Dhartinu Run - 4 - 2 books and stories free download online pdf in Gujarati

ધરતીનું ઋણ - 4 - 2

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

છેલ્લી ચીસ

ભાગ - 2

બે-ત્રણ મિનટ બાદ તે સફેદ વેશધારી સ્ત્રી ફરીથી કમરાની અંદર ચાલી ગઇ.

ગળામાં થૂંક ઉતારી અનવર હુસેન એક લાંબો શ્વાસ લીધો.

હાશ...બચ્યા હવે અહીંથી ભાગી જ જાઉં. તેના મનમાં વિચાર આવ્યો અને તે ચૂપાચૂપ બેઠા બેઠા જ પગથિયા ઊતરવા લાગ્યો. બંગલાની બાઉન્ડરી કૂદીને બહાર જવા તેણે પગ ઉપાડ્યો અને એકાએક તેને આવેલા વિચારથી ચમકી ગયો. બાઉન્ડરી કૂદવા ઊચો કરેલો પગ તેણે જમીન પર પાછો મૂકી દીધો.

‘યા અલ્લા’ હે ભગવાન આ અંધકાર અને સન્નાટા ભરી રાત્રી...મને બિવડાવી દીધો. સાલ્લું પાગલ છોકરીને તો હું ભુલી જ ગયો.

ફરીથી પગથિયા ચડીને તે ઉપરની તરફ જવા લાગ્યો. પગથિયાં પૂરાં કરી તે દરવાજા પાસે આવ્યો અને અર્ધ ખુલ્લા દરવાજાને ધકકો મારી અંદર ઘૂસી ગયો. અંદર ઘૂસી જઇ પગના ઠેલાથી ધક્કો મારી બંધ કર્યો. પછી રૂમની દીવાલ સરસા ઊભા રહીને ટોર્ચનો આછો પ્રકાશ કમરાની ચારે તરફ ફેંક્યો.

કમરાની વચ્ચો વચ્ચે એક આલીશાન અને સુંદર સજાવટ વાળા ઝૂલતા પડદાની નીચે પલંગ પર તે સફેદ વસ્ત્રધારી સ્ત્રી જે અઢાર વર્ષની નવયુવાન પાગલ છોકરી બેઠી હતી. સફેદ શર્ટ અને પાયજામો તેણે પહેર્યો હતો. અસ્ત-વ્યસ્ત ખુલ્લા વાળ, આમથી તેમ ઘૂમતા આંખોના ડાળા, હોઠની વચ્ચે દેખાતી સફેદ દંતાવલી.

અચાનક થયેલ ટોર્ચના પ્રકાશમાં અનવર હુસેનને જોઇ તે છળી ઊઠી અને તેના ડોળા કવચ વકળ થવા લાગ્યા. તેના હોઠ ધ્રૂજતા હતા. કદાચ તેના કમરામાં તેના સિવાય આજ પહેલીવાર કોઇ પુરુષ આવ્યો હશે. ‘ભાગી જા...ભાગી જા...’ અચાનક ધ્રૂજતા હોઠ ફફડયા.

‘સસસ...ચૂપ’ અનવર હુસેન નાક પર આંગળી રાખીને બોલી પછી અચાનક ખડખડાટ હસવા લાગી.

‘ચૂપ થઇ જા, તારે ચોકલેટ ખાવી છે...?’ ફોસલાવતાં અનવર હુસેન બોલ્યો.

‘ચોકલેટ...? હા… હા… હા… હા… હા...’ અચાનક તે જોર-જોરથી ખડખડાટ હસલા લાગી.

તેના હસવાનો અવાજ કમરામાં ગુંજતો હતો. તેને હસતી બંધ કરવા માટે અનવર હુસેન તેના તરફ ધીરેકથી પગ ઉપાડતો જવા લાગ્યો.

અચાનક તે પાગલ છોકરી પલંગ પર ઊભી થઇ અને જમ્પ મારીને અનવર હુસેન તરફ કૂદકો માર્યો. તે અચાનક કૂદી અને અનવર હુસેન લથડ્યો અને જમીન પર પડ્યો...હાહાહાહા તે ભયાનક રીતે હસતી હસતી અનવર હુસેન પર પડી પછી ઝડપથી ઊભી થઇ અસ્પષ્ટ બબડાટ કરતી દોડી અને સામેના બાથરૂમમાં ઘૂસી ગઇ.

અનવર હુસેન ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઇ ગયો. નીચે પડેલી ટોર્ચને ઉપાડીને તે ઊભો થયો.

પાગલ તો બાથરૂમમાં ઘૂસી ગઇ છે માટે જેમ બને તેમ જલદી રૂમની તલાસી લેવી પડશે અને જે હાથમાં આવે તે લઇને ભાગી જવું પડશે. તે વિચારતાં વિચારતાં ટોર્ચનો પ્રકાશ ચારે તરફ રેલાવતો દીવાલો પર જડેલ કબાટ તથા શો-કેસને તપાસવા લાગ્યો. દીવાલ પર બનાવેલ લાકડાના કબાટને તેણે જોરથી ખેંચ્યો. પણ તે ખૂલ્યો નહીં. કબાટ લોક હતો. એટલે તેણે બાજુમાં પડેલ ડ્રેસિંગ ટેબલના ડ્રોઅર ખોલી તપાસવા લાગ્યો. અચાનક તેના હાથમાં ચાવીનો ઝૂડા આવ્યો. ટોર્ચના પ્રકાશમાં ચીવાને ઝૂડો જોઇ તે આનંદમાં આવી ગયો અને તરત કબાટ તરફ ફરીને ચાવી લગાવી કબાટને ખોલવા લાગ્યો. ત્રણ-ચાર ચાવી લગાવ્યા બાદ કબાટ ખૂલી ગયો. કેટલાય દસ્તાવેજો, રૂપિયાની નોટો તેની નજરમાં આવી પણ આ બધું તેના કોઇ જ કામનું ન હતુ. અચાનક એક ઠેસી તેની નજરે પડી એક હાથેથી ટોર્ચનો પ્રકાશ તેના પર નાખી બીજા હાથે તે ઠેસીને પકડીને ખેંચી અને એક લોકર જેવું બોક્સ બહાર નીકળી આવ્યું.

બોક્સની અંદર સોનાના દાગીના પડેલા હતા. દાગીના જોઇને અનવર હુસેન આનંદમાં આવી ગયો.

બસ...જોઇતું હતું તે મળી ગયું. દાગીનાને હાથમાં લઇને તે બબડયો. દાગીનાની નીચે બોક્સમાં દસ જેટલાં સોનાના બિસ્કિટ પડ્યાં હતાં.

‘આ...હા...સોનાનાં બિસ્કિટ’ આનંદથી તે ઝૂમી ઊઠ્યો.

‘બિસ્કીટ...? મને આપ, મને આપ,’ અચાનક પાછળથી તે બાથરૂમમાંથી બહાર આવીને અનવર હુસેનની પાછળ ઊભી રહી હતી અને આંખોને પટપટાવી અનવર હુસેનનું કાર્ય જોઇ રહી હતી. સોનાના દાગીનામાં ખોવાયેલ અનવર હુસેનને તે ખબર ન હતી.

તે પાગલ અનવર હુસેનના ગળામાં હાથ વીંટાળીને પાછળથી લટકી રહી અને ‘મને બિસ્કિટ આપ...મને બિસ્કિટ આપ.’ ચિલ્લાવા લાગી. આખરે પાગલને પણ પેટ તો હોય છે ને તેને ખાવાનાં બિસ્કિટ યાદ આવતાં ભૂખ લાગી હોવાથી ચિલ્લાઇ રહી હતી.

‘છોડ...છોડ...’ અનવર હુસેન પોતાના ગળામાં વીંટાયેલા તે પાગલ છોકરીના હાથ છોડાવવા ફાંફા મારતાં ચિલ્લાયો.

‘નહી છોડું...નહીં છોડું… હાહાહાહા...’ તે જોર-જોરથી ચીસો પાડવા લાગી.

અનવર હુસેનન મોં પર પરસેવો નીતરવા લાગ્યો. સોના ભરેલા બોકસને કબાટમાંથી મૂકીને તેણે બંને હાથેથી બળ કરીને તે લટકેલી પાગલ છોકરીના હાથમાંથી પોતાની ગરદન છોડાવી. હાથ છૂટી જતાં તે છોકરી ધડામ અવાજ સાથે નીચે પટકાઇ અને જોરથી રડવા લાગી.

અનવર હુસેનનું મગજ ફરી ગયું. તેનું મોં ગુસ્સાથી તમતમવા લાગ્યું. ચૂપ...જોરદાર અવાજ સાથે તે પાછળની તરફ ફર્યો અને તે પાગલ છોકરીના પાગલ પર જોરદાર એક તમાચો જડી દીધો.

તમાચો એટલો જોશથી તેણે માર્યો હતો કે તેનાં પાંચે આંગળાની છાપ તે પાગલ છોકરીના ગાલ પર ઊપસી આવ્યાં અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. એક-બે મિનિટ તો તે હેબતાઇને ચૂપ થઇ ગઇ અને પછી એકા-એક જોર-જોરથી રાડો નાખવા લાગી.

અનવર હુસેન હેબાતાઇ ગયો. અવાજ એટલો જોર-જોરથી આવતો હતો કે ચોક્કસ આજુ-બાજુ દૂર દૂર બંગલાઓમાં સંભળાય તેમ હતો.

‘સાલ્લી...વંતરી...’ અનવર હુસેનનું શરીર ગુસ્સાથી કાંપવા લાગ્યું. ‘હરામખોર ચૂપ થા નહીં તો મારી નાખીશ.’ તે જોરથી બોલ્યો.

‘હું તને મારી નાખીશ હરામ ખોર...’ ચીસ જેવા અવાજે તે પાગલ આંખો કાઢી કાઢીને બોલી.

‘હરામખોર...સાલ્લી તું મને હરામખોર કહ્યો અને તું મને મારી નાખીશ. તારું મોત તને બોલાવી રહ્યું છે. સુવ્વર...’ તે ગુસ્સાથી રાતો-પીળો થઇને તે પાગલ પર ધસી આવ્યો.

‘તારું મોત તને બોલાવી રહ્યું છે...’ તે પાગલ છોકરીના અવાજના પડઘા ચારે તરફ પડ્યા, પણ ગુસ્સાથી પાગલ થઇ ગયેલ અનવર હુસેનને તે શબ્દ ન સંભળાય તેના માથામાં ગુસ્સાથી ખુન્નસ ભરાઇ આવ્યું હતું. તેની આંખો લાલચોળ થઇ ગઇ હતી. તે બંને હાથેથી તે પાગલ છોકરીની ગરદન દબાવતો હતો અને તેના પંજામાંથી પોતાની ગરદન છોડાવવા માટે તે પાગલ છોકરી પોતાના હાથ અને પગને પછાડતી હતી. ચિલ્લાતી હતી. તેણે પોતાના બંને હાથથી અનવર હુસેનના બાલને પકડીને ખેંચ્યા. તેના મોં પર નખ ભરાવતી તે ચિલ્લાતી રહી. પણ અનવર હુસેન શેતાન બની ચૂક્યો હતો. તે પૂરા જોશથી તે પાગલની ગરદન દબાવતો હતો.

કટ...અવાજ સાથે તે પાગલ છોકરીની ગરદનનું હાડકું તૂટીં ગયું. તેનો શ્વાસ રુંઘાવા લાગ્યો. આંખો ફાટી ગઇ અને હાથ પગ ખેંચાવા લાગ્યા. મોંમાંથી ફીણ નીકળ્યા પછી શરીરમાં એક ખેંચનો આંચકો આવ્યો. પછી શરીર શિથિલ થઇ ગયું. તેના હાથ-પગ ઢીલા થઇ ગયા. તેના પાગલ શરીરમાંથી તેનો આત્મા ભગવાનના દરબારમાં પોતા પર થયેલા અન્યાય માટે ન્યાય માંગવા ચાલ્યો ગયો. તેની નિસ્તેજ આંખો જાણે પૂછી રહી હતી.

હે ઇશ્વર મારો શું ગુનો હતો, તેં પાગલ બનાવી અને ધરતીકંપમા મારાં બાપ, માં, બહેનનો આશરો અને પ્યારભરી મમતા છીનવી લીધાં અને છેલ્લે ઘૂંટાતું પીડાનજક મોત તેં મને આપ્યું. પ્રભુ મારો શો વાંક હતો.

પરસેવાથી રેબઝેબ થયેલ અનવર હુસેન તે પાગલ છોકરીના શરીર પરથી ઊભો થયો અને જલ્દી પોતાની ટોર્ચને હાથમાં લઇ તે છોકરી પર પ્રકાશ વેર્યો.

‘મરી ગઇ સાલ્લી...’ તે મરેલ પાગલ છોકરીના પડખામાં એક લાત ઝીંકતા તે બોલ્યો, અને પછી ઝડપથી કબાટના ખાનામાં પડેલ સોનું લઇ અને એક થેલીમાં મૂક્યું અને ચૂપાચૂપ રૂમની બહાર આવ્યો. અને પગથિયાં ઊતરી નીચે આવ્યો અને ઝડપથી બંગલાની બાઉન્ડરી ટપીને બહારની તરફ જવા લાગ્યો.

બહાર વાતા ઠંડા પવનથી થોડી હાશ થઇ અને તેનો ગુસ્સો પણ ઓછો થયો. શર્ટની બાંયથી મોં પરનો પરસેવો લૂછતો તે સોસાયટીથી ઝડપથી દૂર ચાલ્યો ગયો.

સોસાયટીથી થોડે દૂર જઇ એક વૃક્ષ નીચે બેસી ગયો અને પોતાના ઉખડી ગયેલ શ્વાસો-શ્વાસને કાબૂમાં લેતો બેસી ગયો. પછી મોં પર થયેલ પરસેવાને હાથથી લૂછી તેણે એક સિગારેટ સળગાવી અને પીવા લાગ્યો. હવે તે જલદી કચ્છથી દૂર પોતાના વતન પાકિસ્તાનમાં ચાલ્યો જવા માંગતો હતો. હવે ભુજમાં રહેવું હિતાવહન ન હતું. સિગારેટ પીધા પછી તે થોડો સ્વસ્થ થયો અને રેલવે સ્ટેશન તરફ ચાલ્યો. રેલવે સ્ટેશન પહોંચી તે પાટે પાટે આગળ વધવા લાગ્યો. રેલવે સ્ટેશન પર ઊંઘી જવામાં હવે ખતરો હતો. ભૂજથી દૂર જવા તે પાટે પાટે આગળ વધ્યો. બીજા શહેરમાં પહોંચવા જવા માટે રેલવે ટ્રેક પર ચાલીને જવું તે સલામતીભર્યું હતું.

ટોર્ચના આછા પ્રકાશમાં તે રેલવે ટ્રેક પર ચાલી રહ્યો હતો. પોતાની સારી જિંદગીના સોનેરી સ્વપ્નના વિચારમાં તે એવો ખોવાઇ ગયો હતો કે તે ક્યાં જઇ રહ્યો છે, તેનું પણ તેને ભાન ન હતું. જલદી કચ્છ રણ પાર કરી તે પાકિસ્તાન પહોંચી અને ગાડી બંગલો ખરીદી મોટા અમીર બાદશાહ જેવું જીવન જીવવા તત્પર હતો. અતિરિક્ત આનંદ અને સ્વપ્નભરી દુનિયામાં તે ખોવાઇ ગયો હતો.

ટક....ટક… ટક...ટક...અચાનક આવેલા અવાજ સાથે કોઇ વસ્તુએ તેના પગમાં એકદમ સખત ભરડો લીધો.

ઓ ‘મા’ તેના મોંમાંથી ચીસ સરી પડી અને તે પગને ઉપર ખેંચવા માટે ઉઠાવ્યો પણ જાણે કોઇ લોખંડી દાંતવાળો કોઇના મજબૂત જડબામાં તેનો પગ ફસાઇ ગયો હોય તેમ સજ્જડ ભીંસથી તેનો પગ દબાતો-પિલાતો હતો. ભયાનક પીડાથી તેનો ચહેરો તરડાઇ ગયો.

ટોર્ચનો પ્રકાશ તેણે પોતાના પગ તરફ ઘુમાવ્યો અને તે ચોંક્યો અને દેહશતથી તેની આંખો ફાટી ગઇ અને ચહેરો પીળો પડી ગયો. પગમાં સખત દર્દ થતું હતું. છતાં ફસાયેલા પગને કાઢવા માટે તેણે શરીરની પૂરી તાકાત લગાડીને જોર કર્યું, પણ વ્યર્થ...ફસાયેલો પગ બહાર નીકળતો જ ન હતો.

તે જ્યાં ચાલી રહ્યો હતો, ત્યાં રેલવેનો ટ્રેક ચેન્જ થતો હતો. બે નંબરની લાઇન પરથી આવતી ટ્રેનને એક નંબરની લાઇન પર લાવવા માટે જે ટ્રેક ક્રોસ કરવામાં આવે છે. જેને ડાયમંડ ‘ક્રોસિંગ’ કહેવાય છે. તે ટ્રેડ ક્રોસ કરવામાં આવ્યો હતો અને જે ક્ષણે ટ્રેક ચેન્જ થયો અને રેલવેના પાટા એક તરફથી ખસીને બીજી તરફ ફિક્સ થતાં હતા. તે જ ક્ષણે અનવર હુસેને પગ મૂક્યો અને તેનો પગ બંને પાટાની વચ્ચે ફસાઇ ગયો.

ખૂબ જ બળ લગાવી તે ફસાયેલા પગને કાઢવાની કોશિશ કરતો હતો. કદાચ બૂટની અંદરથી પગ છૂટો થઇ જાય તોય પગ નીકળી આવવાના ચાન્સ લાગતા હતા. પણ લાખ કોશિશ પછી ફસાયેલો પગ નીકળતો ન હતો. તેને લાગતુ હતું કે પગના હાડકાના ટુકડા થઇ ગયા છે.

અચાનક રેલવેના લોખંડના પાટામાં વાઇબ્રેશન આવ્યું. જાણે લોખંડના પાટામાં જીવ આવ્યો હોય.

અનવર હુસેન ચોંક્યો. ફસાયેલા પગની તીવ્ર પીડાને ઘડીભર તે ભૂલી ગયો.

અચાનક દૂર-દૂરથી લાઇટનો પ્રકાશ ચમકવા લાગ્યો. ગભરાહટથી અનવર હુસેનનું શરીર ધૂજવા લાગ્યું.

યા ખુદા...તરડાયેલા મોંમાંથી ખુદાનું નામ નીકળ્યું. તેની આંખો ફાટી ગઇ.

દૂર દૂરથી આવતી ટ્રેનના લાઇટના પ્રકાશથી તે સમજી ગયો હતો કે તેનો પગ જે પાટા પર ફસાયો છે તે ટ્રેક પર ટ્રેઇન આવી રહી છે.

ધીરે ધીરે ટ્રેક પર ટ્રેનના ચાલવાથી થતો વાઇબ્રેશન વધવા લાગ્યો.

પોં...પોં… ઓ...ઓ...ઓ... દૂર-દૂરથી ધસી આવતી ટ્રેનના હોર્નનો અવાજ ગુંજી ઉઠ્યો.

બચાવ...બચાવ...કોઇ બચાવ...બચાવો...બંને હાથેથી ફસાયેલા પગને ખેંચતા તે જોર-જોરથી ચિલ્લાયો. તેના હાથમાંથી ટોર્ચ અને દાગીના વાળી થેલી તો ક્યારનીય નીચે પડી ગઇ હતી.

ટ્રેન રૂપી ધસી આવતા રાક્ષશી શેતાન જેવા મોતને જોઇ તે પાગલ જેવો બની ગયો હતો અને બચાવવા માટે અને ટ્રેનને આવતી રોકવા માટે જોર-જોરથી ચિલ્લાતો હતો.

ક્ષણ માટે તેને તે ડોશીનો ચહેરો પછી રણમાં છૂંદાયેલા ચોથા પાર્ટનરનો લોહી-લુહાણ ચહેરો પછી તે પાગલ છોકરીનો ચહેરો તેની આંખ સામે તરવરી ઉઠ્યો.

જાણે બધા તેની સામે જોઇને હસતા હોય.

આવ...આવ અમારી પાસે તારાથી હિસાબ કરવાનો બાકી છે. આવ અનવર હુસેન આવ...આવ...

નહીં...નહીં....તે જોરથી ચિલ્લાયો ફરીથી બંને હાથે જોર કર્યું પણ ફસાયેલ પગ નીકળે તેમ જ ન હતો.

તે સમજી ગયો હતો કે પોતાનું મોત નક્કી જ છે. હે ખુદા...મને માફ કરજે. કરેલા પાપનો પશ્ચાત્તાપ કરવાનો પણ મારી પાસે અત્યારે સમય નથી. તેની આંખોમાંથી આંસુ વહેતાં હતાં.

દૂર-દૂર ટ્રેક પર કોઇને ઊભેલ જોઇને ટ્રેનનો ચાલક જોર જોરથી હોર્ન વગાડી રહ્યો હતો પણ તે ટ્રેક પર ઊભેલ વ્યકિત ત્યાંથી ખસતી ન હતી. અને ટ્રેન અને માલ વાહક ગાડી હતી. ટ્રેનમાં નેવું કન્ટેનર જોડાયેલાં, ગાડીની ઝડપ વધુ હતી. હવે તેને બ્રેક મારીને તે પાટા પર ઊભેલ માણસને બચાવવો શક્ય ન હતો. તે ચાલક પણ હેબતાઇ ગયો. તેને માથે પણ પરસેવો છૂટી ગયો હતો. તે હોર્ન પર હોર્ન વગાડતો હતો, પણ તેને સમજણ પડતી ન હતી કે આટલા હોર્ન વગાડ્યા પછી પણ તે આદમી ખસતો કેમ ન હતો.

પો...ઓ… ઓ...ઓ... ભયાનક શોર મચાવતી ધડ...ધડ... ધડ...ધડ અવાજ સાથે ટ્રેન ધસમસતી આવતી હતી.

બચાવો...બચાવો... ટ્રેનનો રોકો...કોઇ તો બચાવો... તરડાયેલા અવાજે અનવર હુસેન જોર જોરથી ચિલ્લાતો હતો. તેનું શરીર પૂરું પરસેવાથી નીતરતું હતું. તે પગની પીડા ભૂલી ગયો હતો. અત્યારે તેની પાસે રહેતો છૂરો હાજર હોત તો ચોક્કસ પોતાનો પગ વાઢીને તે બચી શક્યો હોત. તેની ચીસોમાં અવાજ સાથે ટ્રેનની વ્હીસલનો અવાજ ચારે દિશામાં ગુંજતો હતો, પણ તેને બચાવવા વગડામાં અત્યારે કોઇ જ ન હતું. અને કોઇ હોત તો પણ તેને બચાવવા માટે સમય ન હતો.

ટ્રેનની લાઇટનો તીવ્ર પ્રકાશ તો ચહેરા પર ફેલાયેલો હતો. ભયાનક ગર્જના કરતી ટ્રેન રૂપી મોત તેની સામે ધસી આવતું હતું.

ધડ...ધડ...ધડ...ધડ...ટ્રેન ધસમસતી આવી રહી હતી. હજી પણ ટ્રેનનો ચાલાક જોર-જોરથી હોર્ન વગાડતો હતો પણ હવે તેને દેખાઇ રહ્યું હતું કે તે આદમીનો પગ રેલવે લાઇનના પાટા વચ્ચે ફસાયેલો છે.

હરએક ક્ષણે ધસી આવતા મોતને તે ફાટી આંખે જોઇ રહ્યો હતો. રાડો પાડી-પાડીને તેનું ગળુ બેસી ગયું. દહેશતથી તેનું મગજ સૂન થઇ ગયું. તેને તીવ્ર પીડા સાથે આંખોને બંધ કરી.

ટ્રેનનાં રાક્ષશી ચક્રો ટ્રેક પર દોડતાં દોડતાં તેની સામે ધસમસતાં આવતાં હતાં.

બસ ક્ષણ બે ક્ષણનું જીવન હતું.

અનવર હુસેને આંખો ખોલી.

અને કાળચક્ર જેવા ટ્રેનનાં રાક્ષસી એન્જિનને પોતાની સાવ નજીક ધસમસતું આવતું તેણે જોયું.

ધડીંગ...ઓ… ઓ… ઓ… ઓ... એક ચીસ અને બસ જિંદગી ખતમ.

ટ્રેનનાં રાક્ષસી વ્હીલો તેના પર ફરી વળ્યાં. પહેલા પગ પછી પેટ અને પછી તેની ખોપરીને છૂંદતી ટ્રેન ધડ...ધડ...ધડ... અવાજ સાથે આગળ વધી ગઇ. ચારે તરફ લોહી વેરાયું.

‘હે ઇશ્વર ! મને માફ કરજે...’ માલગાડીના ચાલકે આંખો બંધ કરી દીધી.

અનવર હુસેનનો દેહ ક્ષત-વિક્ષત બની છૂંદાઇ ગયો. અને ચારે તરફ લોહીથી પાટા અને જમીન ખરડાઇ ગયાં. તેનું શરીર પૂરું છૂંદાઇ ગયું હતું.

કરેલા કર્મનો હિસાબ આપવા અનવર હુસેનનો આત્મા ખુદાના દરબારમાં હાજર થવા ચાલ્યો ગયો હતો.

ભુજમાં રેલવે સ્ટેશને માલગાડીને ઊભી રાખી ગાડીના ચાલકે તરત રેલવે પોલીસને બનાવની જાણ કરી.

થોડીવારમાં જ રેલવે પોલીસ એક્સિડન્ટવાળા સ્થળ ધસી ગઇ. તે તરત તે જગ્યાએ કોર્ડન કરવામાં આવી અને થોડા સમય માટે ટ્રેક નં.1ને બંધ કરવામાં આવ્યો. એક ખાલી એન્જિન ત્યાં ઊભું હતું. તેના હેડલાઇટના ધોધમાર પ્રકાશમાં રેલવે પોલીસ ઘટનાની તૈકીકાત કરી રહી હતી. ચેન્જ થતા ટ્રેક વચ્ચે તે વ્યકિતનો પગ ફસાઇ જતાં આ એક્સિડન્ટ થયાનું જાણવા મળ્યું. તે વ્યકિતની લાશ ક્ષત-વિક્ષત થઇ હતી. તેથી તે કોણ છે. તે તેના ચહેરા પરથી ઓળખાય તેમ ન હતું. લાશની બાજુમાંથી સોનાનાં ઘરેણો ભરેલી એક થેલી અને ચાઇના બનાવટોનો હેવી રેન્જનો નાનો કમેરો મળી આવ્યો હતો. કેમેરા કરતાં કપડાંની થેલીમાં મળેલ દાગીના અને સોનાના બિસ્કિટ કેશને કોઇ ગાઢ રહસ્ય સાથે જોડાતો હોય તેવું લાગ્યું.

તરત ભુજ પોલીસને જાણ કરવામાં આવી. અને થોડીવારમાં જ પી.એસ.આઇ. અનિલ પરમાર ત્યાં ધસી ગયો અને તેણે કેસનો હવાલો સંભાળી લીધો. પોસ્ટમોર્ટમ માટે તો કાંઇ જ ન બચ્યું ન હતું. છતાં લીગલી કાર્યવાહી માટે લાશના ટુકડાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા અને ત્યાં પડેલ સોનાના દાગીના અને કેમેરાને પંચની હાજરીમાં તેણે પોતાના કબજામાં લીધા. લાશના ચીરા થઇ ગયેલ પેન્ટના ખિસ્સામાંથી ગોલ્ડ ફ્લેકની પાકીટ, બોક્સ અને રૂપિયા લગભગ છ હજાર મળી આવ્યા. એક ટોર્ચ પણ ત્યાં પડેલી મળી આવી. પૂરી કાર્યવાહી કરી અનિલ પરમાર પોલીસ સ્ટેશને પહોંચ્યો. ત્યારે સવાર પડી ગઇ હતી.

***