Making of dushman books and stories free download online pdf in Gujarati

મેકિંગ ઓફ દુશ્મન

‘મેકિંગ ઓફ દુશ્મન’

ગુજરાતી નવલકથાઓ હંમેશા મારા વાંચનમાં અગ્રિમ રહી છે, પરંતુ ક્યારેક એ ન મળે (ત્યારે ડિજિટલ વાંચનનું અસ્તિત્વ નહોતું) તો હિંદી અથવા ઉર્દૂ સાહિત્ય દ્વારા આ તરસ છિપાઈ જતી. સુરેન્દ્રમોહન પાઠક, પ્રકાશ ભારતી અને અનિલ મોહનની અસંખ્ય નવલકથાઓ વાંચી અને માણી છે. એ સમયે ‘મેહકતા આંચલ’ નામનું એક ઉર્દૂ મન્થલી (ભાષા ઉર્દૂ- લખાણ હિંદી) મારી બહેન લાવતી હતી. આજની સાસુ-વહુની સિરિયલોની જેમ એમાં પણ મોટાભાગે એક જ ઘરેડની ટૂંકી વાર્તાઓ આવતી! ગુજરાતી-હિન્દી ન મળે તો છેવટે એનાથી પણ ટાઈમપાસ કરી લેતો હતો! જોકે કેટલીક વાર્તાઓ ખૂબ સરસ રહેતી, અને ખાસ તો નાના ટુચકાઓ અને જોક્સ જોરદાર આવતા હતા.

આશરે વીસ વર્ષ પહેલાં વાંચેલ ‘એક નાનો બાળક, જે એના પિતાને દુશ્મન સમજે છે’ એવો પાંચ છ વાક્યનો નાનકડો જોક મગજ પર છપાઈ ગયો હતો, એ ગયા વર્ષે એક હાસ્ય-સ્પર્ધામાં ત્રણ ફકરામાં બહાર આવ્યો. સમય જતા એનું ટૂંકી વાર્તામાં રૂપાંતર થયું અને પાછળથી મિત્ર રોહિત સુથારના આદેશથી લઘુનવલમાં વિસ્તરણ થયું.

ઘણા મિત્રો મારા ભૂતકાળને દુશ્મનના આશુ જેવો માની બેઠા છે, તો કેટલાક મને ચાઈલ્ડ સાયકોલોજી સ્પેશિયાલિસ્ટ માની રહ્યા છે! જોકે હું બંનેમાંથી એક પણ નથી. હા, આ લઘુનવલ અંતર્ગત મેં જે ખાંખાખોળા (ઓબ્ઝર્વેશન્સ) કર્યાં છે અને એક બાળક તરીકે જીવ્યો છું, એને બિરદાવવો હોય તો છૂટ છે!

રહી વાત મારી તો ચાર ભાઈ-બહેનોમાં સહુથી નાનો હું છું. માતા-પિતા અને ભાઈ-બહેનોનો ભરપૂર પ્રેમ મળ્યો છે અને અત્યારે પણ અમે સૌ સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. બંને વેકેશનમાં અમે અને અમારા બધાનાં બાળકો મળીને આખું ફળિયું ગજવીએ છીએ!

જિંદગીમાં પપ્પાના હાથનો ફક્ત એક તમાચો ખાધો છે, એ પણ સાડા પંદર વર્ષની વયે અધવચાળે અભ્યાસ છોડવાને કારણે! તમાચો ખાઈને સીધો નદીકાંઠે જઈને બેસી ગયો હતો. કોઈ ખરાબ વિચાર કે નિરાશા નહોતી, ઈવન સંપૂર્ણ આશા હતી કે ચાર કલાક પછી જ્યારે ભૂખો ઘરે પહોંચીશ ત્યારે પપ્પા માની જ જશે! અને થયું પણ એવું જ! મને ગળે વળગાડતા પપ્પાની આંખમાં આંસુ આવી ગયા હતા, “આજ પછી જે કરવું હોય એ કરજે બેટા, પણ મને છોડીને જતો નહીં.” હું મારા બાળકો પ્રત્યે પ્રેમાળ છું અને કોઈ પણ બાળકથી લાગણીસભર સંવેદનશીલતા ધરાવું છું એનું કારણ મારા પિતા છે. એકવાર ગુસ્સામાં તેઓ મારા માટે કંઈક અણગમતું બોલી ગયા હતા, એ શબ્દો પણ મારા માટે સફળતાની સીડી સમાન બની ગયા. ઈવન આજે તેઓ મારા માટે ગર્વ ધરાવે છે અને હું એમનું સંતાન હોવા બદલ ગર્વ અનુભવું છું. આજે પણ ઘરમાં અમો દરેક નિર્ણય સર્વસંમતિથી જ લઈએ છીએ, ન અમે એમને પૂછ્યા વિના કોઈ પગલું ભરીએ છીએ, ન તેઓ અમારા વિના!

મમ્મી પહેલાં પણ બહુ ભોળા હતાં, આજે પણ એટલા જ છે. મારા ઘરેથી આજે પણ કોઈ વ્યક્તિ ભૂખી-તરસી નથી જતી, એનો યશ મારા મમ્મીને જાય છે. જે વ્યક્તિ બીજા લોકો પ્રત્યે એટલી માયાળુ હોય, પોતીકા પ્રત્યે એમની મમતાનો અંદાજ લગાવવાનું ત્રાજવું ક્યાંય મળશે જ નહીં. ખુલ્લેઆમ વિશ્વાસઘાત કરી જનારને પણ મારી માએ ભાવભીનો આવકાર આપ્યો છે, વધુ તો શું કહું?

આશુની નાટકીયતાનું આલેખન મેં મારા સંતાનોની એકબીજા પ્રત્યેની ઈર્ષા જોઈને કર્યું. ખરેખર એ જોવાની બહુ મજા આવે જ્યારે બે બાળકો એકમેકથી ચડિયાતા કે વહાલા સાબિત થવાની કોશિશમાં અવનવા નાટક કરતા હોય. ઈવન ઘણી વાર તો હું હસીને લોટપોટ થઈ ગયો. સંતાનોને સમજાવવાથી વધુ એમને સમજવાની મજા કંઈક અલગ જ છે, ટ્રાય કરજો.

હોસ્ટેલમાં ઘરને યાદ કરીને રડતો આશુ એ હું પોતે છું. સંપૂર્ણ લઘુનવલમાં ફક્ત આ જ એક સત્યઘટના છે. ગોદડામાં ભરાઈને હું ખૂબ રડ્યો છું, લગભગ દોઢ વર્ષ સુધી. હોસ્ટેલની બાકીની ઘટનાઓ પણ નરી કલ્પના છે.

તકલીફ પડી જ્યારે આશુ કિશોરાવસ્થામાં પહોંચ્યો. એ વયે ન તો હું નિરાશાની મૂરત હતો કે ન કોઈ આકુ મારો ક્રશ હતી! આ એક સમસ્યાને કારણે છ પ્રકરણ પછી દોઢ વર્ષ સુધી આ લઘુનવલ અધૂરી રહેવા પામી હતી, જે હવે નરેશ કાપડિયા સર અને મારા સહાધ્યાયી મિત્રોની પ્રેરણાથી પુન:આલેખન થયા પછી સંપૂર્ણતા પામી. આ સંપૂર્ણ લઘુનવલમાં Shyamali તાઈ અને anjana બેનનો મને ખૂબ મોટો ટેકો મળ્યો છે. લવ યુ બોથ. બીજા પંદર-વીસ મિત્રોની ટિપ્પણીઓ પણ મને જોમ બક્ષતી રહી છે, એમનો પણ આભાર, બધાને ખૂબ બધો પ્રેમ અર્પણ કરું છું. એ બધા મિત્રોને ઉપર ટેગ કર્યાં છે. વાર્તામાં ટેગ કે મેન્શન ન કરવાનું કારણ હું આગળ પણ જણાવી ચૂક્યો છું, કોઈને પણ મારી કૃતિઓ પરાણે વંચાવીને ત્રાસ આપવાની લાગણી જન્મે છે, અને ત્રાસવાદી હું બનવા નથી માગતો. એ કારણે જેમને ખોટું લાગ્યું હોય એમને ખૂબ બધું સોરી.

અંતે, ફોટો કે કોઈક સિદ્ધિ અને લઘુકથાઓ પર સારી એવી ટિપ્પણીઓ મેળવવાનું માન ખાટનાર સોલીએ ‘દુશ્મન'ની વીસ-પચીસ ટિપ્પણીઓને હકારાત્મક જ લીધી છે. માઈક્રોફિક્શન અને લઘુકથાના આ સમયમાં કોની પાસે એટલો સમય છે કે પંદરસો શબ્દોનાં એક પ્રકરણ પાછળ સમય બગાડે, છતા હું લકી છું કે મને એક આગવો વાચક વર્ગ અને મિત્રો મળ્યા છે, જેઓ મારી જેમ લાંબુ વાંચી અને પચાવી જાણે છે. લવ યુ ઓલ.

મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝીલ મગર,
લોગ મિલતે ગયે ઔર કારવાં બનતા ગયા.

-નામાલૂમ

તમારો પોતાનો સોલી @ solly fitter
આ લઘુનવલ અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ વોટસએપ અથવા મેઈલ દ્વારા જરૂર આપી મને આભારી કરશો જી.

9909652477
8200267858

Fittersolly000@gmail.com