Ujda Chaman Film review books and stories free download online pdf in Gujarati

ઉજડા ચમન મુવી રિવ્યુ

વિષય ગંભીર હોય પરંતુ તમારે એ વિષયને રમુજી સ્ટાઈલમાં રજુ કરવો છે પણ તમારે વાર્તાનું પોત જે ગંભીર છે તેને પડતું મુકવું નથી. જ્યારે આવું થાય ત્યારે વાર્તાકાર અને એ વાર્તાકારની વાર્તા પરથી ફિલ્મ બનાવતો નિર્દેશક કન્ફયુઝ થઇ જાય છે અને પરિણામે દર્શકને પણ કન્ફયુઝ થવું પડે છે. ઉજડા ચમન વિષે આમ પણ કોઈ ખાસ અપેક્ષા ન હતી...

"ઉજડા ચમન ઔર બીગડા મૂડ"

કલાકારો: સન્ની સિંગ, માનવી ગગરુ, અતુલ કુમાર, ગૃશા કપૂર, ગગન અરોડા, કરિશ્મા શર્મા, ઐશ્વર્યા સખુજા, શારીબ હાશ્મી અને સૌરભ શુક્લા

નિર્માતાઓ: કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક

નિર્દેશક: અભિષેક પાઠક

રન ટાઈમ: ૧૨૦ મિનીટ

કથાનક: દિલ્હીની પ્રખ્યાત હંસરાજ કોલેજમાં ચમન કોહલી (સન્ની સિંગ) હિન્દીનો પ્રોફેસર છે. માત્ર ત્રીસ વર્ષની ઉંમરે તેના માથાના લગભગ ૭૦% વાળ જતા રહ્યા છે. યુવાન હોવા છતાં માટે ટાલ હોવાથી તેના લગ્ન તો થતા જ નથી પરંતુ કોલેજમાં તે વિદ્યાર્થીઓની મજાકનો પણ સતત ભોગ બનતો રહે છે. આ બધા કારણોસર ચમનમાં લઘુતાગ્રંથીની ભાવના ઘર કરી જાય છે.

તેના માતાપિતા (ગૃશા કપૂર અને અતુલ કુમાર) પણ ચમનના લગ્ન થાય તેના પ્રયાસો કરી કરીને થાકી જાય છે. તમામ પ્રયાસો અને એક ‘બ્રેકઅપ’ પછી ચમન છેવટે સોશિયલ મિડિયા એપ Tinder નો સહારો લે છે. અહીં તેનું ‘match’ અપ્સરા બત્રા (માનવી ગગરુ) સાથે થાય છે જે એક બ્યુટીશીયન છે. ચમન અને અપ્સરા મળે પણ છે પરંતુ તકલીફ એ છે કે અપ્સરા જરૂરીયાત કરતા વધુ જાડી છે અને ચમનને તે બિલકુલ પસંદ નથી પડતી. તો સામે પક્ષે અપ્સરાને પણ ટાલવાળો ચમન પર બિલકુલ પ્રેમ નથી આવતો.

આવામાં ચમન પહેલી મુલાકાત બાદ જ્યારે અપ્સરાને મેટ્રો સ્ટેશન પર પોતાની સ્કુટી પર મુકવા જાય છે ત્યાંજ એમનો એક્સીડન્ટ થાય છે અને બંનેને હોસ્પિટલ ભેગા થવું પડે છે. અહીં બંનેના માતાપિતા તેમના સંતાનોની ખબર પૂછવાના બહાને ભેગા થાય છે અને અચાનક જ તેમની વચ્ચે ચમન અને અપ્સરાના લગ્ન વિષેની ચર્ચા માત્ર શરુ જ નથી થતી પરંતુ છેવટે બધું લગભગ નક્કી પણ થઇ જાય છે. પરંતુ ચમનની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ જાય છે.

રિવ્યુ

નાની ઉંમરે ટાલ પડવાના વિષય પર બબ્બે ફિલ્મો આવી રહી છે જેમાંથી પહેલી ફિલ્મ છે આ ઉજડા ચમન અને હવેના શુક્રવારે આવવાની છે આયુષ્માન ખુરાનાની બાલા. આ બંને ફિલ્મોની વાર્તા બિલકુલ સરખી છે કે કેમ એ તો બાલા જોઈએ પછી ખબર પડશે પરંતુ જ્યારે ઓછા જાણીતા અથવાતો ખાસ ન જાણીતા હોય એવા કલાકારો સાથે કોઈ ફિલ્મ બનતી હોય ત્યારે વાર્તા અને ટ્રીટમેન્ટ બંને મજબૂત હોવા જરૂરી છે. આ જ સન્ની સિંગને આપણે પ્યાર કા પંચનામાના બંને ભાગમાં અને સોનુ કે ટીટુ કી સ્વીટીમાં જોયો હતો. આ બંને ફિલ્મોમાં પણ એ સમયે થોડા ઓછા જાણીતા અન્ય કલાકારો એટલેકે કાર્તિક આર્યન અને નુસરત ભરૂચા તેની સાથે હતા જ, પરંતુ ફિલ્મની વાર્તા અને તેની ટ્રીટમેન્ટ એટલી જબરદસ્ત હતી કે આ ત્રણેય ફિલ્મો સુપર હીટ ગઈ હતી!

બદનસીબે અહીં એવું નથી થઇ શક્યું. ફિલ્મ માત્ર બે કલાકની છે પરંતુ તેમ છતાં મોટેભાગે ખેંચાતી રહે છે. ખાસકરીને ઈન્ટરવલ પહેલા એ બાબતે એ ખેંચાય છે કે ચમનને તેની ટાલને કારણે કેટલું બધું સહન કરવું પડે છે એ દર્શાવવા માટે ખૂબ સમય લેવામાં આવ્યો છે. ઈન્ટરવલ બાદ અમુક ટ્વિસ્ટ જરૂર જોવા મળે છે પરંતુ તે ફિલ્મમાં ગરમી લાવવા માટે પૂરતા નથી. આગળ વાત કરી તેમ વાર્તાકાર અને નિર્દેશક ફિલ્મને ગંભીર બનાવી રાખવી કે પછી તેને કોમેડી તરીકે ચાલુ રાખવી તેમાં કન્ફયુઝ થતા જોવા મળે છે.

ચમન જે ફિલ્મનો મુખ્ય હીરો છે તેને એટલો કન્ફ્યુઝ્ડ અને ગંભીર બતાવ્યો છે કે તેની આસપાસના કલાકારો કોમેડી કરે છે તો પણ તેની અસર થતી નથી. એટલીસ્ટ ચમન અને અપ્સરાનો હિસ્સો જરા વધુ લાંબો અને રસપ્રદ બનાવવામાં આવ્યો હોત તો ફિલ્મને થોડી પણ ગમવાનું મન થાત, પરંતુ એ શક્ય બન્યું નથી. વળી ફિલ્મ જોતા જોતા મોટેભાગે આપણને ખબર પડી જ જાય છે કે આગળ હવે શું થવાનું છે.

તમામ કલાકારોમાં ચમનના પિતા તરીકે અતુલ કુમાર અને ગુરુજી તરીકે નાનકડા રોલમાં સૌરભ શુક્લા થોડી રાહત જરૂર આપે છે. પણ ખરેખર મેદાન મારી જાય છે હંસરાજ કોલેજના પટાવાળા રાજકુમાર તરીકે શારીબ હાશ્મી જેને હાલમાં આપણે વેબસિરીઝ ‘ફેમીલી મેન’માં મનોજ વાજપેયીના મિત્ર અને ઓફિસર તલપડે તરીકે જોયા હતા. ચમન કાયમ રાજકુમાર અને તેની પત્નીને પરફેક્ટ કપલ તરીકે જોતો હોય છે અને છેવટે જ્યારે ચમન તેને ઘરે જમવા જાય છે ત્યારે રાજકુમાર અને તેની પત્ની વચ્ચેનું ભાવનાત્મક દ્રશ્ય સમગ્ર ફિલ્મમાં એકમાત્ર એવું દ્રશ્ય છે જે આપણા હ્રદયને સ્પર્શી જાય છે અને એ પણ શારીબની અદાકારીને કારણે.

એક જ વિષય પર એકથી વધુ ફિલ્મો બની હોય એવું આપણે ત્યાં નવું નથી. યુવાનીમાં ટાલ પડી જવાથી પડતી તકલીફો દર્શાવતી બે ફિલ્મોમાંથી પહેલી એટલેકે ઉજડા ચમને તો વાર્તા, ટ્રીટમેન્ટ અને મોટાભાગના કલાકારોની સુસ્તીને લીધે ખાસ મજા નથી કરાવી એટલે આશા કરીએ કે આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર અને યામિ ગૌતમ જેવા કલાકારો ધરાવતી બાલા આપણને જરૂર એન્ટરટેઈન કરશે!

૩ નવેમ્બર ૨૦૧૯, રવિવાર

અમદાવાદ