Khel - 9 books and stories free download online pdf in Gujarati

ખેલ : પ્રકરણ-9

દેવીદાસ રોડ પરની નાગજીની દુકાનથી તે સીધી જ રામ નગર અને મહાવીર નગરને જોડતા રસ્તા પર પહોંચી. ત્યાંથી સીધી જ બોરીવલી ગોરાઈ રોડ ઉપર છેક ઉત્તાન રોડ સુધી એકટીવા હંકારી. ત્યાં ખાસ્સી ટ્રાફિક હતી એટલે એને બ્રેક કરવી પડી. ટ્રાફિકમાંથી પસાર થઈ રસ્તો ઓળંગી ગોરાઈ બીચ પહોંચી. આમ તો તેને એકટીવા ચલાવવાનો ખાસ મહાવરો ન હતો પણ અર્જુને ગોઠવણ જ એ રીતે કરી હતી કે તેને માત્ર બોરીવલી અને ગોરાઈ સુધી જ એકટીવા ચલાવવી પડે. કદાચ એથી વધારે જરૂર પડે તો હાઈવે સુધી જવાનું થાય.

બીચ પર પહોંચીને તેણીએ એકટીવા સાઈડમાં લગાવ્યું. પછી આગળ ગઈ અને ઉભી રહી. આવતા જતા લોકોને, હળવા, ભારે, નાના-મોટા મોજા, ત્યાં બેઠેલ પ્રેમી યુગલો જોઈને શ્રીને અર્જુનની યાદ આવી. લગભગ છેલ્લા એક વર્ષથી કોઈ રવિવાર એવો નહોતો ગયો કે શ્રી અને અર્જુન અહીં આવ્યા ન હોય.

રવિવારની સાંજ અહીં એકાંતમાં શ્રી અને અર્જુન ગાળતા. પોતાના ભવિષ્યની, સુખ-દુખની વાતો કરતા. બેંચ ઉપર બેસી બંને એકબીજાને પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું હતું. અહી જ બંનેએ એકબીજાને ખુશ રાખવાનું વચન મનોમન આપ્યું હતું. પણ આજે શ્રી એકલી હતી. કિનારે બેઠા બતકના ટોળા ઉપર નજર કરી એ બેંચ ઉપર બેઠી. કેટલી સુંદર છે આ પ્રકૃતિ? કેટલા આઝાદ છે એ પક્ષીઓ? તે વિચારતી રહી.

થોડીવારે ફોન રણક્યો. જિન્સમાંથી મોબાઈલ નીકાળી, સ્લાઈડ કરી કાને ધર્યો, શ્રી બોલે એ પહેલાં જ ઉતાવળા અવાજે અર્જુન બોલતો સંભળાયો.

"શ્રી ક્યાં છે?"

"અહીં, બીચ ઉપર."

"ઓકે, તું બોરીવલી પાસેના એક્સપ્રેસ હાઈવે પર પહોંચ જલ્દી."

"હા ઓકે." શ્રીનો અવાજ ધ્રુજી ઉઠ્યો. માણસ ગમે તે કામ કરવા નિર્ણય કરે છે પણ જ્યારે સમય નજીક આવે છે કામ હાથમાં લેવાનું હોય એ ઘડીએ ડર તો દરેકને લાગે છે. શ્રીને પણ એ ઘડી નજીક આવી અને ભય લાગ્યો.

"તું ગભરાઈશ તો કામ નહીં બને શ્રી, જે કરવાનું છે એ ભૂલી જઈશ." ગાડીઓના હોર્ન વચ્ચે અર્જુન જોરથી બોલતો હોય એવું સ્પષ્ટ લાગતું હતું.

"હા.... ના નહિ ભૂલું બસ તું તારું ધ્યાન રાખજે." હજુ શ્રી સ્વસ્થ થઈ નહોતી.

"મારા પર વિશ્વાસ રાખ, મને કંઈ નહીં થાય.” અર્જુને ફોન કટ કરી દીધો.

અર્જુને એ વાક્ય ત્રણ દિવસમાં દસ વાર કહ્યું હતું. છેલ્લું એ વાક્ય સાંભળી ફરી શ્રીને હિંમત આવી. ઘોર અંધારું થઈ ગયું હતું. એ તરત એક્ટિવા તરફ ગઈ. શુ કરવાનું છે તે બધું એક વાર ફરી યાદ કરી લીધું. ઘરેથી સવારે નીકળી ત્યારે એકટીવાની ડીકીમાં એક દુપટ્ટો મુક્યો હતો. એક્ટિવાની ડીકી ખોલી પર્સ ઊંચું કરી નીચેથી દુપટ્ટો નીકાળી લીધો. એકવાર મનમાં થઈ આવ્યું આ જીન્સ ટી-શર્ટ અને જેકેટ ઉપર દુપટ્ટો? પણ તરત યાદ આવ્યું કે ઠંડીથી બચવા દુપટ્ટો બાંધ્યો હશે, રજની એવું વિચારી લેશે એટલે વાંધો નહિ આવે. આમ પણ હવે તો લગભગ દરેક છોકરી દિવસે પણ દુપટ્ટો મોઢે બાંધીને જ ફરતી હોય છે. ઘણાને સ્કીન પ્રોબ્લેમ હોય છે, તો ઘણાને તડકાની કે ઠંડીની એલરજી. કઈક એવું ભળતું બહાનું કરી લઈશ.

દુપટ્ટો ગળે વીંટાળી, કી ભરાવી સેલ દબાવ્યો. પણ એન્જીન ઊપડ્યું નહિ. ફાળ પડી. આ શું અંતમાં છેલ્લી ઘડીએ એક્ટિવા સાથ ન આપે તો બધું કર્યું કરાવ્યું નકામું જાય. અર્જુનની બધી મહેનત ઉપર પાણી ફરી વળે.

શ્રી હાંફળી ફાફળી થઈ સેલ દબાવવા લાગી પણ ઠંડીમાં થીજી ગયેલું એક્ટિવાનું એન્જીન જરાય બોલ્યું નહિ. થોડીવારમાં સાવ બેટરી ઉતરી ગઈ. પળે પળે તેના ધબકારા વધવા લાગ્યા.

હવે શું કરવું?

ફરી ફરીને તેણીએ પ્રયત્ન કરી જોયા પણ એન્જીન ઉપડ્યું નહિ. આખરે અર્જુનને ફોન લગાવ્યો.

"અર્જુન અર્જુન....."

"શુ થયું શ્રી? કેમ એટલી ગભરાયેલી છે?"

"આ એક્ટિવા ચાલુ જ નથી થતું."

શ્રીનો જવાબ સાંભળી અર્જુનને અપાર શાંતિ થઈ. એણે કઈક બીજું જ ધારી લીધું હતું.

"અરે તો સ્ટેન્ડ ઉપર કરીને કીકથી સ્ટાર્ટ કર." તેણે હસીને કહ્યું. શ્રીને અર્જુને એક્ટિવા શીખવી હતી પણ એ સેલથી સ્ટાર્ટ ન થાય તો કીક લગાવી શકાય એ બાબતની એને ખબર જ નહોતી.

"અને હા ધ્યાનથી સાંભળ, વ્હાઇટ કલરની ફોર્ચ્યુન ગાડીનું નવું મોડેલ છે, નંબર 'mh 01 n 7768'"

"ઓકે...." શ્રીએ ફોન કટ કર્યો. એને નવા જુના મોડેલમાં ખબર નહોતી પડતી પણ છાપામાં વાંચેલું કે ફોર્ચ્યુનની કિંમત કેટલી હતી, અને એના ઉપરથી એના માલીક પાસે કેટલી સંપત્તિ હશે એ અંદાજ લગાવવો સરળ હતો, એની સાથે બાજી રમવાનું પરિણામ શુ હશે એની કલ્પના પણ શ્રી બે મિનિટમાં કરી ચુકી.

ફોન ખિસ્સામાં મૂકી સ્ટેન્ડ લગાવવા મથવા લાગી, ખાસ્સી મહેનત પછી એ સ્ટેન્ડ લગાવી શકી. કિક મારતા પણ એને ફાવતું નહોતું. વાહન ક્યારેય ઘરનું વસાવ્યું જ ન હોય એને શુ અનુભવ હોય? શ્રીને શું અર્જુનને પણ કોઈ વિહિકલ આવડતું નહોતું, અર્જુન પણ છેલ્લા એક વર્ષમાં જ બધું શીખ્યો હતો.

ત્યાં કીક છટકી અને શ્રીના પગ ઉપર વાગી, જમણા પગની ચામડી ચિરાઈને દડદડ લોહી વહેવા લાગ્યું. કોમળ શ્રીને અપાર વેદના ઉપડી, પણ એ સમયે ત્યાં બેસીને રડવા માટેનો સમય નહોતો. થોકુક મોડું થાય તો બધો ખેલ બગડી જાય એમ હતો. સામાન્ય દિવસ હોત તો દરેક છોકરીની જેમ એ ત્યાં બેસીને રડી લોત, પણ આજે એને કઈક મહત્વનું કામ કરવાનું હતું.

મન મજબૂત કરી લોહી નીકળતા પગ ઉપર રૂમાલ બાંધી ફરી કીક લગાવી અને એક ઘુરકાટ સાથે ઘણી કીક ખાધેલું ગરમ થયેલું એન્જીન ચાલુ થયું.

પગમાં થતી બળતરા બાજુ પર મૂકી એ નીકળી પડી. અર્જુને કહ્યું એ મુજબ બોરીવલી એક્સપ્રેસ હાઈવે પર જવાનું હતું. મૂળ તે દેવીદાસ રોડ પાસેથી આવી ત્યાં જ પહેલા જવાનું, ત્યાંથી એ સ્થળ વધારે દૂર નહોતું. મનમાં વિચારો સાથે એ હાઇવે પહોંચી.

હાઇવે પહોંચી એક્ટિવાની સ્પીડ ઓછી કરી, અંધારું હતું, લેમ્પમાં રોડ ચમકતો હતો અને સામે ભવિષ્ય. પણ એકાંતમાં રાત્રે એ સમયે ત્યાં એકલા ઉભા રહેવું હિતાવહ નહોતું. મુંબઈમાં છોકરીને એકલી દેખતા જ ઉઠાવી લેવાવાળા લે ભાગુ તત્વો નુકકડે નુકકડે ઉભા હોય. રેપ, મર્ડર કેસ તો ત્યાંના ગુંડાઓ માટે નાનીસી રમત કહેવાય. અરે કેટલાક કેસ તો છાપામાં કે મીડિયામાં આવતા પણ નથી, મુંબઈના અમીરોના છોકરા જે ગુના કરે છે એ બધા ઉપર પૈસાથી પરદો પાથરીને એ દબાવી દેવામાં આવે છે.

હવે અર્જુન ફોન કરે તેની રાહ જોવાની હતી. તે ઉભી રહી અને અર્જુનને ફોન કર્યો.

“શ્રી તું પહોંચી ગઈ?”

“હા પણ હાઈવે પર નથી ગઈ હજુ નીલકંઠ મંદિર પાસે છું.”

“ગુડ ત્યાંથી તારે કસ્તુરબા ક્રોસ રોડ પરથી છેક મહાત્મા ગાંધી રોડ સુધી પહોંચવાનું છે.”

“પણ ત્યાં તો બે રીતે જવાય છે ને અર્જુન. કાપડિયા રોડ તરફથી કે મેઈન કાર્ટર રોડ તરફથી?” આજુબાજુ નજર રાખીને તે વાત કરતી હતી.

“અરે પણ સાંભળ તો ખરા.... મેં કહ્યુંને ગાંધી રોડ સુધી તારે જવાનું છે. અને હા કાર્ટર રોડ તરફથી જવાનું છે. કારણ ત્યાંથી એક્સપ્રેસ હાઈવે નજીક છે. રજની શક્ય હોય ત્યાં સુધી એક્સપ્રેસ ઉપર નથી ચાલતો. એટલે ત્યાં પણ એ આ નજીકના રસ્તે જ આવવાનું પસંદ કરશે. કારણ તે હાઈવે પર ચડતા પહેલા ટ્રાફિક પોલીસની ચોકી ટાળવાનું નક્કી કરશે.”

“ઓકે સમજી ગઈ..”

“સાંભળ તને આગળ જે કહ્યું છે તે બરાબર કરજે તેના ઉપર બધો આધાર છે. શ્રી.”

“ઓકે ઓકે...” કઈક ધ્રુજતા અવાજે શ્રી બોલી અને ફોન મુક્યો.

એકટીવા ઉપાડી અને છેક કાર્ટર રોડ અને મહાત્મા ગાંધી રોડ મળે ત્યાં જઈને ઉભી રહી. ત્યાં એક હોટેલનું સાઇનિંગ બોર્ડ દેખાયુ. દસેક યાર્ડની દુરી ઉપર એ હોટેલ હતી. શ્રીએ ત્યાં જ બ્રેક કરી એક્ટિવા રોકયું. ત્યાં ઉભા રહેવું સેફ હતું. પણ છેક ત્યાં નજીક જઈને એક્ટિવા રોકવું બેહૂદુ હતું.

અર્જુને પ્લાન પહેલેથી જ સમજાવી દીધો હતો. એક્ટિવા પરથી નીચે ઉતરી શ્રીએ ફરી ડીકી ખોલી પાણીની એક નાની બોટલ નીકાળી અને પછી પેટ્રોલ ડીકી ખોલી એ બોટલનું પાણી પેટ્રોલ ડીકીમાં નાખ્યું. થોડું પાણી એમાં રેડી બોટલ બંધ કરી દૂર ફેંકી દીધી.

આજુ બાજુ નજર કરી કોઈ હતું નહી. હજુ એક કામ બાકી હતું. છેલ્લું કામ પૂરું કરી લેવા ખીસ્સામાં રૂમાલ લેવા હાથ નાખ્યો ત્યાં યાદ આવ્યું કે રૂમાલ તો પગે બાંધ્યો હતો. માણસ જ્યારે ડરેલું હોય ત્યારે એને દુ:ખાવો નથી થતો. શ્રીને પણ એવું જ હતું એ વિચારોમાં હતી એટલે પગનો દુ:ખાવો ભૂલી ગઈ હતી.

રૂમાલની ગાંઠ ખોલી, લોહી નીકળતું બંધ થઈ ગયું હતું, રૂમાલ લઈને એની પાતળી લાંબી ઘડી કરી, નાનો રૂમાલ ઘડી કર્યા પછી બરાબર એ કામ માટે યોગ્ય હતો જે કામ કરવાનું હતું. તેણીએ રૂમાલ સાયલન્સરમાં ખોસી દીધો. બહાર દેખાય નહિ તેમ રૂમાલ છેક અંદર સુધી દબાવી દીધો.

એકવાર ચેક કરી લેવા સેલ દબાવ્યો પણ એક્ટિવા ઊપડ્યું નહિ. મલમાં મલકી શ્રીએ એક્ટિવા હાથથી દોર્યું અને હોટેલ તરફ જવા લાગી.

જેવા પગ ઉપડ્યા કે જમણા પગમાં ભયાનક દુખાવો ઉપડ્યો. કીક છટકીને બરાબર વાગી હતી, ઘા ઊંડો નહોતો પણ શિયાળો અને કાતિલ ઠંડી બેના લીધે દુખાવો વધારે થતો હતો.

પગમાં એક એક પગલે દુખાવો ઉપડવા લાગ્યો. પોતાનું વજન ઉપાડીને ચાલી શકવાની પણ એ પગમાં શક્તિ નહોતી ત્યારે આખું એક્ટિવાનું વજન એના માટે બોજો બની ગયું. પણ એ કર્યા સિવાય કોઈ છૂટકો પણ નહોતો. ચાલવાથી ગંઠાઈ ગયેલું લોહી અને સાંધો ફરી ઉઘડી ગયો હોય એમ પગમાંથી લોહી નીકળવા લાગ્યું.

દસેક યાર્ડ ચાલતા તો તેને ભારી પડી ગયું. એક તરફ અર્જુનની ફિકર સતાવતી હતી, એક તરફ રાત્રે એકલા એ રીતે ત્યાં રહેવાનો ભય હતો એમાંય પોતે કોઈ મવાલીથી બચીને ભાગી શકે એવી હાલતમાં પણ નહોતી, પગ ચાલવા પણ સમર્થ નહોતો ત્યાં દોડવું તો શક્ય જ નહોતું. એક્ટિવા પોતે જાતે જ બગાડી હતી ખુદ ઈશ્વર આવે તોય એ હવે ઉપડે એમ નહોતી!

આખરે એ હોટેલ આગળ પહોંચી ત્યાં એક્ટિવા સ્ટેન્ડ કરી અને ઉભી રહી.

પગ હજુ દુઃખતો હતો, પણ એક્ટિવાનું બોજ હવે નહોતું એટલે થોડી રાહત હતી. એકલ દોકલ ગાડીઓ ત્યાંથી પસાર થતી રહી. સારું થયું પોતે જ્યાં એક્ટિવા બગાડ્યું ત્યાં અંધારું હતું નહિતર કોઈ ગાડીવાળો જરૂર એને એ કરતા જોઈ લોત, કદાચ પોતાને ચોર સમજી પકડી પોલીસના હવાલે કરી દે તોય નવાઈ ન કહેવાય કારણ પોતે ગભરાયેલી હતી, પગમાં ઇજા હતી, એક્ટિવના કાગળ બીજાના નામના હતા. સંજોગો એને ચોર સાબિત કરવા પૂરતા હતા. પણ ઈશ્વરની કૃપાથી એ બચી ગઈ, કોઈનું એ અંધારામાં ધ્યાન ગયું નહિ.

એક બે ગાડીઓ એની પાસેથી પસાર થઈ. એક ગાડી એની નજીક આવી ધીમી પડી ત્યારે એના ધબકારા વધી ગયા. કોઈ મવાલી હશે તો? હવે શું થશે? પોતાના જેવી છોકરી એકલી? પણ પછી યાદ આવ્યું કે પાછળની હોટેલમાં લોકો હશે જ જો એવું કંઈ થશે તો હું ચીસો પાડીશ.

ગાડી ધીમી પડી ઉભી રહી, દરવાજો ખોલી એક યુવાન દેખાતો છોકરો બહાર નીકળ્યો. શ્રી તરફ નજર કરી. શ્રીને થયું હવે ચીસ પાડી જ લઉં. કેમકે નજીક આવશે તો કદાચ મારુ મોઢું બંધ કરી લેશે. પણ હજુ થોડીવાર રાહ દેખું ચીસ પાડતા ક્યાં સમય લાગે છે? તે અવઢવમાં ઉભી રહી.

પેલો છોકરો નજીક આવવા લાગ્યો. એના હાથમાં બોટલ હતી. કદાચ બિયર હશે. એના કપડાં જૂતા જોતા એ અમીર હશે એવો ખ્યાલ આવી જ જાય, ઉપરાંત ગળામાં સોનાની ચેન પણ હતી જ.

તેને થયું આ યુવાન છોકરો છે, નશામાં છે, એના સાથે પણ બધા નશામાં જ હશે, શ્રીના ધબકારા વધી ગયા. તેના પગમાં અને પેટમાં ગભરામણની ધ્રુજારી ઉપડી. એ ચીસ પાડવા જતી હતી પણ ત્યાં એણીએ જોયું તો પેલો છોકરો એનાથી દસ કદમ દૂર રસ્તા ઉપરના ડસ્ટબિન પાસે ઉભો રહ્યો. એના હાથમાંની બોટલ ડસ્ટબિનમાં નાખી. શ્રીને એ જોઈ રાહત થઈ એ સમજી ગઈ કે આ કોઈ અમીર બાપની ઓલાદ છે, ગાડીમાં નશો કર્યો અને ઘરે પકડાઈ ન જાય એ માટે બિયરની બોટલ અહીં ફેંકી છે.

પેલો યુવાન છોકરો બિયરની બોટલ નાખીને થોડીવાર ઉભો રહ્યો, જેમ શ્રી એને જોઈ રહી એમ એ પણ શ્રીને જોઈ રહ્યો. શ્રીએ નજર ફેરવી લીધી પણ આડી નજરે એના ઉપર નજર રાખી. એકાદ મિનિટ પછી એ કઈ સમજાયું ન હોય એમ ખભા ઉલાળી ફરી ગાડી તરફ ફર્યો અને ગાડીમાં જઈને બેસી ગયો. તરત ગાડી ઉપડી અને રવાના થઈ.

ગાડી નીકળી એટલે શ્રીને રાહત થઈ. મનોમન ભગવાન યાદ આવી ગયા. ઘોર અંધારી રાત, અને એકલી છોકરી જાણે મોતના મુખમાંથી બચી હોય તો કોને ભગવાન યાદ ન આવે?

તેને ફરી યાદ આવ્યું, ઘડિયાળમાં નજર કરી અગિયાર વાગી ગયા હશે, અર્જુનના પ્લાન મુજબ હવે તો રજનીની ગાડી આવવી જ જોઈએ. એ રજનીની રાહ જોતી ત્યાં જ રસ્તા ઉપર નજર કરી ઉભી રહી. એક એક પળે ભયાનક પરિસ્થતિઓનો સામનો કરીને હવે એનામાં થોડી હિમત આવી હતી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky