Jantar-Mantar - 2 books and stories free download online pdf in Gujarati

જંતર-મંતર - 2

જંતર-મંતર

( પ્રકરણ : બે )

સૂમસામ, શાંતિભરી અંધારી રાત હતી. રીમા અને વાસંતી પોતપોતાની રૂમમાં કયારનીય ઊંઘી ગઈ હતી. બહાર ચોગાનમાં ખાટલા ઉપર બુઢ્ઢો ચોકીદાર અડધો જાગતો અને અડધો ઊંઘતો પડયો હતો. કયારેક આવતાં એની ખાંસીના અવાજ સિવાય ચારે તરફ સન્નાટો હતો.

અચાનક બાર ને પાંત્રીસનો સમય થતાં નજીકની રેલવે લાઈન પરથી પસાર થતી ગાડીના અવાજથી વાતાવરણ ખળભળી ઊઠયું.

એક પળ માટે આસપાસના વિસ્તારના લોકોની ઊંઘ તૂટી ગઈ. વાસંતીની આંખ પણ દરરોજની જેમ ઊઘડી. આંખ ઉઘડતાં જ વાસંતી ચોંકીને બેઠી થઈ ગઈ. એની બરાબર સામે જ બે આંખો તગતગી રહી હતી. ગભરાટમાં વાસંતી ચીસ પાડવાનું ભૂલી ગઈ. એનું મોઢું પહોળું થઈ ગયું. એના ચહેરા ઉપરથી પરસેવાના રેલા ઉતરવા લાગ્યા. એનું હૃદય જોશજોશથી ધડકવા લાગ્યું. ભયથી એના હાથે-પગે પરસેવો વળી ગયો. જરૂર એ આંખો પેલા ભૂતની જ છે. એ ભૂત ગઈ કાલ રીમાના રૂમમાં ભરાયો હતો. અને રીમાની જુવાની લૂંટી હતી. આજે એ જ ભૂત અહીં આવ્યો છે, વાસંતીએ મનોમન ભગવાનને યાદ કર્યા. પરંતુ કોઈ ભગવાન કે કોઈ નામ એ યાદ કરી શકી નહીં. એ આંખો હવે વધુ ને વધુ બિહામણી બનતી જતી હતી. વાસંતીને લાગ્યું કે, એ આંખો ધીમે-ધીમે એની તરફ સરકી રહી છે, વાસંતી પોતાની નજર તો ખસેડી શકે એમ હતી જ નહીં. આંખો બંધ કરી લેવાનું મન થયું પણ એ આંખો બંધ કરવાની હિંમત પણ કરી શકી નહીં. તેમ છતાંય વાસંતીએ પોતાનામાં હતી એટલી બધી જ હિંમત ભેગી કરીને, પોતાના માથા નીચેથી ઓશિકું ખેંચીને, પોતાના મોઢા ઉપર મૂકી દીધું અને ફફડતા હૃદયે એ પેલા ભૂતની નજીક આવવાની વાટ જોઈ રહી. લગભગ અડધા-પોણા કલાકના બેચેનીભર્યા ઈન્તેજાર પછી એને લાગ્યું કે કદાચ એ ભૂલથી અહીં આવી ગયો હશે. એને ખ્યાલ આવતાં એ કદાચ પાછો રીમાના કમરામાં ચાલ્યો ગયો હશે. એણે હળવેકથી પોતાના ચહેરા ઉપરનું ઓશિકું સહેજ ખસેડયું અને એક આંખે એણે ખૂબ રડતાં-રડતાં, સામે જ્યાં આંખોના ડોળા તગતગતા દેખાતા હતા, ત્યાં જોયું. પણ ત્યાં અત્યારે કંઈ જ દેખાયું નહિ. એના જીવમાં જીવ આવ્યો હોય એમ એણે નિરાંત અનુભવી. છુટકારાનો દમ લેતાં પહેલાં એણે ચહેરા ઉપરથી ઓશિકું ખસેડીને પોતાના રૂમમાં ચારે તરફ નજર ઘુમાવી. કયાંક કંઈ દેખાયું નહીં. એ હળવેકથી પથારીમાં બેઠી થઈ. ફરી એકવાર કમરામાં એણે ધ્યાનથી નજર ફેરવી. મનમાં પાકી ખાતરી કરી લીધી અને પછી ઊભી થઈને એણે લાઈટ ચાલુ કરી. રૂમમાં અજવાશ ફેલાઈ ગયો. એ અજવાશથી એના શરીરમાંથી ઓગળી ગયેલી હિંમત જાણે પાછી શરીરમાં ભરાઈ ગઈ. એણે જગમાંથી પાણી ભરીને પીધું. એકવાર ફરી એણે ચારે તરફ દીવાલો અને ઉપરની છત તરફ પણ નજર ફેરવી લીધી. અત્યારે અજવાશમાં તો કંઈ જ દેખાયું નહિ. એને થયું કે કદાચ પોતાને એવો ભ્રમ થાય એટલી કાચા મનની એ નહોતી. એણે પોતાની સગી આંખે, હજુ હમણાં જ, થોડીક વાર પહેલાં જ અંગારા જેવી તગતગતી આંખો જોઈ હતી. અને એ આંખોને કેમેય એ ભૂલી શકે એમ નહોતી. વાસંતી ફરી પાછી પોતાના પલંગ તરફ ફરી. એક પળ માટે તો એણે વિચાર્યું કે લાઈટ ચાલુ જ રહેવા દે. પણ પછી બીજી પળે એ ઊંઘ નહિ આવે, એવી બીકે લાઈટ બંધ કરીને, ચૂપચાપ પલંગ ઉપર લેટી ગઈ. અને થોડીવારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગી.

અહીં વાસંતી આરામથી ઊંઘી રહી હતી ત્યારે બાજુની રૂમમાં રીમા એક અજબ મસ્તી, એક અજબ આનંદ અને એક અજબ રોમાંચ અનુભવતી પડી હતી.

એના રૂમમાં પેલા પીળા ફૂલની, ચંપા અને મોગરા જેવી તેજ સુગંધ પથરાયેલી હતી. આ સુગંધે વાતાવરણમાં એક અજબ પ્રકારની મસ્તી ભરી દીધી હતી.

રીમાના માદક, ગોરા અને લીસા શરીર ઉપરથી કપડાં તો કયારનાંય સરકી ગયાં હતાં. રીમાના એ ગોરા અને ઉઘાડા શરીરને અદૃશ્ય મજબૂત પુરુષે પોતાના શરીર સાથે જકડી લીધું હતું. એ અદૃશ્ય પુરુષના ગરમા ગરમ હોઠ, રીમાના કાન, ગરદન, ખભા અને એનાથી નીચે સુધી ફરતા હતા. રીમા એક અનોખો આવેશ અનુભવી રહી હતી. એના શરીરમાંથી વીજળીની મીઠી લહેરો પસાર થતી હોય એવો આનંદ એના ચહેરા ઉપર છવાયેલો હતો. આંખો મીંચીને રીમા એ આનંદ માણી રહી હતી.

રીમાના શરીરને એ અદૃશ્ય પુરુષ ખુંદી રહ્યો હતો. કચડી રહ્યો હતો. ખિલેલા તાજા ગુલાબ જેવી તાજી જુવાનીને એ એકી વખતે જ પોતાનામાં સમાઈ લેવા માંગતો હોય એવી રીતે એ રીમાના શરીર ઉપર પથરાઈ ગયો હતો. રીમા એ આનંદ-એ મસ્તી વહેલી સવાર સુધી માણતી રહી.

બીજા દિવસની સવારે રીમા જાગી ત્યારે સૂરજ ઉપર આવી ગયો હતો. ઝડપથી કપડાં પહેરી, એક મસ્તી-માદક અંગડાઈ લઈને એણે બારણું ઉઘાડયું. બહાર ડોકિયું કરીને એણે વાસંતીના રૂમ તરફ જોયું. વાસંતીના રૂમનું બારણું બંધ હતું. એને જરા નવાઈ લાગી. વાસંતી હજુ સુધી કેમ જાગી નહિ હોય ? એવો સવાલ મનમાં જાગ્યો. ઝડપથી દોડતાં પગલે એ વાસંતીના રૂમ પાસે આવી. જોશથી બારણું ખખડાવતાં રીમાએ વાસંતીને બૂમ મારી.

એકાદ-બે બૂમો માર્યા પછી એણે અંદરથી વાસંતીનો અવાજ સાંભળ્યો અને એ અવાજ સાથે વાસંતીએ બારણું ઉઘાડયું.

બારણું ઉઘાડતાં જ રીમા વાસંતીની સાથે જ, રૂમમાં ગઈ. એણે વાસંતીની મજાક કરતાં પૂછયું, ‘કેમ રે...તને મારી ઈર્ષા આવી કે શું ? હું મોડી જાગું છું તો તું પણ મોડી જાગવા માંડી...!’

વાસંતી રીમાને વળગી પડતાં બોલી, ‘રીમા, આજે રાતે તો મારીય ઊંઘ ઊડી ગઈ.’ તેના અવાજમાં ગભરાટની ઝલક સાફ વરતાતી હતી. ગભરાટથી ધ્રુજતા અવાજે એ બોલી, ‘રીમા, તેં પેલું પીળું ફૂલ તોડયું છે ત્યારથી જાણે આપણે માથે મુસીબત આવી ગઈ છે. કોઈક ભયાનક વસ્તુ આપણને પરેશાન કરી રહી છે !’

રીમા વાતને હસીને ઉડાવી દેતાં બોલી, ‘અરે વાસંતી, તુંય આવી ભણેલી-ગણેલી થઈને શું આવા વહેમમાં માને છે ?’

‘ના, હું એવો વહેમ રાખતી નથી. પણ ગઈ કાલે મેં રાતના અંધારામાં બે તગતગતી અંગારા જેવી આંખો જોઈ છે.’

‘તું બધી વાતો છોડ, મારા રૂમમાં ચાલ, હું ચા મૂકું છું.’ કહેતાં રીમા બહાર નીકળી ગઈ. રીમા ગઈ એટલે વાસંતીએ પોતાના રૂમનું બારણું બંધ કર્યું. પણ એ આગળ વધે એ પહેલાં જ એક કાળો બિલાડો એની પાસેથી પસાર થઈ ગયો. એ બિલાડાની નજર વાસંતી ઉપર મંડાયેલી હતી. મોટા ગલુડિયા જેવડા બિલાડાને પોતાની સામે તાકી રહેલો જોઈને વાસંતી મનોમન ધ્રૂજી ગઈ. એના શરીરમાંથી ગભરાટભરી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. એણે રાતે જોયેલી બેય આંખો યાદ આવી ગઈ. એ ગભરાટથી ઉતાવળા પગલાં ભરતી રીમાની રૂમમાં સરકી ગઈ.

રીમા સ્ટવ ઉપર ચા મૂકીને, બાથરૂમમાં ચાલી ગઈ હતી. વાસંતીએ રીમાના રૂમમાં જઈને પલંગ ઉપર બેઠક જમાવી. પણ જેવી એ પલંગ ઉપર બેઠી કે તરત જ એનું ધ્યાન તાજા ખિલેલા પીળા ફૂલ ઉપર પડયું. એના મનમાં એક આછી પાતળી શંકા ફરી વળી. ‘આ ફૂલ તો કરમાઈ જવું જોઈએ. શું રીમા બીજું ફૂલ લઈ આવી હશે ?’

રીમા બાથરૂમમાંથી માથાના વાળ સરખા કરતી પાછી ફરી ત્યારે વાસંતીએ ફૂલ વિશે પૂછવાને બદલે સીધું જ પૂછી નાખ્યું, ‘રીમા, શું આજે રાતે પણ એ આવેલો...?’

‘હા વાસંતી, આજે પણ એ આવેલો...!’

‘તેં એને જોયો ?’

‘ના.’

‘રીમા, એ સારું નથી. એ કોણ છે તે આપણે જાણવું જ જોઈએ. તું એને તારી સામે બોલાવ.’

રીમાએ એક મસ્તીભરી અંગડાઈ લઈને માદક અવાજે કહ્યું, ‘વાસંતી, એ વખતે મને ભાન જ નથી હોતું. એ વખતે હું એવા અજબ આનંદમાં અને એવી અજબ મસ્તીમાં ડૂબી જાઉં છું કે, મને એ યાદ રહેતું નથી...બસ આનંદ અને મસ્તી જ મારી ઉપર છવાઈ જાય છે.’

રીમાની વાત સાંભળીને વાસંતીએ એનો ખભો પકડી લીધો. એનો ખભો હલાવતાં ગંભીર અવાજે એ બોલી, ‘રીમા, જરા સમજથી કામ લે. મને તો લાગે છે કે એ કોઈ ભૂત-પ્રેત છે.’

‘ના, વાસંતી. એ ભૂત કે પ્રેત નથી. જો એ ભૂત કે પ્રેત હોય તો મને એની બીક લાગવી જોઈએ. એને બદલે એ તો મને આનંદ આપે છે.’

રીમાની દલીલ વાસંતીને મનમાં ખૂંચી. એ સહેજ ખીજવાઈ જઈને બોલી, ‘રીમા, એ તારા ઉપર મોહી પડયો છે એટલે એ તને આનંદ આપે છે. જો એ કોઈ ભૂત કે પ્રેત નથી તો પછી તારી સામે કેમ આવતો નથી ? તું એની સામે જિદ્દ કર. એની સાથે વાતચીત કર અને એને પૂછી જો કે એ કોણ છે ? શા માટે આવે છે ? અને કયારે એ તને છોડશે ?’

વાસંતીની વાતોએ જાણે રીમા ઉપર અસર કરી હોય એમ રીમા કંઈક ગંભીર બની ગઈ. એને લાગ્યું કે વાસંતી કદાચ સાચું કહી રહી છે. મનમાં એ અજાણ્યા અદૃશ્ય પુરુષ વિશે વિચારતા રીમાએ ઉકળતી ચામાં દૂધ રેડીને, ચા કપમાં ઠાલવી અને એ કપ-રકાબી વાસંતી તરફ લંબાવ્યાં.

વાસંતીએ રીમાના ગંભીર ચહેરા તરફ જોતાં કપ-રકાબી હાથમાં લીધાં. એને રીમાની હાલત ઉપર દયા આવી ગઈ. એણે રીમાને દિલાસો આપ્યો, ‘રીમા, તું ગભરાઈશ નહીં. જરા હિંમતથી કામ લેજે. એની મેળે બધું જ સારું થઈ જશે.’ કહીને એણે ચાનો કપ મોઢે માંડયો. કપને મોઢા સુધી લઈ જતાં એનું ધ્યાન એકાએક કપ ઉપર પડયું. કીડીએ પગે ચટકો ભરી લીધો હોય એમ એ ચોંકી ગઈ. કપમાં બિલકુલ ચા નહોતી. કપમાંથી કોઈ પી ગયું હોય એમ કપ ખાલી હતો. કપને તળિયે થોડીક ચા ચોંટી હતી. વાસંતીએ સહેજ ડરી જઈને રીમાને પૂછયું, ‘રીમા, તેં મારા કપમાં ચા ભરી હતી ?’

‘હા, તારી સામે જ કીટલીમાંથી ઠાલવી હતી ને ?’ કહીને એણે અચરજ સાથે પૂછયું, ‘કેમ શું થયું ?’

પડી ગયેલા મોઢે વાસંતીએ જવાબ આપ્યો, ‘રીમા, કપમાં ચા નથી.’

‘હેં...! ? શું વાત કરે છે ! ?’ ગભરાટથી અને અચરજથી ચોંકેલી રીમા વાસંતીની નજીક સરકી. વાસંતીનો કપ ખરેખર ખાલી હતો. ચોક્કસ એ અદૃશ્ય પુરુષ જ ચા પી ગયો હશે. એ સિવાય એવું ન બને.

વાસંતીના ચહેરા સામે જોઈને હસવાનો પ્રયત્ન કરતી રીમાએ કીટલીમાંથી બીજી ચા વાસંતીના કપમાં ઠાલવી. રીમા જ્યારે કપમાં ચા રેડી રહી હતી ત્યારે એનો કીટલીવાળો હાથ ભયથી સહેજ સહેજ ધ્રુજી રહ્યો હતો. વાસંતીની આંખોમાં ડર હતો. પણ ત્યાર બાદ કંઈ બન્યું નહીં. બન્ને બહેનપણીઓ ચા પીને, રૂમ બંધ કરીને નીકળી ગઈ.

એ દિવસે વાસંતી ખૂબ ગંભીર રહી. આજે સવારથી જ રીમાને અશક્તિ જેવું વર્તાવા લાગ્યું હતું. એના આખા શરીરે પીડા થતી હતી અને તાવ હોય એવું પણ એને લાગતું હતું. વાસંતીની વાત એને હવે કંઈક ખરી લાગવા માંડી હતી. એને મનમાં થઈ ગયું હતું કે, ચોક્કસ કોઈ ભૂત-પ્રેત જ એના શરીર સાથે રમત રમી રહ્યો છે.

સાંજ સુધીમાં તો રીમાએ મનોમન નક્કી કરી નાખ્યું હતું કે હવે પોતે એની સાથે વાતચીત કરીને એને પોતાની સામે જ બોલાવશે. એ જ્યાં સુધી વાતચીત નહીં કરે ત્યાં સુધી એ પોતે પલંગ ઉપર નહીં જાય.

એ રાતે રીમા મોડે સુધી વાસંતી સાથે વાતો કરતી બેસી રહી. બાર ને પાંત્રીસે નીકળતી ગાડી પસાર થઈ ગયા પછી એ હળવે પગલે પોતાની રૂમમાં ગઈ. જોકે, રૂમમાં જતી વખતે એના મનમાં બિલકુલ ફફડાટ કે ગભરાટ નહોતો. પેલા અદૃશ્ય પુરુષની કલ્પના કે વિચાર આવતાં જ એ મનમાં મીઠો રોમાંચ અનુભવતી હતી.

પોતાની રૂમ ઉઘાડી હળવેકથી રીમા અંદર પહોંચી. લાઈટ ચાલુ કરીને એણે બારણું બંધ કરી દીધું અને પછી પલંગ પાસે પડેલી ખુરશી ખેંચીને દૂર લીધી અને હાથમાં કોઈક પુસ્તક લઈને ધીમે-ધીમે એનાં પાનાં ઉથલાવવા લાગી.

થોડીકવાર એમ ને એમ પસાર થઈ ગઈ. પછી એકાએક એની રૂમમાં પેલા ફૂલની મોગરા ચંપા જેવી તેજ સુગંધ ફેલાવા લાગી. થોડીવારમાં તો એ જ તેજ સુગંધ એની આખી રૂમમાં ફેલાઈ ગઈ.

રીમાના શરીરમાં એક પ્રકારની મસ્તી ભરાવા લાગી. એણે પુસ્તક ઘા કરીને, ફેંકી દીધું. ત્યાં જ અચાનક એના રૂમની લાઈટ બંધ થઈ ગઈ.

ગભરાઈને રીમા ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. એણે પૂછયું, ‘કોણ છે ?’

સામેથી કોઈ જવાબ ન મળ્યો. પણ કોઈએ રીમાની નજીક આવીને, રીમાને પોતાની છાતી સાથે જકડી લીધી. પોતાના શરીર ઉપર એ અજાણ્યો અને અદૃશ્ય હાથ પડતાં જ રીમાએ એક મીઠા રોમાંચ સાથે મીઠી ઝણઝણાટી અનુભવી. રીમાને ખ્યાલ આવી ગયો કે રોજ રાતના આવતો એ અજાણ્યો અને અદૃશ્ય પુરુષ આવી પહોંચ્યો છે. એણે હિંમત કરીને પૂછયું, ‘તમે કોણ છો ?’

સામેથી કોઈ જવાબ ન મળ્યો પણ કોઈએ રીમાની નજીક આવીને, રીમાને પોતાની છાતી સાથે જકડી લીધી. પોતાના શરીર ઉપર એ અજાણ્યો અને અદૃશ્ય હાથ પડતાં જ રીમાએ એક મીઠા રોમાંચ સાથે મીઠી ઝણઝણાટી અનુભવી. રીમાને ખ્યાલ આવી ગયો કે, રોજ રાતના આવતો એ અજાણ્યો અને અદૃશ્ય પુરુષ આવી પહોંચ્યો છે. એણે હિંમત કરીને પૂછયું, ‘તમે કોણ છો ?’

‘હું તારો પ્રેમી છું.’ એક પહાડી અવાજ જાણે એના કાને અથડાયો.

‘તમે મારી સામે કેમ આવતા નથી ?’

‘હું તારી સામે આવી શકતો નથી.’

‘પણ તમે મારી સામે નહીં આવો તો હું અહીંથી ચાલી જઈશ.’

રીમાની વાત સાંભળીને એ પહાડી પુરુષનું હાસ્ય રૂમમાં ફરી વળ્યું. ‘હવે તને મારાથી અલગ કોઈ નહીં કરી શકે. તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે હોઈશ.’

‘પણ તમે મારી સામે એકવાર તો આવો.’

‘જિદ્દ કરવામાં મઝા નથી. ચાલ પલંગ પર આવ !’ એ અજાણ્યા-અદીઠા પુરુષના અવાજમાં એવું ખેંચાણ હતું કે ત્યારબાદ રીમા વધુ કોઈ વાત કરી શકી નહીં. કોઈ જિદ્દ કરવાને બદલે એ કોઈ ચાવી દીધેલી ઢીંગલી હોય એમ ચૂપચાપ આગળ વધી ગઈ. પેલા અજાણ્યા અને અદૃશ્ય મજબૂત પુરુષે એને પોતાના બાહુપાશમાં જકડી લીધી. રીમા ફરી મીઠા રોમાંચ અને મીઠા આનંદમાં ડૂબી ગઈ.

પછી....? પછી શું થયું....? શું રીમા એ અજાણ્યા-અદીઠા પુરુષના ચુંગાલમાંથી છૂટી શકી...? વાસંતીનું શું થયું....? વાસંતીએ રીમાને બચાવવા માટે શું કર્યું....? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું ? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું ? એ બધું જ જાણવા માટે આપે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાંચવો જ પડશે.

***