Drivyaktitva books and stories free download online pdf in Gujarati

દ્વિવ્યક્તિત્વ

ઝલક એક મધ્યમવર્ગની સીધી સાદી છોકરી હતી, તેના માતા -પીતા ના અવસાન બાદ તે એના કાકા -કાકી સાથે રહેતી હતી, ઝલકે બીએડનો અભ્યાસ પૂરો કર્યો અને એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવવા લાગી...
તેના કાકા કાકીને કોઈ સંતાન નહોતું એટલે તેમને પણ ઝલકને ખૂબજ પ્રેમ આપ્યો અને દીકરીની જેમ સાચવી હતી...
ઝલક પાંચમા ધોરણની શિક્ષિકા હતી, તેના કલાસમાં ધવલ કરીને છોકરો આવતો હતો જે મૂંગો હતો, ઝલકને તેની માસુમિયત ખૂબજ ગમતી અને તે ધવલને સરસ રીતે સાચવતી, ઝલક તેને પટ્ટાવાળા પાસે બેસાડીને નીકળતી અને પછી કોઈ એને લઇ જતું...
એક દિવસ પટ્ટાવાળાએ ઝલકને કહ્યું, 'મેડમ, આ મૂંગો છોકરો રોજ કોઈકની રાહ જોવે છે પણ તેને લેવા કોઈજ આવતું નથી, '
ઝલક ગુસ્સામાં પૂછે છે, 'કોઈ લેવા નથી આવતું એનો શું મતલબ??, તો રોજ ક્યાં જાય છે ધવલ?? '
પટ્ટાવાળા ભાઈ કહે છે, 'મેડમ એમ નહિ, કોઈ ઘરનું લેવા નથી આવતું, બાકી રોજ ગાડી આવતી હોય છે જેમાં આ છોકરો જતો રહે છે ',
ઝલક ધવલની પ્રગતિની ચોપડીમાં તેના પેરેન્ટ્સને મળવા માટેની વાત લખે છે...
બીજા દિવસે ઝલક પોતાની કેબિનમાં બેઠી હોય છે, એટલામાં એક અવાજ તેનું ધ્યાનભંગ કરે છે,
'મે આઈ કમ ઈન મેમ?? '
ઝલક સ્વસ્થ થતા કહે છે, 'હા આવો, બેસો '
'હું ધવલનો મોટો ભાઈ ચિંતન છું, તમે બોલાવ્યો એનું કોઈ ખાસ કારણ?? 'ચિંતને પૂછ્યું,
'હા, રોજ ધવલને લઇ જવા કોઈ આવતું કેમ નથી?? 'ઝલકે પૂછ્યું,
'મેડમ, હું નોકરી કરું છું અને અમારા માબાપ ગુજરી ગયા છે એટલે ધવલને લેવા માટે અમારી બાજુમાં રહેતા કાકા આવે છે જેઓ ગાડીમાં આવે છે અને લઇ જાય છે... મોડું થતું હશે વધારે એનો મને ખ્યાલ જ નથી.'ધવલે ઢીલા થતા વાત કરી...
ઝલકને પણ દયા આવી અને આમ તેમની પ્રથમ મુલાકાત ધીરે ધીરે પ્રેમનું સ્વરૂપ બનવા લાગી...
ધવલને હવે ઝલક પોતેજ ઘરે મૂકી જવા લાગી, ઝલક અને ચિંતન બંને એકબીજાને અનહદ ચાહવા લાગ્યા અને ઝલકે આ વાત તેના ઘરમાં કરી જેથી તેના કાકા કાકી પણ ઝલકની ખુશીમાં ખુશ થઈને ઝલકની વાતને સહર્ષ સ્વીકારી લીધી....
ઝલક અને ચિંતનના લગ્ન થયાં,
ચિંતને ઝલકને એક રૂમ બતાવતા કહ્યું કે, 'ઝલક આ રૂમ ના ખોલતી કયારેય, કેમકે એ મારા માબાપનો રૂમ હતો, એમાં એમની યાદો સચવાયેલી છે, એ ખોલીશ તો હું મારી લાગણીઓ સાચવી નહિ શકું',
ઝલકે ખુશીથી સહમતી દર્શાવી...
બીજા દિવસે ચિંતન ઘરેથી નીકળી ગયો, ઘરમાં કામ કરનાર કોઈ નહોતું એટલે ઘરની હાલત પણ કફોડી થઇ હતી એવામાં ઝલકે ઘરનું કામ આટોપવા માંડ્યું,
ધીરે ધીરે દિવસો જવા લાગ્યા...એક દિવસ ઝલકને કબાટની સાફસફાઈ કરતા એક ચાવી મળી,તેને લાગ્યું કે નક્કી આ પેલા રૂમની જ ચાવી હશે, તેને કંટાળો આવતો હતો એટલે તેને વિચાર આવ્યો કે હું જ આ ચાવીથી પેલો રૂમ ખોલીને મારા સાસુ સસરાના દર્શન કરી લઉં એ બહાને કંઈક નવું જોવા અને જાણવા મળી જશે...
ઝલકે ચાવી લઈને દરવાજો ખોલ્યો અને રૂમમાં પ્રવેશી,
અંદરનું દ્રશ્ય જોઈને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું, દીવાલો પરના પોસ્ટર અને ટેબલ પર રાખેલા કાગળો જોઈને ઝલક સમજી ગઈ કે તેનો પતિ કોઈ નોકરી નહિ પરંતુ આતંકવાદી સંગઠનમાં જોડાયેલો છે,
ઝલકને હવે ખૂબજ ડર લાગવા લાગ્યો, તેણે પાછળ ફરીને જોયું તો ધવલ ત્યાં ઉભો હતો,
ઝલક દોડતી ધવલ પાસે ગઈ અને પૂછ્યું, 'બેટા મેં આ દરવાજો ખોલ્યો એ ભાઈને ના કહેતો '
ધવલ રોવા લાગ્યો, અને ઝલકનો હાથ પકડીને પલંગ પાસે લઇ ગયો, ધવલ ફટાફટ નોટબુક અને પેન લઈને આવ્યો અને કંઈક લખવાં લાગ્યો,
ઝલકને ખૂબજ બીક લાગી રહી હતી, ધવલે લખીને નોટ ઝલકને આપી, જેમાં કંઈક આવું લખેલું હતું,'આંટી મને માફ કરજો પણ હું જાણીને પણ તમને ના જણાવી શક્યો, ચિંતનભાઈ મારા ભાઈ નહિ પણ મારા પપ્પા છે, મારી મમ્મીને જયારે આ વાતની ખબર પડી ત્યારે ખૂબજ મોડું થઇ ચુક્યુ હતું અને મારી નજરો સામે મારી મમ્મીને મારા પપ્પાએ ગળુ દબાવીને મારી નાખી હતી, મને પણ આ વાતની બીક બતાવીને ચૂપ રાખ્યો, મને બોલતા આવડતું હતું પણ મારી જીભ તેમણે જ કપાવી નાખી અને મને મૂંગો રાખીને તેમના આ કામોમાં મને પણ ઘસેડવા લાગ્યા, પપ્પાએ તમને જાણી જોઈને ફસાવ્યા છે, તેમણે તમને હાથે કરીને જાળમાં ફસાવ્યા છે, તેમના માસુમ ચહેરા પાછળ એક ઘાતકી માણસ છુપાયેલો છે, બની શકે તો તમે મને માફ કરી દેજો પણ તમે અહીંથી ભાગી જાઓ ખબર ના પડે એમ જેમ બને એમ જલ્દી, કારણકે આપણા ઘરમાં પણ કેમેરા ગોઠવેલા છે એટલે પપ્પા ગમે ત્યારે આવી જશે...
ઝલકને આ વાત વાંચીને ખૂબજ રોવું આવી ગયું, તે એનો ફોન લઈને પોલીસને જાણ કરવા જાય છે પણ એ પહેલા ચિંતન ત્યાં પહોંચી જાય છે અને ઝલકનો ફોન લઈને છૂટો નાખી દે છે...
ઝલકને એક લાફો મારીને નીચે પાડી દે છે,ઝલકનો ઈશારો સમજીને ધવલ ત્યાંથી ચિંતનને ખબર ના પડે એમ ભાગી જાય છે...
ચિંતન ઝલકને કહે છે, 'ઝલક તને ખબર છે તારા માટે મેં કેટલી રાહ જોઈ છે, મારી પત્નીને પણ મારા કામોની ખબર પડી ગઈ હતી અને તે આ વાત પોલીસને કહેવા જતી હતી એટલે મરી ગઈ બિચારી પણ હા તું મને વાયદો આપીશ કે તું પોલીસને આ વાત નહિ કરે તો હું તને કંઈજ નહિ કરું ',
ઝલક ડરી તો ગઈ હતી પણ તે હિંમત કરતા બોલી, 'સાલા પાપી, તને એવું લાગે છે કે હું તારા પાપમાં તારો સાથ આપીશ? !! હું તારા હાથે મરવાનું પસંદ કરીશ પણ મારા દેશ સાથે ગદ્દારી ક્યારેય નહિ કરું '
ચિંતન ગુસ્સામાં બોલ્યો, 'ઓહ કમોન, શું દેશ દેશ લઈને બેઠી છું, લાગે છે મારે હવે તને પણ મારી પ્રથમ પત્ની પાસે મોકલી જ દેવી પડશે,'
અને ગુસ્સામાં ચિંતન ઝલક પાસે આગળ વધે છે....
એટલામાં પાછળથી પોલીસ આવી જાય છે અને સાથે ધવલ પણ....
ઇન્સ્પેક્ટર જયરાજ કહે છે, 'Mr.ચિંતન ઉર્ફ વિક્રમ તારી હું કેટલાય વર્ષોથી રાહ જોઉં છું, આજે છેવટે તું મળી જ ગયો અમને' ચિંતન પોલીસના હવાલે થઇ ગયો, તેના પૂરા સંગઠનને પણ પકડી પાડવામાં આવ્યું જેનો શ્રેય ઝલક અને ધવલને જાય છે,

આજે ઝલક ધવલ સાથે એક નવી ઝીંદગી શરુ કરે છે... ઝલક ધવલને સુવડાવીને બાલ્કની પાસે આવે છે અને પોતાના પેટ પર હાથ રાખીને બોલે છે, 'હું તારી રાહ જોઉં છું, બેટા'