dushman - 4 books and stories free download online pdf in Gujarati

દુશ્મન - 4

દુશ્મન

પ્રકરણ – 4

આજે અમે નવી સ્કૂલમાં આવ્યા છીએ. વાહ, મસ્ત જગ્યા છે, મને તો મજા જ પડી ગઈ. મોટ્ટુ પ્લેગ્રાઉન્ડ રમવા માટે છે, અવનવી જાતની લપસણીઓ, અને જાતભાતનાં રમતગમતનાં સાધનો મેદાનમાં મૂક્યાં છે. હું તો અહીં રમ્યા જ કરીશ! હવે તો મમ્મી-પપ્પાને પણ હું અહીં શું કરીશ એ ખબર પણ નહીં પડે! પ્રિન્સીપાલ સાહેબે મારૂં નામ પૂછ્યું, મેં ચહેરા પર ભોળપણ લાવી મારૂં નામ આશુ બતાવ્યું. એમણે પપ્પાને કઈંક કહ્યું અને મને આસ્થાડી સાથે બહાર રમવા મોકલી આપ્યો, થોડીવારમાં પપ્પા મમ્મી સાથે બહાર આવ્યાં, અમને બંનેને ગાડીમાં બેસાડ્યા, “ આશુ, બે દિવસ પછી તારે અહીં આવવાનું છે, તારૂં એડમીશન થઈ ગયું.”

“ઓહ વાઉ, મને તો આજે જ અહીં રહેવાનું મન છે, હું રોકાઈ જાઉં?” પપ્પા હસી પડ્યા, “ અરે બેટું, આ બે દિવસમાં આપણે તારા માટે કપડા લેવા પડશે, તારો બધો સામાન લેવો પડશે, તું અહીં રહેશે તો તારા માપ વિના અમે તારા કપડા કેવી રીતે લઈશું?” ‘ઓકે’ કહી હું આસ્થાડી સાથે રમવા લાગી ગયો.

~~~~~~~~~~~~~~~~~~~

આજે તો પોતે જ ઊઠી પણ ગયો, નવી સ્કૂલે જવાનું છે ને! કાલથી નાહવાનું પણ પોતે જ છે એટલે આજથી જ મમ્મીને કહી દીધું કે “મમ્મી.. મમ્મી, ત્યાં તો મારે પોતે જ નાહવાનું છે ને તો આજે પણ હું પોતે જ નાહી લઈશ.” મમ્મીએ એક મીઠું સ્માઈલ આપ્યું, મને પાસે ખેંચીને બચી કરી, અને બોલી, “ઓહહો, માય ડિયર, મોટો થઈ ગયો મારો દીકરો! હું ત્યાં જઈશ તો મને મમ્મીનું આ જ વહાલ યાદ આવશે, બીજું કંઈ નહીં યાદ આવે કદાચ! હું નાહી ધોઈને રેડી થયો એટલી વારમાં મમ્મીએ આસ્થાને પણ તૈયાર કરી દીધી, એ પણ મને ડ્રોપ કરવા માટે આવવાની છે, પપ્પા હજી સૂતા છે, મમ્મી બાથરૂમમાં જતી વખતે મને પપ્પાને ઉઠાડવાનું અઘરૂં કામ સોંપી ગઈ! તમને ખબર? મારા પપ્પાની ઊંઘ ખૂબ જ ડેન્જર છે, એકવાર સૂઈ જાય પછી ઢોલ વગાડો તો પણ ન ઉઠે! વેલ, મેં એમને ઉઠાડવાની ચેલેન્જ લઈ લીધી, એનું કારણ હતું, એ મોડા ઉઠશે તો મને નવી સ્કૂલ પહોંચવામાં મોડું થશે! એમનાં કાનમાં બે-ચાર વાર “પપ્પા.. પપ્પા” ની બૂમ પાડી, પરંતુ મને લાગે છે કે સૂતી વખતે પપ્પાનાં કાન પર લૉક લાગી જતું હશે! એમના પેટમાં ગલગલિયા કરવાનો એક ઉપાય છે મારી પાસે, પણ મને બીક લાગે છે કારણ કે એક વાર સન્ડેનાં દિવસે સવારે એમને ઉઠાડતો હતો, ત્યારે પેટમાં ગલગલિયા કર્યા તો જબરા ખિજાઈ ગયાં હતાં, પરંતુ આજે એ કરવું જ પડે તેમ હતું! થોડીવાર ગલગલિયા કર્યા તો પપ્પાએ જરા આંખ ખોલી, હું ગભરાઈને બોલ્યો, “પપ્પા, મારી નવી સ્કૂલમાં જવાનું છે, જલ્દી ઊઠો.”

પપ્પાએ મને બાથમાં ભર્યો અને વળગાડીને એકદમ ભીંસી જ નાંખ્યો, અને ઊંઘમાં જ બબડાટ કરવા લાગ્યાં, “ઓ માય બેટું, આઈ વીલ મીસ યું! મને નવાઈ લાગી, આજે કેમ બધું અજુગતું થઈ રહ્યું છે, હું ઘર છોડીને દૂર જવા માંગુ છું ત્યારે પપ્પા અને મમ્મીને કેમ આટલું બધું વહાલ આવે છે મારી પર? નહીંતર કાયમ આસ્થાડીની પાછળ જ પડ્યા હોય બંને જણ! ગમે તેમ કરી પપ્પા પાસેથી નીકળી હું આસ્થાડી પાસે ગયો, એને પણ હવે પગ ફૂટ્યા હતાં, ચાલતી હતી અને પડતી પણ હતી! એની પાસે ગયો તો એ પણ મને વળગી પડી! સાલું આજે કંઈ ગજબ જ થઈ રહ્યું છે! દુશ્મન દોસ્તી કરવા માંગે છે પણ હું અહીં રહેવાનો જ કયાં છું કે, એની સાથે દોસ્તી કરૂં? મેં નામ પૂરતું એને વહાલ કર્યું, એને રમકડાં પાસે લઈ ગયો, એની બોબડી ભાષામાં એની સાથે રમવા લાગ્યો. થોડીવાર પછી અચાનક મેં કિચનના દરવાજા પાસે જોયું તો કિચનમાંથી મમ્મી મને એકધારી જોઈ રહી છે, અને પપ્પા જૂના રૂમના દરવાજા પાસે ઉભા રહી અમને બંનેને જોઈ સ્માઈલ કરી રહ્યાં છે! મને આશ્ચર્ય થાય છે કે આ લોકો કેમ આજે આ રીતે મને જોઈ રહ્યાં છે? હું શરમાઈને રમવાનો ઢોંગ કરવા લાગ્યો તો પપ્પા જોરથી હસી પડ્યાં અને મમ્મીએ પાસે આવીને મને વળગીને બચી કરી અને બોલી, “ચાલો બંને, લેટ થઈ ગયું છે, રમકડાં મૂકી દો હવે.” હું ફટાક દઈને ઊભો થઈ ગયો, પપ્પાએ કારની ડીકીમાં બધો સામાન મૂક્યો, મમ્મીએ આસ્થાને ઊંચકી અને અમે નવી સ્કૂલ જવા માટે નીકળ્યા.

રસ્તામાં એક હોટેલમાં થોડો ચા-નાસ્તો કર્યો, વેફર- બિસ્કિટ લીધાં, આ પપ્પાને ચા વગર ચાલે જ નહીં! મમ્મીએ આસ્થાની નેપી ચેન્જ કરી, એ દુશ્મનની આ બહુ મોટી મગજમારી છે, જ્યાં હોય ત્યાં નેપી પલાળીને બેસી જાય છે! ત્યાંથી નીકળી ફરી અમે સ્કૂલનાં રસ્તે પડ્યા, બપોર થવા આવી ત્યારે અમે ત્યાં પહોંચ્યાં, આ પેલી દુશ્મનનાં કારણે બહુ મોડું થઈ ગયું! થોડા જલ્દી આવી ગયા હોત તો ગાર્ડનમાં રમવાનો થોડો ટાઈમ મળી જાત! હવે બપોરના આ તડકામાં શું રમવાનું?

~~~~~~~~~~~~~~~~~~~~

પ્રિન્સીપાલ સરની ઓફિસમાં અમારાં આવવાની જાણ કરી, એક પ્યૂનકાકા અમને મારા સૂવાના રૂમમાં લઈ ગયાં, સામાન મૂકીને પપ્પા-મમ્મી રૂમના ચારેય ખૂણા જોઈ વળ્યાં, મને તો મારો રૂમ જોરદાર લાગ્યો, છ – છ ડબલ બેડ! વાહ, મજા પડી જશે. ડબલબેડ એટલે એક છોકરો ઉપર અને એક છોકરો નીચે સૂવે એમ! મતલબ અમે બાર છોકરાં એક જ રૂમમાં. વાઉ.. ઘરે નવા રૂમમાં એકલા સૂવાનો જે કંટાળો આવતો હતો તે તો હવે ગાયબ થઈ જવાનો! અહીં તો સવારે ઉઠવાથી લઈ રાતે સૂવા સુધી મજા જ મજા! ટોયલેટ-બાથરૂમ પણ ઓકે છે, મમ્મીએ પણ ચેક કર્યું. મારી સૂટકેસ અને બીજો સામાન બરાબર મૂકીને પ્યૂનકાકા અમને મારા ક્લાસરૂમ સુધી મૂકી ગયાં, હવે મારે ભણવા બેસવાનું છે અને મમ્મી, પપ્પા અને આસ્થા ઘરે જશે. “તને હવે બે મહિના પછી રજા મળશે, કંઈ કામ હોય કે અમારી સાથે વાત કરવાનું મન થાય તો પ્રિન્સીપાલ સરને કહેજે, તેઓ ફોન પર વાત કરાવી દેશે.” પપ્પાએ કહેતાં મને એક બચી કરી. ‘મને અહીંયા એટલી મજા આવવાની છે કે તમારી સાથે વાત કરવાનું મન જ નહીં થાય’ હું મનમાં બોલતા બોલતા હસ્યો! મમ્મીએ આસ્થાને પપ્પાને પકડાવી અને મને ગળે વળગી ફરીથી શિખામણો આપવા માંડી! ડાહ્યો બનીને રહેજે, તોફાન ન કરતો વગેરે- વગેરે! હું હા-હા કરતો રહ્યો! મારા બંને ગાલ પર બચી કરીને મમ્મી ઊભી થઈ, મને એવું લાગ્યું કે જયારે મમ્મી મને વળગેલી હતી ત્યારે રડતી હતી, પરંતુ હવે એ ફિક્કું સ્માઈલ કરી રહી છે! છોડો, કંઈ વાંધો નહીં, ઘરે પહોંચતા જ એ મને ભૂલી જશે અને હું એ ત્રણેયને! હું પણ આસ્થાને ખોટું ખોટું વહાલ કરીને કલાસ તરફ જવા લાગ્યો, અંદર જતા પહેલાં મેં એ લોકો તરફ ફરીને જોયું તો ખરેખર મમ્મી રડતી હતી! મને જોઈને એણે હાથ હલાવીને રૂમાલથી મોં સંતાડી લીધું, હું પણ ફરીને ક્લાસમાં ભરાઈ ગયો!

~~~~~~~~~~~~~

દસ દિવસમાં મને એવું લાગે છે, જાણે હું દસ વરસ મોટો થઈ ગયો હોઉં! હા દોસ્તો, મારી બધી ધારણાઓ ખોટી પડી, હોસ્ટેલમાં રહીને જે મસ્તી કરવાનું અને રમત રમવાનું મેં સોચ્યું હતું, તે ક્યાંય ગાયબ થઈ ગયું હતું! મારા રૂમનાં છોકરા એ છોકરા નહીં, સાલા કૂતરા છે! દસ દિવસમાં શું નથી કર્યું એ લોકોએ મારી સાથે, અરે એ લોકોની બધી વાત માનું છું તો પણ શાંતિથી સૂવા નથી દેતા! નોકરની જેમ બધું કામ કરી આપું છું, સાલાઓ તો મને મારે પણ છે! ત્યાં જૂની સ્કૂલમાં તો હું બધાને મારી લેતો, પણ આ લોકોને કઈ રીતે મારુ? હું રહ્યો આઠ-નવ વરસનો, એ બધા મારાથી મોટા અને તાકાત વાળા છે! એક જ મારા જેટલો છે, તે પણ બહુ હરામી છે! એ ટેણિયાએ જ ક્લાસમાં મને હેરાન કરવાનું સ્ટાર્ટ કર્યું હતું, હું અહીં લડવા માગતો નહોતો, પરંતુ એ છેડખાની કરવાનું મૂકતો નહોતો, છેવટે કંટાળીને મેં એને ધક્કો માર્યો, એ પડ્યો અને એનાં માથામાં બેન્ચનો ખૂણો વાગ્યો! વાગ્યું પણ કંઈ જોરથી નહોતું. બસ ફક્ત ટચ થયું હતું, પણ એ ટેણિયો તો રૂમમાં આવીને મને હેરાન કરવા માંડ્યો, એને જોઈને બીજા બધા પણ ચાલુ થઈ ગયાં! સૂટકેસમાંથી કપડા કાઢી બેડ પર મૂકીને બાથરૂમમાં ફક્ત બે મિનિટ માટે જતો, એટલી વારમાં કપડા સંતાડી દેતા! કપડાં બાથરૂમમાં લઈ જાઉં તો બહારથી દરવાજો બંધ કરી દેતા! એ બધા ભેગા થઈને રમતા, હું દૂર બેસીને જોયા કરતો! હું રડવા નથી માગતો પણ વારેઘડીએ રડવું આવી જાય છે, આ બધાની વચ્ચે હું એકલો પડી ગયો છું. ઘરે મમ્મી જમવાની થાળી લઈ મારી આગળ પાછળ દોડતી, અહીંયા આ કૂતરાઓ થાળી ખેંચીને જમવાનું લઈ લે છે, કોઈક વાર તો પોતે પણ નથી ખાતાં, ખબર નહીં કેમ, મારૂં ખાવાનું ફેંકીને એ લોકોને શું મળે છે? અરે મમ્મી-પપ્પાને યાદ કરીને શાંતિથી રડવા પણ નથી દેતાં, બ્લેન્કેટમાં ભરાઈને રડું છું તો બ્લેન્કેટ ખેંચી કાઢે અને બધા એકીસાથે હાહાહીહી કરી ચીડવવા લાગે, “ એ જુઓ, નાનું બેબી રડે છે!”

“ એય ચમન, દૂધની બોટલ લાવને યાર!”

“ મારૂં લાલુ, નેપી બદલાઈ દઉં હોં, ના રડે મારૂં ગલૂડિયું!”

ઉફ્ફ.. શું કરૂં હું? કંઈ સમજ નથી પડતી! આખરે કંટાળીને મેં સુપરવાઈઝર સરને ફરિયાદ કરી, એમણે રિતેશ નામનાં એક છોકરાને બીજા રૂમમાં મોકલાવ્યો અને તે રૂમના લીડર નિમેષને મારા રૂમમાં શિફ્ટ કર્યો. મારા દેખતા જ નિમેષને એમણે મને લગતી અને મને સાચવવાની સૂચનાઓ આપી. સુપરવાઈઝર સરના ગયા પછી નિમેષે રૂમમાં ફરીને બધું જોયું, બીજા છોકરાઓ સામે તુમાખીથી જોયું, મારી સામે જોઈ બોલ્યો, “ તું ટેંશન ન લે, પોપટ! હવે હું બેઠો છું, કોઈ તને હેરાન નહીં કરે. હા.. હા.. હા” કહેતાં એણે મારી ચડ્ડી ઉતારી નાંખી!

~ક્રમશઃ

મિત્રો, અગિયાર પ્રકરણની આ લઘુનવલ વાંચી આપનો મૂલ્યવાન પ્રતિભાવ મને જરૂરથી જણાવશો.

E-mail - fittersolly000@gmail.com
Call - 8200267858
Whatsapp - 9909652477
Share

NEW REALESED