Khoufnak Game - 9 - 1 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 9 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

“માણસ કે જાનવર”

ભાગ - 1

વિનય પોતાની રિર્વોલ્વરને તે જાનવર સામે તાકી ઊભો રહ્યો.

પ્રલય, વિનય અને કદમની ધડકનો તેજ થઇ ગઇ.

“મારી જિંદગીમાં આવું જાનવર અને માણસનું કોમ્બાઇનિંગ જોયું નથી...સાલ્લુ માણસ છે, તેવું વિચારીએ તો જાનવર લાગે છે, અને જાનવર વિચારીએ તો માણસ લાગે છે...” આશ્ચર્ય સાથે કદમ તે પ્રાણીને જોઇ જ રહ્યો.

“કદમ...મને લાગે છે. આપણે જે વસ્તુના સંશોધન માટે આવ્યા છીએ. તેની એકદમ નજદીક પહોંચી આવ્યા છીએ. મતલબ કે આપણા મિશનના ટારગેટ પોઇન્ટર પર આપણે છીએ...” એક ધ્યાન સાતે સામે ભેલા વિચિત્ર પ્રાણીને પ્રલય જોઇ રહ્યો.

“કદમ...મને તો આ પરગ્રહ વાસી હોય તેવું લાગે છે. ‘કોઇ મિલ ગયા’ પિકચરમાં બતાવેલ એલિયન્સનો સગો ભાઇ હોય તેવો છે...’’ વિનયે ક્હયું.

ત્રણેની વાતોના અવાજથી અચાનક તે વિચિત્ર પ્રાણીની નજર તેઓ પર પડી.

હાથમાં પકડેલ ફળનો “ઘા” કરી તે પ્રાણી ઝાડ પરથી નીચે ઊતરવા લાગ્યું.

“સાવધાન...તે નીચે ઊતરી રહ્યું છે...ગમે તે ઘડીએ આપણા પર હુમલો કરશે...એવી શક્તિનો આપણને પરિચન નથી...” ધીમા પણ ગંભીર અવાજે પ્રલય બોલ્યો.

તે વિચિત્ર પ્રાણી ઝાડ પરથી નીચે ઊતરીને ત્યાં ઊભા ઊભા ત્રણેને તાકી રહ્યું, પછી ધીમે-ધીમે તેઓની તરફ આવવા લાગ્યું. ત્રણે ધડકતે દિલે જોઇ રહ્યા.

“વિનય...તારી રિર્વોલ્વર તૈયાર રાખજો. આપણને તે નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો ગોળી મારી દેજે...” આવતા વિચિત્ર પ્રાણી સાથે લડી લેવાની તૈયારી કરતાં પ્રલય બોલ્યો.

વિચિત્ર પ્રાણી તેઓની પાસે આવીને ઊભું રહ્યું, અને આંખો પટપટાવવા લાગ્યું અને પછી બંને હાથને ભેગા કરી માથું નમાવ્યું જાણે સૌને પ્રણામ કરતું હોય.

ત્રણે તેની આ વિચિત્ર હરકત જોઇ રહ્યા.

“પ્રલય..આ આપણને નુકસાન પહોંચાડવા માંગતુ નથી. બલ્કે આપણને આદર સાથે પ્રણામ કરે છે...” કહેતાં કદમ બે ડગલાં આગળ વધ્યો અને પછી તે વિચિત્ર પ્રાણીના માથા પર હાથ ફેરવ્યો.

તે વિચિત્ર પ્રાણી એકદમ ખુશ થઇ ગયું.

આનંદમાં આવી હસતાં-હસતાં તાળીઓ પાડવા લાગ્યું તેનો દેખાવ ખૂબ જ વિચિત્ર હતો. તેના ચેન-ચાળા જોઇને ત્રણે જણ ખડખડાટ હસી પડ્યા.

“જીયો મેરે લાલ...યાર તું તો ડાર્વિનનોય બાપ નીકળ્યો, તે સાબિત કરી દીધું કે સાલ્લુ માણસજાત વાંદરમાંથી જ પેદા થઇ છે...” હસતાં હસતાં કદમ બોલ્યો.

“કદમ...મને તો આ તારો સગો ભાઇ હોય તેવું લાગે છે...” પ્રલયે શરારત કરી.

“પ્રલયની વાત સાચી છે. બંનેનો અણસાર પણ એક સરખો આવે છે.” તાળી પાડતાં વિનય બોલ્યો.

“ભાઇ વિનય...તને ઇન્ડિયા પાછું આવવું છે ને...? યાદ રાખજે મસ્તી કરી તો તને આ વિચિત્ર પ્રાણી સાથે જ છોડીને ચાલ્યા જશું...” બનાવટી રોષ સાથે કદમ બોલ્યો અને પ્રલય તથા વિનય ખડખડાટ હસી પડ્યા.

તેઓને હસતા જોઇને તે પ્રાણી પણ હસવા લાગ્યું અને કમરથી નીચા નમી-નમીને તાળીઓ પાડવા લાગ્યું.

“સાલ્લુ... આ તો વિચિત્ર કહેવાય...જાણે બધું સમજતો હોય તેવુ લાગે છે. પણ યાર છે તો જીવિત માનવ જ, રોબર્ટ નથી લાગતો...” તેના શરીર પર હાથ ફેરવતાં કદમ બોલ્યો.

હાથ ફેરવતાં કદમનો હાથ પકડીને તે વિચિત્ર પ્રાણી આગળ ચાલવા લાગ્યું. “અરે વા...આ તો આપણને ક્યાંક દોરી જાય છે. ચાલો જોઇએ તો ખરા ક્યાં લઇ જાય છે...” પ્રલયે તેની સાથે ચાલતા-ચાલતા કહ્યું.

તે વિચિત્ર પ્રાણી ખૂબ જ ધીરેથી એકદમ શાંતિથી ચાલતું હતું. સૌ તેની પાછળ ચાલ્યા જતા હતા. આખરે તેઓ ત્યાં આગળ આવેલી નાની-મોટી ટેકરીઓ પાસે આવ્યા. ટેકરીઓની કંદરામાં નાની-મોટી ગુફાઓ બનેલી હતી. તે વિચિત્ર પ્રાણી એક ગુફાના મોં પાસે આવીને ઉભું રહ્યું. પ્રલય, વિનય અને કદમ તે ગુફા સામે આવેલી એક નાની ટેકરી પર જઇને બેઠા.

ટપ...ટપ...ટપ અચાનક આકાશમાંથી અમી છાંટણાં વરસવા લાગ્યાં અને પછી ધીમે-ધીમે વરસાદ ચાલુ થયો.

“વરસાદ ચાલુ થઇ ગયો છે. આજ વાતાવરણમાં એકદમ ખરાબ જણાય છે. આપણે સામેની ગુફામાં આશરો લઇએ તે વિચિત્ર પ્રાણી આપણને નુકસાન કરે તેમ લાગતું નથી. ચાલો...” ટેકરી પરથી ઊભા થતાં પ્રલયે ગુફામાં જવા કદમ અને વિનયને ઇશારો કર્યો. વરસાદનાં જોરદાર ઝાપટાં આવતાં હતા.

ત્રણે ગુફા તરફ દોડતા દોડતા જવા લાગ્યા. તેઓ ગુફામાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો પલળી ગયા.

ગુફામાં અંધકાર છવાયેલો હતો. ગુફા અંદરથી પહોંળી ને ઊંડી હતી. અંદર ભેજ અને પક્ષીઓની ભઠની દુર્ગંધ ફેલાયેલી હતી.

આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયેલાં હતાં. ભયાનક વેગ સાથે વરસાદ વરસી રહ્યો હતો. સાથે સાથે સુસવાટાભેર પવન પણ વાઇ રહ્યો હતો.

ગુફાની અંદરનું વાતાવરણ ડરામણું ભાસતું હતું. સામેના ભાગમાં લાલ અંગારા ચમકી રહ્યા હતા, જાણે સળગતા કોલસા હોય તેવા.

અંદર કોઇના શ્વાસ લેવાનો અવાજ નિરંતર આવી રહ્યો હતો અને વચ્ચે થોડી-થોડી વારે ભસ...ભસ...ભસ...જેવો વિચિત્ર જંગલી પ્રાણીનો ઊંડા શ્વાસ લેવાનો અવાજ પણ આવી રહ્યો હતો.

અચાનક આકાશમાં વીજળીનો જોરદાર ચમકારો થયો.

વીજળીના જોરદાર લિસોટા સાથે ગુફામાં થોડો પ્રકાશ વેરાયો.

વીજળીના લુપ્ત થતા પ્રકાશ વચ્ચે પ્રલય, કદમ અને વિનયની નજર ગુફાની અંદરનુ ર્દશ્ય નજરે ચડ્યું.

ત્રણે જણાનાં શરીરનાં રૂંવાટાં ઊભાં થઇ ગયાં.

ડર અને દહેશતથી આંખો ફાટી ગઇ.

તે જ વખતે આકાશમાં ભયાનક ગર્જણનો કડાકો થયો.

ધુડડડડુ ધડુમ... ગર્જણના અવાજ સાથે ગુફામાં વિચિત્ર ચીસોનો અવાજ પણ ચારે તરફ રેલાયો.

ગુફાની અંદરનું ર્દશ્ય ભલભલાની છાતીનાં પાટિયાં બેસાડી દેવા માટે પૂરતું હતું.

વીજળીના પ્રકાશમાં ગુફાના અંદરનું સીન ર્દશ્યમાન થયું. તે ભયાનક હતું. તેઓની આસપાસ કેટલાંય વિચિત્ર પ્રાણીઓ ઊભા હતાં. કોઇનો આકાર એક સરખો ન હતો. કદમની સાવ નજદીક એક લાલાસ પડતા મોંવાળું અને નાના બાળકના શરીર ઉપરથી ચામડી ઉતારી લીધી હોય તેવા રંગવાળું ભુંડને મળતું એક પ્રાણી બે પગે ઊભું હતું. તેના હાથના પંજાને કાપકૂપ કરી માણસના પંજા જેવા બનાવવાની કોશિશ કરી હોય તેવું જણાતું હતું.

તેમનાથી થોડે દૂર એક પ્રાણી ઊભું હતું. તેનું મોં આગળથી એકદમ લાંબું હતું અને શરીર ભરાવદાર હતું. આખા શરીર ઉપર ભયાનક કાળા બાલ ફૂટી નીકળ્યા હતા. તે ન તો રીંછ હતું ન માનવ હતું.

તેની બાજુમાં એક પ્રાણી ઊભું હતું. તેનો ચહેરો ભયાનક પ્રેતાત્મા જેવો લાગતો હતો. પૂરા શરીર પર ભૂખરા, સોનેરી વાળના જથ્થા હતા. તેના હાથના પંજા લાંબા અને ભયાનક નહોરવાળા હતા. તેનું શરીર ચિત્તાને મળતું આવતું હતું. ન તો તે ચિત્તો હતો ન તે માનવી હતો. તેની જેમ જ ખૂબ જ વિચિત્ર આકારનાં અન્ય પ્રાણીઓ ઉભા હતાં. સૌની અંગારા જેવી આંખો ત્રણ તરફ તકાયેલી હતી.

“પ્રલય...પ્રલય...આ બધું શું છે...? આપણે કઇ દુનિયામાં આવી પહોંચ્યા છીએ...?’’ પ્રલયનો હાથ દબાવતાં ધીમા ગભરાટભર્યા અવાજે કદમ બોલ્યો.

“કદમ...આપણે ખૂબ જ રહસ્યમય દુનિયામાં આવી ગયા છીએ. અહીં બધું જ ભેદી લાગી રહ્યું છે. આપણને દેખાતા પ્રાણીઓ ખરેખર પ્રાણી છે કે માનવી છે તે સમજાતુ નથી. કદાચ તે પરગ્રહવાસી પણ હોઇ શકે...અહીં કશુંક રંધાઇ રહ્યું છે. કુદરતની બનાવેલી સુંદર ધરતીને તબાહ કરવાની કોઇ મોટી સાજીસ રચાઇ રહી છે. આપણે આપણા મકસદ સુધી આવી પહોંચ્યા છીએ. આપણે ખૂબ જ સાવધાન રહેવું પડશે. કદમ...આપણે આ વિચિત્ર પ્રાણીઓનું રહસ્ય શોધી કાઢવું પડશે...”

“પ્રલય...તારી વાતમાં વજૂદ છે. મને તો આ બધું કોઇ વૈજ્ઞાનિક કમાલ હોય તેવું લાગે છે...” વિનયે કહ્યું.

“પ્રલય..આપણે અત્યારે અહીંથી ચૂપચાપ નીકળી જવુ જોઇએ...”

“કદમ...આપણી આજુ-બાજુ એટલાં વિચિત્ર પ્રાણીઓ એકઠાં થયેલ છે કે તે ધારે તો આપણને ગુફાની બહાર નીકળવા નહીં દે અને બહાર ભયાનક વરસાદ ચાલુ છે અને બીજું કે તેઓએ આપણે અત્યાર સુધી કોઇ જ નુકસાન પહોંચાડ્યું નથી...વિનય તું તારી રિર્વોલ્વર તૈયાર રાખજે...કદમ તું તારી છૂરી તૈયાર રાખજે...આપણે એકદમ સતર્ક રહેવું જોઇએ.

કેટલોય વખત તેઓ એમ ને એમ ગુફામાં બેસી રહ્યા.

વરસાદ ભયાનક રીતે તૂટી પડ્યો હતો. વીજળીના ચમકારા સાથે અચાનક ભયનાક ગર્જણ થતી હતી. ગર્જનાના અવાજ સાથે જ અંદર બેઠેલા વિચિત્ર પ્રાણીઓ ચિચિયારી કરતાં હતાં, પ્રલય કદમ અને વિનયની આંખો ધીરે ધીરે અંધકારમાં જોવા માટે ટેવાઇ ગઇ હતી. પણ પછી રાત્રીના અધકારના ઓળા ઊતરી આવતાં, ગાઢ અંધકાર અને ધુમ્મસ છવાઇ ગયું. ખોફનાક વાતાવરણમાં ટાપુ પર વિચિત્ર પ્રાણીઓ વચ્ચે તેઓ જીવતા બેઠા હતા તે પણ વિચિત્ર વાત હતી.

ગુફાની અંદર લઇ આવનાર વાનરને મળતું આવતું તે વિચિત્ર પ્રાણી જંગલમાંથી જાત-જાતનાં ફળો લઇ આવ્યું અને ત્રણની સામે મૂકી દીધાં.

ત્રણેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેથી તેઓ ચૂપ-ચાપ ફળો ખાવા લાગ્યા.

‘મને લાગે છે. આપણી રાત આજ ગુફામાં વિચિત્ર જાનવરોની સાથે જ વીતશે...’’ ફળનો ટુકડો મોમાં નાખતાં વિનયે કહ્યું.

“હા, યાર...હવે બહાર જંગલમાં જવાનો કોઇ જ મતલબ નથી. આ ખોફના જંગલમાં રાત્રી વિતાવવા માટે આપણે સુરક્ષિત જગ્યા શોધવી મુશ્કેલ છે. હજુ વરસાદ ચાલુ છે અને રાત પણ પડવા આવી છે...” ચારે તરફ નજર ફેરવતાં પ્રલય બોલ્યો.

ફળનો આહાર કરી તેઓ ગુફાના મોં પાસે આવ્યા અને વરસતા વરસાદનું પાણી ખોબામાં લઇ પીવા લાગ્યા. પાણી પીને તેઓ ગુફામાં મોં પાસે ઊભા હતા. ત્યાં જ પેલો રીંછને મળતો આવતું પ્રાણી તેઓની નજીક આવ્યું અને કદમનો હાથ પકડીને ગુફાની અંદર આવી જવાનો સંકેત કર્યો.

તે પ્રાણી કૂદતું-કૂદતૂં બે પગે ચાલતું હતું તેણે એક હાથે કદમનો હાથ...પકડ્યો હતો અને બીજો હાથ નીચેની તરફ લટકતો હતો. તેનું મોં આગળની તરફ ઝૂકી જતું હતું.

ત્રણે જણ દહેશત સાથે તેની સામે જોતાં-જોતાં અંદર ચાલ્યા.

“ભાઇ કદમ...હલાલ થવા તૈયાર રહેજે, મને લાગે છે તું તેને ગમી ગયો છો. પહેલા તારો જ વારો છે.”

“પ્રલય...આને સમજાવ કે મારા કરતાં તો તારામાં લોહી-માંસ ઘણું છે. પહેલાં તને જ હલાલ કરે...” હસી પડતાં કદમ બોલ્યો..

‘બંનેની જોડી ખૂબ જ સરસ લાગે છે.’ વિનય પણ હસી પડ્યો.

“સાચી વાત છે. મારો મોબાઇલ ક્યાંક પડી ગયો. નહીંતર ફોટા લઇ લેત તો જરૂર આ જાનવર સાથે કદમને ફિલ્મ જગતમાં કામ મળી રહેત...” પ્રલય બોલ્યો અને આટલા ગંભીર વાતાવરણમાં પણ ત્રણે ખડખડાટ હસી પડ્યા.

ગુફાની અંદર એકઠાં થયેલાં તે વિચિત્ર પ્રાણીઓને અત્યાર સુધી કોઇ જ નુકસાન પહોંચાડ્યું ન હતું, છતાં ત્રણે સાવધાન હતા. ગમે તેમ તોય તેઓ અજાણ્યા હતા અને વિચિત્ર પ્રાણીઓ વીફરી પડે તો, હુમલો કરે તો નક્કી ન કહી શકાય.

ત્રણે ગુફામાં આવી બેઠા.

કદમે ખિસ્સામાંથી માચીસ કાઢીને દીવાસળી સળગાવી.

પ્રકાશમાં તેઓએ જોયું તો એક ચિત્તાને મળતું. આવતું પ્રાણી ગુફાના મોં પાસે ઊભું રહી ગયું હતું. તેના સિવાયમાં બધા જ પ્રાણીઓ તેઓની સામે બેઠાં હતાં અને વિચિત્ર બડબડાટ કરતા હતાં.

અચાનક ત્રણે ચમકી ગયા.

વાનરને મળતું આવતું તે વિચિત્ર પ્રાણી અચાનક તૂટેલી-ફૂટેલી અંગ્રેજી ભાષામાં બોલ્યું, “અરે આ તો આપણા જેવા જ માનવ પ્રાણી છે”

“હેઇ...હેઇ...ચૂપ કર...” એક વાઘને મળતું આવતું ભયાનક પ્રાણી નાક પર આંગળી રાખીને બોલ્યું. તેનો અવાજ ઘોઘરો અને ગુફાના ઊંડાણમાંથી આવતો હોય તેવો લાગ્યો.

જંગલી પ્રાણીઓને તૂટેલી-ફૂટેલી અંગ્રેજી ભાષામાં બોલતાં જોઇને ત્રણે આશ્ચર્ય સાથે ઊછળી પડ્યા.

“આપણે ભગવાને તેમને પણ આપણા જેવા જ બનાવ્યા છે.” બીજું એક પ્રાણી બોલ્યું, જે કૂતરાને મળતું આવતું હતું.

ત્રણે જણ આશ્ચર્ય સાથે પ્રાણીઓને બોલતા જોઇ રહ્યા. તેઓ માટે તો આ બધું દુનિયાની આઠમી અજાયબી જેવું લાગતું હતું.

“ચાલો...સૌ મળીને આમને આપણો કાયદો શિખવાડીએ.” એક ગોરીલા જેવું પ્રાણી માનવ બોલ્યું.

ત્યારબાદ સૌ ઊભા થયા અને કદમ, પ્રલય, વિનયને ફરતા ગોળ રાઉન્ડમાં ઊભા રહ્યા અને પછી ઠેકડા મારી-મારીને ગાવા લાગ્યા.

“ચારે પગે ચાલવું નહીં, એ અમારો કાયદો છે.”

“માસં અમે ખાશું નહી, એ અમારો કાયદો છે”

“માણસને અમે હેરાન કરશું નહીં એ અમારો કાયદો છે”

“આપણે માનવ છીએ...આપણે માનવ છીએ...”

“નથી આપણે જાનવર...નથી આપણે જાનવર...”

બધાં જ વિચિત્ર પ્રાણીઓ ઠેકડા મારતાં હાથ ઊંચા નીચા કરતાં ગોળ-ગોળ ફરતાં ગાવા લાગ્યાં.

કદમને મઝા આવી ગઇ. તે પણ ઊભા થઇને સૌ સાથે નાચતો-નાચતો રાગડા તાણવા લાગ્યો. કદમને પોતા સાથે નાચતો જોઇ બધાં જ વિચિત્ર પ્રાણીઓ જોશમાં આવી ગયાં અને જોર-જોરથી ગાવા લાગ્યાં.

“હલકું કામ કરવું નહીં એ અમારો કાયદો છે.”

“માલિકનું કહ્યું માનવું એ અમારો કાયદો છે”

“મોરીસ આપણા ભગવાન છે. મોરીસ આપણા ભગવાન છે.”

ગીતનો કોરસ મોડી રાત સુધી ચાલતો રહ્યો. વરસાદ હજુ ચાલુ હતો. તેથી વાતાવરણ ઠંડુંગાર જેવું બની ગયું હતું. બનતા બનાવો એટલા બધા વિચિત્ર હતા.કે તેઓ કંઇ દુનિયામાં પહોંચી ગયા છે, તેનો કદમ,પ્રલય અને વિનયને ખ્યાલ ન આવ્યો, એક વાત તેઓને વિચિત્ર-પ્રાણીઓના ગીતમાંથી સમજાઇ. ‘મોરીસ...’ એ નામ તેઓ માટે નવું હતું પણ આ બધા ષડયંત્રનો સૂત્રધાર મોરીસ નામનો માનવી જ હોય તેવું લાગતુંહતું.

ત્રણે એકદમ થાક્યાહતા. તેઓની આંખો ઘેરાતી હતી. પોતાની જાતને ભગવાનને ભરોસે મૂકી તેઓ તે વિચિત્ર પ્રાણીઓની આજુબાજુમાં જ લંબાવ્યું અને નિદ્રાધીન થઈ ગયા.

‘હેઈ..... હેઈ...’ વાનરને મળતું આવતું તે પ્રાણી ત્રણેને ફંફોળીને ઉઠાડતું હતું. ત્રણે જાગી ગયા અને આંખો ચોળતા-ચોળતા બેઠા થયા.

અત્યારે ગુફાની અંદર વાનર પ્રાણી સિવાય તેમની સાથે કોઈ જ ન હતું.

સવાર પડી હતી. વરસાદ બંધ થઈ ગયો હતો. ગુફામાં સૂર્યનો આછો પ્રકાશ ફેલાયેલો હતો. તેઓ ગુફાની ફર્શ પર રાત્રીના સૂતા હતા. વરસાદનું પાણી ગુફાની અંદર આવતું હોવાથી તેઓ ગારાથી લથપથ થઈ ગયા હતા.

તેઓ ગુફાની બહાર આવ્યા અને બાજુમાં વહેતા ઝરણામાં સ્નાન આદિ ક્રિયા પતાવી. વાનર જેવું તો પ્રાણી સૌ માટે ફાળો તોડીને લઈ આવ્યું.

થોડીવાર પછી તેઓની સામે ચાર માનવ પ્રાણી આવીને ઊભાં રહ્યાં અને પ્રલય... કદમ અને વિનયને નીરખી-નીરખીને વા લાગ્યાં અને અંદરો-અંદર ઘોઘરા અવાજે વાતો કરવા લાગ્યાં.

રાતના અંધકારમાં કોઈના ચહેરા બરાબર દેખાતા ન હતા. પણ અત્યારે આ વિચિત્ર પ્રાણીઓને જોઈને સૌના મનમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું.

***