Muhurta - 24 books and stories free download online pdf in Gujarati

મુહૂર્ત - (પ્રકરણ 24)

અમે ભેડાઘાટની બાજુમાં વહેતી નાગમતિ નદીની પેલી તરફના છેડે પહોંચ્યા. અમારા અને ભેડાઘાટ વચ્ચે એક ઊંડી ખાઈ હતી. ત્રણસો ફૂટ ઊંડી ખાઈ જેના તળિયે નદી વહેતી હતી જેમાં શિવમંદિર પાસેથી વહેતા એ ઝરણાનું પાણી પણ ભળતું હતું. જ્યાં હું અને અનન્યા બેસીને કલાકો સુધી એ નિર્મળ જળને જોયા કરતા.

અમારે એ ખાઈ કુદીને પેલી તરફ જવાનું હતું જ્યાં કોઈ દુશ્મન અમારી રાહ જોઈ રહ્યો હતો - એ દુશ્મન કોણ હતો એ પણ અમે જાણતા ન હતા.

અમારી પાસે નંબર નાઈનને બચાવવા એ એક જ રસ્તો હતો. એ એક જ રસ્તો જેમાં સો ફૂટ જેટલી પહોળી એ ખાઈ કુદવામાં જો કોઈ ગફલત થાય તો અમે ત્રણસો ફૂટ નીચે પછડાવાના હતા. કદાચ એ કુદીને પેલી તરફ જવું અશક્ય હતું પણ મેં તમને કહ્યું હતું ને કે મેં અને વિવેકે નશીબને સ્ટારને પણ બદલી નાખવાનું અશક્ય કામ કરવાનું નક્કી કર્યું હતું. અમે બંને અશક્ય કામો કરવા માટે જ જન્મ્યા હતા અને એકબીજાને ભેગા થયા હતા.

અંધારું હજુ એમ જ ઘેરાયેલું હતું. ચંદ્ર લગભગ આકાશના મધ્યભાગમાં રહી હવે કોઈનો પડછાયો ન રચવાનું નક્કી કર્યું હોય એમ સ્થિર ગતિમાં હતો. ઠંડો પવન એનું કામ કર્યે જતો હતો. જંગલમાં રાત્રી દરમિયાન સંભળાતા રોજીંદા અવાજો એમ જ સંભળાઈ રહ્યા હતા. ક્યાંક દુર શિયાળવાની લાળી તો ક્યાંક વરુની હાઉલ જંગલ એના રાત્રીના રોજીંદા અવાજોમાં વ્યસ્ત હતું. નાગમતી નદીના પાણીમાં સફેદ મોજાઓ ઉપર ચાંદની રેલાતી હતી. ખડકો સાથે પાણીના ઘસારાનો અવાજ ખીણમાંથી આવતો હતો અને બીજી પહાડીઓમાં ગુંજતો હતો. રાતના સન્નાટામાં એ બધું સંભળાતું હતું. ખાસ્સી પળો અવલોકન કરીને વિવેકે મારા તરફ જોયું.

“રેડી...?”

મેં હકારમાં માથું હલાવ્યું. એ મારી તરફ જોઈ હસ્યો. મેં એનું મન વાંચ્યું એ પણ જાણતો હતો કે કદાચ અમે એ છલાંગ લગાવવામાં નિષ્ફળ રહીશું તો ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી અમારા ફુરચા ઉડી જવાના છે છતાં એ તૈયાર હતો. એના ચહેરા પરનું એ સ્મિત મૃત્યુ સામે બાથ ભીડતા પહેલાનું સ્મિત હતું.

અમે બંને પાંચેક ડગલા જેટલા પાછળ હટયા જેથી કુદતા પહેલા દોડીને અમે સ્પીડ મેળવી શકીએ. ખીણની કિનાર પર પહોચ્યા એટલા બે ચાર સેકંડ જેટલા સમયમાં અમે માઇલોની ગતી મેળવી લીધી. અમે ખાઈની કિનાર પરથી છલાંગ લગાવી. અમે બંને જાણે હવામાં ઉડી રહ્યા હતા. અમે હવામાં લગભગ દસથી પંદર સેકંડ જેટલા રહ્યા અને બંદુકની ગોળી જેટલી ગતિથી એ ખાઈ પાર કરી પેલી તરફ પહોચી જાય એ ગતિએ અમે ખાઈને પસાર કરી નીકળી ગયા.

જયારે અમારા પગ જમીનને અડક્યા ત્યારે અમે કુદ્યા એને માંડ દસથી પંદર સેકંડ થઇ હશે. અમેં એક નજર પાછળ કરી. ખાઈ અમારી પાછળ હતી અમે ભેડા ઘાટ પર હતા. અમે એ ઈમ્પોસીબલ લીપ લગાવવામાં સફળ રહ્યા હતા.

ભેડા ઉપર ભયાનક નિરવતા હતી કેમકે ખીણને લીધે જંગલી પશુઓ એ તરફ ખાસ ન જતા.

અમે ભેડા ઘાટના વૃક્ષોમાં લપાતા લાકડાની એ કેબીન તરફ આગળ વધ્યા જ્યાં નંબર નાઈનને બંદી બનાવી રાખવામાં આવ્યો હતો.

બરગદ, ભોજપત્ર, નાગફણી, સરકંડા, બલુત, અશોક, પાઈન, સાગવાન અને ઓકના ઝાડની ઓથમાં અમે આગળ વધવા લાગ્યા. એ અંધકારમાં અમને કોઈ જોઈ શકે તેમ ન હતું છતાં સાવધાનીથી છુપાઈને ત્યાં સુધી પહોચવામાં અમને પંદરેક મિનીટ લાગી ગઈ.

અમે એ કેબીન સુધી પહોચ્યા પણ હજુ એક વાત સમજાય તેમ ન હતી એ કેબીન બહાર કોઈ પહેરો ન હતો. ત્યાં કોઈ ન હતું. કદાચ એ લોકોએ નબર નાઈનને એ રીતે બાંધેલ હશે કે જેથી એ ભાગી ન શકે. કદાચ કદંબ જ એને બંદી બનવાનાર વ્યક્તિ હશે અને કદંબને અંદાજ પણ નહિ હોય કે અમે ત્યાં સુધી પહોચી જઈશું છતાં કદંબ જ છેલ્લો દુશ્મન હતો. હવે કોઈ ચહેરો સામે આવવાનો નથી એ વિચારવું ભૂલભર્યું હતું.

હું દરવાજા તરફ આગળ વધવા લાગ્યો.

“નહિ, કપિલ..” વિવેકે ધીમા અવાજે મને રોક્યો, “દરવાજેથી નહિ, જે કોઈ દુશ્મન હશે એ આપણી રાહ દરવાજા પર જ જોઈ રહ્યો હશે.”

અમે ફરી એ જ ટ્રીક અજમાવી જે અમે ભેડાઘાટ પર પહોચવા અજમાવી હતી. અમે મુખ્ય દરવાજાથી અંદર ન ગયા - દુશ્મનને અણધારી એન્ટ્રી આપી સ્પુક કરવાની ટ્રીક. અમે કેબીનની સાઈડમાં ગયા. મેં અને વિવેકે એકબીજા તરફ જોયું. અમે એક જ રીતે વિચારી શકતા હતા.

અમે દસેક કદમ પાછા હટયા અને સુપર સ્પીડે દોડ્યા અને જયારે એ રોઝવુડની કેબીનની સાઈડ વોલ સાથે ટકરાય એ દીવાલ કોઈ મજબુત લાકડાથી નહિ પણ જાણે કાગળમાંથી બની હોય એમ એ ટુકડાઓમાં ફેરવાઈ ગઈ. અમે દીવાલ તોડીને અંદર દાખલ થયા.

નંબર નાઈન એક ખુરશી પર બાંધેલ હતો. એના હાથ ગોલ્ડન યાર્ન જેવા જ કોઈ જાદુઈ દોરા વડે બાંધેલ હતા જેથી એ ભાગી ન શકે. એ પોતાની જાતને ખુરશીથી અલગ કરી શકે તેમ ન હતો અને એ ખુરશી જમીનથી અલગ ન થઇ શકે એ માટે એને જમીન પરના ફ્લોરબોર્ડ સાથે ખીલા ઠોકી જડી દેવામાં આવી હતી.

હું અને વિવેક એની તરફ આગળ વધ્યા. મેં નંબર નાઈનના ચહેરા તરફ જોયું અમને જોઈ એ ડરી ગયો હતો એમ મને લાગ્યું. તેના વાળ ખુબ લાંબા હતા. છેક ખભા સુધી આવે એટલા લાંબા. પાછળના ભાગે તેણે ચોટલી બાંધી હતી. તેના લંબગોળ ચહેરા ઉપર ભયાનક ભય તરવરી રહ્યો હતો.

“અમે તારી મદદ કરવા આવ્યા છીએ. ડરવાની કોઈ જરૂર નથી.” મેં કહ્યું.

નંબર નાઈનનું વ્યક્તિત્વ એના નંબર મુજબ પ્રભાવશાળી હતું. એનો ચહેરો એકદમ ભરાવદાર અને ટ્રીમ કરેલ દાઢી મુછ સાથેનો હતો. એના વાળ લાંબા અને કોલબ્લેક હતા જે તેના માથાના પાછળના ભાગે મેનબનમાં બાંધેલ હતા. તેની ગરદન પર એક ટેટુ બનેલ હતું - એ ટેટુ એક પાંખોવાળા નાગનું હતું.

વિવેક એના હાથ ખોલવા લાગ્યો અને હું પાસે ઉભો રહ્યો. એની હાલત શું થઇ હશે એ હું સમજી શકતો હતો. એ બે દિવસથી શિકારીઓની કેબીનમાં કેદ હતો. એની સ્કીન ટાઈટ ટી-શર્ટમાં સળ પડી ગયા હતા અને એ દોરીથી છૂટવા એણે બહુ મથામણ કરી હશે એથી કે કદાચ એ કસરત કરતો હશે જે હોય તે પણ એના બાયસેપ અને કાંડા પરની નશો બહાર ઉપસી આવી હતી.

“તમે અહી સુધી કઈ રીતે આવ્યા..? મને પકડીને અહી લાવનાર શિકારીઓ ક્યાં છે...?” વિવેકે એના હાથ ખોલ્યા કે તરત જ નંબર નાઈન ઉભો થયો.

“અમે એમને મારી નાખ્યા છે. હવે કોઈ જોખમ નથી. ડરવાની..” વિવેક તેનું વાક્ય પૂરું કરે એ પહેલા મેં વિવેકના પેટમાં તાંબાનો પેન્સિલના કદનો એક સળીયો ઉતરી જતા જોયો.

“આ તે શું કર્યું...? એ દુશ્મન નથી..” મેં રાડ પાડી. એ કેબીન મારી ચીસને સમાવી શકવા અસમર્થ હોય એમ એનો પડઘો સંભળાયો પણ એ શાપિત જંગલ મારી ચીસ અને તેનાથી ઉદભવેલ પડઘા બંનેને એક પળમાં ગળી ગયું.

“એ મદારી છે... દરેક મદારી આપણો દુશ્મન છે.” નંબર નાઈનની આંખોમાં ગુસ્સો અને નફરત દેખાતા હતા..

“પણ એ સારો મદારી છે... વિવેક ખરાબ નથી.. તે આ શું કર્યું..?” મેં વિવેકની નજીક જતા કહ્યું.

“કપિલ...” વિવેકના શબ્દો મને સંભળાયા, “ભાગ...” વિવેક માંડ બોલી શકતો હતો.

હું કઈ સમજુ એ પહેલા મારા માથા પર કોઈ મજબુત વસ્તુ અથડાઈ. હું જમીન પર બેવડો વળીને પટકાયો. મારા માથા સાથે લોખંડનો એક રોડ અથડાયો હતો.

મેં વિવેકને જમીન પર પડતા જોયો. મારી આંખો આગળ અંધારા આવી રહ્યા હતા છતાં મેં મહામહેનતે બોલવાનો પ્રયાસ કર્યો, “તું આ બધું કેમ કરે છે નંબર નાઈન..?”

મને એનું નામ ખબર ન હતી. કેટલી નવાઈની વાત હતી જેનું નામ પણ અમને ખબર ન હોય તેને બચાવવા અમે જીવનું જોખમ લીધું હતું અને એ જ નાગ અમને મારવા માંગતો હતો.

“તને બધા નાગને મારીને પણ એમની શક્તિઓ નહિ મળે..” મેં એને સમજાવવા પ્રયત્ન કર્યો.

“તને શું લાગે છે હું આ બધું પાવર માટે કરી રહ્યો છું?” એણે મને પકડીને બહાર ફેક્યો.

એ મને એક હાથથી ઊંચકી ખાસ શક્તિ વાપર્યા વિના હળવા ધક્કા સાથે પણ દસ બાર ફૂટ દુર ફેકી શક્યો એ પરથી મને એની શક્તિનો અંદાજ આવ્યો કે કદાચ એ મારા કરતા પણ અનેક ગણી વધુ શક્તિઓ ધરાવતો હતો.

હું કેબીનની બહારના ભાગે જઈ પડ્યો અને ત્યાર બાદ એણે વિવેકને પણ બહાર ફેક્યો. એ નબર નાઈન હતો એનામાં અમારા કરતા પણ અનેક ગણી વધુ શક્તિ હતી.

બીજી જ પળે એ અમારી સામે આવ્યો. એ ચાલ્યા વિના સીધો જ કેબિનમાંથી ગાયબ થઇ અમારી સામે મટીરિયાલાઈઝ થયો એ પરથી હું સમજી ગયો કે એ મણીધારી નાગ હતો.

“તું મણીધારી નાગ છે? તું દુષ્ટ ન હોઈ શકે.” વિવેકે ઉભા થવાનો પ્રયાસ કરતા કહ્યું. વિવેકના પણ ધ્યાનમાં આવી ગયું હતું કે એ મણીધારી નાગ હોય તો એ દુષ્ટ ન હોઈ શકે કેમકે વરસો સુધીં કોઈને પણ ડંખ માર્યા વિના કોઈ નિર્દોષ પ્રાણીનો જીવ લીધા વિના જીવનાર નાગને જ મણી મળે છે.

“કોણે કહ્યું હું દુષ્ટ છું..? હું વરસો સુધી સારો વ્યક્તિ હતો પણ મને શું મળ્યું...?” એ એટલું બોલી અટક્યો અને વિવેકને ઉભો થતા અટકાવવા માટે એના હાથમાં જે રોડ હતો તે વિવેકની પીઠ પર ઝીંક્યો.

મેં વિવેકને બચાવવા માટે નંબર નાઈન પર તરાપ લગાવી પણ એ વધુ ચાલાક હતો કેમકે એ નંબર નાઈન હતો. એનામાં મારા કરતા અનેક ગણી વધુ શક્તિઓ હતી. એણે મને હવામાં જ એ રોડ સાથે ટીકી લીધો. હું એ રોડ સાથે અથડાઈ જમીન પર ફરી પછડાયો.

એ રોડ મારી છાતીના ભાગે અથડાયો હતો. મારા પાંસળીના હાડકા ભાગી ગયા હોય એમ મને લાગ્યું કેમકે મેં ઉભા થવાનો પ્રયાસ કર્યો પણ હું ઉભો ન થઇ શક્યો.

“મેં તમને મારો પરિચય નથી આપ્યો...” નંબર નાઈન હસ્યો.. “મને લોકો નવીન કહે છે. આ નામ મને મારા ગાર્ડિયને આપ્યું હતું જેનો જીવ મારે જ લેવો પડ્યો કેમકે એ મને દરેક કામ કરતા ટોકવા લાગ્યો હતો. એ મને જીવનમાં પ્રેમ મેળવતા અટકાવવા માંગતો હતો. એ જાણતો હતો કે હું જે મુહૂર્તમાં જન્મ્યો હતો એ મુહુર્તમાં જન્મતા નાગને એનો પ્રેમ મળતો થતો નથી.”

“તે તારા પોતાના ગાર્ડિયનને મારી નાખ્યો...” વિવેકે જમીન પર પડ્યા પડ્યા જ કહ્યું, “તને ખબર છે તે શું કર્યું છે? જે નાગ પોતાના ગાર્ડિયનની હત્યા કરે તેના માટે નાગલોકના દરવાજા હમેશા માટે બંધ થઇ જાય છે. એને હમેશા મૃત્યુલોકમાં જ રહેવું પડે છે. તારા માટે નાગલોકના દરવાજા તે હમેશા બંધ કરી નાખ્યા છે.” વિવેકેમાં પણ કદાચ હવે ઉભા થવાની શક્તિ બચી નહોતી. એ જમીન પર પડ્યો પડ્યો જ બરાડ્યો. તેના મોઢામાંથી લાળ પડવા લાગી હતી.

“ખબર છે મેં જે કરી એ ભૂલ હતી અને એ સુધારવા તો મારે આ બધું કરવું પડ્યું. તને ખબર છે નયના એ મુહૂર્તમાં જન્મેલ છે જે મુહુર્તમાં જન્મેલ માનવ પાસેથી એનો પ્રેમ ક્યારેય નથી છીનવાતો. મેં કદંબને નાગલોકનો દરવાજો ખોલી આપવાની લાલચ આપી બધા નાગને મારવા રાજી કર્યો. મને ખબર હતી તમે બધા ભેગા થઈ એને મારવામાં સફળ રહેશો અને મને એ પણ અંદાજ હતો જ કે તમે બે જ અહી ભેડા ઘાટ પર આવશો. બાકીના લોકોને અહીંથી સલામત ક્યાંક મોકલી દેશો કેમકે બધા નાગને અહી લઈને આવવાનું જોખમ તમે નહિ જ લો. મને ખબર હતી તમે તમારી જાતને હીરો સાબિત કરવાનો પ્રયાસ કરશો જ.” નવીન એટલે કે નંબર નાઈને તેના હાથમાંનો રોડ જમીન ઉપર બે ત્રણ વાર ઠપકાર્યો.

“તું આ બધું શા માટે કરી રહ્યો છે?” વિવેકે પૂછ્યું. મને નવાઈ લાગી કે વિવેક હજુ સુધી બોલી શકવા કાબીલ હતો. એના મોમાંથી લોહી વહી રહ્યું હતું અને પેટમાં જ્યાં પેન્સિલ સાઈઝનો તાંબાનો ટુકડો ઉતરેલ હતો ત્યાંથી પણ લોહી વહી રહ્યું હતું.

મેં બોલવાનો પ્રયાસ ન કર્યો કેમકે મને ખબર હતી કે એમ કરવાનો કોઈ અર્થ નથી. મને મારા શરીરની અંદરની સ્થિતિ વિશે અંદાજ આવી ગયો હતો. મને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી તો બોલી શકવાનો તો કોઈ સવાલ જ ન હતો. નાઈન્ટી નાઈન પોઈન્ટ નાઈન પરસેન્ટ મારી પાંસળીના એક બે હાડકા તૂટી ગયા હતા.

“હું તમે જે ઈચ્છો એ જ ઈચ્છું છું.” નવીન હસ્યો, “ન સમજ્યા તમે..? હું પણ તમારી જેમ હીરો બનવા ઈચ્છું છું. પ્રેમ કરવા ઈચ્છું છું. તમને બંનેને અહી મારી નાખીશ અને બાકીના નાગ પાસે જઈ સહાનુભુતિ મેળવી લઈશ કે મને ત્યાંથી કપિલ અને વિવેકે બચાવી લીધો. હું એમની સાથે રહી લડવા માંગતો હતો પણ એ ન માન્યા એમણે મને નયનાની કાળજી રાખવાનું વચન લઈને ત્યાંથી ચાલ્યા જવા મજબુર કર્યો. મારે અનિરછાએ પણ એમની વાત માનવી પડી. નયના મારા પર સહાનુભુતિ બતાવવા લાગશે. બસ મારે થોડાક દિવસ મને તમારી મોતનો અફસોસ હોવાનો ઢોંગ કરવો પડશે. ધીમે ધીમે એની હમદર્દી ચાહતમાં બદલી જશે અને એના ગયા જન્મના નાગલોક સાથેના સંબંધની મદદથી મને નાગલોકમાં પરવાનગી મળી જશે.” નવીન હજુ જમીન સાથે એ રોડને ઠપકારી રહ્યો હતો.

“તમને ખબર છે એનો સૌથી મોટો ફાયદો શું થશે?” તે મારી પાસે આવ્યો અને બોલ્યો, “નથી ખબર? વેલ નયના માનવ છે જેનો પ્રેમ એનાથી ક્યારેય કોઈ ન છીનવી શકે એવા નક્ષત્રમાં જન્મેલ છે માટે મારા સ્ટારમાં જે ફોલ્ટ છે એ પણ સુધરી જશે અને મને એનું સુંદર શરીર પણ...”

નવીન એનું વાક્ય પૂરું ન કરી શક્યો. એ જયારે ડાયલોગ બોલવામાં વ્યસ્ત હતો એ સમયે વિવેકે હળવેકથી પોતાના જીન્સ પોકેટમાંથી એ ગોલ્ડન યાર્ન નીકાળી લીધી હતી જેની ભીંસમાંથી કદંબ જેવો જાદુગર પણ છટકી શક્યો ન હતો. એ ગોલ્ડન યાર્નની ભીંસમાંથી છટકવું કોઈ પણ નાગ માટે અશક્ય હતું. વિવેકની પકડ એ યાર્ન પર મજબુત બન્યે ગઈ અને નવીનનો આખરી સંવાદ અધુરો જ રહી ગયો એ પણ અમારી પાસે જમીન પર ફસડાઈ ગયો. એના પ્રાણ પણ કદંબની જેમ એ યાર્ને છીનવી લીધા.

બધું પૂરું થઇ ગયું. હવે કોઈ ચહેરો અમારી સામે આવવાનો ન હતો. હું લડ્યો. વિવેક પણ લડ્યો. એણે આખરી દમ સુધી નયનાને બચાવવાનો પ્રયાસ કર્યો. બધા નાગને બચાવવાનો પ્રયાસ કર્યો. એક નાગ ગદ્દાર નીકળ્યો તો પણ એને નયના સુધી પહોચવામાં વિવેકે સફળ ન થવા દીધો. મેં પણ મારા આખરી દમ સુધી નયનાને બચાવવા પ્રયાસ કર્યો અને મેં સફળતા પણ મેળવી છતાં હું એક વાત ભૂલી ગયો. એક ચૂક થઇ ગઈ.

હું ભૂલી ગયો કે અમારા એક ન થઇ શકવા માટે નયનાનું જ મરવું જરૂરી ન હતું. કદાચ આ વખતે ગયા જન્મ કરતા ઉલટો પેતરો નશીબે ગોઠવ્યો હતો. તે આ વખતે નયનાને મારવા નહિ એના કરતા પણ વધુ દર્દ આપવા ઇચ્છતું હતું. તે નયના પાસેથી મને છીનવી લેવા માંગતું હતું. આ વખતે નસીબ મને મારી નાખવા માંગતું હતું. કદાચ અમે ફરીથી મળ્યા એના ગુસ્સામાં નસીબ નયનાને મોટી સજા આપવા માંગતું હતું. મારી આંખો બંધ થવા લાગી. નયના અને બીજા નાગ બધા સલામત હતા એ બધાને લઈને ટ્રેન જંગલ છોડવા તૈયાર હતી. હું નસીબના એ ઉલટા પેતરાને સમજવામાં નિષ્ફળ રહ્યો.

હું એ ચારે તરફ વ્રુક્ષોથી ઘેરાયેલ સ્થળે મોત સાથે લડ્યો. મારા અંતિમ શ્વાસ સુધી લડ્યો. મેં નયના તરફ જતા મોતને રોકી લીધું. નયનાને છેતરવા દાવ રચીને બેઠેલ નવીનને નિષ્ફળ બનાવી નાખ્યો પણ... નશીબ છતાંય જીતી ગયું કેમકે એ મુહૂર્ત રચતા તારાઓ આકાશમાં કુદરતે મુક્યા જ ન હતા જે કપિલ અને નયનાનું મિલન કરાવી શકે. એ મુર્હત બન્યું જ ન હતું જે અમને એક કરી શકે.

હુ જમીન પર પડ્યો હતો. મારા શ્વાસ વધી રહ્યા હતા – એ ઝડપી બની ગયા હતા. મેં એક નજર મારાથી થોડેક દુર મૃત્યુની ચીર નિંદ્રામાં સુઈ રહેલા વિવેક તરફ કરી. એના શ્વાસ બંધ થઇ ગયા હોય તેમ લાગ્યું. પણ એના હોઠો પર સ્મિત હતું. એના ચહેરા પર મૃત્યુનું દુ:ખ ન હતું. તેનો ચહેરો લોહીથી ખરડાયેલ હોવા છતાં તે સુંદર લાગ્યો. નાગલોકમાં રાજ કરતા કોઈ રાજાના લાડકોડમાં ઉછરેલા એકના એક રાજકુમાર જેવો સોહામણો એ ચહેરો હું ક્યારેય નહિ ભૂલી શકું. મને ખાતરી હતી નશીબ ગમે તે કરે અમે એકવાર ફરી ભેગા થવાના હતા - સ્વર્ગમાં... ના, પૃથ્વી પર જ.. કદાચ આવતા જન્મે!!!

મારી આંખો હજુ પલકી રહી હતી જે મને કહી રહી હતી કે હજુ હું મૃત્યુની ગોદમાં નથી. જોકે મારા અને મૃત્યુ વચ્ચે કાઈ જાજુ અંતર પણ ન હતું.. મારી પાંસળીઓ તૂટી ગઈ હતી.. કદાચ ઇન્ટરનલ બ્લીડીંગ થઇ રહ્યું હતું જેથી મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અને સૌથી ગંભીર હાલત મારા મગજની હતી. કોઈ સર્જન પણ એને ઠીક કરી શકે તેમ ન હતો છતાં મારા ચહેરા પર એક સ્મિત ફરકી ગયું કેમકે એ હજુ નયના વિશે જ વિચારી રહ્યું હતું.

મેં આકાશ તરફ નજર કરી. બાળપણમાં મમ્મીએ બતાવેલા તારા શોધતા મને વાર ન લાગી. એ તારાઓનું ઝુમખું મને એકદમ નજીક હોય તેમ દેખાયુ. બાળપણમાં મારા કેલીડોસ્કોપથી જોતો અને દેખાતું એનાથી પણ વધુ નજીક... કરોડો કિલોમીટર દુરના એ તારાઓ મને નજીક દેખાયા. એટલા નજીક કે હું તેમને અડકી શકું... કેમ ન દેખાય?

મારો એમના સાથે સંબંધ જ એવો હતો. કદાચ જનમ જનમનો. તેઓ ફરી એ જ ડબલ્યુ આકાર બનાવી એ જ મુહૂર્તની રચના કરી રહ્યા હતા જે મુર્હત તેમણે મેં દુનિયામાં પહેલીવાર આંખ ખોલી ત્યારે રચ્યું હતું. મને થયું કદાચ એ મને વિદાય આપવા આવ્યા હશે? મેં ફરી એક નજર ચારે તરફ કરી પણ ત્યાં એ જ વ્રુક્ષો દેખાયા જેમને હું બાળપણથી જોતો આવ્યો હતો. એ પણ મને વિદાય આપી રહ્યા હતા.

મને દુર નયનાના ઘર પાછળની ઝાડીઓ દેખાઈ. અમારા વચ્ચે પહેલીવાર એના ઘર પાછળના જે બગીચામાં વાત થઇ હતી એ બગીચો દેખાયો. એ વખતે એ સાંભળી શકે તેમ ન હતી અને કદાચ હવે હું સાંભળી શકું તેમ ન હતો. હૃદયમાં નયનાના નામ સાથે મારા નયન બંધ થઇ ગયા. નયનાના ચહેરાને જીવનભર આંખોમાં ભરી જીવવાના સપના જોયા હતા તેને બદલે માત્ર મારી આંખો આસપાસના અંધકારને પોતાનામાં સમાવી શકી. મારી આંખો બંધ થઇ ગઈ... છતાં... હું ખુશ હતો કેમકે મેં નયના તરફ આગળ વધી રહેલ મોતને રોકી નાખ્યું હતું. નયના સલામત હતી.

મારી આંખો બંધ થાય એ પહેલા મેં એક અવાજ સાંભળ્યો. ક્યાંક દુરથી આવતો હોય એવો અવાજ. પૃથ્વીના ગર્ભમાંથી આવતો હોય એવો એ અવાજ. જાણે કોઈ સુંદર તળાવને તળિયેથી આવતો હોય તેવો એ અવાજ. એ અવાજ હું ઓળખતો હતો. એ અવાજ જે સાંભળવા માટે હું જીવ્યો હતો. એ અવાજ જે સાંભળવા માટે હું હમેશા મરવા પણ તૈયાર રહેતો હતો. એ અવાજ નયનાનો હતો. એ મારા નામથી મને પુકારી રહી હતી.

મને એમ લાગ્યું જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. મને એમ લાગ્યું જાણે હું સ્વપ્ન લોકમાં છું. હું અને અનન્યા જે તળાવને કિનારે બેસીને અમારા પગ પખાળતા એ તળાવના તળીયે હોઉં એમ મને લાગ્યું. મને નયનાનો અવાજ સંભળાયો એ મારા અને વિવેકના નામની બુમો સાથે રડી રહી હતી એનો અવાજ ચિંતા અને દુઃખમાં હતો છતાં મને મધુર લાગ્યો.

“કપિલ... તું મને છોડીને ન જઇ શકે.... વિવેક તું મારા સાથે આમ દગો ન કરી શકે.. તમે મને છોડીને ન જઇ શકો..”

હું એને જવાબ આપવા ઈચ્છતો હતો પણ મારા હોઠ હલાવવા મારા માટે શક્ય ન હતા.

“તને કઈ નહિ થાય કપિલ.. તને કે વિવેક કોઈને કઈ નહિ થાય...” મને નયનાના શબ્દો સંભળાયા. મેં આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. મને મારી આસપાસ ચાર પાંચ ઝાંખી માનવ આકૃતિઓ દેખાઈ. હું એને જવાબ આપવા હોઠ ફફ્ડાવવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ મારા હોઠમાંથી શબ્દો નીકળે એ પહેલા મેં હોશ ખોઈ નાખ્યો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky