Lockdown- 21 day's - 12 books and stories free download online pdf in Gujarati

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૨


લોકડાઉનનો બારમો દિવસ:

એક તરફ સુભાષ સુરભીના કારણે ચિંતાઓમાં ઘેરાયેલો હતો તો બીજી તરફ મીરાં સુભાષના કારણે. મીરાં પોતાના સંબંધને પહેલાની જેમ જીવંત કરવા માંગતી હતી ત્યારે સુભાષ એક નવી જ ગૂંચવણમાં પરોવાઈ ગયો હતો. આ ગૂંચવણનો અંત કેવી રીતે લાવવો તે સુભાષની ચિંતાનું કારણ હતું.

સુભાષે ક્યારેય વિચાર્યું નહોતું કે સુરભી સાથે તે શારીરિક સંબંધથી જોડાશે પરંતુ સુરભી તેના નજીક આવવાના બધા જ પ્રયત્નો કરી રહી હતી, તે સુભાષ સાથે પોતાના શરીરની ભૂખ સંતોષવા માંગતી હતી, પરંતુ સુભાષ સાથે તેને એકાંત મળતું નહોતું. સુભાષ પણ પોતાની જાતને સુરભી આગળ ખુલીને અભિવ્યકિત કરતો હતો, એક દિવસ સુભાષને સુરભીએ પૂછી જ લીધું કે: "મીરાં સાથે ઝગડા થાય છે તો બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે?" આ વાતનો જવાબ પણ સુભાષે સુરભીને ખુલીને આપ્યો હતો, સુભાષ અને મીરાંના ઝગડાને એક વર્ષ કરતાં પણ વધારે સમય થઇ ગયો હતો, અને આ એક વર્ષમાં બંને વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધો બંધાયા નહોતા. તે વાત પણ સુભાષે સુરભી આગળ સ્વીકારી હતી. સુરભી માટે તો આ એક અવસર સમાન હતું, તેને આ વાત સાંભળી અને વધારે ખુશી મળી, તે તો આ તકની જાણે રાહ જોઈ રહી હોય. તેને પણ પોતાના પતિ સાથે છેલ્લા ઘણા સમયથી સંબંધો નથી બંધાયાની વાતની કબૂલાત સુભાષ સામે કરી જ દીધી. પરંતુ સુભાષને આ વાતથી કોઈ ખાસ ફરક ના પડ્યો, સુરભી એ સમયે સુભાષ સામેથી પોતાની સાથે સંબંધો બાંધવાની વાત કરે તે જાણવાની રાહ જોઈ રહી હતી અને સુભાષ માત્ર દિલાસો વ્યક્ત કરીને જ ચાલ્યો ગયો હતો.

એ સમયે સુરભીને સુભાષ ઉપર ગુસ્સો પણ આવ્યો હતો, પરંતુ સુરભીએ એ જ દિવસે નક્કી કર્યું હતું કે કોઈપણ રીતે સુભાષ સાથે શારીરિક સંબંધો બાંધી લેવા, તે કોઈ એવી તકની રાહ જોઈ રહી હતી જયારે તેને સુભાષ સાથે એકાંત મળે.

લોકડાઉનને અગિયાર દિવસ વીતી ગયા હતા, પરંતુ મીરાં માટે બાકીના બચેલા દિવસો હવે ઓછા લાગવા લાગ્યા હતા. તે સુભાષ સાથેના પોતાના સંબંધને ફરી સજીવન કરવા માંગતી હતી, "લોકડાઉન ખુલી જશે અને સુભાષ કદાચ ડિવોર્સ આપી દેશે તો? કદાચ આટલા દિવસમાં હું પહેલા જેવી મીરાં ના બની શકી તો?" આવા ઘણા પ્રશ્નો મીરાંને અકળાવી રહ્યા હતા, જયારે લોકડાઉનનો પહેલો દિવસ હતો ત્યારે તેને એમ થતું હતું કે સુભાષ ઘરમાં જ રહેશે તો દિવસ કેવી રીતે પસાર થઇ શકશે? બંને વચ્ચે ઝગડા પણ થશે? પરંતુ એક પછી એક દિવસ એવી રીતે વીતવા લાગ્યો જાણે મીરાંના હાથમાં રહેલી રેતી સરકી રહી હોય. પણ મીરાં હવેના દિવસોને વધુ સારા બનાવવાના પ્રયત્નોમાં લાગી ગઈ હતી અને સુભાષને ગઈકાલે ઊંઘમાં ચુંબન આપીને તેને શરૂઆત પણ કરી જ દીધી હતી. બસ આ વાતની જાણ હજુ સુભાષને નહોતી.

સવારે જયારે ચા પીવા માટે મીરાં અને સુભાષ બેઠા ત્યારે મીરાંના ચહેરા ઉપર સુભાષને જોઈને મંદ મંદ શરમ અને મીઠું સ્મિત પણ ઝળકી રહ્યું હતું, સુભાષે મીરાંના ચહેરા સામે જોયું અને તેને લાગ્યું કે કોઈક તો વાત છે જેના કારણે મીરાં આટલું હરખાઈ રહી છે. પહેલા તો સુભાષ કઈ પૂછવા નહોતો માંગતો પરંતુ મીરાંને આટલું હરખાતા જોઈ પૂછી જ લીધું: "શું કારણ છે મીરાં? કેમ તું આટલું હરખાઈ રહી છે?"

સુભાષના પૂછવા ઉપર મીરાંના ચહેરાનું હાસ્ય વધુ ગાઢ બન્યું અને તેને કહ્યું: "કઈ નહિ, બસ એમ જ." પરંતુ મીરાંના જવાબથી સુભાષને એટલો સંતોષ થયો નહીં, ફરી પાછું તેને પૂછ્યું: "કંઈક તો કારણ છે જ, તું કારણ વગર આટલું ના હસી શકે?" મીરાંને હવે સમજાઈ રહ્યું નહોતું કે તે આ વાતને સુભાષ સાથે કેવી રીતે અભિવ્યક્ત કરી શકે છતાં પણ તેને "કઈ નહિ" કહીને જ વાતને વિરામ આપી, રસોડા તરફ ચાલી ગઈ.

સુભાષ મીરાંના હસવા પાછળના કારણને સમજી શક્યો નહીં, તેને ટીવીમાં સમાચાર ચાલુ કરી જોયા, લોકડાઉન હોવા છતાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા હતા, ગઈકાલના દિવસમાં જ 623 નવા કેસ સામે આવ્યા હતા અને મોટાભાગના લોકોના સંક્રમિત થવા પાછળનું કારણ દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલી તબલીગી જમાત જ હતી, સુભાષ ઘરમાં બેસી પોતાનો ગુસ્સો અભિવ્યક્ત કરવા સિવાય બીજું કરી પણ શું શકવાનો હતો? મનમાં જ તે સમાચાર જોઈને થોડો ગુસ્સે પણ થયો.

આ તરફ મીરાં રસોડામાં કામ કરતા કરતા પણ પોતાના પહેલાના દિવસો યાદ કરવા લાગી, જયારે લગ્ન કરીને પહેલો જ દિવસ સુભાષ સાથે હતો. સુભાષનું ગામડાનું ઘર આમ મોટું હતું, પરંતુ એ બંને માટે સુભાષના મિત્રોએ ગામની નજીક આવેલી એક હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો, સુભાષ અને મીરાં આ પહેલા ક્યારેય એકબીજાની આટલા નજીક આવ્યા નહોતા, બંનેએ સાથે જ નક્કી કર્યું હતું કે સંબંધોને લગ્ન બાદ જ આગળ વધરાવા જોઈએ, પોતાના લગ્નની પહેલી રાત્રિને લઈને સુભાષ ખુબ જ ઉત્સાહિત હતો. પરંતુ મીરાંના મનમાં લગ્નની પહેલી રાત્રેએ જ ડર જન્મ્યો હતો, લગ્ન કરીને ઘરે આવ્યા બાદ, બધો વિધિ પૂર્ણ કરીને બંનેને એક કાર હોટેલમાં મૂકી આવી, ત્યાં રૂમને સુભાષના મિત્રોએ સુંદર રીતે શણગારી હતી, સુભાષ અને મીરાં આ જોઈને ખુશ થયા, લગ્નનો થાક પણ બંનેના ચહેરા ઉપર હતો, પરંતુ પોતાના લગ્નની પહેલી રાત્રી હોવાના કારણે સુઈ જવું પણ યોગ્ય ના ગણાય, જયારે સુભાષ મીરાંની નજીક આવવા લાગ્યો ત્યારે મીરાંએ તેને રોકી લીધો. સુભાષ અને મીરાં બંને ભણેલા હતા છતાં કેટલીક બાબતોથી અજાણ હતા, જેના કારણે મીરાંએ સુભાષને હમણાં આગળ વધવા માટે ના કહ્યું, કારણ કે મીરાં પોતાના લગ્ન જીવનને માણવા માંગતી હતી, તે નહોતી ઇચ્છતી કે શારીરિક સંબંધોમાં આગળ વધીને તે બાળકની માતા બની જાય અને પછી એમાં જ વ્યસ્ત રહે. સુભાષ પણ તેની વાત સાથે સહમત થયો અને બંનેએ એકબીજાને ભેટી મોડા સુધી ભવિષ્યની ચિંતાઓ અને સુખી લગ્ન જીવનના સપના જોયા.

આ વિચાર આવતા જ મીરાંએ વિચાર્યું કે સુભાષ કેટલો સમજુ હતો, જેના માટે દરેક પુરુષ રાહ જુએ છે અને જયારે સુભાષને એ ક્ષણ મળી ગઈ ત્યારે એને પણ મારી ચિંતા ખાતર સહેજ પણ ખચવાટ અનુભવ્યા વગર મારો સાથ આપ્યો હતો, અને આવું જ ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું, અને છેલ્લે મીરાં અને સુભાષ દ્વારા સાવચેતી રાખીને સંબંધને આગળ વધારવામાં આવ્યો હતો, અને ત્યારે એ બંને એકબીજા સાથે શરીરથી પણ એક થયા હતા.

મીરાંને એ સમયની યાદ આવતા તેના હોઠ સતત મલકાતાં હતા, અને અચાનક તેને કઈ યાદ આવતા એક અલગ જ ઉદાસી તેના ચહેરા ઉપર વ્યાપી ગઈ, તેને યાદ આવ્યું છેલ્લે તેને સુભાષ સાથે ક્યારે સંબંધ બાંધ્યો હતો? તેના સ્વભાવ અને વર્તનના કારણે તે શરીરથી પણ સુભાષથી દૂર થતી ગઈ, એક જ પથારીમાં સુઈ રહેવા છતાં પણ બંને વચ્ચે હજારો કિલોમીટરનું અંતર વ્યાપી ગયું અને તેની પાછળ જવાબદાર મીરાં જ પોતાની જાતને માનતી હતી, તેને એવો અફસોસ થવા લાગ્યો કે તેને સુભાષ સાથે ઘણું ખોટું કર્યું છે, છેલ્લા ત્રણ વર્ષથી સુભાષને સાંસારિક જીવનથી અળગો કરવાનું કારણ તે પોતે જ બની છે. જેના ઉપર તેનો હક હતો એ પણ હું તેને નથી આપી શકી એ વાતનો અફસોસ મીરાંને અત્યારે સતાવવા લાગ્યો, તેની આંખોમાંથી આંસુઓ છલકી આવ્યા.

આંસુઓ લૂછતાં તેને રસોડામાંથી બેઠક રૂમમાં બેઠેલા સુભાષ તરફ નજર કરી, સુભાષનું ધ્યાન ટીવીમાં હતું, અને નક્કી કર્યું કે હવે થોડા જ દિવસમાં હું સુભાષને એ સર્વસ્વ આપીશ જેનો તે હકદાર છે.

બપોરે જમીને સુભાષ અને મીરાં બેઠક રૂમમાં જ બેઠા. મીરાંએ સુભાષ પાસે આજે મન મક્કમ કરીને માફી માંગતા કહ્યું: "સુભાષ મને માફ કરી દેજો, છેલ્લા ઘણાં સમયથી હું તમારી સાથે કંઈક અલગ જ વર્તન કરી રહી હતી, મને હવે મારી ભૂલ સમજાય છે, આપણે બંને રહેતા તો એક જ ઘરમાં હતા, પરંતુ આપણા વચ્ચેનું અંતર ઘણું જ વધી ગયું હતું. આ બધા માટે પ્લીઝ મને માફ કરજો." આટલું બોલતા જ મીરાંની આંખો આંસુઓથી છલકાવવા લાગી, સુભાષ પોતાની જગ્યાએથી ઊભો થઇ અને મીરાં પાસે ગયો, મીરાંના હાથમાં પોતાનો એક હાથ પકડી બીજા હાથે આંખોના આંસુ લૂછતાં કહ્યું: "અરે એમાં રડે છે શું કામ? જે થયું તેને હવે ભૂલી જા, આપણે જીવનની નવી શરૂઆત કરવાની છે, ભૂતકાળ હંમેશા ભૂલવા માટે હોય છે, અને તેને ભૂલીને જેટલા આગળ વધીએ એટલું જ આપણા માટે સારું હોય છે."

સુભાષની વાત સાંભળતા જ મીરાંએ સુભાષના ખભે માથું મૂકી દીધું, ઘણાં દિવસો પછી આ બંનેના જીવનમાં આવી ક્ષણ આવી હતી, સુભાષ તેના માથામાં હાથ ફેરવતો રહ્યો, અને સમજાવતો રહ્યો, બંને મોડા સુધી આજે બેઠક રૂમમાં જ બેસી રહ્યા, મીરાં પોતાની ભૂલો માટે સુભાષ સામે માફી માંગતી રહી અને સુભાષ તેને સમજાવતો રહ્યો. રાત્રે તો બંનેને વાત કરવાનો અવસર મળતો નહોતો પરંતુ સુભાષ રાત્રે સુતા પહેલા વિચારતો રહ્યો કે: "મીરાંએ પોતાની ભૂલોની માફી તો માંગી લીધી છે, શું હું મારી ભૂલોની માફી મીરાં સામે માંગી શકીશ? શું મીરાં મારી ભૂલ વિષે જાણી મને માફ કરી શકશે?"

(શું સુભાષ સુરભી સાથેના સંબંધોની કબૂલાત મીરાં સામે કરી શકશે? શું સુરભી સુભાષને પોતાની સાથે શારીરિક સંબંધ બનાવવા મનાવી લેશે? કેવો આવશે આ નવલકથામાં વળાંક? જાણવા માટે વાંચતા રહો "લોકડાઉન- 21 દિવસનો ભાગ-13)


લે. નીરવ પટેલ "શ્યામ"