Swastik - 1 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 1)

વાંચકોને...

સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું.

ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું.

નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ, વિવેક, જાદુગર સોમર, કિંજલ, ડોક્ટર સ્વામી, કદંબ આવ્યા. ભેડાઘાટ અને નાગપુર શહેર તેમાં વણાયા. જોકે એક સ્પસ્ટતા અહી કરવી રહી કે આ કથામાં આવતું નાગપુર શહેર કે ભેડાઘાટ એ અત્યારના વાસ્તવિક નાગપુર શહેર કે ભેડાઘાટ નથી. નાગપુર શહેરનું નામ ‘નાગ’ શબ્દથી શરુ થતું હતું એટલે મેં કથાના મુખ્ય સ્થળ તરીકે ‘નાગપુર’ નામ વાપર્યું છે. તેવી જ રીતે ભેડાઘાટ પણ માત્ર મને નામ સારું લાગ્યું તેથી જ લીધો છે. અહી વાસ્તવિક નાગપુર શહેર કે ભેડાઘાટ સાથે કોઈ લેવાદેવા નથી.

નાગમણી સિરીઝનો પ્રથમ ભાગ લખ્યો ત્યારે તેમાં મારી ગણતરી બે ભાગની જ હતી - નક્ષત્ર અને મુહુર્ત. પણ પછી મને તેમાં કઈક ખૂટતું લાગ્યું. મને બરાબર સંતોષ ન થયો. જયારે કથાના પાત્રો ભૂતકાળ – લાંબા ભૂતકાળ સાથે જોડાયેલા હોય ત્યારે આખીયે કથામાં માત્ર અત્યારનો આધુનિક જમાનો જ આવે તે તો કથા સાથે કરેલો સરાસર અન્યાય કહેવાય...!! તેવું મને સતત થયા કર્યું. પણ માત્ર ન્યાય તોળવા માટે કઈ કલમ ચાલતી નથી. મગજને કસરત આપવી પડે. તેમાય આવડી મોટી કથાના દરેક પાત્રને ધ્યાનમાં રાખીને કશુંક ઘડવું એ સાવ સરળ વાત નથી. કઈક રાતોની રાતો બે બે વાગ્યા સુધી મને ઊંઘ ન આવતી.

પંદરેક દિવસ નિરાશામાં ગયા પછી એક રાત્રે વિચારીને થાકીને આંખો મળી અને આંખના પરદામાં મને એક રાજકુમાર દેખાયો. ના એ સપનું નહોતું પણ જાગૃત મનમાં જ એક કલ્પના જન્મી હતી. અને આખરે સ્વસ્તિક રચાયું. કદાચ એ રાત્રે આકાશમાં તારા એ રીતે ગોઠવાયા હશે જેથી મને સ્વસ્તિક વિષે કલ્પના આવી.

એ પછી રાજકુમાર સુબાહુ, રાજમાતા ધૈર્યવતી, જશવંત, દિવાન ચિતરંજન, બિંદુ, નાગલોકની રાણી ઇધ્યી અને રાજા ઇયાવસુ, સુનયના, સત્યજીત, સરદાર અશ્વાર્થ, ચિત્રલેખા, પ્રતાપ, સુરદુલ, જીદગાશા, કેપ્ટન હેનરી ઓબેરી, જોગસિહ, ઇન્સ્પેકટર રૂકસાના, બીપીન, અરુણ, મહેબુબ, આયુષ્યમાન વગેરે પાત્રોને હું કથામાં કેદ કરતો ગયો. વિવિધ રંગી અસંખ્ય પાત્રો કાળા અક્ષરો બની એકઠા થતા ગયા અને આખરે નાગમણી સિરીજ પૂરી લખાઈ.

એક બે વાર તો મને સાવ અંધશ્રદ્ધાળુ જેવો વિચાર આવેલો. આ નાયક અને નાયિકાની એક નહી બે નહી પણ ત્રણ જન્મોની કહાનીનો વિચાર મને ક્યાંથી આવ્યો હશે? શું કોઈ મારી જોડે આ કથા લોકો સમક્ષ રજુ કરાવવા માંગતું હશે? આ પ્રશ્નનો જવાબ મને આધ્યાત્મિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર્યા પછી પણ નથી મળ્યો કદાચ તમને મળે એવી આશા રાખું છું.....!

- વિકી ત્રિવેદી

પ્રકરણ 1

નયના કથાનક

એ ખુશનુમા સવારે સૂર્યના કુણા ગુલાબી કિરણોમાં ગજબ કોમળતા અને અદભુત સોનેરી ઝાય ભળેલી હતી. રાતભર અંધકારની કેદમાં રહીને છુટા થતા જ આખી દુનિયા ફરી વળવા પૂર્વથી પુર ઝડપે પૃથ્વી પર વરસતા કિરણો ખુબ આહલાદક હતા. સવાર જરાય નિસ્તેજ નહોતી. નાગપુરમાં સવાર ક્યારેય ઝાંખી હોતી જ નહી - તેમાં અનેરી તેજસ્વીતા અને અનુપમ ઉત્સાહ રહેતો. પવન રસ્તાઓ ઉપર બાળકની માફક આળોટતો, વ્રુક્ષોને હચમચાવી દેતો હતો અને કોઈ પ્રેમી તેની મહેબુબાને જુકાવીને ચૂમે તેમ ફૂલોના છોડને હળવેથી નામાવતો હતો – જાણે તાજા ઉઘડેલા ફૂલોને ચૂમતો.

ઉષાના રંગો આછા ગુલાબી રંગમાં ફેરવાયા હતા. આકાશમાં સવારનો સંદેશો લઈને ફરતા પક્ષી એમના મીઠા અવાજથી બધાને સવાર થયાની વધામણી આપતા હતા પણ એ મહેનત નકામી હતી. આકાશમાં ફેલાયેલી ગુલાબી ઝાંય, આછા ભૂખરા વાદળો, અને સ્વર્ગીય શક્તિએ ફેલાવેલો અલૌકિક ઉજાસ દિવસની વધામણી આપી ચુક્યા હતા. છતાં પક્ષીઓ પોતાનો રોજીંદો નિયમ ભૂલવા માંગતા ન હોય એમ મીઠા અવાજે ગાઈ કોઈ એ સવારથી અજાણ તો નથી રહી ગયું એની ખાતરી કરી લેતા હતા.

હું સપનામાં હતી. ચોક્કસ હું સપનું જોઈ રહી હતી. એના બે કારણ હતા એક મને ઊંઘ્યાને હજુ વાર થઇ નહોતી. એટલા સમયમાં સવાર ન થાય અને બીજું હુ જે સ્થળને જોઈ રહી હતી એ નાગપુરનું મારા ઘરને છેવાડે આવેલ જંગલ હતું. હું સપનામાં હોઉં અને એ જંગલ ન દેખાય તેવું ક્યારેય બનતું જ નહી – બન્યું જ નહોતું. મને ખાતરી હતી કે એ સપનું હતું. હવે મને પહેલા જેમ રોજ સપના ન આવતા પણ જયારે આવતા ત્યારે નાગપૂરનું એ જંગલ મારા સપનાઓમાં અચૂક હોતું.

હું એ જંગલના ધબકતા હૃદય જેવા ભેડાઘાટ પર હતી. ભેડાઘાટ જંગલમાં ભૌગોલિક રીતે કઈક એમ ગોઠવાયેલો છે કે નાગપુર જંગલના નકશામાં જોતા એ જંગલનું હૃદય લાગે. ભેડાઘાટ એક એન્સાઈન્ટ પ્લેસ છે – આહલાદક અવિસ્મરણીય અનુપમ.

સંધ્યાના રંગો મને ઘેરી વળ્યા હતા. મારા ઉઘાડા પગ જમીન પર પથરાયેલા કોમળ લીલા ઘાસની ઠંડક અનુભવતા હતા. હું ધીમે પગલે ઘાટ પરના ભવ્ય અને પ્રાચીન નાગ મંદિર તરફ જતી હતી. ઘાસ જાણે કોઈ વેલ્વેટી કાર્પેટ હોય એમ મારા પગને હુંફ આપતું રહ્યું. ચારે તરફ દુર દુર સુધી ભવ્ય, ઊંચા તોતિંગ વૃક્ષો ફેલાયેલા હતા. મારી ડ્રીમ થીયરી માટે એ પણ એક જવાબ હતો. ભેડાઘાટ પર ખરેખર એટલા વિશાળ વૃક્ષો હતા જ નહિ. કદાચ એક સમયે હશે પણ અત્યારે તો નહિ.

હું એ સ્થળ સાથે વર્ષોથી જોડાયેલ હતી. જન્મોથી જોડાયેલી હતી એમ કહું તોય ખોટું નથી છતાં મેં ક્યારેય ત્યાં એવા વિશાળ વૃક્ષોની કેનોપી જોઈ નહોતી. ઉપરના ભાગે નજર પહોચી શકે તેટલા ઊંચા સુધી વૃક્ષોની ફેલાયેલી શાખા, અને અપવાર્ડ જતા એ શાખાઓ એકબીજામાં એ રીતે પરોવાઈ જતા અલગ અલગ વૃક્ષોની બંધાઈ જતી ગાંઠ, એ ગાંઠમાંથી ચળાઈને આવતા સુરજના સોનેરી કિરણો અને એમની ગુલાબી ઝાય મને સ્વર્ગનો અનુભવ કરાવતા હતા.

વિવિધ જંગલી પ્રાણીઓના ચિત્ર વિચિત્ર અવાજો સંભળાતા હતા. મોટા ભાગના અવાજો આહલાદક હતા. ભેડા પર ક્યારેય ભયાવહ પ્રાણીઓ જોવા મળતા નહિ. જેમ હું આગળ વધ્યે ગઈ જમીન પર ઘાસને બદલે વૃક્ષોના ખરી પડેલા સુકા પાનનું સામ્રાજ્ય વધ્યે ગયું અને આખરે હું પાંદડાની ચાદર પર પહોંચી.

જંગલની સુંદરતા જાણે મારા હૃદયને સાંત્વના આપવા માટે પુરતી ન હોય એમ એક નાનકડું પક્ષી હું જ્યાં ઉભી હતી એની નજીકના ઝાડની ડાળ પર બેસી તેના મીઠા આવાજે ગાવા લાગ્યું. એકાએક પક્ષી ત્યાંથી ઉડી મારા ખભા પર આવી બેઠું. એનું શરીર ચાંદી જેમ ચમકતું હતું. એના મીઠા અવાજમાં લાખો શરણાઈના શુર જેવી મધુરતા હતી. તેના પીંછા ખુબ સુવાળા હતા. તેની ચાંચ અને આંખો તાજા જન્મેલા બાળક જેવી સુવાળી હતી. તેના પેટનો ભાગ બાકીના શરીરથી સહેજ ફૂલાયેલો હતો.

મારા ચહેરા પર અને આંખોમાં એક સ્મિત રમવા લાગ્યું. હું છેકથી એવી હતી. વરસાદના ચાર છાંટા કે ખીલેલા ફૂલ પર બેઠેલ પતંગિયું દેખી ખુશ થઇ જતી. મને એ પક્ષી સપનામાં પણ આનંદ આપતું હતું. મને બાળપણથી જ પક્ષીઓ અને સસલા પસંદ હતા.

જંગલમાં એક ગજબ ખુશબો ફેલાયેલી હતી. એ પલ્પી સ્મેલ કોઈ સેલેસ્ટીયલ સેન્ટનું કામ કરી જંગલના દરેક જીવમાં ઉત્સાહ ભરતી રહી. એ દ્રશ્ય બ્રિથ ટેકિંગ હતું. જાણે હવા પણ શ્વાસ - ઉચ્છવાસની ક્રીયાથી અપવાદ ન હોય એમ ધીમી લહેરખી રૂપે શ્વાસ લેતી તો ક્યારેય જરા તેઝ લહેરખી બની શ્વાસ છોડતી હતી.

હું સફેદ કપડામાં હતી. એ ફ્રોક હતું. હું સાત આઠ વર્ષની હતી ત્યારે જે ફ્રોક પહેરી અમારા ઘર પાછળના જંગલમાં ફરતી એવું ફ્રોક નહિ પણ સિત્તેર એસીના દાયકામાં જે ફેશન ચાલતી તેવું ફ્રોક. મને નવાઈ ન લાગી કેમકે મેં મણી હાથમાં લીધું હતું અને મને મારી યાદો મળી ગઈ હતી - પૂર્વજન્મની યાદો.

મને યાદ હતું એ ફ્રોક મેં ગયા જન્મમાં કયા દિવસે પહેર્યું હતું. એ મને કપિલે ગીફ્ટ કર્યું હતું. મતલબ વરુણે... એ સમયે એનું નામ વરુણ હતું. તમારો પરિચય એની સાથે થઇ જ ગયો હશે. મને ખાતરી છે એણે પોતાના વિશે તમને કહ્યું હશે એના કરતા મારા વિશે વધુ કહ્યું હશે. એના મનમાં અને હૃદયમાં હમેશા મારા જ વિચારો ચાલતા હોય છે.

એ હવે મને કોલેજમાં પહેલે દિવસે મળ્યો હતો એવો અકડુ કપિલ નથી રહ્યો. એ મારા માટે હું ઉઠું એ પહેલા ચા બનાવી રાખે છે. મને જયારે મારી ફેવરીટ બૂક વાંચવાનો કંટાળો આવે તો એના એકાદ બે પ્રકરણ જરા પણ કંટાળ્યા વિના વાંચી સંભળાવે તેવો ડાહ્યો કહ્યાગરો કપિલ બની ગયો છે. યસ તમે જો સ્ત્રી વાંચક હશો તો તમને ઈર્ષા થઇ આવે તેવો પતિ કપિલ છે.

એ ગુસ્સો તમને યાદ છે ને - કોલેજ પાછળનો ગાર્ડન. કપિલે મને રડાવી હતી. તેણે એ માટે મારી સોથી પણ વધુ વાર માફી માંગી લીધી છે. એ હવે નાઈસ બની ગયો છે કેમકે એ હવે મારો બોયફ્રેન્ડ નહિ હસબંડ છે.

કદાચ તમને નવાઈ લાગશે કે અમે એ સ્થળે લગ્ન કેમ કર્યા હશે પણ એ જ હકીકત છે. અમારા લગ્ન ભેડાઘાટ પાસેના શિવ મંદિરમાં થયા હતા જે ખંડેર હાલતમાં છે.

એ કપિલનો નિર્ણય હતો. મને પણ એ નિર્ણય યોગ્ય લાગ્યો હતો. ગયા જન્મે જે મંદિર સામે અમારો પ્રેમ અધુરો રહી ગયો હતો. જે મંદિરની સાક્ષીએ બાલુ અને ઓજસ જેવા મિત્રોએ અમને એક કરવા માટે પોતાના જીવનની કુરબાની આપી હતી એ મંદિર કરતા વધુ સારું સ્થળ અમને લગ્ન માટે દેખાયું નહી.

“મમ્મી, હું અને કપિલ ભેડાઘાટ પરના શિવ મંદિરમા મેરેજ કરવા માગીએ છીએ.” મેં જયારે અમારો નિર્ણય જણાવ્યો મમ્મી પપ્પાને પણ બહુ નવાઈ થઇ હતી.

“પણ એ તો ખંડેર છે..” મમ્મીએ વિરોધ દર્શાવ્યો હતો.

“મને ખબર છે. હું અને કપિલ, અમે એ મંદિર જોઈ પણ આવ્યા છીએ...”

“નયના, બેટા ત્યાં ખંડેરમાં મેરેજ રાખવાની શું જરૂર છે?” મમ્મી એકદમ સત્બ્ધ બની ગઈ હતી.

“મમ્મી.. મમ્મી એ મંદિર સાથે મારો ગયા જન્મનો સંબંધ છે, મારા ગયા જન્મના અધૂરા સપનાને પૂરા કરવા મારે ત્યાં જ લગ્ન તોરણ બાંધવું છે. મારા પુજારી મમ્મી પપ્પા આખું જીવન એ જ સપનું બાંધીને ફર્યા હતા પણ એ પૂરું થયુ નહોતું. એ જન્મમાં નહિ તો શું થયું? હું આ જન્મે એમનું એ સપનું પૂરું કરવા માંગું છું.”

“પણ ત્યાં લોકો આવવાનું પસંદ કરશે..?” મમ્મીએ છેલ્લી દલીલ કરી.

“લોકો માટે આપણે કોઈ હોટલમાં રીશેપ્સન ગોઠવી દઈશું..” પપ્પા હમેશની જેમ મારી વહારે આવ્યા હતા, “લગ્ન લોકો માટે નથી કરવાના. એનું જે સપનું છે એ લોકોની પસંદ નાપસંદ કરતા વધુ મહત્વનું છે. કોઈને પસંદ આવશે કે કેમ એ વિચારવામાં જ લોકોના લાખો અરમાનો હૃદયમાં જ ધરબાઈ રહે છે અને હૃદયને પસંદ આવશે કે કેમ એની તો કોઈ ફિકર જ નથી કરતુ.”

હું જાણતી હતી પપ્પાએ કેમ એવું કહ્યું. પપ્પા જાણતા હતા મારો એ સ્થળ સાથે માત્ર ગયા જન્મનો જ નહિ પણ આ જન્મનો પણ ગાઢ સબંધ હતો. મને તો લાગતું મારો અનેક જન્મથી નાગપુરના એ જંગલ અને ત્યાના દરેક ઝાડ સાથે સબંધ હતો. ભેડાઘાટ અને આખાય જંગલ સાથે મારા શરીરના અણુએ અણુ જોડાયેલા હતા. નાગમતી નદીના પાણીના એક એક બુંદ સાથે મારે કોઈ બોન્ડ હતો.

ભેડાઘાટ પર એ દિવસે અનેરી ભીડ છવાઈ ગઈ. અમે વિચાર્યું પણ નહોતું એટલા લોકો મેરેજમાં આવ્યા. અમને હતું લોકો એ ખંડેરમાં આવવાનું પસંદ નહિ કરે માટે શહેરમાં પાર્ટી પ્લોટ બૂક કરાવ્યો હતો પણ લોકોએ ત્યાં આવવાનું પસંદ કર્યું.

કદાચ બધાને લાગ્યું હતું કે અમે ઐતિહાસિક સ્થળને લગ્ન પ્લેસ બનાવી લોકોમાં ઈતિહાસ પ્રત્યે જાગૃતિ લાવનાર કપલ છીએ. અરે! બીજા દિવસે અમારા લોકલ ન્યુઝ પેપરમાં સમાચાર પણ છપાયા હતા. એમાં કહેવામાં આવ્યું હતું કે ખરેખર એ એક પ્રશંશનીય પગલું હતું.

હું દુલ્હનના લાલ જોડામાં હતી. એક નાગિન માટે એ અદભુત અવસર હતો. હું એક માનવ છોકરી હોત તો પણ એટલો જ આનંદ અનુભવી શકોત. મને માનવ અને નાગ વચ્ચે કેટલાક સુપર પાવર બાદ કરતા ક્યારેય કોઈ ફરક લાગ્યો જ નથી. એ ઈમોશન, ગુસ્સો, પ્રેમ, નફરત, અને એ બાકીની બધી લાગણીઓ. માનવ અને નાગ વચ્ચે કોઈ અદમ્ય સબંધ હશે એમ મને લાગતું.

કપિલ ઘોડા પર હતો. તમને નવાઈ લાગશે પણ એ ઘોડો વિવેકનો હતો. સ્ટેલીન - વિવેક એ સફેદ ઘોડા પ્રેમથી સ્ટેલીન કહી બોલાવતો. વિવેકના ફાર્મ હાઉસ પર ઘોડો હતો અને એને જુના જમાનાના રાજવીઓ જેમ એના પર બેસી ભેડાધાટ સુધી સવારી કરવી પસંદ હતી. ઓહ તમને તો અમારા જીવનના ભયાનક પ્રસંગો કહેવામાં વિવેકના દોસ્ત કે તેના ઘર વિષે કોઈએ કઈ કહ્યું જ નહી હોય.

ખેર! એ કપિલની સાથે જ હતો. કપિલને ખાસ ઘોડેસવારીનો અનુભવ નહોતો - ન આ જન્મે, ન ગયા જન્મે. (એના પહેલાના જન્મ અમને અત્યાર સુધી યાદ નહોતા.)

વિવેક એની સાથે જ ઘોડાની લગામ પકડીને ચાલતો હતો. મારા જીવનની એ સૌથી સુખદ પળ હતી. કપિલ સૂટમાં અદભુત દેખાઈ રહ્યો હતો જયારે શેરવાનીમાં શોભતો વિવેક કોઈ રાજકુમારને પણ એક કદમ પાછળ પાડતો હતો.

લગ્ન સમારોહની શરૂઆત થઇ. સપ્તપદીના ફેરા શરુ થયા. હું જાણે સ્વર્ગમાં હતી. મને કપિલના ચહેરા પર ભવિષ્યના સપનાઓની ઝલક દેખાતી હતી. હું મહામહેનતે એના ચહેરા તરફ જોવાને બદલે નીચે જોઇને ચાલતી હતી. એ ચહેરાનું આકર્ષણ વર્ણવી ન શકાય એવું હતું.

પરિવાર, મિત્ર, રીસ્તેદાર, અને શુભ ચિંતકથી શિવ મંદિર ઉભરાતું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા. અનન્યા તરીકેના જન્મે મારા પિતાજી આ જ મંદિરના મુખ્ય પુજારી હતા. જયારે શિવરાત્રી હોતી એ મંદિર એ જ રીતે માનવ મેદનીથી ઉભરાઈ જતું. શિવરાત્રીના દિવસે લોકોની ભીડ મંદિરમાં સમાતી નહી.

મારા મમ્મી પપ્પા પાસે ઉભા મારા પૂર્વજન્મના માતા પિતા પણ જાણે મારા પર આશીર્વાદ વરસાવતા હોય તેવું મને લાગ્યું હતું.

મેં આંસુઓને અલવિદા કહી જરા મલકી લીધું કેમકે એમનું સપનું પૂરું થયું હતું. એક સાથે મારા બે માતા પિતાનું સપનું પુરુ કરવાનું મારું સપનું સાચું ઠર્યું હતું. અમે સપ્તપદીના ફેરા ભાવુક હૃદયે ફર્યા - અમે સાત જન્મ માટે એકબીજાના બની ચુક્યા હતા. આમ પણ હું અને કપિલ જન્મથી એકબીજાના જ હતા.

પંડિતે વિવાહ સપૂર્ણનું એલાન કર્યું એ સાથે જ જાણે મને કોઈએ સ્વર્ગના રાજ્ય માટે તથાસ્તુ કહી દીધું હોય એવી ખુશી અનુભવાઈ. મને એ પંડિતમાં મારા પુજારી પિતાની જાજરમાન છબી દેખાઈ. ત્યાં ઉભેલી દરેક સ્ત્રીના ચેહરામાં મને એ વિસારે પડી ગયેલી માતાની મમતા અનુભવાઈ. આસપાસની આખી ભીડ સાથે એ જર્જરિત મંદિરમાં શોભતી શિવની મૂર્તિ પણ મને શુભ કામના પાઠવતી રહી.

કેમ ન પાઠવે?

એ શિવને કેટલા બીલીપત્ર ચડાવ્યા હતા એ તો મને પોતાને પણ યાદ નહોતું. પણ ભોલેનાથ એ કઈ રીતે ભૂલી શકે? હળાહળ ઝેર પણ ગટગટાવી જનારા નીલકંઠ મેં એમના ચરણે ધરેલા શુભ્ર આકાશ જેવા દુધના ભરેલા કળશિયા કઈ રીતે ભૂલી શકે? મેં શિવની એ સોહામણી મુરત સામે બેસી ભાવભીના અવાજે કેટલા સ્ત્રોતો ઉચાર્યા હતા, શિવ મહિમ્ન સ્ત્રોત તો મા સરસ્વતીની કૃપાથી મારા કંઠે થઇ ગયું હતું અને મંદિરમાં બિરાજમાન શિવ મૂર્તિના ચરણોમાં ભેડાઘાટના સુંદરથી સુંદર ફૂલોના ઢગ ધરી દીધા હતા. શિવ મારા પ્રેમના સાક્ષી હતા. બહાર એમનું પસંદીતું બીલીનું ઝાડ અમારા પ્રેમનો પુરાવો હતું. એ ખંડેર મંદિર એક પળ માટે અખંડિત બની મને આશીર્વાદ આપવા લાગ્યું હતું.

કોઈ કઈ રીતે કહી શકે કે શિવ એ ભૂલ્યા હતા? અનેક વર્ષે અનન્યા અને વરુણ એક થયા એ શિવના આશીર્વાદ નહી તો બીજું શું હતું?

એ સાંજે સુમન પાર્ટી પ્લોટમાં લગ્નની રીસેપ્શન પાર્ટી મારા માટે એક યાદગાર પળ હતી. અમે હનીમુન માટે ક્યાય બહાર ન ગયા. એ મારો અને કપિલનો સહિયારો નિર્ણય હતો. અમને બંનેને અમારા પ્રદેશથી બહુ લગાવ હતો.

અમારો હર્યોભર્યો વિસ્તાર લીલાછમ પહાડોથી ઉભરાતો, કદાચ લોકોને સીમલા અને મનાલીમાં જ કુદરતી સુંદરતાના દર્શન થતા હશે પણ મારા માટે તો નાગપુરના છેવાડે આવેલું એ જંગલ સ્વર્ગ હતું. પર્વતની ગોદમાં વહેતી નાગમતી નદી, નદીના ખળખળ નીરમાં સર્પાકાર ઘૂમરી લઇ રચાતો વોટર ફોલ, નાગ પહાડી, લીલો પહાડ કે જ્ઞાન પર્વત, પાતાળ પ્રવેશ ઝરણું, એના આસપાસના પહાડો - એ જંગલ જ મારું સ્વર્ગ હતું. મારા ચાર ધામ અને અડસઠ તીરથ ત્યાં જ હતા.

સપનામાં એકાએક મને મારી જમણી તરફથી કપિલ આવતો દેખાયો. મારી નજર એ તરફ ફેરવાઈ ત્યારે મારી આંખો ફાટી ગઈ અને ગળામાંથી રાડ નીકળી ગઈ. કપિલનો ચહેરો લોહીથી ખરડાયેલો હતો. એનો નીચેનો હોઠ ચિરાઈ ત્યાંથી લોહી વહેતુ હતું. લોહી તેની પાતળી હડપચી પરથી સરીને સફેદ શર્ટને ભીંજવી રહ્યું હતું. એનું શર્ટ પણ ઠેક-ઠેકાણેથી ફાટી ગયુ હતું. એ મારી નજીક આવ્યો એ પહેલા જ મેં એનો અવાજ સાંભળ્યો.

“નયના ભાગ... ભેડો ફરી તને ગળી જશે... નયના મંદિરમાં જા... આ જંગલ તારો જીવ લઇ લેશે..”

હું ભાગી ન શકી. હું કપિલને એ હાલમાં છોડી કઈ રીતે જઇ શકું?

હું ત્યાજ ઉભી રહી. એક ડગલું પણ આમ કે તેમ ખસ્યા વિના હું ત્યાંજ જડની માફક ઉભી રહી. કપિલ મારી તરફ દોડીને આવી રહ્યો હતો. એ મારી એકદમ નજીક આવ્યો ત્યાં સુધી હું એમ જ ઉભી રહી.

“કપિલ તારા શરીર પર આ શું છે?” મેં એનું શર્ટ જ્યાંથી ફાટેલ હતું એ તરફ જોતા કહ્યું.

કપિલે પોતાની છાતી તરફ નજર કરી ત્યાં તેના ચહેરા પરથી ટપકીને લોહી ભેગું થઈને જમા થઇ ગયું હતું. એ નવાઈ પૂર્વક એની છાતી પર જમા થયેલ લોહીને જોઈ રહ્યો.. એ લોહી એક આકૃતી રચતું હતું. એ આકૃતિ સ્વસ્તિકની હતી - એક લાલ લોહીથી બનેલ સ્વસ્તિક.

મારી આંખો ખુલી ગઈ. હું મારા બેડરૂમમાં હતી અને કપિલ મારી પાસે જ હતો. એ ઊંઘી રહ્યો હતો. એ માત્ર એક સપનું હતું પણ હું જાણતી હતી કે એ માત્ર સપનું ન હતું. એ ભવિષ્યમાં આવનાર કોઈ આફતનો અણસાર હતો. કોઈ એવી આફત જેના માટે કુદરત અમને પહેલેથી ચેતવવા માંગતી હતી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky