Ardh Asatya - 65 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 65

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬૫

પ્રવીણ પીઠડીયા

ઘોડારની છત ઉપર પતરાં જડેલાં હતા. એ પતરાં ઉપર ખાબકતાં વરસાદના પાણીનો અહર્નિશ નાદ અભયનાં કાને એકધારો અફળાઇ રહ્યો હતો. એ સીવાય સમગ્ર ઘોડારમાં જબરજસ્ત સન્નાટો પ્રસરેલો હતો. એ સન્નાટો આભાસી હતો. કોઇ નહોતું જાણતું કે આવનારી ક્ષણમાં શું થશે અને સમય કઈ દિશામાં કરવટ બદલશે? ઘડીયાળનો કાંટો પણ એક જગ્યાએ આવીને થંભી ગયો હોય એમ ઘોડારમાં હાજર તમામ લોકોનાં જીવ તાળવે ચોંટેલાં હતા. ઘડીભર માટે ત્યાં એકદમ પીન ડ્રોપ સાયલન્સ છવાઇ ગયું હતું.

કમરાની અંદર અજીબ ટેબ્લો પડયો હતો. વિષ્ણુંબાપુના હાથમાં રિવોલ્વર હતી અને તેમણે અનંતનાં કપાળનું નિશાન સાધ્યું હતું. રિવોલ્વરનો એક ધમાકો અને અનંતનું જીવન સમાપ્ત થઇ જવાનું હતું. અભય પોતાનો શ્વાસ રોકીને દરવાજાની તડમાંથી અંદર ઝાંકી રહ્યો હતો. તે અંદર જવા માંગતો હતો, અનંતને બચાવવાં માંગતો હતો, પરંતુ કંઇક વિચારીને તે થોભ્યો હતો. તે સમજતો હતો કે આ સમય ધીરજથી કામ લેવાનો છે. સહેજે ઉતાવળ કરવાથી અનંતનો જીવ જોખમમાં મૂકાય એવું તે નહોતો ઇચ્છતો. તેને યોગ્ય સમયની રાહ હતી અને… એ સમય બહું જ જલદી તેના હાથ લાગ્યો હતો. બન્યું એવું હતું કે…

અનંતે પોતાની આંખો બંધ કરી દીધી હતી અને તે બાપુનાં ટ્રિગર દબાવવાની રાહ જોઇ રહ્યો હતો. તે જાણી ગયો હતો કે હવે તેનું મૃત્યું નિશ્વિત છે. હવે કોઇ તેને બાપુનાં હાથમાંથી બચાવી શકવાનું નહોતું કારણ કે આ કોઇ ફિલ્મ તો નહોતી જ કે જેમાં અણીનાં સમયે કોઇ હિરો આવી ચડે અને તેને બચાવી લે. અહીં તો ભયાનક વાસ્તવિકતાં સ્વયં કાળ બનીને તેના માથે મંડરાતી હતી. જો કે મરવાનો તેને કોઇ ગમ નહોતો. દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક તો મરવાનું જ હતું. પરંતુ પોતાનું મોત ક્યાં કારણોસર થઇ રહ્યું છે એ જાણ્યાં વગર જ તે મરી જવાનો હતો એ બાબત તેને ખૂંચતી હતી. અત્યાર સુધી વિષ્ણુંબાપુને તે પોતાના પિતાની જગ્યાએ જોતો આવ્યો હતો. એ જ પિતાતૂલ્ય વ્યક્તિ આજે તેને કોઇ જ કારણ વગર મારવાં તૈયાર થયા હોય એ હકીકત તેનું હદય સ્વીકારવા તૈયાર નહોતું. તેને એ કારણ જાણવું હતું. વિષ્ણુંબાપુ આવું શું કામ કરી રહ્યાં હતા અને એની પાછળ તેમની શું મંશા હતી એ પણ જાણવું હતું. એ જાણ્યાં વગર તેનું મરવું સાવ નિરર્થક જવાનું હતું. પરંતુ… તેના અસ્વીકારથી પરિસ્થિતિ બદલાઇ જવાની નહોતી. તેણે પોતાની નિયતીને માન્ય રાખવી જ પડે એમ હતી અને એટલે જ તે એકદમ ખામોશ બનીને આવનારી ક્ષણનો ઇંતજાર કરી રહ્યો હતો. એ ક્ષણ બહું જલ્દી આવી હતી. પણ એક જૂદા સ્વરૂપે.

@@@

અભયનું હદય તેજીથી ધબકતું હતું. હવે તે રાહ જોઇ શકે તેમ નહોતો. જો જલ્દી તેણે કંઈ ન કર્યું તો અનંતને બચાવવો લગભગ અશક્ય બનવાનું હતું કારણ કે વહેતી જતી એક એક સેકન્ડ અતી કિંમતી હતી. આખરે એક નિર્ણય તેણે લીધો. છાતીમાં એક ઉંડો શ્વાસ ભર્યો, બે સેકન્ડ પૂરતી આંખો બંધ કરી અને ખુદને જ તૈયાર કરતો હોય એમ મન મક્કમ કર્યું. અને પછી… થોડો પાછળ હટીને તે દરવાજા ઉપર ભારે વેગથી ધસી ગયો. ’ધડામ’ કરતો તેનો ખભો દરવાજા સાથે જોરથી અફળાયો. તેણે દરવાજા ઉપર લગભગ પડતું જ મૂકયું હતું એમ કહી શકાય. બાપુ જ્યારે અંદર પ્રવેશ્યાં હતા ત્યારે ઉતાવળમાં તેમણે આગળિયો સરખો બંધ કર્યો નહોતો. તેનો લાભ અત્યારે અભયને મળ્યો હતો. જેવો તે દરવાજા સાથે અફળાયો એવો જ આગળિયો એક ખટાકા સાથે ખૂલી ગયો અને તે સૂસવાટાભેર અંદર રૂમમાં પ્રવેશી ગયો. તે પોતાનાં જ ધક્કાથી પડતાં પડતાં માંડ બચ્યો હતો, પરંતુ એ પછી એટલી જ ભયંકર ઝડપે તેણે પોતાની જાતને સંભાળી હતી અને સીધો જ બાપુ ઉપર ધસી ગયો હતો. આંખનો પલકારો ઝબકે એટલી ભયાનક ઝડપે એ બન્યું હતું અને… એ સમયે એક સાથે બે ઘટનાઓ ઘટી હતી.

ધમાકાનો અવાજ સાંભળીને બાપુ ચોંકયાં હતા. તેમણે એ અવાજ શેનો છે એ જોવા માટે પોતાની ગરદન પાછળ તરફ ધૂમાવી. તેમની એ ચેષ્ટાથી તેમણે રિવોલ્વર જે હાથમાં પકડી હતી એ હાથ થોડો નીચો નમ્યો હતો અને અનંતનાં કપાળનું નીશાન ચૂકાયું હતું. અજાણતાં જ અનંતનાં મનમાં એની નોંધ લેવાઇ હતી અને કટોકટીનાં એ સમયનો તેણે ભરપુર લાભ ઉઠાવ્યો. તેણે પોતાનામાં બાકી બચેલી તમામ તાકત એકઠી કરી હતી. સખ્તાઈથી દાંત ભિંસ્યાં હતાં અને બંધાયેલા પગે જ તે ખુરસી સમેત ઉભો થયો હતો. તેનામાં એકાએક જ કંઇક કરી નાંખવાનું જનૂન ઉભરાયું હતું. તેની આંખોમાં લોહી ધસી આવ્યું અને કોઇ બળદ પોતાનું માથું મારીને સામેવાળાને પછાડી દેવા માંગતો હોય એવા જ ખતરનાક ઈરાદાથી તે બાપુ તરફ દોડયો હતો. બાપુ હજું કંઈ સમજે, પોતાની જાતને સંભાળે, એ પહેલાં તો જોશભેર તેણે તેનું માથું બાપુનાં પેઢુંમાં દઇ માર્યું હતું. ભયંકર ધક્કો અને આઘાતથી બાપુ એકાએક જ ડધાઈ ગયાં. અનંત આવું કંઈક કરશે એનો તો ખ્યાલેય ક્યાંથી હોય તેમને. તેમનું ભારેખમ ઉંચું શરીર અનંતના અણધાર્યાં હુમલાથી રીતસરનું ખળભળી ઉઠયું હતું. એ એટલી ઝડપે બન્યું કે તેમને સમજવાનો બિલકુલ મોકો જ મળ્યો નહોતો. સેકન્ડનાં સો માં ભાગે એ નાનકડી અમથી રૂમમાં એકાએક આંધાંધૂંધી ફેલાઈ ગઇ. અંદરનો સમગ્ર માહોલ ઘડીભરમાં બદલાઇ ગયો હતો અને રૂમમાં અરાજકતાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું.

@@@

અભયે અચાનક જ એક ચાન્સ લીધો હતો અને દરવાજો તોડીને તે અંદર પ્રવેશ્યો હતો. એ સમયે જ બાપુએ ચોંકીને પાછળ જોયું હતું. એક ક્ષણ પૂરતી તેમની નજર અનંત ઉપરથી હટી એ અનંતે જોયું અને કંઇપણ વિચાર્યા વગર તે બાપુ ઉપર ધસી ગયો હતો. ખુરશી સમેત જ તેણે બાપુ ઉપર હુમલો કરી દીધો અને બાપુનાં પેઢુંમાં તેનું માથું જોરથી અફળાયું હતું.

’ઓહ…’ બાપુનાં મોઢામાંથી ભયાનક દર્દનો એક ઉંહકારો નીકળી પડયો. એકાએક જાણે કોઇકે તેમનાં ઉપર બોથડ પદાર્થનો છૂટ્ટો ઘા કરીને માર્યો હોય એવું દર્દ તેમનાં પેઢુંમાં ઉપજયું. સાથોસાથ અનંતનાં ઘક્કાથી તેમનું સંતુલન ખોરવાયું હતું અને તેમના બન્ને પગમાં આપસમાં જ આંટી પડી ગઇ હતી. તેમનું ભારેખમ શરીર એ ધક્કાથી અને પગમાં પડેલી આંટીથી આપમેળે જ પાછળ તરફ ધકેલાયું હતું અને તેઓ પોતાની જાતને સરખી રીતે સંભાળવાની કોશિશ કરે, ધક્કાથી લાગેલાં ફોર્સને ખાળવાની ચેષ્ઠા કરે, એ પહેલાં જ તેઓ ’ધડામ’ કરતાં ફર્શ ઉપર છાતીભેર પથરાઇ ગયાં હતા. નીચે પડવાથી બચવા માટે તેમણે પોતાનાં બન્ને હાથોને ફર્શ ઉપર ટેકવવાની કોશિશ કરી હતી પરંતુ તેમની એ કોશિશ નાકામિયાબ નિવડી હતી. તેમના પહોળા પથરાયેલા હાથમાંથી એકાએક જ રિવોલ્વર છટકીને રૂમનાં એક ખૂણે પડેલા ટેબલ નીચે સરકી ગઇ હતી. અભયનું ધ્યાન સંપૂર્ણપણે બાપુ ઉપર જ હતું. તેણે બાપુનાં હાથમાંથી રિવોલ્વર છટકતાં જોઈ હતી અને ક્ષણનો ય સમય ગુમાવ્યાં વગર તેણે તેમના ઉપર છલાંગ લગાવી દીધી. આ ઘટનાક્રમ વિજળીની ઝડપે ભજવાયો હતો. કોઇ કંઇ સમજે, વિચારે એ પહેલાં તો ઘણુંબધું એક સાથે બની ગયું હતું અને કમરાની અંદર એકાએક યુધ્ધ જેવો તંગ માહોલ સર્જાયો હતો.

@@@

અનંતે બાપુ ઉપર જંપ માર્યો હતો અને પછી તે ખુરશી સમેત પડખાભેર નીચે પડયો હતો. પોતાનામાં બાકી બચી હતી એટલી હિંમત અને તાકત એકઠી કરીને તેણે બાપુ ઉપર હુમલો કરી દીધો હતો જેમાં તે કામયાબ નીવડયો હતો. પરંતુ હવે ઉભા થઇ શકવાની તેની હાલત રહી નહોતી. આડે પડખે પડવાથી ખુરશી સાથે બંધાયેલા તેના હાથ-પગની દોરીઓ તંગ થઇ હતી અને એ દોરીઓ ભિંસાઇને તેની ચામડીની અંદર સુધી ખૂંપી ગઇ હતી. તેમાથી લોહી નીકળવા લાગ્યું હતું પરંતુ એનો કોઇ રંજ તેને નહોતો. તેણે પોતાનું કાર્ય પુરું કર્યું હતું. તે એકદમ જ નીચોવાઇ ગયો હોય એમ લસ્ત બનીને નીચે પડયો પડયો હાંફતો હતો. હવે તેનામાં એટલી તાકાત બચી નહોતી કે તે પોતાની જાતે ઉભો પણ થઇ શકે.

બીજી તરફ અભયે સહેજે સમય ગુમાવ્યો નહોતો અને બાપુ ઉપર રીતસરની છલાંગ જ લગાવી દીધી હતી. હવે બાપુને સ્વસ્થ થવાનો તે એકપણ મોકો આપવા માંગતો નહોતો કારણ કે તે સારી રીતે જાણતો હતો કે બાપુનો સામનો કરવો એટલે સામેથી પોતાના મોતને આમંત્રણ આપવું. બાપુ ઘરડા જરૂર થયાં હતા પરંતુ હજું પણ તેમના બુઢ્ઢા શરીરમાં અસિમ તાકાત સમાયેલી હતી. તેમની સાથે હાથોહાથની લડાઇ કરવામાં ક્યારેય તે ફાવી શકવાનો નહોતો. વળી અત્યારે તેઓ ભયંકર ગુસ્સામાં હતા. તેમના માથે ભયાનક શૈતાન સવાર થયો હતો. તેમની હાલત ક્રોધે ભરાઇને વિફરેલાં કોઇ મદમસ્ત હાથીથી કમ નહોતી. હાથી જ્યારે ગાંડો થયા છે ત્યારે તેને ખૂદને પણ ભાન હોતું નથી કે તે પોતાની પાછળ કેટલો વિનાશ વેરે છે. બાપુનું પણ કંઇક એવું જ હતું. તેઓ બેકાબું બની ગયા હતા. તેમણે પહેલાં અભયને અને પછી પોતાની જ પત્નીને ગોળી મારી દીધી હતી અને હવે તેઓ અનંતને ખતમ કરવા માંગતા હતા. જો કે અભયની નજરો હજું સુધી પેલી બેહોશ પડેલી યુવતી ઉપર નહોતી પડી નહિંતર તે જરૂર ચોંકી ઉઠયો હોત.

@@@

બાપુ ઉંધેકાંધ પડયાં હતા. તેમના પેઢુમાં ભયંકર દુખાવો ઉપડયો હતો. અનંતનું માથું સીધું જ તેમના પેટની નીચેના ભાગે જોરથી અથડાયું હતું અને એ ટક્કરથી તેઓ બેવડ વળી ગયાં હતા. તેમના હાથમાંથી રિવોલ્વર છટકી ગઇ હતી અને તેઓ નિહથ્થા બન્યાં હતા. તેમની ઉપર અચાનક થયેલા હુમલાનાં કારણે ઘડીક તો તેઓ ડઘાઈ ગયા હતા. એટલું ઓછું હોય એમ અભય તેમની પીઠ ઉપર ચડી બેઠો હતો. અભયની કોણીઓ તેમની પીઠ ઉપર જોરથી અથડાઈ હતી અને તેમની કરોડરજ્જૂમાં એક કડાકો બોલ્યો હતો. તેઓ કરાહી ઉઠયાં અને તેમની આંખો આગળ તારલિયા નાંચવા લાગ્યાં હતા. તેમણે સૂતાં-સૂતાં જ પડખું ફરવાની કોશિશ કરી અને… પોતાની પીઠ ઉપર ઝળૂંબતાં અભયને જોઇને તેમને ભયંકર આઘાત લાગ્યો. અપરંપાર આશ્વર્યથી તેમની આંખો ફાટી પડી હતી. તેમને એમ જ હતું કે અભય હવે ક્યારેય ઉઠશે નહી કારણ કે તેમણે ચલાવેલી ગોળીથી કોઇ બચી જાય એ વાતમાં દમ નહોતો. તેમને પોતાના નિશાનાં પર સંપૂર્ણ ભરોસો હતો પરંતુ આંખો સામે દેખાતું સત્ય એટલું જ તેમને હેરાન કરી રહ્યું હતું. અભયને જોઇને વળી પાછું તેમનું ખૂન્નસ બેવડાયું. આ એક વ્યક્તિને કારણે જ રાજગઢમાં આજે આટલી તબાહી મચી હતી. જો તે રાજગઢ આવ્યો જ ન હોત અને તેણે પૃથ્વીસિંહની તપાસ આરંભી જ ન હોત તો અત્યારે જે પરિસ્થિતિ સર્જાઇ હતી એ ન સર્જાઇ હોત કારણ કે અભયે જ વર્ષો જૂના મડદાઓને તેમની કબરમાંથી જીવતાં બેઠા કર્યાં હતા. રાજગઢની ધરતીમાં નિતાંત શાંતી ઓઢીને ધરબાયેલાં રહસ્યનાં તાંતણાં તેણે પોતાના હાથોથી ઝણઝણાવ્યાં હતાં. પરંતુ હવે એ અફસોસ કરવાનો સમય વિતિ ચૂકયો હતો. અભયે આવીને રાજગઢનાં સત્યને ઢંઢોળ્યું હતું. એક એવું ભયાનક સત્ય જે વીતેલાં સમયની સાથે અસત્યમાં ફેરવાઇ ચૂકયું હતું. આજે પહેલી વખત એવો સમય આવ્યો હતો જ્યારે સત્ય તેનું માથું ઉઠાવીને બહાર આવવાં તૈયાર થયું હતું.

@@@

વિષ્ણુંબાપુએ અભયને નીચે પાડવાની ભયંકર કોશિશ આરંભી. એક હાથ ઉઠાવીને તેમણે ઉપર ઝળૂંબતા અભયની ગરદનમાં નાંખ્યો અને જોર કરીને તેને ફર્શ સાથે અફળાવાની કોશિશ કરી. તેમાં એકાએક જ અભયનું સંતુલન ખોરવાયું હતું અને તે બાપુની પડખે ઢળ્યો હતો. અને… પછી તે બન્ને વચ્ચે ભયંકર ખૂંખાર જંગ છેડાઈ હતી.

(ક્રમશઃ)