Dushman - 11 books and stories free download online pdf in Gujarati

દુશ્મન - 11


પ્રકરણ - 11 (અંતિમ)
“હેય ડ્યુડ, યુ આર બિફોર ટાઈમ, યુ નોવ? આટલી જલ્દી આવી ગયો? કેમ, મને મળવાની બહુ ઉતાવળ હતી કે શું? જોતો નથી? નાઉ, આઈ એમ વેરી બીઝી વિથ માય ફ્રેન્ડ્ઝ, પેલી બેન્ચ પર બેસ, આઈ વિલ કોલ યુ!” આકાશ કોઈ પણ એંગલથી ફોરેન સ્ટડી કરીને આવ્યો હોય એવો લાગતો ન હતો. તદ્દન થર્ડ ક્લાસ કોમેન્ટ્સ જે એણે મારી પર ઉછાળી અને એવા જ થર્ડ ક્લાસ એના ફ્રેન્ડ્ઝ! મારી તરફ જોઈ ખિખિયાટા બોલાવતા તેઓ આકાશને ફૂડ કોર્નરમાં ખેંચી ગયા. ઓહ યસ, એ લોકો માટે તો એ મની બેંક હતી. ટાપસી ન પુરાવે તો ખોરાક થોડો મળે? મારી આંખમાં આંસુ આવી ગયા, થોડો સમય હું ઢીલો પડી ગયો પણ ફરીથી હિમ્મત ભેગી કરી અક્કડ થઈને બેસ્યો. હવે જો કંઈ પણ વિચિત્ર બોલશે તો સામો જવાબ આપવાના અડગ નિર્ધાર સાથે હું એના પાછા ફરવાની રાહ જોતો રહ્યો. પોણો કલાકે એ આખું ટોળું હો-હા કરતું બહાર નીકળ્યું. હું તૈયાર જ હતો પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે એ એકલો જ મારી નજીક આવ્યો, “મારે જરા એક ઈમરજન્સી કામ માટે જવું પડે એમ છે. આપણે કાલે આ જ સમયે અહીં મળીએ!” મારા જવાબની રાહ જોયા વિના એ વળીને ચાલ્યો ગયો અને હું મોં વકાસીને એની પીઠ જોતો રહ્યો!

સતત ચાર કલાકના મનોમંથન પછી મને એટલું તો સમજાયું કે આકાશ નથી ચાહતો કે હું આકુને મળું અને એના ઘરે પણ પગ મૂકું! શું મારો લૂક એટલો ખરાબ છે કે પછી મારા વિશે એને કોઈકે કંઈક ભળતી માહિતી આપી હશે? એ મારું મોરલ તોડવા માગતો હતો, એ વાત તો પાકી છે. કારણ શું હશે? એ તો સમય આવ્યે ખબર પડી જશે. વેલ, આવતી કાલે તો હું એને મળવા નહીં જાઉં અને આકુને મળવા પણ નહીં જાઉં! એનાં ઘરે પણ નહીં. આકુનો ફોન આવશે તો એને આકાશના રુડ બિહેવિયર વિશે જણાવી દઈશ. એને દુઃખ થશે પણ એ સિવાય કોઈ ચારો નથી! નહીં કહું અને પાછળથી એને જાણ થશે તો એને વધુ દુઃખ થશે અને ગુસ્સે પણ થશે.

***

“એઈ સોરી યાર આશુ, હું તને સમજવામાં થાપ ખાઈ ગયો. એ તો સારું થયું કે આકુએ મને બધી વાત કરી કે તેં એને ત્રણ ગુંડા જેવા છોકરાઓથી બચાવી હતી. એ પહેલાં તું બહુ બીકણ હતો એ પણ એણે મને કહ્યું. પછી તો શું, આઈ એમ ખણખોદીયો જીવ, યુ નોવ? મેં તારી.. પેલું શું કહે છે યાર? હા, તારી જનમકુંડળી કઢાવી!” આકાશની વાતોથી મારા મગજમાં ભૂકંપ સમાન આંચકા લાગી રહ્યા હતા! એણે સિગરેટ સળગાવતા પહેલાં એક મને પણ ઓફર કરી, મેં ડોકું ધૂણાવીને ના પાડી તો એ બોલ્યો, “અરે મને ખબર છે, તું પીવે છે તે!”

“હા, પીતો હતો પણ ઘણા ટાઈમથી છોડી દીધી.”

“ઓલરાઈટ, આપણે ક્યાં હતા? હા, તારી કુંડળી પર! હોસ્ટેલમાં એક છોકરાએ તને મોલેસ્ટ કરવાની ટ્રાય કરી અને તેં એને કોમામાં પહોંચાડી દીધો હતો, ધેન તું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો એવી બધી વાતો હું ખોદી લાવ્યો. એક્ચ્યુલી તું મારી સાથે આંખમાં આંખ મેળવીને વાત કરતા ખચકાતો હતો એટલે મને ડાઉટ ગયો કે તારામાં કંઈ કાળું છે! એ રિઝનથી મેં મારા ફ્રેન્ડ્ઝની સામે તારી સાથે રુડ બિહેવ કર્યો બટ નાઉ આઈ નોવ્ઝ એવરીથિંગ અબાઉટ યુ. પ્લીઝ ફોરગીવ મી! અરે મોમ અને ડેડ કાલથી મને વઢી રહ્યા છે! હવે તો માફ કર યાર, ચાલ બહાર નીકળ ને મારા બાપ, એ ત્રણેય બહાર બેઠા છે!” આકુ બહાર છે, એ જાણી હું ફટાક કરતો ઊભો થઈ ગયો!

થોડા દિવસ પહેલાં આકુનો ફોન આવ્યો અને મેં એને બધું જ જણાવી દીધું હતું. એ પછી રોજ ફોન પર એ મને ઘરે આવવા માટે બોલાવતી, પટાવતી, વઢતી, ધમકાવતી. આકાશ વતી માફી માગતી. અનાહિતા આન્ટીએ પણ એક વાર મને સમજાવી-પટાવી ઘરે બોલાવ્યો પરંતુ હું બહાનું બનાવી છટકી ગયો હતો. એ દિવસથી ફોન બંધ થયો તે આજે એ આખી જાન લઈ મારા માટે ગુડ ન્યૂઝ લઈને આવી હતી! ડ્રોઈંગરૂમમાં બે પરિવારનું સ્નેહમિલન રચાયું હતું, ફક્ત પપ્પા ગેરહાજર હતા. અંકલ-આન્ટીએ મારી મીઠી ઝાટકણી કાઢી પછી સ્નેહ પણ વરસાવ્યો, “ઓહ, અમારા આશુને તો હવે ખોટું લાગવા માંડ્યું છે! બેટા, પોતાનાથી કોઈ નારાજ થાય ખરું? આકુએ તો નક્કી કર્યું જ છે કે એ તારી સાથે વાત જ નથી કરવાની! કેમ આકુ?”

“ઓબ્વિયસલી મોમ, આ છોકરો પોતાને સમજે છે શું?” એનો ગુસ્સો કૃત્રિમ હતો પણ આંસુ સાચા હતા. મને દુઃખ તો થયું પરંતુ મારી સેલ્ફ રિસ્પેક્ટનો સવાલ હતો! વેલ, આકુને મનાવવી અઘરી ન હતી. પંદર મિનિટ પછી એ મારા રૂમમાં મારી સામે બેઠી મારી ડાયરી વાંચી રહી હતી! હવે એના રૂપાળા મોઢા પર ગુસ્સાને સ્થાને આશ્ચર્ય અને હાસ્ય હતું. અને હું હંમેશાની જેમ મોં વકાસીને એને જોઈ રહ્યો હતો!

***

લગ્નની વેદી પર બેઠો પંડિતજીના મંત્રો હું ધ્યાનથી સાંભળી રહ્યો હતો, પરંતુ કંઈ સમજ ન પડી તો છેવટે કંટાળીને બાજુમાં બેઠેલી આકુને જાંઘમાં હળવો ચીમટો ભર્યો! ઘૂંઘટ ઓઢીને આદત વિરુદ્ધ શાંતિથી બેઠેલી આકુ ચમકી ઉઠી, “શું છે?”

“આ શું બોલે છે? તને સમજાતું હોય તો મને પણ સમજાવ ને!”

“ચૂપચાપ બેસી રહે ડોબા, આજે આપણા મેરેજ છે. કોઈ છેડખાની કરી છે તો માર ખાશે! સીધો રહેજે, કહી દઉં છું!” આકુએ એ જ ચિરપરિચિત કૃત્રિમ ગુસ્સાથી કહ્યું. અમે બંને ગુસપુસ અવાજે વાતો કરી રહ્યા હતા છતા આસપાસ હાજર રહેલા લોકોને સંભળાઈ ગયું હોય એમ હસવાનો અવાજ ઉઠવા લાગ્યો. પંડિતજીએ મંત્ર ઉચ્ચારતા મારી સામે લગભગ ગુસ્સાથી જ જોયું! મેં શાંત રહીને બેસવામાં જ ભલાઈ સમજી! આકુ સામે જોયું તો એ પણ સાલી હસતી હતી!

***

“અંશ.. કોનો દિકરો?” અંશ મારી બાજુમાં બેસી ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની લાઈવ ઈન્ટરેસ્ટિંગ મેચ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને આકુ કિચનથી ફ્રી થઈને આવી. અંશ અમારા બંનેનો ‘અંશ’ પાંચ વર્ષનો થવા આવ્યો છે. તોફાનમાં મારાથી ચાર ચાસણી ચડે અને આઈ ક્યુ લેવલે આકુને પણ પાણી ભરતી કરી દે તેવો છે.

“મેચમાં ડિસ્ટર્બ ન કરો મમ્મા, અંશ ડેડાનો દિકરો છે, આજે પચાસમી વાર કહું છું, બસ?” તોફાનનું બીજું નામ અંશ હોઠના ખૂણે મલકાઈને બોલ્યો. એ આકુને વળગતો, વહાલ કરતો, પોતાની બધી જીદ પૂરી કરતો પણ મારી હાજરીમાં એને મજા આવતી આકુને આ રીતે ચીડવવાની. આકુ બનાવટી મોં ફૂલાવીને બેસી જતી પણ એ તોફાની બારકસને કંઈ ન પડી હોય! એને તો ખબર જ હતી કે આકુ એનાથી ગુસ્સે થઈને ક્યાં જવાની છે! છેવટે મારે બંને વચ્ચે સુલેહ કરાવવી પડતી હતી.

પ્રેમસભર મીઠી લડાઈઓ અને અરસપરસની સમજણ સહિત મારું સુખી લગ્નજીવન છ વર્ષની સીમારેખા પાર કરવાની તૈયારીમાં હતું. પપ્પા નિવૃતિની નજીક પહોંચી રહ્યા હતા. મમ્મી અને આકુ વચ્ચે મા-દિકરી જેવો સંબંધ સ્થાપિત થઈ ગયો હતો. આસ્થા મુંબઈ પરણીને ઠરીઠામ થઈ હતી. રજાઓમાં ચિંટુ અને આર્યાને લઈને આવતી તો ઘરમાં તહેવાર જેવું વાતાવરણ સર્જાઈ જતું. હું પણ એ ત્રણ બાળકો સાથે ફરીથી બાળક બની જતો. આકુ મારી નૌંટકીઓ જોઈ ખૂબ હસતી. એ બધા જાય પછી બે દિવસ અંશ સૂનો થઈ જતો ત્યારે ફરી મારે બાળકનો રોલ અદા કરવો પડતો! ક્યારેક તો લાગે છે મારે એ પાત્રમાં જ આખું જીવન કાઢવાનું છે. જોકે મને પણ એ ગમે છે. પણ આકુ કોઈક વાર ખીજાય છે કે “હવે તો મોટા બનો!”

***

એક ખુશખબર સંભળાવું? હું ફરીથી ડેડા બનવાનો છું. હા, આકુ પ્રેગ્નન્ટ છે. ત્રણ મહિના જેવો સમય થયો છે. હજી શરૂઆત છે છતા મમ્મીએ એની કાળજી રાખવાની ચાલુ કરી દીધી છે. વજનદાર વસ્તુઓ ઉંચકવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. અંશને દૂર રાખવાની તાકીદ કરી પણ અંશ માને? મારી ગેરહાજરીમાં આકુ વિના એનો દિવસ ન નીકળે. 'દિકરો કોનો' એમ પૂછીએ તો 'ડેડાનો' કહે પણ કામ બધું આકુ પાસે જ કરાવે! આ મમ્મી નામની વ્યક્તિ પણ ગજબ હોય છે, નહીં? મમ્મીની મારા પ્રત્યેની લાગણીઓ અને કાળજી મને આજે સમજાય છે અને પપ્પાની કડકાઈ પાછળ રહેલો પ્રેમ પણ! હું પણ મારા બાળપણમાં ગુનેગાર તો ન જ હતો, જેટલા તોફાન અંશ કરે છે એથી તો ઓછા જ હતા મારા પરંતુ મને સજા મળી હતી, ભયંકર સજા! કદાચ મારા નસીબમાં એવું જ લખાયેલું હશે!

***

ઘરમાં દાખલ થઈ હજી શૂઝ ઉતાર્યા અને અંશને શોધ્યો, બૂમ મારવા જતો હતો કે ડાઇનિંગ ટેબલની પાસે ભૂતકાળને રિપીટ થતો જોઈ એક પળ માટે હું ત્યાં જ થીજી ગયો. અંશ આકુનું ટી-શર્ટ ઉંચું કરવાની ટ્રાય કરી રહ્યો હતો. આકુએ એની તરફ જોયું, હાથ ઉઠાવ્યો અને મેં બૂમ મારી, “નહીં આકુ નહીં, પ્લીઝ ડોન્ટ ટચ હીમ! હું... હું એક વધુ આશુ આ ઘરમાં નથી ઈચ્છતો!” મેં દોડીને અંશને બાથમાં ભરી લીધો. હું હાંફી રહ્યો હતો. આકુનો હાથ હવામાં અધ્ધર રહી ગયો. એનાં મોઢા પર હુંફાળું હાસ્ય હતું.

“પણ હું તો ચાહું છું ને? એક તો છોડ, બીજો આશુ પણ ઓન ધ વે છે!” આકુનાં ખૂબસૂરત ચેહરા પર શરમનો શેરડો પડ્યો, “તને શું લાગે છે, હું અંશને મારવા જતી હતી? નો વે, હું તો એને પ્યારથી માથામાં ટપલી લગાવતી હતી. એ પણ મારા પ્યારનો જ એક અંશ છે. માય ડિયર હસબન્ડ, તારી બાયોગ્રાફી મેં પણ વાંચી છે! ભૂલી ગયો કે શું?” એનાં મુખ પર મમતાનો ઉજાસ ઝગારા મારતો હતો. મારા જીવ હવે શાંત થયો. હાથ-મોં ધોવા માટે હું બેસિન તરફ વળ્યો તો સામે મમ્મી ઊભા હતાં. એમની બંને આંખોથી આંસુ વહીને ચેહરાની કરચલીઓમાં ભેગા થઈ રહ્યા હતાં!

-સમાપ્ત.


મિત્રો, આ લઘુનવલ ગમે તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાની કૃપા કરશો. અને હા, મેકિંગ ઓફ દુશ્મન જરૂર વાંચશો.

9909652477

Fittersolly000@gmail.com