Red Shirt - 1 books and stories free download online pdf in Gujarati

Red Shirt - 1

એ કાળી રાતે, એક કાળી કાર પોતાનો સફેદ પ્રકાશ કાળા ડામર ના રસ્તા પર પાંથરતી "શીશ મહેલ" નામની તકતી ધરાવતા સફેદ બંગલા ની અંદર પ્રવેશી, મુખ્ય દ્વાર આગળ આવી ઉભી રહી ગઈ.

હજુ ગાડી ઉભી પણ માંડ હતી ત્યાં પાછળ ની સીટ પર થી રાઘવ ઉતર્યો. દેખાવ એનો સામાન્ય હતો પણ સ્ફુર્તિ અને આત્મવિશ્વાસ તેના વ્યક્તિત્વ ને નિખારતા હતાં. દિવસ આખા ની મેહનત ના લીધે રાઘવ નો સફેદ શર્ટ ચીમળાઈ ગયો હતો, પેન્ટ માં ખોસેલું ઇન્શર્ટ એક બાજુ થી બહાર નીકળી ગયું હતું. રાઘવ ની આદત હતી, માત્ર સફેદ શર્ટ પહેરવાની. પેન્ટ નો રંગ કોઈ પણ હોય; શર્ટ હંમેશા સફેદ હોવું જોઈએ, એવી રાઘવ ની માન્યતા હતી કે પછી પોતાની જાત ને અપાતો એક ખોખલો દિલાસો હતો.

રાઘવે પોતાની રિવોલ્વર હાથ માં લીધી અને બંગલા ના પગથિયાં ચઢવાના શરૂ કર્યા. તેની પાછળ ગાડી માંથી જીગર ઉતર્યો, પોતાના ભારે શરીર જોડે એણે રાઘવ ની જોડે ઝડપ થી પગથિયાં ચઢવાનો નાકામ પ્રયત્ન કર્યો. બંગલા ના મુખ્ય દરવાજે પેહરો આપી રહેલા શિવા એ અનાયાસે પોતાના મગજ માં નોંધયું કે, રાઘવ સવારે જે ઈસ્ત્રી કરેલો સફેદ શર્ટ પહેરી ને ગયેલો એ શર્ટ અત્યારે ચીમળાઈ ગયેલો અને કોઈક ના લોહી ના લીધે આગળ થી પૂરો લાલ બની ગયો હતો. એવુ નોહતું કે શિવા એ લોહી પેહલા જોયું નોહતું, એવું પણ નોહતું કે એણે રાઘવ ને આવી હાલત માં પેહલી વાર જોયો હતો; એના માટે રાઘવ નું આ રૂપ સામાન્ય હતું પણ માનવ કુતૂહલતા ના લીધે લોહી ની નોંધ એના દિમાગે લઈ જ લીધી.

શિવા એ રાઘવ ને સલામ ઠોકી, દરવાજો ઉઘાડયો. રાઘવ તેના પર એક ઊડતી નજર નાખી બંગલા ની અંદર પ્રવેશી ગયો. જીગર સીડીઓ પુરી કરી ને શિવા જોડે પોંહોચ્યો ત્યાં જ શિવા એ પૂછ્યું, "કોણ ગયું??".

"તારું કામ કરને, ફોદીયા" શિવા ને ગાળો આપતો જીગર બંગલા ની બહાર જ રોકાઈ ગયો.

પોતાના મેલા બુટ થી જમીન પર ના મારબલ પર ડિઝાઇન બનવતો રાઘવ, મુખ્ય બેઠકખન્ડ માં પ્રવેશ્યો. બંગલાની જાહોજલાલી ની ઝગમગાહટે રાઘવ નું સ્વાગત કર્યું. રાઘવ આવી ને સોફા પર બેસી ગયો. જાણે આખા દિવસ નો થાક આ સોફા પાર જ ઉતારી દેવાનો હોય. રિવોલ્વર બાજુ ના કાંચના ટેબલ પર મુકાઈ ગઈ, શરીર ઢીલું છોડી દેવાયું, શર્ટ નું પહેલું બટન ખુલી ગયું, માથું સોફા ના આધાર ને અડી ગયું, આંખો મીંચી દેવાઈ અને છેલ્લે એક નિશાસો છૂટ્યો.

"બેટા, બહુ થાકી ગયો લાગે છે." બંગલા ના ભપકા વચ્ચે ક્યાંક થી સાદી સાડી પહેરેલી માઁ બહાર આવી.

"હા, માઁ આજે બહુ થાકી ગયો છું." રાધવે આંખો ખોલ્યા વગર જ જવાબ આપ્યો.

માઁ રાઘવ પાસે આવી, પેહલા જ એને શર્ટ પર નો લાલ રંગ અને બુટ પરનો કાદવ દેખાયાં. એ રાઘવ પાસે જમીન પર હળવેક થી બેસી ગઈ. રાઘવ નો ડાબો પગ હાથ માં લીધો અને બુટ ની દોરી છોડવા લાગી. "બેટા, બુટ ઘર બહાર કાઢી ને આવતો હોયતો? ઘર ગંદુ થાય છે." બુટ પગ થી અલગ થઈ ચૂક્યું હતું, માઁ એ તેને બાજુ માં મૂક્યું. બીજા બુટ ની દોરી ખોલવાની શરૂ કરી.

"હમમમમમ" બંધ આંખે રાઘવ નો તેની માતા ને જવાબ આપ્યો. ત્યાં સુધી માં બીજું બુટ પણ ખુલી ગયું હતું.

બુટ એક બાજુ કરી માઁ ઉભી થઇ. "ખાઈ ને આવ્યો છું કે કંઈક બનાવી આપું?? રાતનું પડયું છે, પણ એવુ ઠંડુ ખાવું તને ગમશે નહીં."

"હા, કંઈક બનાવ ભૂખ લાગી છે." આંખો હજુ બંધ હતી.

"સારું, તું નાહી લે; હું કાંઈક ખાવાનું કરૂ છું." માઁ એ જવાબ આપ્યો.

હવે રાઘવે આંખો ખોલી, શર્ટ ના એક પછી એક બટન ખોલવાના શરૂ કર્યા. જેટલી વાર એ બટન ખોલતો એટલી વાર કેટલુંક લોહી તેની આંગળીઓના ટેરવે લાગી જતું. બટન પુરા ખોલાઈ ચુક્યા હતા. રાઘવે સોફા પર બેઠા બેઠા જ શર્ટ કાઢ્યો અને ડૂચો વાળી, માઁ ને આપ્યો. "ધોઈ નાખ જે".

માઁ એ લોહી વાળો શર્ટ લઈ લીધો. એક નજર શર્ટ પર કરી, પેહલી વખત લોહી પર પ્રતિક્રિયા આપતા પૂછ્યું, "રફીક??"

રાઘવે તીરછી નજર નાખી. "તને ખબર છે ને હું તને... કશું નહીં કહું. તોપણ તારે વધારે જાણવું હોય તો કાલ સવાર નું પેપર તો... " શબ્દો હવા માં રહી ગયાં.

માઁ એ લોહી સામે જોઈ પૂછ્યું "કેમ?".

"શુ ફરક પડે છે?" રાઘવે ટૂંકાવ્યું.

"કેમ?" ફરી સવાલ ઉભો થયો. "નડતો હતો." રાઘવે ના છૂટકે કીધું.

"શેમાં?" માઁ એ પૂછ્યું. "મારી સફળતા ની સફરમાં નડતો હતો." રાઘવે કહ્યું.

"શુ તું સફળ નથી?" માઁ એ આજુ બાજુ જોઈ ને પુછ્યું.

"ના" સેકન્ડ માં જવાબ આવ્યો.

"શુ ખૂટે છે?"

"બહુ બધું."

"શુ બહુ બધું?? પૈસો છે તારી જોડે, ગાડીઓ છે, તારા માટે જીવ આપનાર લોકો છે, લોકો ની આખો માં તારા માટે ડર અને ઈજ્જત છે... હજુ શુ ખૂટે છે???"

"બહુ બધું"

"તું મને કહે હું તને લાવી આપીશ..." માઁ ના શબ્દો ને હવા ગળી ગઈ, જવાબ માં રાઘવ નું એક ફિક્કું હાસ્ય ઓકતી ગઈ "એ તો હું મેળવીશ જ"

"શુ આ બધું સફળતા નથી?

"ના, હજુ ઘણું બાકી છે!"

"હજુ શુ બાકી છે? હજુ કેટલી મેહનત? હજુ કેટલો જીવ બાળવો? હજુ ક્યાં સુધી લોકો ના જીવ લઈશ... હજુ ક્યાં સુધી સફેદ શર્ટ ને લોકો ની લોહી ની શાહીથી લાલ કરતો રહીશ...??"

"ત્યાં સુધી જ્યાં સુધી મને કદી કોઈ ની 'ના' ના સાંભળવી પડે ત્યાં સુધી...ત્યાં સુધી જ્યાં સુધી હું જે વસ્તુ પર આંગળી મુકું તે મારી થાય, ત્યાં સુધી જ્યાં સુધી હું જે છોકરી ને ચાહું તે મને 'ના' ના પાડી શકે, ત્યાં સુધી જ્યાં સુધી લોકો મને 'ના' પાડવા કરતા આત્મહત્યા કરવાનું વધારે પસંદ કરે, બસ ત્યાં સુધી... જ્યાં સુધી 'ના' નામનો શબ્દ મારા કાન કદી ના સાંભળે..."

માઁ સાંભળીને રડી પડે છે, રાઘવ ના પગ પાસે બેસી જાય છે.. "બેટા, હું તને આમ દરરોજ મરતો નહીં જોઈ શકું.."

રાઘવ માઁ નો ચેહરો હાથ માં લઇ ને, "જો હું આજે નહીં મરુ તો કાલે કેમનો જીવીશ??"

"આ ગાંડપણ તને નહીં જીવવા દે..." માઁ એ રાઘવ નો હાથ પકડી કહ્યું.

"માઁ, આ ગાંડપણ છે; તો હું છું... " રાઘવ એ માઁ નો હાથ દબાવતા કહ્યું.

"આ ગાંડપણ કેટલાય ના ઘર બાળશે.." માઁ રાઘવ ને પોતાના હાથ માં રહેલો લોહી વાળો શર્ટ બતાવી કહે છે.

"આ ગાંડપણ મારુ empire બનાવશે..." રાઘવ માઁ નો ચહેરો બંને હાથ માં લઇને સમજાવે છે.

"એ હું નહીં થવા દઉં..." માઁ તરત બાજુ માં રહેલી રિવોલ્વર લઈ ને તેનું નાળચુ રાઘવ ની છાતી પર મૂકે છે. રાઘવ સ્તબ્ધ થઈ જાય છે.

"મારા થી નહીં જોવાય તને આમ પોતાની જાત માં મરી જતા.. મારા થી નહીં ધોવાય હવે તારો આ સફેદ શર્ટ.." માઁ દિલગીરી બતાવે છે.

"હું સમજુ છું, માઁ" રાઘવ રડી માઁ ને ગળે લગાવે છે.

"હું નહીં જોઈ શકું તને આમ પોતાની જિંદગી બરબાદ કરતા... હું થાકી ગઈ છું..." માઁ રડી પડે છે.

"હું જાણું છું માઁ, તું મને નહીં જોઈ શકે..." રાઘવ રડતા રડતા ધીરે થી માઁ પાસેથી રિવોલ્વર લઈને કહે છે,"હું જાણું છું... બધું જાણું છું... પણ... મારે જોઈએ જ છે..." રડતા રડતા રિવોલ્વર માં થી 3 ગોળી માઁ ની છાતી માઁ પોરવાય જાય છે.

માઁ ના નબળા પડી ગયેલા શરીર ને આધાર આપતા રાઘવ રડે છે, "મને ખબર છે તું નહીં જોઈ શકે, તારે મને આ રીતે જોવો પણ ના જોઈએ.. તું સુઈ જા માઁ આગળ બહુ અંધારું છે.. મને એકલો જવા દે, મને ખબર છે તું મને બહુ પ્રેમ કરે છે, હું પણ તને બહુ પ્રેમ કરું છું.. પણ હવે હું તને મારુ સફેદ શર્ટ ધોતા નહીં જોઈ શકું... હવે હું તારો નિર્દોષ પ્રેમ નહીં.. અપનાવી શકું.. તું સુઈ જા માઁ આગળ બહુ અંધારું છે..." અને માઁ નું લાશ બની ગયેલ શરીર જમીન પર પડી જઈ હાર સ્વીકારે છે.

શિવા અને જીગર ગોળીઓ નો અવાજ સાંભળી દોડતા અંદર આવે છે. પણ માઁ ની લાશ અને રાઘવ ની હાથ માઁ બંદૂક જોઈ ચૂપ થઈ જાય છે. રાઘવ જમીન પર પડેલા દેહ ને જોયા કરે છે.

શિવા શાંતિ તોડતા જીગર ને પૂછે છે, " સાહેબ, લાશ ઠેકાણે લગાવી દઉં". જીગર અને રાઘવ એની સામે જુએ છે, રાઘવ કરડાકી થી પૂછે છે, "શુ કીધું તે? લાશ? લાશ દેખાય છે તને? માઁ છે, મારી... પ્રેમ કરું છું હું એને" બંગલો ગુંજે છે, "તું એને ઠેકાણે પાડીશ?? તું..??? કોઈ એને નહીં અડે.. એની કબર હું જાતે ખોદીશ.. હું દફનાવીશ એને. માઁ છે મારી.. બહુ પ્રેમ કરું છું એને..."

એ દિવસે રાતે બંગલા ના બગીચા માં એક ખાસ કબર બની. ખાસ એ માટે કારણકે એ રાઘવ એ પોતે ખોદી હતી. રાઘવ કબર ખોદતાં ખોદતાં વિચારતો હતો, એ માઁ ની કબર ખોદી રહ્યો છે કે પોતાની?? વર્ષો પછી પોતે કબર ખોદવાને લીધે થાક અનુભવતો હતો કે સાચે એની અંદર કોઈક મરી રહ્યું હતું?? એ સવાલો ના જવાબો તો એને ના મળ્યા પણ એ રાતે એને એ ખબર પડી ગઈ કે, કબર ખોદવાથી પણ અઘરૂં કામ હોય છે, સફેદ કપડાં પર થી લોહી ના ડાઘ ધોવા.. એ ગેહરા લાલ ડાઘ જતા જ નથી જ્યાં સુધી એમના પર આંસુઓ નું detergent ના લગાવ્યું હોય.

બીજી સવાર સામાન્ય હતી, રાઘવે બધા સફેદ શર્ટ બહાર કાઢી ને જીગર ને આપ્યા. "જીગર, બહુ મેહનત પડે છે, લોહી ના ડાઘ કાઢતા.. કોઈ બીજા રંગ ના શર્ટ લાવા પડશે." જીગર કાઈ બોલે એ પેહલા શિવા બોલી ઉઠ્યો, "ભાઈ, કાળા રંગ ના શર્ટ પેહરો.. ધોવા ની મગજમારી જ નહીં..." વાક્ય પૂરું કરે એ પહેલાં જ એ જીગર ની આંખો જોઈ સમજી ગયો કે ખોટી સલાહ અપાઈ ગઈ છે.

"લાલ, લાલ રંગ ના શર્ટ લેતો આવજે જીગર.. કારોબાર લોહી નો અને ભૂખ પ્રેમ ની છે તો... લાલ રંગ જચશે." રાઘવ એ જીગર ને ફરામન આપ્યું. સાંજ સુધી માં લાલ રંગના શર્ટ અલમારી માં ગોઠવાઈ ગયા. એ દિવસ પછી રાઘવે કદી સફેદ શર્ટ પહેરવાનું નથી વિચાર્યું, માત્ર લાલ શર્ટ, જાણે પોતાની જાત ને એ ઓળખી ગયો હોય એમ.

_______________________
તમને શું લાગે છે.. બીજા ભાગ માં શુ થઈ શકે??? રાઘવ નું શુ થશે? જીવન માં એ સફળતા મેળવશે??? શુ એને પ્રેમ મળશે??? કે એના પાપ એને પકડી પાડશે?? please જણાવો કે હવે આ વાર્તા માં બીજો શુ ટ્વિસ્ટ આવી શકે??

*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.