Shoorveer in Gujarati Short Stories by Kanu Bharwad books and stories PDF | શૂરવીર

શૂરવીર

નમસ્કાર મિત્રો !! મારી પ્રથમ ટૂંકી વાર્તા આપ સમક્ષ મૂકતાં આનંદની લાગણી અનુભવું છું. આશા છે આપને પસંદ આવે.સાંજનો સમય હતો...સૂરજ થાકીને આરામ કરવા જઈ રહ્યો હતો...આકાશ ધીરેધીરે અંધારામાં ગરકાવ થતું હતું....એ જ ટાણે અચાનક બૂમ પડી, "દોડો....દોડો....આ જાય ..ચોર ..દોડો...કોઈ પકડો..." પોતાના ઘરના આંગણામાં બેઠેલા વિહાએ આ ચિસકાર સાંભળતા સાથે જ બાજુમાં પડેલી કોશોટા વાળી લાકડી હાથમાં લીધી ને, એક છલાંગે વંડી કૂદી ગયો.અવાજની દિશામાં દોડ્યો, જાણે છૂટ્યું તીર કમાનથી, ઘડીભરમાં તો ચોરની લગોલગ...લાકડીના એક પ્રહારથી ચોર ભોંય ભેગો."કેમ લ્યા,હૂ કામ આવ્યો તો ? તને મોતની બીક નથી ?" કહીને વિહો ચોરની પાસે ગયો.ચોર મોતના ભયથી અને લાકડીની વેદનાથી ધ્રૂજતો પડ્યો હતો.
" મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. હવે પછી તમાારા ગામમાં નહિ આવું." ચોરને મોત સામે દેખાયું એટલે કરગરવા લાગ્યો.
વિહા નામનો એક પડછંંદ યુુુુવાન...મૂછનો દોરો ફુટેલો.. રાતી આંખો...ભરાવદાર શરીર... ગામ આખામાં વિહાની વાહ!વાહ !થતી ,બહાદુરી અનેે હિંમત એના બાપની. ગામમાં એના નામની હાંક વાાગે. વિહો જેટલો લોઠકો એટલો જ દયાળુ.

વાત જાણે એમ હતી કે, એક નાનકડું ગામ, ચોફરતે જંગલ, દસેક ઘરનો માલધારીનો નેહડો વસે છે. માઠું વરસ છે,ઉનાળાના દિવસો છે,ગામમાંથી વીસેક જેટલી ગાયો ચોર ચોરી ગયા છે.માલધારીની સઘળી સંપત્તિ એમના ઢોર જ છે, આવા કપરા વરસ કાઢવાનો એક આધાર પણ છે. આખો નેહડો ચિંતાતુર છે.આમ ને આમ આપણા બધાં ઢોર ચોરાઈ જાશે તો ખાશું શું ? વિહા નામના યુવાને ગામની રક્ષા કરવાની જવાબદારી માથે ઉપાડી લીધી છે.વિહાનુ કુટુંબ એટલે એ અને એની વિધવા મા બે જ જણનો પરિવાર કારણ કે, વિહાના પિતા તો વિહો નાનો હતો ત્યારે જ ગુજરી ગયેલા. વિહાના પિતા નેહડાના મોભાદાર માણસ હતા અને બહુ ભલા વ્યક્તિ પણ ખરા એટલે વિહામાં પણ એ સંસ્કાર ઉતરી આવ્યા હતા.સત્તર - અઢાર વરસની કુમળી વયના આ યુવાને આખા ગામની ને ગાયોની રક્ષા કરવાની નેમ લીધી છે.

"સમી સાંજમાં ચોર આવે નહીં,નક્કી એનો ઇરાદો બીજો છે."વિહાએ મનોમન વિચાર્યું. ચોરનો સાચો ઇરાદો જાણવા વિહાએ ચોરને છોડી દીધો."જા આજે જીવતો જવા દઉં છું,ફરી ક્યારેય આ ગામનાં સીમાડે પણ દેખાતો નહિ." ચોર તો હાથમાં જીવ લઈને ભાગ્યો,જીવનદાન મળી ગયું આજે એમ સમજીને, પણ એને ખબર ના પડે એ રીતે વિહો એની પાછળ પાછળ જતો હતો.દૂર જંગલમાં ગુફા જેવી જગ્યાએ પેલો ચોર જઈને રોકાઈ ગયો.આજુબાજુ નજર કરી કોઈ જોતું નથી એની ખાતરી કરીને તે ગુફાની અંદર દાખલ થયો.ગુફામાં પંદર - વીસ ધાડપાડુ ચોરોની બેઠક હતી.પેલા ચોરે ગામની બધી માહિતી બીજા બધાં ચોરોને સંભળાવી.વિહાએ આ બધું જોયું અને વિચાર્યું કે આ ચોરોનો ઇરાદો મોટી ચોરીનો છે. વિહો ત્યાંથી પાછો આવ્યો નેહડે,બીજા ભાઈઓને આ વાત કરી.મધરાતનો સમય થયો...ચારેબાજુ નીરવ શાંતિ.... ક્યાંક તમરાનો અવાજ સંભળાય...તો ક્યાંક દૂર શિયાળોના રડવાનો અવાજ સંભળાય... બાકી સૂમસામ. થોડી વાર પછી પેલી ચોર ટુકડી ગામનાં બધાં ઢોરો ચોરી જવાને ઈરાદે નેહડામાં આવ્યાં.બધાં ઢોરો ઘરના આંગણામાં વાડો હોય તેમાં છૂટા જ મેલ્યા હોય એટલે ચોરોને આ ચોરી કરવામાં બહુ મહેનત પડે નહિ અને વધુ સમય પણ લાગે નહીં.

ચોરોએ એક સાથે પાંચ - સાત વાડાના દ્વાર ખુલ્લાં કર્યા ને ગાયોને લાકડી વડે હંકારી.. વિહો અને બીજા ચાર - પાંચ યુવાનો તૈયાર જ હતા લાકડીઓ લઈને.જેવા ગામની બહાર નીકળ્યા કે તરત જ ચોરોને ઘેરી લીધા.


ચોરો અને ગામનાં યુવાનો વચ્ચે ઘમસાણ ધિંગાણું.. ખેલાયું.અજવાળી રાત હતી ને રાતનો પાછલો પહોર લાકડીઓનો સતાસટી નો અવાજ દૂર સુધી સંભળાતો હતો. ખરાખરીનો જંગ જામ્યો હતો.પાંચ - સાત માલધારીના યુવાનો વીસ ચોરોને ભારે પડતા હતા. વિહાની લાકડીનો સૂમસૂમ્ અવાજ એની તાકાતનો પરિચય આપતી હતી. કેટલાકની લાકડીઓ તૂટી ગઈ તો કેટલાક લાકડીના પ્રહારથી હામ હારી બેઠા. જેને જીવ વહાલો હતો એ ભાગ્યા મેદાન છોડી.એક કલાકના ધિંગાણા પછી બધા ચોરો ભાગી છૂટયા હતા.બધી ગાયો પાછી વાળી લીધી.

નેહડા તરફ પાછા વળતાં કોઈ ગોવાળ બોલ્યો:" ગવરી ગાયની વાછરડી નથી." વાછરડી બારેક મહિનાની પણ ખાઈ ખાઈને અલમસ્ત,દેખાવડી તો એવી જાણે સ્વર્ગની કામધેનુ.વિહાએ બીજા ગોવાળોને કહ્યું, 'તમે આ ગાયો ને સાચવો હું આવ્યો ગવરીની વાછરડીને લઈને.' બીજા ગોવાળોએ ના પાડી પણ વિહો એકનો બે ન થયો.ગવરની વાછરડી દોડાદોડીમાં ડરીને દૂર જંગલમાં જતી રહી હતી. વિહો નીકળ્યો તેની શોધમાં.જંગલના રસ્તે ચાલ્યો જાય છે,પાછળથી એકી સામટી ત્રણ લાકડીનો પ્રહાર વિહા પર થયો.માથાની તમ્મર આવી ગઈ, આંખો સામે અંધારું છવાઈ ગયું, તે ધડામ કરતો જમીન પર પડ્યો.થોડી કળ વળતાં ઉભો થયો જોયું તો પેલા ચોર જ હતા.ફરી જંગ ખેલાયો, વિહો એકલો સામે ત્રણ જણાં. એકે એકને સુવડાવી દીધા.

માથામાં અસહ્ય દુઃખાવાના કારણે ચક્કર આવવા લાગ્યા, ત્યાં જ ઢળી પડ્યો. થોડીવારમાં વિહાનું પ્રાણ પંખીડું ઊડી ગયું.
આ તરફ નેહાડામાંથી બે યુવાનો વિહાની શોધમાં આવ્યા. તેમણે વિહાને ઉંચકી ગામમાં લાવ્યા.ગામ આખું ભેગુ થઈ ગયું.તેમનો રક્ષક,શૂરવીર તેમને છોડી ને ચાલ્યો ગયો છે.નેહડાની માથે શોકના વાદળો છવાઈ ગયા છે. વિહાની વિધવા મા પોતાના પુત્રની લાશ જોઈને સ્તબ્ધ છે.પોતાની ઘડપણની લાકડી છીનવાઈ ગઈ છે. આંખોમાંથી આંસુનું ટીપું પણ પડતું નથી કારણકે જ્યારે દુઃખનો આઘાત આકરો હોય ત્યારે રડી પણ શકાતું નથી, આંસુ સુકાઈ જાય છે ને હૈયું ચિરાઈ છે.


ગાયોની રક્ષા કાજે પોતાના જીવને અર્પણ કરી દેનાર શૂરવીર આજે પણ ગામને પાદરે પાળિયો બનીને પૂજાય છે.આજે પણ આ વીરની શૂરવીરતા અને સાહસના દાખલા દેવાય છે.ધન્ય છે તેની જનેતાને !!!!Share