Ardh Asatya - 11 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 11

અર્ધ અસત્ય. - 11

અર્ધ અસત્ય.

પ્રકરણ-૧૧

પ્રવિણ પીઠડીયા

ઘરેથી નીકળતા પહેલાં અભયે અનંતને ફોન કર્યો હતો. અનંત એ સમયે વિષ્ણુસિંહની હવેલીએ હતો. તેણે અભયને ત્યાં જ આવવા જણાવ્યું. અભયનું બુલેટ રિપેર થઇને સાંજે મળવાનું હતું એટલે માથે છત્રી ઓઢીને ચાલતો જ તે વિષ્ણુસિંહજી બાપુની હવેલી તરફ જવા નીકળી પડયો. રાજગઢ કોઇક જમાનામાં અતી સમૃધ્ધ અને વસ્તિથી ધમધમતું નગર હતું. એક સમયે જેવો રાજપીપળા સ્ટેટનો દબદબો હતો એવો જ દબદબો રાજગઢનો પણ હતો. પરંતુ સમયની સાથે ઘણું બદલાયું હતું અને લોકોએ નગર છોડીને બહેતર જીવનની તલાશમાં શહેર તરફ ઉછાળા ભર્યાં હતા. હવે રાજગઢમાં લોકો રહેતાં તો હતા છતાં પહેલા જેવો માહોલ શેરીઓમાં જામતો નહી. એક રીતે સમૃધ્ધ ગણાતું રાજગઢ નગર ધીરે-ધીરે વૃધ્ધ થતું જતું હતું.

રાજગઢની શેરીઓમાં ભરાયેલા પાણી ચાલતો અભય નગરનાં છેવાડે આવેલી હવેલીઓ વાળા વિસ્તારમાં પ્રવેશ્યો. આ તરફનો આખો વિસ્તાર ભવ્ય હતો. વિશાળ જગ્યામાં એક સીધી લાઇનમાં બનાવવામાં આવેલી હવેલીઓનાં આગળના ભાગમાં આ છેડેથી પેલા છેડા સુધી સળંગ પાકો રસ્તો હતો અને એ રસ્તાની સામેની ધારે સુંદર બગીચો હતો. બગીચામાં લીલીછમ લોન પથરાયેલી હતી અને લોનની વચ્ચે નાનકડું એવું તળાવ હતું. તળાવની ફરતે ચાલવા માટે “વોક-વે” બનાવાયો હતો અને એ વોક-વે ની ધારે ઉંચા-ઉંચા વૃક્ષો ઉગાડાયા હતા. એ વૃક્ષોની છાંયા તળે બેસવા માટે બેન્ચો ગોઠવાઇ હતી.

બગીચાની દેખભાળ હાલમાં પણ યોગ્ય રીતે રાખવામાં આવતી હતી અને એ માટે અલગથી બે માળીઓ રખાયા હતા જેનો સંપૂર્ણ ખર્ચ અત્યારે વિષ્ણુસિંહજી ઉઠાવતા હતા. આમ જોવા જાઓ તો આ બગીચાની આટલી બધી કાળજી રાખવાની કોઇ જરૂર જણાતી નહોતી કારણ કે પાંચ હવેલીઓમાંથી હવે માત્ર બે હવેલીઓનો જ વપરાશ થતો હતો. એક વિષ્ણુસિંહજી બાપુની હવેલી અને એક તેમના બહેન વૈદૈહીસિંહની હવેલી. બાકી વચ્ચેની ત્રણ હવેલીઓ તો બંધ જ રહેતી હતી. મુંબઈ સેટલ્ડ થઈ ચૂકેલાં ભૈરવસિંહ અને તેમનાં પત્ની, કે પછી અનંતસિંહ ક્યારેક અહીં આવતા ત્યારે બીજા નંબરની હવેલીમાં રોનક થતી બાકી તો એ પણ સુમસાન જ પડી રહેતી હતી એટલે બગીચાનો વપરાશ તો સાવ નહિવત જ થતો. છતાં કોણ જાણે કેમ, વિષ્ણુસિંહજી બાપુને એ બગીચા પ્રત્યે ખાસ લગાવ હતો. તેઓ ઘણીવાર એકલા બગીચામાં આવતા અને તળાવને કાંઠે મુકાયેલી બેંચ ઉપર કલાકો સુધી બેસી રહેતા અને સ્થિર નજરોથી તળાવમાં હિલોળાતા પાણીને જોઇ રહેતા. ક્યારેક તેમના પત્ની કુસુમદેવી સાથે હોય તો તેઓ પૂછતાં કે તમને અહી બેસી રહેવાની શું મજા આવે છે? ત્યારે વિષ્ણુસિંહ પત્નીનાં ચહેરાને અપલક નજરે જોતાં પણ કંઇ બોલતા નહી. કુસુમદેવીને અપાર આશ્વર્ય ઉદભવતું, ક્યારેક તેઓ અકળાતાં પણ ખરાં કે કેમ બગીચામાં આવ્યા બાદ તેઓ ખામોશી ઓઢીને તળાવ કાંઠે બેસી રહે છે! જો કે કુસુમદેવીનો એ પ્રશ્ન આજ સુધી અનૃત્તર જ રહ્યો હતો. એ પ્રશ્નનો જવાબ કદાચ ક્યારેય ન મળ્યો હોત, જો અભય રાજગઢ આવ્યો ન હોત તો.

વરસાદ એટલો ધોધમાર વરસતો હતો કે માથે છત્રી ઓઢી હોવા છતાં અભય અડધો પલળી ગયો હતો. હવેલીઓનાં મુખ્ય કંમ્પાઉન્ડનો ગેટ વટાવીને તે વિષ્ણુસિંહ બાપુની હવેલીના દરવાજે આવ્યો અને બેલ વગાડયો. અંદર ક્યાંક બેલની મધુર ધ્વની ગુંજી ઉઠી અને થોડીવાર બાદ એક નોકરે દરવાજો ખોલ્યો.

“જી, મારે અનંતસિંહજીનું કામ છે.” અભયે કહ્યું એટલે નોકર તેને માનભેર અંદર દોરી ગયો. અભય તેના જીવનમાં આજે પહેલીવાર વિષ્ણુસિંહજીની હવેલીના દિવાનખંડમાં પ્રવેશી રહ્યો હતો છતાં કોણ જાણે કેમ, અંદરનો માહોલ તેને ગમ્યો નહી. એક અજીબ પ્રકારની ઉદાસી અહીના વાતાવરણમાં ચારેકોર પ્રસરેલી હોય એવુ તેને લાગ્યું. હશે કદાચ, પહેલીવાર જ આવ્યો છે એટલે માહોલ સાથે એડજસ્ટ થતાં થોડો સમય લાગશે એમ વિચારીને તે દિવાનખંડની મધ્યે ગોઠવાયેલા સોફા તરફ ચાલ્યો. અનંતસિંહ ત્યાં એક સોફામાં બેઠા હતાં. અભયને આવતો જોઇ તેઓ ઉભા થયાં.

“આવ અભય, હું તારી જ રાહ જોતો હતો. બેસ.” તેમણે સોફા તરફ ઇશારો કરીને અભયને બેસવા જણાવ્યું અને પછી પોતે પણ પાછી બેઠક લીધી. ”તબીયત કેમ છે હવે તારી?” તેમણે પૂછયું અને નોકરને ચા લાવવાનું કહીને રવાના કર્યો.

“ઘણું સારું છે હવે.” અભયે જવાબ આપ્યો અને દિવાનખંડમાં નજર ઘુમાવી.” કેમ કોઇ દેખાતું નથી? વિષ્ણુસિંહ બાપુ બહાર ગયા લાગે છે.”

“અરે નહીં, તેઓ ઉપર કમરામાં છે. હમણાં જ ભોજન કર્યું છે એટલે આરામ કરતા હશે. તું એમને મળ્યો છે કે નહીં?”

“નાનો હતો ત્યારે ક્યારેક અહી આવતો ત્યારે જોયા હતાં. એ પછી તો ક્યારેય એવા સંજોગો સર્જાયા નથી.”

“ઓહ, તો આજે મળીને જજે. મોટા બાપુનો સ્વભાવ બહું સારો છે. તને એમની સાથે વાતો કરવી ગમશે.” અનંતસિંહ બોલ્યાં અને પછી તરત મુળ મુદ્દા ઉપર આવી ગયાં. “ તે વિચાર્યું કંઈ? દાદાની ભાળ મેળવવા શરૂઆત ક્યાંથી કરવાની છે એ વિશે?” અનંતસિંહની અધીરાઇ ક્યારની ઉછાળા મારતી હતી. અભય જો તેના દાદાને શોધવાનું બીડું ઝડપતો હોય તો તે સાવ હળવોફૂલ થઇને પાછો અમેરિકા જઇ શકે. અમેરિકામાં તેની ઓફિસ હતી, ત્યાંથી હમણાં જ કોલ આવ્યો હતો અને બે દિવસમાં તેણે પાછું ફરવું જ પડે એમ હતું નહિંતર એક મોટો સોદો તેના હાથમાંથી સરી જાય તેમ હતો. એટલે અભય જો “હાં” કહે તો એક બોજો તેનાં માથેથી હળવો થઇ જાય અને તે પોતે બે-ફિક્ર બનીને પાછો અમેરિકા ચાલ્યો જાય એવી તેની ગણતરી હતી.

“હું તૈયાર તો છું. પરંતુ...” પોતાનો એક-એક શબ્દ છુટો પાડીને અભય બોલ્યો. આ નિર્ણય લેતા પહેલા તેણે ઘણું વિચાર્યું હતું અને અનંતનાં દાદાની ખોજ કરવાનું મન બનાવ્યું હતું પરંતુ તેણે આ હવેલીમાં પગ મુકયો અને તેનું મન ચકરાવે ચડી ગયું હતું એટલે તે ખચકાતો હતો.

“પરંતુ શું અભય, તારા મનમાં કોઇ સંદેહ છે?.” અનંતસિંહે પૂછયું.

“સંદેહ તો ન કહેવાય પણ.. “ તે શબ્દો ગોઠવવા રોકાયો. “ ધાર કે તારા દાદાનું શું થયું હતું એ મને જાણવા મળે, અને એ રહસ્ય તમારા ઠાકોર ખાનદાનની આબરૂને ઠેસ પહોંચાડે એવું હોય, તો..? તને સમજાય છે ને કે હું શું કહેવા માંગું છું! રાજા-રજવાડાઓ અને મોટા ખાનદાનોમાં તો એવુ ઘણુંબધુ હોય છે જે પરદાની પાછળ જ રહેવા યોગ્ય હોય છે. હવે હું તપાસ કરીશ તો એ સરા-જાહેર થશે એ વિશે તારે વિચારવાનું છે.” અભયે તેના મનમાં ચાલતા વિચારોને વાચા આપી દીધી. અનંતસિંહ એ સાંભળીને ચોંકયાં હતા.

“માયગોડ અભય, તું મને બિવરાવી રહ્યો છે. તને એવું લાગે છે કે મારા દાદા પૃથ્વીસિંહનાં ગુમ થવા પાછળ કોઇ ગહેરું રહસ્ય અથવા તો કોઇ ભયંકર ષડયંત્ર હશે?”

“કોઇ એમ જ તો ગુમ ન થાય ને!” અભયે ટૂંકમાં જવાબ આપ્યો.

તેની વાત અંભળીને અનંતસિંહ ખુદ વિચારમાં પડી ગયા. આવું તો તેમણે વિચાર્યું જ નહોતું. તેમને તો હવેલીની દિવાલે લટકતું દાદાનું તૈલચિત્ર જોઇને એમ જ એક વિચાર આવ્યો હતો અને દાદા વિશે જાણવાની જીજ્ઞાસા ઉદભવી હતી. એ જીજ્ઞાસા અત્યારે ખતરનાક મોડ ઉપર તેમને લઇ આવી હતી. અભયની વાતમાં દમ તો હતો જ. તેમણે દાઢી નીચે હાથનો ટેકો દીધો અને ગહેરા વિચારમાં પડયાં.

“મારું માન તો આ વિચાર માંડી વાળ. દફનાવેલા મડદા જમીનમાં રહે ત્યાં સુધી જ શાંતી જળવાતી હોય છે. પોલીસ અફસર તરીકેની મારી કારકિર્દીમાં આવા ઘણાં અનુભવ મને થયા છે એટલે કહું છું કે ભુતકાળને ખોતરવો રહેવા દે.” અભયે સમજાવટની ભાષામાં કહ્યું. જો કે પૃથ્વીસિંહનું રહસ્ય જાણવાની તાલાવેલી તો તેનાં મનમાં પણ ઉદભવી જ હતી. પરંતુ એ ડરતો હતો કે ક્યાંક તે ઉલમાંથી ચૂલમાં ન પડે. આ મોટા લોકોનું ભલું પુંછવું. પોતાની ચામડી બચાવવા તે બીજાને શૂળીએ ચડાવતા સહેજે ન અચકાય. અને એ માટે વધુ આઘે જવાની ક્યાં જરૂર હતી, ઓલરેડી અત્યારે તે બીજાનાં કર્મોની સજા ભોગવી જ રહ્યો હતો ને!

“સોરી દોસ્ત, પણ હવે પીછેહઠ કરવાનો મારો ઇરાદો નથી.” એક ઉંડો શ્વાસ લઇને અનંતસિંહ બોલ્યા. જાણે એ તેમનો અફર નિર્ણય હોય. ”જે થશે તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. તારો વાળ પણ વાંકો નહી થાય એની હું બાંહેધરી આપું છું. ગો અહેડ એન્ડ રિવાઈલ ધ ટ્રૂથ.”

“ઓ.કે. ધેન.. તું મને શરૂઆતથી આખી કહાની કહે. મતબલ કે તારા દાદા પૃથ્વીસિંહનાં જન્મથી માંડીને એમનું બાળપણ, જવાની, લગ્ન, બાળકો... મતલબ કે અત્યાર સુધીનું બધું જ મારે જાણવું છે.” અભયે ઉત્કંષ્ઠાભરી નજરે અનંતસિંહ ભણી તાકયું અને જાણે એ કહાનીમાંથી જ કોઇ “ક્લ્યૂ” મળવાનો હોય એમ અધીરાઇભેર તેમને તાકી રહ્યો.

( ક્રમશઃ )

Rate & Review

Tejal

Tejal 1 year ago

Hiren Patel

Hiren Patel 2 years ago

yogesh

yogesh 2 years ago

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 years ago

Kinnari

Kinnari 2 years ago