Farebi - Dard-e-dil books and stories free download online pdf in Gujarati

ફરેબી - દર્દ-એ-દિલ

નિશા એ ઘડિયાળ માં જોયું , બે વાગી ચૂક્યા હતાં. લગભગ બધાં જ લન્ચ કરી પાછા આવી ચૂક્યા હતાં. નિશા જેવા એક - બે લોકો જ બાકી હતા, લન્ચ કરવા માટે . નિશા એની ઑફીસ માં ખંતપૂર્વક કામ કરનારા લોકો માં ની એક હતી. મોબાઈલ લૉક માં મૂકી ને લન્ચ કરવા ગઈ . આવી ને મોબાઇલ હાથ માં લીધો અને જોયું તો રિતેશ ના મેસેજ હતા. રિતેશ નાં મેસેજ જોતા જ નિશા ના મુખ પર રોનક આવી ગઈ .

રિતેશ અને નિશા વર્ષો પછી એમના કોલેજ ગેટ ટુ ગેધર માં મળ્યા હતા , બન્ને એ ફોન નંબર એકચેન્જ કર્યા હતા. ' કેમ છે ' , ' મજા માં ' ના મેસેજ પર થી ધીરે ધીરે બન્ને વચ્ચે વાતચીત વધવા લાગી. બન્ને વચ્ચે નાં સંબંધ ની પ્રગાઢતા વધવા લાગી.

રિતેશ ના મેસેજ ના આવે ત્યાં સુધી નિશા ને ચેન જ નહોતું પડતું .ધીરે-ધીરે ફોન કોલ્સ અને પછી વિડીયો કોલ્સ નો નિત્યક્રમ થઈ ગયો હતો. રજા નાં દિવસે તો રાત ને દિવસ નો કોઈ ફર્ક જ રહેતો નહોતો . ઘણીવાર રાત્રે ફોન મૂક્યા પછી અને ગુડ નાઈટ કહ્યા પછી પણ રીતેશ ફરી ફોન કરતો. ' ઊંઘ નથી આવતી વાત કરને ! ' નિશા ને તો વિશ્વાસ જ નહોતો બેસતો કે કોઈ એને આટલો બધો પ્રેમ કરી શકે છે . ક્યારેક થતું કે આવો પ્રેમ કરનાર વ્યક્તિ દુનિયા માં બીજું કોઈ હોઈ જ ના શકે. એ પોતાને રિતેશ જેવો પ્રેમી મળ્યા બદલ ખૂબ ભાગ્યશાળી માનતી હતી.

ઘર ની જવાબદારી માં પોતાના વિશે નિશા એ ક્યારેય વિચાર્યુ જ નહોતું. અપંગ પિતા , બિમાર માતા અને નાનો ભાઈ , નિશા માટે એમનું સુખ જ સર્વસ્વ હતું. પોતાનો મોટાભાગનો પગાર એ ગામ‌ માતા - પિતા ને મોકલાવતી. પોતે કરકસર કરી ને રહી લેતી. મા - બાપ તો હંમેશા નિશા ને લગ્ન માટે કહેતા , પરંતુ જયાર થી રિતેશ જિંદગી માં આવ્યો એણે પોતાના વિશે વિચારવા નું શરૂ કર્યું.

પરંતુ રીતેશે એને ધીરે ધીરે મેસેજ અને કોલ કરવા નાં ઓછા કરી દીધા. નિશા રિતેશ નાં ગળાડૂબ પ્રેમમાં હતી . હવે એને કશું જ સુઝી નહોતું રહ્યું. કોઈ કામમાં મન જ નહોતુ લાગી રહ્યું. એના માટે રીતેશ સાથે વાતચીત કર્યા વગર રહેવું અસહ્ય થઈ ગયું હતું .

રિતેશે એને અલગ અલગ બહાના બતાવતો . નિશા ને એના પર પૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો તેથી એની વાત પણ માની લેતી. એક દિવસ રિતેશે નિશા પાસે પ્રાઈવેટ ફોટા અને વિડિઓઝ ની માંગ કરી. નિશા રિતેશ ને ખૂબ પ્રેમ કરતી હતી પરંતુ આ માંગ પૂરી કરવા એ તૈયાર નહોતી. રિતેશે એની સાથે વાતચીત ઓછી કરી નાખી, એ કારણ બતાવી ને કે નિશા પૂરા દિલ થી એને પ્રેમ નથી કરતી.
" તું તો સાવ ગોથા જેવી છે .દુનિયા ક્યાં ની ક્યાં જતી રહી છે ને તું ? હજી એજ જુનવાણી . તું શું પોતાની જાતને રૂપસુંદરી સમજુ છુ તો આટલો એટીટયુડ બતાવું છું? એક વખત અરીસામાં જો તું કેવી લાગુ છું? તો ખબર પડે તને ? " કહી રિતેશે ફોન મૂકી દીધો.

નિશા માટે આ એકદમ આઘાત જનક હતું. અત્યાર સુધી તો રિતેશ ડાર્લિંગ, સ્વીટહાર્ટ, બ્યુટીફૂલ કહી ને બોલાવતો રહેતો હતો . તેણે ક્યારેય પણ આવા શબ્દો માં વાત નહોતી કરી. એકાએક શું થઈ ગયું ? એણે પોતાને અરીસા માં જોઈ. રિતેશ કેમ એવું બોલ્યો? આવા અપશબ્દો ? નિશા ને માન્યા માં જ નહોતું આવતુ કે રિતેશ એની સાથે આવી રીતે વાત કરી શકે છે . જનમ - જનમ નાં વચનો , જિંદગીભર સાથે રહેવાની કસમો…આમ પળભર માં ક્યાં ઉડી ગયું બધું ?

નિશા મનમાં વિચારી રહી ; ' ખરેખર હું એટલી ખરાબ દેખાવ છું ? ખરેખર હું પ્રેમ કરવા માટે યોગ્ય નથી? ' એને પોતાના પર થી ધીરે ધીરે વિશ્વાસ ઉઠવા લાગ્યો, ક્યારેક ખુદ પર ગુસ્સો પણ આવી જતો. પોતાના શરીર પ્રત્યે અચાનક અણગમો થવા લાગ્યો .

એને એવું પણ લાગ્યું કે ફક્ત તેની એક જુનવાણી વિચારશરણી ને લીધે તે રિતેશ નો પ્રેમ ખોઈ બેઠી . 'હું ગમે તે થાય પણ રિતેશ ને મનાવી લઈશ. એની જે જીદ હશે એ બધી પૂરી કરીશ, પણ મારી જિંદગી માં થી હું રિતેશ ને નહીં જવા દઉં. હું પ્રેમ કરું છું એને ! અને પ્રેમ કોઈ સીમાઓ થી નથી બંધાતો. એમાં કોઈ શર્ત ના હોય. હું બધું જ કરી છૂટીશ એનો પ્રેમ પામવા માટે . ' નિશા ફક્ત રિતેશ પોતાની જિંદગી માં થી જતો ના રહે , તેથી પોતાના જીવન સિદ્ધાંત સાથે સમજૂતી કરવા તૈયાર થઈ ગઈ.

એણે રિતેશ ને ફોન કર્યો . પરંતુ રિતેશે ફોન ઉપાડ્યો નહી. ત્રણ-ચાર વાર ફોન કર્યા પછી એક વખત ફોન ઉપાડ્યો અને કહ્યું , " શું થયું ? કેમ ફોન કરું છું વારે વારે ? "
નિશા સહેજ ડરી ગઈ. પરંતુ એણે પ્રેમ થી વાત વાળવા ની કોશિશ કરી અને કહ્યું, " ગુસ્સામાં છું? પ્લીઝ ! મારી સાથે વાત કર ને? તું આજકાલ મારી સાથે કેમ વ્યવસ્થિત રીતે વાત નથી કરતો ? "

" શું કરું ? મુસીબત મારો પીછો નથી છોડતી . મમ્મી ને હોસ્પિટલ માં દાખલ કરી છે . ગામે જવું પડશે. ક્યાં થી કરું પૈસા ની વ્યવસ્થા ? નથી મારી પાસે પૈસા હોસ્પિટલ નું બિલ ભરવા ના !! "
રિતેશે થોડી અકળામણ થી કહ્યું.
નિશા એ કહ્યું, " હું મદદ કરી શકું ? કેટલા પૈસા ની વ્યવસ્થા કરવા ની છે?
" ના ! ના ! પછી પાછા ના અપાય તો ? રિતેશે કહ્યું.
" તો કશો જ વાંધો નથી . આપણે અલગ થોડા છીએ? અને તારો પ્રોબ્લેમ મારો પ્રોબ્લેમ નથી? " નિશા એ આત્મીયતા બતાવતા કહ્યું.

" એક લાખ જેવા જોઈએ છે ! કેવી રીતે કરીશ વ્યવસ્થા ? " રિતેશે પૂછ્યું.
"કરીશ ગમે તે રીતે ! તું ચિંતા ના કરીશ. તને તકલીફ માં જોઈને મને તકલીફ થાય છે. " નિશા એ લાગણીવશ થઈ ને કહ્યું.
" તું કેટલો પ્રેમ કરે છે મને! હું ખરેખર લકી છું. આઈ લવ યુ , ડાર્લિંગ ! " કહી ફોન પર કીસ આપી. રિતેશે ફોન મૂકી દીધો.

સહેજ વાર માં ફોનની રિંગ વાગી . સાક્ષી નો ફોન હતો. " હેલો ,આજે હું જોબ પરથી જલ્દી આવી છું. મળીએ ને ? કેટલા વખત થી મળ્યા જ નથી. "
" સારું થયું તારો ફોન આવ્યો. તારી સાથે ખૂબ વાતો કરવી છે." નિશા એ કહ્યું.
નિશા ખુબ જ ખુશ હતી. એને થયું કે ' આજે હું સાક્ષી ને મારા અને રિતેશ ના સંબંધ વિશે બધું જ કહી દઈશ .અત્યાર સુધી મેં એને પૂરેપૂરી વાત કરી નથી. '

બિલ્ડીંગ ના નીચે બન્ને ગાર્ડનમાં બેઠા .
" અરે ! તને ખબર છે આપણા ક્લાસની પિયાલી !!! એને ડિપ્રેશન થઈ ગયું છે." સાક્ષી એ પોતાનો હાથ નિશા નાં ખભા પર મૂકી ને કહ્યું.
" કેમ શું થયું એને ? એ તો આપણા ક્લાસ ની ટોપર છોકરી હતી ?" નિશા એ આશ્ચર્ય થી પુછ્યું.
" આપણા ક્લાસમાં રિતેશ હતો ને? યાદ છે ? ગેટ ટુ ગેધર માં મળ્યો હતો ? એણે પિયાલી સાથે પ્રેમ નું નાટક કર્યું હતું . પિયાલી નો હસબન્ડ નથી અને એકલી છે એ એને ખબર હતી. ધીરે ધીરે એની જોડે રોજ નવી તકલીફ બતાવી ને , પૈસા માગવા માંડ્યા. પરેશાન કરી નાખી હતી એને ! પિયાલી બિચારી એ પોતાનું સોનુ વેચી ને એને મદદ કરી , પણ એની ડિમાન્ડ એટલી હદે વધી ગઈ કે પિયાલી માટે હવે એ અશક્ય હતું. તો રિતેશે એની સાથે સંબંધ તોડી નાખ્યો. એને કદરુપી, જૂનવાણી વગેરે અપશબ્દો કહી એનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો. અત્યારે એ સાઈકોલોજિસ્ટ ની મદદ લઈ રહી છે અને મેં તો સાંભળ્યું છે કે રિતેશ આવી રીતે બધી છોકરીઓ ને ફસાવતો જ ફરે છે. તને ફોન કે મેસેજ કરે તો કાંઈ રિસ્પોન્સ ના આપતી. તું તો બહુ સમજદાર છે, છતાં ચેતવું છું. સાચવજે હો! નિશા !!! નિશા !!! ક્યાં ખોવાઈ ગઈ ? " સાક્ષી એ એના હાથ પર હાથ મૂકતાં પૂછ્યું. નિશા સાક્ષી તરફ શૂન્ય ભાવ થી જોઈ રહી . " થૅન્ક યુ ! હું ધ્યાન રાખીશ. " કહી એણે સાક્ષી ખભા પર પોતાનું માથું ટેકાવ્યુ.

નિશા નિરખી રહી, દૂર ખુલ્લા આકાશ માં એકલા અટૂલા ચાંદ ને !!! છુટા છવાયેલા વાદળો ને , અને એ ગણેશજી જેવી જ આબેહૂબ આકાશ માં વાદળો દ્ધારા સર્જાયેલી આકૃતિ ને !

[ નિશા તો ખોટી ફસામણી માં થી બચી ગઈ. પરંતુ અહીં પિયાલી જેવી કફોડી હાલત ના થાય એ માટે સમય સૂચકતા જરૂરી છે. આજ ના જમાના માં સાચા ખોટા નો પરખ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. કોઈ પણ વ્યક્તિ પર જલ્દબાજી થી પૂરેપૂરો વિશ્વાસ કરતાં પહેલાં એમને પારખવા જરૂરી છે. પ્રેમ નાં પારખા ના હોય પરંતુ પાછળ થી પસ્તાવો કરવો એના કરતાં ચેતી ને કદમ ઉઠાવવું એ સમજદારી છે , પછી એ પુરુષ હોય કે સ્ત્રી. ]