Kaik lakhvanu mann thayu - 1 books and stories free download online pdf in Gujarati

કાંઈક લખવાનું મન થયું...1 મારું ઘર કયું ?

એક વિચારધારાએ સોશિયલ મીડિયા પર ઘણો વેગ પકડયો અને એક સેલાબ જેમ પ્રસરતી રહી. ઘણી સ્ત્રીઓની વિવેકબુદ્ધિ આના પ્રવાહમાં વહેતી ધોવાતી ગઈ. હા, સ્ત્રીઓ પર થતાં અત્યાચારનો મુદ્દો ઘણો ગંભીર છે અને એના વિરુદ્ધ કડક પગલાં એ આજની તાતી જરૂરિયાત છે.
પણ આ સહાનુભૂતિ આકર્ષતો વ્યવહાર અને એ પણ કહેવાતા આધુનિક વિચારસરણી ધરાવતી સ્ત્રીઓ તરફથી ? સોશિયલ મીડિયા પર આવી સ્ત્રીઓની સક્રિયતા એમની સ્વતંત્રતાનો પૂરતો પુરાવો આગળ ધરે છે.
"સ્ત્રીનું ઘર કયું?". "મારું કહેવાય એવું એકેય ઘર નથી."
આ પ્રકારના પ્રશ્નો થકી કોઈ પણ સહાનુભૂતિ મેળવવાની સ્ત્રીને લેશમાત્ર જરૂરિયાત ખરી?
આવા પ્રશ્નો, ફરિયાદ કહો કે અધૂરી ઈચ્છા ઘણી સ્ત્રીઓને કોરી ખાય છે. પહેલું ઘર તે પિયર, પછી પતિનું ઘર અને પાછળથી સંતાનનું ઘર. આ વિચારને સ્વાભાવિક ગણીએ છતાં મકાનને જ ઘર કહેવાય એવું કોણે કહ્યું? ઘર એ સ્થળ છે જ્યાં તમે 'તમે' બનીને રહી શકો. તમે જે છો એની સંપૂર્ણ સ્વીકૃતિ સાથે વસી શકો. એ કોઈ પણ સ્થાન કે સ્થળ હોઈ શકે, જ્યાં આત્મીયતા, પોતાપણું અને હુંફ મળે. આ લાગણીઓની અનુભૂતિ થવી અગત્યની છે.
હવે એક સ્ત્રી તરીકે એ સમજવું રહ્યું કે જો તમે તમારું અસ્તિત્વ જ 'એક મા', 'એક બહેન', 'એક દીકરી, 'એક પત્ની ', 'એક પુત્રવધુ' માં ટકાવી રાખ્યું હોય અને જેનો તમે સંતોષ અને આનંદ માણતાં હોવ તો પછી આ ઘરની ફરિયાદ વ્યાજબી ગણાય ખરી? અને મકાન પિતાનું હોય, પતિનું કે સંતાનનું શું ફરક પડે?
ફક્ત કોઈનું કહેવાથી એ કોઈનું નથી થઈ જતું. 'નેમ પ્લેટ' પર નામ લખવાથી મકાન કોઈનું કહેવાય, ઘર નહીં. પુરુષ મકાન બનાવે છે, 'નેમ પ્લેટ' પર સુંદર અક્ષરે એનું નામ અંકાય છે, પણ કુટુંબની સગવડો અને જરુરિયાતો પૂરી કરવામાં ફક્ત મકાનમાલિક બનીને જ રહી જાય છે. મકાનનું સુખ મળે છે ઘરનું નહીં. તો એ પણ ફરિયાદ કરી શકે ને?
મકાનને ઘર એક સ્ત્રી બનાવે છે...આ વાત એટલી જ નકકર છે જેટલી એક સંતાનને જન્મ એક સ્ત્રી જ આપી શકે છે. દરેક સ્ત્રી આ નકકર વાસ્તવિકતાને સહર્ષ સ્વીકારી ગૌરવ અનુભવે છે.

હવે જે સ્ત્રી થકી એક મકાન ઘર બનતું હોય એ એનું નથી એ કહેવું કે સ્ત્રીએ એમ સમજવું કેટલું યોગ્ય ગણાય? હા, ઘર માટેનું પોતાપણું જો વર્ચસ્વ, વહિવટ, અંકુશ, હોદ્દો, સત્તા ના માપદંડ પર તોલાતું હોય તો વાત પોતાપણાની નહીં, હુકુમતની કહેવાય...
સ્નેહ, સંપ, પ્રેમ, સમજણ, લાગણી, સુમેળ,જતુ કરવાની ભાવના ના તાંતણે ગુંથાતો આ માળો, જેને ઘર કહીએ છીએ એ એક પારિવારિક જવાબદારી છે. હા, એમાં દરેકની જવાબદારી સરખે ભાગ ન આવે, વધઘટ શક્ય છે, પણ આમાં નફા-નુકશાન કે આના લેખાં-જોખાં ન કરાય!
જે સ્ત્રીઓ મકાનને ઘર ગણતી હોય એમને એ ખબર જ હશે કે મકાનના દસ્તાવેજમાં ભલે સ્ત્રીનું નામ કદાચ ન લખાતું હોય, પણ વસિયતનામામાં એનું નામ પહેલું લખાય છે.
આ ઘર કરવાની ઘેલછા એટલે હદ સુધી જોવા મળે છે કે બસ, વાસ્તવિક નહીં તો એક કાલ્પનિક ઘર પણ ચાલશે...
ઘણાંનું એવું માનવું છે કે કોઈના હૃદયમાં સ્થાન મળે તો એ પણ ઘર કહેવાય! હા, એ જરૂરથી કહેવાય જો ત્યાં તમે જે છો એ બની ને રહી શકો તો. પણ એ શક્ય છે ખરું? તમારો વ્યવહાર થોડો બદલીને જોઈ જોજો ક્યારેક. તમે ત્યાં સુધી જ કોઈનાં હૃદયમાં સ્થાન પામશો જ્યાં સુધી સામેવાળાને અનુકૂળ છો. પછી? જોકે, આ બધાં અંગત અભિપ્રાયોનો પૂર્ણ આદર કરું છું. મારા મતે કોઈનાં હૃદયમાં ઘર કરવું એ ગમે તેટલું રોમાંચક લાગે પણ છેવટે તો ભાડાંનાં ઘર જેવી જ અનુભૂતિ થાય. વ્યક્તિ ઇચ્છે ત્યારે હાંકી શકે અને વળી ક્યારેક ભાડું પણ મારી નાખે એવું ભરવું પડે! હવે ઘર જ કરવું હોય, તો કોઈની કલ્પનામાં શા માટે વસવું, પોતાના શબ્દો, વિચારોમાં વસીને જુઓ, પોતાના હૃદયના ઓરડામાં એકવાર પ્રવેશી જુઓ, બીજે ક્યાંય વસવાનું તો શું, ડોકિયું કરવાનું પણ મન નહીં થાય. તમે જે છો એ બનીને જીવી શકશો, કોઈનાં ઓશિયાળા થયાં વગર!


પૂર્વી