vividh khichdi - 3 books and stories free download online pdf in Gujarati

વિવિધ ખીચડી - ૩

વિવિધ ખીચડી

- મિતલ ઠક્કર

ભાગ-૩

વિવિધ ખીચડીના પ્રથમ ભાગમાં આપણે શાકભાજી ખીચડી, દહીં-મગ દાળની ખીચડી, દાળ ખિચડી, મસૂર–પાલકની ખીચડી, હાંડી ખીચડી અને સાબુદાણાની ખીચડીની મજા માણી હતી. બીજા ભાગમાં બંગાળી સ્ટાઈલની ખીચડી, સ્વામિનારાયણ ખીચડી વિગેરે. તો આરોગ્યને લાભકારી બની રહે એવી વજન ઘટાડવા માટે મગ-સોયાની ખિચડી, હૃદયરોગી માટે મગ-ફાડાની ખિચડી, ડાયાબિટીક માટે ખિચડી પણ હતી.

મુગલોના સમયથી ખીચડીનો ઉપયોગ ચાલ્યો આવે છે. અમીર-ગરીબ તમામ લોકો ખીચડી ખાય છે. આપણે ત્યાં લોકોમાં એવી માન્યતા થઇ ગઈ છે કે ખીચડી એ તો માંદા માણસનો ખોરાક છે. પેટ બગડ્યું હોય કે તાવ આવ્યો હોય ત્યારે જ ખવાય. પરંતુ હકીકતમાં ખીચડી એ તો માંદા ન પડવા માટેનો ખોરાક છે. વિવિધ પ્રકારની ખીચડી ખાવાથી સ્વાદનો અનેરો આનંદ મળે છે અને આરોગ્યને કોઇ નુકસાન પણ થતું નથી. આમ તો ખીચડી એ મેગી-નૂડલ્સ-ચાઇનીઝ ફૂડની જેમ ઇન્સ્ટન્ટ ફૂડ છે. પરંતુ ખીચડી ઇન્સ્ટન્ટ ફૂડ હોવા છતાં ફાયદારૂપ છે. તે સાજા થવામાં ખૂબ જ અસરકારક છે. તે પેટને અને આંતરડાંને શાંત કરે છે. બાળકો અને વૃદ્ધો માટે પણ તે સારો વિકલ્પ ગણાય છે. કેમકે તે હલકી અને પૌષ્ટિક છે. દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ ખીચડી રોજ ખાવી જોઈએ. જો ખીચડીમાં વૈવિધ્ય હોય અને નવા રંગરૂપ અને સ્વાદમાં સારી હોય તો રોજ ખાવાનો કંટાળો આવશે નહીં. અહીં એવી જ કેટલીક ખીચડીઓની રીત મેળવીને રજૂ કરી છે.

*ફાડાની ખીચડી*

સામગ્રી :૧/૨ કપ પીળી મગની દાળ, ૧/૨ કપ ચણાની દાળ, ૧/૨ કપ મસૂરની દાળ, ૩/૪ કપ ઘઉંના ફાડા, ૧ કપ બટાટા સમારેલા, ૧ કપ લીલા વટાણા, ૧ કપ ફુલાવર, ૧ કપ સમારેલી ડુંગળી, ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ, ૧/૨ ચમચી મરી, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી મરચું, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે-૧ ટુકડો તજ, ૩ લવિંગ, ૧ ચમચી જીરું, ૧/૪ ચમચી હિંગ, ૩ ચમચી ઘી.

રીત: સૌ પ્રથમ મગની દાળ, ચણાની દાળ, મસૂરની દાલ, અને ફાડાને ધોઈને ૧૫ મિનિટ પલાળી રાખો. ત્યાર બાદ વઘાર માટે કુકરમાં ધી ઉમેરો. તેમાં તજ, લવિંગ જીરું અને હિંગ ઉમેરી વઘાર થવા દો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરો. તે બરાબર બ્રાઉન થાય એટલે મગની દાળ, ચણાની દાળ, મસૂરની દાલ, ફાડા અને સમારેલાં શાક ઉમેરો. હવે મરચુ, હળદર, મીઠું ઉમેરી બરાબર હલાવો. હવે તેમાં પ્રમાણસર પાણી ઉમેરી કૂકર બંધ કરો. ત્રણથી ચાર સીટી વાગવા દો. ખીચડી બરાબર ચઢી જાય તે બાદ ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ ફાડા ખીચડી.

*રજવાડી વઘારેલી ખીચડી*

સામગ્રી: ચોખા -૨ કપ, તુવેરની દાળ -૧ કપ, ગાજર -૧ નંગ, વટાણા -૧૫૦ ગ્રામ, તજ -૪ નંગ, લવિંગ- ૩-૪ નંગ, આખા લાલ મરચાં-૨ નંગ, હળદર -અડધી ચમચી, મરચું -૧ ચમચી, ગરમ મસાલો -૧ ચમચી, જીરું -પા ચમચી, રાઇ -પા ચમચી, આદું-લસણની પેસ્ટ -દોઢ ચમચી, તેલ -૨ ચમચા, પાણી-જરૂર પ્રમાણે. રીત: દાળ અને ચોખાને ધોઇ એક કલાક માટે પલાળી રાખો. જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો. તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો અને બધી સામગ્રી તેમાં નાખીને સાંતળો. તેમાં બધા શાક નાખી થોડી વાર હલાવો અને દાળ-ચોખા ઉમેરી દસેક મિનિટ રહેવા દો. આમાં પાંચ કપ પાણી રેડી કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી રાખી આંચ પરથી ઉતારી લો. કઢી કે છાશ સાથે ગરમાગરમ ખીચડીની મઝા માણો.

*કાઠિયાવાડી ખીચડી*

સામગ્રી: ૧ વાટકી તુવેરની દાળ, ૧ વાટકી બાસમતી ચોખા, ૨ નંગ તમાલપત્ર, ૨ નંગ લવિંગ, ૧ નાનો ટૂકડો તજ, ૫ નંગ આખા સૂકા લાલ મરચાં, પાંચ નંગ મીઠો લીમડો, એક ચમચી રાઈ, હિંગ અને મીઠું જરૂર મુજબ. વઘાર માટે તેલ. પાણી જરૂર મુજબ.

રીત: સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ નાંખો. રાઈ તતડી જાય એટલે સૂકા લાલ મરચાંને તોડીને વઘારમાં નાખો. મીઠા લીમડાના પાન નાખો. તજનો ટૂકડો, તમાલપત્ર અને લવિંગ ઉમેરી તરત તેમાં બે ગ્લાસ પાણી નાખીને ઢાંકણ ઢાંકી દો. તુવેરની દાળને પહેલેથી ધોઈને રાખો. તેને ઉકળતા પાણીમાં નાખો. દાળ અડધી ચડી જાય એટલે તેમાં પહેલેથી પલાળીને રાખેલા બાસમતી ચોખાને ઉમેરો. તેમાં હળદર પાઉડર અને મીઠું નાખીને એક વખત બરાબર હલાવીને ધીમી આંચ પર ચડવા દો. જરૂર લાગે તો પાણી ઉમેરતા જવું. વારંવાર હલાવવું નહીં. પંદર મિનિટમાં કાઠિયાવાડી ખીચડી તૈયાર થઈ જશે. ગરમ ઘી નાખીને છાસ, કાંદા અને પાપડ સાથે ખીચડી પીરસો

*ટમટમ ખીચડી*

સામગ્રી: ૧/૨ કપ તુવેર દાળ, ૧/૨ કપ મગની ફોતરાવાળી દાળ, ૧/૨ કપ મોગર દાળ, ૧/૪ કપ ચણાની દાળ, ૧/૨ કપ ચોખા, (આ ખીચડીમાં દાળનું પ્રમાણ ચોખા કરતા વધારે હોય છે.), ૨ મધ્યમ ટામેટા, ૧ નંગ કાંદો, ૧/૨ કેપ્સીકમ, ૧ ટી સ્પૂન આદું-મરચાની પેસ્ટ, ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ, ૧ ટી સ્પૂન મરચું પાવડર, ૧ ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન ધાણાજીરુ, ૧ ટી સ્પૂન રજવાડી મસાલો (સ્વાદ મુજબ વધારી-ઘટાડી શકાય ), ૧ ટી સ્પૂન મેથિયો મસાલો, ચપટી હિંગ, ૧ ટી સ્પૂન શાહી જીરુ, ૧ તજ, ૨ લવિંગ, ૨ ટે. સ્પૂન તેલ અથવા ઘી, સર્વ માટે-૧ ટી સ્પૂન બટર, કોથમીર.

રીત: સૌ પ્રથમ બધી દાળ અને ચોખાને ધોઇને થોડી વાર પલાળી રાખો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું નાખી તેની કૂકરમાં સાદી ખીચડી બનાવી લો. હવે કડાઇમાં ઘી મુકો. તેમાં તજ, લવિંગ, શાહી જીરુ, હિંગ નાખો. પછી તેમાં કાંદા, ટામેટાં તથા કેપ્સીકમના બારીક પિસ કરી ઉમેરો. પછી તેમાં આદું-મરચાની પેસ્ટ તેમજ લસણની પેસ્ટ ઉમેરો. બધાં સુકા મસાલાઓ ઉમેરી તેને સાંતળો. પછી તેમાં તૈયાર સાદી ખીચડી ઉમેરી એકદમ મિક્ષ કરી લો. બધા મસાલા ખિચડી સાથે સરસ મિક્ષ થઇ જાય પછી તેને બટર અને કોથમીર છાંટી સર્વ કરો. રજવાડી અને મેથિયો મસાલો આ ખિચડીને નવો સ્વાદને સુગંધ આપશે.

*પનીર મસાલા ખીચડી*

સામગ્રી: બાસમતી ચોખા ૨૦૦ ગ્રામ, મગ દાળ ૨૦ ગ્રામ, ચણા દાળ ૫૦ ગ્રામ, છીણેલું ગાજર ૨, લીલા વટાણા ૩૦ ગ્રામ, કોબીજ અડધા નાના નાના ટુકડાઓમાં સમારેલા, પનીર ૧૦૦ ગ્રામ, આદુ પેસ્ટ ૧ ચમચી, ૧ ચમચી જીરું પાવડર, તજ ૨-૩, એલચી ૨-૩, ૧ ચમચી ધાણા પાઉડર, ૧૦ ગ્રામ કાળી મરી, અડધા ચમચી હળદર પાવડર, ઘી ૭-૮ ટે.સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે.

રીત:સૌ પ્રથમ બધી દાળને ધોઇને સુકવી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને બધી શાકભાજી નાખો. પછી મીઠું, પત્તા, જીરું, ધાણા, હળદર પાવડર અને મરી નાખો. હવે આદુ પેસ્ટ નાખી પાંચ મિનિટ માટે ફ્રાય કરો. હવે તજ અને એલચી નાખો. હવે એમાં ધોએલી દાળ અને અને ચોખા નાખો. પછી પનીરના ટુકડાઓ નાખો. હવે બે કપ પાણી નાખી ઉકળવા દો. પાણી જરૂર અનુસાર નાખો અને ધ્યાન રાખો કે, ખિચડી બળે નહી. જ્યારે દાળ અને ચોખા ગળી જાય તો તાપ બંધ કરી દો. તો તૈયાર છે પનીર મસાલા ખીચડી. આ ખીચડીમાં ઉપરથી માખણ નાખીને ખાવાની પણ મજા આવે છે.

*તવા ખીચડી*

સામગ્રી: ૨ વાટકી ચોખા, ૧ વાટકી તુવેરદાળ, ૧ શિમલા મરચું, ૨ ગાજર, ૧ નાનું ફ્લાવર, ૧ કપ લીલા વટાણા, ૧ કપ ફણસી, ૨ ડુંગળી, ૨ બટાટા, ૮થી ૧૦ કળી લસણ, શાકના વઘાર માટે- ૪ મોટા ચમચા ઘી, ૨ ટુકડા તજ, ૩થી ૪ લવિંગ, ૨ તમાલપત્ર, શિંગદાણા, રાઈ, જીરું, હળદર, હિંગ, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, કોથમીર સજાવટ માટે

રીત: સૌ પ્રથમ દાળ-ચોખા ધોઈને એમાં હળદર અને મીઠું નાખીને કુકરમાં સાદી ખીચડી બનાવવી (થોડી ઢીલી બનાવવી જેથી શાક સાથે સારી રીતે મિક્સ કરી શકાય). ગાજર, ફણસી, બટાટા અને ફ્લાવરને સુધારીને મીઠું નાખીને ખુલ્લાં ઉકાળી લેવાં (ફ્લાવરનાં ફૂલ નાનાં અને આખાં લેવાં જેથી ભાંગી ન જાય). એક મોટી કડાઈમાં ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે રાઈનો વઘાર કરવો. પછી એમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર, કાપેલું લસણ અને શિંગદાણા નાખી ધીમા તાપે સાંતળવું. હવે શિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, શિમલા મરચું અને ડુંગળી નાખીને ફરી સાંતળવું. બરાબર સંતળાઈ જાય એ પછી બાફેલાં શાક નાખીને સારી રીતે મિક્સ કરી લેવાં. હવે ગેસ પર એક તવો ગરમ થવા મૂકો. એમાં એક ચમચી ઘી ગરમ કરીને તૈયાર ખીચડી અને મસાલેદાર શાક (ખીચડી અને શાક બન્ને થોડા-થોડા પ્રમાણમાં લઈને મિક્સ કરવું) મિક્સ કરો. તવા પર તવા ખીચડી શેકાઈ જાય એટલે કોથમીરથી સજાવીને પીરસો. આ ખીચડીમાં તમે કાજુ પણ નાખી શકો છો.

* બાજરાની ખીચડી*

સામગ્રી : ૨૦૦ ગ્રામ બાજરી, ૧૫૦ ગ્રામ મગની દાળ, ૨ ચમચી ઘી, ચપટી હિંગ, ૧ ચમચી જીરું, ૨ નંગ લીલાં મરચાં ઝીણા સમારેલાં, ૧ નંગ આદુંની કતરણ, ૧ નાની ચમચી હળદર પાઉડર, ૧ નાની વાટકી લીલા વટાણા, ૧ નાની વાટકી મકાઈ, સજાવટ માટે કોથમીર.

રીત: બાજરીને સાફ કરીને થોડું પાણી નાખીને પલાળો. તેને થોડો ખાંડી લેવો. ફોતરા કાઢી લેવા. હવે પ્રેશર કુકરમાં ઘી ગરમ કરો. તેમાં જીરું હિંગ નાંખ્યા બાદ આદું-મરચાં, મીઠું, હળદર પાઉડર, વટાણા, મકાઈના દાણા નાંખીને થોડીવાર સાંતળો. હવે તેમાં સાફ કરેલ બાજરી નાખીને બે-ત્રણ મિનિટ માટે સાંતળો. મગની દાળ અને બાજરીના પ્રમાણથી ચારગણું પાણી નાખો. એક પાંચથી છ સિટી વાગ્યા બાદ ધીમી આંચ પર દસ મિનિટ પકાવો. કોથમીર અને કેરીના અથાણા સાથે શુદ્ધ ઘી નાખીને ગરમાગરમ સ્વાદિષ્ટ બાજરાની ખીચડી પીરસો.