Dhartinu Run - 10 - 1 books and stories free download online pdf in Gujarati

ધરતીનું ઋણ - 10 - 1

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

ધરતીનું ઋણ

ભાગ - 1

કરાંચીની તે રાત ધમાલભરી હતી.

કેદીઓને પકડવા માટે આખી રાત ચારે તરફ કરાંચીની પોલીસ ઘૂમતી રહી. ચારે તરફ નાકા-બંધી કરવામાં આવી હતી. કરાંચી પોર્ટ પર સિક્યુરિટીને સખ્ત કરવામાં આવી હતી.

ઇ.આફ્રિદીએ આખી રાત ખૂબ જ ધમપછાડા કર્યા. પણ તે હાથ પછાડતો રહી ગયો, કેદી તો શું તેના હાથમાં ચકલુંયે ન આવ્યું.

રાત્રીના ઇમારતમાંથી છટકીને સૌ દોડતા-દોડતા ઇમારતના પાછળના ભાગમાં આવ્યા. ત્યાંથી સીધા જ દોડતા-દોડતા તે સડક પાસે પહોંચ્યા જ્યાં કદમનો તે ટેક્ષી ડ્રાઇવર ટેક્ષી લઇને ત્યાં તેઓની વાટ જોતો હતો.

સૌનો શ્વાસ દોડી-દોડીને ધમણની જમે ચાલી રહ્યો હતો. લગભગ તેઓ ટેક્ષીની નજદીક આવી પહોંચ્યા હતા. વાતાવરણમાં તીવ્ર શાંતિ ફેલાયેલી હતી. તમરાં અને દેડકાંઓના અવાજ ચારે તરફ ગુંજતા હતા.

વરસાદમાં સૌ પૂરે-પૂરા પલળી ગયા હતા. હજી વરસાદ ચાલુ હતો.

‘જુઓ...સામે જે ટેક્ષી દેખાય છે તે આપણી વાટ જુએ છે. આપણે ટેક્ષીમાં ભાગવાનું છે.’ ટેક્ષી જોઇ કદમની આંખોમાં ચમક ઊપસી અને આનંદભર્યા ચહેરે તે બોલ્યો.

તેને બીક હતી કે કદાચ તે ટેક્ષી ડ્રાઇવર ટેક્ષી લઇને ચાલ્યો ન ગયો હોય પણ તે ટેક્ષી ડ્રાઇવર કદમનો પૂજારી નીકળ્યો હતો અને નીકળે કેમ નહીં...કારણ કે તેને પ્લોટ લેવા માટે કદમે પૂરા વીસ હજાર પાકિસ્તાન કરન્સીના આપ્યા હતા.

અબ્દુલા...અબ્દુલા...ટેક્ષી પાસે આવીને ડ્રાઇવર સીટ પર ઊંઘી રહેલા તે ડ્રાઇવરને જગાડવા કદમે આગળના કાચ પર જોરજોરથી હાથનો પંજો પછાડતાં રાડો નાખી.

કદમના અવાજથી અબ્દુલા સફાળો જાગી ગયો અને સતર્કતા સાથે બેઠો થયો અને ફટાફટ દરવાજાના લોકને ખોલી સૌને અંદર લીધા.

‘અબ્દુલા...જલદી...જલદી ગાડી ભગાડ. અમારી પાછળ પોલીસ પડી છે. દોસ્ત...આજ તારી દોસ્તીની પરીક્ષા છે. જોઉં છુ તું કેવી દોસ્તી નિભાવે છે.’

‘ખુદા કસમ દોસ્ત...તારા માટે મારી જાન પણ હાજીર છે.’ કહેતાંની સાથે તેણે ટેક્ષી ચાલુ કરી અને ગીયરમાં નાખી અને લીવર દબાવ્યું.

ટેક્ષી એક જોરદાર ઝાટકા સાથે ઊપડી, આગળથી એક મોટો ટર્ન લઇને કરાંચીના મેઇન રસ્તા પર આવી અને પછી રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીની ગતિથી ભાગવા લાગી. તેના સ્પીડ મીટરનો કાંટો 120 ના અંક પર થર થર ધ્રૂજતો હતો.

‘કદમ...યાર મને એક વાત સમજાવ કે લિફ્ટની છત તો એકદમ પેક હતી, તો તું લિફ્ટની અંદર કેવી રીતે પ્રવેશ્યો...’ આનંદ શર્માએ પૂછ્યું.

‘સાંભળો...હું આજ ટેક્ષી દ્વારા તે ઇમારત પાસે આવ્યો હતો. ટેક્ષીને ઇમારતના પાછળના ભાગ તરફ થોડે દૂર ઊભી રખાવી. મેં અબ્દુલાને અહીં જ ટેક્ષીમાં મારી વાટ જોવાનું કહ્યું હતું કે હું ઇમારતના પાછળના ભાગમાંથી ઇમારતની અંદર પ્રવેશ્યો હતો અને જ્યારે હું લપાતો-છુપાતો લિફ્ટ દ્વારા દસમી મંજિલ પર આવ્યો ત્યારે ઇ.આફ્રિદી તમને સૌને મુસ્તફાના સ્યુટમાંથી બહાર લઇ આવતો હતો અને લિફ્ટ તરફ આગળ વધતો હતો. ત્યારે મેં જ તેના હાથમાંથી રિવોલ્વરને ગોળી છોડીને ઉડાડી દીધી હતી.

પણ ત્યારે તે મંજિલ પર ઘણા જ પોલીસવાળા હતા. તેથી હું લિફ્ટમાં જ છુપાઇ રહ્યો. તમને જ્યારે સૌ સાથે મળીને રાયફલોના બટથી ઢોર માર મારતા હતા, ત્યારે પણ હું ત્યાં હતો. ત્યારબાદ હું લિફ્ટને ઉપરના માળે લઇ ગયો હતો. મને ખબર હતી કે તમને સૌને નીચે લઇ જવા માટે લિફ્ટનો જ ઉપયોગ કરવામાં આવશે. જેવી લિફ્ટને દસમા માળા પર લેવા માટે નીચેથી ઇન્ડીકેટરનું બટન દબાવવામાં આવ્યું અને જેવી લિફ્ટ નીચે જવા લાગી કે તરત મેં મારા આ અદ્દભુત બૂટની મદદથી લિફ્ટની ઉપરની તરફ દીવાલ પર બૂટની મદદથી પગ ચીપકાવી સામેની દીવાલ પર હાથ ટેકવી અને છત પર ચોંડી રહ્યો હતો. એટલું સારું થયું કે લિફટમાં આવ્યા બાત તરત ઇ.આફ્રિદીએ ઉપરની તરફ નજર ફેરવી ન હતી. જેવો ઇ.આફ્રિદી લિફટમાં આવી ગયો અને લિફ્ટનો દરવાજો બંધ થયો અને લિફ્ટ નીચેની તરફ જવા લાગી કે તરત હું કૂદકો મારીને નીચે સૌની સામે આવ્યો.’ એક લાંબો શ્વાસ લઇ કદમે વાત પૂરી કરી.

અત્યારે સૌ અબ્દુલાના ઘરમાં બેઠા હતા. રાત્રે પોલીસને ચકમો આપીને સૌ અબ્દુલાના ઘરમાં ભરાયા હતા. સૌ એકદમ થાકીને લોથપોથ થઇ ગયા હતા. અબ્દુલાની પત્નીએ સૌને પ્રેમપૂર્વક જમાડ્યા પછી સૌએ ઘસઘસાટ નીંદર કરી હતી.

સવારના સૌ જાગ્યા ત્યારે સૂર્ય માથે આવી ગયો હતો.

રાત્રે વરસાદ પડ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક હતી. લગભગ બાર વાગી ગયા હતા. સૌ નાહી-ધોઇને ફ્રેશ થયા. પ્રલયે અબ્દુલાના ઘરમાંથી મળેલ દવાથી આદિત્યનું ડ્રેસિંગ કરી આપ્યું. અબ્દુલા કરાંચીના હાલ-હવાલ જોવા સવારના જ ઘરની બહાર ચાલ્યો ગયો હતો. તે લગભગ એક વાગ્યાના સમયે ઘેર પાછો ફર્યો હતો. ‘શહેરમાં ચારે તરફ ધમાલ અને સખ્ત પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે.’ આવતાં વેંત તેણે પૂરી વિગત જણાવી. પછી સૌ જમવા બેઠા, જમીને સૌ નિરાંતે ઘરની ઉપર આવેલ મેડીમાં બેઠા હતા. અને સૌ કદમની વાતો સાંભળી રહ્યા હતા.

‘પણ કદમ...તું કરાંચી કેવી રીતે આવ્યો અને તને બધી વિગતવાર જાણે કેવી રીતે થતી હતી.’ આદિત્યએ ઉત્સાહપૂર્વક પૂછ્યું.

કદમે એક સિગારેટ સળગાવી અને પછી બે-ત્રણ ઊંડા કશ ખેંચ્યા બાદ તે બોલ્યો.

‘મને આપણા બોસ એટલે મેજર સોમદત્તજીએ જ કરાંચી મૂક્યો હતો. મને કહેવામાં આવ્યું હતું કે હું તમારાથી દૂર રહી તમને મદદ કરતો રહુ. અને હું સતત મુસ્તફાના કોન્ટેકમાં હતો. મારી મુસ્તફા સાથે મોબાઇલથી સતત વાત થતી રહેતી હતી. હું એરપોર્ટથી કરાંચી આવ્યો ત્યારે જ મને આ અબ્દુલા મળી ગયો હતો. મને લાગ્યું કે આ અબ્દુલા નેક ખુદાનો બંદો છે. તે મને જરૂર મદદ કરશે. એટલે મેં તેને હું સ્ટેટ બ્રોકર છું. અને કરાંચીમાં લેન્ડ ડેવલોપર્સનો ધંધો ચાલુ કરવા આવ્યો છું તેવી ઓળખાણ બતાવી કરાંચીની જેલની આસપાસના બધા વિસ્તાર હું ફર્યો અને છેલ્લે તમે જેલ તોડીને નાસ્યા ત્યારે પણ તમારી પાછળ જેલરની ગાડીઓનો હું બાઇકથી પીછો કરતો સૌની પાછળ આવતો હતો. તે પુરાણા ખંડેરમાં મુસ્તફાન મદદ કરવામાં હું થોડો મોડો પડ્યો અને મેં મારા દોસ્તને ગુમાવી દીધો અને તેનો બદલો જેલરને મારીને લીધો. ત્યારબાદ પ્રલયનાં પરાક્રમ પણ મેં મારી નજર સમક્ષ જોયાં.

‘પ્રલય, તેં ઘણો જ ખતરનાક ખેલ ખેલ્યો હતો...’ વાક્ય પૂરું કરીને કદમે એક સિગારેટનો ઊંડો દમ લીધો.

‘તે બિલ્ડિંગમાંથી છટકીને ભાગવાનો મારી પાસે બીજો કોઇ ઉપાય ન હતો.’ હસતાં-હસતાં પ્રલય બોલ્યો.

‘હં ત્યારબાદ શું થયું...?’ કદમ સામે જોઇને આદિત્ય બોલ્યો.

‘પ્રલયે તે બિલ્ડિંગ પરથી જમ્પ લગાવી અને કુશળ સરકસના ખેલાડીની જેમ પાઇપ પર ચાલીને છટકી ગયો. પણ મારી બાઝ નજર તેનો પીછો કરતી હતી. અને મેં તેને મુસ્તફાના સ્યુટમાં પાછળની બારીમાંથી અંદર પ્રવેશતાં પણ જોયો હતો. મુસ્તફાના સ્યુટમાં હું એક વખત જઇ પણ આવ્યો હતો અને તે બિલ્ડિંગ સામે થોડી દૂર જ હોટેલમાં મેં રૂમ બુક કરાવેલ હતો.

‘પ્રલય જ્યારે મુસ્તફાના સ્યુટમાં દાખલ થયો તે પહેલાં હું અબ્દુલાની ગાડીમાં બિલ્ડિંગના પાછળના ભાગમાં બેઠો હતો. ત્યારબાદ મેં પોલીસની તે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ચહલ-પહલ નિહાળી હું સમજી ગયો કે પોલીસને તમારી બાતમી મળી ગઇ છે અને તમને પકડવા જ પોલીસ આવી પહોંચી છે. અબ્દુલા ઇ.આફ્રિદીને ઓળખતો હતો. તે બિલ્ડિંગના કંમ્પાઉન્ડમાં ચક્કર લગાવી આવ્યો અને મને કહ્યું કે ઇ.આફ્રિદી ત્યાં મોજૂદ છે અને તે કરાંચીનો ખતરનાક કહેવાતો ઇન્સ્પેક્ટર છે, તેથી તરત મેં અબ્દુલાને ત્યાં જ ટેક્ષીમાં મારી વાટ જોવાનું કહી તે બિલ્ડિંગમાં તમને મદદ કરવા માટે આવ્યો.

‘કદમ, તેં ખરે વખતે અમને મદદ કરી...’ આનંદ શર્મા બોલ્યો.

‘અરે...પણ કોઇએ બોસને આપણે ભાગી છૂટ્યા છીએ તેના સમાચાર આપ્યા કે નહીં...?’ આનંદ શર્માએ પૂછ્યું.

‘હા...આનંદ હું સોમદત્તજીના સતત કોન્ટેકમાં જ છું અને પળ-પળના સમાચાર મેં બોસને આપ્યા છે. પ્રલયે કહ્યું.

‘પણ આનંદ, તુ તો મેજર સોમદત્ત સાથે ધરતીકંપ વખતે કચ્છમાં હતો તો તું અહી પાકિસ્તાનમાં કેવી રીતે પહોંચી ગયો ?’ ઉત્સાહપૂર્વક જિજ્ઞાસાભર્યા અવાજે પ્રલયે પૂછ્યું.

‘પ્રલય...તે એક લાંબી કહાની છે. સૌ સાંભળો...’ આંખો બંધ કરી એક લાંબો શ્વાસ લેતાં આનંદ શર્મા બોલ્યો.

‘કચ્છમાં ધરતીકંપ થતાં જ કચ્છ બોર્ડર વિસ્તાર હોવાથી તરત ગૃહખાતાએ આપણા મેજર સોમદત્તજીએ કચ્છ પર ચાંપતી નજર રાખવા માટે મોકલાવ્યા અને મેજર સોમદત્તજી સાથે હું પણ કચ્છમાં આવ્યો.

કચ્છ ભયાનક રીતે તારાજ થયું હતું, અને અંજારમાં હતા. અંજારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જૂનું અંજાર આખું તૂટી જઇ મલબામાં તબદિલ થઇ ગયું હતું. કેટલાય લોકો દટાઇને માર્યા ગયા તો કેટલાય મલબામાં દટાઇ ફસાયેલા પડ્યા હતા.

તે વખતે એક નાનો બાળક જેની માતા, ભાઇ, બહેન મલબાની નીચે દટાઇને ભગવાનને પ્યારા થઇ ગયા, તે બાળક આ આખી દુનિયામાં એકલો થઇ ગયો. તેનું કોઇ જ ન હતું. તે રાતદિવસ પોતાના તૂટેલા ઘર પાસે બેસી રહેતો અને રડ્યા કરતો. ન ખાવું, ન પીવું, તેને બસ એક જ આશા હતી કે તેમની મા, ભાઇ, બહેન મલબામાંથી જીવતાં નીકળશે.’

બે મિનિટ મૌન રહીને આનંદ શર્મા આગળ બોલ્યો.

‘મેજર સોમદત્ત દરરોજ તે બાળકને જોતા રહેતા. તે બાળકનું દુ:ખ મેજર સોમદત્તથી જોવાતું ન હતું. આખરે ઉપરના કોન્ટેક લગાવી મેજર સોમદત્તે તે બાળકના ઘરનો મલબો હટાવવાનું કામ ચાલુ કરાવ્યું. ટૂંકી ચડી પહેરી ગોઠળભેર તે બાળક પોતાના ઘરનો મલબો હટતો જોઇ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુની ધારા સતત વહેતી હતી. આખરે મલબો હટ્યો અને તેમની માતા, ભાઇ બહેનની લાશોને બહાર કાઢવામાં આવી, તે બાળક હૈયાફાટ રુદન કરતો હતો અન ‘હવે મારે જીવવું નથી હું પણ મારી મા ભાઇ, બહેન પાસે જવા માગું છું.’ એમ ચિલ્લાતાં-ચિલ્લાતાં સતત રડ્યો કરતો હતો.’

એક ક્ષણ માટે આનંદ શર્મા થોભ્યો અને તેણે કદમ તરફ ર્દષ્ટિ કરી જોયું. (પ્રલયે આનંદ શર્માને કદમનો પરિચય આપી દીધો હતો.)

‘કદમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં, આ તેની પોતાની સ્ટોરી હતી. સૌ તલ્લીનતા સાથે આનંદ શર્માની વાત સાંભળી રહ્યા હતા.’

‘મેજર સોમદત્તજીથી આ બાળક એટલે આપણા આ કદમનું દુ:ખ સહન ન થયું અને તેમણે એક નિર્ણય લીધો. તે બાળકને એડપ્ટ કરી દિલ્હી લઇ જવાનો, કદમને હવે અંજારમા રાખવો યોગ્ય નથી, તેમ વિચારી મેજર સોમદત્ત મને કચ્છમાં સાવચેતીપૂર્વક નીગરાની રાખાવાની સલાહ આપી.’ કદમના મિત્ર ભાર્ગવના પિતાને મળી કદમને દિલ્હી લઇ જવાની રજૂઆત કરી. આમે કદમનું તેમની માતા, ભાઇ, બહેન સિવાય આ દુનિયામાં કોઇ ન હતું. એટલે ભાર્ગવના પિતાએ કદમને સાચવવાની ભલામણ કરી, કદમને દિલ્હી તેની સાથે લઇ જવાની પરમિશન આપી.

તે જ વખતે મારી નજરમાં એક શખ્સ સંગદિત કોઇ જાસૂસ હોય તેવું જણાતાં હું તેની પાછળ પડ્યો હતો. મેજર સોમદત્ત કદમને લઇને દિલ્હી ચાલ્યા ગયા અને હું તે શખ્સ પાછળ લાગી ગયો. અંજાર ગામના બે ચોર રઘુ અને મીરાદ એક ડોશીના તૂટેલા મકાનમાં ચોરી કરવાના હતા. તે ડોશી પાસે ઘણું સોનુ હતું. અને રઘુને તેની ખબર હતી. આ વાતની મને ખબર પડી તેવી જ રીતે સંગદિત માણસ જેનું નામ અનવર હુસેન હતું તેને પણ પડી એથી અનવર હુસેને મીરાદની પૂરી માહિતી એકઠી કરી ત્યારબાદ તે મીરાદને મળ્યો અને તે કલકત્તાથી આવ્યો છે અને તેના પિતા મીરાદના પિતાના ખાસ મિત્ર હતા. આપણે સંબંધમાં ભાઇ છીએ એવું બધું જણાવી મીરાદના ભાઇ તરીકે મીરાદના ઘરે રહેવા લાગ્યો, અને પછી તે પણ તે ડોશીના ઘરમાથી સોનું ચોરવાના પ્લાનમાં ભાગીદાર બન્યો. ત્યારબાદ તીકડમ ભરાવીને હું પણ તે લોકો સાથે તેના પ્લેનમાં ભળી ગયો. અમે સૌ સોનાનો દલ્લો ચોરવા માટે ડોશીના ઘરમાં ઘૂસ્યા, અમને સોનું મળી ગયું પણ સાથે-સાથે તે ડોશી પણ જીવતી નીકળી. અમારામાં રઘુ રહેમદિલ ઇન્સાન હતો એને તેણે મીરાદને ડોશીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે સમજાવ્યો. આખરે નક્કી થયું કે રઘુ મીરાદ તે ડોશીને હોસ્પિટલમાં પહોંચાડીને મીરાદના ઘરે આવે અને હું તથા અનવર હુસેન સોનું લઇને મીરાદના ઘરે પહોંચી જઇએ.’

ખંડમાં પીન ડ્રોપ્સ શાંતિ છવાયેલી હતી. સૌ ખૂબ જ ઇન્ટરેસ્ટ સાથે આનંદની વાત સાંભળી રહ્યા હતા. કદમે એક સિગારેટ સળગાવી.

‘કદમ...મને પણ એક સિગારેટ આપ...’ આનંદ શર્મા બોલ્યો.

‘અરે...તમે પણ સિગારેટ પીવો છો...?’ આશ્ચર્ય સાથે કદમે પૂછ્યું.

‘મને સિગારેટનો ખૂબ શોખ હતો. પણ કરાંચીની જેલમાં સિગારેટ તો શું...ક્યારેય બીડીનું ઠૂંઠૂં પણ મળતું ન હતું. પછી સમય જતાં આદત છૂટી ગઇ...’ કદમે આપેલી સિગારેટ સળગાવી એક ઊંડો કશ ખેંચી આનંદે ધુમાડાના ગોટા નાક વાટે બહાર કાઢ્યા, ત્યારબાદ તે સિગારેટની ધ્રૂમસેર સાથે અતીતમાં ખોવાઇ ગયો.

‘અનવર હુસેનની દાનત ખરાબ હતી. તેથી તેણે મને કહ્યું કે આપણે બે જણ આ સોનું લઇને ભાગી જઇએ અને પછી બંને સરખે ભાગે વહેંચી લઇશું અને મને તો આ અનવર હુસેન કોણ છે તે જાણવામાં ઇન્ટરેસ્ટ હતો તેથી હું પણ તેની સાથે અંજારમાંથી ભાગી છૂટ્યો.

અનવર હુસેન હાજીપીરની દરગાહ પાસે થઇને કચ્છની રણ બોર્ડરમાંથી ભારતની સીમામાં પાકિસ્તાનથી આવ્યો હતો. તેથી તે રણના રસ્તાની તેને ખબર હતી. અમે બંને હાજીપીર બોર્ડર પાસેથી કચ્છ રણમાં થઇને ભાગ્યા. મને તે વિસ્તારની પૂરી માહિતી ન હતી. આખી રાત ઝડપથી ચાલતા રહ્યા. લગભગ ત્રણ-ચાર વાગ્યાના સમયે અમે રણ પાર કરીને પાકિસ્તાન બોર્ડરમાં ઘૂસી ગયા.

ત્યારબાદ જ્યારે અનવર હુસેને વાત કરી કે આપણે પાકિસ્તાન બોર્ડરમાં છીએ અને હું અનવર હુસેન નથી પણ પાકિસ્તાનનો આઇ.એસ.આઇ.નો એજન્ટ અલ્લ રસીદ છું. ત્યાં જ હું ચોંકી ઊઠ્યો. મેં નક્કી કર્યું કે ગમે તે રીતે અનવર હુસેનને ભારતમાં લાવીને તેને પકડાવી દઉં. પણ બધું આપણે ધારીએ છીએ તેમ નથી થતું.

અનવર હુસેને મને કહ્યું કે તારે જો પાકિસ્તાનમાં રહેવું હોય તો તને પાકિસ્તાનમાં બધું ગોઠવી આપીશ અને ભારત પાછા જવું હોય તો સવારના આ સોનામાંથી અડધો ભાગ લઇને પાછો ભારતની બોર્ડરમાં ઘૂસી જજે. અમે બંને સવારના નક્કી કરવાનું વિચારી સૂઇ ગયા. આખી રાત ચાલી-ચાલીને મને ખૂબ જ થાક લાગતો હતો. તેથી પડ્યા ભેગી જ મન ઘસઘસાટ નીંદર આવી ગઇ.

પણ ત્યારબાદ અનવર હુસેનની દાનત ફરી ગઇ અને તે સોનાનો મને ભાગ આપવાને બદલે પોતે પૂરો હજમ કરી જવા માંગતો હતો. તેથી તેણે મને ખત્મ કરી નાખવાનો નિર્ણય લીધો અને એક મોટો પથ્થર ઉઠાવીને મારા માથા પર ઝીંકી દીધો. એક ક્ષણ હું નિંદ્રામાંથી જાગ્રત થયો. આંખો ખોલતાં જ સામે શેતાન જેવો અનવર હુસેન દેખાયો. પણ બીજી જ ક્ષણે હું બેહોશ થઇ ગયો. અનવર હુસેન મને મરેલો માની લીધો અને તે સોનું લઇને ભાગી નીકળ્યો.’

સિગારેટનો છેલ્લો કશ ખેંચી ઠૂંઠાને ‘‘ઘા’’ કરતાં આનંદ ચૂપ થઇ ગયો અને વિચારોમાં ખોવાઇ ગયો.

‘આનંદ ત્યારબાદ શું થયું...?’ પ્રલયે પૂછ્યું.

આનંદ વિચારોમાં ને વિચારોમાં તેના અતીતમાં પહોંચી ગયો.

‘સવારનો સૂર્ય ઊગ્યો. રણમાં ચારે તરફ લાલ સિંદુરિયો કલર છવાઇ ગયો. ચારે તરફ પક્ષીઓ કલરવ-કલરવ કરતાં ઊડી રહ્યાં હતા. તે રણનો પાકિસ્તાન બોર્ડરનો ઇલાકો હતો. ઊંટ પર સવાર થઇને બે મુસાફિર રણ તરફ આગળ વધી રહ્યા હતા. રણનો કાંઠાનો વિસ્તાર હોવાથી ચારે તરફ ચેર અને બાવળનાં ઝાડ ઊગેલા હતા. ઊંટ સવારમાં એક બાપ હતો અને બીજો દીકરો હતો. બંને વાતો-કરતા-કરતા આગળ વધી રહ્યા હતા. છોકરાનું નામ અમીર હતું અને ડોસાનુ નામ આમદ હતું.’

અચાનક આમીરની નજરે એક ર્દશ્ય પડ્યું. તેમનાથી દૂર-દૂર એક ગીધનું ટોળું આકાશમાંથી નીચે ઊતરી રહ્યું હતું અને રણની રેતી ભર્યા પટમાં કોઇ માણસનો દેહ પડ્યો હતો.

‘અધા...અધા...સામે જુવો તો કોઇ માણસની લાશ પડી લાગે છે. જુવો ગીધ તેને ખાવા માટે આકાશમાંથી નીચે ઊતરી રહ્યાં છે.’ આંગળી ચીંધી દિશા બતાવતાં આમીર બોલ્યો.

આમીરની વાત સાંભળીને ડોસો ચમક્યો પછી આંખો પર હથેળીની છાજલી બનાવી પોતાની નબળી આંખે દૂરદૂરનું ર્દશ્ય જોવાની કોશિશ કરવા લાગ્યો. પણ ર્દશ્ય તેને ધૂંધળું દેખાતુ હતું.

‘ચાલ ભાઇ, આગળ જઇને જોઇએ કોની લાશ છે.આ ગીધો હમણાં જ તેને ચાંચો ભરાવી માંસના લોચા તોડી-તોડીને ખાઇ જશે, પછી ખબર નહીં પડે તે કોણ હતો.’ પોતાના ઊંટને તે દિશામાં વાળતાં આમદ બોલ્યો.

બંને ઝડપથી તે લાશ પાસે પહોંચ્યા ત્યારે ગીધ તે લાશની પાસે બેઠા હતાં.

‘હુશ...હુશ...’ મોંએથી અવાજ કાઢતો આમીર ઊંટ પરથી ઠેકડો મારી નીચે ઊતર્યો અને તે લાશ પાસે દોડ્યો.

તે માનવીનું માથું ફાટી ગયું હતું અને તેના મોં પર લોહી રેલાઇને સુકાઇ ગયું હતું, તેના માથા પાસે રેતીમાં લોહી ખરડાયેલું હતું અને તે લોહી પર કીડીઓ ચડી ગઇ હતી. તેની આંકો ફાટેલી હતી.

‘કોણ છે બેટા...’ નજીક આવીને ઊંટ પરથી નીચે ઉતરતો ડોશો બોલ્યો.

‘ખબર નથી અધા...પણ કોઇ અજાણ્યો લાગે છે. જુવોને તેના પર કીડીઓ ચડી ગઇ છે. લાગે છે કે કોઇએ તેના માથા પર મોટો આ પથ્થર માર્યો છે.’ આમીર નિરીક્ષણ કરતાં બોલ્યો.

ડોસો તરત તે માણસના દેહ પાસે બેસી ગયો અને તેનું નિરીક્ષણ કરવા લાગ્યો અને આમીર આજુબાજુમાંથી નાના પથ્થર ઉઠાવીને ગીધોને મારતો ઉડાડવા લાગ્યો.

‘અરે...આમીર...આમીર...અરે...આ...આ..લાશ નથી આ તો જીવતો છે. બેટા જો તો ખરો, આનો શ્વાસ ચાલુ છે ર્હદયના ધબકારા ચાલું છે.’ છાતી પર હાથ મૂકી નિરીક્ષણ કરતાં-કરતાં ડોસો બોલ્યો.

‘અધા...હવે શું કરશું, જો આને રેઢો મૂકી દઇશું તો આ ગીધો મારી નાખશે અને જુઓ તો આ કીડીઓ પણ તેના માથા પરના ઘા પર ચડવા લાગી છે. અધા...શું કરશું...?’

‘બેટા...જો પરવર દિગાર આને જીવતો રાખવા માંગતો હશે. તેથી જ આપણે અહીંથી પસાર થયા છીએ, અને જો આપણે આ જીવતા જીવને મરવા માટે અહીં મૂકી દઇએ તો આપણને ખુદા ક્યારેય માફ નહીં કરે. ચાલ આને ઉઠાવ, હું ઊંટને અહીં લઇ બેસાડું છું. તું ઊંટ ઉપર આના દેહને લઇ લે, આપણે તેને ઘરે લઇ જઇએ પછી આપણા વૈધને હું બોલાવી લાવીશ.’ ત્યારબાદ આમીર ડોસાની મદદથી તેના દેહને ઊંટ પર મૂક્યો અને ઊંટને ઘર તરફ મારી મૂક્યું.

***