Bhinash - 1 - chorino kisso books and stories free download online pdf in Gujarati

ભીનાશ - 1 - ચોરીનો કિસ્સો

એક ચોર હતો, જેનું નામ ગણપત. ગણપત અત્યારે જેલમાં હતો, ગઇકાલે રાતે જ એ જીવનમાં પહેલી વાર કોઇના ઘરમાં ચોરી કરવા ગયો અને રંગે હાથ પકડાઇ ગયો. અત્યાર સુધી નાના મોટા પાકીટમારીના અને મોબાઈલ તફડંચીના જ કામ કરતો હતો, પણ જરુર એવી ઉભી થઇ કે મોટી રકમ હાથ લાગે તો જ કામ થાય એવું હતું. એટલે મજબૂરીમાં મોટા બંગલામાં ચોરી કરવાનું નક્કી કર્યું. બંગલો તો બહુ સરસ જોઇને પસંદ કર્યો, અને કોઇની ખાસ અવર જવર ના હોય અને એમાં ઓછા લોકો રહે છે એવો અંદાજો આવ્યો પછી જ એણે રાતે અઢી વાગે અંદર દાખલ થવાનું નક્કી કર્યું. અન્ય એક ચોર મિત્ર પાસેથી તિજોરી તોડવાનું સાધન તો લઇ જ આવ્યો હતો. આ કામમાં જોખમના જ પૈસા હોય છે, એટલે ચોરીના માલમાં ભાગ નથી મળવાનો એ જાણી મિત્ર સાથે આવવા તો તૈયાર ના થયો પણ તિજોરી કઇ રીતે તોડવાની તે તેને બતાવી દીધું. પણ આ કામનો તેને કોઇ અનુભવ નહોતો. લોચો પડી જ ગયો. સાધન વડે એ તિજોરી તોડતો જ હતો અને વધુ બળ પ્રયોગ કરવા જતાં નિયંત્રણ ના રહ્યું, તિજોરીનું આખું પડખું ઉછળીને એની ઉપર આવ્યું. ચહેરા ઉપર જ એટલું જોરથી વાગ્યું કે નાક છુંદાઇ ગયું, અને મોઢામાંથી રાડ પડી ગઈ, ધડામ દઈને તિજોરી તૂટવાનો મોટો અવાજ આવ્યો એ તો અલગ. ઘરધણી સહિત અડોશ પડોશના લોકો જાગી ગયાં. અને ગણપતના ભાગવાના હોંશ જ નહોતાં. પહેલાં તો બે ચાર જણાં ઉપર આવ્યાં અને એને તરફડિયા ખાતો અને તૂટેલી તિજોરી જોઇને બધું સમજી ગયાં. પાંચ જ મિનિટમાં ત્યાં પચ્ચીસ ત્રીસ લોકોનું ટોળું થઈ ગયું. એનો ચહેરો થોડો ઘણો છુંદાઇ ગયો એ તેનું બદનસીબ, પણ એના કારણે એ લોકોના ઢોર મારથી બચી ગયો એનું સદનસીબ. લોકોએ પોલીસને સુપ્રત કરી દીધો. હોસ્પિટલમાં ડ્રેસિંગ કરાવતાં કરાવતાં અને નાક પર ટાંકા લેવડાવતાં લેવડાવતાં જ પોલીસ સામે ગુનો કબૂલી લીધો.

ગણપત જેલમાં બેઠો બેઠો વિચારી રહ્યો હતો કે આજે કોર્ટમાં લઈ જશે અને ત્યાંથી સેન્ટ્રલ જેલમાં. એની કોઇ ચિંતા નથી, પણ મનમાં વ્યથા તો બીજી જ છે. આવા વિચારોની વચ્ચે જ કોન્સ્ટેબલે જાળીનો દરવાજો ખખડાવી એનું ધ્યાન દોર્યું. "મનહર દાદા મળવા આવ્યા છે તને". મનહર દાદા? મનહર નામ તો સાંભળેલું હોય એવું લાગ્યું ગણપતને. પછી એને યાદ આવ્યું, હા! જે બંગલામાં કાલે ચોરીનો મહા નિષ્ફળ પ્રયાસ કર્યો એના માલિકનું જ તો નામ છે મનહરલાલ. ચોરી કરતાં પહેલા બંગલાનો અભ્યાસ કરતી વખતે એકાદ વાર બહારથી જોયા પણ હતાં, અને તિજોરીનો ભાગ એના પર પડ્યો એટલે દોડીને જે ચાર જણ પહેલા ઉપર આવ્યા તેમાં પાડોશીઓને સાથે લઇને એ જ ઉપર આવ્યા હતાં.

થોડી વાર પછી જેલની ઓરડીમાં બે ખુરશીઓ પથરાઇ અને ગણપત મનહરલાલની સામે બેઠો હતો. પાંસઠ સિત્તેરની આસપાસની ઉમર લાગતી હતી એમની.

મનહરલાલ : "શું ઉમર છે તારી?"
ગણપત : "બાવીસ, સાય્બ."
મનહરલાલ : "ઘરમાં કોણ કોણ છે?"
ગણપત : "હું અને માવડી."
મનહરલાલ : "ભાઇ બેન નથી?"
ગણપત : "ના, મું વરહ દાડાનો થ્યો એની મોર જ બાપા ગુજરી જ્યા."
મનહરલાલ : "લગન નથી કર્યા?"
ગણપત : "પૈસા નય્થ. અને હંધાય જાણે હે જાતમાં કિ મું ચોરી કરું હું. કોઇ છોડી નો દે."
મનહરલાલ : "કેટલી ચોરી કરી આજ સુધી?"
ગણપત : "કુઇના ઘયરમાં પેલ્લી. મુબાઇલ ને પર્સ બહુ ઠામિયાં."
ગણપતને ચહેરા પર દુખાવો તો હજી ખાસ્સો હતો જ, એટલે ધીરે ધીરે અને ટૂંકું જ બોલતો હતો.
મનહરલાલ : "એટલે હવે ઘરમાં ચોરી કરવાનું મારે ત્યાંથી જ શ્રીગણેશ કરવાનો હતો, એમ ને?"
ગણપત : "ના, ચ્યારેય નોતી કરવી... પણ સરકારી દાગતરે કીધું... માવડીને પેટમાં સેંટ નાખવો પડહે.... એઇક લાખ તો સરકારીમાંય થાહે.... સાધન પેટમાં ઉપરેશન કરીને રાખવાનું આવે ઈ.... ઈ સાધનનો રૂપિયો જ આટલો. ઉપરેશન તો સરકારીમાં મફોત." બહુ દુખતું હતું તોય ગણપત અટકી અટકીને લાંબું બોલ્યો.
મનહરલાલ : "શું તકલીફ છે તારી મા ને?"
ગણપત : "પેટમાં કોઇ હડો થઈ જ્યો... ઈમ દાગતર કયશ.... કાંઇ ખવાતું નઇ... તે શરીર ઉતરી જ્યું... હાલ દાખલ સે... ગળે ભૂંગળી છે... ખવડાવવા હારું... હું તો આંય છું... મને જોયા વણ ઈને બૌ મૂંઝારો થઈ જ્યો હશે... "
એટલું બોલતા બોલતા ગણપતની આંખમાં આંસુંના ટપકા બાઝી ગયાં, અને એ એના ચહેરા કે નાકના દુખાવાના કારણે નહોતાં. મનહરલાલને પોતાની સ્વર્ગસ્થ પત્ની, કે જે ચાર મહિના પહેલા જ કેન્સરથી પીડાઇને મૃત્યુ પામી હતી, તે યાદ આવી ગઇ. કેન્સરના કારણે પૂરા એક વર્ષ સુધી હેરાન થયા, અને મનહરલાલે એકલા હાથે ભરપૂર સેવા કરી... પૈસાની તો કોઇ કમી હતી જ નહીં. નોકર ચાકરની જોઇએ એ બધી મદદ મળી. પણ એ અંતિમ સમયે બન્ને જણાં સિવાય ઘરનું કોઇ વ્યક્તિ સહાયમાં નહોતું કે જે માનસિક સહારો આપે.
"સાય્બ, મોટી જેલમાં ઘાલ દે એની મોર એયક વાર... માવડીને મેળવી દો.... મું ઇને છેલ્લી વારનું હમજાય દવ." એમ બોલતામાં એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

જતાં જતાં મનહરલાલ ઇન્સપેક્ટરને કહેતા ગયા, "આને છોડી દો. હમણાં જ. આ રાખો દસ હજાર રૂપિયા... જે પણ કાયદાકીય સેટીંગ કરવું પડે એના માટે. અને એની મા ના ઇલાજનો જે કંઇ પણ ખર્ચો થાય તે હું આપીશ..."
ઈન્સ્પેકટર આશ્ચર્ય પામી બોલ્યાં, 'શું વાત કરો શેઠજી! આ તો રીઢો ગુનેગાર છે. એક વાર વિચારી જુઓ, શેઠ. અને તકલીફ તો કોના ઘરમાં નથી હોતી...'
મનહરલાલે ઇન્સપેક્ટરને આગળ બોલતાં અટકાવી દીધાં, "પ્લીઝ, આપ મેં કહ્યું એમ જ કરો. મારે કંઈ વિચારવાનું નથી."

ઘરે પહોંચીને મનહરલાલે કોમ્પયુટર ચાલુ કર્યું, જેના સ્ક્રીન પર એમના આધેડ વયના પુત્રનો ફોટો હતો, જે છેલ્લાં પંદર વર્ષથી અેના પરિવાર સાથે અમેરિકા જ છે. એન્જિનિયરિંગમાંથી હવે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે અને બહુ જ સરસ "વેલસેટ" છે. તે છેલ્લે પાંચ વરસ પહેલાં આવ્યો હતો. હમણાં દોઢ વરસ પહેલાં માતાની માંદગી વિષે સાંભળીને એણે દિલગીરી વ્યક્ત કરેલી કે હમણાં જ બિઝનેસની બીજી બ્રાન્ચ ચાલુ કરી છે એટલે તે નહીં આવી શકે. સમગ્ર માંદગી દરમિયાન તો "વ્યસ્તતા"ના કારણે ના જ આવી શક્યો પણ માતાનું "અચાનક" મૃત્યુ થયું એ અરસામાં જ જોગાનુજોગ એના બિઝનેસની ત્રીજી બ્રાન્ચનું ઈનસ્ટોલેશન હતું એટલે અગ્નિદાહ આપવા કે એના પછી અત્યાર સુધી ના આવી શક્યો. આવતા મહિને ત્યાં વેકેશન છે તો બૈરી છોકરા સાથે આવશે, દસ દિવસનું કેરાલાનું અને અઠવાડિયાનું હિમાચલ પ્રદેશનું એમ બે ટુરનું બુકિંગ પણ કરાવ્યું છે.

મનહરલાલ એના ફોટા સામે કેટલીયે મિનિટ સુધી જોઈ રહ્યાં.... પણ તેમને એનામાં ગણપત ના દેખાયો તે ના જ દેખાયો.