Bharatma vikas sharaddhano ane bhrashtachar andhshraddhano vishay chhe books and stories free download online pdf in Gujarati

ભારતમાં વિકાસ શ્રદ્ધાનો અને ભ્રષ્ટાચાર અંધશ્રદ્ધાનો વિષય છે!

ભારતમાં વિકાસ શ્રદ્ધાનો અને ભ્રષ્ટાચાર અંધશ્રદ્ધાનો વિષય છે!

વિકાસ ઈશ્વર જેવો હોય છે. એ શ્રદ્ધાનો વિષય છે. એનું ખાતુ - માનો તો ભગવાન હૈ ના માનો તો પાષાણ - જેવું છે. જો માનો તો એ અત્ર, તત્ર, સર્વત્ર, કણ કણમાં વ્યાપ્ત છે અને ન માનો તો એનું અસ્તિત્ત્વ જ નથી. શ્રદ્ધાળુંઓ માટે એ છે અને નાસ્તિકો માટે એ માત્ર અફવા છે. વળી, ઈશ્વરના કે વિકાસના વિરોધીઓ માટે તો એ એક ગોરખધંધો જ છે. હોવ...હમ્બો...હમ્બો...!

જે રીતે આસ્થાવાનોને ફૂલ, ઝાડ-પાન, પથ્થર અને સમગ્ર પ્રકૃતિમાં ઈશ્વરનો વાસ લાગતો હોય છે કે વાસનો આભાસ થતો હોય છે, એ જ રીતે વિકાસ પણ રોડ-રસ્તાં, ગટર અને વીજળી-પાણીમાં દૃશ્યમાન થતો રહે છે. વિકાસ પણ ત્યાં જ છે અને ભ્રષ્ટાચાર પણ પ્રેમની જેમ ત્યાં જ પાંગરતો હોય છે. બન્ને પરસ્પર મળેલા છે. સબ મિલે હુએ હૈ જી...! આ પેરેગ્રાફની પહેલી લાઈનમાં લેખકે જે 'રોડ-રસ્તાં' શબ્દપ્રયોગ કર્યો એ બન્નેનો અલગ અલગ ભાષામાં એક જ અર્થ થાય છે, પણ આપણે ત્યાં મા અને માસી બન્ને ભાષાઓનું માન જાળવવા બન્નેનો સાથે સાથે પ્રયોગ કરવાની પરંપરા રહેલી છે. જેનું લેખકે અહીં નિષ્ઠાપૂર્વક પાલન કર્યું છે. જોકે, અંગ્રેજી ભાષાને માસી ગણવી કે પૂતના? એ અંગે ભાષાપ્રેમીઓમાં મતમતાંતર હોઈ શકે છે. કારણ કે એ તમામ ભાષાપ્રેમીઓ અલગ અલગ ભાષાઓના પ્રેમી હોઈ શકે છે. હોવ...

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ જ પાતળી અને જોખમી ભેદરેખા હોય છે. ઈટ્સ લાઈક - 'ઘેરો થયો ગુલાલ તો ભગવો બની ગયો...'! - શ્રદ્ધા એક હદથી વધી જાય એ સંજોગોમાં ક્યારે એ અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય એનું જ્ઞાન કે ભાન ભક્તોને રહેતું નથી. જોકે, એમાં એવું છે કે કોઈ એકની શ્રદ્ધા એ કોઈ બીજાની દૃષ્ટિએ અંધશ્રદ્ધા અને કોઈ બીજાની શ્રદ્ધા એ આપણા માટે અંધશ્રદ્ધા હોઈ શકે છે. અતિશ્રદ્ધા અતિસાર જેવી હોય છે. વધી જાય તો સાલી જોખમી બની જાય. (અતિસાર = વધુ પડતા ઝાડા થઈ જવાનો રોગ.) શ્રદ્ધા કદાચ આત્મકલ્યાણનો અને અંધશ્રદ્ધા આત્મહત્યાનો માર્ગ છે. અંધશ્રદ્ધા ખંજવાળ જેવી હોય છે, વલૂરો એટલી વધે અને પંપાળો એટલી પેંધી પડે. એક હદથી વધી ગયેલી ભક્તિ-શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ભેદ કરવો એટલો જ મુશ્કેલ છે જેટલો મુશ્કેલ સન્ની લિયોની કે મિયા ખલિફાના વીડિયોમાં એમની એક્ટિંગ અને ઈમોશન્સ વચ્ચેનો ભેદ સમજવો હોય છે. (અમેરિકન એક્ટ્રેસ mae westનું તો ક્વોટ છે કે - સેક્સ ઈઝ ઈમોશન ઈન મોશન.) જોકે, આ બીજો ભેદ સમજીને આપણે ય તે કયા લાટા લઈ લેવાના હોય છે? અને 'એવે વખતે' આવો ભેદ સમજવાની તો કોને નવરાશે ય હોય...!? આ તો ખાલી એક વાત થાય છે. હોવ...હમ્બો...હમ્બો...!

નાસ્તિકોના મતે તો દરેક શ્રદ્ધા કે પરંપરા પાછળ અંધશ્રદ્ધા રહેલી હોય છે. એ જ રીતે વિકાસવિરોધીઓની દૃષ્ટિએ દરેક વિકાસ પાછળ કોઈને કોઈ ભ્રષ્ટાચાર છુપાયેલો હોય છે. વિકાસ અને ભ્રષ્ટાચાર તેમજ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, દૃષ્ટિકોણ એટલે કે નજરનો વિષય છે. વિકાસના શ્રદ્ધાળુંઓને ચકચકાટ રિવરફ્રન્ટ, ઠેર ઠેર બનેલા હાઈરાઈઝ બિલ્ડિંગ્સ-મોલ્સ અને તોસ્તાન ફ્લાયઓવર્સ જ દેખાશે અને જેમને વિકાસમાં વિશ્વાસ નથી તેમને ગીચ અને ગલીચ ઝુંપડપટ્ટીઓ, ગંદકીથી ઉભરાતી ગટરો અને ઠેર ઠેર તૂટેલા રસ્તાં જ દેખાવાના. હકીકત એ છે કે આ દેશમાં બન્નેનું અસ્તિત્ત્વ છે. સહઅસ્તિત્ત્વ છે. બન્નેના સહઅસ્તિત્ત્વનો સ્વીકાર ન કરનારાઓ જીવનભર દુ:ખી જ થતાં રહે છે. ફિલ્મ 'રાઝ'નો એક ડાયલોગ છે કે - અગર આપ ભગવાન પે યકિન કરતે હો તો શૈતાન પર ભી કરના પડેગા...!

વિકાસવિરોધીઓ માટે જે શ્રદ્ધા છે એ જ વિકાસપ્રેમીઓ (કે સમર્થકો કે શ્રદ્ધાળુંઓ) માટે અંધશ્રદ્ધા છે અને એ છે ભ્રષ્ટાચાર. અંધશ્રદ્ધાની જેમ જ ભ્રષ્ટાચારનું પણ ઈશ્વર જેવું છે. માનો તો એ છે અને ન માનો તો નથી. તમારા માનવા કે ન માનવાથી જેમ ઈશ્વરનું અસ્તિત્ત્વ (જો હોય તો) નથી મટી જતું એ જ રીતે ભ્રષ્ટાચારનું પણ અસ્તિત્ત્વ મટતું નથી. અંધશ્રદ્ધાળુંઓ ઉર્ફે વિકાસવિરોધીઓને ઈશ્વરની જેમ વિકાસ નથી દેખાતો અને શ્રદ્ધાળુંઓ ઉર્ફે વિકાસપ્રેમીઓને ભ્રષ્ટાચાર નથી દેખાતો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ છે. જો માનો તો એ કૌભાંડ છે અને ન માનો તો (જે રીતે કોંગ્રેસે જાહેર કર્યું એ રીતે) આવું કોઈ કૌભાંડ થયુ જ નથી. એ તો માત્ર અફવા હતી. આવું બીજું એક ઉદાહરણ છે - રાફેલ. ભાજપવિરોધીઓ માટે એમાં ભ્રષ્ટાચાર છે અને ભાજપ સમર્થકો માટે એ એટલું જ પવિત્ર છે જેટલું કોંગ્રેસ સમર્થકો માટે 2જી સ્પેક્ટ્રમ હતું. હોવ...

ભાજપ હોય કે કોંગ્રેસ, વિરોધ પક્ષ જેવો સત્તામાં આવે કે તરત જ એના શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના વિષયો પરસ્પર બદલાઈ જાય છે અને એવું જ સત્તા પક્ષ સાથે થાય છે જ્યારે તે વિરોધની પાટલીએ બેસે છે. અહીં 'વિરોધની પાટલીએ' શબ્દપ્રયોગ તો અમે શિષ્ટતા ખાતર કર્યો બાકી આપણે ત્યાં રાજકીય પક્ષો વિરોધમાં હોય કે સત્તામાં મોટે ભાગે 'છેલ્લી પાટલીએ' બેસવામાં જ શ્રદ્ધા ધરાવતા હોય છે. અંતમાં એટલું જ કહેવાનું કે દેશમાં સર્જાયેલા નવા સમીકરણો મુજબ તો વિકાસદર્શન તમને દેશપ્રેમી અને ભ્રષ્ટાચાર તરફ અંગુલીનિર્દેશ તમને દેશદ્રોહી બનાવી શકે છે. વિકાસ ગાંડો થઈ શકે છે અને ભ્રષ્ટાચારનો ભોરિંગ ભૂરાયો થઈ શકે છે. માટે પોતપોતાની શ્રદ્ધા અને અંધશ્રદ્ધાઓ કાબુમાં રાખવી. હોવ...હમ્બો...હમ્બો...!

ફ્રી હિટ :

कभी यहाँ तुम्हें ढूँढा, कभी वहाँ पहुँचा,

तुम्हारी दीद की खातिर कहाँ कहाँ पहुँचा, (*दीद = vision)

ग़रीब मिट गये, पा-माल हो गये लेकिन,

किसी तलक ना तेरा आज तक निशाँ पहुँचा

हो भी नही और हर जा हो,

तुम एक गोरखधंधा हो

- नाज़ ख्यालवी