vansh varas books and stories free download online pdf in Gujarati

વંશ વારસ

''પણ તને વાંધો શું છે આ ટેસ્ટ કરાવવામાં?? આપણને ખબર તો પડે આવનાર સંતાન પુત્ર છે કે પુત્રી???'' શીલાબહેને આ વાત તેની પુત્રવધુ નેહા ને કરી.

શીલાબહેનના પુત્ર જનકે નેહા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં, નેહા એક પૈસાદાર ઘરની દીકરી હતી અને જનક એક મધ્યમ વર્ગમાં ઉછરેલો. નેહા તેના પિતાની એકની એક પુત્રી હોવાથી અતિશય લાડકોડમાં ઉછરેલી પરંતુ સ્વભાવે એકદમ વિનમ્ર હતી.

જનક અને નેહાએ તેમના પરિવારની મરજી વિરુદ્ધ જઇને ભાગીને પ્રેમલગ્ન કર્યા હતાં કારણ કે નાત નું બંધન તેમના લગ્ન માં રુકાવટ નાખતું હતું. જનક એક ઉચ્ચ બ્રાહ્મણકુળના પુત્ર હતો જ્યારે નેહા પટેલ પરિવારમાંથી હતી તેથી તેમના પરિવારે લગ્નની મંજૂરી નહીં. જ્યારે બન્ને લગ્ન કરીને ઘેર આવ્યા શીલાબેનને એ જરાપણ નહોતું બન્યું એ પોતાના એકના એક પુત્રએ એની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. પરંતુ પુત્રની વાત માનવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કારણ કે જનક તેનો એકનો એક પુત્ર હતો. તો તેમણે મને કમને મને રાજી કરીને બેવને પોખીને ઘરમાં આવકાર આપ્યો.

બીજી બાજુ નેહા પણ પિતાના ઘરને છોડીને આ જનક સાથે લગ્ન કર્યા ત્યારે તેમના પિતા પણ ખુબ નારાજ થયેલ પરંતુ છેવટે તેમના પુત્રીની ખુશી સામે નમતું જોખેલું.

જનકના ઘરમાં તેના માતા પિતા અને તેની એક નાની બહેન રહેતા હતા. નેહા ધીમેધીમે તેની નણંદ અને સસરાનું દિલ જીતવામાં કામયાબ નીવડી પરંતુ તે કેમે કરીને તેની સાસુનું દિલ ના જીતી શકી. શીલાબહેનને હજુ એમ જ લાગતું હતું કે અને નેહા તેના દીકરાને ભોળવીને તેના વિરુદ્ધ ઉશ્કેરીને તેની સાથે લગ્ન કર્યા તેથી તેઓ તેને સતાવવાની એકેય તક જતી ના કરતાં.

આજે તો શીલાબહેને હદ કરી નાંખી, ભગવાનને નેહાને સારા દિવસો બતાવ્યા હતાં જનક અને નેહાનું પ્રેમનું પ્રતીક તેના ગર્ભમાં ઉછરી રહ્યું હતું. જ્યારે ચાર મહિનાની ગર્ભવતી નેહાની આગળ તેની સાસુએ ગર્ભ પરીક્ષણની વાત ઉચ્ચારી ત્યારે અંદરથી હચમચી ગયેલી તેણે સાસુને સમજાવવાના સ્વરે કહ્યું કે

''આપણી દીકરો આવે કે દીકરી શું ફર્ક પડે આજના સમાજમાં તો દીકરો કે દીકરી બંને એક સમાન છે.''

તો સાસુમાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ''મારે તો પૌત્ર જોઇએ, મહેતા ખાનદાનને આગળ ધપાવવા માટે વંશવારસ તો જોઈએ જ ને!''

અને નેહાથી આ વાત સહન ન થતા તે રૂમમાં દોડી ગઈ અને રડી પડી. અને સાંજે જ્યારે જનક ઘેર આવ્યો ત્યારે તેણે મેહાની આંખો જોઇને તેને પકડી પાડી તો તે આખો દિવસ રડી છે. અને તેણે નેહાને રડવાનું કારણ પૂછ્યું તો નેહાએ રડતા રડતા બધી વાત કહી સંભળાવી. જનક મોટા ભાગે સાસુ વહુના ઝઘડામાં પડતો નહીં કારણ કે એ ઝઘડાઓમાં મોટાભાગે ધર્મસંકટ તેની તરફ જ આવતું, એક તરફ જન્મ આપનારી મા અને બીજી તરફ બધું છોડીને પોતાની સાથે ચાલી નીકળેલી અર્ધાંગીની. પરંતુ આજે નેહાની વાત સાંભળીને બહુ લાગી આવેલ તેની પોતાની મા આવું વિચારી શકે? જે પોતે એક મા છે તે આવું વિચારી જ કેમ શકે?

તેણે નેહાને કહ્યું કે ચાલ માં સાથે આ વિશે હમણાં જ ચર્ચા કરી લઈએ, તો નેહાએ તેને કહ્યું કે ના હમણાં હજુ બધાને જમવાનું બાકી છે ચર્ચા જમીને પછી કરશું. જનકે સાંભળ્યું ના સાંભળ્યું તો નેહાનો હાથ પકડીને તેને દિવાન ખંડમાં દોરી ગયો.

દીવાનખંડમાં તેનાં મમ્મી પપ્પા અને તેની નાની બહેન બધા બેસેલા હતા તો બધાની વચ્ચે બેસીને જનકે વાતની શરૂઆત કરી, અને તેની મમ્મી શીલાબહેનને પૂછ્યું કે તેમણે જ નેહાને ગર્ભ પરીક્ષણ માટે વાત કરી હતી? તો જવાબમાં શીલાબહેને કહ્યું કે,

''હા બેટા મે જ કીધેલું ગર્ભ પરિક્ષણ માટે મહેતા કુટુંબની આ પેઢીનું પહેલું સંતાન પુત્ર હોય તેવી મારી ઇચ્છા છે.''

જનકે આ સાંભળીને શાંત ચિત્તે કહ્યું, ''શું તમે જાણો છો? કે ગર્ભપરિક્ષણ કરાવવું એ સજાપાત્ર ગુનો બને છે.''

તો શીલાબહેને કહ્યું, ''હું એક એવા ડૉક્ટરને જાણું છું જે આ બધા કામો છુપી રીતે કરે છે અને તેમાં કોઈ ખતરો નથી.''

''તો પછી ગર્ભમાં પુત્રી જણાય તો તમે શું કરશો?'' જનક એ પૂછ્યું.

''તો પછી અબોર્શ.. '' ત્યાં જ જનક બરાડી ઊઠયો, ''બસ મમ્મી આવું હલકું તમે વિચારી પણ કેમ શકો? આ અમારું પ્રથમ સંતાન છે અને તે પુત્ર જોઈએ કે પુત્રી તે અમને નક્કી કરવાની સ્વતંત્રતા આપશો?''

''પણ બેટા મહેતા કુટુંબમાં વંશવારસ તો જોઇએ ને?''

''તો અહીં એવી કઇ સંપત્તિ ઉછાળા મારે છે કે તેને સાચવવા માટે તમારે વંશવારસ જોઇએ? રહી વાત વંશવારસની તો શું પુત્રી અવતરશે તો મહેતા કુટુંબનું નામોનિશાન પૃથ્વી પરથી મટી જશે?''

હમેશા સૌમ્ય રહેતા જનકના કડક વર્તનથી બધા સ્તબ્ધ થઈ ગયાં, જનકે પાણી પીને આગળ ઉમેર્યુ કે,

''પહેલાના જમાનામાં લોકો પાસે જે સંપત્તિ હતી તેના કરતાં પણ વધુ તેમની પાસે જે કૌશલ્ય, બુદ્ધિ, આવડત અને ચતુરાઈ હતી તેને આગળ ધપાવવા માટે વંશવારસ જોઈતાં હતાં. સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર પેઢીને આગળ ધપાવવાનું મતલબ તમારી પાસે જે કૌશલ્ય, આવડત બુદ્ધિ ચતુરાઈ છે તે આગળની પેઢીમાં ધપાવવો કે તમારા પછી એ આવડત હણાઈ ન જાય તે પછી પુત્ર હોય કે પુત્રી બેવને આપી શકાય. જો બધા લોકો તમારા જેવું વિચારીને પુત્રીઓની ભ્રૂણ હત્યા કરતા રહેશે તો આ સમાજ આગળ કઈ રીતે વધશે?''

આવનારા બાળકના પિતા તરીકે અમારું અડગ વલણ છે કે આવનાર બાળક જે હોય તે મને મંજૂર છે. માટે તમે પણ તેના ગર્ભમાં જે કંઈ પણ પુત્ર કે પુત્રી ઉછરી રહ્યું છે તેને આવકારવા માટે તૈયાર થઈ જાઓ.

શીલાબેનને પહેલીવાર તેની ભૂલ સમજાઈ અને તે સજળ નયને તેના પુત્રમાંથી પિતા બનતા પોતાના પુત્રને જોઈ રહ્યા, જાણે આંખોથી જ પુત્રની માફી માંગતા હોય.