Mithiyaad - 1 books and stories free download online pdf in Gujarati

મીઠી યાદ - 1

શ્રી રાધા અને શ્રી કૃષ્ણ આ બે મુખ્ય પાત્ર એવા છે , કે જેમનું નામ લેતાં જ દરેકના માનસ પર એક ઉત્કૃષ્ટ દરજજાના પ્રેમીઓ નુ ચિત્ર સામે આવે.
હા આજે એજ શ્રી રાધા અને શ્રી કૃષ્ણ ના ચરિત્રો માંથી એક ચરિત્ર એવું રાધા ના પાત્ર નુ વર્ણન કરવું છે.
બરાબર શરદની ઋતુ ચાલતી હતી .આસો માસ અને એમાં પણ નવલા નોરતા બાદ પૂનમની રાત .આકાશમાં પરિપૂર્ણ રીતે ચંદ્ર પોતાના રૂપને વિખેરી રહ્યો છે .જાણે કે અનેક હીરાઓની વચ્ચે કોઈ તેજસ્વી એવો ઉત્કૃષ્ટ હીરો જડતર કરી અને કોઈ વૈભવશાળી સ્ત્રી પોતાની ડોક નીઅંદર ધારણ કર્યો હોય!. અને પોતાના એ વૈભવ ઉપર ગર્વ કરી રહી હોય, એવી મદ ઝરતી ચાંદની રેલાઈ રહી હતી .
ક્યાંય દૂર સુધી વહેતા એવા યમુનાના નીર શાંત થઈ અને ચાલ્યા જતા હતા. કોઈ પ્રિયતમાં પોતાના પ્રેમીને મળવા જે આતુરતાથી અને લોકલાજ થી બચવા એકદમ ધીમા પગલે શાંત નીરવ ચાલતી હોય એમ શાંત યમુના નો જળ પ્રવાહ ચાલતો હતો . રાત્રીનો સમય હતો અને એમાંય વળી પૂર્ણિમા અને ઉપરથી પાછી શરદઋતુ!. ચંદ્ર ના પ્રકાશ થી યમુનાજી પર કિરણો એ એક જાળી જાણે કે ગુથી હતી . અને આછા રુપેરી તાર વાળી જાળીવાળી સાડી પહેરી અને કોઈ તરુણી લજ્જા સાથે પોતાના પ્રિયતમને મળવાની જાણે કે રાહ જોતી હોય!. એવું યમુનાજીનું દ્રશ્ય લાગતું હતું. ઠેર-ઠેર નાના છોડ (જેવા કે ચમેલી, પારીજાત વગેરે)પર સુંદર રંગબેરંગી પુષ્પો સુવાસ પ્રસરાવી રહ્યા હતા . રાત્રિનો પહોર હતો છતાંય આ સમયે પણ કોઈક પક્ષીઓ ક્યારેક મીઠા ટહુકાર કરતા હતા. આવું મનોરમ્ય દ્રશ્ય બન્યું હતું .
સૃષ્ટિ લોક પર જાણે કે બધા જ સુખી અને આનંદિત હતા. યમુનાજીના એ વહેણ થી થોડી દૂર એક કુંજમાં શ્રી રાધિકા એક વૃક્ષો નો ટેકો કરી અને બેઠા બેઠા યમુનાજીની ધારામાં પડી રહેલા ચંદ્રના એ પ્રતિબિંબ ને એક નજર થી નિહાળી રહ્યા હતા .
આસપાસમાં થોડીક સખીઓ બેઠી છે અને વાતો કરે છે. યાદ કરે છે કૃષ્ણની એ વાંસળીના મીઠા સૂર અને એ સુર સાંભળ્યા પછી દરેક ગોપીઓ વૃંદાવન આવી અને શ્રીકૃષ્ણ સાથે જે રાસ રમ્યા હતા, એ વાતો યાદ કરી અને શ્રીકૃષ્ણને યાદ કરે છે. પણ આ બધાથી સાવ અલગ એવી એક ભોળી બાળા એટલે કે શ્રી રાધિકા, એમનું ધ્યાન કોઈપણ સખીઓની વાતમાં નહોતું.
એ તો બસ એકી નજરે યમુનાજીના પ્રવાહમાં પડી રહેલા ચંદ્રના પ્રતિબિંબને જોઈ રહ્યા હતા . અને એ ચંદ્રના પ્રતિબિંબમાં પ્રતિબિંબ ને મધ્યે જાણે કે એમને કંઈક દેખાય રહ્યું હતું .શું દેખાઈ રહ્યું હતું? હા એમને જાણે કે દેખાઈ રહ્યું છે !! રાધા જૂવે છે કે શ્રી કૃષ્ણ અત્યારે પણ વાંસળી ના સૂર રેલાવી રહયા છે!. અને દરેક ગોપીઓને મધ્યે શ્રી રાધા ને શ્રી માધવ રાસ રમી રહ્યા છે. અત્યંત મનોહર એવા એ મોરલીના સૂર રેલી રહ્યા છે, દરેક ગોપીઓ પોતાની સુધબુધ ભૂલી છે . અને શ્રી રાધાજી નું તો કહેવું જ શું !!
આનંદથી કૃષ્ણની એ વાંસળી ને સાંભળી અને કૃષ્ણ લીન થઇ કૃષ્ણ મય બની કૃષ્ણ સાથે પરસ્પર તાલીઓના તાલ આપી અને નાચે છે. એટલું તો સુંદર દ્રશ્ય બની રહ્યું છે, કે જાણે આ પૃથ્વીલોક નહીં પણ કોઈ અલૌકિક લોક બન્યું છે!. રાધા સાથે રાસ રમતા રમતા શ્રી કૃષ્ણ રાધા ને મીઠી રીતે છેડી રહ્યાં છે . થોડીવાર રાધાની પાસે તો થોડીવાર રાધાની સખીઓ પાસે કૃષ્ણ રમી રહ્યા છે .આમ રાધા થી દૂર જઈ બીજી સખીઓ સાથે કૃષ્ણ ક્રીડાઓ કરે છે એ બાબત થી શ્રીરાધા કૃષ્ણથી રિસાઈ અને કુંજગલીથી બહાર જવા લાગ્યા. થોડે દુર જઇ એક વૃક્ષની પાછળ જઈ છુપાઈ ગયા .
આવું દ્રશ્ય જાણે કે રાધાજી ને એ ચંદ્રના પ્રતિબિંબમાં દેખાય રહ્યું હતું . બરાબર એ જ સમયે રાધા ની પરમ સખી લલીતા આવી અને શ્રીરાધા ને સાદ પાડે છે .
રાત્રિનો સમય બહુ વીતી ગયો છે, થોડી થોડી ઠંડી પણ વધતી જાય છે . એટલે હવે કુંજમાં બહુ સમય વીતાવવાને બદલે ઘરે જવા બોલાવી રહી છે. પણ એ વર્ષો જૂની મીઠી યાદ માં ખોવાયેલ શ્રી રાધિકાજી ના કાન સુધી લલીતા ના શબ્દો પહોંચતા નથી. અંતે લલીતા શ્રીરાધિકાજી ની પાસે પહોંચી અને શ્રીરાધિકાજી નો હાથ પકડી અને કહે છે ,
'રાધા ખૂબ રાત્રિ વીતી ગઈ છે ક્યાં સુધી આમ અહીં કુંજમાં બેસી રહેશો?'. શ્રીરાધિકાજી કહે છે 'અરે! લલીતા ક્યાં ગયો કાનો ', 'ક્યાં ગયો શ્યામ' ?, 'હમણાં જ તો અહીં મારી સાથે રાસ રમતો હતો' . હમણાં જ તો એ મધુરી મોરલી વગાડી દરેકને મોહિત કરતો હતો. રાસ રમતા- રમતા કાન મારાથી દુર જઈ અને ગોપી અને વચ્ચે જય મને દુઃખ આપતા હતા, એટલે રિસાઈ અને હું આ વૃક્ષ પાછળ આવી અને સંતાઈ છું . અને હા 'લલીતા તું નહીં પણ જો શ્યામ મનાવવા આવે , તો જ હું ત્યાં કુંજમાં આવીશ ' , 'નહીંતર અહીંયા જ રહીશ' .
લાચાર વદને દુઃખ ભર્યા શબ્દે લલીતા બોલી ઊઠી 'અરે !રાધા શું થયું છે તને? ક્યાં ખોવાઈ છે તું ? ' , 'કાન તને મનાવવા આવે એમ નથી'. કેમકે ગોકુળ વૃન્દાવન ને છોડી અને કૃષ્ણ ગયા છે એમને વર્ષો વીતી ગયા છે. કૃષ્ણ અહીં થી મથુરા અને મથુરાથી દ્વારિકા જય અને વસ્યા છે . અને સાંભળ્યું છે કે શ્રીકૃષ્ણયે કોઈ "રુક્ષ્મણી" સાથે વિવાહ પણ કર્યા છે . વર્ષો જતા રહ્યા, પણ રાધા આ જગ્યા ઉપર આવી અને વર્ષોથી બેસે છે. જાણે કે કોઈની આગમનની રાહ જોઈને બેઠી છે. એક ઊંડો નિશ્વાસ મૂકી અને રાધા બોલ્યા કે 'સખી વર્ષો પહેલા એ આજ દિવસ હતો ને કૃષ્ણ સાથે યમુનાજીના ઘાટ પર નિકુંજમાં કૃષ્ણ આપણી સાથે રાસ રમતા હતા' . અરે એ મીઠી યાદ માં ખોવાઈ અને બેસવું એ જ તો મારા મનને થોડીક વાર શાંતિ આપે છે. નહીંતર એમની યાદ સિવાય હવે મારા જીવનમાં બીજું શું બાકી છે. એમની " મીઠી યાદ " એ જ તો મારા જીવનનું ધનછે. કાનાની મીઠી યાદ એ જ તો મારા જીવનનો શ્વાસ છે. આટલું બોલતાં જ શ્રી રાધિકાજી ના ચંદ્ર સમાન મુખ પર કમળની પાંખડીઓ સમાન નેત્રોમાંથી મોતી સમાન અશ્રુ સરી પડ્યા .ખરેખર પ્રેમ નું ધન એ સારા સમયની મીઠી યાદો છે .!
(પુરણ લશ્કરી)