇ જાય.એટલે જ તો તારું પાકકુ ઘડતર કરવાનું છે.છતા હું તિબેટ જાવ છું.ત્યાં મારા ગુરુઓને આ વિશે કહીશ.”

રમેશભાઇની આ વાતનો ગુઢાર્થ સમ્યકથી ન પકડી શકાયો.એ અર્થ અદ્રશ્ય જ રહ્યોં.અથવા તો સમ્યકને લોકહિતનાં કામો કરવાની ઉતાવળમાં આ એક પગથીયું ભુલાય ગયુ.એટલે એણે તરત જ પુછયું

“તમારે ત્યાં કેટલા દિવસ થશે?”

“દસ થી પંદર દિવસ પણ થાય.પણ એ દરમિયાન તું એક પ્રયત્ન ચાલુ રાખજે.જયાંરે પણ કોઇ પદાર્થની આરપાર થવું હોય તો તારા અદ્રશ્ય શરીરને પણ રૂપાંતરીત થવું પડે.એ માટે એક સહજ પ્રક્રિયા છે.ફકત જે દિવાલ પાર કરવી હોય એમાં જેટલો સમય લાગે એટલો સમય તારે શ્વાસ ફેફસામાં ભરી રોકી રાખવો પડશે.પછી જ આગળ વધવાનું, તો આરપાર થઇ શકાય.પણ આના માટે ગુરુઓની અનુમતિ પણ જરૂરી છે.તું પ્રયત્નો ચાલુ રાખજે.કયાંરે અનુમતિ મળી જાય એ નકકી નહિં.તારા નસીબ પર આધાર.” રમેશભાઇની અનિશ્ચિત વાત પણ સમ્યકને સારી લાગી.આજે નહિં તો કાલે પોતે આરપાર નીકળતો થઇ જશે.એ રોમાંચથી ભરાયેલા સમ્યકને ખુશ થતો જોઇ એના પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા.
આખો દિવસ ફેકટરીનાં કામકાજમાં પસાર થઇ ગયો.આમપણ સમ્યક હવે આખો દિવસ કામમાં એમ પસાર કરતો કે રાતનાં અદ્રશ્ય બની નીકળી પડીશ.એને હંમેસા રાત પડે એની જ ઉતાવળ રહેતી.શરીરમાં પણ હવે ઘણાં ફેરફાર થયેલા હતા.અમુક એને ધ્યાને આવેલા અમુક હજુ ધ્યાન બહાર હતા.ભુખ અને ઉંઘ ખુબ જ ઓછી થઇ ગઇ એ એના ધ્યાને હતુ જ.શરીર પણ એકદમ સ્વસ્થ લાગતુ, પહેલા દર ચોમાસે એને સામાન્ય શરદી થઇ જતી.આ વખતે તો એ પણ ગાયબ!! પણ શરીરનાં અમુક ફેરફારો એના ધ્યાને ન આવ્યાં.એમાં મુખ્ય ફેરફાર હતો કે એની દરેક જાતની ઇચ્છા હવે શાંત થઇ ગઇ હતી.ખાસ કરીને શરીરને લાગુ પડતી ઇચ્છાઓ, એમાં કામેચ્છા પણ આવી જાય.સમ્યકનાં મનની જાણે કોઇ માંગ જ ન રહી.બસ એક જ ઇચ્છા જાગૃત હતી, ચોવીસ કલાકમાં કોઇ એક વ્યકિતને તો મદદ કરવાની જ.અને આમપણ મોહિનીને તો એ ચોવીસે કલાક મદદ કરતો હોય એવું લાગી રહ્યું હતુ.
સાંજે ઘરે જવાનો સમય થયો ત્યાંરે રોજની જેમ આજે પણ સમ્યકે પોતાના ડ્રાઇવરને મોહિનીને ઘરે છોડવાનું કહ્યું અને પોતે પણ સાથે ગયો.સમ્યકને શાંત બેઠેલો જોઇ મોહિનીએ મોઢું બારી તરફ ફેરવ્યું.બહાર જોઇને જ એ બોલી

“સર, રોજ સાંજે આવતો વરસાદ આજે શાંત છે.પણ આકાશે સંધ્યા ખીલી છે.કેવા રંગો ખીલ્યા છે!!”

“હંમમમ” સમ્યકે ટુંકમાં પતાવ્યું.

“આ રંગો અને આકાશની રંગોળી પરથી એકાદ ડિઝાઇન તૈયાર કરી દઉં.”

“હા.” સમ્યકે ફરી ટુંકાક્ષરમાં જવાબ આપ્યોં ત્યાંરે મોહિનીએ કહ્યું

“સર, શું વિચાર કરો છો?” આવો સવાલ પુછવો એટલે સામેની વ્યકિત પર પોતાનો હકક જાહેર કરવો.ગાઢ સંબંધો હોવાનો હકક.પણ છતા સમ્યક અત્યંત શાંતભાવે બોલ્યોં

“મોહિની, હજુ લગભગ આઠ દિવસ પછી ટોની આ શહેર છોડવાનો છે.એ વિચારે હું થોડો ચિંતીત છું."

“ઓહો! છોડો સર એ ફાલતુ ચિંતા.આમપણ મારા ઘરનાં સભ્યોને આટલી ચિંતા નથી તો....” સમ્યકે મોહિનીની વાત અધવચ્ચે કાંપીને કહ્યું

“કંઇ નહિં, એટલા માટે જ હું છું ને! અને આમપણ દરેક માણસની એક ક્ષમતા હોય છે કોઇ પણ પરિસ્થીતિ સામે લડવાની.”

“સર, એ પણ સામાન્ય માણસ, તમે પણ...તો આટલો ફરક કેમ? એ લોકોને મારી ચિંતા નથી હોતી, દર મહિનાની પહેલી તારીખે આવતા મારા પગારની ચિંતા હોય છે.”

“મોહિની, તું એકતરફી વિચારે છે.તારા પતિને આખા ઘર પરિવારનું વિચારવાનું હોય.”

“તો પછી એ લોકો કેમ મને એકલી છોડીને જાય છે?”

“કયાં જાય છે?”

“મારા હસબન્ડ એના મમ્મી પપ્પાને લઇને ચાર દિવસ માટે શીરડી દર્શને જાય છે.”

“ઓહો! કયાંરે?” સમ્યક સાવધ થઇને બોલ્યોં.

“આવતી કાલે સવારે.” મોહિની બોલી ત્યાંરે સમ્યકે એના ચહેરે ઉદાસી છવાયેલી જોઇ.સમ્યક વિચારોમાં મૌન રહ્યોં.ત્યાં મોહિનીનું ઘર આવી ગયું.એ કારમાંથી ઉતરી ગઇ.પણ સમ્યકનાં વિચારોમાં હજુ હતી.જો મોહિની ઘરે એકલી છે એ વાત ટોનીને ખબર પડશે તો ભારે થશે.આ તો ગુનેગાર પ્રકૃતિને આમંત્રણ આપવા જેવું થશે.હવે મારે સતત મોહિનીની આસપાસ રહેવું પડશે....એવા વિચારે સમ્યક પણ પોતાના ઘરે પહોચ્યોં.

દિશા આજે એકલી જ ઘરે હતી.બંને બાળકો એના મામાના ઘરે ગયેલા હતા.જમ્યા પછી દિશાએ વાત શરૂ કરી
“શું તમે હમણા તમારી ફેકટરીની ડિઝાઇનર મોહિનીને ઘરે લેવા અને છોડવા જાવ છો?”
દિશાને સમ્યકનાં વર્તન, હાવભાવ અને શરીરમાં આવેલા પરીવર્તન માટે કોઇ ચોકકસ કારણ દેખાતુ ન હતુ, પણ આજે એની એક સખીએ સમ્યકની આ વાત કરી.જેના આધારે દિશાએ શંકા રાખી સીધી જ ચોખવટ કરી લેવા પુછી લીધુ.સમ્યકે પણ બધી જ વાત પત્નિ સામે જાહેર કરી દીધી.એમાં કંઇ છુંપાવવાનું ન હતુ.બસ પોતાની અદ્રશ્ય જાતને છુપાવી.પણ સમ્યકની બીલકુલ શુન્ય થઇ ગયેલી શારીરીક ભુખ દિશાથી છુપાય તેમ ન હતી.એક તો સમ્યકનું દિશાથી શારીરીક દુર રહેવું અને મોહિનીને રોજ મદદ કરવી, આ બંને વાતથી દિશાના મનમાં શંકાઓના કાંટાળા છોડ ઉગેલા હતા.એટલે એની પીડા દુર કરવા એણે ફરી પુછયું

“હમણા થોડા દિવસથી તમે મોડી રાત્રે પણ રૂમમાં હોતા નથી.તો મને કહેશો તમે કયાં જાવ છો?” આજે દિશાએ મોકો જોઇ બધી જ વાતોનું સમાધાન કરી લેવાનું નકકી કર્યુ.દિશા હંમેસા સબંધો સુવાળા રાખવા જ ઇચ્છતી.આટલા વર્ષોથી જે સુખી દિવસો જોયેલા એમાં પડેલી ખલેલને કોઇપણ રીતે આજે દુર જ કરવી છે એવી દ્રઢતા દિશામાં હતી.

પણ દિશાનાં સવાલે સમ્યકને ડામાડોળ કરી દીધો.રાત્રે બહાર જવાની વાતને દિશાને કંઇ રીતે સમજાવું એ મુંજવણમાં એ થોડી ક્ષણ મૌન રહ્યોં.આખરે બોલ્યોં

“જો ડિયર, હમણા હમણા મારી ઉંઘ ખુબ જ ઓછી થઇ ગઇ છે.એટલે કયાંરેક રાત્રે શહેરમાં કાર લઇને નીકળી પડુ છું.” પ્રેમાળ, વફાદાર અને સંપુર્ણ સમર્પીત પત્નિને ગોળ ગોળ જવાબ આપવાના અફસોસથી જાણે સમ્યક થાંકયો હોય એમ વાત પુરી કરી ઉંડા શ્વાસ લેવા લાગ્યોં.પણ સમ્યકની આંખોમાં દિશાની આંખોએ સત્ય શોધવાનો પ્રયત્ન કર્યોં ત્યાંરે ત્યાં કંઇક અલગ જ દેખાયુ.આજે પોતાના બેડ પર પતિ-પત્નિ એકલા જ હતા.દિશા સમ્યકનો હાથ પોતાના હાથમાં લઇને બોલી

“ડિયર, તમે મારાથી દુર થતા હોય એવું મને લાગે છે.મારું તમારા સિવાય કોઇ નથી.ઘણાં હશે પણ હું તમારા સિવાય કોઇને મારો પોતાનો માનતી પણ નથી.તમે પણ જો મારાથી દુર થશો તો....” અચાનક દિશા મૌન થઇ ગઇ.સમ્યકે શબ્દોની રાહ જોતા દિશાનાં ચહેરા તરફ જોયું તો એની આંખો ચમકતી હતી.એ ચમક સમ્યકનાં હૃદયે ઉતરી અને જાણે અંદર જઇ બોમ્બની જેમ ફાટી.દિશાનાં સ્વાભાવિક દુઃખે સમ્યક પણ દુઃખી થયો.એ પીડાને પણ દબાવવી પડે એવી લાચારી સાથે એણે કહ્યું
“અરે ડિયર, તું જે કંઇ શંકા રાખે છે એવું કંઇ નથી.આપણા બંને બાળકોનાં સોગંધ ખાઇને કહું છું, હું તારો જ છું અને આજીવન રહીશ.તારાથી વિશેષ કોઇ નથી.” પોતાની જાતને સાચી પુરવાર કરવા સમ્યક દિશાને ભેંટી પડયો.
જરા પણ મનેચ્છા ન હોવા છતા સમ્યક દિશા સાથે શરીરોનાં મિલન માટે તૈયાર થયો.અને દિશાની શંકાને દુર કરવા આજે એને આ જરૂરી લાગ્યું.દિશાને દુઃખી ન જોવા માટે સમ્યકે પોતાના શાંત મનને તરંગીત કરવા તૈયારી બતાવી.પોતે દિશાથી જરા પણ દુર નથી થયો એ પુરવાર કરવા આજે આખી રાત એણે પત્નિ સાથે પ્રેમ અને આરામમાં વિતાવી.સવારે સમ્યકને અફસોસ થયો કે પોતે ગઇ રાત્રે અદ્રશ્ય રહીને કંઇ કરી ન શકયો.એક નવા જીવનનો સ્વાદ લેવાનું ગઇ રાત્રે ચુકાઇ ગયુ હોય એમ થોડા વિષાદથી એ ઘેરાયો.પણ દિશાનો આજે સવારનો ‘મુડ’ એવો હતો જાણે ઘણાં દિવસો પછી એનો પતિ ઘરે આવ્યોં હોય.દિશા આજે કોઇ ઉછળતી નદી જેવી દેખાતી હતી.એ ખળ ખળ વહેતી શુદ્ધ પ્રેમની નદીનાં કિનારે બેઠેલો સમ્યક પોતાના અફસોસને ભુલી ગયો.દિશાની ખુશી જોઇ સમ્યકનો અફસોસ ઘડીભર શાંત થયો.થોડા દિવસ પહેલાનો જ પણ સમ્યકની સ્મૃતિની ઉંડાઇએ ચાલ્યો ગયેલો સમય ફરી એની સપાટી પર તરી આવ્યોં.એટલે જ આજે સવારે ઉઠવાનું સમ્યકને મોડું થયુ.સવારનાં 9.00 વાગી ગયા હતા અને સમ્યકનાં હાથમાં સવારની પહેલી ચા હતી.વરસાદ પણ આજે મન મુકીને વરસતો હતો.એવામાં સમ્યકનો ડ્રાઇવર મોહિનીને લીધા વિના જ આવ્યોં.અને કહ્યું કે મોહિનીનાં ઘરે તો તાળુ મારેલુ છે.મોહિનીનાં ઘરના પણ આજે વહેલી સવારે 6.00 વાગ્યે શીરડી જવા નીકળી ગયા હતા.એટલે મોહિની પણ ઘરે એકલી જ હતી.એ એકાંતનો ગેરફાયદો ટોની લઇ શકે.સમ્યક પણ ઝડપથી તૈયાર થઇ ગયો.
સમ્યકે તરત જ મોહિનીને ફોન કર્યોં.જ્યાંરે ત્રણ વાર ફોન કર્યો છતા મોહિનીએ ફોન ઉપાડયો નહિં ત્યાંરે પોતે જાતે કાર ચલાવી મોહિનીનાં ઘરે ગયો. કારને મોહિનીના ઘરથી દુર એક ગાર્ડન પાસે ઉભી રાખી.મનને શાંત કર્યું.શરીરનું હલન ચલન બંધ કરી, આંખો બંધ કરી.થોડી જ ક્ષણોમાં પોતે શરીર ન હોવાનો અનુભવ કર્યોં.હવે પોતે અદ્રશ્ય થયો જ હશે એવી ખાત્રી કરવા કારનાં કાચમાં જોયુ તો એ ગાયબ હતો.સીધો જ દાદર પર દોડીને મોહિનીના ફલેટ પર ગયો.ત્યાં તો ખરેખર તાળુ મારેલું હતુ.કોઇ પણ જાતના વિલંબ વિના સીધો જ ટોનીનાં ફલેટમાં ગયો.દરવાજો ખટખટાવ્યોં.દરવાજો ખુલ્યોં પણ અંદર કોઇ ખોલનારું નજરમાં ન આવ્યું.એક માણસ નીકળી શકે એટલી જગ્યા બની એટલે અદ્રશ્ય સમ્યક હળવેથી અંદર ગયો.અને દરવાજા પાછળ ટોની અને એના શાગીર્દ સમીરને ઉભેલા જોયા.સમીરનાં હાથમાં કંઇક ઇન્જેકશન જેવું હતુ અને ટોનીનાં હાથમાં પાછળ છુપાવેલું મોટું ચાકુ હતુ.પણ અંદર તો કફત એક હવાની લહેર આવી એવો અનુભવ થતા ટોનીએ બહાર ડોકીયું કરી દરવાજો ફરી બંધ કર્યોં.સમ્યક અંદર હતો, એની ચિંતાતુર નજર ચારેતરફ મોહિનીને શોધી રહી હતી.એક બેડરૂમનો દરવાજો બહાર તરફથી જ બંધ હતો.પણ આ બંનેની હાજરીમાં દરવાજો ખોલી ન શકાય અને કદાચ મોહિની અહિં ન પણ હોય એમ વિચારી સમ્યકે ધીરજ રાખી, એ ત્યાં બાજુમાં જ ઉભો રહ્યોં.ટોનીએ પોતાના મોબાઇલમાંથી કોઇકને ફોન કર્યોં.થોડીવારે ફોનને સોફા ઉપર પછાડીને બબડયોં “સાલો સમ્યક! હવે ફોન નથી ઉપાડતો.”
સમીરે પુછયું “તે શુંકામ ફોન કર્યોં?”

“હવે રાહ નથી જોવી.એને અહિં બોલાવી આ નશાનું ઇન્જેકશન આપીને અંદર મોહિની સાથે બેડ પર સુવડાવી દઇએ.પછી જો, આખી ‘વિડીયોકલિપ’ આખા દેશમાં ફેલાવી દઉં.બંનેને એવા બદનામ કરી દઇશ કે બંને આત્મહત્યા કરવા મજબુર થઇ જાય.”ટોનીએ પોતાનો ઇરાદો રજુ કર્યોં.
સમીર થોડો ગુસ્સામાં બોલ્યોં “ખબર છે ભાઇ, તું વારે વારે મને પ્લાન નહિં સંભળાવ.મારે તો લાઇવ દ્રશ્ય જોવું છે.” પછી તરત જ અટ્ટાહાસ્ય પણ કર્યું.સમીર ફરી બોલ્યોં

“જો સમ્યક નહિં આવે તો?”

“તો તારો વારો આવશે.” ટોનીએ પણ આટલું બોલી અટ્ટાહાસ્ય કર્યું.

સમ્યક સામે આખુ ચિત્ર ખડું થઇ ગયું.એ હવે અંદર મોહિનીની હાલત જોવા આતુર હતો.દરવાજો ખુલી શકે એમ ન હતો.બંને સામે જ બેઠા હતા.સમ્યકને ફરી દરવાજાની આરપાર નીકળવાની વાત યાદ આવી.પ્રયત્ન તો કરવો પડે એમ જ હતો.એણે એક ઉંડો શ્વાસ લીધો.એને ફેફસામાં ભરી રાખ્યોં.એ બેડરૂમનાં દરવાજા પાસે પહેલા પોતાનો જમણો હાથ આગળ કર્યોં.....
ક્રમશઃ
--ભરત મારૂ