Khel - 10 books and stories free download online pdf in Gujarati

ખેલ : પ્રકરણ-10

શ્રીના મનમાં એકેય વિચાર ટકતા ન હતા. પેલો છોકરો કેમ બિયરની બાટલી નાખીને મને જોઈ રહ્યો? શુ એના મનમાં કોઈ ખરાબ વિચાર આવ્યો હશે? એને પણ મારી જેમ થયું હશે કે જો આ છોકરી ચીસ પાડશે તો હોટલમાંથી માણસો આવી જશે એટલે જતો રહ્યો હશે.??

કે પછી હું અહી એકલી ઉભી છું એટલે એને નવાઈ લાગી હશે? મને પૂછવા માંગતો હશે કે એક્ટિવા બગડી હોય તો લિફ્ટ આપી દઉં? સુંદર છોકરીને લિફ્ટ આપવી કોને ન ગમે? પછી કદાચ એને થયું હશે કે આ છોકરી સામે એની જોતા જ મેં બિયરની બોટલ આ ડસ્ટબિનમાં ફેંકી એ જોઈ એ મારી લિફ્ટ નહિ લે એટલે ચાલ્યો ગયો હશે... જે હોય તે.... શ્રીએ એના વિચાર ખંખેરી નાખ્યા.

ઘડિયાળમાં વારંવાર નજર કરતી રસ્તા ઉપર દૂરથી આવતી ગાડીઓને જોઈ રહી. સમય વીતતો હતો. કોઈ સફેદ રંગની ગાડી દૂરથી દેખાય તો એ બે કદમ આગળ જઈ રોડ ઉપર ધ્યાનથી જોઈ લેતી હતી. પણ લગભગ દસેક સફેદ ગાડીઓ નજીક આવતા ખ્યાલ આવ્યો કે એ કોઈ ફોર્ચ્યુન નહોતી.

અર્જુનના પ્લાન મુજબ રજની ઘરેથી નીકળે એટલે તે એની પાછળ બાઈક કે કશુંક એવું સાધન લઈને જવાનો હતો. એ કામ બરાબર થયું હતું પણ રજની કયા રસ્તે ક્યા જશે તે કોઈ રીતે નક્કી કરી શકાય તેમ ન હતું. એટલે શ્રીને તેણે છેલ્લી ઘડીએ ફોન કરીને રજની જે રીતે રસ્તા બદલે તે રીતે કશુંક અંદાજ લગાવીને બોલાવી હતી. કદાચ નિયતિ અર્જુનના પક્ષે હતી એટલે તેની ધારણા સાચી પડી હતી. રજનીએ હાઈવે ટાળીને હાઈવે નજીક જે રસ્તા હોય ત્યાં ગાડી હંકારી હતી.

જેવો રજની દેવકી નગરથી નીકળ્યો અર્જુને તેનો પીછો પકડ્યો હતો. ત્યાંથી તે સીધો જ લીંક રોડ ઉપર મહાવીર નગર, ઉષ્મા નગર અને તે જ સીધે રસ્તે આગળ છેક અંધેરી વેસ્ટ સુધી ગાડી હંકારી હતી. અર્જુનને તેની પેટર્ન સમજવાની હતી. જો પેટર્ન ન સમજી શકે તો શ્રીને તે ચોક્કસ જગ્યાએ ન બોલાવી શકે અને આખો પ્લાન ફેઈલ જાય.

રજનીએ ક્રીસ્ટ ધ કિંગ ચર્ચથી થોડેક આ તરફ રીલીફ રોડ પાસે ગાડી વાળી. ફરી રામ મંદિર પાસેથી તે ગોરેગાવ વેસ્ટ પોલીસ સ્ટેશન પાસેથી નીકળ્યો. અર્જુનને હવે તેની પેટર્ન સમજાઈ ગઈ હતી. જો તે ચાહોત તો કાર્નિવલ સિનેમા પાસેથી સીધો જ હાઈવે પકડી શકોત પણ તેણે એમ ન કર્યું એટલે અર્જુન સમજી ગયો કે તે શક્ય તેટલો હાઈવે નજીક રહેવા માંગે છે પણ હાઈવે ઉપર જવાનો નથી. એટલે જ તેણે બરાબર અંદાજ લગાવી દીધો કે અહીંથી તે હવે ચોક્કસ મલાડ વેસ્ટ અને કાંદીવલી વેસ્ટથી બોરીવલી વેસ્ટ જશે. આમ તે લગભગ અર્ધા મુંબઈનું એક ચક્કર મારશે અને પછી પણ તેને જોખમ લાગશે તો કદાચ બીજી પેટર્નમાં બીજું ચક્કર લગાવશે.

શ્રીને એક જ ફિકર હતી રજની પાછળ આવતા અર્જુનને તે જોશે તો? દસ વાર એ ગાડીઓ આવી એમાં કુતુહલવશ તે બે ડગલાં આગળ ગઈ અને ફરી પોતાની જગ્યાએ ગઈ એમાં પણ એને પગમાં તકલીફ થઈ.

એ પછી લગભગ અર્ધાએક કલાક સુધી કોઈ સફેદ ગાડી દેખાઈ નહિ. પછી ફરી એક સફેદ ગાડી દેખાઈ. અત્યાર સુધી જેટલી સફેદ ગાડીઓ નીકળી હતી એના કરતાં એ ગાડી મોટી હશે એવો અંદાજ શ્રીને દૂરથી જ આવી ગયો. એ ફરી બે ડગલાં આગળ વધીને ઉભી રહી.

ગાડી નજીક આવી ત્યાંરે એ ઓળખી ગઈ કે એ જ સફેદ ફોર્ચ્યુન ગાડી હતી, એમાં રજની દેસાઈ જરૂર હોવો જોઈએ પણ પોતે હાથ કરીને ગાડી રોકવા નહોતી માંગતી. આ બધું યોગાનુયોગ બન્યું છે એવું લાગવું જોઈએ એ વિચારથી એણીએ નજર ફેરવી લીધી. મોબાઈલ નીકાળીને કઈક કરતી હોય એવો દેખાવ કરવા લાગી.

દેખાવ કરવા નીકાળેલ મોબાઈલ જોતા જ એકાએક ખ્યાલ આવ્યો કે એક્ટિવા સ્ટાર્ટ ન થયું ત્યારે ફરી અર્જુનને પોતે ફોન કર્યો હતો, તે પછી પણ કર્યો હતો, પહેલીવાર અર્જુનને ફોન કરી ડાયલડ નંબર ડીલીટ કર્યો હતો પણ બીજી વાર ઉતાવળમાં એ ભૂલી ગઈ હતી.

ઈશ્વરની ફરી એકવાર કૃપા થઈ હોય એમ તરત લાસ્ટ ડાયલડ કોલ ડીલીટ કર્યો, અને મોબાઇલ સાયલન્ટ મોડ ઉપર મૂકી દીધો. આ બધું ત્રીસેક સેકન્ડમાં બની ગયું હતું. આડી નજરે જોયું તો ગાડી નજીક આવી ગઈ. ફરી થયું જો રજની એના ધ્યાનમાં હશે અને મને જોશે જ નહીં તો? એ મારી તરફ જોયા વગર જ નીકળી ગયો તો? તો બધો પ્લાન બગડી જશે.

એણીએ ફરી આડી નજરે જોયું ગાડી દસેક યાર્ડ દૂર હતી ત્યાં ધીમી પડી. રજનીએ મને જોઈ લીધી છે એટલે જ બ્રેક લગાવી છે એને ખાતરી થઇ. આમ પણ તે હોટેલ આગળ સ્ટ્રીટ લેમ્પની બરાબર નજીક ઉભી હતી એટલે દુરથી જ તે કોઈના પણ ધ્યાનમાં આવી જાય.

ગાડી નજીક આવી અને ઉભી રહી, હોર્નના અવાજે શ્રીએ ઊંચું જોયું, ગાડીનો કાચ ખૂલતો દેખાયો, અંદર રજની જ હતો.

"રજની તું અહીં?" શ્રી બે કદમ આગળ ગઈ.

"શ્રી અહીંયા શુ કરે છે? રાત્રે?" રજની પણ દરવાજો ખોલી નીચે આવ્યો.

બંને એ એકબીજાને એકસામટા પ્રશ્નો કર્યા. અને જાણે શ્રીનો પ્રશ્ન અથડાઈ ખરી પડ્યો હોય એમ એ જવાબ આપવા લાગી.

"આ એક્ટિવા ખરે ટાણે બગડી ગયું." ખરેખર એક્ટિવા આકસ્મિક રીતે બગડ્યું હોય એમ ચિડાઈને શ્રી એ મોઢું બગાડ્યું.

"લાવ મને પ્રયત્ન કરવા દે." રજનીનો એ જવાબ શ્રીને ગમ્યો નહિ. મને લિફ્ટ આપવાને બદલે આ એક્ટિવામાં કેમ મથે છે? પણ એ કઈ બોલી શકે એમ નહોતી.

કાશ કે આજે કામમાં ન હોત તો આને લિફ્ટ આપવાને બહાને એના ઘર સુધી જઈ શકોત. પોતાની પરિસ્થિતિ ઉપર ખિજાઈ રજનીએ એક્ટિવાની કીક મારી જોઈ, પણ એન્જીન ઊપડ્યું નહિ.

તું ગમે તેટલી મહેનત કરીશ તોય એ ઉપડવાનું નથી રજની, ક્યાંય એવું સાંભળ્યું છે કે પાણીથી એક્ટિવા ચાલે? શ્રીએ માંડ હસવું રોકયું. અધૂરામાં પૂરું સાયલન્સરમાં પણ રૂમાલ છે. મનમાં બોલેલા વાક્યો ભૂલથી હોઠ ઉપર આવી જાય તો અનર્થ થઇ જાય એ વિચારે મનમાં બોલવાનું પણ બેહુદુ લાગ્યું. ઘણીવાર એવું થતું હોય છે માણસ વિચારોમાં હોય ત્યારે એ મનમાં જ બોલતો હોય છતાં એ ઉતાવળે બોલી જાય છે.

થોડીકવાર કીક લગાવ્યા પછી રજનીને થયું કંઈક મોટી ગરબડી થઈ લાગે છે એન્જીનમાં, આ હવે ઉપડવાનું નથી. અને આખરે રજનીએ એ વાત કહેવી જ પડી જેની રાહ જોઇને શ્રી આતુર ઉભી હતી.

"હું તને ઘર સુધી મૂકી જઉં છું, આને લોક કરી અહીં જ મૂકવું પડશે."

શ્રીને ગમતું થયું હતું પણ એ શું ઈચ્છતી હતી એ દેખાવા દેવાથી રજનીને પણ શંકા થઈ શકે એટલે એ ચૂપ રહી.

"ચાલ ત્યારે...." એક્ટિવા લોક કરી રજની ગાડી તરફ ગયો. પણ એકાએક કઈક યાદ આવ્યું હોય એમ એ ઉભો રહ્યો.

"પણ તું રાત્રે અહીં એકલી?"

એ સવાલ માટે જાણે શ્રી તૈયાર જ હોય એમ બોલી, "અરે હું કાવ્યાને મુકવા આવી હતી, પછી યુટર્ન લઈને થોડી આગળ ગઈ ત્યાં એક્ટિવા બગડ્યું, કાવ્યા પણ ચાલી ગઈ, એક્ટિવા પણ બગડ્યું, અંધારું થઈ ગયું હતું, એટલે ત્યાંથી આને અહીં દોરી લાવી." અંધારું થઇ ગયું હતું એ શબ્દ ઉપર ભાર આપીને એક નજર આજુબાજુના રાત્રીના વાતાવરણ તરફ નજર કરી શ્રી ગભરાઈ હોય એવો અભિનય કર્યો. જોકે પેલી ડસ્ટબિન તરફ જોતા એનો અભિનય ખરેખર વાસ્તવિકતામાં ફેરવાઈ ગયો. પેલા નશાખોર છોકરાનું ચિત્ર એના મનમાં ઉપસી આવ્યું.

ચિપીને બોલેલા શબ્દે શબ્દ રજનીને સાચા લાગ્યા હોય એમ એ હસ્યો, "આ વિહિકલના કઈ ભરોસા ન હોય."

"ખરે ટાઈમે આ મોબાઈલ પણ ઓફ થઈ ગયો." શ્રી હજુ વધારે ખાતરી આપવા માંગતી હતી એટલે ફરી ઉમેર્યું.

"હમમ..." કહી રજનીએ દરવાજો ખોલ્યો અને શ્રી તરફ જોઈ બેસવા કહ્યું.

શ્રી એ પગ ઉપાડ્યા પણ એ બરાબર ચાલી શકી નહીં, એને લંગડાતી જોઈ રજનીએ પૂછ્યું, "શુ થયું પગમાં?"

"કઈ નહિ આ કીક...." એક સામાન્ય છોકરીની જેમ કીક વાગવાથી એના ઉપર ગુસ્સો આવ્યો હોય એમ એક્ટિવા તરફ નજર કરી ફરી મો બગાડ્યું, “આ કિક છટકી અને પગ તોડી નાખ્યો.....”

"વધારે તો નથી વાગ્યું ને?" વિવેક ખાતર રજનીએ પૂછ્યું.

"નહી વધારે નથી વાગ્યું પણ મારા માટે તો વધારે જ છે." બીજી તરફના દરવાજે પહોંચતા શ્રીએ હસીને કહ્યું.

બંને ગાડીમાં બેઠા. રજનીએ ચાવી ઘુમાવી અને એક હળવા અવાજ સાથે ગાડી ઉપડી. શ્રી પહેલી જ વાર આવી મોંઘી ગાડીમાં બેઠી હતી. બસ હવે આવી જ એક ગાડીમાં હું હોઈશ પણ બાજુમાં રજનીને બદલે અર્જુન હશે. માણસ જ્યારે કોઈ વસ્તુ પહેલીવાર દેખે ત્યારે એનું સપનું જરૂર દેખે છે એ માનવ સ્વભાવની એક ખાસિયત છે. શ્રી ગાડીનો ફ્રન્ટ ભાગ દેખવા લાગી. સ્પીડો મિટર, ગિયર, સાઉન્ડ સિસ્ટમ, એસી..... મુલાયમ સીટ.... બધું એક જ નજરમાં એણીએ જોઈ લીધું. પાછળ પણ એ જોઈ લેવા માંગતી હતી પણ એને ખબર હતી કે પાછળ શુ છે એટલે એણીએ એમ ન કર્યું.

શ્રી જેટલા કુતૂહલથી ગાડી જોઈ રહી હતી એના કરતાં વધારે જિજ્ઞાસાથી રજની શ્રીને જોવા લાગ્યો.

શ્રી એ દુપટ્ટો ગળેથી નીકાળી બાજુમાં મૂકી દીધો. જોત જોતામાં તો ગાડી શ્રીના ઘરની ગળી બહાર પહોંચી ગઈ. ગળીના છેડે ત્રીજું મકાન શ્રીનું હતું એટલે ગાડી ગળીમાં લેવાની કોઈ જરૂર નહોતી. આજુબાજુમાં કોઈ જાગે અને શ્રી બદનામ થાય એ પણ શક્ય હતું.

ગાડી ગળીની બહાર ઉભી રહી. શ્રીએ દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહી, રજનીએ દરવાજો ખોલી આપ્યો એટલે એ નીચે ઉતરી. રજની પણ આ તરફથી નીચે ઉતર્યો. નીચે ઉતરી શ્રી આડી નજરે પાછળ જોયું બધું બરાબર પ્લાન મુજબ થઈ ગયું હતું બસ હવે રજની ઘર સુધી આવે એટલું જ બાકી હતું.

તે ધીમે ધીમે ચાલતી રજની જે ભાગે ઉતર્યો હતો એ તરફ ગઈ. રજની વિચાર મગ્ન હાલતમાં ઉભો હતો.

એક તરફ ગાડી છોડીને એક મિનિટ પણ દૂર જવું વ્યાજબી નહોતું તો બીજી તરફ શ્રીને આમ રાત્રે મળવાનો ફરી ક્યારેય મોકો મળવાનો નહોતો.

ડ્રાઇવિંગ કરતી વખતે બસ એ બધું ભૂલી શ્રીને જ જોતો હતો, દુપટ્ટો કાઢ્યા પછી તો ઈશ્વરે જ એની ગાડી અકસ્માતથી બચાવી હતી. એણે વિચાર્યું હતું કે આજે એને ઘર સુધી મુકવામાં મને બધું કહેવાનો મોકો મળી જશે.

"થેંક્યું રજની...." શ્રી ઘર તરફ ચાલવા ગઈ પણ ત્યાં ઠોકર આવી અને એ લથડી, રજનીએ એને પકડી લીધી.

બે ઘડી રજની એને જોઈ રહ્યો, આવી સુંદર છોકરીને સ્પર્શ કરવાનો મોકો જ પહેલીવાર મળ્યો હોય એમ એ એને જોઈ રહ્યો.

શ્રી સ્વસ્થ થઈ ઉભી થઇ, પોતાની કમર પરથી રજનીનો હાથ હટાવી એ શરમાઈ નીચું જોઈ ગઈ. ફરી ચાલવા ગઈ, પણ ઠોકરને લીધે દુઃખતા પગ ઉપર ફરી વાગ્યું હતું એટલે એને ચાલવામાં વધારે તકલીફ થવા લાગી.

રજનીનું મન કઈ પણ વિચારવા માટે હવે સક્ષમ નહોતું. શ્રીનું એમ રાત્રે મળવું, એનું ઠોકર વાગીને લથડવું અને પોતાને સ્પર્શ કરવાનો મોકો મળવો, એના સ્પર્શથી શ્રીનું શરમાવું, બસ હવે એને ઘર સુધી મુકવા જાય અને મનમાં જે હતું એ કહી દેવા રજનીનું મન ખળભળી ઉઠ્યું.

બીજી પળે રજનીએ માંડ ચાલતી શ્રી જોડે જઇ એને ટેકો આપ્યો. ઘરના દરવાજા સુધી શ્રીને ટેકો આપી એ લઈ ગયો. શ્રી એ ખિસ્સામાંથી ચાવી નીકાળી, લોક ખોલ્યું, રજનીએ હળવો ધક્કો આપી દરવાજો ખોલ્યો.

અંદર જતા જ તે ખુરશીમાં બેસી પડી. રજનીએ રૂમાલ નીકાળી એના પગ ઉપર બાંધ્યો. શ્રીને ઘડીભર તો થયું આ રજની કેટલો સારો છે? મારે એની જોડે આ બધું ન કરવું જોઈએ. પણ પોતે ખોટી હતી એ બાબતે, રજનીનો અસલી ચહેરો હજુ એણીએ જોયો નહોતો.

રૂમાલ બાંધી રજનીએ શ્રીનો હાથ પકડ્યો, "શ્રી....."

“શું થયું?” રજનીએ શ્રી કહીને અધૂરું મુકેલું વાક્ય શું હતું તે એક સ્ત્રી સહજ ભાવે જાણતી જ હતી છતાં એણીએ પૂછ્યું. જોકે શ્રીને રજની શું બોલે છે એ સાંભળવામાં રસ નહોતો એને કોઈ બીજો અવાજ સંભળાય ત્યાં સુધી રજનીને વાતોમાં ઉલજાવી રાખવાનો હતો.

“શ્રી હું તને...” રજની હજુ આગળ કઈ બોલે એ પહેલાં જ એન્જીનનો અવાજ સંભળાયો, એકાએક રજનીને ખ્યાલ આવ્યો કે શ્રીના ધ્યાનમાં પોતે ચાવી ગાડીમાં જ રાખી લીધી હતી. શ્રીને પણ એ અવાજ સંભળાયો. એ અવાજ ફોર્ચ્યુંનના એન્જીનનો જ હતો એ રજની બરાબર સમજતો હતો. રાતના સન્નાટામાં એ અવાજ તસુભાર દબાયા વગર બંને સુધી પહોંચ્યો હતો.

"ધત્તતતત....." દાંત ભીંસતો રજની દરવાજા બહાર નીકળી ગયો પણ બહુ મોડું થઈ ગયું હતું. એ ગળીના છેડે પહોંચ્યો ત્યાં સુધી કરોડો રૂપિયા ભરેલી ગાડી એના હાથમાંથી નીકળી ગઈ હતી. કોઈ ઉઠાવગીર એના હાથમાંથી કરોડો લઈને છટકી ગયો હતો. એક છોકરીને લીધે પોતે મોટી ભૂલ કરી બેઠો હતો.

‘આ બધું આ સાલી રૂપાળી છોકરીના ચક્કરમાં થયું છે એને તો હું નહી છોડું.’ મનોમન દાંત ભીંસી બેબાકળો બની ગયેલો રજની જિન્સની ગરડલમાંથી ગન નીકાળી શ્રી તરફ પાછો ફર્યો. શ્રીને હવે જ એનું અસલી રૂપ એનો ખરો ચહેરો દેખાવાનો હતો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky