tiktok walo vandro books and stories free download online pdf in Gujarati

ટીકટોક વાળો વાંદરો !

ટીકટોક વાળો વાંદરો !


'નંદનવન' નામે એક મોટું જંગલ હતું.આ જંગલમાં ઘણાં વાંદરાઓ રહે.કુદકા મારે,મસ્તી કરે.આખો દિવસ હુપા...હુપ કર્યા કરે.

એક દિવસની વાત.બપોરનો સમય હતો.આકરો તડકો પડતો હતો.આવા તડકામાં બલ્લુ વાંદરો દુકાન બંધ કરી પોતાને ઘેર જઈ રહ્યો હતો.એને ખૂબ તરસ લાગી હતી.ઘર તો દૂર હતું.તેણે જંપો વાંદરાને ઘેર જવાનો વિચાર કર્યો.
''ચાલ, જંપોને ઘેર જઈ પાણી પી લઉં.આ બૉટલ પણ ભરી લઈશ.આમે'ય ઘણાં દિવસથી જંપોને મળ્યો નથી.'' એ મનમાં બોલ્યો.
બલ્લુ ધીમે ધીમે કરતો જંપોના ઘર સુધી પહોંચ્યો.કંઈક અવાજ આવતાં એ જંપોના ઘરની બારી તરફ ગયો.બલ્લુએ કાન સરવા કર્યા.
''હું ઠુમ્મક...ઠુમ્મક નાચવાનો !
ટીકટોકમાં વિડીઓ કરવાનો !''
જંપો તો ગાઈ રહ્યો હતો.મ્યુઝિકનો પણ અવાજ આવતો હતો.
''આ જંપો કેમ ગાઈ રહ્યો છે ? વાર્ષિકોત્સવની તૈયારી ?...ના..ના...એની તો બહું વાર છે ! અોહ..એનો બર્થ-ડે હશે ?... ના...ના...એ તો ગયા મહિને જ ગયો.'' બલ્લુ તો વિચારમાં પડી ગયો.
''ચાલને એને જ પૂછી લઉં...'' કહેતાં બલ્લુએ ડૉર-બેલ વગાડી.
જંપો તો બલ્લુને જોઈ ઘણો રાજી થઈ ગયો.
''આવ, આવ ભેરુ...ઘણાં દિવસે આવ્યો.'' જંપોએ મીઠો આવકારો દીધો.
''અહીં સોફા પર બેસ.'' પાણીનો ગ્લાસ આપતાં જંપોએ કહ્યું.બલ્લુ તો ગટ ગટ કરતો પાણી પી ગયો.એની તરસ શમી.
''ઘણાં દિવસે દોસ્તને યાદ કર્યો '' કહેતા જંપો તો બલ્લુની બાજુમાં બેસી ગયો.
''આતો હું દુકાનેથી ઘેર જતો હતો.તરસ લાગી એટલે તારા ઘર તરફ આવ્યો..'' બલ્લુએ ઉત્તર દેતા કહ્યું.
''એમાં શું ? રોજ આવી જવાનું ! ફ્રિજનું પાણી પીતા જવાનું..'' જંપોએ તાળી આપતા કહ્યું.
''એ બધું ઠીક પણ આ તું શેની તૈયારી કરી રહ્યો છે ?'' બલ્લુએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
''આ તો વિડીઓ બનાવી રહ્યો હતો ! '' જંપોએ તરત મોબાઈલ બતાડતા કહ્યું.
''વિડીઓ ? તું ફિલમમાં ભાગ લેવાનો છે ! '' બલ્લુએ ફરી પૂછ્યું.
''ના રે ના..આતો મોબાઈલમાં 'ટીકટોક' ખરું ને ! એની માટે બનાવું છું...'' જંપોએ મોબાઈલમાં ટીકટોક એપ્લિકેશન બતાડતાં કહ્યું.
''આમાં શું હોય ? કઈ રીતે કરવાનું ? આમાં હિરો થવાય ? '' બલ્લુએ એક સાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યાં.
''જો, આમાં એક્ટીંગ કરીને વિડીઓ મુકવાથી આપણને લાઈક્સ મળે...એટલે કે લોકો આપણા વિડીઓને ગમાડે ! ફેમસ પણ થવાય હોં ! '' જંપોએ પુંછડી હલાવતા કહ્યું.
જંપોએ પોતાના અપલોડ કરેલા કેટલાક વિડીઓ બલ્લુને બતાડ્યાં.
''આતો ઠીક છે પરંતુ આખો દિવસ મોબાઈલ વાપરવાથી આંખો બગડે..થોડુંક બહાર નીકળ..આ સોશિયલ મિડિઆ તો ખૂબ ખરાબ હોં ! '' કહેતાં બલ્લુ પોતાને ઘેર જવા ઉભો થયો.
'' ચાલ, આવજે બલ્લુ...થોડાક જ દિવસમાં જોજે હું ફેમસ થઈ જઈશ !'' જંપોએ કહ્યું.
બલ્લુને તો જંપોના નાટક જોઈ હસવું આવી રહ્યું હતું.

બલ્લુ પોતાને ઘેર જઈ રહ્યો હતો.રસ્તામાં એણે બે શિકારીઓને વાતો કરતા સાંભળ્યા.જેઓ જંપો વાંદરાને પકડવાની વાત કરી રહ્યા હતા.તરત બન્ને શિકારીઓનો સંવાદ બલ્લુએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી દીધો.
''આ, જંપો વાંદરો અહીંનો જ છે ! બહું સરસ ડાન્સ કરે છે...'' એક શિકારીએ બીજાને કહ્યું.
''હા, એને પકડી લઈએ તો સરકસ વાળાને આપી દઈશું ! બીજાએ કહ્યું.
''પછી, તો માલામાલ થઈ જઈશું ! '' બન્નેએ હસતા હસતા કહ્યું.

આ બન્ને શિકારીના સંવાદો બલ્લુએ રેકોર્ડ કર્યાં.અને રેકોર્ડિંગ લઈ સીધો જંપોના ઘર તરફ દોડ્યો.

બલ્લુએ ડોરબેલ વગાડી.જંપોએ દરવાજો ખોલ્યો.હાંફતા હાંફતા બલ્લુએ બધી વાત કરી.મોબાઈલમાં રેકોર્ડ કરેલ ક્લીપ જંપોને સંભળાવી.જંપો તો રડમસ થઈ ગયો.
''ખરેખર, બલ્લુ તેં મને ચેતવ્યો ને મહામુસીબત માંથી બચાવ્યો.મેં લાઈક્સ મેળવવાના અને ફેમસ થવાના ચક્કરમાં મારી જાતને જોખમમાં મુકી દીધી.'' જંપોએ રડતા રડતા કહ્યું.

'' ચાલ, કંઈ નહીં હવે આપણે પહેલા આ શિકારીઓને અહીંથી ભગાડીએ '' બલ્લુએ કહ્યું.

તરત જંપોએ બધાં મિત્રોને ફૉન કરીને બોલાવી દીધાં.સૌ વાંદરાઓ તો ફટાફટ આવી ગયાં.અહીં જંપો,બલ્લુ પણ તૈયાર હતા.
સૌ સાથે મળી બલ્લુના કહ્યા પ્રમાણે શિકારીના કેમ્પ પાસે જઈ હૂપા...હૂપ કરવા લાગ્યા.શિકારીઓ તો બધુ પડતુ મુકી દોડવા લાગ્યા.

''ખરેખર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર..ફેમસ થવાના ચક્કરમાં આજે મારો જીવ જાત ! હવેથી, આવા વિડીઓ બંધ..'' જંપોએ આભાર માન્યો.

''એ તો બરાબર, પણ મારી બર્થ-ડે પાર્ટીમાં તમારે નાચવાનું છે હોં કે..'' ટુરટુરી વાંદરાએ કહ્યું ને સૌ હસવા લાગ્યાં.

સૌ સેલ્ફી લઈ છુટા પડ્યાં.


- ધાર્મિક પરમાર 'ધર્મદ'