Patine ghadiyad gift karvathi aene samaysar books and stories free download online pdf in Gujarati

પતિને ઘડિયાળ ગિફ્ટ કરવાથી એને સમયસર ઘરે આવવાની પ્રેરણા મળે ખરી?

પતિને ઘડિયાળ ગિફ્ટ કરવાથી એને સમયસર ઘરે આવવાની પ્રેરણા મળે ખરી?

કેટલાંક ગુજરાતી અખબારોની અપવાદરૂપ પૂર્તિઓ અને અપવાદ કોલમોને બાદ કરીએ તો આપણાં અખબારોની 'નારી પૂર્તિ' જોતાં એવું જ લાગે કે એ કાઢનારાઓ નારીઓને સદંતર બેવકૂફ જ સમજતાં હશે. આજની નારીની દુનિયા 'લાલી, લિપસ્ટિક અને લસણ'થી આગળ ક્યાંય દૂર વિસ્તરી ગઈ હોવા છતાં આ પૂર્તિઓ મોટેભાગે એવા વિષયોની આસ-પાસ જ ત્રણ તાલી લઈને ગરબે ઘુમતી હોય છે. એનાથી થોડું આગળ વધશે તો ઓફિસમાં અને અલગ અલગ પ્રસંગે પહેરવાના વસ્ત્રો અને કોર્પોરેટ એટીકેટ્સ પર આવીને અટકી જશે. કેમ જાણે આજની યુવતીઓ એ બાબતે અબુધ હોય!

અપવાદો બાદ કરતા આપણી નારીપૂર્તિઓ એ પૂર્તિઓના પાના બહારની યુવતીઓ કરતાં ઓલમોસ્ટ બે દાયકા પાછળ ચાલી રહી છે. એમાંના કેટલાંક લેખો જોઈને ખડખડાટ હસી પડાય અને થાય કે આને તો એન્ટિક ગણીને મ્યુઝિયમમાં મુકવો જોઈએ અને ભવિષ્યના જર્નાલિઝમના વિદ્યાર્થીઓને બતાવવો જોઈએ, એ શીખવવા કે વાચકોને કેવું કન્ટેન્ટ ન પીરસવું જોઈએ. આવી પૂર્તિઓમાં ભૂતિયાં અને ભેદી સ્ત્રી નામે થતું કટારલેખન વાંચીએ તો સાલું કોઈ આપણી છાતીમાં કટાર ભોંકતું હોય એવું લાગે. એ ભૂતિયાં અને ભેદી નામોનો પણ એક રહસ્યમય અને રમૂજી ઈતિહાસ રહ્યો છે. એકચ્યુલી, ફેસબુકના આગમન પહેલા ફેક 'એન્જલ પ્રિયાઓ' આવી પૂર્તિઓમાં કોલમ લખતી. કેટલીક તો હજુ લખે છે! હોવ...હમ્બો...હમ્બો...!

હમણાં જ આવી એક પૂર્તિના આવા જ એક લેખ પર નજર પડી. જેમાં નારીઓને પુરુષો માટે યોગ્ય ગિફ્ટની પસંદગી કરવાની સલાહો પીરસવામાં આવી હતી. એ લેખમાં અલગ અલગ ગિફ્ટ સૂચવીને એ ગિફ્ટની શું અસર થશે? એની પણ અમૂલ્ય માહિતી આપવામાં આવી હતી. જે પૈકીની એક સલાહ હતી કે, 'તમે તમારા પતિ કે પુરુષ મિત્રને ઘડિયાળ ભેટ આપી શકો છો. કાંડા પર બાંધેલી ઘડિયાળ તેમને સમયસર ઘરે પહોંચવા પ્રેરશે?' સિરિયસલી...? વોટ અ પ્રેરણાત્મક ગિફ્ટ...!!!

શું ખરેખર જ તમે આપેલી ઘડિયાળ જોઈને એમને સમયસર ઘરે પહોંચવાની પ્રેરણા મળશે? શું એની પાસે તમે આપેલી ઘડિયાળ સિવાય સમય જાણવાનો કોઈ રસ્તો જ નહીં હોય? શું એની ઓફિસમાં ઘડિયાળ નહીં હોય? એને પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલમાં સમય જોતા નહીં આવડતું હોય? આ સલાહ આપીને લખનાર વાસ્તવમાં કોને ભોટ સમજે છે? જેને ભેટ આપવાની છે એ પુરુષને? જે ભેટ આપવાની છે એ સ્ત્રીને? કે એના જેવા લેખકને વાંચનારા તમામ વાચકોને? આઈ થિંક, છેલ્લો વિકલ્પ સાચો છે. છેલ્લા વિકલ્પના સમિકરણ મુજબ વાચકોને ભોટ સમજનાર લખવૈયા અને એ લખાણ છાપનાર છાપવૈયા બન્ને મુરખ ગણાય. જેને ભેટ આપવાની છે એ પાત્ર પતિ હોય તો હજુ આપણે કંઈક જતું કરીએ, પણ સલાહકાર પુરુષમિત્રમાં પણ એ પ્રેરણા લાગુ કરે ત્યારે આપણને સવાલ એ થાય કે પુરુષમિત્રને એ ઘડિયાળ જોઈને કોના ઘરે જવાની પ્રેરણા મળશે? એના પોતાના કે જેણે ગિફ્ટ આપી છે એ ગર્લફ્રેન્ડના? આમાં તો સાલું લોચો ના પડી જાય?

જો આમ જ તમારી ભેટ પ્રેરણા આપવાની હોય તો તમે એવું પણ લખી શકો કે એને કિચેઈન ભેટમાં આપો. જે તેને એ કિચનની સાથે રહેલી બાઈક કે કારની ચાવીથી ઘરે સમયસર પહોંચવાની પ્રેરણા આપશે. એને હાથરૂમાલ આપો. એનાથી તેને નાકના સેડા સાફ કરવાની પ્રેરણા મળશે. એને વોલેટ આપો. એનાથી તેને એમાં મુકવાના રૂપિયા કમાવાની પ્રેરણા મળશે. એને તેલ કે જેલ આપો. એનાથી તેને પોતાના વાળ ઓળવાની પ્રેરણા મળશે. એને સલમાન ફેમ બ્રેસલેટ ગિફ્ટ કરો. એનાથી એને તમને સલમાન ખાનની ફિલ્મો જોવા લઈ જવાની પ્રેરણા મળશે. એને 'બિઈંગ હ્યુમન'નું ટી શર્ટ આપો. એનાથી તેને માણસ બનવાની પ્રેરણા મળશે. એને બેલ્ટ આપો એનાથી એને ખબર પડશે કે એ તમારી સાથે 'પટ્ટે બંધાયેલો' છે! એટસેટરા...એટસેટરા... હોવ...હમ્બો...હમ્બો...!

એ જ લેખમાં સલાહકાર આગળ લખે છે કે જો તમારા પતિ ગેઝેટ પાછળ ઘેલાં હોય તો તમે એમને મોબાઈલ, ટેબલેટ, આઈપેડ કે કોમ્પ્યુટર એક્સેસરી જેવી કોઈપણ વસ્તુ આપી શકો છો. સારું થયું તમે કહ્યું નહીં તો બિચાકડી ભોળુંળી નારીઓને આવી ખબર કેવી રીતે પડેત? એ બાપડી તો એના ગેઝેટપ્રેમી પતિને તાંબાનું તપેલું ગિફ્ટ આપવાનું વિચારતી હતી બોલો...! એ નારીઓના પતિ ગેઝેટ પાછળ ઘેલાં હોય કે ન હોય, પણ આવું લખનારા તમે ચોક્કસ ઘેલાં છો!

આવા જ બીજા એક લેખમાં યુવતીઓને હાઈ હિલ્સ પસંદ કરવાની ટીપ્સ અપાઈ છે. જેમાં લખનાર કહે છે કે હાઈ હિલ્સના સેન્ડલ કે બુટ તમારા પગમાં ફિટ થાય છે કે નહીં એ પહેરીને થોડું ચાલીને જોઈ લેવું જોઈએ. હા, અબુધ યુવતીઓ આવું કર્યા વિના જ ખરીદી લેતી હશે ને? ગામડાંના ગમાર પણ ચપ્પલ ખરીદતી વખતે એને પહેરીને ચાલીને ફિટ થાય છે કે નહીં એ ચેક કરી લે છે. તમે હવે પાછા વળો દિયોર, નહીં તો યુવતીઓ એ હાઈ હિલ્સવાળા સેન્ડલ તમારા માથામાં મારવા આવશે. હોવ...હમ્બો...હમ્બો...!

ફ્રી હિટ :

આજથી ઓલમોસ્ટ બે દાયકા પહેલા જય વસાવડાના પુસ્તકોની પ્રસ્તાવનામાં ચંદ્રકાન્ત બક્ષી લખી ગયા છે કે, 'ઘણી વાર જે વિષય પર લેખકે લખ્યું હોય છે એ જ વિષય પર લેખક કરતાં વાચક વધારે જાણતો-સમજતો હોય છે. વાચક હવે માત્ર સુજ્ઞ રહ્યો નથી, એ પ્રજ્ઞ બની ગયો છે.'