Devil Return-1.0 - 26 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 26

ડેવિલ રિટર્ન-1.0

(26)

પોતાની બહેનને બચાવવા રાજા નાં મહેલ પહોંચે છે..પણ ત્યાં રેહાના એની નજરો સામે આત્મહત્યા કરે છે..નાથનને પણ જિયાન અને નિકોલસ મળીને હત્યા કરી દે છે..જિયાન પોતાનાં ભાઈ બહેનો ની હત્યા કરે એ પહેલાં ક્રિસ બધાં ને બચાવી જંગલની તરફ પ્રયાણ કરે છે..એ લોકો એક ગુફામાં રાત્રી રોકાણ માટે પ્રવેશે છે..રાતે બધાં સૂતાં હોય છે ત્યારે એક બિહામણો વૃદ્ધ વ્યક્તિ ગુફામાં આવે છે..જેનું નામ વેન ઈવાન હોય છે..ક્રિસ ની વિતક સાંભળ્યાં બાદ વેન ઈવાન પોતાનાં વિશે જણાવવાનું શરૂ કરે છે.

ગુફામાં રહેતાં એ બિહામણા વ્યક્તિનો ભૂતકાળ શું હશે એ જાણવાની બેતાબી સાથે ક્રિસ અને એનાં ભાઈ-બહેનો એ પોતપોતાનાં કાન સરવા કર્યાં.

"મારો જન્મ આજથી 400 વર્ષ પહેલાં અહીંથી બસો કિલોમીટર આવેલાં કિલીઓ ગામમાં થયો હતો..જન્મ સમયે કોઈ ખામીનાં લીધે મારાં શરીર ની ત્વચા વિકૃત હતી..એટલી વાતમાં તો ગામલોકો એ જાહેર કરી દીધું કે મારી માતાની અંદર ડાકણ નો વાસ છે અને હું ડાકણ નું સંતાન છું..ગામલોકો ની આ ઉપજાવી કાઢેલી વાતનાં લીધે મારાં પરિવારજનો પણ મારી માં ને ડાકણ અને મને ડાકણનું સંતાન માનવા લાગ્યાં. પારકાં દ્વારા થતું અપમાન સહન કરવું શક્ય છે પણ જ્યારે વારંવાર તમારાં પોતાનાં જ તમને અપમાનિત કરે તો એથી ભૂંડું શું હોય..? "

"આમ છતાં મારાં પિતાજી નો થોડો ઘણો ટેકો હોવાથી મારી માતા એ લોકોનાં મહેણાં ટોણા ની પરવાહ કર્યાં વિના ખૂબ સારી રીતે મારો ઉછેર કર્યો.પણ કહ્યું છે ને કે જે તમારાં નસીબમાં લખ્યું હોય તો થઈને જ રહે છે..આવી જ એક મુશળધાર વરસાદની રાતે આવેલાં ભયંકર તોફાને મારી જીંદગી જ બદલી નાંખી.."

"એ રાતે મારાં પિતાજી ખેતરમાંથી ઘરે આવતાં હતાં ત્યારે એક વીજળી એમની ઉપર પડી જેમાં એ ભડથું થઈ ગયાં.એમની અકાળે આમ મોત થતાં મારાં અને મારી માં ઉપર મોટું દુઃખનું વાદળ ફાટી પડ્યું..હવે તો પરિવાર નાં અન્ય સભ્યો સતત મારી માતા ને પિતાજીને ભરખી જનારી ડાકણ કહીને સંબોધિત કરતાં.. અમારું મકાન અલગ હતું છતાં એ લોકો અમને આંખ માં કૂચતાં કણા ની માફક માનતાં હોય એવું વર્તન કરતાં."

"આ બધું સહન કરતાં કરતાં બીજાં ત્રણ વર્ષ વીતી ગયાં અને હું સાત વર્ષનો થઈ ગયો..ઉંમર ની સાથે મારો ચહેરો વધુ વિકૃત દેખાવા લાગ્યો હતો..કોઈ માં-બાપ પોતાનાં બાળકોને મારી જોડે રમવા મોકલવામાં પણ વાંધો ઉઠાવતાં..આટઆટલી ગંભીર પરિસ્થિતિ હોવાં છતાં મારી માં મારા માટે બધું જ સહન કરતી રહી."

"એક દિવસ ત્યારે હદ થઈ ગઈ જ્યારે અમારાં સગા-સંબંધીઓ એ ગામલોકો ને ઉકસાવી મને અને મારી માં ને જીવતાં જ સળગાવી મુકવાનો કારસો રચ્યો..જેની ભણક મારી માતા ને આવી જતાં એ મને લઈને ગામમાંથી ભાગી નીકળી..ક્યાં જવું એ ના સુઝતા એ મને લઈને અહીં જંગલમાં આવી ગઈ."

"અહીં જંગલમાં અમારી જોડે જે કંઈપણ બન્યું એને કરમની કઠીનાઈ ગણો કે પછી નસીબની બલિહારી..અહીં આવ્યાં નાં બે દિવસ બાદ મારી માતા ને એક ઝેરી સાપે ડંખ દીધો અને એ મારી નજરો સામે તડપી-તડપીને આ ગુફામાં જ મૃત્યુ પામી..હું રડતો રહ્યો..રડતો રહ્યો અને પછી ડૂસકાં લેતો લેતો મારી માતા નાં મૃતદેહ જોડે જ સુઈ ગયો.."

"ત્યારબાદ મારી સાથે શું થયું એ ઝાઝું તો મને યાદ નથી પણ જંગલની દેવીએ મારી માતા નાં અંતિમ સંસ્કાર કર્યાં હોવાનું મને થોડું ઘણું યાદ છે..હું ચાર દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો આ ગુફામાં જ પડ્યો રહ્યો..આખરે હું બેહોશ થઈ ગયો અને અંતિમ શ્વાસ લેવાં લાગ્યો.મારું મોત નજીક હોવાનું મને લાગતું હતું પણ મારે હજુએ ઘણું જીવવાનું હતું.."

"મારી બેહોશી પછી જ્યારે આંખ ખુલી ત્યારે મોટાં-મોટાં ચામાચીડિયા મારી આજુ-બાજુ ઉડી રહ્યાં હતાં..પહેલાં તો હું એ ચામાચીડિયાઓને જોઈને ડરી ગયો પણ જ્યારે એમાંથી એક ચામાચીડિયાએ પોતાનાં મોં માં રહેલી એક ચેરી મારાં આગળ ફેંકી એટલે મેં એ ચેરી ખાઈ લીધી..આ પછી તો બીજાં દરેક ચામાચીડિયા પોતાનાં મોં માં ભરાવેલ ખાવાનાં અલગ-અલગ ફળ મારી આગળ ફેંકતા રહ્યાં જેને હું ભૂખનાં લીધે સમજ્યાં વિચાર્યા વગર ખાતો રહ્યો."

"હવે મને ધીરે-ધીરે સમજાઈ રહ્યું હતું કે હું જ્યારે બેહોશ હતો ત્યારે કોઈનાં કોઈ રીતે એ ચામાચીડિયા દ્વારા મારું પોષણ થતું રહ્યું હોવું જોઈએ..અને એમનાં લીધે હું જીવિત રહી શક્યો.. મારો બધો જ ડર આ સાથે જ ખતમ થઈ ગયો અને મને એ ચામાચીડિયા પસંદ આવવાં લાગ્યાં."

"મારી દોસ્તી ધીરે-ધીરે એ ચામાચીડિયાઓ સાથે વધી રહી હતી..હું એમની સાથે જ ઘણી વાર મસ્તી કરતો તો ક્યારે એમની ભાષા સમજવાની કોશિશ કરતો..આમ ને આમ હું બાર વર્ષનો થઈ ગયો..એ ચામાચીડિયાઓ જ મારો પરિવાર બની ગયાં. ધીરે-ધીરે હું એમની ભાષા સમજવા લાગ્યો અને એમની જેમજ જીવન વ્યતિત કરવાં લાગ્યો..મતલબ કે દિવસે આરામ કરવો અને રાતે ભોજન ની શોધમાં નીકળવું.."

"એ બધાં જ ચામાચીડિયા રક્ત પીનારી પ્રજાતિનાં હતાં અને એમની લાળ ભળેલું ફળ અને અન્ય ખાવાનું ખાવાનાં લીધે મારી અંદર પણ એમનાં જેવી જ રક્ત પીવાની તલપ જાગવા લાગી..હું એમની માફક જ હવે નાનાં મોટાં પશુઓ પર હુમલો કરી એમનું લોહી પીવા લાગ્યો..મારી શક્તિ અને સ્ફૂર્તિ પણ આ સાથે ઘણી વધી ગઈ હોવાનું હું અનુભવી રહ્યો હતો."

"મારે મોં ની બંને બાજુએ નવાં બે ધારદાર દાંત અંકુરિત થયાં..અને હાથ-પગનાં નહોર પણ ઘણી ઝડપથી વધવા લાગ્યાં.. મેં ધીરે-ધીરે એક વેમ્પાયર ની માફક જીવવાનું કબૂલી લીધું હતું..મને સાચું કહું તો એમાં આનંદ પણ આવવાં લાગ્યો હતો..કોઈ ની પરવાહ કર્યાં વિનાની આ જીંદગી મને મજેદાર લાગી રહી હતી."

"દુનિયાની પરવાહ કર્યાં વગર જીવવાનું તો મેં નક્કી કરી લીધું હતું પણ આમ છતાં કંઈક હતું જે મને અંદરોઅંદર પજવી રહ્યું હતું..અને એ વસ્તુ હતી મારાં મનમાં ધરબી રહેલી બદલાની આગ.. મારાં સગાં-સંબંધીઓ અને ગામલોકો નાં લીધે મારી માતા અને મારે જે પીડાદાયક જીંદગી પસાર કરવી પડી રહી હતી એ માટે જવાબદાર લોકોને હું યોગ્ય સજા નહીં આપું ત્યાં સુધી મને ચેન નહીં આવે એવું લાગતાં મેં ગામલોકો સાથે બદલો લેવાનું અને બધો જૂનો હિસાબ ચૂકતો કરી લેવાનું મન બનાવી લીધું."

"એક દિવસ અમાસની રાત હતી અને થોડો-ઘણો વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હું મારી સાથે હજારો લોહી પીનારાં ચામાચીડિયાની ફૌજ સાથે ગામલોકો ઉપર તૂટી પડ્યો..એ રાતે અમે મળીને એ બધાં જ લોકોને મોત ને ઘાટ ઉતારી દીધાં જેનાં લીધે મારે અસહ્ય પીડાઓ ભોગવવાનો વખત આવ્યો હતો."

"આ દરમિયાન મને મારી જોડે રહેલી એક અન્ય શક્તિ વિશે પણ જાણ થઈ..જે હતી મારાં ઘા આપમેળે ભરવાની શક્તિ..હું અંધારામાં સ્પષ્ટ જોઈ શકતો હતો..અને ગમે તેવી સ્થિતિમાં નાનામાં નાનો અવાજ પણ સાંભળી શકતો..ગામલોકોની સાથે મારાં પરિવારનાં સભ્યોની હત્યા બાદ જ્યારે મેં એમનું લોહી પીધું ત્યારે મારાં મનમાં સળગી રહેલી બદલાની આગ શાંત થઈ."

"મારો બદલો તો પૂરો થઈ ગયો પણ મને ત્યારબાદ વારંવાર મનુષ્યનું લોહી પીવાની તલપ જાગતી..જે પુરી કરવાં હું આજુબાજુ નાં ગામોમાં જઈને માસુમ મનુષ્યોની હત્યા કરવાં લાગ્યો..મારાં દ્વારા કારણ વગર મનુષ્યોની હત્યા કરવું મારી મદદ કરનારાં વેમ્પાયર્સ ને ગમ્યું નહીં અને એ બધાં ગુફા છોડીને મને એકલો મૂકી અહીંથી નીકળી ગયાં."

"હું ઘણી કોશિશો કરતો કે હું મનુષ્યો ની હત્યા ના કરું..પણ લોહી પીવાની તલબ મારાં હાથ-પગ માં ધ્રુજારી પેદા કરતી અને ના-છૂટકે મારે મનુષ્યો નું લોહી પીવાં એમની હત્યા કરવી પડતી..આ જંગલમાંથી હવે કોઈ મનુષ્ય રાત્રી દરમિયાન પસાર પણ નહોતું થતું..આમ ને આમ બીજાં ચારસો વર્ષ વીતી ગયાં અને હું મોત ની રાહ જોતો જોતો અહીં મારી વધેલી જીંદગી પસાર કરી રહ્યો છું.."

"છેલ્લાં ઘણાં દિવસથી મેં કોઈનું લોહી નથી પીધું એટલે હું શારીરિક રીતે અશક્ત બની ગયો છું અને મારી તરફ આગળ વધતી મોતની વાટ જોઈ રહ્યો છું..પણ આજે તમને જોતાં જ મારી લોહી પીવાની તલપ ફરી જાગૃત બની ગઈ..હું આ દુશ્વાર બની ચુકેલી મારી આ જીંદગી વહેલી તકે પૂર્ણ થાય એવું કુદરત જોડે માંગુ છું.."આટલું બોલતાં જ વેન ઈવાન નામનાં એ વૃદ્ધ થઈ ચુકેલાં વેમ્પાયરે પોતાની વિતક પૂર્ણ કરી.

વેન ઈવાન ની વાત સાંભળતાં જ ક્રિસ વિસ્મય સાથે બોલ્યો.

"તો વેમ્પાયર કિંગ વેન ઈવાન તમે જ છો..તો લોકો જે તમારાં વિશે કહે છે એ કોઈ કહાની નથી પણ સત્ય છે..? "

"હા હું જ છું એ વેન ઈવાન જે પોતે એ ગુનાની સજા ભોગવી રહ્યો છે જે માટે હકીકતમાં જવાબદાર એ પોતે નથી..હજારો લોકોની હત્યાનું પાપ લઈને જીવવું હવે મારાં માટે શક્ય નથી..હું ઈચ્છું છું કે મારી મોત કોઈક નાં માટે કંઈક સારું કરતી જાય.."લાગણીસભર સુરમાં વેન ઈવાન બોલ્યો.

"તમારી સાથે બહુ ખોટું થયું હતું..તમારી માફક અમારી સાથે પણ અન્યાય જ થયો છે એટલે અમે તમારી મનોવ્યથા સમજી શકીએ છીએ.."ઈવે દયાનાં ભાવ સાથે વેન ઈવાનને ઉદ્દેશતાં કહ્યું.

"તમે લોકો નિરાંતે સુઈ જાઓ..હું તમારાં લોકોની રક્ષા કરીશ..તમને હવે કંઈપણ નહીં થવા દઉં.."ક્રિસ અને એનાં બધાં ભાઈ-બહેનો ને ઉદ્દેશીને વેન ઈવાન બોલ્યો.

વેન ઈવાન નાં અવાજમાં સચ્ચાઈ નો રણકાર હતો જે સાંભળી ક્રિસે પોતાનાં ભાઈ-બહેનો ને સુવા માટે કહ્યું..ક્રિસ નાં કહેતાં જ એ બધાં પુનઃ સુઈ ગયાં..એ બધાં તો સુઈ ગયાં પણ વેન ઈવાન ની વાતો સાંભળી ક્રિસ નાં મનમાં અમુક સવાલો હતાં જેનાં જવાબ મેળવવાનાં હેતુથી ક્રિસે વેમ્પાયર કિંગ વેન ઈવાન સાથે બેસીને વાતો કરતાં-કરતાં રાત પસાર કરવાનું નક્કી કર્યું.

"તો ક્રિસ હવે આગળ શું વિચાર્યું છે..આ તારાં ફૂલ જેવાં ભાઈ-બહેનો ને લઈને ક્યાં-ક્યાં ભટકતો ફરીશ..? "વેન ઈવાને ક્રિસ ને સવાલ કરતાં કહ્યું.

"આગળ શું કરીશ એ વિશે તો કંઈ વિચાર્યું નથી..પણ હું એક મોટાભાઈ તરીકેની મારી બધી જ જવાબદારીઓ કોઈપણ ભોગે પુરી કરવાં ઈચ્છું છું.."ક્રિસ ત્યાં પ્રગટાવેલી આગ ની અંદર સૂકાં લાકડાં ગોઠવતાં બોલ્યો.

"તું ખરેખર એક ઉમદા વ્યક્તિ છે..તારાં માતા-પિતાએ આપેલાં સંસ્કારોનું આ પરિણામ છે.."વેન ઈવાન બોલ્યો.

વેન ઈવાન નાં મોંઢે પોતાનાં માતા-પિતાનો ઉલ્લેખ થતાં ક્રિસની નજરો આગળ પોતાની માં નતાલી અને પિતા નાથનનો ચહેરો તરવરી ઉઠ્યો અને એનાં ચહેરા પર ગંભીર મુખમુદ્રા ઉપસી આવી.

"ક્રિસ..મને લાગે છે તું મને કંઈક પુછવા માંગે છે..? "ક્રિસ નાં ચહેરા તરફ જોઈ વેન ઈવાન બોલ્યો.

વેન ઈવાન નો આ સવાલ સાંભળતાં જ ક્રિસ મનમાં ધરબી રાખેલો સવાલ પૂછતાં બોલ્યો.

"શું હું તમારાં જેવી શક્તિઓ ના મેળવી શકું..? "

ક્રિસ નો આ સવાલ સાંભળતાં જ વેન ઈવાન નાં ચહેરા પરનાં ભાવ બદલાઈ ગયાં.. એ એકધાર્યું ક્રિસ ની તરફ જોઈ રહ્યો..થોડો સમયની ચુપ્પી બાદ વેન ઈવાને ક્રિસને સવાલ કર્યો.

"તારી શું જરૂર છે મારી જોડે રહેલી આ શક્તિઓની..? "

"હું બદલો લેવાં માંગુ છું કિંગ નિકોલસ અને એનાં અન્યાયી પુત્ર જિયાન જોડે.મારાં માં-બાપ ની હત્યા, મારી ફોઈ જોડે કરેલાં દુર્વ્યવહાર અને મારાં ભાઈ-બહેનો ની હત્યાનો પ્રયાસ કરવાનાં ગુનાની એ બંને ને સજા આપવાં માંગુ છું.."ક્રિસ પોતાને પુછાયેલાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

આ સમયે વેન ઈવાને ક્રિસની આંખોમાં ત્યાં પ્રગટી રહેલી આગનું પ્રતિબિંબ જોયું..જે ક્રિસ નાં હૃદયમાં લાગેલી બદલાની આગ ને દર્શાવતું હોય એવું વેન ઈવાન ને લાગ્યું..!!

★★★

વધુ આવતાં અંકમાં.

વેન ઈવાન ક્રિસ ની મદદ કરશે..? ક્રિસ જિયાન અને નિકોલસ જોડે બદલો લઈ શકશે..? ક્રિસ અને એનાં ભાઈ-બહેનો વેમ્પાયર કઈ રીતે બન્યાં..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)