Anhad - 14 books and stories free download online pdf in Gujarati

અનહદ.. - (14)

"પાગલ છે આ છોકરી કોણ સમજાવે તેને, હવે અડધી રાતે ક્યાં શોધવા જવું તેને."
વિચારતો વિચારતો ઝડપથી દરવાજા તરફ ભાગ્યો. પણ તે દરવાજે પહોંચે એ પહેલાં તો "ટીંગ ટોન્ગ" કરતી ડોર બેલ વાગી, બેલ નો અવાજ સાંભળતાં જ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો !
કેમકે, દરવાજો ખોલ્યા વગર જ તે સમજી ગયો કે ત્યાં કોણ હશે!

"તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? આવી રીતે કોઈ નીકળી પડતું હશે ઘરેથી!"
મિતેશ દરવાજો ખોલતાં ની વેંત આશા પર વરસી જ પડ્યો.

તે એકદમ લુચ્ચું હસી રહી હતી, "શું... હું... અંદર આવું?" કહેતી આગળ ડગલું ભર્યું પણ તેનાથી ચાલી શકાયું નહીં અને લથડી પડી, મિતેશે તેને પડતાં બચાવવા પોતાની બાથમાં લીધી, "થેન્ક યુ'' કહેતાં પોતાનું બધું વજન મિતેશ પર નાખી દીધું, તે આશાને ઊંચકીને ઘરમાં લાવ્યો અને સોફા પર બેસાડી.
"મિ...તું..., પપ્પાને સમજાવ ને, મને પરેશાન કરે છે, મારે લગન નથી કરવાં, તમે બધાય મારી પાછળ કેમ પડ્યા છો." બોલતી બોલતી સોફા પર પગ ચઢાવી સુઈ ગઈ.
મિતેશને સમજતાં વાર ન લાગી કે એ ખૂબ પીધેલી હાલતમાં છે.
મિતેશે તેના ઘરે ફોન કરી સમાચાર આપ્યા કે તે પોતાના ઘરે આવી ગઈ છે, તેની હાલત વિશે જણાવી તેના મમ્મી ને દુઃખી કરવા નહોતો માંગતો. તેના માતાપિતા પણ જાણતાં હતા કે મેતેશ સાથે હોઈ પછી ચિંતાનું કોઈ કારણ જ ન રહે.

એક વાર આશાને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ તે ન ઉઠી.
આશાને ઉઠાવી, બેડ પર સુવડાવી અને થોડી વાર તેને ગુસ્સાથી જોતો રહ્યો, તેંના મોં માંથી શરાબની એકદમ ગંદી વાસ આવી રહી હતી, ભીના કપડાંથી તેનો ચહેરો સાફ કર્યો, કપડાં પણ અસ્તવ્યસ્ત હતાં તેને વ્યવસ્થિત કર્યાં અને તેને ઓઢાડી પોતે સોફા પર જઇ લંબાયો, વિચારતાં વિચારતાં ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ન પડી.

સવારના સૂર્યનો ઠંડો પ્રકાશ બારી વાટે સીધો તેના ચહેરા પર પડતો હતો, અને તેને એકદમ સોનેરી રંગે ચમકાવી રહયો હતો.
રાત્રે જે નશાની હાલતમાં આવેલી અને અપશબ્દો કહેવાનું મન થતું હતું એ જ આશાને જોતાં અત્યારે મિતેશ ના દિલમાં પ્રેમનો મીઠો ભાવ ઉત્પન્ન થયો. સારી વાર સુધી જોતો જ રહ્યો તેની સામે.

તેની પાસે જઇ તેના ગાલ પર એક હળવું ચુંબન કરી તેના કાન પાસે હળવેકથી બોલ્યો, "ગુડ મોર્નિંગ આશુ, આઇ લવ યુ!"
આશા ઊંઘમાંજ થોડી સરવળી, મિતેશ ત્યાંથી ખસી ગયો.

થોડી વાર પછી ચા નાસ્તો બનાવી તે આશા પાસે આવ્યો, આશા જાગી રહેલી પણ મિતેશને આવતો જોઈ આંખો બંધ કરી સૂતી હોવાનો ઢોંગ કરવા લાગી, પણ મિતેશ એ જાણી ગયો. ટેબલ પર ચા-નાસ્તા ની પ્લેટ મુકતાં કહેવા લાગ્યો,
"એ કુંભકર્ણની નાની, હવે તો ઉઠ નવ વાગ્યા, મારે ઓફીસ જવાનું છે, મોડું થશે તો નોકરી હાથથી જશે, તું ઓળખતી નથી મારી બોસ ને, એકદમ ખડૂસ છે.!"

"એ...ઇ..., ખડૂસ કોને કહેસ" કહેતાં તે ઉભી થઇ અને મિતેશનો કાન મરોડયો.
"છોડ નલાએક, એકતો આખી રાત બગાડી મારી, હવે કાન તોડીસ કે શું!", કહેતાં પોતાનો કાન છોડાવી તેને આશ્લેષ માં લીધી.

"તારી પાસે તો મોકો હતો તારી રાત સુધારવાનો, તેં મોકાનો ફાયદો ન ઉઠાવ્યો તો મારો શું દોષ!" કહી મિતેશના ખભે હળવેકથી બચકું ભર્યું.
મિતેશ તેને પોતાનાથી દૂર કરતાં બોલ્યો, "તને હું એવો લાગું છું?" તેના મોં પર ગુસ્સાનો ભાવ જોઈ આશા થોડી ડરી ગઈ, તેને ગોવા વાળી થપ્પડ યાદ આવી ગઈ!
"મેડમ તમારામાં અને મારામાં એટલો તો ફરક છે, એક વખત એ ભૂલ થઇ ગઈ, બીજી વાર ન થાય, કોઈની બેહોશી નો ફાયદો ઉઠાવાનું કામ તારું, મારુ નહીં. મને તો જે મળે હોંશ માં મળે તો ઠીક બાકી ન જોંઈએ." તેને ગુસ્સામાં બોલતો સાંભળી આશાના તો મોતિયા મરી ગયા પણ વાત ને વાળતાં તે કહેવા લાગી, "સોરી મિતેશ, તું તો સિરિયસ થઈ ગયો, હું તો માત્ર મજાક કરતી હતી.
"મજાક! તને આ બધું મજાક લાગે છે? આંટી રડતાં હતાં ફોન પર, આવી રીતે ઘરે થી કશું બોલ્યા વગર જુવાન દીકરી જતી રહે એ માતા પર શું વીત્યું હોઈ, કંઈ અંદાજ છે તને! મજાક ની કથા કરે છે! કહેતાં એક લાંબો શ્વાસ છોડ્યો.
આશા સમસમી ગઈ તેનો ગુસ્સો જોઇને.

"ચાલ" કહી તેને બેસાડી કહેવા લાગ્યો, "આજે તો નક્કી જ થઈ જાય કે તારે શું કરવું છે!, યા તો મારી સાથે લગ્ન કરીલે નહીં તો મારો પીછો છોડી દે."

"ના, લગ્ન પણ નથી કરવા અને તારો પીછો તો જિંદગીભર નહીં છોડું, બોલ શું કરશે તું? આજે થપ્પડ નહીં મારે! અને હવે તો હું ક્યાંય જવાની પણ નથી અહીં જ રહેવું છે."કહી તે બેડ પર સુઈ ગઈ.

મિતેશ તેની સામે જોતો જ રહી ગયો, તેનો ગુસ્સો વધી રહ્યો હતો.

"ઓકે, ફાઇન." કહી તેનું બાવડું પકડી ઉઠાવી અને ખેંચીને ચાલવા લાગ્યો. આશા 'ના ના', 'નથી જવું નથી જવું' કહેતી રહી પણ પાછું વાળી જુએ કોણ.
ગાડી સીધી તેનાં ઘર પાસે ઉભી રહી.

આશાને જેમતેમ સમજાવી તેના ઘેર છોડી ઓફિસે આવ્યો, પણ કામ માં તેનું મન નહોતું લાગતું, વારે વારે આશાના ટેબલ સામે જોઈ એક જ વિચાર આવ્યા કરતો કે આગળ શું થશે.


**** ક્રમશઃ ****


નોંધ:- આ વાર્તાના તમામ પાત્ર અને ઘટનાઓ કાલ્પનિક છે.

© ભાવેશ પરમાર


*** આભાર ***