Dhartinu Run - 9 - 1 books and stories free download online pdf in Gujarati

ધરતીનું ઋણ - 9 - 1

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

મોતની બાજી

ભાગ - 1

ધમાલમાં ને ધમાલમાં સાંજ પડવા આવી હતી.

કરાંચીના આકાશમાં વાદળ છવાયેલાં હતાં.

પ્રલયની વેગન-આર પૂરી રફતારથી કરાંચીના લીઆરી એક્સપ્રેસ હાઇવે પર દોડી રહી હતી. તેનો પીછો કરતી પોલીસની ગાડીઓ પણ સાયરનના અવાજ ગુંજાવતી પાછળ આવી રહી હતી.

ઇન્સ્પેક્ટર આફ્રિદીની બાઝ નજર આગળ જઇ રહેલી કાર પર આબાદ ચોંટી હતી.

હાઇવે પૂરો વિદ્યુત રોશનીથી ઝળહળતો હતો. બંને દિશાએ આધુનિક ઢબની ઊંચી અને ખૂબસૂરત બિલ્ડિંગનો લાંબી હારમાળા પસાર થતી હતી. સડક પર ટેક્સી, મોટર તથા અન્ય વાહનોની બંને તરફ લાંબી કતારો દોડી રહી હતી.

એક પછી એક ગાડીઓને ઓવરટેક કરતો ખૂબ જ ચડપતાથી સહીતાથી પ્રલય ગાડીને દોડાવતો હતો. ખતરનાક અને જોખમી રીતે બે ગાડીને ઓવરટેક કરીને તેણે એક્સીલેટર પર પગને વધુ જોર આપ્યું. સ્પીડોમીટરનો કાંટો પૂરા એક્સો કિલોમીટરના આંક પર થરથરતો હતો.

ફોર-વે રસ્તા પર રોડની સાઇડમાં સામેથી બે વાયરલેસ કારને પ્રલયે આવતી જોઇ. સામેથી બંને કાર તેજ ગતિથી સમાન અંતરે દોડતી આવતી જોઇ. પ્રલયના હોઠ પર સ્મિત ફરક્યું. તેણે હોઠને સખત રીતે ભીંસ્યા. એ લોકો પોતાને અટકાવવા માટે આવે છે તે વાત સ્પષ્ટ હતી.

પળે-પળે તે અંતર ઘટતું જતું હતું.

પ્રલયની આંખોમાં ચીતા જેવી ચમક ઊભરાઇ.

ફાંસલો ઘટતો જતો હતો.

પચાસવાર...ત્રીસવાર...પંદરવાર...અને...એકાએક પ્રલયે ભયાનક રીતે સ્ટીયરિંગને જોરથી ફેરવ્યું.

સામેથી ભયાનક ગતિથી ધસી આવતી પોલીસવાનનો ડ્રાઇવર હેબાતાઇ ગયો.

પ્રલયની વેગનઆર પોલીસની ગાડી સાથે અથડાય તે પહેલાં જ વેગનઆર તીરછી થઇ અને પળના બીજા ભાગમાં ફૂટપાથ તરફ ધસી ગઇ. વેગનઆરના જમણી સાઇડના આગળ-પાછળના બંને વ્હીલ ફૂટપાથ પર ચડી ગયા અને જે પોઝીશનમાં વેગનઆર અર્ધી ફૂટપાથ પર અન અર્ધી સડક પર દોડવા લાગી.

ફરી એકવાર પ્રલયે સ્ટિયરીંગ ઘુમાવ્યું અને એક આંચકા સાથે વેગનઆર પુન:સડક પર દોડવા લાગી.

ધડામ અવાજ સાથે બંને પોલીસવાન પ્રલયની કારની પાછળ આવતી કાર સાથે ટકરાઇ.

પ્રલયે એકવાર પાછળની દિશામાં નજર કરી. તેના ચહેરા પર સ્મિત છવાયું.

પોલીસવાન સાથે અન્ય કારને એક્સિડન્ટ થતાં ટ્રાફિક જામ થઇ ગઇ. ગાડીઓની રફતાર અટકી ગઇ. હાઇવે પર ધમાલ મચી ગઇ. આફ્રિદીની ગાડી ત્યાં ધસી આવી. પોલિસવાનના ડ્રાઇવરની મૂર્ખામી પર તેને એકદમ ગુસ્સો આવ્યો. સદ્દભાગ્યે કોઇ મૃત્યુ થયું ન હતું. તેની પાછળ આવતી પોલીસવાનના પોલીસકર્મીઓના સૂચન આપી તેણે ડ્રાઇવરને ગાડી આગળ જવા દેવા ઇ.આફ્રિદીને હુકમ આપ્યો.

‘આનંદ...સાંભળ, પાછળ ગાડીના સીટ કવર ઉતારી તેને તમારા શરીર ઉપરના ભાગમાં લપેટી લ્યો. જેથી કેદીનો પહેરવેશ નજરે ન ચડે...હરી અપ...જલ્દી કરો.’

આનંદે ઝડપથી સીટ-કવર ખેંચી કાઢ્યા અને પોતાના તથા આદિત્યના શરીર પર શાલની જેમ વીંટળ્યા...

‘હં...’ બરાબર પાછળ નજર કરતાં પ્રલય બોલ્યો.

‘આનંદ...આદિત્ય...અવારી ટાવર્સ બિંલ્ડિંગ નજદીક આવે છે. પોલીસ એક્સિડન્ટમાં ઉલજેલી છે. તમે હું ગાડી ધીમી કરુ કે તરત ફટાફટ નીચે ઊતરીને ટ્રાફિકમાં માનવ મેદાનમાં ભળી જજો, અને અવારી ટાવર્સમાં મુસ્તફાના સ્યુટમાં ચાલ્યા જજો, બરાબર...ઝડપ થવી જોઇએ એક-એક ક્ષણ કિંમથી છે.’

‘પણ...પ્રલય તારો ઇરાદો શું છે...?’

‘હું...થોડે આગળ જઇ કયાંક ગાડીને છોડીને તરત ત્યાં આવી પહોંચું છું, મારે પોલીસને ચકમા આપવો પડશે, મારી ચિંતા ન કરીશ. હવે તૈયાર...અવારી ટાવર્સની બિલ્ડિંગ એકદમ નજીકમાં જ છે. જુઓ ત્યાં ન્યોન લાઇટમાં ‘‘અવારી-ટાવર્સ’’ લખેલું દેખાય છે.’

‘અમે તૈયાર જ છીએ...’ આનંદ બોલ્યો.

ગાડી ધીમી પડતાં જ આનંદ અને આદિત્ય સતર્કતાપૂર્વક ગાડીમાંથી ઊતરી ગયા અને માનવ મેદનીમાં ભળી ગયા. તેના શરીરનો ઉપરનો ભાગ પૂરો ગાડીના કવરથી ઢંકાયેલો હતો. ભીડમાં આગળ વધતા તેઓ અવારી ટાવર્સ બિલ્ડિંગમાં મુસ્તફાના કમરામાં પહોંચી ગયા. કમરાના દ્વારને ખાલી અટકાવેલ હતું, તેથી તેઓને કોઇ જ તકલીફ ન પડી.

પ્રલય હજી થોડો જ આગળ વધ્યો હતો. એણે પાછળ નજર કરી પોલીસની ગાડીઓ તેનો પીછો કરતી પહોંચી આવી હતી.

પ્રલયે સામેની બિલ્ડિંગો પર એક નજર ફેરવી ત્યારબાદ જોરથી ગાડીને બ્રેક મારી, ચીઇઇઇ...વાતાવરણમાં બ્રેકનો અવાજ ગુંજી ઊઠ્યો, વેગનઆર પૂરેપૂરી ઊભી રહે તે પહેલાં પ્રલય ડાબી તરફનો દરવાજો ઉઘાડ્યો અને બહાર કૂદી પડ્યો.

ધાપ...ધાપ...ધાપ...એક સાથે કેટલીય ગોળીઓ તેના તરફ ધસી આવી. વાતાવરણ ગોળીબારના અવાજથી ગુંજી ઊઠ્યું. સડક પર ધુમાડો છવાઇ ગયો અને દારૂની ગંધ વાતાવરણમાં ફેલાઇ ગઇ.

દોડતો-દોડતો પ્રલય એક ઇમારતમાં ધૂસી ગયો.

ગોળીબારના પ્રચંડ ધમાકાથી વિસ્તાર ગુંજી ઊઠ્યો અને લોકોમાં જબરી નાસભાગ થઇ ગઇ. પાછળ આવતી પોલીસની ગાડીઓ ત્યાં જ થંભી ગઇ. ઇ. આફ્રિદી અને પોલીસના યુવાનો ફટાફટ નીચે ઊતરી પડ્યા.

હાથમાં ચમકતી રિવોલ્વર સાથે નીચે ઊતરેલા ઇ. આફ્રિદીએ આમતેમ નજર દોડાવી. રોડ પર પૂરપાટ વેગે દોડતી આવતી ગાડીઓ વચ્ચે પસાર થતો તે પ્રલયની પાછળ દોડ્યો.

‘સામેની બિલ્ડિંગને ઘેરી લ્યો...’ આદેશાત્મક અવાજે તે જોરથી ચિલ્લાયો. ત્યારબાદ તે પ્રલયની પાછળ સામેની બિલ્ડિંગમાં ઘૂસી ગયો. બિલ્ડિંગમાં એક તરફ સીડી ઉપર જઇ રહી હતી અને તેની પાસે જ લિફ્ટ પણ હતી. પ્રલયને લિફ્ટમાં ઘૂસતો તેમણે જોયો હતો. લિફ્ટના ઇન્ડીકેટર પર તેણે નજર ફેરવી. લિફ્ટ પાંચમા માળા પરથી પસાર થતી ઉપર જઇ રહી હતી. ક્રોધથી ઇ.આફ્રિદીએ દાંત કચકચાવ્યા. ત્યારબાદ લિફ્ટને નીચે લાવવા માટે જોરથી બટન દબાવ્યું. સરરર...અવાજ સાથે થોડીવારમાં જ લિફ્ટ નીચે આવી.

એક જ પળે એક પોલીસ ઇન્સ્પેક્ટર બે પોલીસ સાથે ત્યાં ધસી આવ્યો.

‘તે કેદી કયા માળ પર ઊતર્યો,’ તે ઇન્સ્પેક્ટરે પૂછ્યું.

‘સાતમા માળ પર ઊતર્યો છે. તું બીજા પોલીસના યુવાનોને બોલાવી લે...એક-એક માળને ઘેરી લ્યો...’ આફ્રિદી બોલ્યો.

‘સીડી વાટે પોલીસના યુવાનો બિલ્ડિંગમાં આવી ગયા છે. તમે ચિંતા ન કરો આપણે તેને હમણાં જ પકડી લેશું...’ તે ઇન્સ્પેક્ટર બોલ્યો.

લિફ્ટ સાતમા માળા પર આવીને થોભી. બંને ઇન્સ્પેક્ટરો લિફ્ટમાંથી બહાર નીકળ્યા. આફ્રિદીએ પળભર આમ-તેમ નજર દોડાવી. અચાનક આફ્રિદીની નજર બાજુની સીડીમાં પગથિયાં પર પડી. ત્યાં પાણી અને ધૂળથી ખરડાયેલાં બે માનવ પગલાં સ્પષ્ટ રીતે ઊપસી આવેલાં દેખાયા. ચોક્કસ લિફ્ટમાંથી તે કેદી આ સીડી વાટે ઉપર ગયો છે. આફ્રિદીએ વિચાર્યું.

પ્રલય સડક પરથી ઇમારતનમાં દાખલ થયો ત્યારે નીચે ઢોળાયેલ પાણી-ગારામાં તેના પગ પડ્યા હતા. તેવી જ રીતે આફ્રિદીનો પગ પણ ગારાથી ખરડાયેલા હતા. આફ્રિદીનું અનુમાન બરાબર હતું.

આફ્રિદી ફટાફટ પગથિયાં ચડવા લાગ્યો. સીડી ચડતાં-ચડતાં પહેલા વળાંક પરથી ગરદન ઊંચી કરીને તેણે ઉપરના ભાગ તરફ નજર ફેરવી. તેનુ હ્રદય પળભર માટે ધબકારા ચૂકી ગયું.

તેની જેમજ પ્રલય પણ સીડીની રેલિંગ પર નમીને નીચે તેની તરફ જોતો હતો.

‘ભાગવાની કોશિશ ન કરતો...આખી બિલ્ડિંગ પોલીસે ઘેરી લીધી છે...તારી ભલાઇ એમાં છે કે તું તારી જાતને મારા હવાલે કરી દે...!’ લાલઘૂમ ડોળાને ફેરવતાં જોશભેર આફ્રિદી કેદી તરફ નજર ફેરવી બરાડ્યો.

‘ઇન્સ્પેક્ટર...’ સુસવાટાભર્યા અવાજે પ્રલય ગજર્યો. પાકિસ્તાનની આખી ફોજ મારા પાછળ લગાવી દે...જો તું મને પકડી પાછો જેલ ભેગો કરી દઇશ તો મારા બાપનું નામ બદલાવી નાખીશ. તારા મોંમાંથી તો હજી તારી માનું ધાવણ ગંધાય છે. તારું તો કામ જ નથી મને પકડવાનું માટે પાછો ચાલ્યો જા.

‘હરામખોર...’ ઇ.આફ્રિદી ગુસ્સાથી લાલ-પીળો થતો છલાંગો મારતો સીડી પર ધસ્યો.

પ્રલયે એક વખત નીચે નજર કરી પછી એકસાથે ત્રણ-ત્રણ પગથિયાં કૂદતો ઉપરની તરફ જવા લાગ્યો.

આ ઇમારતમાં શોપિંગ સેન્ટરો હતાં. ગોળીઓના અવાજ અને કેદી સાથે પોલીસની ધમાલથી ગભરાઇ ફટાફટ દુકાનો બંધ થવા લાગી. લિફ્ટમેન પણ ગભરાઇને લિફટને મૂકીને ભાગ્યો.

પોલીસવાળા રાડા-રાડ કરતા લોકોને નીચેની તરફ દોડાવી રહ્યા હતા. થોડીવારમા જ આખા બિલ્ડિંગ પોલીસથી ભરાઇ ગઇ.

પગથિયાં કૂદતો-કૂદતો પ્રલય ઇમારતની છેલ્લી મંજિલ પર આવી ગયો. સીડીનું છેલ્લું પગથિયું છતાન દ્વાર પાસે પૂરું થયું. એક સેકન્ડ અચકાઇને પછી તે છત પર પ્રવેશી ગયો. છત ઘણી મોટી હતી. એને ફરતા ચારફૂટની પાળ બાંધેલી હતી.

પ્રલયે દોડીને છતની પાળ પાસે પહોંચ્યો અને ત્યાંથી નીચા નમાને સડક તરફ નજર કરી. સડક પર કેટલીય પોલીસની ગાડીઓ ઊભી હતી. અને ચારે તરફ પોલીસના યુવાનો નજરે ચડતા હતા. સાથે-સાથે ચારે તરફ લોકોના ટોળાં પણ ઉપર નજર કરતાં ઊભા હતાં.

નીચે સડક પર પોલીસ અને લોકોનાં ટોળાંઓને એકઠાં થયેલાં જોઇ પ્રલયના ચહેરા પર કરચલીઓ છવાઇ.

ધડામ...અચાનક છતના અર્ધા ખૂલેલા દરવાજાને લાત મારતો ઇ.આફ્રિદી વીફરેલા ગેંડાની જેમ છતમાં પ્રવેશ્યો.

અવાજ સંભાળી નીચે નજર કરતો પ્રલય ઊલટો ફર્યો અને સામેથી ધસી આવતા આફ્રિદીને તેણે જોયો.

બંનેની નજર સામ-સામે ટકરાઇ.

પ્રલય કાંઇ વિચારે તે પહેલાં જ છિકોટા નાખતો ધસી આવતા આફ્રિદીના રાઠોડી હાથનો એક પ્રચંડ ઠોસો ધડામ કરતો પ્રલયની છાતીમાં ભયાનક જોશ સાથે ટકરાયો.

પ્રલયના બંને પગ જમીન પરથી ઊખડી ગયા. તે પાછળની તરફ ઊથલી ગયો. નીચે પડતાં, પડતાં પ્રલયે વાંદરાની જેમ ગુલાટ મારી અને જમ્પ મારી તે ઊભો થઇ ગયો.

‘ઇન્સ્પેક્ટર...મારે મારા હાથ તારા લોહીથી રંગવા નથી. મને પકડીને ઇનામ મેળવવા, મેડલ મેળવવાનું રહેવા દે, તેમાં જ તારી ભલાઇ છે.’ પ્રલય ચીસ જેવા અવાજે બોલ્યો.

તારી તો ‘‘ઐસી કી તૈસી’’...હરામખોર...ગુસ્સાથી રાડો નાખતો ઇ.આફ્રિદી પ્રલય તરફ ધસી ગયો અને એક પગને ઊંચો કરી ભયાનક તાકાત સાથે પ્રલયને લાત ઝીંકી દીધી. પણ તેનો પગ હવામાં ફરીને રહી ગયો. ખૂબ જ વેગ સાથે પ્રલય નીચે નમી ગયો હતો.

લાત ખાલી જતાં ઇ.આફ્રિદી આગળની તરફ થોડો નમી ગયો, અને એ જ પળે ઇ.આફ્રિદી પોતાના શરીરની સમતુલા જાળવે તે પહેલાં જ પ્રલયે પૂરી તાકાત સાથે અર્ધગોળ ફરીને જોશથી તેની કમર પર લાત ઝીંકી દીધી.

લથડેલા ઇ.આફ્રિદી કમર પર પૂરા જોશથી પ્રલયની લાતનો ફટકાર ઝીંકાયો અને ઇ.આફ્રિદી સીધા માથે છતની પાળ પર પટકાયો. તેનું માથુ ભયાનક વેગથી છતની પાળ સાથે અથડાયું.

ઇ.આફ્રિદીના કપાળ પર લોહી ફૂટી નીકળ્યું. તેને તમ્મર આવી ગયાં.

પળનો પણ વિલંબ કર્યા વગર પ્રલયે તેના બંને પગને પંજાના આગળથી પકડ્યા અને બંને હાથની તાકાતથી અધ્ધર કર્યા.

ઇ.આફ્રિદી પ્રલયના હાથમાં અધ્ધર લટકતો હતો. તે જ સ્થિતિમાં પ્રલયે થોડુ વધું જોર કરી ઇ.આફ્રિદીને શરીરને વધારે ઉપરની તરફ ઊંચુ કર્યું અને પછી છતની પાળની બીજી બાજુ લઇ જઇને નીચે રોડ તરફ લટકતું પકડી રાખ્યું.

‘બચાવ...બચાવ...છોડી દે...મને છોડી દે...’ બિલ્ડિંગની છત પરથી સડક તરફ ઊંધા માથે લટકતા ઇ.આફ્રિદીના હાંજા ગગડી ગયા. જો તેનો દેહ પ્રલયના હાથમાંથી છટકે અને આટલી ઊંચાઇએથી નીચે પટકાય તો તેના શરીરનો છુંદો જ બોલી જાય.

નીચે સડક પર ઊભેલા પોલીસો અને લોકોનાં ટોળાં ઇ.આફ્રિદીના દેહને બિલ્ડિંગની છત પરથી અધ્ધર લટકતો જોઇ હેબતાઇ ગયા. લોકો બૂમા-બૂમ કરવા લાગ્યા. શું કરવું અને શું ન કરવું. તે કોઇની સમજમાં આવતું ન હતું.

અધ્ધર ઊલટા લટકતા ઇ.આફ્રિદીના શરીરનું પૂરું લોહી તેના ચહેરા પર ધસી આવ્યું હતું. તેના લાલચોળ આંખોના ડોળા બહાર નીકળી આવ્યા. તે પરસેવાથી રેબઝેબ થઇ ગયો. ગભરાટથી બેબાકળા બનેલા ઇ.આફ્રિદીને નીચે બધું ગોળ-ગોળ ફરતું દેખાતું હતું.

‘ઇન્સ્પેક્ટર, મારી સાથે બાથ ભીડીન તેં હાથે કરીને મોત માંગી લીધું છે..અલવિદા ઇન્સ્પેક્ટર..’ બંને હાથેથી પકડેલા ઇ.આફ્રિદીના દેહને હવામાં આમથી તેમ હલાવતાં પ્રલય ચિલ્લાયો.

ધડ...ધડ...ધડ...તે જ વખતે પ્રલયે પાછળની તરફ કોઇના દોડી આવ્યાનો અવાજ સાંભળ્યો. તેણે પાછળ નજર ફેરવી.

છતના દરવાજામાંથી એક ઇન્સ્પેક્ટર બે પોલીસના યુવાનો સાથે તેના તરફ ધસી આવતો તેની નજરે ચડ્યો. ઇન્સ્પેક્ટરના હાથમાં તેની સર્વિસ રિવોલ્વર ચમકતી હતી.

પ્રલયનાં જડબાં ભીંસાયા. હાથમાં લટકતા ઇ.આફ્રિદીના દેહને તેણે થોડો અધ્ધર કર્યો. ત્યારબાદ તે એક પગેથી અર્ધ ગોળ ફર્યો અને પછી...

ધડામ...અવાજ સાથે ભયાનક વેગથી ઇ.આફ્રિકાથી દેહને પાછળ ધસી આવતા ઇન્સ્પેક્ટર અને પોલીસવાળા પર જોરથી ફેંક્યો.

ભયાનક વેગથી ધસી આવતો ઇ.આફ્રિકાનો દેહ જોશથી તે ઇન્સ્પેક્ટર અને પોલીસ સાથે ભટકાયો અને તે ઇન્સ્પેક્ટર અને બે પોલીસના યુવાનો ઇ.આફ્રિદીના ગળામાં દેહની પછડાટથી ઊંધે માથે નીચે પછડાયા, ઇ.આફ્રિદીના ગળામાંથી તીવ્ર પીડાભરી ચીસ નીકળી.

પ્રલય ત્યારબાદ ઝડપથી છતની પાળ પર ચડી ગયો. એની નજર સામેની ઇમારત પર પડી, તે ઇમારત સાત માળની નાની ઇમારત હતી. બંને ઇમારત વચ્ચે સાંકડી ગલી હતી. બંને ઇમારતો વચ્ચે લગભગ પાંચથી છ ફૂટનું અંતર હતું.

ઇ.આફ્રિદીને પછડાટ ઘણો લાગ્યો હતો. તે માંડ-માંડ બેઠો થયો હતો. પણ બીજો ઇન્સ્પેક્ટર તરત ઊભો થઇ ગયો, અને પ્રલય તરફ રિવોલ્વર તાકતો દોડ્યો.

હા… હા… હા… હા...પ્રલયના ગળમાંથી થરથરાવી મૂકે તેવું પ્રચંડ અટ્ટહાસ્ય ફેલાયું. તેનો ચહેરો અત્યારે ભયાનક અને વિકરાળ લાગી રહ્યો હતો.

ધાપ… ધાપ… ધાપ...તે ઇન્સ્પેક્ટરની રિવોલ્વર ગરજી ઊઠી. તે જ ક્ષણે પ્રલયે ઇમારતની પાળ પરથી જમ્પ મારીને સામેની ઇમારત ઉપર કૂદ્યો. સરરર...કરતી ત્રણ ગોળીઓ તેના માથા પરથી પસાર થઇ ગઇ.

નીચે ઊભેલા પોલીસ અને માનવ મેદની પ્રલયનુ આ સાહસ જોઇને છક્ક થઇ ગયા.

પોલીસ ફોજ તે ઇમારતની નીચે એકઠી થઇ ગઇ. કેટલાય પોલીસના યુવાનો સાથે બીજો બે ઇન્સ્પેક્ટરો તે ઇમારત તરફ દોડ્યા. ચારે તરફ રાડા-રાડ અને બૂમ-બરાડાનો શોર ગુંજતો હતો.

બાજુની બિલ્ડિંગમાં કુદ્યા પછી તરત પ્રલયે તે છતની પાછળ ફરતે ચક્કર લગાવી નિરીક્ષણ કર્યું. પણ ક્યાંયથી નીચે ઊતરી શકાય તેવું લાગતું ન હતું. વળી છતનો દરવાજો પણ બહારથી બંધ હતો.

બે પળ વિચાર વશ હાલતમાં તે ઊભો-ઊભો ચારે તરફ નજર ફેરવતો ઊભો રહ્યો.

અચાનક તેની આંખોમાં તેજ ચમક પથરઇ.

નીચેની સડક પર ચાર રસ્તા ભેગા થતા હતા અને ત્યાં ચોકમાં સિંગન્લ લાઇટ તથા સાઇન બોર્ડ માટે તે ઊભો હતો તે ઇમારત સડકની સામેની ઇમારત પર એક મોટો પાઇપ લગાવેલો હતો. પ્રલયે પાળ પાસે નીચે નમીને તે પાઇપનું નિરીક્ષણ કર્યું.

પાઇપ તે ઊભો હતો તે છતથી લગભગ એક માળ નીચે લાગેલો હતો. કોઇપણ ક્ષણે પોલીસ પોતે જ છત પર ઊભો હતો. ત્યાં પહોંચી આવે તેમ હતી. પાઇપ સુધી પહોંચી અને પાઇપ પરથી પસાર થઇને ત્યાંથી ભાગી છૂટવા માટે આ સિવાય બીજો કોઇ રસ્તો ન હતો.

પણ છત પરથી પાઇપ પર કૂદકો મારવો અને મોતના મોંમાં હાથ નાખવા જેવું ખતરનાક હતું.

પ્રલયે જડબાને સખત રીતે ભીંસ્યા અને મન મક્કમ કરીને છતની પાળ પર ચડી ગયો અને પાળની બીજી બાજુ પોતના શરીરને નમાવીને હાથના પંજાને પાળ પર મજબૂત રીતે પક્કડ જમાવી ને અધ્ધર લટકી રહ્યો.

વાઉ...વા...અદ્દભૂત..નીચે ઊભેલા કેટલાક લોકોના મોંમાંથી ઉદ્દગાર નીકળી પડ્યા. સૌના જીવ અધ્ધર થઇ ગયા.

પ્રલય છતની પાળને પંજાથી પકડીને બહારની તરફ હવામાં અધ્ધર લટકતો હતો. ધીરે-ધીરે માથું નીચું કરીને નીચે પાઇપ પર નજર જમાવી અવલોકન કર્યું.

અને પછી સરકસનો કોઇ કુશળ ખેલાડી પણ ન વિચારી શકે તેવું અપ્રતીમ અદ્દભૂત અને ભયાનક સાહસ પ્રલયે કરી નાખ્યું.

પદંર ફૂટની નીચે સ્થિત તે પાઇપ પર આંખોને જમાવી બરાબર નિરીક્ષણ કરી, શરીરને પૂરું બેલેન્સમાં લઇ અને હાથના પંજાથી પકડેલ પાળને તેણે છોડી દીધી.

પ્રલયનો દેહ હવામાં તરતો-તરતો ગતિથી નીચેની તરફ જવા લાગ્યો.

નીચે ઊભરેલી માનવ-મેદનીમાં હાહાકાર મચી ગયો.

નબળા મનના લોકોએ તો પોતાની આંખો બંધ કરી દીધી.

‘ગયો...ગયો...એ ગયો...ખત્મ....’ નીચે ચીસાચીસનો અવાજ ગુંજી ઊઠ્યો. તે જ વખતે તે ઇમારતની છત પર આવી પહોંચેલા બે ઇન્સ્પેક્ટર હેબતાઇ ગયા. અને બાજુની ઇમારતની છત પર સ્વસ્થ થયેલો ઇ.આફ્રિદી પણ પ્રલયના સાહસથી છક થઇ ગયો.

હવામાં અધ્ધર તરતો પ્રલયનો દેહ જેવો તે પાઇપ પાસેથી પસાર થયો કે તરત પ્રલયે બંને હાથનાં પંજા ફેલાવી પાઇપ પર જકડી દીધા. એક પળ તો તેના હાથના પંજા શરીરના વજનથી થોડા લપસ્યા પણ પ્રલયે પોતાની શરીરની પૂરી તાકાત પંજા પર લગાવી દીધી હતી.

કેટલાય ફૂટ ઉપર રોડ પર લાગેલા તે પાઇપ પર પ્રલય હાથના પંજાના સહારે અધ્ધર લટકતો હતો.માંડ-માંડ તે પોતાના શરીરનું સંતુલન જાળવી રાખતો હતો, ખરેખર જિંદગી અને મોતના આ ખેલમાં તે સફળ થયો હતો. તેનું પૂરું બદન પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું. અને તેનું હ્રદય ખૂબ જોરથી ધડકી રહ્યું હતું.

એક મિનિટ એમ એ એમ લટકતો રહ્યા, પછી ધીરે-ધીરે હાથના પંજાના જોરથી શરીરને તેણે ઉપર ઉઠાવ્યું.

ધીરે-ધીરે તેનું શરીર ઊંચું થતું ગયુ. છાતી સુધી શરીરને ઉપર ઉઠાવ્યા બાદ પાઇપના ઉપરવાળા ભાગ પર છાતીને ટેકાવી પછી થોડા ત્રાંસા થઇને બાઇક સવારની જેમ ઘોડો-ઘોડો કરી પાઇપ પર બેસી ગયો. આટલું કરવામાં તે ભયાનક રીતે હાંફી રહ્યો હતો. ત્યારબાદ તેણે બંને પગને ઉપર ઉઠાવી પાઇપ પર મૂક્યા બંને હાથ પાઇપને પકડીને શરીરનું સંતુલન જાળવતો ધીરે-ધીરે પાઇપની ઊપર ઊભો થવા લાગ્યો. તેનું શરીર આમથી તેમ હવામા ડોલતું હતું. પણ આખરે તે સફળ થઇ ગયો. હવે તે પોતાના પગ પર પાઇપની ઊપર ઊભો હતો. ત્યારબાદ ખૂબ જ સાવચેતીપૂર્વક સરકસના કુશળ ખેલાડીની જેમ પાઇપ પર ચાલવા લાગ્યો, તેનું આ સાહસ જોઇ અચંબામાં પામી ગયેલ. લોકો તાળીઓના ગગડાટ કરતા હતા. ઇ.આફ્રિદી ક્રોધથી ધૂંઆંપૂંવાં થઇ ગયો હતો. આટલી માનવ મેદની વચ્ચે તે પ્રલયને ગોળી મારે તો લોકોના ટોળાઓના રોષનો ભોગ બનવુ પડે, તેથી તે પોતાના હાથ પછાડતો બિલ્ડિંગ પર ઊભો-ઊભો પ્રલયનું તે સાહસ જોઇ રહ્યો. તેને ખાતરી હતી કે તે કેદી ચોક્કસ પોતાનું બેલેન્સ જાળવી નહીં શકે અને કેટલાય ફૂટ ઉપરથી તેનો દેહ નીચે પટકાશે.

પોતાના દિલની તેજ ધડકનોને શાંત કરતો, શ્વાસને કાબૂમાં લેતો પ્રલય ખૂબ જ શાંત ચિત્તે પાઇપ પર ચાલી રહ્યો હતો. તેના આ અપ્રતીમ સાહસ પર આફરીન થઇને હજી લોકો નીચે રોડ પર તાળીઓ પાડતા હતા. પણ પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસના યુવાનો લોકોને બૂમો પાડી-પાડીને ત્યાંથી દૂર થવાનું સૂચન આપતા હતા. નીચેનો વાહન-વ્યવહાર પૂરી રીતે થંભી ગયો હતો.

અને આખરે રોડ ઉપરથી પસાર થઇને પ્રલય સામે આવેલી બિલ્ડિંગ સુધી પહોંચી જ ગયો. સામે આવેલી બિલ્ડિંગની છતની બનાવેલી પાળ પાસે તે પાઇપ પૂરો થતો હતો.

છતની પાળ પકડીને પ્રલય પાઇપ પર ઊભો થયો ભયાનક રીતે હાંફી રહ્યો હતો. તેનું પૂરું બદન પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું.

‘હે મા ભવાની..’ આંખો બંધ કરી તે માતાજીનું નામ લઇને બબડ્યો. પછી છતની પાળ પકડી ઉપર ચડી ગયો.

ઇ.આફ્રિદી અને પૂરો પોલીસ સ્ટાફ હાથ ઘસતો રહી ગયો. કેદી પલાયન થઇ ગયો હતો. લોકોની નજરે તે હીરો બની ગયો હતો. અને પોલીસ...? પોલીસ આજ વિલન જેવી લાગતી હતી.

***