Dushman - 8 books and stories free download online pdf in Gujarati

દુશ્મન - 8


પ્રકરણ - 8

હું અને મારો રૂમ. એક રીતે મેં જ આ ગોઠવણ નક્કી કરી લીધી છે, એમાં ન તો મમ્મી-પપ્પા દખલ કરે છે કે ન આસ્થા! હોસ્ટેલથી આવ્યા પછી તરત જ મેં મારો નવો રૂમ પકડી લીધો હતો. અત્યારે વેકેશન ચાલુ છે છતા પણ હું ભાગ્યે જ રૂમની બહાર નીકળું છું. જમવા માટે મમ્મી બોલાવે તો પણ હું કંઈક ને કંઈક બહાનું કાઢી મોડો પહોંચુ, એટલી વારમાં તો એ ત્રણેયે જમી લીધું હોય, પછી હું એકલો જમતો. થોડા દિવસ સુધી મમ્મીએ કકળાટ કર્યો કે ‘આશુ, તને શું થાય છે? તું કેમ આટલો ચેન્જ થઈ ગયો છે? વગેરે..’ પપ્પાને ફરિયાદ કરી, પણ પપ્પા હવે મને વઢતા ન હતા! દરેક ફરિયાદ પર પપ્પા મૂંગા બનીને મને એકટક નજરથી જોઈ રહેતા, કદાચ મને સમજવાની ટ્રાય કરતા હશે!

એ બંનેએ એક નવો પ્લાન બનાવ્યો, મારા માટે નવા નવા કપડાં લઈ આવ્યાં, આસ્થાથી પણ વધારે! મેં એમાં પણ કોઈ રસ ન બતાવ્યો. એ બંનેના મોઢા પડી ગયાં, એ દૃશ્ય તો જોવા જેવું હતું! હવે હું કોઈ વાતે ખુશ ન થતો હતો, પણ પપ્પા અને મમ્મીના વિલાયેલા ચહેરા જોઈને મને એક અજબ પ્રકારની ખુશી મળતી હતી, સાચે જ! ઈવન હું કોઈ વાતે ગુસ્સો પણ ન કરતો હતો. મમ્મી કે પપ્પા સામે આવે એટલે નજર ચૂકવીને મારા રૂમમાં પૂરાઈ જતો! આસ્થાને ક્યારેક રમાડતો ખરો, પણ એટલું બધું નહીં. હા, મમ્મી એને મારે નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખતો! એક વાર મમ્મીએ એને મારવા માટે હાથ ઉગામ્યો કે મેં તરત જ દોડીને એનો હાથ પકડી લીધો હતો. હું કંઈ બોલ્યો પણ ન હતો છતા મારી આંખ જોઈ મમ્મી ચોંકી ગઈ હતી. એ રાત્રે પણ મેં મમ્મીને મારી ફરિયાદ કરતા સાંભળી હતી, પણ પપ્પાનો જવાબ સાંભળી મને ખૂબ જ નવાઈ લાગી અને થોડુંક ગમ્યું પણ ખરું!

પપ્પા બોલ્યા હતા, “આશા, આપણી પણ થોડી ભૂલ છે. એને આપણાથી ઘણી બધી ફરિયાદો છે, એની અગેન્સમાં એની આ હરકતો તો કંઈ જ નથી. આઈ થિંક આપણે એને હોસ્ટેલમાં મૂકવાની જરૂર નહોતી, પરંતુ આપણે મજબૂર હતા. એનું વરસ ન બગડે, એ માટે એને હોસ્ટેલમાં મૂક્યો પણ ત્યાં એની સાથે શું વીત્યું એ હું કે તું નથી જાણતા. મને યાદ છે ત્યાં સુધી એણે ફોન પર મને કહેવાની કોશિશ કરી હતી, પરંતુ મેં જ કદાચ એની વાત પર ધ્યાન નહોતું આપ્યું! હવે તો જ્યાં સુધી એ સામેથી કહે નહીં, ત્યાં સુધી શું ખબર પડે? અને હું સારી રીતે જાણું છું મારા દિકરાને, એ નહીં જ કહે, એ મારા જેવો છે! ત્યાં પેલા છોકરાએ એને ખૂબ હેરાન કર્યો હતો, પ્રિન્સીપાલ સાહેબનો ફોન આવ્યો હતો છતા પણ આપણે એને મળવા ગયા નહીં એનો ગુસ્સો છે. એ ઉતરશે એટલે આપોઆપ એ પહેલાં જેવો નોર્મલ થઈ જશે. પરંતુ એ જાણતો નથી કે એ મામલો મેં અહીં બેઠા બેઠા જ સોલ્વ કરી નાંખ્યો હતો. એ છોકરાનું શું થયું એ ફક્ત આપણે બે અને પ્રિન્સીપાલ,સુપરવાઈઝર અને એ છોકરાનો બાપ જ જાણે છે અને મારે એને જણાવવું પણ નથી. ”

ઓહ, નિમેષને બીજું કંઈક થયું હતું, પરંતુ પ્રિન્સીપાલ સરે મને ખોટું કહ્યું! પપ્પાએ મામલો સોલ્વ કરી નાંખ્યો એનો મતલબ તો એ થાય કે નિમેષ સાજોસમો હોવો જોઈએ અને મને ફક્ત હોસ્ટેલમાં રાખવા માટે પ્રિન્સીપાલ સરે ધમકાવ્યો હતો, એ પણ પપ્પાના કહેવાથી! હમમમ.. તો આ વાત છે! અરે યાર, પપ્પાને હું શું સમજતો હતો અને પપ્પા શું નીકળ્યા? પણ નિમેષ ફરી સ્કૂલમાં કેમ ન આવ્યો? મારું મગજ ચકરાઈ ગયું છે! મનમાં થયું કે અત્યારે જ પપ્પાની સામે જઈ ઊભો થઈ જાઉં અને બધું પૂછી લઉં, પણ એ લોકો તો મને એબ્નોર્મલ માને છે! મને એ બંને પર ગુસ્સો આવતો હતો એ કારણે એમની સાથે વાત નથી કરતો, નિમેષ પરનો ગુસ્સો તો ક્યારનો ઉતરી ગયો છે. પપ્પાની પહેલી વાત સાંભળીને તો એમ થયું હતું કે જઈને એમને વળગી જાઉં, અને કહું કે હવે હું ડાહ્યો થઈ ગયો છું અને ડાહ્યો જ રહીશ. મને સાઈકલ નથી જોઈતી, કંઈ પણ નથી જોઈતું, ફક્ત તમારા ત્રણે સાથે રહેવું છે. પણ પપ્પા મારી સાથે ડબલ ગેમ રમે છે અને મને એબ્નોર્મલ માને છે તો હું હવે નથી જવાનો! હું મારી લાઈફ એકલો જ, આ રીતે જ જીવીશ હવે તો!

~~~

ડુ યુ નોવ? હવે હું ડાયરી પણ લખું છું. મમ્મીનો પહેલો તમાચો ખાધો ત્યારથી લઈ આજ સુધીના બધા કડવા એક્સપિરિયન્સ આમાં લખી દીધા છે. આજની તારીખમાં પણ મારો કોઈ ફ્રેન્ડ નથી! આ એટલા માટે લખું છું કે ક્યારેક કોઈ કોઈ વાતે એકાદ મિત્રની કમી સાલે છે. જનરલી મને એવું ફિલ નથી થતું, હજી પણ હું એવો એકાકી જ છું, પરંતુ છેલ્લા એક-બે મહિનાથી એવું લાગે છે કે લાઈફમાં એકાદ ફ્રેન્ડ હોવો જોઈએ. તમને નવાઈ લાગશે હમણાં થોડા સમયથી મને પથારીમાં યુરીન જેવું કંઈક લિક્વિડ નીકળી જાય છે અને મને ભાન પણ નથી રહેતું! સાલું આસ્થાને આ કહેવાય નહીં અને મમ્મી-પપ્પા સાથે તો દુશ્મની છે, તો કોને કહું? ક્લાસમાં બાજુમાં બેસતા રિયાઝને પૂછવાનો વિચાર થયો પરંતુ એનો ફેસ નિમેષ જેવો હોવાથી મને એનાથી બહુ બીક લાગે છે. એ કારણથી એનાથી હું દૂર જ રહું છું! વચ્ચે એક-બે વાર ક્લાસમાં ડાહ્યો ગણાતો એવો છોકરો-વત્સલ સાથે મેં દોસ્તી કરવાની ટ્રાય કરી હતી પણ એ તો મને જોઈને જ ભાગી ગયો હતો! બીજા છોકરાઓ એને બિચારાને હેરાન બહુ કરતા હતા એ કારણે એ મને પણ એવો જ સમજી બેઠો હશે કદાચ!

તમે પણ કહેશો, ચૌદ વર્ષનો પાડા જેવો છોકરો થઈને પથારીમાં પેશાબ કરતા મને શરમ નથી આવતી કે શું? પણ સાચું કહું હું પેશાબ નથી કરતો, એ કંઈક બીજું જ છે! અને હા, આજકાલ મને પેલી આકૃતિ સાથે દોસ્તી કરવાનું બહુ મન થાય છે, પરંતુ એની નજીક જતા જ મારો જીવ ગભરાય છે! રખે ને બધાની સામે ઈન્સલ્ટ કરી નાંખે તો, ‘આવ્યો મોટો દોસ્તી કરવાવાળો!’ એમ કહે તો? પણ આકૃતિ બહુ રૂપાળી છે, યુ નોવ.. બિલકુલ એશ્વર્યા રાય જેવી! હું તો બસ ટીકીટીકીને એને જોયા જ કરૂં છું. એકવાર તો ચાલુ ક્લાસે એને જોવામાં એટલો તલ્લીન થઈ ગયો હતો કે સર એકદમ નજીક આવીને ઊભા રહી ગયા તો પણ મને ખબર ન પડી!

“બહુ ગમે છે?” સર મારા કાન પાસે મોઢું રાખી ધીમેથી બોલ્યા.

“હા, ખૂબ જ!” જવાબ આપ્યા પછી હું ચોંક્યો! બાજુમાં જોયું તો સર મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. “અહીં ભણવા આવે છે કે છોકરીઓને જોવા? ચાલ, તને એની બાજુમાં જ બેસાડી દઉં, જેથી તું ધરાઈને એને જોઈ શકે!” મને તો ભાવતું મળી ગયું પણ એ બેન્ચ પર બેસ્યા પછી મને જાણ થઈ કે સરે આવું શું કામ કર્યું?

“દૂર રહીને નજર ચૂકવીને તું આ જ ધંધા કરતો રહીશ, એ કારણે તને અહીં બેસાડ્યો છે! મારી હાજરીમાં તારી નજર બોર્ડ પરથી હટી તો તું માર ખાશે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ?” સરનો અવાજ અચાનક જ કડક થઈ ગયો! મેં માથું નીચે ઢાળી દીધું, અહીં પણ આખા ક્લાસની સામે મારું ઈન્સલ્ટ થઈ ગયું હતું. વેલ, મારા નસીબમાં એ જ લખાયેલું છે! પિરિયડ ચેન્જ થયો, સર બહાર ગયા પછી મેં ત્રાંસી આંખથી આકૃતિ સામે જોયું તો મારું દિલ ધક ધક થવા લાગ્યું. એ મને જ જોઈ રહી હતી, કંઈક અજબ રીતે! હા, એટલો હું સ્યોર હતો કે એની આંખમાં ગુસ્સો ન હતો!

ક્રમશઃ..



મિત્રો, આ લઘુનવલ ગમે તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાની કૃપા કરશો.
9909652477
Fittersolly000@gmail.com