Veer Nari books and stories free download online pdf in Gujarati

વીર નારી- શહીદની પત્નિની વ્યથા

(તદ્દન સત્ય ઘટના પર આધારીત - શહીદ મેજર અક્ષય ગિરીશની કહાની.)

કેટલાક જુના અને અંગદ મીત્રો ભારતીય સૈન્ય માં ઑફિસર હોવાથી તેઓના જીવનની મુશ્કેલીઓથી ખૂબ નજીકથી વાકેફ છું..સામાન્ય તકલીફમાં જ્યાં આપણાં જેવા લોકો નાસીપાસ થઈ જતા હોય છે ત્યાં આપણા જવાનો દરેક પળે , દરેક પરિસ્થિતિમાં અડગ રહીને આપણને નિશ્ચિત જિંદગી બક્ષી રહ્યા છે,તેઓ જીવનું જોખમ અને જીવનની અનિશ્ચિતતા સ્વીકારીને ક્યાંકને ક્યાંક આપણને તદ્દન નિશ્ચિંત જીવન અર્પી રહ્યાં છે.
કઈ કેટલાય ઓફિસર, જવાનો પોતાનું બલિદાન આપીને ખોવાઈ ગયા.. એમાંનાજ એક ઑફિસર છે મૅજર અક્ષય ગિરીશ કુમાર! 2016 જમ્મુ-કાશ્મીરના નગરોટામાં સેનાની એક યુનિટ પર થયેલા હુમલામાં મેજર અક્ષય ગિરીશ કુમાર શહીદ થઇ ગયા હતા. તેમની યાદમાં પત્નીએ એક ભાવુક પત્ર લખ્યો જે ખરેખર હૃદયસ્પર્શી છે.

" વર્ષ 2009ની વાત છે, જ્યારે તેમણે મને પહેલીવાર પ્રપોઝ કર્યું . હું એક ફ્રેન્ડ સાથે ચંદીગઢ ગઇ હતી. અમે ત્યાંથી સિમલા ગયા, પરંતુ ત્યાં કર્ફ્યુ લાગ્યો હતો. જે હોટલ અમે બુક કરી હતી તે પણ જલ્દી બંધ થઇ ગઇ. અક્ષય ઉતાવળમાં મારા માટે વીંટી લાવવાનું પણ ભૂલી ગયા હતા, એટલે તેમણે મને ઘૂંટણ પર બેસીને પોતાના ખિસ્સામાં રાખેલી લાલ પેન આપીને જ પ્રપોઝ કર્યું.! વર્ષ 2011માં અમારા લગ્ન થયા અને અમે પુણે શિફ્ટ થઇ ગયા. તેના બે વર્ષ પછી 2013માં અમારી દીકરી નૈનાનો જન્મ થયો. - અક્ષય ત્યારબાદ પોતાના પ્રોફેશનલ એસાઇન્મેન્ટ માટે લાંબા સમય સુધી ચાલ્યા ગયા. મારી દીકરી તે સમયે નાની હતી, એટલે પરિવારજનોએ સલાહ આપી કે અમે બેંગલુરુ પાછા આવી જઈએ, પરંતુ હું ત્યાં જ રોકાઇ ગઇ. અમારી વસાયેલી નાનકડી દુનિયામાં હું ખુશ હતી..અક્ષય વગર તેમનાંથી દૂર બીજા રાજ્યમાં રેહવું મને મંજૂર નહતું એટલેજ તેમની દરેક પોસ્ટિંગ માં હું, નૈના અને અક્ષય સાથેજ રહેતા. વર્ષ- 2016માં જમ્મુ-કાશ્મીરના નગરોટામાં અક્ષયનું પોસ્ટિંગ થયું. અમે પણ ત્યાં આવી ગયા! અને શરૂઆતના દિવસોમાં ઘર અલોટ ના થયું હોવાથી અમે ઓફિસરોની મેસમાં રોકાયા.
- તે જ વખતે અચાનક 29 નવેમ્બરની સવારે 5.30 વાગે ફાયરિંગનો અવાજ આવવા લાગ્યો અને અમે એક્દમ ઝબકીને જાગી ગયા. પહેલા વિચાર્યું કે કદાચ આ ટ્રેનિંગ ચાલી રહી હશે, પરંતુ ત્યાં એવું કંઇ લાગ્યું નહી. થોડીવારમાં ગ્રેનેડ ફૂટવાનો અવાજ આવ્યો. તે પછી 5.45 વાગે એક જૂનિયર અમારી પાસે આવ્યો અને અક્ષયને કહ્યું કે, "'આતંકીઓએ તોપખાનાની રેજિમેન્ટને બંધક બનાવી લીધી છે, ઑફિસરે ક્વિક મીટિંગ બોલાવી છે, તમે જલ્દી ચલો, આ ઓપરેશનનો કમાન્ડ તમારેજ સંભાળવાનો છે."
તમામ મહિલાઓ અને બાળકોને એક રૂમમાં રાખવામાં આવ્યા અને એ રૂમ ની બહાર કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા. અમે સતત ગોળીબારનો અવાજ સાંભળી રહ્યા હતા. અક્ષયના પરિવારના દરેક લોકો માઁ, પાપા,નેહા(અક્ષયગિરીશ ની ટ્વીન સિસ્ટર) બધાંજ મારી સાથે whatsapp થી સતત સંપર્કમાં હતા. સવાર પડતાં જ અમને એક સુરક્ષિત સ્થાન પર લઇ જવામાં આવ્યા. - બપોર સુધી અક્ષયના કોઇ સમાચાર ન મળતાં મને ડર લાગવા લાગ્યો . સવારે 11.30 વાગે હું ખુદને રોકી ન શકી અને એક કોલ કરાવ્યો. - તેમની ટીમના એક મેમ્બરે ફોન ઉઠાવ્યો અને કહ્યું કે, " મેજર અક્ષય એક અલગ જગ્યા પર લડી રહ્યાં છે." સાંજે લગભગ 6.45 વાગે, તેમના કમાન્ડિંગ અને અન્ય કેટલાંક ઓફિસર્સ મને મળવા આવ્યા અને કહ્યું, “મેમ, આપણે અક્ષયને ગુમાવી દીધો. તેઓ સવારે લગભગ 8.30 વાગે શહીદ થયા હતા." આ સાંભળતાં જ મારી દુનિયા વિખરાઇ ગઇ. હું ત્યાંજ લાશની માફક ઢળી પડી.. હું વિચારી રહી હતી કે કાશ મેં તેમને એક વાર જતી વખતે આવજો કહીને ગળે લગાવ્યા હોત.!
કાશ મેં છેલ્લે તેમને કહ્યું હોત કે હું તમને ખૂબ પ્રેમ કરું છું.! પરંતુ, હું હંમેશાં કંઇ ખોટું થશે જ નહીં એવી આશામાંજ જીવતી હતી. હું ચીસો પાડીને બાળકની જેમ રડી રહી હતી, તૂટી ગઈ હતી, જાણે મારી આત્માને શરીરથી અલગ કરી નાખવામાં આવી હોય એ હદનું દર્દ થતું હતુઁ...એકવાર મને અક્ષય પાછો આપી દો હું એક છેલ્લી વાર એને ધરાઈને જોઈ લઉં..!કશુંજ સમજાતું નહતું અચાનકજ મારી આખી દુનિયા બદલાઈ ગઈ હતી..જાણેકે ખતમજ થઈ ગઈતી..! મારી ત્રણ વર્ષની દીકરી નૈના જે કશુંજ સમજી શકવા સક્ષમ નહતી તેપણ પોતાની કાલી ઘેલી ભાષામાં સતત પોતાનાં "પાપા" વિશે પૂછયાં કરતી હતી.. અક્ષય સાથે અન્ય સૈનિકો પણ શહીદ થયા હતા. જેમના કારણે જ બંધક બનેલી મહિલાઓ, બાળકો અને પુરુષોને છોડાવી શકાયા હતા.” શબ્દો નથી મારી લાગણી અને દુઃખ ને વર્ણવવા.!
- મને તેમની વર્દી, કપડા અને અન્ય તમામ ચીજો મળી ગઇ જે અમે એક વર્ષથી જાળવીને રાખી છે. મેં તેમનું રેજિમેન્ટ જેકેટ પણ નથી ધોયું અને જ્યારે મને તેમની બહુજ યાદ આવે છે, તો હું તેને પહેરી લઉ છું. જેમાં અત્યારે પણ અક્ષયની સુગંધ આવે છે..

11 મહિના થયા મને મારા અક્ષય સાથે વાત કરે! દુનિયા કોઈના વગર અટકતી નથી.અહીં અક્ષય વગર બધુંજ ચાલ્યા કરશે પણ મારી જિંદગી પહેલા જેવી ક્યારેય નઈ થઈ શકે, સમય ની સાથે ઘણી વસ્તુ બદલાઇ જશે.સમય ની સાથેજ અમે કદાચ હસતાં, રડતા અને જીવતા શીખી જઈશું પણ તોય અક્ષયની એ જગ્યા, એ એકલતા કદાચ કોઈ નઈ ભૂંસી શકે !અક્ષય દરેક સ્થિતિ માં પોઝિટીવ રહેતા અને અમને પણ એવીજ રીતે જીવવાનું કેહતા અને એટલેજ અમે એમની 12મી અને 13મીની વિધિ ના કરી, તેમની મોતના 7 દિવસ પછી બધાએ ભેગા મળીને તેમની જિંદગી માણવાનું નક્કી કર્યું, ઘર ની દરેક દીવાલો પર તમના ફોટા અને તેમની સાથે થયેલ whatsapp ચેટ ના ફોટા પાડી લગાવી દીધા, કોઈપણ પરિસ્થિતિ માં અક્ષય અહીં હોતતો એ કેવીરીતે વિચારત? શું રિએક્ટ કરત ? બસ એજ રીતે વિચારવા અને વર્તવા લાગ્યા સમજો કે અમારા દરેક વિચારો માં એમની સાથેજ જીવવા લાગ્યા.અમારી સાથે અક્ષય નથી,પણ આમારા છેલ્લા શ્વાસ સુધી અમે તેમણે જીવેલી 30 વર્ષ-11મહિના-7દિવસ ની જિંદગીને બસ માણતાજ રહીશું..જે દેશ , જે લોકો માટે તેમણે પોતાનું બલિદાન આપ્યું એલોકો એ દુનિયા કાયમ તેમને યાદ રાખશે ખરા ? આ દુનિયા કદાચ જાણતી પણ નઈ હોય કે મૅજર અક્ષય કોણ હતા? લોકો માટે એ ભુલાયેલું નામ થઈ જશે પણ અમારી આખી દુનિયા બસ આજ નામ ની આસપાસ વણાયેલી હતી અને કાયમ રહેશે.!
ક્યારેય વિચાર્યું નહતું કે તેમણે લખેલી આ લાઇન્સ (" if you feel alone,think of me. i don't promise I will be in front of you. but when you close your eyes, you will see me..! " ) આ હદે સાચી પડશે..
અક્ષય,તમે આપણી દીકરી નૈના માં કાયમ જીવતા રહેશો,હું ગમેં તેટલી મજબૂત થઈને જીવવાની કોશીશ કરું તોપણ નૈના ના ક્યારેક ઢગલો સવાલો અને તમારા વગરનું એનું ભવિષ્ય અને એનું ઘડતર આ બધાજ વિચારો ખૂબ ડરાવી મુકે છે..બાપ વગર ની દીકરીની જીંદગી એ પતિ વગર ની પત્નીની જિંદગી કરતાં સો ગણી વધારે કઠિન હોય છે..પણ આખરે તો હું એક ફૌજીની પત્ની રહી, ગમે તેવી તકલીફોમાં માં પણ તમારી ઈચ્છા મુજબ જ નૈના નો ઉછેર કરીશ અને મારી બાકીની જિંદગી જીવી જઈશ..આખરે એક દિવસ આપણે ફરી મળીએ ત્યારે હું તમને ગર્વ થી કહી શકું કે જુઓ અક્ષય, તમારા વગર પણ તમારા દરેક સપનાંઓ મેં પુરા કર્યાં..બસ જ્યાં હોવ ત્યાંથી હિંમત આપતા રહેજો જેથી હું તૂટી ના જઉં, ડગી ના જઉં, અને હારી ના જઉં...ઘણું કરવાનું છે અક્ષય પણ બધુંજ એકલા હાથે ! અક્ષય,એક દિવસ આપણે જરૂર મળીશું, જ્યારે અહીંની આ દુનિયામાં મારા દિવસો પૂરાં થઈ જશે ત્યારે ઉપરની કોઈક બીજી દુનિયામાં ફરીથી હું તમારી સાથે હોઈશ ઘણાં બધા સવાલો સાથે, તમારા વગર જીવાઈ રહેલી આ જિંદગીની ઘણી બધી ફરિયાદ સાથે...બસ એ દિવસ જલ્દી આવે! બસ બહુંજ જલ્દી આ દુનિયામાં મારા દિવસો પુરા થાય એજ આશા સાથે ક્યારેય ના પુરી થાય એવી તમારીજ રાહ જોતી તમારી સંગીતા...

લી.
સંગીતા અક્ષય ગિરીશ

મેજર અક્ષય ગિરીશ તો માત્ર એક વ્યક્તિ છે જેમનાં વિશે હું કૈક જાણું છું, ઓળખું છું આવતો કંઈ કેટલાય "unsung hero" હશે કે જેઓની જિંદગી કે તેમની કહાની કદાચ આપણી સામે ક્યારેય આવીજ નઇ હોય..ભુલાયેલા નામ ની જેમ ક્યાંય હાંસિયામાં ધકેલાઇ જતા હશે આપણાંજ જવાનો..!

અક્ષય ગિરીશ ની માતા મેઘના ગિરીશ, જેઓ પોતે ખૂબ સરસ લેખિકા છે. તેમની સાથે ક્યારેક ક્યારેક થતી વાતચીતને આધારે તેમના વિશે ઘણું જાણું છું.. "Connected with akshay" , "life after akshay" નામના બ્લોગ માં સમયાંતરે તેઓ પોતાની લાગણી ઠાલવતા રહે છે.

આજે મેજર અક્ષય ગિરીશને શહિદ થયે ત્રણ વર્ષ થયાં..નૈના માટે તેના "પાપા" આસમાનનો એ સિતારો છે જે " બેડ અંકલ સામે ફાઇટ કરતાં કરતાં સ્ટાર બની ગયાં"?

વધારે કાંઈ લખવા માટે શબ્દો નથી, આ કોઈ વાર્તા નથી,હકીકત છે..!
અને આવીરીતે તો કઈ કેટલાય જવાનોની જિંદગી બુઝાઈ ગઈ હશે.. last but not least "salute to Our unsung but brave heroes"

(સમાપ્ત)
આપના વીચાર જરૂરથી જણાવજો.
desaikirangi007@gmail.com