Ardh Asatya - 41 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 41

અર્ધ અસત્ય. - 41

અર્ધ અસત્ય.

પ્રકરણ-૪૧

પ્રવીણ પીઠડીયા

રમણ જોષી ખુરશીમાં બંધાયેલા વ્યક્તિનો ચહેરો જોઇને ધરબાઇ ગયો હતો. એ વ્યક્તિને બહું બેરહમી પૂર્વક મારવામાં આવ્યો હોય એવું પહેલી નજરે જ માલુમ પડતું હતું. તેનું આખું મોઢું લોહી-લૂહાણ હતું અને ઠેક-ઠેકાણેથી ચામડી ફાટીને લબડી ગઇ હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. એ જોઇને રમણ જોષીનું હદય ધબકારો ચૂકી ગયું હતું અને તેના ગળામાંથી ચીખ નિકળતા રહી ગઇ હતી. બરાબર એ સમયે જ તેની પાછળ કોઇક આવીને ઉભું રહ્યું હોય એવું લાગ્યું અને તરત તે પાછળ ફર્યો હતો. એ સાથે જ તેની આંખો વિસ્ફારીત બની હતી અને આતંકિત બનીને તે બે ડગલાં પાછો ખસી ગયો. તે એક જાડો, કાળિયો, લૂંગીધારી આદમી હતો. તેના હાથમાં લોખંડની લાંબી પાઇપ દેખાતી હતી. તેની લાલઘૂમ આંખો કહેતી હતી કે રમણ જોષીનું અહીં હોવું તેને બિલકુલ પસંદ આવ્યું નહોતું. તેના ઇરાદા ખતરનાક જણાતાં હતા. કંઇ જ બોલ્યાં વગર ક્રોધિત આંખોથી તાકતો તે રમણ જોષી તરફ આગળ વધ્યો હતો અને રમણ જોષી બેતહાશા ડરનો માર્યો પાછળ ખસતો ગયો હતો.

ગેરેજ નૂમાં પતરાનાં શેડ નીચે અજીબ ટેબ્લો રચાયો હતો. જોષીને સમજાયું હતું કે પેલા ટ્રકમાં સુતેલાં વ્યક્તિએ રઘુભાનાં જે માણસ વિશે કહ્યું હતું તે આ જ હોવો જોઇએ. તે સાવધાનીથી અંદર ઘૂસ્યો હતો પરંતુ આટલી જલ્દી તેણે કોઇનો સામનો કરવાનો આવશે એ વિચાર્યું જ નહોતું. અને જાડિયો તો સીધો જ જાણે તેની ઉપર ચઢી આવતો હોય એમ આગળ વધતો હતો. રમણ જોષી મૂંઝાઇ ગયો. તે સૂંવાળો આદમી હતો. એક સિનિયર રિપોર્ટર તરીકે આજ સુધીમાં તેણે ઘણાં નામી-બેનામી લોકોનાં પોતાની કલમની તાકતનાં જોરે ગાભા કાઢી નાંખ્યાં હતા પરંતુ કોઇ સાથે હાથો-હાથની લડાઈ કરવી પડી હોય એવો પ્રસંગ ક્યારેય ઉપસ્થિત થયો નહોતો. આજે પહેલીવાર તે ભિંસમાં આવ્યો હતો એટલે હજું તો પેલાએ કંઇ કર્યું નહોતું છતાં તેનું આખું શરીર ધ્રૂજવા લાગ્યું હતું. એક ગેંડા જેવા ભારેખમ માણસનો સામનો કરવાની તેનામાં તાકાત નહોતી. તે પાછળ ખસતો ગયો અને ઓઇલ ભરેલા એક ટિપણાંને ટકરાઇને ઉભો રહી ગયો. હવે વધું પાછળ ખસવાની જગ્યાં નહોતી કારણ કે પાછળ ટિપણાંઓનો ગંજાવર જથ્થો પડયો હતો.

પેલા ગેંડા જેવા શરીરધારી આદમીને તો જાણે મોકો મળી ગયો હોય એમ તેણે હાથમાં પકડેલી લોખંડની પાઇપ ઉઠાવીને જોષી ઉપર જોરદાર પ્રહાર કર્યો. સૂસવાટાભેર વજનદાર પાઇપ જોષીનાં માથાં સુધી આવી અને, કોણ જાણે ક્યાંથી જોષીનાં શરીરમાં એટલી સ્ફૂર્તિ ઉદભવી કે સાવ અણીનાં સમયે જ તેણે બાજુમાં કુદકો લગાવી દીધો. ’ખણિંગ..’ કરતાં ભયાવહ અવાજે લોખંડનો નક્કર પાઇપ ઓઇલ ભરેલા ટિપણાં સાથે અથડાયો. જોષી બાલ-બાલ બચ્યો હતો. જો તે સહેજ મોડો પડયો હોત તો અત્યારે તેનું માથું ટ્રક નીચે ચદગાતાં કોઇ તરબૂચની જેમ ફાટી ગયું હોત અને ત્યાં જ તેના રામ રમી ગયા હોત. પણ, તે બચ્યો હતો. પેલાં માણસનો વાર ખાલી ગયો એટલે તે વધું ભૂરાયો થયો. તેના કાળા ચહેરા ઉપર ચમકતાં નસકોરાં ક્રોધની જ્વાળાઓમાં ફૂંફાડા મારવા લાગ્યાં હતા અને તે વધું ઝનૂન પૂર્વક જોષી ઉપર ધસી ગયો. વળી તેણે પ્રહાર કર્યો અને ફરી પાછો જોષી ઉછળ્યો. એ વાર પણ ખાલી ગયો. હવે પેલો ક્રોધનાં અતિરેકથી થરથર ધ્રૂજવા લાગ્યો હતો. સોફિસ્ટિકેટેડ અને સુંવાળો દેખાતો એક આદમી તેની પકડમાં આવતો નહોતો એ બાબત તેનાં અહમને ઠેસ પહોંચાડતી હતી. તે વધું ભૂરાયો થયો હતો અને રીતસરનો દોડયો હતો. આ વખતે તો પાઇપનાં એક જ ઘા એ તે જોષીનો ખેલ ખતમ કરી નાંખવાં માંગતો હતો. પણ… જોષીનાં હાથમાં કંઇક આવ્યું હતું.

પેલા માણસનો ઘા ચૂકવીને તે પાછો હટયો હતો અને એક ટિપણાં નજીક પહોંચ્યો હતો. એ ટિપણાં ઉપર ટ્રક રિપેરીંગ માટે વપરાતો સર-સામાન પડયો હતો. તેમાનું એક વજનદાર પાનું તેના હાથમાં આવી ગયું હતું અને એ તેણે હાથમાં ઉંચકી લીધું હતું. જેવો પેલો તેની નજીક આવ્યો કે તેણે એ પાનાંનો છૂટ્ટો ઘા તેનાં ચહેરા ઉપર કર્યો હતો. પેલો એની ધૂનમાં જ દોડતો આવ્યો હતો. તેને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે મગતરાં જેવો દેખાતો એક શખ્શ તેનો સામનો કરશે. એ ગફલતમાં જ ભારે વેગથી પાનું તેના ચહેરા સાથે ટકરાયું અને તેના ગળામાંથી એક ભયાનક ચીખ ફાટી પડી હતી. લગભગ બે કિલો જેટલું વજન ધરાવતું પાનું હવામાં ઉડતું આવ્યું હતું ધડામ કરતું તેના કપાળ અને નાક ઉપર અથડાયું હતું. બે સેકન્ડ… માત્ર બે સેકન્ડ માટે તે સન્નાટામાં ચાલ્યો ગયો અને પછી જાણે તેના માથે કોઇએ વજનદાર પથ્થરનો ઘા કરીને માર્યો હોય એમ એ ચીખવા લાગ્યો હતો. તેનું કપાળ ફૂટયું હતું. ત્યાંથી લોહીની ધાર થઇ હતી અને લોહીનો રગેડો ચહેરા ઉપર ફેલાયો હતો. નાકની દાંડીનું હાડકું પણ કદાચ તૂટયું હતું કારણ કે નાકમાં જોરદાર લવકારા ઉદભવવાં શરૂ થયાં હતા. તેના હાથમાંથી પાઇપ છટકીને નીચે પડયો અને બૂમો પાડતો તે જમીન ઉપર બેસી પડયો હતો. રમણ જોષીનો એક જ પ્રહાર તેને ભારે પડી ગયો હતો. પણ પછી જોષી ત્યાં જ અટકયો નહોતો. તે સમજી ચૂકયો હતો કે જો આ લડાઇમાં જીતવું હશે તો હવે રાહ જોવાથી કામ નહી બને. એટલે મન મક્કમ કરીને તે આગળ વધ્યો અને પેલાનાં હાથમાંથી છટકીને નીચે પડેલો પાઇપ ઉઠાવી, તેની નજીક જઇ જોરથી તેનાં ઢગરાં ઉપર ફટકાર્યો. પેલાનાં ગળામાંથી ફરીથી રાડ નિકળી અને રીતસરનો તે હવામાં ઉછળ્યો હતો. જોષીએ ફરી એક વાર તેના બરડામાં પાઇપ ઠોકયો અને પછી જ્યાં સુધી પેલો ધૂળ ચાંટતો ન થઇ ગયો ત્યાં સુધી તે અટકયો નહી. ’ધફાધફ…ધફાધફ..” કેટલાય વાર તેણે પેલાનાં શરીર ઉપર ઠોકી દીધા હતા. તે અટકયો ત્યારે ખુદ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો અને તેના શ્વાસોશ્વાસ તેજ ગતિએ ચાલતા હતા. મિનિટોમાં એ લડાઇ ખતમ થઇ હતી. પેલો અધમૂવો થઇને નીચે પડયો હતો. તેની સામે જોષી ભયાનક રીતે હાંફતો ઉભો હતો. તેણે આ જન્મારે તો ક્યારેય નહી વિચાર્યું હોંય કે તે કોઇને આટલી બેરહમીથી ફટકાશે.

પણ અત્યારે એ બધું વિચારવાનો સમય નહોતો. પેલાને ત્યાં જ પડયો રહેવા દઇ તે ખુરશી ઉપર બંધાયેલા વ્યક્તિ પાસે પહોંચ્યો. એ વ્યક્તિને તેણે બરાબર ઓળખ્યો હતો અને એટલે જ તેને જોઇને તે ચોંક્યો હતો. એ સુરો હતો. બંસરીએ તેની સમક્ષ સુરાનું વર્ણન કર્યું હતું. એ વર્ણન ખુરશી સાથે બંધાયેલા વ્યક્તિ સાથે બરાબર બંધ બેસતું આવતું હતું એટલે તેને ઓળખતાં વાર લાગી નહી. પણ તે અત્યારે બેહોશ હતો. જોષીએ આસપાસ નજર ફેરવીને પાણીનું માટલું ખોળી કાઢયું હતું અને તેમાથી એક ગ્લાસ ભરીને સુરાનાં ચહેરા ઉપર છાલક મારી હતી. લોહીથી ઉભરાતાં તેના ચહેરા ઉપર પાણીની છાલક લાગવાથી લાલ રગેડા રેળાયાં હતા અને તેના શરીરમાં જાણે પ્રાણ આવ્યો હોય એમ તે હલ્યો હતો. જોષી ઉત્સાહીત થઇ ઉઠયો અને ફરીથી એક ગ્લાસ ભરીને આ વખતે તેના માથે પાણી રેડયું હતું.

“આહ,” સુરાનાં હલકમાંથી અવાજ નિકળ્યો અને ધીમેથી તેણે આંખો ખોલી. જોષીને તો જાણે જેકપોટ લાગ્યો હોય એમ તેના ચહેરા પર ખુશી છલકી ઉઠી. બંસરીએ સુરો જીવિત હશે કે કેમ એવી ચિંતા તેની સમક્ષ વ્યક્ત કરી હતી કારણ કે રઘુભાએ જેમ કાળીયાને ગાયબ કર્યો હતો એમ સુરાને પણ ગાયબ કરી દીધો હતો. પરંતુ અહીં સુરાને જીવિત ભાળીને તેણે તુરંત પોતાના એક અંગત માણસને ફોન કર્યો હતો. જોષીનું મગજ ભયંકર ઝડપે વિચારી રહ્યું હતું. તે અત્યારે પોલીસમાં જઇ શકે તેમ નહોતો કારણ કે એક પોલીસ અફસર વિરુધ્ધ જ જ્યારે સબૂત એકઠા કરવાનાં હોય ત્યારે પોલીસ ખાતાથી દૂર રહેવું યોગ્ય હતું. એટલે જ તેણે પોતાની રીતે વ્યવસ્થા કરવાનું વિચાર્યું હતું.

ગણતરીની માત્ર ચંદ મિનિટોમાં એક માણસ વાન લઇને ખેતરમાં આવ્યો હતો અને એટલી જ ઝડપે રમણ જોષીએ તેની સાથે મળીને સુરાને અને પેલા ઘાયલ વ્યક્તિને વાનમાં નાંખ્યાં હતા અને વાન કામરેજની દિશામાં ભગાવી મૂકી હતી. કામરેજમાં જોષીનો એક ઓળખીતો ડોકટર મિત્ર હતો. વાનને સીધી જ તેના દવાખાને લેવામાં આવી. રસ્તામાં જોષીએ ફોન પર જ પોતાના એ મિત્રને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી હતી અને આ લોકોના ઈલાજ ખાનગી રીતે થાય એવી વ્યવસ્થા તૈયાર રાખવાનું કહ્યું હતું. ડોકટર તૈયાર જ હતો. તેણે હોસ્પિટલના પાછલાં બારણેથી એ બન્નેને અંદર લીધા હતા અને એક પ્રાઇવેટ રૂમમાં દાખલ કર્યાં હતા. એ બન્નેની હાલત જોઇને ડોકટર ચોંકયો હતો અને સુરો એ સમયે ફરીથી બેહોશ થઇ ગયો હતો.

“માયગોડ જોષી, શું છે આ બધું? આ બન્નેની હાલત તો જો, જાણે તેમની ઉપર કોઇએ બુલડોઝર ફેરવી દીધું હોય એવું લાગે છે.” ડોકટરનાં અવાજમાં ભારોભાર અચરજ ભરેલું હતું.

“એ બધું હું તને નિરાંતે જણાવીશ. એ પહેલાં એમનો ઈલાજ શરૂ કર. આ બન્ને હોશમાં આવવા જરૂરી છે. તને સમજાય છે મારી વાત?” જોષીએ ડોકટર સામું જોઇને સ્પષ્ટ શબ્દોમાં પૂછયું. ડોકટરને તેના આ મિત્રની પહોંચ ક્યાં સુધી હતી એની જાણકારી હતી. અને વળી એક વિશ્વાસ હતો કે જોષી ક્યારેય કોઇ ખોટું કામ નહી કરે, એટલે વધું વિચાર્યા વગર તેણે ઉપચાર શરૂ કર્યો હતો. તેણે એ બન્નેની પાટાપીંડી કરી અને ઈન્જેકશનો માર્યાં હતા.

“પંદરેક મિનિટમાં આ લોકો ભાનમાં આવી જશે. પણ મને ફેકચરની આશંકા લાગે છે એટલે બન્નેનાં એક્સ-રે પડાવવા પડશે.” ડોકટર બોલ્યો.

“એ પણ કરીશું. પણ એ પહેલા મારે તેમની પાસેથી કંઇક જાણવું છે. ત્યારબાદ તારે જે કરવું હોય એની તને છૂટ્ટી છે.” ભયાનક લહેજામાં જોષી બોલ્યો હતો. જ્યારથી તેણે પેલા કાળા, જાડા માણસને ઠમઠોર્યો હતો ત્યારથી તેના વર્તનમાં એકાએક ગજબનું પરિવર્તન આવ્યું હતું અને તેનો આત્મવિશ્વાસ ચરમસીમાએ પહોંચ્યો હતો.

(ક્રમશઃ)

Rate & Review

BHARAT PATEL

BHARAT PATEL 2 weeks ago

Tejal

Tejal 1 year ago

Arzoo baraiya

Arzoo baraiya 2 years ago

Hiren Patel

Hiren Patel 2 years ago

Ankita

Ankita 2 years ago