Shikar - 7 books and stories free download online pdf in Gujarati

શિકાર : પ્રકરણ 7

નવરંગપુરા પોલીસ સ્ટેશન અને સીટી ગોલ્ડ થ્રીયેટર વચ્ચે આશ્રમ રોડ ઉપર આવેલી ગર્લ્સ હોસ્ટેલના સામેના કોમ્પ્લેક્સમાં આગળના ભાગે પાર્લર આગળ પ્રાઈમસ ધમધતો હતો. આગળ નખાયેલી ખુરશીઓમાં જાત ભાતના લોકો બેઠા હતા. કોઈ પિક અપ સ્ટેન્ડ ઉપર કંટાળીને ચા પીવા આવ્યા હતા. કોઈ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી માસુકાના દીદાર માટે આવ્યા હતા. કોઈ કોમ્પ્લેક્સના દુકાનદાર હતા.

ગર્લ્સ હોસ્ટેલના ત્રીજા માળના જમણેથી પાંચ નંબરના રૂમની ખુલ્લી બારીમાં મરક મરક મલકાતી એક છોકરી નાઈટ ડ્રેસ પહેરી ખુલ્લા વાળમાં ઉભી હતી. જેની નજર પાર્લર આગળ ખુરશીમાં ચાના ઘૂંટ લેતા એક છોકરા ઉપર હતી. છોકરો પણ માસુકાને જોઈને જાણે ચાની મીઠાશ વધી હોય એમ હોઠ પર જીભ ફેરવતો હતો.

"શુ દેખે છે અનુપ?" ક્યારનોય ચૂપ બેઠો લંકેશ બોલ્યો.

"હું આ છોકરાને દેખું છું." અનુપે નજર હટાવ્યા વગર જ પેલા મજનુના ચેન ચાળા જોવાનું ચાલુ જ રાખ્યું.

"એ પેલી મમતાને જોવા અહીં રોજ આવે છે એ મમતાનો આ ત્રીજો શિકાર છે." લંકેશે ખુલ્લી બારીમાં ઉભી છોકરી તરફ એક નજર કરીને કહ્યું.

"તો તે આ લોકોની ડિટેઇલ્સ પણ મેળવી રાખી છે?"

"હા, એ લોકો મારા ધ્યાનમાં છે જ પણ અત્યારે આપણે બીજા કામે આવ્યા છીએ."

"મને ખબર છે પણ સોનિયા બહાર નીકળે તો ને? બે કલાકથી અહીં છીએ. લેટ મી પાસ ધ ટાઈમ. દરવાજે તું નજર રાખ હું આ મૂર્ખ છોકરાને મમતા ભરી નજરે પેલી મમતાને નીરખે છે એ જોઈને ટાઈમ કિલ કરું છું."

"તું હમણાંથી કામ ઉપર ધ્યાન નથી આપતો અનુપ." લંકેશ હવે ગુસ્સે થયો.

"તું છે ને.." લાપરવાહ બનીને અનુપે સંભળાવ્યું એટલે લંકેશ વધારે ચીડાયો.

"હું છું એટલે? તારે કઈ કરવાનું જ નહીં?"

"કરું છું ને યાર. મેં શુ શિકાર નથી કર્યા? મેં બાપુને ખુશ નથી કર્યા શુ?" લંકેશને ગુસ્સામાં જોઈને અનુપ દલીલ કરવા લાગ્યો, "લંકેશ યાદ રાખ કે મેં તારા કરતા વધારે કામ કર્યા છે. એમને એમ તો બાપુ એ આ બધું નહિ આપ્યું હોય ને? આ ગાડી, આ ક્રેડિટ કાર્ડ, આ ખર્ચ બાપુ એમને એમ તો નહીં આપતા હોય ને?"

"કુલ ડાઉન કુલ ડાઉન હું માત્ર એમ કહેતો હતો કે તું સાવધાની નથી રાખતો હમણાંથી."

"ઓહ તને મારી કરામત ઉપર શક છે એમ?"

"તું બધી વાત ઊંઘી જ કેમ લે છે? આ બધું મને બાપુએ કહ્યું છે હું નથી કહેતો. બાપુ બધા ઉપર નજર રાખે છે એ તો તને ખબર જ નથી લાગતી."

"શુ બાપુએ કહ્યું? સચોસાચ બાપુએ આવું કહ્યું?"

"હા." અનુપ ગંભીર થાય છે એ જોઈ લંકેશે ટૂંકમાં જ જવાબ આપ્યો.

"વેલ થેંક્યું મને સાવધાન કરવા માટે." અનુપે કહ્યું પણ લંકેશ કઈ બોલે એ પહેલાં જ ગર્લ્સ હોસ્ટેલના ગેટ પાસે એક્ટિવા પર યેલ્લો શર્ટમાં સોનિયા બહાર નીકળતી દેખાઈ. લાંબી ડોક અને એથ્લેટ જેવા પાતળા કસાયેલા શરીર ઉપર તે મોટા ભાગે શર્ટ જ પહેરતી.

"તું ગાડી સ્ટાર્ટ કર." કહી અનુપ ઝડપથી કાઉન્ટર તરફ ધસ્યો અને લંકેશ ગાડીમાં ગોઠવાઈ ગયો.

કાઉન્ટર ઉપર બિલ આપીને અનુપ પણ બાજુની સીટમાં ગોઠવાઈ ગયો.

"હરી અપ." અનુપે કહ્યું અને લંકેશે ગાડી ઉપાડી.

"તને શું લાગે છે અનુપ? રાતની આપણી મહેનત કામ લાગશે કે કેમ?"

"જરૂર લાગશે." એમ અનુપે કહ્યું તો ખરા પણ રાત્રે લીધેલુ રિસ્ક એ હજુયે ભુલ્યો નહોતો.

રાત્રે લગભગ એકના ટકોરે ગર્લ્સ હોસ્ટેલથી દુર ગાડી ખડી કરીને અનુપ અને લંકેશ ગર્લ્સ હોસ્ટેલના ગેટ પાસે આવ્યા હતા.

ગેટના ચોકીયાતને પોતાની ગર્લફ્રેન્ડને મળવું છે કહીને પાંચ હજાર રોકડા પકડાવ્યા હતા. આવા ચોકિયાત અને હોસ્ટેલ મેડમને લીધે જ કઈક છોકરીઓ પ્રેગનેન્ટ થતી હોય છે તે બધું અનુપ અને લંકેશ માટે છાનું ન હતું. ચોકીયાતે દસ મિનિટનો સમય આપ્યો હતો પણ અનુપને માત્ર પાંચ જ મિનિટની જરૂર હતી. લંકેશ ચોકયાતની કેબિનમાં ચોકીયાત સાથે રહ્યો અને અનુપ અંદર ગયો હતો. પાર્કિંગ લોટમાં ઘોર અંધકાર હતો. સોનિયાની એક્ટિવાનો નંબર શોધતા એને ખાસ્સો સમય લાગ્યો હતો. બે ત્રણ મિનિટો પછી એને સોનિયાની એક્ટિવા મળી હતી. એણે કશુંક કરીને પેટ્રોલ કાઢી લીધું અને બેગમાં બોટલ સરકાવી હતી.

"તને ખબર તો છે ને કે હાઇવે સુધી પહોંચે એટલું પેટ્રોલ અંદર હતું? ક્યાંક સિટીમાં જ તો પેટ્રોલ પૂરું નહિ થઈ જાય ને?"

"દોસ્ત આ કામ તો હું દસ વર્ષની ઉંમરથી કરું છું." થોડાક ગર્વથી અનુપ બોલ્યો.

"હા પણ પેટ્રોલ કાંટા ઉપર એની નજર પડશે અને એ પેટ્રોલ પુરાવી લેશે તો?"

"એવું શક્ય નથી કેમ કે મેં કંટાનું કામ પણ કરી લીધું છે."

"માત્ર બાર તેર મિનિટમાં તે એટલું કામ કરી લીધું?" અનુપ ઉપર ગર્વ થતો હોય એવા રણકા સાથે લંકેશ બોલ્યો ત્યારે અનુપે પૂછ્યા વગર કહી દીધું

"અરે એની શુ વાત કરે છે. ડીકીમાં એ પેટ્રોલ માટે સ્પેર બોટલ પણ નથી રાખતી એ ખાતરી પણ કરી લીધી છે."

"વેલ ડન અનુપ વેલ ડન." અનાયાસે જ લંકેશ બોલી ઉઠ્યો અને સોનિયા પાછળ ગાડી ધીમી પણ એકધારી ગતિએ ચલાવતો રહ્યો.

"આજે સમીરના બચ્ચાએ એને રંગ રેલીયા કરવા ફાર્મ હાઉસ પર બોલાવી છે. સમીરનો બચ્ચો હમણાં તો બેડ સજાવતો હશે આ પંખીને પિંખી નાખવાના સપના દેખતો હશે પણ એને કયા ખબર છે કે એની પાછળ બે ભૂખ્યા સિંહ પડ્યા છે."

આમ વાતો કરતા કરતા બંને સોનિયાને ફોલો કરતા રહ્યા.

*

રાજકોટ હાઈવે (સરખેજ બાવળા રોડ) પર FTF ફાર્મા વટાવતા જ સાચો સાચ સોનિયાની એક્ટિવા ધીમી પડી અને પછી બંધ થઈ ગઈ. એ ઉતરી. ડીકી ખોલીને કશુંક જોયું એ બધું દુરથી અનુપ અને લંકેશે જોયું.

"જો લંકેશ કામ થઈ ગયું." દૂરથી જ સુમસામ રોડ પર એક્ટિવા પરથી ઉતરતી સોનિયાને જોઈને અનુપ પોરસાયો.

"હવે ગાડી ધીરી કરી દે એને લાગવું ન જોઈએ કે આપણે એની પાછળ હતા."

"ડોન્ટ વરી." લંકેશે ગાડી હંકારે જ રાખી.

બે ત્રણ મિનિટમાં સોનિયા પાસેથી ગાડી પસાર થઈ એટલે અનુપે બુમ મારી, "અરે લંકેશ ઉભો રહે, બ્રેક કર."

સોનિયાએ અવાજની દિશામાં જોયું. એક ગાડી ઉભી રહી અને એમાંથી બે જણ નીચે ઉતર્યા. એ બંનેને ઓળખતા સોનિયાને સમય ન લાગ્યો. તેને લંકેશનો ચહેરો ન ગમતો પણ અનુપ સાથે કોલેજમાં ઘણીવાર વાતો થતી.

"અરે સોનિયા તું અહીં શુ કરે છે?" નજીક આવતા જ અનુપે અભિનય કર્યો જાણે અનાયાસે જ એ લોકોની નજર સોનિયા ઉપર પડી હોય એમ વર્તવા લાગ્યો.

"હું, વેલ હું તો સમીરને મળવા જતી હતી પણ આ એક્ટિવા ખરાબ થઈ ગયું." અણગમો ઉછાળતા સોનિયા બોલી પણ લંકેશ તો ખુશ થયો. સોનિયા સાચે સાચ બોલી ગઈ કે પોતે સમીરને મળવા જઈ રહી છે એટલે એ જરૂર ભોળી હશે નહિતર આમ માત્ર કોલેજની ઓળખાણને લીધે બધું કહી ન જ દે. હવે આગળનો દાવ ખેલવાનો સમય થઇ ગયો છે.

"પણ તમે બેય ક્યાં ઉપડ્યા સવારથી?" આ પ્રશ્ન સોનિયા કરશે એવી ધારણા બેમાંથી એકેય કરી નહોતી છતાંય અનુપે જવાબ શોધી કાઢ્યો.

"અમે તો ઘણીવાર અહીંના આશ્રમે જઈએ છીએ. આચાર્ય સત્યાનંદના પ્રવચન સાંભળવા."

"વોવ! ધેટ્સ ગુડ વર્ક.." સોનિયા થોડી પ્રભાવિત થઈ કારણ આચાર્ય સત્યાનંદ ખુબ પ્રખ્યાત હતા, "બાય ધ વે ઇફ યુ ડોન્ટ માઈન્ડ તમે આજ રસ્તે જતા હોવ આઈ મીન નવાપુરા તરફ તો મને થોડેક આગળ ડોગ હાઉસ સુધી લિફ્ટ આપશો?"

"કેમ નહિ? સ્યોર." કહી લંકેશે ગાડી તરફ પગ ઉપાડ્યા, “અમારે આમેય નવાપુરા સુધી જવાનું છે.”

"થેંક્યું." સોનિયાએ કી કાઢી લઈને પર્સમાં નાખી અને ગાડીમાં ગોઠવાઈ.

"એક તો હોસ્ટેલથી જ લેટ નીકળી અને એમાં એક્ટિવા બગડી. સમીર બિચારો મારી રાહ જોતો હશે." ગાડી સ્ટાર્ટ થતા જ સોનિયા કાંડા ઘડિયાળમાં જોઈને બોલી.

"બિચારો?" લંકેશ કઈક વ્યંગમાં હસ્યો.

"લં..કે...શ...." અનુપ જોરથી બોલી ઉઠ્યો, "આપણે કોઈની પર્સનલ લાઈફમાં દખલગીરી નથી કરવાની. મેં તને પહેલા જ કહ્યું હતું." લંકેશ ઉપર ગુસ્સાથી બોલીને અનુપે ઠાવકાઈથી સોનિયાના મનમાં શંકા ઉપજાવી દીધી.

"એટલે? તમે લોકો શુ છુપાવો છો મારાથી?" આંખો પહોળી કરીને સોનિયા બંને તરફ વારાફરતી જોવા લાગી.

"કઈ નહિ સોનુ, આ લંકેશને આદત છે બધાની ખાનગી વાતો જાણવાની. એ સ્ટુપીડ ખણખોદીયો...."

"ખાનગી એટલે?"

"ખાનગી એટલે ખાનગી સોનુ હવે તારે એમાં શું છે?"

"પણ મારે જાણવું છે." સોનિયા જાણે અકળાઈ ઉઠી.

"વેલ તારે જાણવું હોય તો લંકેશને પૂછ." કહી અનુપ દોડી જતા ખેતરો તરફ જોવા લાગ્યો.

"લંકેશ તું ગાડી ઉભી રાખ અને મને અત્યારે જ કહે શી વાત છે? સમીરની એવી શુ ખાનગી વાત છે?"

"સમીરને તારી જેમ બીજી ઘણી બધી ગર્લફ્રેન્ડ છે." લંકેશે ગાડીની સ્પીડ જાળવી રાખીને કહ્યું.

"વોટ? આર યુ મેડ?" સોનિયા ઉકળી ઉઠી એટલે અનુપે ફરી વાતનો દોર હાથમાં લઈ લીધો.

"મેં તને કહ્યું ન હતું લંકેશ કે પ્રેમમાં આંધળા લોકો કોઈ જ વાત ન માને. આ સોનિયાને હવે એમ થતું હશે કે આવી બ્યુટી સમીરને મળી એટલે આપણે જલતા હશો."

"પણ આપણી પાસે પ્રુફ છે યાર." એ બન્ને અંદરો અંદર દલીલો કરવા લાગ્યા.

"કેવા પ્રુફ?" સોનિયા ફરી બોલી.

"સી ધીસ." કહીને અનુપે મોબાઇલનું લોક ખોલીને મોબાઈલ પાછળની સીટમાં અધિરી થઈ ગયેલી સોનિયાને આપ્યો.

"પણ મોબાઈલનું શુ?"

"ગેલેરી ખોલીને જોઈ લે." અનુપે ચહેરો ફેરવીને કહ્યું.

સોનિયાએ વિહ્વળ ચહેરે અનુપ અને લંકેશ તરફ જોયું. અને પછી ગેલેરી ખોલી જોવા લાગી. ફોટામાં સમીર કોઈ છોકરીને ભેટતો દેખાતો હતો. છોકરીનો ચહેરો દેખાતો ન હતો. ગ્રીન ટીશર્ટમાં કોઈ છોકરી હતી. બીજા ફોટા જોઈ લીધા પણ એકેયમાં છોકરીનો ચહેરો દેખાયો નહિ. છોકરીના ચહેરા દેખાય એ ફોટા તો ઠાવકાઈથી બીજા મોબાઈલમાં લઈને અનુપે ડીલીટ કરી લીધા હતા.

"આ આ બધું શુ છે?"

"કેમ તને સમીર નથી દેખાતો ફોટામાં?" અનુપે પૂછ્યું.

"દેખાય છે પણ આ છોકરી છે કોણ? કોલેજની તો નથી દેખાતી."

“એ તો અમે પણ નથી જાણતા સોનું પણ આ સમીરને આવા કેટલાય લફરા છે. તું સારી છોકરી છે એટલે મે એમ વિચાયું કે તને તેનો અસલી ચહેરો બતાવું. અનુપે મને રોક્યો હતો બાકી હું તને કેટલાય દિવસો પહેલા આ વાત કહેવાનો હતો.”

“તમે લોકોએ મારી લાઈફ બરબાદ થતા અટકાવી છે લંકેશ...” સોનિયા બોલી, “આજે હું બધું લુટાવી દેવાની હતી...”

“સાચું કહું તો સમીર આ ફાર્મ હાઉસ ઉપર બોલાવીને જ આ રીતે છોકરીઓને બરબાદ કરે છે આજે તું પણ બરબાદ થવાની હતી એટલે અનુપે ના કહી છતાં મેં તને બધી વાત કહી.”

અનુપ મારા લીધે એક છોકરીની આબરૂ બચી ગઈ એવા ભાવથી લંકેશે અનુપ તરફ જોયું. અનુપે માથું હલાવ્યું, “મેં તને એટલા માટે ના કહી હતી કારણ દર્શન પણ આ રીતે જ એન્જીને બરબાદ કરવા માંગતો હતો આપણે એન્જીને સમજાવી હતી પણ એ આપણું કાઈ માની ખરા?”

“એન્જી નહોતી માની એટલે જ તો આ વખતે મેં આ નરાધમ સમીરના બચ્ચાના ફોટા સાથે પ્રૂફ એકઠા કર્યા અનુપ. કારણ મારાથી આમ છોકરીઓ બરબાદ થતી જોઈ ન શકાય.” લંકેશ દાંત કચડીને બોલ્યો.

“થેંક્યું લંકેશ...” રડમસ ચહેરે સોનિયા બોલી, "તમે લોકો મને એક વધુ મદદ કરશો? પ્લીઝ?"

એ સાંભળીને અનુપ અને લંકેશ બંનેની આંખોમાં શેતાની ચમક દેખાઈ પણ તરત જ બંનેએ સ્વસ્થતા ધારણ કરી લીધી. શિકાર હવે મુઠ્ઠીમાં હતો.

*

સમીર ડોગ હાઉસ નામના ફાર્મ હાઉસમાં ઘરના આંગણામાં ખુરશી ઢાળીને બેઠો હતો. ડોગ રાખવા માટેના પાંજરા અને હાઉસ ઘરની બિલ્ડીંગથી થોડેક દૂર હતા. પણ કુતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. સમીર આરામ ખુરશીમાં લંબાવી માથું ટેકવી આંખો બંધ કરીને કોઈ ગીતના શબ્દો ગણગણતો પડ્યો હતો.

ડોગ હાઉસનો માલિક સુલેમાન પઠાણ અને એના બે માણસો કિસ્મત અને યુસુફ કુતરાઓના પાંજરાઓ તરફ ગયા. એમનો ફેડિંગ ટાઈમ થઈ ગયો હતો.

સુલેમાન અને એના માણસો ગયા એટલે ખેતરની ખુલ્લી હવામાં વૃક્ષના છાયામાં આરામ ખુરશીમાં સમીર ખાન પડ્યો પડ્યો ગીત ગાતો હતો અને તેના ફોનની ઘંટડી રણકી.

"હેલો." કાનમાં નાખેલા ઈયર ફોનના બટન દબાવી આંખો બંધ રાખીને જ સમીરે ફોન લીધો.

"ક્યાં છે?"

"કામ ઉપર જ છું બોસ."

"મને કેમ એવું લાગે છે કે તું અત્યારે ક્યાંક આરામથી પડ્યો પડ્યો ગીતો સાંભળે છે?" એ જ વૃદ્ધ અને કડક અવાજ સંભળાયો અને નવાઈથી સમીરની આંખો ખુલી ગઈ.

"તમે ક્યાં છો?" ટટ્ટાર થઈને સમીરે આજુ બાજુ નજર કરી.

"હું તારી આસ પાસ નથી આમ જોવાથી હું નહિ દેખાઉં."

અને સમીરને એક બીજો આંચકો લાગ્યો. પોતાની મૂર્ખાઈ ઉપર જ એને ગુસ્સો આવ્યો.

"તમને કઈ રીતે ખબર પડી કે હું ગીતો સાંભળતો હતો?"

"વેલ, ઈયર ફોન લગાવેલ ન હોય તો ફોન લેતા જ તું નંબર જોઈને હેલો બોસ એમ બોલોત પણ તું ખાલી હેલો જ બોલ્યો એનો અર્થ એ કે તે ઈયર ફોન લગાવેલા હોવા જોઈએ એટલે તે નંબર નહિ જોયો હોય. અને ઈયર ફોન માણસ બે પરિસ્થિતિમાં લગાવે એક તો ડ્રાઈવિંગ કરતી વખતે અથવા ગીતો સાંભળતી વખતે પણ તું ડ્રાઈવ કરતો હોત તો કોઈ અવાજ તો સંભળાઓતને."

"યસ બોસ ઈકજેકટલી રાઈટ." તેના અવાજમાં ભારોભાર બોસ માટે માન હતું.

"કામ ક્યાં સુધી થઈ જશે? અને તને સો ટકા ખાતરી છે જેની આપણને તલાસ છે એ જ માણસોને તે શિકાર બનાવ્યા છે?" એકાએક સામેના અવાજમાં ગંભીરતા વર્તાઈ.

"જે ફાઈલ મને મળી છે, તેનો મેં અભ્યાસ કર્યો, પહેલા મને પણ વિશ્વાસ બેસતો નહોતો પણ હવે મને ખાતરી છે અને વધુ ખાતરી આજે થઈ જશે. મારુ કામ પૂરું તો નથી થયું પણ લેવલ અપ થઈ ગયું છે. આજે ‘પાર્ટ બી’ના પગલાં લેવાશે ચોક્કસ."

"વેલ તારું સિમ હજુ ચાલુ કેમ છે?"

"નવું સિમ આજે ચાલુ થઇ જશે એટલે આ બંધ થઈ જશે."

"ઓકે જો તું હવે વધારે સિમ લઈ નથી શકવાનો એટલે એસ.ટી.ડી.નો ઉપયોગ કરજે. અને એક એરિયામાંથી એક જ વાર કોલ કરજે."

"જી બોસ. પણ નવું સીમ આજે એક્ટીવેટ થઇ જશે એટલે જરૂર નહી પડે."

સામેથી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો અને સમીર ફરી સોનિયાની રાહ જોવા લાગ્યો.

*

ડોગ હાઉસનું બોર્ડ જોઈને લંકેશે ગાડી રોકી. સોનિયા પર્સ લઈને ઉતરી. પવનથી ઊડતી લટને કાન પાછળ સેરવીને એ નિશબ્દ ફાર્મ હાઉસ તરફ જવા લાગી.

લંકેશે ગાડી હંકારી અને થોડેક આગળ જઈને ઉભી રાખી. બંને નીચે ઉતર્યા. ગાડીની ડીક્કીમાંથી અનુપે એક સ્કુલ બેગ નીકાળી અને ચાલતા જ ડોગ હાઉસ તરફ જવા લાગ્યો.

"અનુપ સાચવીને અહીંના ખેતરોમાં કૂતરા ખુલ્લે આમ ફરે છે."

"ડોગ હાઉસની પાસે મેદાન ખુલ્લું છે. પડતર જમીન છે અને બાવળ સિવાય કંઈ નથી ત્યાં કોના કૂતરા હોય?" અનુપે ગાડીમાંથી બધી જ ખાતરી કરી લીધી હતી.

"ઓહ કિસ્મત સારા છે આપણા."

"સસસ.... અવાજ નહિ કર." બાવળ વચ્ચેથી ગાયો, ઘેટા, બકરા ચરાવવા વાળા ભરવાડોએ બનાવેલી કેડી પર ધીમેથી આગળ વધતા અનુપે લંકેશને ઉભો રાખ્યો. એના હાથમાં બેગ આપી.

"બાયનો ક્યુલર લાવ."

લંકેશે બેગમાંથી બાયનોક્યુલર કાઢીને અનુપને આપ્યું. અનુપે ગ્લાસ સેટ કરીને ડોગ હાઉસના આંગણામાં દ્રશ્ય જોવા પ્રયત્ન કર્યો. પણ બિલ્ડીંગની એક ભીત એને નડતી હતી. સોનિયા દેખાતી હતી પણ ખુરશીમાં બેઠો સમીર દેખાતો ન હતો.

થોડીવાર પછી અનુપે બાયનોકલ્યુંરમાંથી નજર હટાવી બાયનોક્યુલર લંકેશને આપ્યું.

"લેટ્સ મુવ ફાસ્ટ." કહી એ ઝડપથી ગાડી તરફ સરકવા લાગયો.

બેગમાં બાયનોક્યુલર ખોસતો લંકેશ એની પાછળ ચાલવા માંડ્યો. "પણ થયું છે શું ?"

"કહું છું ગાડીમાં ચાલ." અનુપ ચાલતો જ રહ્યો.

ગાડીએ પહોંચીને અનુપે બેઠક લીધી. લંકેશે ગાડી ઉપાડી.

"કામ થયું?"

"હા લંકેશ થઈ ગયું. સોનિયા ઘરમાં ગયા વગર જ બહાર જ કંઈક વાત કરીને નીકળી ગઈ."

"એકલી?"

"ના સમીરના બાઈક ઉપર."

"હજુ સમીરના બાઈક પર? તો પછી કામ કઈ રીતે થયું કહેવાય?"

"ઓહ સ્ટુપીડ સોનિયા કઈ અહીંથી ચાલતી જાય? એણીએ કઈક બહાનું બનાવ્યું હશે એટલે સમીર એને મુકવા ગયો. બીજું કે આપણે એને રંગે હાથ ન પકડાવીએ ત્યાં સુધી એ સમીરને કઈ કહેવાની નથી."

"અને રંગે હાથ કઈ રીતે પકડાવીશું? હવે સમીર એ નિમિને ક્યારે મળશે એ આપણે કઈ રીતે ખાતરી કરીશું? એ વખતની જેમ જોગાનુજોગ કઈ આપણને સમીર ફોન પર વાત કરતો નહિ મળે ને?"

"એનું હું કંઈક વિચારું છું." કહી અનુપે ફોન નીકાળ્યો. એક નંબર ડાયલ કર્યો. સામેથી થોડીવારે ફોન કોઈએ લીધો.

“હેલો...”

"હું અનુપ બોલું છું ફોન બાપુને આપ." સામેથી આવતા અવાજને ઓળખીને અનુપે ફોન બાપુને આપવા કહ્યું.

"એક મિનિટ."

થોડીવાર ફોનમાં કંઈક ઇલેક્ટ્રિક અવાજ આવ્યો અને પછી એક પ્રભાવશાળી અવાજ આવ્યો.

"બેટા મને યાદ કર્યો?"

"જી બાપુ આ વખતે કામ જલ્દી પાર પાડ્યું છે. અને સાથે સાથે એક બીજો શિકાર પણ મળી ગયો છે."

"બીજો?"

"જી બાપુ હમણાં જેનો શિકાર કર્યો છે એના લીધે એક બીજો શિકાર મળ્યો છે. જોઉં છું લગભગ તો આ વખતે બે શિકાર એક સાથે કરવાનો છુ.”

"નહિ ઉતાવળ સારી નહિ." પ્રભાવશાળી અવાજમાં કરડાકી ભળી એટલે પોતે કઈ ભૂલ કરી હોય એમ અનુપ બોલી ઉઠ્યો.

"બેઅદબી માફ પણ શિકાર તગડો છે."

"હા પણ તે કહ્યું કે હમણાં જે શિકાર કર્યો એના લીધે બીજો શિકાર મળ્યો છે."

"જી હા."

"પણ હજુ આગળના શિકારનું પરિણામ નથી આવ્યું. એ ન આવે ત્યાં સુધી એ તરફ કોઈ પગલાં લેતો નહિ. મને પૂછ્યા વગર કોઈ સાહસ કરતો નહિ."

"જી બાપુ તમે કહેશો ત્યારે હું પગલાં લઇશ." અનુપે આજ્ઞાવશ બાળકની માફક કહ્યું અને સામેથી ફોન ડીસ્ક્નેક્ટ થઈ ગયો.

“હવે તું આગળ ક્યાં જાય છે? યુ ટર્ન લઈલે હવે.”

લંકેશે ગાડી સહેજ દબાવી આગળ પાછળ મિરરમાં જોયું અને ટર્ન લીધો.

“ધીરે લેજે આગળ સોનિયા ગઈ છે.”

“આઈ નો અનુપ.” હસીને લંકેશે કહ્યું અને હળવી સ્પીડે ગાડી હંકારે રાખી.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky