Swastik - 8 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 8)

નયના કથાનક

ડોરબેલના આવજે મને વિચારોમાંથી બહાર લાવી. કપિલ અને શ્લોક આવી ગયા હશે. મારા મને મને કહ્યું. કદાચ સોમર અંકલ હશે. જે હશે એ પણ વિવેકના કઈક સમાચાર તો મળ્યા જ હશે.

હું ઉતાવળે ઉભી થઇ. એક નજર મમ્મી અને સેજલ તરફ કરી. સેજલ અને મમ્મીની આંખોમાં પણ મને મારા જેવી જ અધીરાઈ દેખાઈ. હું દરવાજા તરફ ઉતાવળે પગલે ગઈ.

હું દરવાજે પહોંચુ એ પહેલા ફરી એકવાર ડોરબેલ વાગી.

હું રીતસર દોડતી હોઉં એમ દરવાજા તરફ ધસી. દરવાજા સુધી પહોચી મેં દરવાજાની સેફટી ચેઈન હટાવી ત્યાં સુધીમાં મારા મનમાંથી અનેક વિચારો આવી ને જતા રહ્યા.

મેં દરવાજો ખોલ્યો. બહાર નજર કરી પણ દરવાજા બહાર કોઈ ન હતું.

“કોણ છે નયના..?” મમ્મીએ પૂછ્યું.

બહાર કોઈ દેખાતું નથી એમ હું બોલવા જતી જ હતી ત્યાં જ મારું ધ્યાન એકાએક પ્રેમીસમા ઉભેલા વિવેક તરફ ગયું. એ વિવેક જ હતો કે માત્ર મારી આંખોનો ભ્રમ હતો.

“મમ્મી વિવેક છે.”

મારા શબ્દો સંભાળતા જ સેજલ અન્યાને મમ્મીના હાથમાં સોપી હાંફળી દોડતી દરવાજા સુધી આવી.

“વિવેક તું આમ ત્યાં કેમ ઉભો છે..” મેં પ્રેમીસમાં લગાવેલ ફોકસની સ્વીચ ચાલુ કરતા પૂછ્યું. સ્ટ્રીટ લાઈટના ઝાંખા અજવાળામાં પણ મને વિવેક દેખાઈ રહ્યો હતો પણ વધુ અજવાળા માટે મેં ફ્લેસ લાઈટ ચાલુ કરી. અમારું પ્રેમીસ બહુ વિશાળ હતું એટલે એમાં ફોકસ લાઈટો લગાવી હતી જેથી રાત્રે કોઈ ઈમરજન્સી હોય ત્યારે કામ લાગે. અમે નોર્મલ લોકો ન હતા. નાગ હતા માટે ગમે ત્યારે ઈમરજન્સી આવી પડે એ અમને ખયાલ હતો પણ એ ઈમરજન્સી આ સ્વરૂપે આવશે એવી કલ્પના ક્યારેય કરી ન હતી.

વિવેક હજુ પૂતળાની જેમ ત્યાજ ઉભો રહ્યો.

“એ ત્યાં કેમ ઉભો છે?” મેં સેજલ તરફ જોયું, “એ કઈ બોલતો કેમ નથી?”

“તું અહી જ રહે નયના,” સેજલે મને દરવાજા અંદર ધકેલી દીધી, “મને કઈક ગરબડ લાગે છે. એ વિવેકના રૂપમાં આવેલો કોઈ જાદુગર પણ હોઈ શકે..”

સેજલના શબ્દો સંભાળતા જ મારું હૃદય એક ધબકારો ચુકી ગયું.

“તું ક્યા હતો વિવેક?” સેજલ ધીમે પગલે એના તરફ આગળ વધી.

વિવેક કઈ બોલ્યો નહિ. એ જાણે પથ્થરમાંથી બનાવેલ કોઈ તાબૂત હોય એમ ચુપચાપ ઉભો રહ્યો.

“ના કોઈ ફોન ન કોઈ સંદેશો..? સેજલ શાંત પગલે એની તરફ આગળ વધી, “શું થયું હતું?”

એ જે રીતે જડની જેમ ઉભો રહ્યો એ જોઈ મને પણ ગરબડ લાગવા માંડી.

“મમ્મી..” મેં ફોયરમાં ડોકિયું કરી બુમ પાડી પણ મારે બુમ પાડવાની ખાસ કોઈ જરૂર ન રહી આમ પણ મમ્મી ઉભા થઇ દરવાજા તરફ જ આવી ગયા હતા.

મેં ફરી તેની સામે નજર કરી. મેં મમ્મીને બુમ મારી એની પણ વિવેક પર કોઈ જ અસર ન થઇ. હવે મને ડર લાગવા માંડી. કાશ કપિલ અને શ્લોક હાજર હોત!

“હું તારાથી વાત કરી રહી છું વિવેક..” સેજલ એની નજીક પહોચવા આવી હતી, “દીવાલ સાથે નહિ..”

એ છતાં વિવેક કઈ જ બોલ્યો નહી. એ એમ ઉભો હતો જાણે એ કઈ સાંભળી શકતો ન હોય.

“વિવેક... હું તારાથી વાત કરી રહી છું..” સેજલ એની એકદમ સામે જઈને ઉભી રહી ગઈ. સેજલ એને નવાઈથી જોઈ રહી. મને પણ કઈ સમજાયુ નહિ.

વિવેક કેમ અમને ઓળખતો જ ન હોય એવું વર્તન કરી રહ્યો છે? અને કદાચ કઈ થયું હોય અને એને હવે અમે યાદ ન હોઈએ એવું કઈ બન્યું હોય તો એ અમારા ઘરે કેમ આવે? એને ઘર કઈ રીતે યાદ હોઈ શકે?

“સેજલ...” મમ્મી દરવાજા સુધી આવી ગયા હતા, જેવી એમની નજર વિવેક અને સેજલ પર ગઈ એમના મોમાંથી રાડ નીકળી ગઈ, “સેજલ એનાથી દુર થઇ જા...”

સેજલેને હજુ કઈ સમજાયું નહિ એ અમારી તરફ જોઈ ત્યાં જ ઉભી રહી. પણ મને સમજાઈ ગયું. મમ્મીએ કેમ ચીસ પાડી એ હું સમજી ગઈ હતી. ફ્લેશ લાઈટના અજવાળામાં સેજલનો પડછાયો જમીન પર પડતો હતો પણ વિવેકનો પડછાયો પડતો ન હતો. મારા શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. હું બુમ પાડી સેજલને કહેવા માંગતી હતી કે વિવેકને પડછાયો નથી પણ મારા ગળામાંથી અવાજ ન નીકળ્યો.

હું એ તરફ ફાટી આંખે જોઈ રહી. મારા આખા શરીરે પરસેવો વળી ગયો. હું સેજલ અને વિવેક તરફ જવા માંગતી હતી પણ જાણે મારા પગ લાકડાના બની ગયા હતા. એ જમીન પર રોપેલા થાંભલા હોય એમ હું એક કદમ પણ ભરી શકવા અશકત બની. ફીયર હેડ કવર્ડ મી ફ્રોમ ઇનસાઇડ.

મેં ફરી એકવાર વિવેકના ચહેરા તરફ જોયું. એ ચહેરો ભાવ શૂન્ય હતો. મેં નજર જમીન તરફ કરી એનો પડછાયો ન હતો.

મારી આંખો વાર વાર વિવેકના ચહેરા અને જમીન તરફ જવા લાગી એ જોઈ સેજલને પણ અંદાજ આવી ગયો હોય એમ એણીએ જમીન તરફ જોયું. એ ફાટી આંખે જમીનને જોઈ રહી. ત્યાં એનો પોતાનો પડછાયો તો હતો પણ વિવેકનો પડછાયો ન હતો.

“આઈ એમ સોરી..” વિવેકના શબ્દો સાંભળી સેજલે ઉપર જોયું.

હું મમ્મી કે સેજલ કોઈ એ સોરીનો અર્થ સમજી શકીએ એ પહેલા વિવેકે હાથ લંબાવ્યો અને જેવો એનો હાથ સેજલને સ્પર્શ્યો, વિવેક અને સેજલ હવામાં ઓગળી ગયા. વિવેકના પડછાયા જેમ એ બંને પણ પ્રેમીસમાંથી ગાયબ થઇ ગયા.

હું જમીન પર ફસડાઈ પડી.

ઓહ માય ગોડ!

વિવેકને કોઈ ગલતફેમી થઇ ગઈ હતી?

એ કદાચ અમને વૈશાલીના કિડનેપ પાછળ જવાબદાર સમજવા લાગ્યો હતો કે કદાચ એની કોઈ મજબુરી હતી.

પણ અનેક નાગોને બચાવવા પોતાનો જીવ આપવા તૈયાર થનાર વિવેકે સેજલનો જીવ લઇ લીધો હતો.

ના, ના, મેં મારી જાતને કહ્યું.

કદાચ એને મદદની જરૂરે હશે એને એ અહી કહી શકે એમ નહિ હોય એટલે એને સાથે લઇ ગયો હશે.

વિવેક કોઈ ખરાબ કામ કરી શકે એ મને માન્યામા આવે એમ ન હતું.

“નયના...” અંદર આવ.

મેં મમ્મી તરફ જોયું એ દરવાજામાં એકાદ ડગલા જેટલા અંદર ઉભા હતા.હું બારશાખમાં બેઠી હતી.

“મમ્મી તમે બહાર કેમ ન ગયા?” મેં ઉભા થઇ મમ્મી પાસે જતા પૂછ્યું, “તમે વિવેકને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો?”

“આપણે કોઈ એને રોકી શકીએ એમ નથી..” મમ્મીએ અન્યા મારા હાથમાં આપી અને દરવાજો બંધ કર્યો, “હું બહાર આવી અન્યાને જોખમમાં મૂકી શકું એમ ન હતી..”

“મમ્મી જો વિવેક ન હોત તો હું અને કપિલ ન હોત...” મેં કહ્યું, “જો એ ન હોત તો અન્યા પણ ન હોત.. તમે અન્યા માટે..”

“નયના તું જે વિવેકને ઓળખે છે એ આ વિવેક નથી..” મમ્મીના અવાજમાં ડર અને ચિંતાના વાદળો ઉમટી પડ્યા હતા, “જે ડર હતો એ જ થયું. વિવેકે એ રસ્તો પસંદ કર્યો જે રસ્તે એને જવું જોઈતું નહોતું.”

“કયો રસ્તો..”

“ઝેરનો તોડ ઝેર..” મમ્મીએ અન્યાને ફરી મારા હાથમાંથી લીધી અને કોચ પર ગોઠવાયા, “કપિલ અને શ્લોકને ફોન કરી આ સમાચાર આપવા પડશે. એમને ફોન કર..”

મેં કપિલનો નંબર લગાવ્યો. બે ત્રણ રીંગો વાગી પણ ફોન ઉપાડ્યો નહિ. હું અકળાઈ ઉઠી. મેં ફરી ફોન લગાવવા પ્રયાસ કર્યો પણ મારા મોબાઈલમાંથી કવરેજ જતું રહ્યું હતું.

શીટ!

“શું થયું નયના?” મમ્મી પણ બેબાકળા બની ગયા, “ફોન કેમ નથી લાગતો?” મેં મમ્મીને પહેલા ક્યારેય આટલા બેબાકળા બનતા જોયા નહોતા. એક વર્ષથી હું એ ઘરમાં હતી પણ ક્યારેય મેં મમ્મીને ગુસ્સે થતા પણ જોયા ન હતા. એમનું પોતાના મન પરનું નિયંત્રણ અદભુત હતું. પણ આજે એ પણ ઢીલા પડી ગયા હતા.

“મમ્મી નેટવર્ક નથી આવતું.” મેં ફોન સ્વીચ ઓફ કરી સ્વીચ ઓન કર્યો.

થોડીવારે નેટવર્ક આવ્યું.

હું નંબર લગાવું એ પહેલા જ રીગટોનના અવાજે ફોયારના શાંત વાતાવરણમાં એક પડઘો પાડ્યો.

“હલ્લો..” મેં ફોન કાને ધર્યો.

“વિવેક આવી આવ્યો હતો...” મારો અવાજ ધ્રુજવા લાગ્યો.

“વિવેક ત્યાં આવ્યો હતો..?” કપિલના અવાજમાં પ્રશ્ન કરતા નવાઈના ભાવ વધુ ભળેલા હતા. હું સમજતી હતી એ નવાઈ લાગે તેવું હતું. એમ એકાએક ગાયબ થયેલો વિવેક ઘરે આવે એ આશ્ચર્ય જનક હતું.

“એ હવે કયા છે?” કપિલ અધીરો બની ગયો, “તમે એને ફરી ક્યાય જવા તો નથી દીધોને?”

જે બન્યું એ કપિલને કહેવું કે ન કહેવું એની વિમાસણ મારા મનમાં કોઈ યુદ્ધની જેમ ચાલવા લાગી. હું નક્કી કરી શકી નહિ કે શું જવાબ આપવો.

“નયના તું કેમ કઈ બોલાતી નથી એને ક્રિસ્ટલ બોલનો ઉપયોગ કરી લીધો છે એને ક્યાય જવા ન દઈશ..” કપિલના શબ્દો જ મને સંભળાઈ રહ્યા હતા એ છતાં એ બોલતી વખતે એના ચહેરા પર ચિંતાની રેખાઓ તરી આવી હતી એ હું અનુભવી શકતી હતી, “અમે આવીએ ત્યાં સુધી એને ત્યાં જ રોકી રાખ.”

“કપિલ, એ ચાલ્યો ગયો છે અને...” મારા ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું, હું ક્યારે રડવા લાગી હતી એ મને જ ખબર ન રહી, “એણે સેજલને પણ ગાયબ કરી નાખી છે..”

“વોટ!”

“હા, એ આવ્યો ત્યારથી એનો પડછાયો જમીન પર પડતો ન હતો. એ બ્લેક મેજીકના કાબુમાં આવી ગયો છે.”

“ઓહ માય ગોડ!” કપિલનો અવાજ ફાટી ગયો, “તો હવે સેજલનું શું થશે? એ એને ક્યા લઇ ગયો હશે? કેમ લઇ ગયો હશે?”

કપિલ જાણતો હતો કે એ સવાલોના જવાબ મારી પાસે ન હતા છતાં એ પૂછવા લાગ્યો.

“નયના, અમે આવી એ જ છીએ..” એણે ફોન કાપી નાખ્યો. હું મમ્મી પાસે જઈ બેસી ગઈ.

શું કરવું કે શું બોલવું એ કઈ સમજાયુ નહી. આજ સુધી અમે દુશ્મનો સામે લડતા આવ્યા હતા. લડાઈ અમારા માટે કોઈ નવી વાત ન હતી. પણ એ લડાઈ અલગ હતી. જયારે આ વખતે બધું અલગ હતું.

અમારી સામે કોઈ દુશ્મન ન હતું. વિવેક એમના છટકામાં આવી ગયો હતો. અને એને કોણે અંધારા તરફ વાળ્યો હતો એ જ ખબર ન હતી.

અંધકારની દુનિયા એવી છે જ્યાં જનાર વ્યક્તિ ક્યારેય પાછી આવી શકતી નથી. વિવેક દિલનો ભલો હતો. એનામાં દરેક સારા ગુણ હતા પણ કયારેક વધુ પડતા સારા હોવું એ માનવની કમજોરી બની જાય છે અને વિવેક સાથે એ જ થયું હતું. પોતાને લીધે વૈશાલી કિડનેપ થઇ છે એ બાબત એ સ્વીકારી શક્યો ન હતો. એ જાણતો હતો કે ક્રીસ્ટલ બોલનો ઉપયોગ એને એ તરફ ખેચી જશે જે તરફના લોકોથી એ નફરત કરતો આવ્યો હતો.

છતાં એ વૈશાલી સાથે શું થયું છે એ જાણવાની પોતાની ઉત્સુકતા રોકી શક્યો નહિ અને પરિમાણ અમારી સામે હતું. વિવેક એ બની ગયો હતો જેને એ જીવનભર નફરત કરતો આવ્યો હતો.

અમે બેસી રહ્યા. કોઈ એક શબ્દ પણ બોલ્યું નહી. બહાર કાળી અંધારી ભયાનક રાતમાં કુતરા દર્દનાક પીડાથી જાણે રડતા હોય તેમ ઉનાતા હતા. પ્રાણીઓ આવનારી આફતને કળી શકે છે.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky