Ardh Asatya - 6 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 6

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬

પ્રવિણ પીઠડીયા

આ પ્રકારનો આ પહેલો અકસ્માત નહોતો. શહેરમાં પહેલા પણ ઘણાં અકસ્માતો સર્જાયા હતા અને એ અકસ્માતો પોલીસ ચોપડે નોંધાયા પણ હતા. પરંતુ આ કિસ્સામાં નવીન હતું તો માત્ર એટલું જ કે આ વખતે એક પોલીસ ઓફિસરનું નામ આમાં સંડોવાયું હતું. ભાગ્યે જ ક્યારેક આવું બનતું હોય છે અને બંસરીને ક્યારની આ વાત જ ખટકતી હતી! આટલા વર્ષોમાં ક્યારેય નહી ને આજે પહેલીવાર કેમ આટલો બધો ઉહાપોહ મચ્યો છે? તેણે પોતાનું મગજ કસવાનું શરૂ કર્યું. એક કારણ તરત તેનાં ધ્યાનમાં આવ્યું કે આ વખતે અકસ્માતની ભયાનકતા વધારે હતી, ઉપરાંત અકસ્માત સ્થળે મિડીયાની ઉપસ્થિતિએ પણ કેસને મજબુત બનાવ્યો હતો. એવા સમયે પોલીસ પોતાની નાકામિયાબી ઢાંકવા કેવો વ્યવહાર કરતી હોય છે એનો થોડોઘણો ખ્યાલ તો તેને પણ હતો જ.

સરકાર જ્યારે કોઇ નવો કાયદો ઘડે છે ત્યારે એ કાયદાના અમલ માટે ખાસ વ્યવસ્થા ગોઠવતી જ હોય છે. એ ન્યાયે સુરત શહેરમાં પણ ભારે વાહન બંધીનો સમય મુકર્રર કરાયો હતો અને તેના અમલની જવાબદારી જે તે વિસ્તારની પોલીસ ચોકીઓમાં વહેંચી દેવામાં આવી હતી. હવે પોલીસ જો પોતાનું કામ ચોકસાઈ અને મુસ્તેદીથી કરતી હોય તો એ શક્ય જ નથી કે શહેરનાં એક પણ એન્ટ્રી પોઈન્ટથી ગેરકાયદે કોઈ વાહન અંદર પ્રવેશી શકે. છતાં વાહનો બેફામ રીતે શહેરને ધમરોળતા હતા. એનો મતલબ સાફ હતો કે ક્યાંક કોઈક જગ્યાએ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. પોલીસખાતુ “વ્યવહાર” કરીને આંખ આડા કાન કરતુ હતું એ કોઇને જણાવાની જરૂર નહોતી.

બંસરી પોતાના જ વિચારોથી થડકી ઉઠી. ભયંકર આશંકાઓથી તેનુ મન વ્યગ્ર બન્યું. સાથોસાથ એક ડર પણ ઉદભવ્યો કે શું તે આ સિસ્ટમ સાથે બાથ ભીડી શકશે? અભય બેગુનાહ છે એવી કોઈ પાક્કી ખતરી તેને નહોતી. આ કેસમાં એકલો અભય જ નહીં પરંતુ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ શંકાના દાયરામાં ઘેરાયેલું હતું. કેસની ગંભીરતા તેને વિચલીત કરતી હતી. ઘડીક તો તે અપસેટ થઇ ગઇ. તેણે આંખો બંધ કરીને એક ઉંડો શ્વાસ લીધો. બંધ પાપણો પાછળ તેના મોટાભાઈ રમણ જોષીનો ચહેરો ઉદભવ્યો અને જાણે એકાએક તેની તમામ દુવિધાઓ સમાપ્ત થઇ ગઇ. મોટાભાઈએ ગમે તેવા ગંભીર કેસોમાં પણ આજ સુધી ક્યારેય પીછેહઠ કરી નહોતી તો પછી એમની જ બહેન થઇને તે ડરી જાય એ કેમ બને! મનમાં એક મક્કમ નિર્ધાર જનમ્યો કે હવે ભલે જે થવાનું હોય એ થાય, પરંતુ જ્યાં સુધી આ કેસની સત્ય હકીકત તે દુનીયા સમક્ષ લાવશે નહી ત્યાં સુધી જંપીને બેસશે નહી. ફરીથી એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને શરૂઆત ક્યાંથી કરવી એ વિચારમાં તે ખોવાઈ.

સૌથી પહેલાં તો એ અકસ્માત સર્જનાર ડ્રાઇવર કે પછી ટ્રકનાં માલિક વિશે જો કંઇ જાણવાં મળે તો વાત આગળ વધી શકે. અને એ માટે ટ્રક ડ્રાઇવરને શોધવો જરૂરી હતો. ઓફિસેથી નીકળીને તેણે ડ્રાઇવર વિશે જાણવા પોલીસ ચોકીની રાહ પકડી.

***

“એને તું મારી જીજ્ઞાસા ગણ કે પછી એક પૌત્રની તેનાં દાદા વિશે જાણવાની ઉત્કંષ્ઠા. મારું રાજગઢ આવવું અને દાદાના ચિત્રને જોઈને વિચલીત થવું એ સ્વાભાવિક તો નહોતું જ. ખબર નહીં કેમ પણ અચાનક મને થયું કે મારે દાદાની શોધખોળ કરવી જોઇએ અને હું પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. કોઈ જ પૂર્વ-તૈયારી વગર ઉઠાવેલુ એ પગલું હતું. ત્યાંથી જાણવા મળ્યું કે રેકોર્ડ્સ તો બે વર્ષ પહેલા બળી ગયા હતાં અને જે બાકી બચ્યું હતું તેને ભરૂચ મોકલી આપવામાં આવ્યું હતું. હું દ્વિધામાં પડયો હતો કે ક્યાંક આ મારી ખોટી મહેનત તો નથીને! બસ.. એ વિચારે મેં ભરૂચ જવાનુ માંડી વાળ્યું હતું અને પાછા આવતાં તારી સાથે અકસ્માત કરી બેઠો હતો.” અનંતસિંહે પોતાની કેફિયતથી અભયને વાકેફ કર્યો. તેઓ અત્યારે દિવાનખંડમાં સોફા ઉપર બેઠા હતા અને વિષ્ણુસિંહની હવેલીએથી આવેલો નોકર તેમના માટે કોફી બનાવી રહ્યો હતો.

અભય હવે ઘણું સારું મહેસૂસ કરતો હતો. તેને પોતાને આશ્વર્ય થતુ હતું કે તે બેહોશ કેમ કરતા થયો? આટલો અશક્ત તો તે ક્યારેય હતો નહી. પરંતુ આખરે જે થયુ એ સારું થયુ હતું. એ અકસ્માતે નાનપણનાં જીગરી દોસ્ત અનંતનો ભેટો કરાવ્યો હતો અને એ બહાને તેની દુવિધા વિશે પણ જાણી શકાયુ હતું.

“મને લાગે છે કે ભરૂચમાં તારે તપાસ કરવી જોઇએ. શક્ય છે કે પૃથ્વીસિંહની ફાઈલ આગમાં બચી ગઇ હોય, અથવા તો એ વિશે બીજી કોઇ જાણકારી મળી શકે. આટલાં વર્ષો વિતિ ગયા પછી આ બધી કસરત કરવાનો કોઇ અર્થ ભલે તને ન દેખાતો હોય પરંતુ કોશિશ કરવામાં કોઇ હર્જ નથી.” અભયે જે સત્ય હતુ એ કહ્યું કારણકે તેને પણ એમ જ લાગતુ હતું કે એક સમયના અંતરાળ બાદ ઘણુંબધુ બદલાઈ જતુ હોય છે.

“ખરેખર તો મને એ સમજાતુ નથી કે મારે આ મામલામાં ઉંડું ઉતરવુ જોઈએ કે નહીં?” અનંતસિંહ કોફીનો ગરમાગરમ ઘૂંટ ગળા હેઠે ઉતારતા બોલ્યાં અને અભય સામે જોયું. અચાનક તેમને એક ઝબકારો થયો. “તું આ મામલામાં મારા વતી તપાસ કેમ નથી કરતો?”

“મતલબ?” અભયને તરત કંઇ સમજાયું નહી. તેણે કોફીનો મગ ટિપોઈ ઉપર મુક્યો અને અનંતસિંહ શું કહેવા માંગે છે એમાં ધ્યાન પરોવ્યું.

“મતલબ કે તું મારાં દાદાની સત્ય હકીકત શોધી લાવ.” પોતાના એક-એક શબ્દ ઉપર ભાર દઇને તેમણે કહ્યું. “તું એક પોલીસ ઓફિસર છો એટલે તારા માટે આ ઘણું સરળ બની રહેશે.”

અભય હેરાનીભરી નજરોથી અનંતને જોઈ રહ્યો. હજુ તો રાજગઢમાં પગ મુક્યાને માત્ર ગણતરીનો સમય જ યયો હતો ત્યાં કેટલા બધા બનાવો એકસાથે બની રહ્યાં હતાં. તે મુંઝાઈ ઉઠયો.

“બટ, એ શક્ય નથી. તને ખબર નથી પરંતુ અત્યારે હું એક સસ્પેન્ડેડ ઓફિસર છું અને ખુદ મારામાં જ ઉલઝી ગયો છું. ઉપરાંત, મને નથી લાગતું કે પોલીસ ડિપાર્ટમેન્ટ કોઇ સસ્પેન્ડેડ ઓફિસરનુ કંઇ સાંભળે!” અભયને સમજાતુ નહોતું કે ખરેખર આવાં સમયે તેણે શું બોલવું જોઈએ. તે અજબ કશ્મકશમાં ફસાયો હતો. એક તરફ વર્ષો પછી અચાનક મળેલો મિત્ર હતો અને બીજી તરફ તેની અજીબ લાગતી માંગણી હતી.

“વોટ! તું ક્યારે... આઇ મીન કેમ કરતા સસ્પેન્ડ થયો?” અનંતસિંહને ઝટકો લાગ્યો. તેના માટે આ સાવ અન-અપેક્ષીત વાત હતી. કોફીનો મગ હાથમાં એમ જ સ્થિર રહી ગયો અને આશ્વર્યથી તેઓ અભયને જોઇ રહ્યાં.

અભયે એક નિસાસો નાંખ્યો અને પોતાની સ્થિતિ વિસ્તારથી જણાવી. અનંતસિંહને વિશ્વાસ આવતો ન હોય એમ આંખો પહોળી કરીને અભયની કથની સાંભળી રહ્યાં.

“માયગોડ અભય, આ તો ખરેખર ગંભીર બાબત છે. તારી કેરિયર તો લગભગ ખતમ થઇ ગઇ કહેવાય કારણ કે હવે કદાચ તને પાછો ડ્યૂટી પર લેવામાં પણ આવશે તો પણ જે દાગ તારી વર્દી પર લાગી ચૂકયો છે એ તને આ-જીવન રંજાડતો રહેશે. તારાં જ ડિપાર્ટમેન્ટનાં લોકો તારી મજાક ઉડાવતા રહેશે. હું આ તારું મોરલ ડાઉન કરવા નથી કહેતો પણ સચ્ચાઇ તો એ જ છે.” અનંતસિંહને પોતાના મિત્ર પ્રત્યે ખરેખર હમદર્દી ઉદભવતી હતી. અભયે ફરી એક નિશ્વાસ નાંખ્યો અને માથું નીચુ ઢાળ્યું. અનંતસિંહ પણ ખિન્ન મને અભયને જોઇ રહ્યાં.

“હું હવે જઈશ.” અભય એકાએક ઉભા થતા બોલ્યો. “મારે ઘરે જવાનુ પણ બાકી છે. માં અને પિતાજીને ખ્યાલ નથી કે હું આવી રહ્યો છું. હમણાં થોડા દિવસો અહી જ રોકાવાનો છું તો ફરી પાછી મુલાકાત થશે.” સોફાની ધારેથી ગોળ ફરીને તેણે દિવાનખંડની બહાર તરફ કદમ ઉઠાવ્યાં. અનંતસિંહના મનમાં પણ વાવાઝોડુ ફૂંકાતુ હતું. સિંહ જેવો તેનો મિત્ર આમ સાવ નાસીપાસ થઇને ભાંગી પડે એ તેમને મંજૂર નહોતું.

“એક મીનીટ અભય, થોભ.” અચાનક તેમણે બુમ પાડી. સોફા પરથી ઉભા થઇને તેઓ અભયની નજીક પહોંચ્યા અને તેના ખભા પર સાંત્વનાંભર્યો હાથ મુક્યો.

“એક કામ થઇ શકે તેમ છે જો તું સહમત થતો હોય તો. મારા દાદાનું શું થયુ હતું એ તું જાણી લાવ, એના બદલામાં હું તારા કેસમાં મદદરૂપ થઈશ. બોલ છે મંજૂર?” તેમણે અભયની આંખોમાં આંખો મેળવીને પુંછયું.

અભય અવાક બનીને સાંભળી રહ્યો. શું આ શક્ય બને ખરું? વિચારોમાં ધૂંધવાયેલો અભય ક્યાંય સુધી દિવાનખંડની વચ્ચે એમ જ ઉભો રહ્યો.

( ક્રમશઃ )