Shikar - 2 books and stories free download online pdf in Gujarati

શિકાર : પ્રકરણ 2

આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા હતા. હૃદયાકાર વડોદરાને ઢાંકતા ગગનમાં ક્યાંક ક્યાંક સફેદ વાદળીઓ પ્રિયતમને મળવા જાણે ઘેલી થઇ હોય તેમ કાળા અડીખમ વાદળોને ચીરીને દોટ મુકતી હતી. પણ મારૂત કુહાડીનો ઘા કરી વાદળોને ચીરીને ધરતીની લ્હાય ઠારે એ પહેલા ડામરના કાળા રસ્તા ઉપર કાળા માથાના માનવીઓ ઉતાવળે હરફર કરતા હતા. ગાડીઓ દોડતી હતી, સાયકલની ઘંટડીનો મીઠો રણકાર રસ્તા ઉપર દોડી જતી હવામાં દુર દુર સુધી જતો હતો. સ્પોર્ટ્સ ક્લબની અંદર અને બહાર ગાડીઓ અને મોઘા બાઈકનો થડકલો થયો હતો.

નવી ચકચકિત ઓડી કાર સ્પોર્ટ્સ ક્લબના ગેટ આગળ ઉભી રહી એ સાથે જ દરવાનની નજર ખુલ્લા વાળ, ચહેરા ઉપર કાળા સન ગ્લાસીસ, કાનમાં મોટી ગોળ રિંગમાં સજ્જ નિધી ઉપર પડી. બ્લેક બ્લાઉઝ અને બ્લેક ચણીયા ઉપર ટ્રાન્સપેરેન્ટ આછી સફેદ ઓઢણીમાં કોઈ શિલ્પીએ કંડારેલી રાજકુમારીની પ્રતિમા સમાં અંગોવાળી નિધિ રાવળ એક જ નજરે અભિભૂત કરી નાખે એવી શોભતી હતી. ઓડીમાંથી ઉતરીને એણીએ ફ્રંટ સીટ પરથી પિંક દુપટ્ટો ઉઠાવી ગળે વીંટાળ્યો અને દરવાજા તરફ ઊંચી હિલના સેન્ડલ સાથે પગ ઉપાડ્યા ત્યારે દરવાન સિવાય પણ બીજા બધાની નજર નિધિ ઉપર મંડાઈ ગઈ! લંબગોળ ચહેરામાં હડપચી સહેજ આગળ હતી, ઉપરનો હોઠ જરાક વધારે ધ્નુસ્યાકાર હતો, આંખોમાં નરમાશ છવાયેલી, ફેશનમાં કપાવેલા વાળનો એક જથ્થો એક આંખ તરફ તેના ગોરા ચહેરાને ચૂમી લેવા ઝૂલતો હતો.

તેણીએ ગેટ તરફ પગ ઉપાડ્યા બરાબર એ જ સમયે ઉપર એક બે વાદળ ખસ્યા. સૂરજ ઉઘાડો થઇ પ્રકાશ રેલાયો અને કાળા કપડામાં સફેદ ચહેરો વધારે ચમક્યો. ત્યાં ઉભા જુવાનીયાઓમાં તો ગણગણાટ પણ થવા લાગ્યો. એમાં કેટલીક ટિપ્પણીઓ સભ્ય ભાષામાં હતી તો કેટલીક યુવાનોને જે ભાષા આવડે છે એ અસભ્ય ભાષામાં.

"ઓસમ યાર." એક લબરમુછીયે તો એના મિત્રના પડખામાં કોણી મારીને એનું ધ્યાન પણ દોર્યું, “આવો હોટ માલ વડોદરામાં...”

"પતલી કમર અને કાળા સફેદ કપડામાં એનો ચહેરો તો યાર આભલા જેવો ચમકે છે!" બીજો બોલ્યો.

ગેટના પાર્લર ઉપર સિગારેટના ધુમાડા ઉડાવતા રહીશોના અવશેષ સમાં બે એક જુવાનિયા બોલી ઉઠ્યા, "શુ માલ છે?" ત્યારે પાર્લરના માલિકે કહેવું પડ્યું, "એય બંધ થઈ જાઓ બેય જણ મારો ધંધો બંધ કરાવશો તમે. ખબર છે એ કોણ છે?"

"કોણ છે…?" બેમાંથી એકે સિગારેટનો કસ ખેંચી બેફિકરાઈથી ફૂંક મારીને પૂછ્યું.

"નિધિ રાવળ, અમદાવાદની ટોપ ફોકલ સિંગર છે. અહીં વડોદરા હમણાં જ શિફ્ટ થઈ છે."

દરમિયાન એક હાથમાં પર્સ અને મોબાઈલ તેમજ બીજા હાથે કપડા સહેજ ઊંચા કરી નિધિ કલબના દરવાજે પહોંચી ગઈ. દરવાને રાબેતા મુજબ જ સલામ ઠોકી, "ગુડ મોર્નિંગ મેડમ."

"અરે કાકા આવડી મોટી મૂછો રાખો છો અને અમારા જેવા ગાયકને સલામ ઠોકો છો? બે પૈસા આવી ગયા તે શું અમે ભગવાન થઈ ગયા? ખરા કલાકાર તો તમે છો કે આ ક્લબમાં આવતી બહેન દીકરીઓને બુરી નજરથી બચાવો છો." કહી નિધીએ પાર્લર ઉપર ઉભેલા પેલા બે સામે એક નજર કરી.

"વાહ બેટા, સંસ્કાર જોતા ઊંચા ઘરની લાગે છે." આગંતુકની વાત અને અવાજના રણકારમાં કોઈ ઘમંડ દેખાયો નહિ એટલે દરવાન કાકાએ નિધીને તુકારે બોલાવી.

"હા કાકા બ્રાહ્મણ છું." નિધીએ સ્મિત વેરીને કહ્યું ત્યારે તો ક્લબના માલિક રમેશ ભટ્ટ દોડી આવ્યા.

"મેડમ એવરીથિંગ ઇઝ રેડી, પ્લીઝ કમ."

"ઓકે લેટ્સ ગો." દરવાન કાકાને એક સ્મિત આપી કલબના મોટા બાંધકામ તરફ ભટ્ટ સાથે તે રવાના થઈ. પાર્લર પરથી દરવાજે દોડી આવેલા જુવાનીયાઓ પાછળથી તેને જોઈ રહ્યા. અર્ધા ઉઘાડા બરડા અને કમરમાં પડતી લચકને હવશભરી નજરે તાકી રહ્યા.

*

ફોયરમાં રમેશ ભટ્ટ અને નિધિ દાખલ થયા એ સાથે જ ચિચિયારીઓના પડઘા પડવા લાગ્યા! હજાર જેટલી થ્રીયેટર ચેરમાં ગોઠવાયેલા દર્શકોએ અવાજ આપ્યો. અમુક યુવા તો રીતસર ઉભા થઈ ગયા.

‘નિધિ રાવળ...... નિધિ રાવળ......’ના હર્ષનાદથી આખીયે બિલ્ડીંગ ધમધમી ઉઠી.

ત્યાં આવેલા મોટા ભાગના લોકોએ નિધીને સાંભળી હતી એને જોઈ હતી. ગુજરાતી ગીતોને અર્બન સ્વરૂપ આપનારી નિધિ રાવળના ગળામાં કોઈ અદભુત રચના હતી, જ્યાંથી ચળાઈને આવતો અવાજ લોકોના દિલો દિમાગ ઉપર છવાઈ જતો. જૂની ગઝલોને પણ નીધીએ અદભુત આકાર આપ્યો હતો.

નિધિની પર્સનાલીટી પણ ભલભલી અભિનેત્રીઓને ઝાંખી પાડે એવી હતી. ઓછું ભણેલી હોવા છતાં નિધિ અંગ્રેજી બોલી શકતી. એ કમાલ વિલીશ અને મેરીની હતી. તેના પાલક અંગ્રેજ મા બાપ વિલી અને મેરી હતા.

બે એક મહિના પહેલા આવેલું નિધિ રાવળનું ગીત 'હું ગાઉ તને તું મારી ગઝલ......" હિન્દી ગીતોને ચેલેન્જ કરે એવું હતું. એ ગઝલના શબ્દો પ્રેમીઓ માટે કોઈ ગજબ તત્વ ધરાવતા હતા. લગભગ અર્ધા ગુજરાતમાં એ કોલર ટયુન તરીકે સાંભળવા મળતું. એ સિવાય જુના ગુજરાતી ગીતો જે રિક્ષાઓમાં વાગતાં એ પ્રકારના ગીતોને ધક્કો મારીને આ નિધિ રાવળના ગીતો સારા સભ્ય માણસોના ઘરમાં ઘર કરી ગયા હતાં. ફોયરમાં એવા જ સભ્ય લોકો આજે પણ એકઠા થયેલા હતા.

નિધીએ હાથ હલાવી બધા દર્શકો સામે સ્મિત વેર્યું. એની આંખોમાં ગજબની ચમક ઉપસી. આટલા ચાહકો આટલા ફેન્સ આટલી પ્રસિદ્ધિ પોતાની કેમ થઈ શકી એ પાછળનું કારણ નિધીને યાદ આવ્યું. જોકે તે ક્યારેય ભૂલી જ નહોતી. એન્જી ન હોત તો ક્યારેય પોતે આ સ્ટેજ સુધી પહોંચી ન હોત. મનોમન એ બોલી ઉઠી ‘માય સ્વીટ એન્જલીના..’

તેણીએ હથેળીમાં કિસ કરીને દર્શકો સામે હાથ હલાવ્યો અને એન્જી નામ, તેનો પ્રતિભાશાળી હસતો ચહેરો યાદ કરી મલકાતી ગેસ્ટ રૂમ તરફ જવા લાગી. રમેશ ભટ્ટ માઇક ઉઠાવી ઘડિયાળમાં જોયુ, "આપણો પ્રોગ્રામ થોડી જ વારમાં શરૂ થશે...." એટલું કહીને બે એંકરો તરફ ઈશારો કર્યો.

એક સ્ત્રી અને એક પુરુષ એમ બે એંકરોએ સમય વિતાવવા માટે થોડીક રમુજી ટિપ્પણીઓ કરી. થોડાક ડબલ મિનિંગ જોક્સ માર્યા જે સાંભળવા આજે લોકો હજારો રૂપિયા ખર્ચે છે એવા ડબલ મિનિંગ જોક્સ એક લેડી એન્કરના મોઢે સાંભળી વાતાવરણ ગરમાયું.

પર્સ ટેબલ ઉપર મૂકી મોબાઈલ તેમાં મુક્યો અને તે તૈયાર થઇ. ગેસ્ટરૂમ સુધી માઈકમાંથી આવતા વાહિયાત જોક્સના શબ્દો નિધિની મોટી રીંગમાંથી પસાર થઈ એના કાનમાં પડતા જ સામેના અરીસામાં આખા કદના પોતાના પ્રતિબિંબમાંથી એક ચીઝ ઓછી થઈ ગઈ. ચહેરા ઉપર તરતું હાસ્ય આયનામાં અદ્રશ્ય થઈ ગયું...!!

ના મારે એમ ચહેરો બદલાઈ જાય એ રીતે ન વર્તાય, આ ધંધો છે, અહીં બેફિકરાઈ જોઈએ, અહીં કોઈ નૈતિકતા ન હોય નિધિ. તારી જાતને એક સેલિબ્રિટી તરીકે સદાય હસતા રાખવાની છે. ધીસ ઈઝ જસ્ટ બીગીનીંગ. આ કહેવાતા સભ્ય લોકોને જે ગમે છે તે આપવું એ ભટ્ટની મજબૂરી છે તેમાં તેનો શું વાંક?

અંદરથી બીજી નિધિનો અવાજ આવ્યો એ સાથે જ એના ચહેરા ઉપર ફરી મોહક સ્મિત ઉપસી આવ્યું. ઘડીભર એ પોતાની જાતને આયનામાં જોતી રહી. તેને એન્જી યાદ આવી. આ એન્જી પણ ગજબ છે વડોદરાના એકેય પ્રોગ્રામ્સમાં એન્જી આવી જ નહી! હાઉ સ્ટ્રેન્જ? પણ તેને ત્યારે કલ્પના જ ક્યાં હતી કે એન્જી કેવા ભયાનક ચક્રાવાતમાં ફસાઈ હતી.

કપડાં સરખા કરી ચણીયો પકડી પર્સ ઉઠાવી એણીએ દરવાજા તરફ પગ ઉપાડ્યા ત્યાં એના પર્સમાં મોબાઈલ રણક્યો. એ ઘંટડી એના જીવનને ઉથલપાથલ કરનારી આફતની ચેતવણીની ઘંટડી હતી. તેના સુખી જીવનમાં ઝંઝાવાત આવવાના એધાણ હતા.

અત્યારે કોણ હશે? ખાનગી નંબર તો ગણ્યા ગાંઠ્યા લોકો જોડે જ છે અને એ બધાને તો મારા પ્રોગ્રામ્સના શિડયુલ ખબર છે તો આ ફોન કોનો? સ્ત્રી સહજ રીતે જ એને જરાક ગભરામણ થઇ આવી.

વિચારતા નિધીએ મોબાઈલ હાથમાં લીધો. નંબર અજાણ્યો લાગતા ફોન સ્લાઇડર પર આંગળી ફેરવી અને કાને ધર્યો.

"હેલો મિસ નિધિ?" સામેથી અવાજ આવ્યો.

"યસ વુ ઇઝ ધીસ?"

"આઈ એમ ડોકટર રામ ત્રિપાઠી."

"સોરી ડોકટર....." નિધિને નામ અને અવાજ બંને અજાણ્યા લાગ્યા એટલે સોરી કહીને વધુ પરિચય માંગ્યો.

"હા તમને ઓળખાણ નથી પડી કેમ કે તમે મને નથી જાણતા, વેલ હું એન્જીના પડોશીઓમાંથી એક છું. કોલ્ડ મૂનની સામે જ મારું મકાન છે."

"ઓહ મી. ત્રિપાઠી બોલો બોલો...." હવે નિધિને યાદ આવ્યું એન્જીના બંગલા કોલ્ડ મુન પાસે એક ડોક્ટર રહેતા હતા. પણ અત્યારે એમણે ફોન કેમ કર્યો હશે એ જરા અજુગતું લાગ્યું.

"સમાચાર થોડા ખરાબ છે." કહી ડોકટર અટક્યા ત્યારે નિધિના હૃદયમાં અકળામણ થવા લાગી.

"એન્જી ઇઝ નો મોર મિસ નિધિ.... એણીએ આત્મહત્યા કરી છે...!"

"વોટ......?" નિધિની આંખો ફાટી ગઈ. હ્રદય એક ધબકારો ચુકી ગયું હોય તેમ ઝડપથી ધબકવા લાગ્યું.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky