Koobo Sneh no - 10 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો️ - 10

? આરતીસોની ?
પ્રકરણ : 10

સ્કૂલ પછી કૉલેજની પણ સ્કૉલરશીપ મેળવીને વિરાજને જૉબ અને ભણવા સાથે અમ્માને મળવા જવાનો પણ સમય નહોતો મળતો એવામાં ચોપડીઓમાં ખોવાયેલા રહેતા વિરાજની પાછળ પાગલ કોઈ છોકરીના સ્મિતમાં ખોવાયા પછી પહેલ કોઈ નહોતું કરતું.. હવે આગળ.. સઘડી સંધર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

વિરાજને પણ એ છોકરી ગમતી તો હતી જ, પરંતુ પ્રેમ હ્રદય ભીતર સંગોપી બોલ્યા વગર ચૂપ જ રહેતો. એ સમજતો હતો કે પ્રેમ કરવાનાં ચક્કરમાં ભણવામાં ધ્યાન આપી ન શકાય. આવી ફિલીંગ્સ ધ્યાન ભટકાવનારી હોય છે, પોતાની કેરિયર પહેલાં સેટ કરવાની છે. આગળ જતાં એણે અમ્મા અને મંજરીને ખુશી આપવાની છે.

આ બધી ઝંઝટમાંથી છુટકારો મેળવવા વિરાજે થોડોક સમય કૅમ્પસના બાંકડે બેસવાનું નક્કી કર્યુ્ પરંતુ એ જે બાંકડે બેસવા લાગ્યો હતો, ત્યાં જ સામેના બાંકડે રોજ એ છોકરી આવીને બેસી જતી. જ્યારે પણ વિરાજની નજર ઊંચી થાય એ ટુગુર ટુગુર સામે જોતી રહેતી હોય. વિરાજને શરમ આવી જતી હતી, પરંતુ એ છોકરીના મોંઢે શરમનો છાંટોયે નિતરતો નહીં.

વિરાજ મનોમન વિચારતો. ‘આ છોકરીને કરવું છે શું? એ એના ભણવામાં ધ્યાન આપે તો સારું!! આ તો મારું રિઝલ્ટ બગાડીને રહેશે એવું લાગે છે. ત્રણસો સાઈઠ ઔંસ પર ભણવામાં લગાવેલું મગજ ત્રાસું કરી સીધું ઝીરો ડીગ્રી પર લાવી મૂકી દે છે.’

એ છોકરી જ્યારથી વિરાજને કૉલેજમાં મળી હતી ત્યારથી એના પાછળ પાગલ હતી. વિરાજ ભણવામાં હોંશિયાર તો હતો અને સાથે નવલોહિયો ઓગણીસ વર્ષનો થઈ ગયેલો વિરાજ દેખાવડો, છ ફૂટનો ઊંચો ભરાવદાર બાંધો, વાંકડિયા વાળ, સુંદર ભાવવાહી આંખો જાણે એ છોકરીને પ્રેમનું આહવાન્ આપતો હતો.

વિરાજને આખો દિવસ ભણવા સિવાય બીજો કંઈ પણ વિચાર કરવાનો તસુભાર સમય રહેતો નહોતો. ત્યાં એનું આ રીતે પાછળ પાછળ ફરવું અને ટીકીટીકીને એકીટસે જોઈ રહેવાની આવી પદ્ધતિથી એનું દિલ હચમચી જતું હતું. એનું ભણવામાં ચિત્ત ચોંટતું નહોતું.

ધીરે ધીરે વિરાજે કૉલેજના કેમ્પસને બાંકડે બેસવાનું ઓછું કરી દીધું. નજીકમાંજ ચાની કીટલી હતી ત્યાં સમય પસાર કરવાનું શરૂ કરી દીધું.

અહીં વધારે શાંતિથી કોલાહલ વિના વિરાજનો દિવસનો વધારાનો સમય પસાર થઈ જતો હતો. શાંત વાતાવરણમાં એના મગજ વચ્ચે અને ચોપડીઓ વચ્ચે તાર્કિક ધારદાર ચર્ચાઓ અને દલીલો ચાલતી હતી.

મનોમન વિચારતો હતો કે, ‘સારું થયું અહીં આવવાનું શરુ કર્યું, અહીં વધારે શાંતિ છે. ‘ભલુ થયું ભાંગી જંજાળ.’

થોડા સમય બાદ પાછું એ છોકરીએ ત્યાં આવી બેસવાનું ચાલું કરી દીધું. વિરાજ મુંઝાઈ ગયો. આતો હવે ‘ભલુ થયું વધી જંજાળ’ જેવું થયું છે. હવે અહીંથી ક્યાં જવું? અને છેવટે કંટાળીને એના પર ગુસ્સાથી તાડૂકી ઉઠ્યો.

“વૉટ આ હેલ.!! કરવું છે શું તારે?? શું જોઈએ છે તને??”

વિરાજના એકદમ આમ તાડૂકી ઉઠતાં ગભરાઈ ગયેલી એ છોકરીને કંઈ ન સૂઝતાં વાત પલટાવતાં બોલી ઉઠી,

“યાર, સ્ટડી રિલેટેડ કામ હતું, બીજું કંઈ નહીં.. એકાદ કંઈક તો ટીપ્સ આપ. તું કંઈ રીતે આટલા સરસ આન્સ્વર પેપર સોલ્વ કરે છે.? તારે તો ભેજું છે કે શું છે.?”

શાંતિપૂર્વક જવાબ આપતા વિરાજ બોલ્યો,

“તમારા સૌના જેવું જ મારું ભેજું છે. ફક્ત હું તમારા જેમ આમ કોઈની પાછળ આંટાફેરા નથી મારતો.. અને એટલે જ મારું આનસ્વર પેપર જલ્દી સોલ્વ થઈ જાય છે.”

અને ફરી પાછો ગુસ્સાથી તાડૂકી ઉઠ્યો,
“અને હા હું કોઈ તારો યાર બ્યાર નથી સમજી.. ખાલી ફોગટનું ભેજું ખાય છે.”

ને ઉંધો ફરી 'ભેજું ખાય છે' બોલવા પર જીભ કાઢી પોતાના હાથે મગજ પર ટપલી મારી. વિરાજને પણ જાણે અંદર ખાને પોતાનાં વખાણ સાંભળી જાત પર ગર્વ મહેસૂસ થયો. મનોમન મલકી ઉઠ્યો. પરંતુ પોતાની જાતને સંભાળી મગજને અંદરથી પાછી ટપલી મારી ઢંઢોળીને જગાડી અને વિચારવા લાગ્યો,

‘મારે મારા લક્ષ્યથી વિચલિત થઈ પ્રેમ બ્રેમના ચક્કરમાં અત્યારે ફસાવું યોગ્ય નથી. મારે માથે ઘણી બધી જવાબદારીઓ છે. પાર્ટ ટાઇમ જોબ કરી કૉલેજની ફી ભરવાની, હૉસ્ટેલમાં રહેવા ખાવાનો ખર્ચ અને અમ્માએ ગામડેથી થોડા ઘણા લીધેલા રૂપિયાના હપ્તા ચૂકવવાના હજુ બાકી છે.'

'અમ્માએ પોતાનો પરસેવો વહાવી મને, અહીં સુધી પહોંચાડ્યો છે એ કેમ ભૂલી શકાય. અત્યારે આવો સમય વેડફવો પોસાય એવું જ નથી. પ્રેમ ફક્ત પીડાનું પુરાણ લઈને જ આવે છે.'©

-આરતીસોની ©

ક્રમશઃ આગળના પ્રકરણ 11 માં જોઈશું
શું વિરાજ એ છોકરી પાછળ એના જેમ જ પાગલ થશે કે પોતાની કૅરિયર પર ધ્યાન કેન્દ્રિત કરશે??