Ardh Asatya - 2 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 2

અર્ધ અસત્ય. - 2

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨

પ્રવિણ પીઠડીયા

સુરત-વડોદરા નેશનલ હાઈવે ઉપર ભરૂચ પહોંચો એ પહેલા અંકલેશ્વર વટતા પૂર્વ દિશામાં એક પાકો રસ્તો ફંટાય છે. એ રસ્તે લગભગ વીસેક કિલોમિટર અંદર રાજગઢ સ્ટેટનું પાટિયું આવે, અને ત્યાંથી ડાબા હાથ બાજુ વળો એટલે રાજગઢની હદ શરૂ થાય. રાજગઢ મુળ તો ભારતની આઝાદી પહેલાનું રજવાડું. આઝાદી પછી અખંડ ભારતમાં વિલીનીકરણ પામેલું રાજગઢ આજે ય તેની આન, બાન અને શાન સાથે ધબકી રહ્યું હતુ. તેનું કારણ રાજગઢના રાજવીઓ હતા. વિલીનીકરણ બાદ ભારતના મોટાભાગના રાજવીઓએ જ્યારે વિદેશગમન કરવાનું અને ત્યાંજ સેટલ થવાનુ પસંદ કર્યુ હતુ ત્યારે રાજગઢ જેવા અમુક રાજ-પરીવારોએ ભારતમાં જ રહેવાનુ સ્વીકાર્યુ હતુ. અહી આટલો વિશાળ કારભાર છોડીને વિદેશ કે અન્ય કોઇ સ્થળે જવાનુ તેમને યોગ્ય લાગ્યું નહોતુ. એ કારણે રાજગઢની શેરીઓ આજે પણ જીવંત ભાસતી હતી. આઝાદી સમયે રાજગઢ ઉપર ઠાકોર વિક્રમસિંહનુ શાસન હતુ. વિક્રમસિંહના શાસનમાં રાજગઢે ભારે તરક્કી કરી હતી. ભારતના મહત્વના રાજ-પરીવારોમાં રાજગઢના ઠાકોર વંશનો ભારે દબદબો હતો. રાજગઢની ગણના અતી સમૃધ્ધ અને શક્તિશાળી સ્ટેટ તરીકે થતી.

ઠાકોર વિક્રમસિંહને સંતાનમાં એક જ પુત્ર હતો, અને એ હતો પૃથ્વીસિંહ. પૃથ્વીસિંહના લગ્ન અઢાર વર્ષની નાની ઉંમરે લેવાયા હતા કારણકે ઠાકોર ખાનદાનમાં નાની ઉંમરે લગ્ન કરવાનો શિરસ્તો હતો. છવ્વીસ વર્ષની ઉંમર થતા સુધીમાં તો પૃથ્વીસિંહ પાંચ સંતાનોના પિતા બની ચૂકયા હતા. એ પછી રાજગઢનો ઇતિહાસ દિલચસ્પ રહ્યો હતો.

લગભગ હજારેક ખોરડાઓને પોતાનામાં સમાવતા રાજગઢને તમે એક નાનકડું શહેર જ ગણી શકો. રાજગઢની ભાગોળે રાજ-પરીવારની વિશાળ જગ્યામાં પથરાયેલી એકસરખી પાંચ મોટી હવેલીઓ હતી. એક જ લાઇનમાં ચણાયેલી પાંચમાંથી પહેલી, બીજી અને પાંચમી હવેલીમાં અત્યારે રાજ-પરીવારના હયાત સભ્યો રહેતા હતા, જ્યારે ત્રીજી અને ચોથી હવેલીઓ બંધ પડી હતી. એ હવેલીઓની પાછળ જંગલ વિસ્તાર હતો.

ત્રીસ વર્ષના ઠાકોર અનંતસિંહ અત્યારે બીજા નંબરની હવેલીની મધ્યમાં ઉભા રહીને મહેલમાં કામ કરતા કારીગરોને સુચનાઓ આપી રહ્યા હતા. તેઓ હાલમાં જ અમેરિકાથી પરત આવ્યા હતા અને પોતાની પુસ્તેની હવેલીની ખસ્તા હાલત જોઇને તેના રીનોવેશનમાં જોતરાયા હતા. દરેક વસ્તુ ચૂસ્ત, દુરુસ્ત અને પરફેક્ટ હોવી જોઇએ તેનો એવો આગ્રહ હંમેશા રહેતો. પછી ભલે એ વ્યવસાય હોય, સંબંધ હોય, શરીર હોય કે કોઇ મિલ્કત હોય. બધુ જ એકદમ વ્યવસ્થિત રાખવું ગમતું તેમને. એટલે જ અમેરિકાથી મુંબઇ, અને ત્યાથી અહી આવ્યાનાં ત્રીજા દિવસેથી જ પોતાની હવેલીની મરમ્મતમાં જોતરાઇ ગયા હતા. સૌથી પહેલા તેમણે હવેલીના ગ્રાઉન્ડ-ફ્લોરનું રીનોવેશન હાથ ધર્યું હતુ. રીનોવેશનનુ કામ તેમણે રાજગઢના જ એક કોન્ટ્રાકટર દેવજી ગામીતને સોપ્યું હતુ. અનંતસિંહ અને ગામીત અત્યારે હવેલીના મુખ્ય દિવાનખંડમા આટા મારી રહ્યા હતા.

“ગામીત, સૌથી પહેલા આ ચિત્રોને વ્યવસ્થિત રીતે નીચે ઉતારવાની વ્યવસ્થા કરો. જોજો, તેમાનું એકપણ ચિત્ર ડેમેજ ન થાય!“ અનંતસિંહે દિવાનખંડની દિવાલે લટકતા ભવ્ય તૈલી ચિત્રો તરફ ઇશારો કરીને ગામીતને સુચના આપી.

“જી, એ થઇ જશે. તમે ફિકર ન કરો.“ ગામીતે જવાબ આપ્યો. એ દરમ્યાન અનંતસિંહ એ ચિત્રો તરફ વળ્યો હતો. દિવાનખંડની એક તરફની દિવાલ તેના વડવાઓના ભવ્ય તૈલી ચિત્રો વડે સજાવવામાં આવી હતી. મોટા આદમકદના ચિત્રોની કારીગીરી બેનમૂન હતી. અનંતના દાદા, પરદાદા અને એમના પણ દાદાના ચિત્રો વ્યવસ્થિત રીતે એક દિવાલે લટકાવામાં આવ્યા હતા. અનંત એ ચિત્રોને ધ્યાનથી જોઇ રહ્યો. તેની નજરો સમક્ષ ઠાકોર ખાનદાનનો ભવ્ય ભૂતકાળ તરવરવા લાગ્યો. તે તેના પરદાદા વિક્રમસિંહ સુધી બધાને ઓળખતો હતો, એ પછીની પેઢીઓ ફક્ત તેણે ચિત્રોમાં જ જોઇ હતી. એક પછી એક ચિત્રો નિરખતો તે આગળ વધતો ગયો. અચાનક તેના દાદા પૃથ્વીસિંહના ચિત્ર આગળ આવીને તે ઠઠકીને ઉભો રહી ગયો. પૃથ્વીસિંહ.. તેના દાદા, કેવા પ્રભાવશાળી દેખાતા હતા. મનોમન તેનાથી દાદાની પ્રશંસા થઇ ગઇ. સોનાના વરખથી સુશોભિત ખુરશીમાં લાલ મલમલની મુલાયમ ગાદી જડેલી હતી. તેની ઉપર પૃથ્વીસિંહ શાનથી બેઠા હતા. માથે કિંમતી સાફો પહેરેલો હતો અને પગમાં અણીયાળી મોજડી હતી. આછા સોનેરી અને ક્રિમ રંગના અદભૂત મિશ્રણથી બનેલા જોધપુરી સૂટમાં તેમની પ્રતિભા ઓર નિખરી ઉઠી હતી. ઠાકોર પરીવારના પુરુષોનો જન્મજાત રૂપાળા કહી શકાય એ કક્ષામાં સમાવેશ થતો. એ ન્યાયે પૃથ્વીસિંહ પણ એટલા જ હેન્ડસમ દેખાતા હતા. તેમનો એક હાથ અણીયાળી મુછો ઉપર તાવ દઇ રહ્યો હતો જ્યારે બીજા હાથમાં સોનાની મુઠ વાળી તલવાર પકડેલી હતી. અનંતને તેના દાદા પૃથ્વીસિંહ બહુ જ ગમતા. જ્યારે તેનો જન્મ પણ નહોતો થયો ત્યારે તેઓ ક્યાંક ચાલ્યા ગયા હતા.. અથવા તો એકાએક ક્યાંક ગુમ થઇ ગયા હતા એવુ સાંભળ્યુ હતુ તેણે. ખરી હકીકત તો હજુ સુધી તેને ખબર નહોતી કારણકે એ બાબતમાં ક્યારેય તેણે કોઇને પ્રશ્નો કર્યા જ નહોતા.

નાનો હતો ત્યારે એટલી સમજણ નહોતી અને મોટા થયા પછી ગ્રેજ્યુએશન કરવા પિતાજીએ અમેરિકા મોકલી આપ્યો હતો. અમેરિકામાં ભણીને સેટલ થયા બાદ આજે વર્ષો પછી તે ભારત આવ્યો હતો. તેના પિતાજી, એટલે કે ઠાકોર ભૈરવસિંહે થોડા વર્ષો પહેલા મુંબઇમાં પોતાનો બીઝનેસ જમાવ્યો હતો અને મમ્મી સાથે તેઓ ત્યાં શિફ્ટ થઇ ચૂક્યા હતા. અમેરિકાથી પહેલા મુંબઇ, અને ત્યાંથી તે પોતાના રાજ્ય રાજગઢમાં આવ્યો હતો. ગણતરી એ હતી કે થોડો સમય તે રાજગઢમાં આરામથી રહેશે અને પછી પાછો અમેરિકા ચાલ્યો જશે. પરંતુ અહી આવ્યા બાદ હવેલીની હાલત જોઇને તેણે તેની મરમ્મતનું કાર્ય ઉપાડયું હતુ. તેમાં દાદાજીનું ચિત્ર જોઇને તે કોઇ અલગ જ વિચારે ચડી ગયો હતો. અનાયાસે જ તેને પોતાના દાદાજી વિશે જાણવાનુ મન થયુ. તે દાદાના ચિત્ર સામે ઉભો હતો અને અપલક નજરે દાદાની આંખોમાં જોઇ રહ્યો હતો. આંખોથી જ એ ચિત્રને જાણે પુછી રહ્યો હતો કે આખરે તમે ક્યાં ચાલ્યા ગયા? શું છે તમારી ગુમશુદગીનું રહસ્ય?

“ગામીત..” અચાનક તેણે બુમ પાડીને દેવજી ગામીતને બોલાવ્યો. ગામીત કોઇ કારીગરને કશુક સમજાવી રહ્યો હતો. અનંતસિંહનો અવાજ સાંભળીને તે દોડતો નજદીક પહોંચ્યો.

“જી માલિક!” ગામીત અનંતસિંહ કરતા ત્રણેક વર્ષ નાનો હતો અને ગળથૂથીમાંથી જ તેને મોટા લોકોને માલિક કહીને સંબોધવાની આદત પડી ગઇ હતી એટલે તેણે અનંતસિંહને પણ એ રીતે જ સંબોધ્યા.

“કામ તુરંત અટકાવી દો. અને આપણાં રાજગઢની પોલીસ ચોકીનુ સરનામું આપો?” અનંતસિંહના મનમાં એક નિર્ણય આકાર પામતો હતો. સાવ અચાનક, અને અનાયાસે જ તેને પોતાના દાદાની ભાળ મેળવવાની જીજ્ઞાસા સળવળી ઉઠી હતી.

ગામીતને સમજ ન પડી. તે મોં વકાસીને અનંતસિંહને જોઇ રહ્યો. “કોઇ ભૂલ થઇ ગઇ માલિક? આમ અચાનક કેમ કામ રોકાવા માંગો છો?”

“અરે.. એવુ કંઇ નથી ગામીત. હવેલીનું રીનોવેશન તો થશે જ, પરંતુ થોડો સમય એ મુલતવી રાખવુ પડશે. અને તું ઉપાધી કરતો નહી, કામ તો તારી પાસે જ કરાવીશ. ફિલહાલ આ કામ અહી જ રોકાવી દે અને મને આપણા રાજગઢની પોલીસ ચોકીનું સરનામું આપ” અનંતે તેને ધરપત આપતા કહ્યુ.

“પોલીસ ચોકી! આપણા રાજગઢમાં તો ક્યારેય પોલીસ ચોકી હતી જ નહી, અને આજેય નથી.” ગામીતે ધડાકો કર્યો.

“શું વાત કરે છે? તો પછી કોઇ જરૂરીયાત ઉભી થાય ત્યારે લોકો ફરીયાદ ક્યાં લખાવા જાય છે? આઇમીન, આજુબાજુમાં ક્યાંક તો પોલીસ સ્ટેશન હશે જ ને!” અનંતને ગામીતની વાત સાંભળીને આશ્વર્ય ઉદભવ્યુ. કોઇ શહેરમાં પોલીસ સ્ટેશન જ ન હોય એ પહેલી વખત તેણે સાંભળ્યુ હતું.

“છે ને, રાજપીપળામાં મોટુ પોલીસ સ્ટેશન છે. રાજગઢમાં જો કોઇને કંઇ ફરીયાદ હોય તો બધા ત્યાં ચાલ્યા જાય છે.”

“ઓહ, એમ! તો ચાલ, આપણે અત્યારે જ રાજપીપળા જવું છે.” અનંતસિંહે વાતને વધુ લાંબી થતા રોકવા ગામીતને સાથે આવવા જણાવ્યુ. ગામીત માટે આ નવીન હતું. મોટા માણસોના વિચિત્ર સ્વભાવ વિશે તેણે ઘણું સાંભળ્યુ હતુ પરંતુ આજે એનો પ્રત્યક્ષ અનુભવ પણ થઇ રહ્યો હતો.

“ઠીક છે માલિક, જેવી આપની ઈચ્છા. હું કારીગરોને રજા આપી દઉં પછી નિકળીએ.”

“ સારું, ઉતાવળ કરજે પણ” અનંતસિંહે તાકીદ કરી અને ગામીતને રવાના કર્યો. તે ફરી પાછો દાદાના તૈલી ચિત્ર સન્મૂખ થયો.

એક સત્ય, જે વર્ષોથી રાજગઢની હવાઓમાં તરફડતું હતું એ અજાણતા જ સળવળીને બેઠું થવાની તૈયારીમાં હતું. અનંતસિંહની જીજ્ઞાસાએ એ સત્યને ચિંગારી ચાંપી હતી.

@@@

અભય તેના બુલેટ ઉપર સવાર થયો અને ઓટો-સ્ટાર્ટનું બટન દાબ્યું. “ભખ..ભખ..ભખ...” ના મીઠા અવાજે બુલેટ સ્ટાર્ટ થયુ. તે થોડા દિવસો માટે પોતાના ગામ રાજગઢ જઇ રહ્યો હતો.

( ક્રમશઃ )

Rate & Review

Natvar Patel

Natvar Patel 4 days ago

Sukhram Gondaliya

Sukhram Gondaliya 3 months ago

Dolly Patel

Dolly Patel 7 months ago

Binduba Lodha

Binduba Lodha 7 months ago

ritesh dodhia

ritesh dodhia 7 months ago