Zanpo udaas chhe - 4 books and stories free download online pdf in Gujarati

ઝાંપો ઉદાસ છે.. - 4

એ ટ્રેનમાંથી ઉતર્યો. આજુબાજુ જોયું... બધે નજર ઘુમાવી... બધું અપરિચિત હતું. પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી. એટલામાં કોઈ બીજી ટ્રેન આવવાની જાહેરાત થઇ. પેસેન્જરો પોત -પોતાના સામાન સાથે ગાડીમાં ચડવા માટે તૈયાર થઇ ગયા. ગાડી સ્ટેશને આવતા ની સાથે જ થોડીવાર પહેલાં એને સંસ્કાર અને શિસ્ત ના પાઠ ભણાવી રહેલ એક કાકા શોરબકોર અને ધક્કામુક્કી કરવા લાગ્યાં.. ધક્કામુક્કી માં એય એને ભાન ન રહ્યું કે એક સ્ત્રીને એમના કારણે ધક્કો લાગવાથી એ સ્ત્રીનું સામાન પડી ગયું છે. સ્ત્રીએ કંઈક કહ્યું તો ગાળાગાળી કરવા લાગ્યાં... વાસવ ને હસવું આવ્યું... વાહ રે દુનિયા... શું શિષ્ટતા કે સંસ્કાર માત્ર સલાહ આપવા માટે જ હોય હેં ? એ કાકાએ ઉતારનારા મુસાફરો સાથે તો રીતસરનું યુદ્ધ જ શરુ કરી દીધું. એ બધું વાસવ દિલચસ્પી લઈને જોઈ રહ્યો....
મુસાફરો જવાથી થોડા બાંકડા ખાલી થયાં. એક નજીકના બાંકડા પર એણે આસાન જમાવ્યું. તરત જ એની નજર મોટા અક્ષરે લખેલા એક બોર્ડ તરફ ગઈ. ત્યારે એને સમજાયું કે એ મુંબઈ માં છે.
ત્યાંજ કોઈકે એને બૂમ મારી, 'વાસવ '.
એને નવાઈ લાગી કે મુંબઈ જેવા અપરિચિત શહેરમાં કોણ પરિચિત હોય શકે ? એ ચૂપ રહ્યો.
ફરી સંભળાયું, 'વાસવ '.
એને નજર ઘુમાવીને પાછળ જોયું તો એક યુવાન એને બોલાવી રહ્યો હતો. ચહેરો પરિચિત હતો, પણ નામ કળાતું નહોતું.
ફરી પાછો એ યુવાન બોલ્યો...
' વાસવ છે ને તું... મને ન ઓળખ્યો... ? હું નિખિલ, આપણે સાથે ભણતા હતા. યાદ આવ્યું. '
'ઓહ નિખિલ... તું અહીં ? યાર કેમ છે ?'
' તુ કેમ છે વાસવ ?'
'એ તો તુ તારી નજરે જ જોઈ શકે છે દોસ્ત.. પણ તુ અહીં આમ મુંબઈ માં ? અને અહીં આમ સ્ટેશન પર અચાનક મળી જશે એ મેં વિચાર્યું પણ નહોતું. '
' વાસવ હું મારા એક મિત્રને ટ્રેનમાં બેસાડવા આવ્યો હતો. પણ તું અહીં શું કરી રહ્યો છે ?'
' નિખિલ હું અહીં આવી ગયો બસ... '
'શું વાત છે વાસવ... પૂરી વાત કર.. અરે હું પણ પાગલ છુ. પહેલા તો અહીંથી ચાલ... કોઈ રેસ્ટોરન્ટ માં બેસી વાત કરીએ... '
સ્ટેશન થી બાહર આવીને બંને જણ નિખિલની કાર માં બેસી એક રેસ્ટોરન્ટમાં ગયા. વાસવે નિખિલને બધી વાત જણાવી. એ શાંતિપૂર્વક સાંભળીને આખરે નિખિલ બોલ્યો...
' બધું તો ઠીક વાસવ પણ એક વાત કહીશ એ છોકરી સાથે તે સારું ન કર્યું વાસવ... પણ ખેર હવે તુ અહીં શું કરીશ. ક્યાં જઈશ.. '
' નિખિલ હું શું કરીશ... ક્યાં જઈશ એ મને પણ ખબર નથી... ' ઉદાસીનતાથી વાસવે ઉત્તર આપ્યો..
' ખેર છોડ બધી વાત.. હમણાં તું મારા ઘરે ચાલ... ' કહીને નિખિલ વાસવને પોતાના ઘરે લઇ ગયો.
થોડીવારમાં બંને નિખિલના ઘરે પહોંચ્યા. ઘર સરસ મજાનું હતું. મુંબઈ જેવા શહેરમાં આવું વિશાળ અને મોંઘાઘાટ માર્બલના પથ્થરોથી મઢેલું હતું. અને ફુર્નીચર થી સજાવાયેલું ઘર હોવું એ બહુ મોટી વાત હતી.
સહેજે વાસવે નિખિલ તરફ જોતા કહ્યું... ' આ ઘર.. '
' મારા સસરાનું ઘર છે... મારી પત્ની એમની એકની એક દીકરી... એટલે સસરાના દેહાંત પછી આ બધું અમારું થયું. '
'ઓહ... ' હસીને વાસવે કહ્યું.
નિખિલ વાસવને બેઠક રૂમ તરફ દોરી ગયો. અને જઈને સોફા પર બન્ને બેઠા...
એક સ્ત્રી બે પાણીના ગ્લાસ લઈને બહાર આવી. બંનેને પાણી આપ્યું. વાસવે કહ્યું...
' નમસ્તે ભાભી જી... '
વાસવ વધુ બોલે એ પહેલાં તો નિખિલ બોલ્યો..' અરે આ તારી ભાભી નથી. આ તો કામવાળી બાઈ છે.. ' બંને આ વાત પર હશે છે...
બંને દોસ્તો ઘણી વાર સુધી વાત કરી રહ્યા.
ઘણી વાર સુધી ઘરમાં કોઈ દેખાયું નહિ તો આખરે વાસવે પૂછી જ નાખ્યું...
'દોસ્ત ભાભી જી ઘરે નથી... કેમ દેખતા નથી... ? અને ઘરે બીજું કોઈ નથી. ? કેમ કોઈ નજર પડતું નથી. '
' વાસવ અહીં હું એકલો જ રહું છુ. ને તારી ભાભી મને અહીં એકલો મૂકીને એક દિવસે મને છોડીને દૂર દૂર ચાલી ગઈ. જ્યાંથી એ ફરી ક્યારેય નહિ ફરી શકે. એનાં પિતાજીના મોતનો એને એટલો મોટો આઘાત લાગ્યો હતો કે એ આઘાત એનો જીવ લઈને જંપ્યો. પણ એ હંમેશા જીવંત છે.. અહીં મારા દિલમાં... મને ક્યારેય એને મહેસુસ થવા નથી દીધું કે એ મારી સાથે નથી.'
વાસવ ચુપચાપ સાંભળી રહ્યો. આગળ બોલતા નિખિલે કહ્યું કે ' કાંઈ વાંધો નહિ હવે તું આવી ગયો છે ને.. જ્યાં સુધી કશું ઇન્તજામ નહિ થઇ ત્યાં સુધી તું આરામથી રહે. કોઈ ચિંતા ન કરતો... '
વાસવ નિખિલને અવાચક ની જેમ સાંભળી રહ્યો.
* * *
હવે વાસવ ગરીબ રહ્યો નહોતો, વાસવ અમીર બની ગયો હતો. નિખિલની કંપની માં મેનેજર બની ચુક્યો હતો. વળી રહેવાનું પણ નિખિલ સાથે જ હતું. એની મહેનત અને ઈમાનદારી જોઈને નિખિલે થોડા દિવસો અગાવ એક ગાડી પણ અપાવી હતી. કોઈ વાતની કમી નહોતી. નિખિલની તબિયત ઠીક ન રહેતા. એનું બધું જ કામ એ બખૂબી સાંભળતો હતો... કારોબાર પણ વધ્યો હતો. તેથી અહીંનો બધો કારોબાર વાસવને સંભાળવાનું કહી નિખિલ ગઈ કાલે જ વિદેશની એમની બ્રાન્ચ પર ધ્યાન આપવા વિદેશ ચાલ્યો ગયો હતો. હવે અહીં વાસવ એકલો જ રહેતો હતો. ઘણીવાર નિખિલે એને સમજાવેલો યે ખરો કે એક વાર ગામ જઈ આવ. પણ પૈસો ભલભલાને બદલી નાખે છે. વાસવ સાથે પણ એવું જ થયું. પોતાના દૂર છૂટી ગયા હતાં. વધુ કમાવાની હોડમાં, વધુ મોટો માણસ બનવાની હોડમાં પોતીકા ગુમાવી રહ્યો હતો.
સમય વીતતો ગયો. વાસવને ગામ છોડ્યાને આજે ત્રણ વરસ વીતી ચુક્યા હતાં.
એ બધું ભૂલી ચુક્યો હતો.
માં, પ્રેમિકા, એ પહાડો, વૃક્ષો, નાની નાની ટેકરીઓ, બધું જ...
પણ....
કોણ જાણે કેમ છેલ્લા બે દિવસથી એને વતન યાદ આવ્યા કરતુ હતું. એને પોતાનેય આશ્ચર્ય થતું હતું. જે ગામ માટે એને ભારોભાર અણગમો હતો, પારાવાર તિરસ્કાર હતો, નફરત હતી એ ગામ હમણાં હમણાંથી એને આટલું તીવ્રતાથી કેમ યાદ આવ્યા કરતું હતું ? ત્યારે તો આખા ગામને સળગાવી દેવાની એના મનમા આગ ભડભડતી હતી. ત્યારે તો અચાનક ભૂકંપ આવે ને ધરતી ફાટી જાય ને આખુ ગામ એમાં સમાય જાય અને આખુ ગામ ખેદાન મેદાન થઇ જાય એવો ગુસ્સો અંગ -અંગમાં હતો. એક પ્રચંડ આંધી ઉમટે ને ગામ ખોવાય જાય. ભીષણ ઘોડાપુર આવે ને ગામ આખુ તણાય જાય એવી એની મંશા હતી. એવો એને ભીતરમાં રોષ હતો...તો પછી આજે કેમ એનાં દિલમાં ગામ માટે કૂણી લાગણીઓ જાગવાનો પ્રયાસ કરતી હતી.
એ બાલ્કની માં બેઠો હતો. આસપાસ પાળેલા પંખીઓના લટકેલા પીંજરા આજે અચાનક વ્હાલા લાગવા લાગ્યાં. એને પ્રેમથી પાંજરા પર હાથ ફેરવ્યો. ને ત્યાંજ એક હવાનું ઝોકું બાલ્કની ની જાળી ને ચીરીને ઘરમાં પ્રવેશી ગયું. દીવાલ પર ટીંગાડેલી પુરાણી તસ્વીર હલી એ તરફ એનું ધ્યાન ગયું.
એણે છબી તરફ જોયું... એમાં વૃક્ષો હતાં... એ જોઈ એને એનાં વતનના વૃક્ષો તીવ્રતાથી યાદ આવ્યા... ફરી એક ઝોંકુ આવ્યું.. ને યાદ વધુ તીવ્ર બની...
ના ના નથી યાદ કરવું મારે એ બધું.. ભૂલી ગયો હતો... ભૂલી જવુ છે તો પછી કેમ, કેમ યાદ આવે છે ?નથી યાદ કરવું.. મારે ભૂલી જવું છે એ બધું.. એ યાદ બહુ દર્દીલી છે, હૃદય ચીરી નાખે છે, ના મારે યાદ નથી કરવું...
પણ શું ભૂલવું ?
કેમ ભૂલવું.. ?
કેટલું ભૂલવું ?
શું, કેમ ને કેટલું ભૂલવાના પોતાના મન સાથેના યુદ્ધ માં એ આગળ વધે એ પહેલા જ ઘરનો ડોરબેલ વાગ્યો... ને એની તંદ્રા તૂટી..
કોણ હશે ? ઘરે આ સમયે તો કદી કોઈ આવતું નથી તો આમ આજે અહીં અચાનક કોણ આવ્યું હશે ?
દરવાજા પાસે પહોંચતા પહોંચતા એણે જોરથી પૂછ્યુંયે ખરું 'કોણ ?'
'હું ' બહારથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો...
વાસવ વધુ ચોંક્યો...!!!