VISHAD YOG - CHAPTER - 35 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ - પ્રકરણ - 35

વિરમ ફોન મુકી ઘણીવાર સુધી વિચારતો બેસી રહ્યો. ફોન કરનાર કોણ હતું? તે તેને ખબર નહોતી પડી પણ તેને એટલું ચોક્કસ સમજાઇ ગયું હતું કે આ જે કોઇ પણ છે તે તેના વિષે બધુજ જાણે છે. આ ફોન કરનાર કોઇ બીજો કોઇ નવો માણસ હતો? કે પછી તે પેલા યુવાનનો જ કોઇ માણસ હશે? ક્યાંક ઉર્મિલાદેવીએ પણ તેને ફસાવવા માટે આવું છટકું ગોઠવ્યું નહીં હોયને? વિરમને હજુ પણ ફોન કરનારના શબ્દો કાનમાં ગુંજતા હતા. વિરમે જેવો ફોન ઉચક્યો એ સાથે જ સામેથી કહેવાયું હતું “તમારે અમારુ એક કામ કરવાનું છે તેના બદલામાં જે જોઇએ તે મળશે.” આ સાંભળી વિરમને થોડીવાર તો તે શું કહેવા માગે છે તે સમજ ન પડી, એટલે વિરમે કહ્યું “તમે કોણ બોલો છો? અને મને શું કામ ફોન કર્યો છે?”

“ મે તમને તમારા ભલા માટેજ ફોન કર્યો છે. તમે કોને મળીને આવ્યા છો? અને કોને મળવા જવાના છો? તે બધીજ મને ખબર છે. જો તમે હું કહું તે પ્રમાણે મદદ કરશોતો તમને તમારો ફાયદો છે. જો તમે હું કહું છું તે પ્રમાણે કરશો તો તમને જે જોઇએ તે મળશે.” આ સાંભળી વિરમ પહેલાતો ચોંકી ગયો પણ પછી તેણે સામેવાળાને કહ્યું “તમે કોણ છો અને મારા વિશે આ બધુ કેમ જાણો છો? અને હું તમારુ કામ શું કામ કરુ?” આ સાંભળી સામેનો માણસ હસી પડ્યો અને બોલ્યો “હું કોણ છું? એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમને શું ફાયદો કરાવી શકું એમ છું? તમે જે કામ કરવા માટે વર્ષોથી તડપી રહ્યા છે તે કામ તમને કરવા મળે અને તેના બદલામાં પૈસા પણ મળે તો તમને ગમશે કે નહીં? તમને બંને બાજુથી ફાયદો થાય. તમારુ કામ પણ થાય અને તમને પૈસા પણ મળે, પણ એ માટે તમારે હું જે કહું તે કરવું પડશે.” આ સાંભળી વિરમ થોડો મુંજાઇ ગયો કે આ કોણ હોઇ શકે? અને મારુ શું કામ તે કરવા માગે છે? કે પછી તે મને આ રીતે વાતો કરી ફસાવવા માગે છે.

આ વાત મગજમાં આવતાજ વિરમે કહ્યું “જો ભાઇ તમે જે પણ હોય તે. જો તમારે મારી કોઇ પણ જરુર હોય તો સીધી રીતે કહો. આ રીતે ગોળ ગોળ વાત કરવી હોય તો મને રસ નથી.” એટલું બોલી વિરમ ફોન કટ કરવા જતો હતો ત્યાં સામેથી પેલા માણસે કહ્યું “જો તમારે કૃપાલસિંહ સામે બદલો લેવો હોય તો ફોન કટ નહીં કરતા, નહીંતર પછી ફરી આવો મોકો નહીં મળે.” આ સાંભળતાજ વિરમ ચોંકી ગયો. વિરમને કૃપાલસિંહ સામે ખુબજ ગુસ્સો હતો. જેલના બધાજ વર્ષો તેણે કૃપાલસિંહની સામે વેર લેવાની પોતાની ઇચ્છા દબાવી રાખી હતી. જેમ સ્પ્રિંગને દબાવતા તે જોરથી ઉછળે છે તેમ તેની આ બદલાની ઇચ્છા જેલના વર્ષો દરમિયાન ખુબજ બળવતર બની ગઇ હતી. પણ જ્યારે તેને ખબર પડી કે કૃપાલસિંહ તો ઇલેક્શન જીતીને એમ.એલ.એ બની ગયો છે ત્યારે તેના પેટમાં તેલ રેડાયું હતું. કેમકે હવે કૃપાલસિંહ તેની પહોંચની બહાર જતો રહ્યો હતો. ત્યારબાદ તેના બદલાની ભાવના તેના દિલમાં ઘુંટાયા કરતી હતી. જેલમાંથી નીકળીને તેણે બધા સબુત મેળવવાની કોશિશ કરેલી પણ તેને તેમા પણ બહું સફળતા મળી નહોતી. અને તેને હવે કોઇ સાથ આપે તેમ પણ નહોતું એટલેજ જ્યારે નિશીથને એ લોકો આવ્યા ત્યારે કદાચ આમાંથીજ કૃપાલસિંહ સામે વેર લેવાનો કોઇ મોકો હાથ આવશે એ વિચારીનેજ વિરમે તેને મદદ કરી હતી. પણ હવે તેને તેમાંથી પણ જાજી આશા નહોતી રહી. એમા પણ જ્યારે તે ઉર્મિલાદેવીને મળીને આવ્યો ત્યારથી તે એક પ્રકારની કસમકસમાં હતો કે હવે શું કરવું? અને ત્યારેજ આ ફોન આવ્યો અને તેની પેલી બુજાવા જઇ રહેલી લાગણી પર જાણે જોરદાર ફુંક લાગી હોય તેમ પ્રજ્વલીત થઇ ગઇ. થોડીવાર વિરમ એમજ ફોન પકડીને ઉભો રહ્યો એટલે સામેવાળાએ કહ્યું “જો હું પણ કૃપાલસિંહ સામે બદલો લેવા માંગુ છું, પણ તેમા મારે તારો સાથ જોઇએ છે. જો તને આ કામમા રસ હોય તો તું કલાક પછી અનથાશ્રમ આગળના વળાંક પર આવી જજે. ત્યાં મારો માણસ તને મળશે. ” એમ કહી પછી સામેથી જે કહેવાયું તે સાંભળી વિરમના હાથમાંથી ફોન પડતો પડતો રહી ગયો. તેણે જે કહ્યું તે સાંભળ્યા પછી વિરમને ખબર પડી ગઇ કે આ જે પણ વ્યક્તિ છે તે મારા વિશે બધુજ જાણે છે અને હવે તેનો સાથ દીધા વિના તેનો છુટકો નહોતો. થોડીવાર વિચારી વિરમે કહ્યું “હા, હું તમારો સાથ આપવા તૈયાર છું પણ તમે કોણ છો તે ખબર ન પડે ત્યાં સુધી હું કઇ રીતે તમારા પર વિશ્વાસ મુકી શકું.” આ સાંભળી સામેનો માણસ હસ્યો અને બોલ્યો “જો સમય આવશે ત્યારે હું કોણ છું? અને મારો ધંધો શું છે? તે બધુજ તમને જણાવવામાં આવશે. અત્યારે તો તમને જે કહ્યું તે પ્રમાણે તમે કરજો. અને તમારી અને સુરસિંહ પાસે મારા સિવાય કોઇ વિકલ્પ નથી. જો તમારે મારો સાથ ન આપવો હોય તો મારે અહીંથી એક ફોન કૃપાલસિંહને કરી માત્ર એટલુંજ કહેવાનું રહેશે કે વિરમ અને સુરસિંહ તમારી વિરુધ્ધ કોઇ કાવતરુ કરી રહ્યા છે. પછી શું થશે? તે તમે જાણોજ છો.” આ સાંભળી વિરમ ધ્રુજી ઉઠ્યો. જો આ માણસ સાચેજ ફોન કરી કૃપાલસિંહને જાણ કરે તો કૃપાલસિંહ તેની કેવી હાલત કરે તે વિચારીને જ તેના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. વિરમને હવે સમજાઇ ગયું હતું કે આ જે પણ માણસ છે તે કંઇ જેવો તેવો નથી. આ માણસા પાસે તેના બધાજ કારનામાનું લીસ્ટ છે. હવે તેનો સાથ આપ્યા વિના કોઇ છુટકો નથી. વિરમ થોડીવાર સુધી કંઇ બોલ્યો નહીં એટલે સામેવાળાએ કહ્યું “જો મારે તમારી સાથે આ રીતે વાત નહોતી કરવી પણ મારી પાસે બીજો કોઇ રસ્તો નથી. તમે એક વાત સમજી લો મારે તમારી સાથે કોઇ દુશ્મની નથી. મારે તો કૃપાલસિંહને ખતમ કરવો છે અને તેમાં મારે તમારી જરૂર છે. જો તમે પ્રેમથી સાથ આપશો તો તમનેજ ફાયદો છે. જ્યાં સુધી તમે પ્રેમથી મારો સાથ આપશો ત્યાં સુધી તમને કોઇ નુકશાન થશે નહીં. કલાક પછી અનાથાશ્રમના વળાંક પર પહોંચી જજો અને મારો માણસ કહે તે પ્રમાણે કરજો.” આટલુ બોલીને સામેથી ફોન કટ થઇ ગયો. આ સાંભળી વિરમને સમજાઇ ગયું કે તે ખુબ ઉંડા પાણીમાં ઉતરી રહ્યો છે. વિરમ ઘણીવાર સુધી વિચારતો બેસી રહ્યો “તે માણસને મારી શું જરુર છે? એવુ તે શું કરવા માગે છે જેમાં તેને મારા વિના ચાલે તેમ નથી? તે માણસ કોણ હોઇ શકે? તેને કૃપાલસિંહ સાથે શું દુશ્મની હશે?” આવા કેટલાય પ્રશ્નો તેના મગજમાં ઉપજ્યા પણ આમાંથી એકપણ પ્રશ્નનો ઉત્તર તેને મળ્યો નહીં. તે થોડીવાર પછી ઊભો થયો અને ઘરની બહાર નિકળ્યો. તેને હવે બે જગ્યાએ જવું હતુ પણ હવે બંને જગ્યાએ એકજ સમયે પહોંચવું શક્ય નહોતું. તેણે થોડો વિચાર કર્યો અને પછી ખીસ્સામાંથી ફોન કાઢ્યો અને હજુ તે ફોનમાં કંઇ કરે તે પહેલાજ તેના ફોનમાં રીંગ વાગી. વિરમે ફોન ઉંચક્યો અને સામેથી જે કહેવાયું તે સાંભળતો ગયો. ફોન મુકી તેણે હળવાશ અનુભવી તે જે કહેવા માટે ફોન કરતો હતો તે સામેથીજ કહેવાઇ ગયું હતું.

---------########‌‌‌‌‌‌‌‌‌‌‌‌----------------########------------------############----------------

આ બાજુ પ્રશાંત કામતે ફોન મુકીને તેના સામે ઉભેલા માણસને કહ્યું “મે તને કહ્યું છે તે બધીજ વસ્તુ તારે તે પહોંચાડી દેવાની છે. અને આજથી તારે મે તને કહ્યું છે તે વિસ્તારમાં ધ્યાન રાખવાનું છે પણ એક વાતનું ધ્યાન રાખજે હું કહું નહી ત્યા સુધી તારે પેલા લોકેશન પર જવાનું નથી. પહેલા આપણે તેને જ કામ કરવા દેવું છે. છેલ્લા સ્ટેજમાંજ આપણે અંદર સામેલ થઇશું. તું જા તેને મળીને માલ આપીદે તે કંઇ પણ પુછે તો તારે કશું જ કહેવાનું નથી. હજુ તેને આપણા વિશે કશી ખબર પડવી જોઇએ નહીં.” પ્રશાંત કામતે સુચના આપી એટલે પેલો માણસ ત્યાંથી નીકળી ગયો.

તેના ગયાં પછી પ્રશાંત કામતે બીજો એક ફોન કર્યો અને કહ્યું “જો ભાઇ આજથી હવે એક વિક માટે મારે બાપુની દરેક હરકતની માહિતી જોઇએ. હવે તું એકટીવ થઇ જા.” ફોન મુકીને પ્રશાંત કામત જોરથી બોલ્યો “બાપુ તારી તો હું પથારી ફેરવી નાખીશ હરામખોર. તે જે કર્યુ છે તેની સજા તને જરુર મળશે.” તે હજુ આગળ બોલવા જતો હતો ત્યાં તનો ફોન વાગ્યો એટલે તેણે ગુસ્સામાંજ ફોન ઉચક્યો પણ પછી સામેથી જે કહેવાયું તેનાથી તેનો મુડ સુધરી ગયો અને તે બોલ્યો “ઓહો, છોકરો ધાર્યા કરતા ખૂબ વધુ તેજ છે. એક જ દિવસમાં તેણે સ્થળ શોધી કાઢ્યું. તો તો હવે આપણે અંદર દાખલ થવાનો સમય આવી ગયો છે એમને? ઓકે ચાલ તે લોકો જેવા લોકેશન પર પહોંચે એ સાથેજ તું મને ફોન કરજે. હવે તેને આપણે રુબરુ મળવુજ પડશે.” એમ કહી પ્રશાંતે ફોન મુક્યો અને તેના ચહેરા પર એક ખુશીનું સ્મિત છવાઇ ગયું.

--------------######---------#######----------######------------######------------#####------

નિશીથે પેલા સાઇન બોર્ડના બધાજ એંગલથી અને ક્લોઝઅપ ફોટા પાડ્યા અને પછી તે સાઇનબોર્ડ જ્યાં હતું તે જ જગ્યાએ પાછું મુકી આવ્યો જેથી ફરીથી આ જગ્યા તેને મળી જાય. ત્યારબાદ ત્રણેય ત્યાંથી નીચે ઉતરવા લાગ્યાં. થોડીવારમાં તે લોકો જ્યાં તેની કાર પાર્ક કરી હતી તે જગ્યા પર આવી ગયાં. ત્રણેય કારમાં બેસી ગયાં એટલે નિશીથે કારને સ્ટાર્ટ કરી અને તે લોકો આવ્યા હતાં તેજ રસ્તા પર જવા દીધી. પાચેક મિનિટમાં તો કાર ફરીથી જેસર પાલીતાણા હાઇવે પર પાલીતાણા તરફ દોડવા લાગી. હવે તે લોકોને બીજી કોઇ જગ્યાએ તપાસ કરવાની જરુરીયાત નહોતી. પેલું સાઇન બોર્ડ જોઇ એટલું તો પાકું થઇ ગયું હતું કે નિશીથ પાસે રહેલા નકશાને તે સાઇનબોર્ડ સાથે કોઇક સંબંધ ચોક્કસ છે. નિશીથ તે જગ્યાએ ઊભો રહી કોઇની નજરમાં આવવા માંગતો નહોતો એટલેજ તેણે તે સાઇનબોર્ડના ફોટા પાડીને તે હતુ ત્યાંજ મુકી દીધું. તેને ત્યાં આજુબાજુમાં કોઇક્ને પુછવાની પણ ઇચ્છા હતી પણ પછી તે આવતી કાલ પર મુલતવી રાખ્યું તે લોકો ત્યાંથી નીકળી ગયાં. નિશીથે જ્યાંથી સાઇન બોર્ડ મળ્યું ત્યાં આગળ નજર કરેલી. સાઇનબોર્ડની બાજુમાંથીજ એક નાની કેળી અંદર જતી હતી. આ બધુજ તેણે અત્યારે મગજમાં નોંધી રાખેલુ હતું. તે એકલો આ બે છોકરીઓની સાથે કોઇ રીસ્ક લેવા માંગતો નહોતો. નિશીથને પોતાના કરતા પણ કશિશ અને નૈનાની ફિકર હતી. જો આમાં તે બેમાંથી કોઇને કંઇ પણ નુકશાન થાય તો આખી જિંદગી તે પોતાની જાતને માફ કરી શકશે નહીં. આ વિચારીનેજ તેણે અત્યારે ત્યાં કોઇ પણ જાતની તપાસ કરી નહોતી. નિશીથને તે લોકો પાલીતાણાથી નિકળ્યા ત્યારથીજ એવી લાગણી થતી હતી કે કોઇક તેનો પીછો કરી રહ્યું છે. તેણે કેટલીય વાર રસ્તામાં આગળ પાછળ જોયું હતું પણ કોઇ તેને દેખાયું નહોતું છતા, તેની સિક્સ્થ સેન્સ તેને કોઇ ચેતવણી આપતી હોય તેમ તેને સતત એવું લાગતું હતું કે જરુર કોઇક અમારા પર નજર રાખી રહેલું છે. આ સિક્સ્થ સેન્સને લીધેજ તેણે આજે કોઇ જાતની માથાકુટ્માં પડવાનું ટાળ્યું હતું. અત્યારે પણ નિશીથ કાર ચલાવતા ચલાવતા તેનાજ વિચારમાં ખોવાયેલો હતો તે થોડી-થોડી વારે રીઅરવ્યું મિરરમાં જોઇને ચેક કરતો કે કોઇ તેનો પીછો તો નથી કરતુંને. નિશીથને ખબર હતી કે તે હવે તેના લક્ષ્યની એકદમ નજીક છે એટલેજ તે કોઇ જાતની ગફલતમાં રહેવા માંગતો નહોતો. નિશીથે કલાકનાં ડ્રાઇવીંગ પછી કારને હોટલનાં પાર્કીંગમાં પાર્ક કરી. ત્યારબાદ તે સિધોજ તેના રૂમમાં જઇને કપડાં કાઢી બાથરુમનાં ફુવારા નિચે ઉભો રહી ગયો. આખા દિવસની દોડધામથી કંટાળેલા તન અને મન પર સ્નાન કરવાથી એકદમ તાજગી છવાઇ ગઇ. નિશીથ કેટલીય વાર સુધી એમજ સાવર લેતો રહ્યો. ત્યારબાદ તેણે બહાર નીકળી નાઇટ્ડ્રેસ પહેર્યો અને બેડ પર લાંબો થયો. તેને ખબર હતી કે નૈના અને કશિશને તૈયાર થતા વાર લાગશે. તે બેડ પર લાંબો થઇ કેટલીયા વાર સુધી વિચારતો રહ્યો. તે અડધો કલાક સુધી એમજ આંખ મિચીને બેડ પર સુતો રહ્યો ત્યાં તેના ફોનની રીંગ વાગી નિશીથે ફોન કટ કરી નાખ્યો અને રુમ લોક કરી નીચે ગયો. હોટલ આમતો ગામની વચ્ચે હતી પણ હોટલમાં દાખલ થતાજ એક નાનો ગાર્ડન બનાવેલો હતો. ગાર્ડનમાં વચ્ચે બે ચાર ખુરશી અને એક ટેબલ પડેલુ હતું. ત્રણેય ત્યાં જઇને બેઠા એટલે હોટલનો વેઇટર પાણી લઇને આવ્યો. નિશીથે તેને ત્રણ સ્પેશિયલ ચાનો ઓર્ડર આપ્યો. આજે આખા દિવસની રખડપટ્ટિમાં તે લોકોને ચા પીવાનો મોકો મળ્યો નહોતો. એટલે ત્રણેયને ચા પીવાની જોરદાર તલબ લાગી હતી. ચા આવતાજ ત્રણેય ચા પીતા-પીતા વાતો કરવાં લાગ્યાં.

“જોરદાર યાર, અચાનક જ આપણને આ લીંક મળી ગઇ. જો નિશીથ નીચે પડ્યો નહોત તો આપણને કયારેય ખબર ન પડી શકી હોત.” નૈનાએ વાતની શરુઆત કરતાં કહ્યું.

“ એતો થવાનુંજ હતું. કોઇને કોઈ રીતે આપણને સંકેતતો મળવાનોજ હતો. આપણે જ્યારથી શોધખોળ શરૂ કરી છે ત્યારથીજ એક યા બીજી રીતે આપણને કોઇને કોઇ સંકેત મળતો જ રહ્યો છે.” નિશીથે કહ્યું.

“હા, યાર એ વાત તો સાચી છે. જો આ બધું આપણી નજર સામે ન બન્યું હોત તો આ વાત આપણે ક્યારેય સાચી માની ના હોત. મને હજુ પણ ક્યારેક આ સ્વપ્ન જેવું લાગે છે. ક્યારેક એવું લાગે છે કે આ બધું કંઇ બન્યું જ નથી. હું સ્વપ્ન જોઇ રહી છું.” કશિશે કહ્યું.

“ હા, તમારી વાત સાચી છે. ક્યારેક હકીકત સ્વપ્ન કરતાં પણ વધુ સનસનીખેજ હોય છે. ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચાર્યુ હોય તેવું હકીકતમાં બને છે. આજથી એક વર્ષ પહેલા આપણને કોઇએ કહ્યૂં હોત કે તમે લોકો એક સ્વપ્ન પરથી તપાસ કરતા અહીં સુધી પહોંચશો તો આપણે તેને ગાંડો જ ગણ્યો હોત.” નૈનાએ પણ કશિશની વાતને સમર્થન આપતા કહ્યું.

ત્યારબાદ થોડીવાર આમને આમ વાતો કરતા કરતા તે લોકો ચા પિતા રહ્યાં.

“ચાલો હવે થોડીવાર રુમમાં જઇએ પછી જમવા માટે નીચે આવીશું.” એમ કહી નિશીથ ઊભો થયો. તેને જોઇને નૈના અને કશિશ પણ ઊભી થઇ અને પછી ત્રણેય નિશીથના રુમમાં ગયાં.

રુમમાં જઇ નિશીથે મોબાઇલમાં પેલા ફોટા ઓપન કર્યા. પહેલા નિશીથે પેલો સાઇન બોર્ડનો ફોટો જોયો. થોડીવાર તે ફોટો જોયા બાદ નિશીથે કશીશે પાડેલા તેના હાથ પરના ટેટુનો ફોટો ઓપન કર્યો. થોડીવાર તે બંને ફોટા જોતો રહ્યો પછી અચાનક તે ઊભો થયો અને રુમના કબાટમાંથી તેણે પોતાનું લેપટોપ કાઢ્યું અને પછી મોબાઇલમાંથી તે બંને ફોટા લેપટોપમાં ટ્રાંસફર કર્યા. કશિશ અને નૈના કંઇ પણ બોલ્યા વિના નિશીથને જોતા બેસી રહ્યા. તે લોકોને ખબર હતી કે નિશીથ તે લોકોને બધી વાત કરશેજ એટલે તેણે કોઇ પણ પ્રશ્ન પુછ્યો નહીં. નિશીથે લેપટોપમાં બંને ફોટો એકજ સ્ક્રીન પર ખોલ્યા અને પછી કશિશને અને નૈનાને બતાવતાં તેણે જે કહ્યું તે સાંભળી કશિશ અને નૈના પણ ખૂબજ ખુશ થઇ ગયા. ત્યારબાદ નિશીથે સમીરને ફોન કરી કહ્યું “હું તને વોટ્સએપ પર એક લીસ્ટ મોકલુ છું તેટલી વસ્તું તમે કાલે આવો ત્યારે સાથે લેતા આવજો.” અને પછી ફોન મુકી દીધો. નિશીથને હવે વિશ્વાસ થઇ ગયો હતો કે તે તેના લક્ષ્યની એકદમ નજીક છે.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-----------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------********--------------------**********------------------*********-------------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM