Jantar-Mantar - 6 books and stories free download online pdf in Gujarati

જંતર-મંતર - 6

જંતર-મંતર

( પ્રકરણ : છ )

બીજા દિવસની સવારે હંસાભાભીએ રીમાને ખુશ ખબર આપતાં કહ્યું, ‘નણંદબા, આજે તમારી કસોટી છે.’

‘કાં, શું છે ?’ રીમાએ અચરજ સાથે પૂછયું ત્યારે હંસાભાભીએ આંખોને એક તોફાની ઉલાળો આપતાં કહ્યું, ‘રીમા, આજે સાંજે અમર અને એનાં મા-બાપ તને જોવા આવવાનાં છે.’

‘કોણ....? પેલા આફ્રિકાવાળા....!’

‘હા હા, એ જ. એ અમર અને એનાં મા-બાપ છેલ્લા ત્રણ મહિનાથી આપણે ત્યાં આંટા ખાય છે, અને તું પણ એ અમરને બરાબર જોઈ લેજે, પછી અમારો વાંક કાઢતી નહીં.’

‘ના, ભાભી ના...હું એ અમર સાથે સગાઈ-લગ્ન નહીં કરું. અરે, અમર તો શું પણ હું કોઈની સાથેય લગ્ન નહીં કરી શકું...!’ એવું કહી દેવાની ઈચ્છા હોવા છતાંય હોઠ સુધી આવેલા શબ્દો પાછા ચાવી જતી હોય એમ રીમા બબડી, ભાભી, એવી તે શું ઉતાવળ છે ?’

હંસાભાભી હસીને બોલ્યાં, ‘અમારે કયાં ઉતાવળ છે ? ઉતાવળ તો તમારે...!’ પણ હંસાભાભી પોતાના શબ્દો પૂરા કરે એ પહેલાં રીમાએ મીઠો છણકો કર્યો, ‘જાવ, મારે તમારી સાથે વાત નથી કરવી.’

આવી મીઠી મજાક પછી નણંદ-ભોજાઈ રસોઈના કામમાં ડૂબી ગઈ. અરે એ દિવસે કામમાં, વાતોમાં અને ઘરની સાફ-સૂફીમાં મહેમાનોના સ્વાગતની તૈયારી કરતાં ચાર વાગી ગયા એની પણ ખબર પડી નહીં.

રીમા શરમાતી હતી-લજાતી હતી છતાંય એણે અમરને જોયો. વાંકડિયા વાળ, મોટી આંખો અને હસમુખા ચહેરાવાળો અમર કોઈપણ છોકરીને એકી નજરે જોતાં જ ગમી જાય એમ હતો. રીમાને પણ અમર ગમી ગયો. અને રીમા તો આમેય દેખાવડી અને મીઠા સ્વભાવની હતી જ. અમરની માને તો એ ખૂબ ગમતી હતી. એ તો કયારનાંય રીમાને વહુ માની બેઠાં હતાં.

અમરે મા તરફ જોઈને રીમા પસંદ છે એવો ઈશારો કરી દીધો એટલે એ જ વખતે ગોળ વહેંચીને મોં મીઠું કરી લેવામાં આવ્યું. સગાઈની તારીખ પણ પાકી થઈ ગઈ. અમર અને રીમા એકબીજાના સાથી તરીકે નક્કી થઈ ગયાં.

આમેય અમર મનોજનો મિત્ર હતો. અવારનવાર એ ઘરે પણ આવતો હતો. પરંતુ સંજોગોવશાત કદી એની મુલાકાત રીમા સાથે થઈ નહોતી. અમર માટે આ ઘર નવું નહોતું. વળી હંસાભાભીએ અમરને ટકોર પણ કરી હતી, ‘અમરભાઈ ! હવે તમે આંટોફેરો કરતા રહેજો, જેથી રીમાને એકલવાયું ન લાગે !’ ભાભીની વાત સાંભળીને રીમા શરમથી આંખો ઝુકાવી ગઈ અને અમર ખડખડાટ હસી પડયો.

ત્રણ-ચાર દિવસમાં જ સાદગીથી સગાઈ પતાવી લેવાઈ, વાસંતીના મૃત્યુનો ઘા તાજો જ હતો. વાસંતી રીમાની નજીકની સહેલી હતી એટલે વાસંતીની વરસી વળે ત્યારબાદ લગ્ન કરવાનું નક્કી થયું. પણ રીમા અને અમરની મુલાકાતો બીજા જ દિવસથી ચાલુ થઈ ગઈ.

બપોરના ચારેક વાગ્યાના ગાળામાં ઘરમાં કોઈ રહેતું નહીં. ઘરમાં સાસુ, હંસા અને રીમા એમ ત્રણ જણાં જ રહેતાં. એમાંય મોટેભાગે સાસુને તો વાર-તહેવારમાં કે પાસ-પડોશમાં કયાંક જવાનું થતું એટલે હંસાભાભીએ અમરને ચારેક વાગ્યાના ગાળામાં આવવા માટે ફૂંક મારી હતી.

પહેલીવાર અમર આવ્યો ત્યારે રીમા દોડીને રસોડામાં ભરાઈ ગઈ. હંસાભાભી પણ એની પાછળ દોડી આવ્યાં. ત્યારે રીમાએ ધ્રૂજતા અવાજે કહ્યું, ‘ભાભી મને બીક લાગે છે !’

‘બીક....?’ હંસાભાભીએ હળવેકથી હસીને પૂછયું, ‘અરે, એમાં શેની બીક ? એ કંઈ ભૂત-પ્રેત થોડો જ છે કે તને ખાઈ જશે ?’

ભૂત-પ્રેતનું નામ પડતાં જ રીમાને રાતવાળો પેલો અદૃશ્ય પુરુષ યાદ આવી ગયો. એ ગભરાટથી ફફડી ઊઠી. એના ચહેરા ઉપર પરસેવો ફૂટી નીકળ્યો.

હંસાભાભીએ એની નજીક આવીને, એના માથા અને પીઠ ઉપર હાથ ફેરવતાં એને સમજાવી, ‘નવું નવું છે એટલે તને સંકોચ થાય છે રીમા...પણ પછી તમે અમર વિના ચેન નહીં પડે...’ એટલું કહીને તેમણે ઉમેર્યું, ‘તું એમ કર, તારા કમરામાં જા, હું અમરને ત્યાં મોકલું છું.’

રીમા ચૂપચાપ પોતાના કમરામાં સરકી ગઈ. એટલે હંસાભાભીએ બહાર આવીને અમરને રીમાના કમરામાં જવા ઈશારો કર્યો અને પછી પોતે પણ પોતાના દીકરા હેમંતને લઈને પોતાના કમરામાં ચાલી ગઈ.

અમર જ્યારે રીમાના કમરામાં પહોંચ્યો ત્યારે રીમા બારી પાસે ચૂપચાપ અને સંકોચાઈને ઊભી હતી. શરમના ભારથી એની પાંપણો ઝૂકેલી હતી. અમર પણ એની નજીક જઈને ચૂપચાપ ઊભો રહ્યો અને એકીટસે રીમાના ચહેરાને, રીમાના રૂપને અને રીમાની ઉછળતી જુવાનીને તાકી રહ્યો. પછી એકાએક એણે ખામોશી તોડતાં કહ્યું, ‘રીમા, આમ કયાં સુધી મારાથી દૂર રહીશ ? કયાં સુધી આમ શરમાતી-સંકોચાતી રહીશ ?’

અમરના સવાલનો રીમાએ કોઈ જવાબ આપ્યો નહીં. એણે આંખો ઊંચી કરીને અમરને જોવા પ્રયત્ન કર્યો. પણ શરમથી ભારે થયેલી પાંપણો એ ઊંચી કરી શકી નહીં. બલકે શરમને કારણે એના ગાલ ઉપર લાલાશ ફૂટી નીકળી હતી. હોઠ ધ્રૂજતા હતા. અને એની છાતી જોશજોશથી ધડકી રહી હતી.

અમર હળવે પગલે રીમાની નજીક સરકયો અને એનો હાથ પકડીને ચૂમી લેતાં બોલ્યો, ‘આજે તો હું જાઉં છું. હવે કાલે આવીશ.’

એ દિવસે તો અમર ચાલ્યો ગયો. પણ પછી તો દરરોજ ચાર વાગે અમર આવી જતો. રીમા પણ સરસ કપડાં પહેરીને તૈયાર થઈને અમરની વાટ જોતી, અમરની વાતો એને ખૂબ પ્યારી લાગતી. શરૂઆતમાંના બે-ત્રણ દિવસ તો અમર સાથે વાત કરવાની હિંમત જ કરી શકી નહીં પણ પછી ધીરે-ધીરે એ અમર સાથે વાતો કરવા લાગી.

એક દિવસ બપોરે રીમા અમરની વાટ જોતી હતી. ચાર કયારનાય વાગી ગયા હતા. અમર મોડામાં મોડો સવા ચાર વાગ્યા સુધીમાં તો આવી જતો હતો. આજે સાડાચાર વાગવા આવ્યા છતાં અમરનું કંઈ ઠેકાણું નહોતું. રીમાને હવે મનમાં એમ લાગતું હતું કે કદાચ અમર હવે નહીં આવે. અચાનક રીમાને મનમાં ફફડાટ જાગ્યો કે, રાતવાળા પેલા અદૃશ્ય પુરુષે તો અમરને હેરાન નહીં કર્યો હોય ને...?’

હજુ પણ એ મજબૂત પુરુષ રાતના સાડાબાર વાગ્યા પછી રીમા પાસે આવતો હતો. પહેલાં તો રીમાને એ ગમતો હતો. રીમા રાજીખુશીથી એની પાસે પોતાની જુવાની લુંટાવતી હતી. પરંતુ અમર સાથેની સગાઈ પછી એ મનોમન એ પુરુષને નફરત કરવા લાગી હતી. એ કોઈ ભૂત-પ્રેત છે એવી પણ એને ખાતરી થઈ ગઈ હતી. એટલે જ્યારે એ પુરુષ આવતો ત્યારે એ એની સાથે કોઈ પ્રેમની કે બીજી વાત કરતી નહીં. એ ચૂપચાપ પોતાનું શરીર એને હવાલે કરી દેતી હતી. દિવસે તો એ અમરના વિચારોમાં અને અમરના સંગાથમાં એને ભૂલી જતી હતી. પરંતુ આજે અમર સમયસર આવ્યો નહીં એટલે એના મનમાં શંકાનો કીડો સળવળી ઊઠયો.

પરંતુ રીમાની શંકા થોડી જ વારમાં ખોટી ઠરી. પાંચ વાગતા પહેલાં અમર આવી ગયો. આવતા જ અમરે પોતાના હાથમાંનું પેકેટ રીમાના હાથમાં મૂકી દીધું, ‘રીમા, આજે મારી વરસગાંઠ છે. આમ તો અમારે ત્યાં કોઈ વરસગાંઠ મનાવતું નથી. પણ હું તને કોઈક ભેટ આપવા માટે આવા દિવસની જ વાટ જોતો હતો.’

રીમાએ કૂતુહલ સાથે પેકેટ ઉઘાડયું. એમાં સરસ મઝાની ગુલાબી રંગની કિંમતી સાડી હતી. અમરે રીમાને પૂછયું, ‘પસંદ છે ?’

રીમાએ હકારમાં ડોકું હલાવીને સાડી છાતી સાથે ચાંપી લીધી. એના ચહેરા ઉપર આનંદ પથરાઈ ગયો હતો. અમર એના એ ખુશખુશાલ રૂપાળા ચહેરાને એકીટસે તાકતો હળવેકથી આગળ વધ્યો. એણે રીમાની કમ્મરમાં હાથ પરોવીને રીમાને પોતાની તરફ ખેંચીને, પોતાના શરીર સાથે જકડી લીધી. રીમાએ હળવેકથી ઘા કરીને સાડી પલંગ ઉપર ફગાવીને, આંખો મીંચી લીધી. અને અમર રીમા ઉપર ઝૂકી ગયો.

અમર રીમાના ચહેરા પર વધારે ઝૂકે, રીમાના ગુલાબી ધ્રૂજતા હોઠ ઉપર પોતાના હોઠ મૂકે એ પહેલાં તો અચાનક રીમામાં કોઈ જબ્બર ફેરફાર થઈ ગયો.

રીમાનો ચહેરો કઠોર બની ગયો. એણે એક જોરદાર ઝાપટ અમરના ચહેરા ઉપર ફટકારી, એ ઝાપટ વાગતાં જ અમર ફંગોળાઈને છેક બારણા પાસે જઈ પછડાયો.

બરાબર એ જ વખતે હંસાભાભી રસોડામાંથી નીકળીને, પોતાના કમરા તરફ જઈ રહ્યાં હતાં. અમરને ફંગોળાઈને પછડાતો જોઈને, અચરજ સાથે દોડી આવ્યાં.

પણ ત્યારે તો અમર કપડાં ખંખેરીને ઊભો થઈ ગયો હતો.

હંસાભાભીએ મજાક કરતાં કહ્યું, ‘અમરભાઈ, આમ અત્યારથી જ ગડથોલા ખાશો તો આગળ જઈને શું કરશો ?’

અમરે સાચી વાતને દબાવતાં કહ્યું, ‘ભાભી, હું બહાર નીકળવા જતો હતો ત્યાં ઠોકર વાગી ગઈ.’

‘આડા-અવળા જોઈને ચાલીએ તો ઠોકર વાગે જ અમરભાઈ !’ હંસાભાભીએ કટાક્ષ કર્યો અને બન્ને જણાં હસી પડયાં. અમર એક નજર રીમા ઉપર નાખીને ચાલ્યો ગયો. હંસાભાભી પલંગ ઉપર પડેલી સાડી જોવામાં પરોવાઈ ગયાં અને રીમા ચૂપચાપ બારીની બહાર તાકવા લાગી.

બીજે દિવસે અમર આવ્યો ત્યારે સહેજ લંગડાતો હતો. રીમાએ ચિંતાભર્યા અવાજે પૂછયું, ‘આ તમને શું થયું છે ? આજે કેમ લંગડાતા ચાલો છો ?’

‘બધી તારી મહેરબાની છે...!’ કહેતાં અમર ખડખડાટ હસી પડયો અને પછી બોલ્યો, ‘કાલે તેં એવી જોરદાર ઝાપટ મારી છે કે મારા તો બધાય દાંત હલી ગયા છે. અને જે વખતે પછડાયો એ વખતે તો કંઈ ખબર ન પડી. પણ ઘરે ગયા પછી પથારીમાં પડયો ત્યારે એકએક હાડકું તૂટી ગયું હોય એવી પીડા થતી હતી. હાથ તો જાણે કોઈ પહેલવાની પંજો છે.’

‘આ તમે શું કહો છો, મેં કયાં તમને ઝાપટ મારી છે ?’

‘સાચે જ...તમે સાચું કહો છો ? મને તો કંઈ ખબર નથી !’ રીમાએ અચરજ સાથે પૂછી નાખ્યું.

રીમાને આ પૂછતી જોઈને, અજાણી બનતી જોઈને અમરને પણ નવાઈ લાગી. છતાંય તેણે કહ્યું, ‘રીમા, હું સાચે જ તારા સોગંદ ખાઈને કહું છું તેં જ મને ઝાપટ મારી હતી.’

હવે રીમાને ખ્યાલ આવ્યો કે જરૂર ગરબડ થઈ છે. કદાચ પેલા અદૃશ્ય પુરુષે જ એ ઝાપટ મારી હશે. રીમા રડવા જેવી થઈ ગઈ. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં. એણે અમરની છાતી ઉપર માથું મૂકતાં ગળગળા અવાજે કહ્યું, ‘મને માફ કરી દો અમર, મારાથી અજાણતાં જ એવું થઈ ગયું હશે ! એમાં મારો કોઈ વાંક નથી.’

અમરે રીમાના માથે હાથ ફેરવી એને સાંત્વન આપ્યું. રીમા ચૂપ થઈ ગઈ એ પછી થોડીક વાતો કરીને અમર ચાલ્યો ગયો.

અમર ચાલ્યો ગયો પણ રીમાને બેચેન બનાવી ગયો. રીમાના મનમાં હવે અદૃશ્ય પુરુષ તરફ ઝેર ઘુંટાતું હતું. આજે તો એણે અમરને ઝાપટ મારી, રખેને કાલે કદાચ એનું ગળું ટૂંપી નાખે. આજે રાતે એની સાથે ખુલાસો કરવો જ પડશે.

આજે મોડી રાત સુધી રીમાને ઊંઘ આવી નહીં. એ ચૂપચાપ પલંગમાં પડી પડી પેલા અદૃશ્ય પુરુષની વાટ જોવા લાગી. બરાબર સાડાબારનો એક ટકોરો પડયો ત્યારે બંગલાની પાછળના ભાગમાં કૂતરાનો રડવાનો લાંબો અવાજ સંભળાયો અને એ અવાજ વાતાવરણમાં વિખરાઈ જાય એ પહેલાં તો કમરામાં પેલા વિચિત્ર પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ફેલાઈ ગઈ. રીમાએ મનને મજબૂત કરીને પૂછયું, ‘તમે આવી ગયા...?’

‘હા, આવી ગયો છું...હું તારા વિના નથી રહી શકતો. હું તારા પ્રેમમાં લગભગ પાગલ જેવો બની ગયો છું.’

‘અમરને ઝાપટ મારી હતી...?’ રીમાના અવાજમાં સખ્તાઈ હતી.

રીમાને ગુસ્સે ભરાયેલી જોઈને પેલાએ ખુલાસો કર્યો, ‘હા, મેં જ એને ઝાપટ મારી હતી. અને મેં તને પહેલાં પણ કહ્યું હતું કે તારા શરીર ઉપર ફકત મારો જ અધિકાર છે. હું જ તારો પ્રેમી છું અને હું જ તારો પતિ છું. તારા શરીરને બીજો કોઈ પુરુષ હાથ લગાવશે તો હું એને ઝાપટ મારીશ, સજા કરીશ, અરે, જરૂર પડશે તો હું એને ખતમ પણ કરી નાખીશ.’ કહેતાં એ અદૃશ્ય પુરુષે એક જોરદાર અટ્ટાહાસ્ય કર્યું અને પછી રીમાને પોતાની તરફ ખેંચી લીધી. રીમા એની વાત સાંભળીને ભયથી ધ્રૂજી ઊઠી.

દૃ દૃ દૃ

ઘણા દિવસો પછી ઘણા લાંબા સમય પછી, રીમા પોતાના ઘરની બહાર જવાની હતી. જ્યારે રીમા ભુવનેશ્વરથી પોતાને ગામે પાછી ફરી હતી, ત્યારથી તે કયાંય બહાર નીકળી નહોતી. જ્યારે એની બહેનપણી વાસંતી જીવતી હતી ત્યારે એ વાસંતી સાથે લગભગ દરરોજ ગામમાં એકાદ આંટો મારી આવતી. હવે એ હંસાભાભી સાથે શાક-બકાલું લેવા કે કોઈ કામ માટે બજારે જતી, પરંતુ ખરીદી કરીને તરત પાછી વળતી. ઘણા લાંબા સમયથી એ કોઈ ફિલ્મ જોવા માટે પણ ગઈ નહોતી. જોકે, હજુ વાસંતીના મોતનું દુઃખ એના મનમાંથી પૂરેપૂરું ઓછું થયું નહોતું.

પણ હવે બહાર જવાની-આનંદ માણવાની અને મજા કરવાની તક આવીને ઊભી હતી. રીમાના મામાના દીકરાના લગ્ન હતાં. જોકે, એ મામા સગા નહોતા, પણ સગા મામા કરતાંય વધુ હેત તેઓ રીમા અને મનોજ તરફ રાખતા હતા. અને એમના દીકરાની જાનમાં આખા ઘરને આવવાનું ભારપૂર્વક આમંત્રણ આપી ગયા હતા. પરંતુ આ રીતે આખું ઘર તો જાનમાં જઈ શકે એમ નહોતું. ઘરને બિલકુલ બંધ કરીને, સાવ રેઢું મૂકીને આજ સુધીમાં એ લોકો કયાંય બહાર ગયાં નહોતાં. એટલે બધાએ મળીને એવુ ંનક્કી કર્યું કે, ઘરમાંથી હંસા, એનો ત્રણ વરસનો દીકરો હેમંત અને રીમા એમ ત્રણ જણાએ જાનમાં જવું. રીમા તો આ નિર્ણયથી ખુશખુશાલ થઈ ગઈ હતી. એની ભાભી પણ આનંદમાં આવી ગઈ હતી.

જાન બસમાં ઊપડી. જાનમાં વધારે પડતી સ્ત્રીઓ જ હતી. માત્ર દસ-બાર જેટલા જ પુરુષો હતા. જાનડીઓએ લગ્ન ગીત શરૂ કરી દીધું હતું. બસની આ મુસાફરી ચારેક કલાકની હતી. ચાર કલાક સુધી ગીતો ગાતાં હસતાં અને મજાક કરતાં પસાર થઈ જવાના હતા. રીમા અને એની ભાભી હંસા પણ બીજી સ્ત્રીઓમાં ભળીને આનંદ માણી રહ્યાં હતાં. રીમા તો જાણે બધુંય ભૂલીને આનંદમાં ખોવાઈ ગઈ હતી. એ રાતવાળા પેલા અદૃશ્ય પુરુષને પણ ભૂલી ગઈ હતી. એના ચહેરા ઉપર અત્યારે નિર્દોષ મસ્તી અને આનંદ પથરાઈ ગયાં હતાં. રીમાનો ગુલાબી અને રૂપકડો ચહેરો એ મસ્તી અને આનંદથી વધારે સુંદર દેખાતો હતો. રીમા પોતાની મસ્તીમાં મસ્ત હતી. જોકે, રીમાને ખબર નહોતી કે કોઈક વ્યક્તિ એની ઉપર ચાંપતી નજર રાખી રહી હતી.

પછી..? પછી શું થયું..? અમર સાથે લગ્ન કરીને ઘર વસાવવાના સપના જોતી રીમાનું શું થયું...? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? શું અમર અને રીમાના લગ્ન થયા...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો ને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***

Share

NEW REALESED