Zanpo udaas chhe.. - 5 books and stories free download online pdf in Gujarati

ઝાંપો ઉદાસ છે.. - 5

'કોણ હશે ?' ના સવાલ સાથે વાસવે દરવાજો ખોલ્યો...
સામે કામવાળી બાઈની દીકરી હતી...
આવતાની સાથે જ બોલી ' વાસવ ભાઈ, બે દિવસ માટે માં ગામ ગઈ છે, તો કામ કરવા હું આવીશ. '
વાસવે 'ઓકે ' કહેતાં હળવુ સ્મિત વેર્યુ.
એ કામકાજ માં પરોવાઈ. વાસવ પણ ફાઇલ્સ ચેકીંગ માટે બેઠો. પણ આજે એનું મન કામમાં બિલકુલ લાગતુ નહોતું. એણે કહ્યું..' જયા બાકીનું કામ પછી કર,પહેલા મને આદુવાળી ચા બનાવી આપ '.
'જી વાસવ ભાઈ ' જયાએ અંદરથી જ જવાબ આપ્યો. થોડીવારમાં એ ચા લઈને આવી. એના ચહેરા તરફ વાસવનું ધ્યાન ગયુ.ને એ જોતો રહ્યો. જયા ને જોઈને એને ગામમાં સાથે ભણતી દિપ્તી યાદ આવી... ને મન ફરી ઉદાસ બન્યુ. આજે ગામ ને ગામ ના લોકો ન જાણે કેમ સતત યાદ આવવા લાગ્યાં.
જયા પોતાનું કામ પતાવી ત્યાંથી ચાલી ગયી. વાસવે દરવાજો બંધ કર્યો.ટીવી ઓન કર્યું. એક પછી એક ચેનલ બદલતો રહ્યો. ને ફરી એને ગામ યાદ આવ્યું. આજે સ્મરણ પટ પર માત્ર ગામના ચિત્રો ઉભરાતા હતા. એણે ટીવી બંધ કર્યું. રિમોટ દૂર ફેંકી દીધું. હવે એને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો. યાદો ને રોકવાના અનેક પ્રયત્ન પછી એને દીવાલ પર માથું પટકવાનું મન થઇ આવ્યું. એણે વિચાર્યું ' હવે મારે એ ગામ સાથે શું સબંધ ? એ ગામ તો મારા માટે કડવા ઝેરના ઘૂંટડા સમાન છે. એક ખતરનાક દુઃસ્વપ્ન સિવાય એ ગામમાં એના માટે બીજું છે શું ?
'ત્યાં બીજું કઈ નથી ?' એણે પોતાની જાતને સવાલ કર્યો...
બીજી જ પળે જવાબ મળ્યો.. ' ના, છે... ત્યાં જ બધું છે.. '
'ત્યાં માં છે '
' ત્યાં વૃક્ષો છે '
'ત્યાં પહાડો છે '
' ત્યાં લીમડો છે '
' ને ત્યાં... રીના છે... '
ને રીનાના નામના સ્મરણ સાથે જ એનું હૈયુ એક ધબકારો ચૂકી ગયું.
રીના, પ્યારી રીના..
એ વહેતા ઝરણાની જેમ કલરવ કરતી રીના...
અષાઢી મેઘની જેમ ઝરમરતી રીના....
વસંતની કોયલની જેમ ટહુકતી રીના...
દરિયાના મોજાની જેમ છલકાતી રીના...
ગુલમહોરના ફૂલની જેમ પવનની સાથે મસ્તી કરતી રીના...
રીના... રીના... રીના...
એના સમગ્ર માનસપટ પર રીના છવાય ગઈ.
રીનાના સ્મરણની સાથે જ એની સાથે વિતાવેલી મીઠી મધુરી પળો એને યાદ આવી ગઈ. અને અનેક પ્રસંગોની યાદ અપાવી ગઈ. ત્યાં અણગમતા સુકાભઠ્ઠ રણ ની સમાન ગામમાં રીના જ તો એક મીઠી વીરડી સમાન હતી.
એ ઢળતી સાંજ...
શિયાળીની શરૂઆતની ગુલાબી ઠંડી...
દૂરની એક ટેકરી પર ચારો ચરતી ગાયો, ને પેલા પર્વતના ટોચ પરના પોતાના પ્રિય લીમડાના થડને અઢેલીને બેઠેલા એ અને રીના. એના ખભા પર ઢળેલું રીનાનું મસ્તક, અને છાતી પર રીનાના લાંબા, કાળા, રેશમી વાળ... ને લીમડાની ઝૂકેલી ડાળ...
ને વળી ચોમાસામાં એ વરસાદી રાત....
એ મેઘગર્જના...
વીજળીના ચમકારા....
એ ચોમાસાની રાતોનું જાગરણ...
ને એ જાગરણ વચ્ચે ચાલતા સંવાદો...
' રીના... '
'હમમમ વાસવ... '
'કેમ કાંઈ બોલતી નથી રીના...'
' શું બોલું.. ?'
'કાંઈ પણ બોલ રીના, તારું આ મૌન મને અકળાવી રહ્યું છે...એ ક્યાંક મારો જીવ... '
' ના વાસવ ના, આવું ના બોલ... '
' રીના એક વિચાર ક્યારથી મને સતાવી રહ્યો છે, તને કહું ?'
' બોલ વાસવ... '
' તું મને ક્યારેક છોડી તો નહીં દે ને ? ક્યાંક ભૂલી તો નહીં જાય ને ?'
' હું ભૂલું ? એ પણ તને ? વ્હાલા, દિલથી કદી ધડકન ને જુદી કરાય ?'
' હમમમ, રીના હું પણ તારાથી ક્યારેય દૂર નહીં જાવ.. તુજ મારુ જીવન છે રીના.. '
' હા વાસવ જાણું છું... આપણે ક્યારેય એક-બીજા વગર ન રહી શકીએ... '
'રીના હું દુનિયાના કોઈપણ ખૂણે જાવ,તો તને સાથે લઇ જઈશ... તને ક્યારેય એકલી નહીં રહેવા દઉ...જીવનના હરપળે હું તારી સાથે હોઈશ... તારાથી દૂર થવાની પળ હું આપણાં જીવનમાં ક્યારેય નહીં આવવા દઈશ... '
'હા વાસવ, જાણું છું તું મને ક્યારેય દગો નહીં કરે... અને હા હું તને મારાથી ક્યારેય દૂર જવા જ નહીં દઉં ને... ' કહી સાવ નાના બાળકની જેમ રીના વાસવને બાઝી પડતી...એ પણ રીનાને ને બાહોપાશમાં જકડી લેતો...
' રીના.... ' એ જોરથી બોલી ઉઠ્યો... અને હાથમાં રહેલા તકિયાને બાઝી પડ્યો... ' રીના રીના રીના... હું તને ક્યારેય નહીં ભૂલું રીના...એય રીના તું આજે કેમ આટલી સતાવે છે... ઓ રીના... ' કહેતા કહેતા આંખો ભીની થઇ ગઈ...
ફોનની ઘંટડીએ એ હોશમાં આવ્યો. જરૂરી ફોન હતો તે વાત પતાવી...ને એ રૂમમાં ગયો.. ટેબલ પરથી કાગળ અને પેન હાથમાં લીધા. ને કાગળ લખવાની શરૂઆત કરી...
' રીના..... '
* * *